પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 20 January 2022

આવતી કાલ એ આજનું સપનું છે...


જે લોકો પોતાના સપનાને નથી જીવી શકતા એ તેમના ડરને જીવે છે

સપનું ક્યે હું ચોક્સ આવું,

પણ ભઈલા તું ઊંઘે તો ને ?

ઝાકળ ક્યે હું પણ નવરાવું,

અંદરથી તું ઊગે તો ને ?

કૃષ્ણ દવે

સપના વ્યક્તિના ચરિત્રનો સચોટ માપદંડ છે. સપના એટલે જવાબદારીઓનો આરંભ. એ પણ એટલું જ સાચું છે કે, જેને પોતાના સપનાના સૌંદર્યની સમજ પડે છે એના કદમોમાં દમામદાર ભવિષ્ય હોય છે. સપનાનો હંમેશા એક જ માલિક હોય, એટલે શમણા જોવાવાળો સદા સર્વદા એકલો જ હોય. સ્વપ્નવીર એકલો હોય એટલે જ એ યોદ્ધાની માફક આગળ વધવા હંમેશા થનગનતો હોય.

સ્વપ્ન સૌ કોઈ જૂએ છે. બંધ આંખોથી અને ખુલ્લી આંખે શમણા જોવાતા હોય છે. ખુલ્લી આંખે જોવાયેલા સ્વપ્ન એટલે નવી આશા, ઉન્નત આકાંક્ષા અને મહેકતી મનોકામનાનો મઝાનો આયનો. દરેક વ્યક્તિ સેવેલા સ્વપ્ન સાકાર કરવા ઇચ્છતો હોય અને એના માટેની પ્રેરણાની ઝંખના કર્યા કરતો હોય. પ્રેરકબળ શોધતો રહેતો હોય. ગઈકાલ આજની યાદ બનીને રહી જાય છે. આવતી કાલ આજનું સપનું હોય છે. કોઈપણ શમણું જાદુઈ લાકડી ઘુમાવીને હકીકત બની નથી જતું. શમણાને જમીની હકીકત બનાવવા માટે અથાક પરિશ્રમનો પ્રસવેદ અને દ્રઢ સંકલ્પનો સમન્વય જોઈએ.

ક્રિસ્ટોફર ઈવાન્સના સંશોધન અનુસાર શમણા એ વ્યક્તિની અમૂલ્ય મૂડી છે. સ્વપ્ન વ્યક્તિના જીવનની ઇમારતનો મજબૂત પાયો છે. કોઈપણ વ્યક્તિ થાક ઉતારવા માટે નહીં પણ સપના સમજાવવા માટે ઊંઘતો હોય છે. સામાન્ય રીતે લોકો એમ સમજે છે કે, પડતાં વેંત સુઈ જઈએ અને આજુબાજુનો કશો ખ્યાલ ન રહે કોઈ સપનું ન આવે એવી ઊંઘ એટલે સરસ મઝાની ઊંઘ કહેવાય. જો કે ઈવાન્સના મતે સપના વિનાની ઊંઘ અધકચરી અને અર્થવગરની ઊંઘ કહેવાય.

જગતભરના ચિંતકો અને સંશોધકોના મંતવ્ય મુજબ સુતેલા વ્યક્તિની પાંપણ નીચે કીકીની રેપીડ આઈ મુવમેન્ટથતી હોય ત્યારે એ સ્વપ્ન જોતો હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ તેની નિદ્રાના સમયનો એક ચતુર્થાંશ ભાગ સ્વપ્ન જોવામાં ગાળતો હોય છે. મનોવૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે કે, વ્યક્તિની અધુરી ઇચ્છાઓ, સંઘર્ષો, લાગણીઓ, પ્રેમ, ભાવના સ્વપ્નમાં રજૂ થતા હોય છે. સપનાનું વિશ્વ અત્યંત વિકસેલુ હોય છે. જ્યારે વ્યક્તિ સુતો હોય છે ત્યારે તેનું અંતરમન જાગૃત હોય ત્યારે કરેલા કાર્યો અને સંવેદનાઓને સુવ્યવસ્થિત કરવાનું કામ કરે છે. ભાવિ રોડમેપ ડિસાઈડ કરે છે. આ જ તો શમણાનુ મુખ્ય કાર્ય હોય છે.

જાગતી વ્યક્તિ સપનું જુએ તો આસપાસના લોકો એને મુંગેરીલાલ કે હસીન સપને...’ કહીને હસતા હોય છે. આ સંદર્ભમાં કોલંબીયન યુનિવર્સિટીના બે તેજસ્વી સંશોધકો, લોરેન્સ શેફર અને એડવર્ડ શોબેનનો અહેવાલ કહે છે કે, જાગૃત અવસ્થામાં જોવાતા દિવાસ્વપ્ન એ માત્ર ખયાલી પુલાવની તરંગી પ્રક્રિયા સમજવાની ભુલ ન કરવી જોઈએ. એમણે કરેલા પ્રયોગો ઉપરથી સ્પષ્ટ થયું છે કે, એમણે લીધેલાં સેંપલ સર્વેના અડધાથી વધારે લોકોએ જગૃત અવસ્થામાં જોયેલા દિવાસ્વપ્ન સાકાર થયાં છે.

માનવી પ્રકાશ જેટલી તેજ રફતારથી આકાશમાં વિહરી શકે એવા આઈન્સ્ટાઈનના દિવાસ્વપ્ને અનેક વૈજ્ઞાનિક આવિષ્કારોને જન્મ આપ્યો. એક વાત તો સ્પષ્ટ છે કે, સ્વપ્ન ઉપર માનવીનો કોઈ અંકુશ નથી હોતો પરંતુ વ્યક્તિના દિવાસ્વપ્નો ચોક્કસ અંકુશમાં હોઈ શકે છે. આગળ વધેલા પૈકી નેવુ ટકા લોકો દિવાસ્વપ્ન જોવાની ટેવવાળા જ હોય છે.

દરેક વ્યક્તિ સપનાનો છોડ વાવી જ શકે છે. વ્યક્તિ ત્યારે જ જીનિયસની વ્યાખ્યામાં બંધ બેસે છે. જ્યારે એ દિવાસ્વપ્ન જોવા લાગે છે. આપણા પિતાનું એક સપનું હતું, આપણા પણ સપના હોય છે. આપણા બાળકોના પણ સ્વપ્નો હશે. સ્વપ્ન અને કલ્પના વગરનું જીવન વિચારી ન શકાય. શમણાવિહિન દશામાં માનવીનું અસ્તિત્વની કલ્પના ન થઇ શકે. વ્યક્તિમાત્રને સપનાની જરૂરિયાત હોય છે. સપનામાં ભોજન જેટલું પોષણ હોય છે.

વ્યક્તિ કેવો દેખાય છે તેનાથી કોઈ ફરક નથી પડતો. વ્યક્તિનું લક્ષ્ય કેવું છે, એની મહેનત કરવાની તમન્ના કેટલી છે, તેણે જોયેલા સપના પાછળ દોડવાની અભિપ્સા કેવી છે. એનાથી વ્યક્તિના જીવનમાં ફરક પડતો હોય છે. સ્વપ્ન જોવાની હિંમત છે તો દુનિયા જીતી શકવાની ક્ષમતા છે.


ધબકાર : મોટા ભાગે લોકો પોતાના સપનાને નથી જીવી શકતા કારણ કે એ લોકો એમના ડરને જીવતા હોય છે.





https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21sep/28092021-4.pdf

No comments:

Post a Comment