પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 20 January 2022

સૌમ્ય સર્જક પિનુભાઇના આત્મબળ અને ખુમારીની પણ નોંધ લેવી ઘટે


 

ગુજરાતી સાહિત્યિકના પ્રાચિન, મધ્યકાલીન અને અર્વાચિન તબક્કાઓ પૈકી થોડુ મધ્યકાલિન અને થોડું અર્વાચિન તબક્કામાં યોગદાન આપ્યું છે એવા એક સર્જકની કહાની છેડવી છે. નામ એમનું પિનાકીન ઉદયલાલ ઠાકોર. આ સર્જકે ગુજરાતી સાહિત્યકાશમાં અમીટ છાપ છોડી છે. પિનાકીનભાઈ ઠાકોર ‘પિનુભાઈ’ના નામે સાહિત્ય સર્જકોના પ્રિયપાત્ર રહ્યાં છે. ત્રણ સાડા ત્રણ દાયકા સુધી બુધસભામાં પિનુભાઈ સાતત્યપૂર્ણ રીતે હાજર રહ્યા. કવિ હર્ષદ ત્રિવેદી કહે છે કે, એ સમયે એમના જેવા નવસર્જકો પિનુભાઈને પીઠાધિશ્વરકહેતા. અત્યંત વિપરીત કારણો સિવાય પિનાકીનભાઈએ કોઈ બુધવારની બુધસભામાં ન ગયા હોય એવું બન્યું જ નથી. ઠંડી હોય કે ધોધમાર વરસાદ પિનાકીનભાઈ બુધસભામાં હોય જ. ગુજરાત સાહિત્ય પરિષદના મંત્રી અને કોષાધ્યક્ષ તરીકે પિનુભાઈએ અવિસ્મરણીય સેવા આપી છે.

ઓકટોબર તારીખ ૧૦, ૧૯૧૬માં બ્રહ્મદેશના મ્યોંગ્મ્યો બંદરે જન્મેલા આ સર્જક ગર્ભશ્રીમંત હતા. તેમના પિતા ઉદયમલનો જરઝવેરાતનો વેપાર હતો. બર્મામાં એમનું બાળપણ વિત્યું. માતા સરસ્વતીના ખોળામાં એમણે ભજનો સાંભળી મા સરસ્વતીના ખોળે એટલે કે કલમના ખોળે આજીવન સાહિત્ય સર્જન કર્યું. રંગૂનમાં પટેલ પરિવારોની બહેનોના કંઠે સાંભળેલા અઢળક લોકગીતોના માધ્યમથી પિનાકીનભાઈનું કવિત્વનુ પોત ઘડાયુ છે. વસુમતી કાકીના અવસાન વેળા પહેલીવાર એમણે મરશીયા સાંભળ્યા. આ ઘટના પિનાકીનભાઈના હૃદયમાં ખૂબ ઊંડે ઊતરી ગઈ હતી.

ત્યારબાદ તો યુવાન પિનાકીનભાઈના માનસપટ ઉપર જીવનના રહસ્યો અને મૃત્યુની વાસ્તવિકતાનું સતત ચિંતન રમ્યા કરતું. આ મનન અને ચિંતનના પરિણામ સ્વરૂપે એમના સાહિત્ય સર્જનમાં સ્નેહ અને પ્રેમના સૌંદર્યનું મેઘધનુષ રચાતુ ગયું. પિનાકીનભાઈ અને કવિ રાજેન્દ્રભાઈ શાહની મૈત્રી ઉલ્લેખનીય છે. રાજેન્દ્રભાઈનો વર્ષ ૧૯૫૧માં પ્રથમ કાવ્ય સંગ્રહ ધ્વની આવ્યો અને પિનાકીનભાઈનો પ્રથમ કાવ્ય સંગ્રહ આલાપવર્ષ ૧૯૫૨માં આવેલો. લગભગ એક જ વર્ષ બંને સર્જકોના કાવ્ય સંગ્રહ પ્રગટ થયાં. અને મજાની વાત એ પણ છે કે, બન્ને સંગ્રહના શીર્ષકો સંગીતની પરિપાટીમાંથી ઉદભવ્યા ‘ધ્વની’ અને ‘આલાપ’. કવિ હર્ષદ ત્રિવેદીના શબ્દોમાં કહીએ તોપિનુભાઈની કવિતામાં જૈ સૌહાર્દસભર પ્રેમ છે, રાષ્ટ્ર પ્રત્યે અહોભાવ અને આશા છે, અદીઠ-અપાર્થિવ પ્રેમની અભિપ્સા છે કે અંગત લાગણીઓની જે આર્જવાણી છે તેની સુન્દરમ, ચં.ચી. મહેતા, અનંતરાય રાવળ, હીરાબહેન પાઠક, જયંત પાઠક તથા રઘુવીર ચૌધરી સહુ વિદ્વાનોએ ઉચિત નોંધ લીધી છે.’

સર્જક પિનાકીનભાઈ ઠાકોરનું વ્યક્તિત્વ બહુમુખી હોવાની સાથે સાથે બહુગુણી પણ હતું. બહુમુખી પ્રતિભાની વાત કરીએ તો માનસપટ ઉપર એક ઉમદા સાહિત્ય પદ્ય અને ગદ્ય સર્જક ઉપરાંત કૃષિ સ્નાતક, સંગીત વિશેષજ્ઞ, ચિત્રકાર, નૃત્યકાર, નાટ્યકાર, સ્ક્રીપ્ટ રાઈટર, ડાયરેકટર તરીકે પિનાકીન ઠાકોરની છબી ઊભરી આવે. અને જ્યારે બહુગુણી પ્રતિભા કહીએ ત્યારે સદાચારી, પાક્કા ગાંધીયન, સરળ, મૃદુભાષિ, વિવેકી, સદગુણી, સ્વાશ્રયી, નિરાભિમાની પણ અટલ ખુમારીવાળુ વિરાટ વ્યક્તિત્વ પિનાકીનભાઈમાં દેખાય.

પિનાકીનભાઈ ગાંધી રંગે સંપૂર્ણ રીતે રંગાયા હતા. એમણે આજીવન ખાદીના વસ્ત્રો જ પહેર્યા. ખાદી પણ હાથ વણાટની જાડી ખાદી એ પહેરતા. સ્વાશ્રયી એટલા કે એમણે જીવનભર કોઈની પાસે પીવા માટે પાણીનો ગ્લાસ સુદ્ધા નહિ મગાવ્યો હોય. પોતાના કપડા આજીવન એમણે જાતે જ ધોયા છે. એમના ત્રણેય પુત્રોને એમણે માધ્યમિક શાળા સુધી ખાદીના કપડા પહેરાવ્યા. કોલેજમાં બાળકો આવતા એમણે કહ્યું, ‘હું તો ખાદી જ પહેરીશ, પરંતુ તમારે હવે જે પણ કપડા પહેરવા હોય તે પહેરવાની છૂટ છે.’ મજાની વાત એ છે કે, આજે તો દેશ વિદેશની અનેક બ્રાંડના કપડા મોલમાં મળતા થયાં છે ત્યારે પણ એમના ત્રણેય પુત્રો દર્શિતભાઇ, અશેષભાઇ અને રાજદુલારભાઇ પિતાના નકશે કદમ ઉપર ચાલ્યા અને આજે પણ ખાદી ભંડારમાંથી જ ખાદીના વસ્ત્રો ખરીદીને પહેરે છે.

સૌમ્ય અને સરળ સ્વભાવ ધરાવતા પિનાકીન ઠાકોરના આત્મબળ અને ખુમારીની પણ નોંધ લેવી ઘટે. સ્વાતંત્ર્ય સંગ્રામની વેળાનો એક કિસ્સો છે. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન પિનાકીનભાઈના નિવાસસ્થાને નિયમિત રીતે મોડી રાત સુધી પત્રિકાઓનું મુદ્રણ થતું અને વહેલી સવારે એ વિતરીત થઈ જતી. બ્રિટીશ સરકારને આ અંગેની બાતમી મળી ગઈ. એક દિવસ પોલીસની રેડ પડી. સ્વાતંત્ર્ય વીરોએ એ સમયે અમુક વ્યક્તિઓના નામ સુનિશ્ચિત કરેલા કે, એ લોકોએ ક્યારેય પોલીસના હાથમાં ન આવવું. પિનાકીનભાઈ એ પૈકીના એક હતા. પોલીસને આવતી જોઈને એમણે બારીમાંથી છલાંગ મારી બાજુવાળાના ઘરના છાપરે કૂદી ગયા. પોલીસ પણ એમની પાછળ પહોંચી ગઈ અને બારીમાંથી બંદુક તાકીને પિનાકીનભાઈને ઊભા રહી જવા માટે આદેશ આપ્યો. પણ ખમીરવંતા આ સર્જકના માથે તો આઝાદીનું ભુત સવાર હતું. પોલીસના હુકમની અને ગોળી ખાવાની પરવા કર્યા વગર બીજી એક વિરાટ છલાંગ મારીને એ ત્યાંથી ભાગી છૂટ્યા.

સ્વાતંત્ર્યવીર પિનાકીન ઠાકોર ઉપરથી સાહિત્ય સર્જક પિનુભાઇની વાત ઉપર પાછા આવીએ. એમના સાહિત્ય સર્જનની વાત નિકળે એટલે આલાપ (૧૯૫૨) રાગીણી (૧૯૬૬), ઝાંખી અને પડછાયા (૧૯૭૧) શ્રી લકુલીશ સ્મરણયાત્રા (૧૯૭૨) ફોરા અને ફૂલ-બાળ કાવ્યો (૧૯૭૬), ભીના શબ્દો (૧૯૮૨), આશિષ મંગલ (૧૯૮૨), એક જ પલક અજંપ (૧૯૮૮) અને ઝલક (૨૦૦૦) માનસપટ ઉપર તરવરવા લાગે. મજબુત બાંધાનું ભારે શરીર પણ હળવુફુલ વ્યક્તિત્વના ધરાવતા પિનુભાઈની ગીત રચનાઓ અનન્ય રહી. પિનાકીનભાઈની છાંદસ રચનાઓ શિખરિણી, વસંતિલકા, અનુષ્ટુપ, ઇન્દ્રવજા , મંદાક્રાંતા સહિત ઓછા પ્રચલિત છંદો અને એના સામંજસ્યમાં વિહરતી જોવા મળી છે. હર્ષદભાઈ સાચુ જ કહે છે કે, ‘પિનાકીનભાઈની કવિતાઓ હૈયામાંથી જાગેલી છે ને જાગેલા હૈયામાં હંમેશા રહેવાની છે.

એમની ૨૬મી પુણ્યતિથિ પ્રસંગે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પિનાકીનભાઈની કાવ્ય સર્જન યાત્રા ઉપર કવિ હર્ષદભાઇ ત્રિવેદીના મનનીય વક્તવ્યનો કાર્યક્રમને સર્જકો અને ભાવકોએ મનભરીને માણ્યો. ઓમ કોમ્યુનિકેશનના મનિષભાઈને દાદ આપવી ઘટે કે, એ પ્રતિમાસ ગુજરાતી સાહિત્યસર્જકો પૈકી એક સર્જકની વાત ઉજાગર કરી નવી પેઢીને અવગત કરે છે.

પિનુભાઇ સુપેરે જાણતા હતા કે, સાહિત્ય સર્જન એ સમાજ જીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલી ઉમદા પ્રવૃત્તિ છે. એટલે જ એમના ગીતો અને કાવ્ય સર્જનમાં લોક જીવનની લાગણીશીલતા, વિવિધ નવતર વિચારો, ભાવનાઓ, આંતર સંબંધો અને સંઘર્ષો જોવા મળ્યા છે. એમના સર્જને ભાવકોના માનસપટ ઉપર અમીટ છાપ છોડી છે. પિનુભાઇની સર્જનયાત્રા જોતા સ્પષ્ટ લાગ્યા વગર ન રહે કે, સાહિત્ય સર્જનના એકે એક શબ્દની નિસ્બત એના ભાવકો સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલી હોય છે. પિનુભાઇએ એમની પ્રત્યેક રચનાના કેન્દ્રમાં ભાવકો અને ભાવકના પથદર્શનને જ પ્રાધાન્ય આપ્યું છે. કવિતા સ્વયં એક અત્યંત રમણીયતા ધરાવતુ મનમોહક ક્ષેત્ર છે. કાવ્યની રસાળતાના કારણે જ તેમાં ઇશ્વરના અદભુત સૌંદર્ય, જીવનના નવ રસ અને અલૌકિક આનંદની ત્રીવેણી મળે છે. એ વાત તો નિર્વિવાદ છે કે, કાવ્ય માનવીના હદયની ઉર્મીઓને ઝંકૃત અને જાગૃત કરવાનુ કામ કરે છે.


ધબકાર :

કાવ્ય સર્જન એ માત્ર શબ્દોની કરામત કરતા ક્યાંય વધારે માનવીના જીવનના મર્મને દર્શાવતી ગંભીર જવાબદારીનુ વહન કરવાની બાબત છે.

(સંદર્ભ : પિનાકીનભાઇ ઠાકોરના પુસ્તકો, કવિ હર્ષદ ત્રિવેદીનુ તા. ૨૪-૧૧-૨૦૨૧નુ વક્તવ્ય, પિનુભાઇના પુત્ર શ્રી રાજદુલાર ઠાકોરની હસ્તપ્રત)



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21dec/07122021-4.pdf

No comments:

Post a Comment