દિવાળી એટલે મળવાનો મહિમા. મિત્રો, સગાવહાલા સૌ
કોઈ એકમેકને મળીને સંબંધોનો સેતુ વધુ બળવાન બનાવે છે. બે મિત્રો દિવાળીની રજાઓમાં
મળ્યા. બંને બહુ સારા વાંચકો. એક મિત્રએ બીજાને પૂછ્યું , ‘યાર, કેવી રહી દિવાળીની
રજાઓ ? આજકાલ શું વાંચી રહ્યો છે ?’ બીજા મિત્રએ કહ્યું, ‘એપલના સંસ્થાપક વિશે
સીએનએનના ચેરમેન વોલ્ટર ઈશાકસને લખેલી બાયોગ્રાફી વાંચી રહ્યો છું. ખૂબ મજાની વાત
છે.’ પેલા મિત્રએ કહ્યું, ‘ભાઈ, તું તો હંમેશા આત્મકથાઓ જ વાંચતો હોય છે. આ તો
કેવો શોખ ?’ પેલા મિત્રએ જવાબ આપ્યો, ‘દોસ્ત, આત્મકથાઓ એક જબરજસ્ત પ્રેરણાસ્ત્રોત
બને છે. ખૂબ શીખવા, સમજવા અને જાણવા મળે છે.’
આ બે મિત્રોની સહજ ચર્ચામાં આત્મકથાના વાંચનનું
મહત્વપૂર્ણ પાસું ઉજાગર થાય છે. જાણીતા લેખક, ચિંતક અને વિચારક પૉલ જોન્સના મંતવ્ય
અનુસાર જગતના મહાન, જાણીતા અને ચર્ચિત લોકો તેમના વાસ્તવિક જીવનમાં કેટલી હદે
સામાન્ય જીવન જીવતા હોય છે એનો અંદાજ આત્મકથા વાંચીએ ત્યારે આવે. જોન્સના પુસ્તક
‘ઈન્ટેલેક્ચ્યુઅલ્સ’માં એ લખે છે કે, જેટલું ચમકે એ બધું જ સોનું નથી હોતું. આપણે
મહાન વ્યક્તિ માટે પાળી રાખેલો ભ્રમ આત્મકથાના વાંચનથી દૂર થઈ શકે છે.
આત્મકથા, ચરિત્રસંગ્રહ, ચરિતાવલી, આત્મગણના કે
આત્મમહિમા જે કહો એ, પરંતુ આ પ્રકારનું લખાણ સાહિત્યનું અદભુત અને અદમ્ય સ્વરૂપ
છે. આમ તો આત્મકથાને નવલકથા જેવું જ સાહિત્ય સર્જન સમજવું જોઈએ. આત્મકથાનું પ્રથમ
પુરુષ એક વચનમાં લખાતું વૃતાંત વાચકોને જકડી રાખે છે. વ્યક્તિના અંગત જીવનમાં
થયેલા અનુભવોની વાતનું નિરૂપણ આત્મકથાનું મૂળ પોત હોય છે. ગુસ્ફોર્ડના મતે આત્મકથા
એક ગઝલ અને કાવ્ય જેવી હોય છે. એમાં થતું નિરૂપણ અર્થસભર હોય એ એની પૂર્વશરત છે.
આત્મકથાના લેખનની નવલિકાલેખન સાથે કદાચ એટલા માટે સરખામણી થતી હોય છે કે, બન્ને
પ્રકારના લેખનમાં પ્રસંગો ટપકાવવામાં આવતા હોય છે. આત્મકથા લેખનમાં નવલિકાની જેમ
પાત્રાલેખન, સંવાદ, ઘટના, સંબંધોની સંકુલતા અને વિવિધતાનું નિરૂપણ કરવામાં આવતું
હોય છે.
એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે, આત્મકથા લેખક
પોતાના જીવનની ઘટના અને એમાં સમાયેલી પ્રતિકાત્મક વાત વચ્ચે સમન્વય ન સાધી શકે તો,
આત્મકથા સાહિત્યિક રીતે ઊણી ઊતરે છે. પોતાના જીવનવૃતાંતનું આલેખન એટલે ભૂતકાળને
સજીવન કરવાનો શ્રેષ્ઠ માર્ગ. જ્યારે ભૂતકાળને સજીવન કરવા માટે લેખન કરવામાં આવે ત્યારે
એ લખાણ જીવંત બની જવું જોઈએ. આત્મકથા વ્યક્તિના જીવનમાં બનેલી વાતનું માત્ર નિરૂપણ
ન બની રહેવું જોઈએ. જ્યારે આત્મકથા લેખનમાં કોઈ પ્રસંગને વધુ બહેલાવાય, સહેલાવાય,
સજાવાય ત્યારે આત્મકથા કંટાળાજનક બની જતી હોય છે. જાણીતા ચિંતક ડૉ. સેમ્યુઅલ જોન
કહે છે કે, પ્રત્યેક વ્યક્તિ સ્વયં જ તેના જીવનની વાતને સારી રીતે સમજી શકતો હોય
છે. એટલે જ એ પોતે આત્મકથાના લખાણને ઉત્તમ ન્યાય આપી શકે છે.
આત્મકથા લેખકના જીવનની ઘટનાઓના નિરૂપણનો
દસ્તાવેજ માત્ર નથી. એમાં તત્કાલિન સમાજ જીવનની ઝાંખી સુપેરે જોવા મળે છે. ગુજરાતી
સાહિત્યમાં આત્મકથા અને ચરિતાત્મક લેખન સિમિત માત્રામાં થયું છે. પરંતુ જે કાંઈ પણ થયું છે તે ઉત્તમ ગુણવત્તામાં
પ્રસ્તુત થયું છે. નર્મદની ‘મારી હકીકત’ આત્મકથાને ગુજરાતી ચરિત્ર લેખનનો પ્રથમ
પ્રયોગ માનવામાં આવે છે. નર્મદે ‘મારી હકીકત’માં તેના જીવનની મહત્વની ઘટનાઓનું જે
નિરૂપણ કર્યું છે તેમાં તત્કાલિન ગુજરાતી સમાજ જીવનની જાણકારી પ્રસ્તુત થઈ છે.
બિલકુલ એ જ પ્રમાણે મોરારજી દેસાઈ, ઈન્દુલાલ યાજ્ઞિક, મૌલાના આઝાદ જેવા વ્યક્તિ
વિશેષના જીવન ચરિત્રમાંથી જે તે સમયના સમાજ જીવનને સમજવાનો અવસર પ્રાપ્ત થાય છે.
બર્ટાન્ડ રસેલની આત્મકથામાં ૨૦મી સદીના રૂઢીચુસ્ત બ્રિટનની વાત જાણવા મળે છે.
આત્મકથામાં ભાવના અને શબ્દોના સામંજસ્યથી તે
વાંચનપ્રિય બનતી હોય છે. કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણ યાત્રા’ હોય કે જયંત પાઠકની
‘વનાંચલ’ હોય, કનૈયાલાલ મુનશીની ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ હોય કે, પંડિત સુખલાલની
‘મારું જીવન વૃતાંત’ હોય કે પછી ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ હોય. આવા જીવન વૃતાંતો
એકવાર હાથમાં લીધા પછી પુરું કર્યા વગર મુકવાની ઇચ્છા ન થાય.
ઇતિહાસકારોના મતે દુનિયાની સૌથી પ્રથમ
આત્મકથાનું લેખન સને ૧૩૬૨માં સ્પેનીશ ભાષામાં થયું હતું. મજાની વાત તો એ પણ છે કે,
મહાન યોદ્ધા જુલીયર સીઝરે નવ નવ વર્ષો સુધી તેના લશ્કરના જવાનો સાથે સમય ગાળ્યો હતો.
સીઝરે તેને સુંદર શબ્દદેહ આપી દસ્તાવેજીકરણ કર્યું છે. સીઝરના અનુભવોની આ રસધાર
વાચકોને મંત્રમુગ્ધ કરવા પુરતી છે. આત્મકથા લેખનની સૌથી પાયાની બાબત સત્ય સાથેની
વફાદારી છે. ટોલ્સટોય કહેતા કે, ‘મારી કથાનો નાયક હંમેશા માટે સત્ય જ હોય છે.’
ટોલ્સટોયના આ વિધાન સાથે ગાંધીજીના જીવનવૃતાંત ‘સત્યના પ્રયોગો’ બિલકુલ ફીટ બેસતી
હોય એમ લાગે છે. ગાંધીજીએ તો એમની આત્મકથાનું નામ જ ‘સત્યના પ્રયોગો’ આપ્યું છે. આ
સંદર્ભમાં નર્મદે ‘મારી હકીકત’ના પૃષ્ઠ નંબર બે ઉપર લખ્યું છે કે ‘જે જે પણ હું
લખીશ તે મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ પછી ભલેને સારું હોય કે નરસું. લોકોને પસંદ પડે કે ન પડે.’
સત્યની નિખાલસ કબુલાત આત્મકથાનું મહત્વનું અંગ
છે. બર્નાર્ડ શૉ કહેતા કે, સૌથી શ્રેષ્ઠ આત્મકથા એ છે કે, જેમાં નિખાલસ કબુલાતોનું
વર્ણન હોય. રૂસોએ તો એમની આત્મકથાનું નામ જ ‘કન્ફેસન્સ’ આપ્યું છે. સત્ય, નિખાલસતા
અને પ્રસંગો પ્રતિ નિષ્ઠાના ત્રણ મહત્ત્વના તત્વો આત્મકથાને પ્રેરણાત્મક
દસ્તાવેજની કક્ષા બક્ષે છે. લોકોમાં કેવી માન્યતા દ્રઢીભૂત હોય છે કે, રાજનેતાઓ,
મોટા ઉદ્યોગકારો અને લોકપ્રિય કલાકારો જ એમની ઓટોબાયોગ્રાફી લખતાં કે લખાવતા હોય
છે. સામાન્ય માણસો તેમના જીવનનું વૃતાંત લખતાં નથી. આ એક ન સમજી શકાય એવી માનસિકતા
છે. દરેક વ્યક્તિને આત્મદર્શન કરીને આત્મપરિચય આપવાની ખેવના હોય જ. આ ખેવનાને
અનુસરણ કરવામાં વ્યક્તિગત વિકાસની અસીમ સંભાવનાઓ હોય છે. શાળાએ જતાં પ્રત્યેક
બાળકને રોજનીશી લખવાની શિક્ષકો તાલીમ આપતા હોય છે. સૌ કોઈએ તેમના શાળાજીવનમાં
રોજનીશી લખવાના પાઠ ભણ્યા જ હશે. પરંતુ શાળાજીવન છોડ્યા બાદ બહુ ઓછા લોકો તેમના
જીવનમાં રોજનીશી લખવાની વાતને વળગી રહ્યા હશે.
રોજનીશી એટલા માટે લખાતી હોય છે કે, વ્યક્તિએ
રોજે રોજ શું કર્યું એનો હિસાબ રહે. શું ભૂલો કરી એની ખબર પડે અને આવનારા સમયમાં એ
ભૂલો ફરી પાછી ન થાય એની સજાગતા કેળવાય. જુના જમાનામાં યુદ્ધો લડાતા હોય ત્યારે
સેનાપતિ રણમેદાનમાં ખેલાતા યુદ્ધની તલસ્પર્શી વિગતો આલેખીને રાજાને મોકલતા. જેના આધારે
બીજા દિવસે રણનીતિ ઘડવામાં આવતી. એ જ રીતે પ્રવાસીઓ અને સહેલાણીઓ પણ એમના પ્રવાસ
વર્ણનો ટાંકતા. હ્યુ એન સંગે તેની ભારતની યાત્રા વેળા ટપકાવેલી નોંધો ઉપરથી ભારતના
ભવ્ય ભૂતકાળનો ખ્યાલ આવે છે. માર્કોપોલો, સર વોલ્ટર રેલે, કેપ્ટન જેમ્સ કુક, કોલંબસ વગેરેએ તેમના પ્રવાસની રજે રજની
વિગતોનું દસ્તાવેજીકરણ કર્યું છે.
તાજેતરમાં
જાણીતા લેખક અને એડવોકેટ ડૉ. સુધીર શાહે તેમની આત્મકથા ‘જીવનની બારાખડી’માં
એક પ્રકરણ આત્મકથા લેખન કરનારા મહાન ચરિત્રોને સરસ રીતે પ્રસ્તુત કર્યા છે. ડૉ. સુધીરભાઈની
‘જીવનની બારાખડી’માં તેમણે નિખાલસતાપૂર્વક તેમના જીવનના તમામ પાસાને પ્રસ્તુત
કર્યા છે. ગોરકીથી માંડીને ચેપ્લીન અને નર્મદથી માંડીને બક્ષીએ કરેલા જીવનચરિત્ર
લેખનમાં વાચકને વિકસવાનો અને આગળ વધવાનો નવતર માર્ગ જડે છે. લક્ષ્મણ ગાયકવાડ,
ઓમપ્રકાશ વાલ્મિકી અને અમૃતા પ્રિતમ જેવા ભારતના ઉત્તમકોટીના સાહિત્યકારોની જીવનીમાંથી
સમાજમાં થતો અન્યાય, ઉપેક્ષા, વ્યવસ્થાની ક્રૂરતા અને તત્કાલિન સંસ્કૃતિને સમજવાનો
અવસર સાંપડે છે. આત્મકથા એ નિજાનંદ અને પ્રેરણાત્મક પાથ બંને કામ અદભુત રીતે કરે
છે.
ધબકાર : પોતાના અનુભવોને અભિવ્યક્ત કરવા એ માનવ માત્રનો સહજ સ્વભાવ છે.
No comments:
Post a Comment