પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 20 January 2022

સારા શબ્દો બોલતા ન આવડે તો ચાલે પણ સારા શબ્દો ઝીલી લેતા આવડવા જોઇએ


 

અર્થ ઉપાર્જન એક હદ સુધી જરૂરી છે. પરંતુ, જીવનમાં જેનું સદાય મહત્વ રહ્યું છે એવી વાત તો બૌદ્ધિક ક્ષમતાની છે. એ વાત તો નિર્વિવાદ છે કે, પૈસા કરતાં પણ જેનું વધારે ચલણ છે એવી ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જ સાચી પ્રોપર્ટી છે. કૌશલ્ય નિર્માણના પગલે નાણાં અને સત્તા ખુદ બખુદ દરવાજે દસ્તક દેતા ઊભા રહે છે. જ્ઞાનની કોઈ સીમા હોતી નથી અને જ્ઞાનનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી. એક રાજકુમારની મજેદાર કહાની છે. આ રાજકુમાર જ્ઞાનપીપાસુ હતો. નગરમાં જે કોઈપણ પ્રબુદ્ધ વ્યક્તિ રાજકુમાર સાથે જ્ઞાનસભર વાત કરતો એને રાજકુમાર ધન દૌલત આપીને નવાજતો. આખા નગરમાં આ વાત જંગલની આગની જેમ પ્રસરી ગઈ. નગરના વિચારકોની ભીડ પ્રતિદિન રાજકુમારના કક્ષમાં ભરાતી. રાજકુમાર એમની પાસેથી અમુલ્ય જ્ઞાનસભર જાણકારી મેળવતા અને  લખલુટ નાણાં આપી નગરના પ્રબુદ્ધોને ખુશ કરતાં.

રાજકુમારની આ વર્તણૂંક જોઈને રાજાના મંત્રીના પેટમાં તેલ રેડાયું. એણે રાજકુમારની આ વાત રાજાને કહી રાજાની સામે રાજકુમારની દોલત ઉડાવવાની વાત પ્રસ્તુત કરતાં કહ્યું કે, ‘જો રાજકુમાર આજ રીતે ધન દૌલત ઉડાવતા રહેશે તો રાજકોષ આગામી ટુંક સમયમાં તળીયા ઝાટક થઈ જશે.’ મંત્રીની વાતની ખરાઈ કરવા રાજાએ રાજકુમારના ખર્ચનો હિસાબ મંગાવ્યો. મંત્રીની વાત સાચી નીકળી. રાજાએ રાજકુમારને દેશનિકાલનો આદેશ આપ્યો. રાજકુમાર તત્કાલ નગર છોડીને ચાલવા લાગ્યા. એવામા દ્વારપાળે આવીને એક ડબ્બો રાજકુમારને આપીને કહ્યું, ‘રાણી સાહેબાએ આ ડબ્બો તમારા માટે મોકલાવ્યો છે.’ રાજકુમાર ડબ્બો લઈને ચાલવા માંડ્યા. ભુખ લાગતા રાજકુમાર નગરની બહાર તળાવ કિનારે બેસીને ડબ્બો ખોલીને ભોજન કરવા લાગ્યા. ડબ્બામાં ત્રણ લાડુ હતા. એ ત્રણેય લાડુમાં એક એક લાખનો કિમતી હીરો હતો. રાજકુમારે ત્રણેય હીરા સાચવીને પોતાની પાસે રાખ્યા અને આગળ સફર કરવા લાગ્યા.

થોડાક સમયમાં રાજકુમારને એક સુંદર મકાન દેખાયું એ મકાનની આગળ એક સફેદ કપડું લટકાવેલું હતું. એ સફેદ કપડાની આગળ એક વ્યક્તિ ઢોલ વગાડતાં બોલતો હતો કે, ‘અહીં અક્કલ મળે છે.’ રાજકુમારને આશ્ચર્ય થયું. આ તે કેવી દુકાન કે જ્યાં અક્કલ મળે ?

રાજકુમારે પેલા ઢોલીને કહ્યું, ‘મારે અક્લ ખરીદવી છે.’ 

ઢોલીએ રાજકુમારને કહ્યું કે, ‘અહીં અક્કલનો ભાવ એક હજાર અને એક લાખ છે.’ 

રાજકુમારે કહ્યું, ‘કશો વાંધો નહીં.’

ઢોલી રાજકુમારને અંદરના કક્ષમાં લઈ ગયો. કક્ષમાં એક વૃદ્ધ ઢોલીયા ઉપર બેઠા હતા. એમણે રાજકુમારને પૂછ્યું, ‘ભાઈ, તમારે કેટલાની અક્કલ લેવી છે. હજારની કે લાખની.’

રાજકુમારે મનોમન વિચાર્યું મારી પાસે એક એક લાખના ત્રણ હીરા છે. એક હીરો આપીને પહેલા પ્રથમ વાત જાણું. રાજકુમારે વૃદ્ધને કહ્યું કે, ‘મને એક લાખ રૂપિયાની વાત કરો. લો આ એક લાખ રૂપિયાનો એક હીરો છે.’

વૃદ્ધે કહ્યું, ધ્યાનથી સાંભળો. મારી પહેલી વાત છે, ‘ગમે તેવા મહત્વના હજાર કામ છોડીને પણ પહેલા ભોજન કરી લેવું જોઈએ.’

રાજકુમારે વિચાર્યું કે, આ તો બિલકુલ સાધારણ વાત છે. છતાં પણ વધુ ચકાસણી કરવા એણે કહ્યું, ‘લો આ બીજો એક લાખનો હીરો મને બીજો વિચાર આપો.’

વૃદ્ધે બીજો વિચાર આપતાં કહ્યું કે, ‘કોઈનો પણ વ્યભિચાર હોય તો એને જાહેર ન કરવો.’

હવે રાજકુમારથી રહેવાયું નહીં કારણ કે, તે જ્ઞાનપીપાસુ હતો. એમણે ત્રીજો હીરો આપીને પણ કહ્યું કે, ‘મને હવે ત્રીજી વાત પણ કરી જ દો.’

વૃદ્ધે ત્રીજી લાખ રૂપિયાની સલાહ આપતાં કહ્યું કે, ‘જે વ્યક્તિ કાચા કાનનો હોય એવા વ્યક્તિ પાસે ક્યારેય નોકરી ન કરવી.’

વૃદ્ધની ત્રણેય વાત મગજમાં ઉતારીને રાજકુમાર આગળ વધ્યો અને એક બીજા નગરમાં પહોંચી ગયો. જીવન નિર્વાહ માટે એક નગરશેઠને ત્યાં રાજકુમાર નોકરીએ લાગ્યા. રાજકુમારમાં બૌદ્ધિક કુશાગ્રતા તો હતી જ એટલે ટુંક સમયમાં નગરશેઠના મુખ્ય મુનિમ બની ગયા. એક દિવસ નગરશેઠને કોઈ કામ માટે નગરની બહાર જવાનું થયું. રાજકુમાર મુનિમને નગરશેઠે અગત્યના કાગળો તેમના નિવાસસ્થાને મૂકવાનુ કામ સોંપ્યું. રાજકુમાર એ કાગળો આપવા માટે શેઠના ઘરે ગયા ત્યારે શેઠાણી સાથે દૂર્વવ્યવહાર કરતાં શેઠના એક બીજા કર્મચારીને રાજકુમારે જોયો. રાજકુમાર કશું જ બોલ્યા વગર શેઠે આપેલા કાગળ ઘરે મૂકીને પાછા વળી ગયા. પરંતુ શેઠાણી અને પેલા કર્મચારીએ રાજકુમારને જોઈ લીધા. બન્ને જણા ગભરાઇ ગયાં. એમણે તરકટ રચ્યું. સાંજે શેઠ ઘરે પરત ફરતાં શેઠાણીએ રડતા રડતા મુનિમ રાજકુમાર ઉપર ખોટો આરોપ મૂકતાં કહ્યું કે, ‘તમારી ગેરહાજરીમાં આ નવા મુનિમે ઘરે આવીને મારી સાથે અણછાજતું વર્તન કર્યું છે.’ શેઠ ક્રોધે ભરાયા અને નગરના કોટવાલને એક પત્ર લખ્યો કે, ‘આ પત્રને લઈને આવનાર વ્યક્તિએ વ્યભિચાર કર્યો છે અને એ વ્યક્તિ આવતાં વેંત એનું માથું ઉતારી લેજો.’

પત્ર પરબિડીયામાં મૂકીને શેઠે રાજકુમાર મુનિમને કહ્યું, ‘આ પત્ર લઈને તમે તાત્કાલિક કોટવાલ પાસે પહોંચો’ રાજકુમાર શેઠની આજ્ઞાનુસાર કોટવાલને પત્ર આપવા નીકળી પડ્યા. માર્ગમાં  શેઠના મિત્રની દીકરીના લગ્ન હતા. શેઠના મિત્ર રાજકુમાર મુનીમને ઓળખે. દીકરીના પીતાએ મુનિમ રાજકુમારને કહ્યું, ‘ભોજનનો સમય થઈ ગયો છે. તમે ભોજન કરી લો’

રાજકુમારે કહ્યું, ‘મારે આ અગત્યનો કાગળ અત્યારે જ કોટવાલને પહોંચાડવાનો છે.’

શેઠના મિત્રે કહ્યું, ‘તમે ચિંતા ન કરો. હું બીજા કોઈને આ પત્ર કોટવાલને પહોંચાડવા આપી દઉં છું.’

રાજકુમારને પેલા વૃધ્ધની એક લાખ રૂપિયાની વાત યાદ આવી કે ગમે એટલું અગત્યનુ કામ હોય સમયસર ભોજન પ્રથમ કરી લેવુ. રાજકુમાર ભોજન કરવા બેઠા. દરમિયાનમાં શેઠના મિત્રએ ત્યાં ભોજન કરીને ઊભેલા નગરશેઠના પેલા કર્મચારીને બોલાવ્યો કે જે શેઠાણી સાથે વ્યભિચાર કરતો હતો. પરબીડીયું લઈને એ કર્મચારી કોટવાલ પાસે ગયો. કોટવાલે પત્ર વાંચતા વેંત એ કર્મચારીને પકડીને જલ્લાદને સોંપી દીધો. મુનિમ રાજકુમાર જ્યારે પરત નગરશેઠ પાસે પહોંચ્યા ત્યારે આખી ઘટનાની તેમને જાણકારી મળી. મુનિમ રાજકુમારે સગી આંખે જોયેલી શેઠાણી અને શેઠના કર્મચારીની સમગ્ર ઘટના શેઠને કહી. શેઠ ખૂબ દુઃખી થયા અને મુનિમ રાજકુમારની માફી માગી. પરંતુ મુનિમ રાજકુમારને પેલા વૃદ્ધની ત્રીજી અને અંતિમ વાત યાદ આવી કે કાચા કાનના વ્યક્તિ પાસે ક્યારેય નોકરી ન કરવી. તેમેણે શેઠને હાથ જોડીને ત્યાંથી વિદાય લીધી.

આમ તો આ એક પ્રચલિત વાર્તા છે પરંતુ, એનો મર્મ ખૂબ સમજવા જેવો છે. બૌદ્ધિક કૌશલ્ય પાછળ ખર્ચવામાં આવેલી રકમ હંમેશાં ઊગી નીકળતી હોય છે. ધન દોલતનો એવી જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ કે, તેનાથી વ્યક્તિના વ્યક્તિત્વનો, બૌદ્ધિક કૌશલ્યનો અને વૈચારિક સમૃદ્ધિનો વિકાસ થઈ શકે. રાજકુમારે તેની સંપત્તિનો જ્ઞાન મેળવવા ઉપયોગ કર્યો તે એમના જીવનમાં શ્રેષ્ઠ પૂરવાર થયો. એ જ રીતે વ્યક્તિનો પોતાના વિચારોને વિકસાવવા માટે ઉપયોગમાં લીધેલુ ધન વિકાસનો રાજમાર્ગ બને છે.


ધબકાર : સારા શબ્દો બોલતા ન આવડે તો ચાલે પણ સારા શબ્દો ઝીલી લેતા આવડવા જોઇએ.



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21nov/23112021-4.pdf

 

No comments:

Post a Comment