પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 20 January 2022

એ યુવાનનો પ્રગતિ માટેનો એક પ્રયાસ જબરજસ્ત કારગત નીવડ્યો


ગામડાં ગામમાં રહેતા એક ગરીબ પરિવારના હોનહાર યુવાનની પ્રગતિની કહાની છે. આ યુવાનના ગામની નજીક દર અઠવાડિયે આસપાસના ગામોના વહેપારીઓનું નાનકડું હાટ બજાર ભરાતું. એમાં જીવન જરૂરિયાતની વિવિધ સામગ્રી મળતી. હાટબજારમાં આ યુવાન પણ એના પિતાજી દ્વારા બનાવેલા માટીના વાસણો વેચવા જતો. આ માટીના વાસણો એ દસ રૂપિયામાં નંગ લેખે વેચતો. એની બાજુમાં આવા જ માટીના વાસણો વેચતા બીજા વેપારીને એક દિવસ એણે પૂછ્યું ‘તારા માટીના વાસણો મારા જેવા જ છે, છતાં ૫૦ રૂપિયામાં એક નંગ લેખે તું વેચે છે અને લોકો હોંશે હોંશે એ ખરીદીને લઈ પણ જાય છે. આવું કેમ ?’

પેલા મિત્રએ યુવાનને હસીને કહ્યું ‘માટીના વાસણો તો આપણા બંનેના સરખા જ છે પણ મેં એમાં થોડું પરિવર્તન કરીને દરેક વાસણો ઉપર અલગ અલગ ચિત્રકામ કર્યું છે. આ ચિત્રકારીને કારણે લોકો મારા વાસણોના વધારે દામ આપે છે.’ યુવાનના મનમાં સ્પાર્ક થયો. એના વેપારની પ્રગતિ માટેનો નવો માર્ગ મળ્યો. યુવાને મનોમન વિચારી લીધું કે, હવે પિતાજીના બનાવેલા માટીના વાસણો  ઉપર એ પણ ચિત્રકારી કરીને અપગ્રેડેશન કરશે. એણે આ કામ સરસ રીતે કર્યું. પરિણામ એ આવ્યું કે, એક અઠવાડિયા પહેલાં જેટલો નફો એ રળતો હતો એના કરતાં પાંચ ઘણો નફો એ રળવા લાગ્યો. પ્રગતિ માટેનો આ એક પ્રયાસ કારગત નીવડ્યો.

પ્રગતિ એટલે ઉન્નતિ, પ્રગતિ એટલે પરિવર્તન અને પ્રગતિ એટલે વિકાસનો નક્કર વિચાર. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો ‘પ્રગતિ અને વિકાસ જીવનનું સાચુ તત્વ છે, સંકોચ અને સ્થગિતતા એ મૃત્યુ છે.’ પ્રત્યેક સમયની માંગ છે કે, મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરીને નવા પરિવર્તનોને ખુલ્લા મને સ્વીકારવામાં આવે તો પ્રગતિપથના દરવાજા ઝડપથી ખૂલવા માંડે છે.  

જગતમાં અત્યંત લોકપ્રિય એવા પાંચ ચિંતકોની મને ગમતી આઠ ચિંતન કણિકાઓનો આ યુવાનની કથાની સાથે સુપેરે તાલમેલ બેસતો હોય એમ લાગે છે.  સૌથી પહેલા તો વિશ્વમાં સોથી વધુ વંચાયેલા અને લોકોના હૃદયમાં સૌથી વધુ સ્થાન પ્રાપ્ત કરેલા ચિંતક, લેખક, વિલિયમ સેક્સપિયરની ત્રણ વાતનો ઉલ્લેખ કરવો છે. મને પ્રિય એવું પ્રથમ ચિંતનમાં તો એ કહેતાં કે, કોઈની લાગણીઓ સાથે ક્યારેય રમત રમવી ન જોઈએ. એનું સીધું કારણ એ છે કે, કદાચ એ રમતમાં તમારી જીત થઈ શકે છે પરંતુ સામે વાળી વ્યક્તિને હમેશા માટે ખોઈ બેસવાનો વારો આવે છે. પ્રગતિ માટે સેક્સપિયરનું આ વિચારવલોણું સદાય માનસપટ ઉપર તરોતાજા રાખવા જેવું છે.

આ ઉપરાંત સેક્સપિયરે બીજો એક દાદુ વિચાર એ પણ આપ્યો છે કે, પ્રત્યેક હસતાં ચહેરા પાછળનો અર્થ એ નથી કે, એના જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ છે જ નહીં. હકિકતમાં તો આવા લોકોને દુઃખ અને તકલીફો સાથે  દોસ્તી કરતાં આવડી ગઈ છે. મુશ્કેલીઓ સાથે જે લોકો હસતાં મોએ પનારો પાડી શકતા હોય છે એ આસાનીથી આગળ વધી શકતા હોય છે. મને ગમતું એમનું ત્રીજું ચિંતન એ છે કે, છૂટા સિક્કાઓનો અવાજ મોટો હોય છે. જ્યારે ચલણી નોટોનો અવાજ નથી હોતો. જ્યારે વ્યક્તિનું મુલ્ય વધે ત્યારે એ શાંત, સ્થિર અને સૌમ્ય બન જતો હોય છે.

જગતનો મહાયોદ્ધા નેપોલિયન બોનાપાટ એક સુંદર વિચાર આપી ગયા કે, ખરાબ લોકોના તોફાનથી નહિં પરંતુ સારા લોકોના મૌનથી આ જગતને ઘણું સહન કરવું પડ્યું છે. એવો જ એક મજબૂત વિચાર ચિંતક અને વૈજ્ઞાનિક આલબર્ટ આઈનસ્ટાઈને આપ્યો કે, ‘મારી આવશ્યકતા વખતે જે લોકો મારી પડખે ઊભા ન રહ્યાં અને મને સહાય કરવાની ના પાડી એમના ઉપકારને કારણે આટલો આગળ વધી શક્યો.’ જીવનમાં આગળ વધવા માટે, પ્રગતિનો પથ સર કરવા માટે નેપોલિયન બોનાપાટનું આ ભ્રહ્મવાક્ય જીવનનો નિચોડ રજૂ કરે છે.

જે વ્યક્તિની કમજોરી મિત્રો છે, તો નિઃસંદેહ પણે એમ સમજી લેવું કે એ વ્યક્તિ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. અબ્રાહમ લિંકનનો આ વિચાર વિકાસ માટેનું અમૃતમંથન કહી શકાય. જ્યારે વિલિયમ આર્થરનું એક મજાનું ચિંતન એવું છે કે, ‘આવેલી તક હંમેશા ઉગતા સૂર્ય જેવી હોય છે. જો લાંબો સમય એની રાહ જોવામાં આવે તો એ અવશ્ય જતી જ રહેવાની છે.’ એડોલ્ફે એક સુંદર વિચાર રજૂ કરતાં કહ્યું છે કે, જ્યારે વ્યક્તિ પ્રકાશમાં હોય ત્યારે સૌ કોઈ એની સાથે દેખાય છે. પણ જેવો એ વ્યક્તિ નીચે અંધારામાં પટકાય કે તરત એની સાથે સતત રહેતો પડછાયો પણ એનો સાથ છોડી દેતો હોય છે. એનો અર્થ એ કે, સત્તા, પૈસા અને જ્ઞાનથી જ્યાં સુધી વ્યક્તિ ઉન્નત છે ત્યાં સુધી લોકો એની આજુબાજુ મંડરાતા જ રહેશે. પણ જેવો એ નિષ્ફળતાની ખાઈ બાજુ સરકશે કે તરત એક પછી એક લોકો એનો સાથ છોડીને જતા રહેશે.

જે પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય એ દિશામાં જોવાની શરૂઆત આજથી જ કરી દેવી જોઇએ. જે જોયું કે વિચાર્યું જ નથી એ મળવાનો ક્યાં કોઇ ઉપાય છે ? પ્રગતિની અભિપ્સા અને શોધ સ્વયં શરૂ કરવી પડે. ક્યારેય અટકવાનુ નામ ન લેવુ અને જો અટકાય તો એ સમયમાં શિખવાની તમન્ના રાખવી. જે નિરંતર શિખવાની સમજણ રાખે છે એ પ્રગતિ કરે છે. પરિવર્તન વગર પ્રગતિનો પથ કદી કંડારી શકાતો નથી, જે વ્યક્તિ પરિવર્તન નથી સ્વીકારી શકતો એ ક્યારેય કશુ કરી શકતો નથી.

      ધબકાર : એક તકલિફના બીજી તકલિફ તરફનુ પ્રયાણ પ્રગતિ છે. 



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21oct/19102021-4.pdf

No comments:

Post a Comment