વડનગરના શર્મિષ્ઠા તળાવની પાળે સર્જાયો વિશ્વ
રેકોર્ડ.
- પુલક ત્રિવેદી
- પુલક ત્રિવેદી
નવેમ્બર મહિનાની ૧૧મી તારીખ અને બે હજાર સોળનું
વર્ષ. ગુરુવારની
એ સંધ્યાએ આખા ભારત વર્ષે વડનગરના પાદરેથી સંગીતનો નવતર સૂર્યોદય થતો ‘ફરી એક’
વખત નિહાળ્યો. ‘ફરી
એક વખત’ એટલા માટે કે, અગાઉ સદીઓ પહેલા દીપક રાગના દાહથી સંગીત સમ્રાટ તાનસેનને મલ્હાર રાગ
ગાઈને શીતળતાનો મલમ લગાડી આપનારી ગુજરાતના વડગરની બે દીકરીઓ તાના અને રીરીએ ભારતીય
શાસ્ત્રીય સંગીતની કલાને વૈશ્વિક ફલક ઉપર મૂકી હતી. આ બે દીકરીઓની યાદમાં ગુજરાત પ્રતિવર્ષ
‘તાનારીરી’ મહોત્સવ નવેમ્બર મહિનામાં વડનગરમાં ઉજવે
છે.
ગુજરાતનું વડનગર આમ પણ વિશ્વના નકશામાં સુવર્ણ
ભાત પાડતું ઉપસી આવેલું છે. ગુજરાતના સપૂત અને ભારતના લોકલાડીલા
વડાપ્રધાનનું બાળપણ આ નગરની શેરીઓમાથી પાંગર્યું છે. આ નગરના શર્મિષ્ઠા તળાવ સાથે પણ શ્રી નરેન્દ્રભાઇ
મોદીની લાગણીસભર વાતો જોડાયેલી છે. આ વર્ષે ૬૪૦ હારમોનિયમ વાદકોએ વડનગરના
શર્મિષ્ઠા તળાવની પાળે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતની ધૂન વગાડીને ‘ગીનીઝ વર્લ્ડ બુક’માં સ્થાન પ્રાપ્ત કર્યું. જેમાં સૌથી નાની વયના ત્રણ દીકરા અને
બે દીકરીઓ પણ હતી. જ્યારે
૭૬થી ૮૬ વર્ષની વયના બે અને ૧૫ પ્રજ્ઞાચક્ષુ વાદકો પણ હતા. અગાઉ ‘ગીનીઝ વર્લ્ડ બુક’માં એક સાથે ૨૫૦ વાદકોના વાદનનો
રેકોર્ડ નોંધાયો હતો. આ સમાચારથી એકે એક ગુજરાતી પોરસાયો. વડનગરના આ વૈશ્વિક રેકોર્ડ સાથે
સંગીતની સૂરીલી વાતો સહજ રીતે માનસપટ ઉપર તરવરવા લાગે.
‘ગીત નૃત્યને વાદ્ય જો હોયે તાલ સહિત
તાલ મૂલ ગીતાદિ ત્રય, ગ્રહેનામ સંગીત...’
ગાંધીજી કહેતા કે, ‘સંગીત વિના બધી કેળવણી મને તો અધૂરી જ
લાગે. સંગીત
વ્યક્તિગત અને સામાજિક જીવનને માધુર્ય આપે છે. શ્વાસને નિયમમાં લાવવાને સારું જેમ
પ્રાણાયામની આવશ્યકતા છે, તેમ કંઠને સંગીતની છે. જો સામાજિક સંગીતનો પ્રચાર લોકોમાં બહુ થાય તો
સભાઓમાં કોલાહલ થાય છે, તે શાંત કરવામાં સંગીત બહુ
સહાય આપે છે. સંગીત
એટલે રાગડા તાણતા શીખવું અથવા નાટક ગીતો ગાવા એવો અર્થ કદી નહીં. સંગીતનો ઉંડો અર્થ તો એ છે કે, આપણું આખું જીવન સંગીતમય સૂરીલું હોવું
જોઈએ. જીવનને
સંગીયમય કરવું એટલે તેને ઈશ્વરની સાથે એકતાર કરવું. જેણે રાગદ્વેષાદિને શમાવ્યાં નથી, જેણે સેવારસ ચાખ્યો નથી, એ આ દિવ્ય સંગીતને ઓળખતો જ નથી. જે સંગીતની કેળવણીમાં આ ગૂઢ અર્થનો
સમાવેશ ન હોય તે સંગીતની કિંમત મારી પાસે બહુ ઓછી અથવા કંઈ જ નથી.’
શર્મિષ્ઠા તળાવના કિનારેથી જાગેલી સંગીતની આ ઝંકારની
સાથે સંગીતના થોડા તાત્વિક અર્થ અને સંદર્ભ સાગમટે મનમાં ઉભરી આવ્યાં. મોટા ભીમકાય યંત્રોનું ચાલકબળ વીજળી છે. ઈલેકટ્રોસિટીની સ્વીચ ઓન થતાની સાથે
યંત્રના ચક્કરો ફરવા માડે. બિલકુલ એ જ રીતેનો રોલ જીવનમાં આનંદ અને તરલતા
સતત સજીવન રાખવા માટે ‘સંગીત’નો છે. સંગીત એટલે સમ્ + ગૈ. સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમાહાર. કેટલાક સંગીતનો અર્થ માત્ર ગાવું એવો
કરે છે. જ્યારે
કેટલાક માત્ર વાજીંત્ર વગાડવું એવો કરે છે. આ ખ્યાલો બરાબર નથી. સંગીતમા ત્રણ અંગો હોય છે અને ત્રણેય
અંગોનું સામંજસ્ય હોય છે. સારી રીતે ગાવું, કર્ણપ્રિય લયબદ્ધ વાજીંત્ર વાદન અને નૃત્ય
ત્રણેય પાસા સુયોગ્ય પ્રસ્તુત થાય એને જ સંગીત કહેવાય.
સંગીત તાલબદ્ધ રીતે રજૂ કરવું હોય ત્યારે
ગાયનની સઘળી રચનાનો સમાસ વાજિંત્રોમાં કરીને વાદનના ઉપયોગમાં લેવા પડે. પરિણામે સાંભળનારનાં મન ઉપર ગાયન અને
વાદન બન્ને ક્રિયાનો તાદ્રશ્ય ચિતાર આવી શકે છે. જો કે, સંગીતમાં મોઘમ રીતે ‘ગયન’ કહેવાય છે. ગાવાથી ‘રાગ’નું સ્વરૂપ અને નાચવાથી ‘ભાવ’નું
સ્વરૂપ સ્પષ્ટ થતું હોય છે. અને એટલે જ તો ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેય મળીને જે
ભાવવિશ્વ રચાય એને સંગીતવિદ્યા
કહેવાય. ‘સંગીતવિદ્યા’ અને ‘સંગીત કળા’ એમ બે વિભાગો છે. સંગીતમાં રાગ, સ્વર, તાલ, લય અને ગ્રામને અનુસરીને ગાવા અને
વગાડવા જેવી રચના બને એને ‘સંગીતવિદ્યા’ કહેવાય. પરંતુ જ્યારે કોઈ રચના ગાઈ, વગાડી અને નાચી શકાય એને ‘સંગીતકળા’ કહેવાય.
એક એ વાત પણ સમજવા જેવી છે કેટલાક સંગીતની
મધુરતા માત્ર કાન સુધી જઈ અટકે છે. જ્યારે કેટલુક સંગીત કર્ણપ્રિય બની ત્યાંથી
આગળ વધીને હૃદયમાં પ્રવેશ કરીને ભાવોર્મી ઉત્પન્ન કરી દેતું હોય છે. સંગીત સાંભળનાર ઉપર આ અસર-પરિણામના આધારે તેને બે વિભાગો વિભાજીત
કરવામાં આવે છે. જે
શાસ્ત્રીય નિયમોને અનુસરીને રાગની શુદ્ધતા, તાલનું માપ અને સ્વરમાધુર્ય સાચવીને કર્ણને
પ્રિય થાય છે તેને ‘શુદ્ધ સંગીત’ કહેવાય. અને જ્યારે સ્વર માધુર્ય, રાગશુદ્ધિ અને તાલમાપ સાચવવા ઉપરાંત
અપૂર્વ કલાવિધાન દ્વારા શ્રોતા ઉપર ભાવોર્મિ ઉત્પન્ન કરી શકે એને ‘વિનિયુક્ત સંગીત’ કહેવાય છે.
સંગીતના મૂળની ખીલવણી તો પ્રાચીન સમયમાં આર્યોએ
પવિત્ર ધાર્મિક વિધિઓમાં કરી. ત્યારબાદ સંમયાંતરે આર્યોની આ વંદનામાં જુદા
જુદા નામવાળી ૨૨ શ્રૃતિઓ ઉત્પન્ન થઈ. અને આ પ્રત્યેક શ્રૃતિઓ ઉપરથી અલગ અલગ રાગ
નક્કી થયા. ભારતવર્ષના
પુરાણા સંગીતશાસ્ત્રીઓને સ્વરનું અદભૂત જ્ઞાન હતું. આજે શ્રૃતિની જાણકારીના અભાવે અથવા
શ્રૃતિની અવગનાના પરિણામે ભેળસેળીયા રાગ થઈ ગયા છે. જોકે આજનુ આધુનિક સંગીત કર્ણપ્રિય નથી
એમ કહેવાનુ તાત્પર્ય નથી. સમગ્ર ભારતના સંગીતશાસ્ત્રીઓ અને જાણકારોમાં એક ચર્ચા
એવી પણ ચાલે છે કે, જો
રાગ રાગીણીના સ્વરમાધુર્યમાં સુધારો કરવા માગતા હોઈએ અને હિંદનું સંગીત ઉચ્ચ
કક્ષાએ લઈ જવાની ઇચ્છા હોય તો શ્રૃતિ વિષયક જ્ઞાન ફરી પાછું સંપાદિત થવું જોઈએ.
પૌરાણિક સમયમાં સંગીતનો ઉપયોગ માત્ર ધાર્મિક
વિધિઓ પૂરતો જ સિમિત હતો. સમયાંતરે સર્જનશક્તિને સ્થાન મળે એવી આનંદદાયક સંગીત પદ્ધતિની ઇચ્છા
થવા લાગી. જેના
પરિણામ સ્વરૂપે રસ પડે એવા કોઈપણ વિષય ઉપર રાગ રાગીણીઓમાં ગવાય એવી તાત્કાલિક
ઇમારત બનાવવાની કળા જન્મી. પશ્ચિમની સાથે સરખાવતા હિન્દી સંગીતમાં ધીમે
ધીમે અનોખી રીતે વિકાસ થતો ગયો. સ્વરબદ્ધતા પ્રતિ બહુ લક્ષ્ય અને વલણ ન રાખતાં
આર્યોએ સ્વરમાધુર્ય અને તાલનો આકર્ષક રીતે અને કલાપૂર્વક વિકાસ કર્યો. ઋતુ, ભાવ અને દિવસ-રાત્રિના અમુક સમયે અમુક રાગ ગાઈ શકાય, એ પ્રમાણેનું બંધારણ નક્કી કરાયું. આ બધા રાગ જુદા જુદા સૂર અથવા તાલમાં
શ્રેષ્ઠ રીતે ગાવાનું શીખવા માટે સંગીત શાસ્ત્રીઓએ વર્ષો સુધી એનો અભ્યાસ કરવો પડે
છે.
સંગીતની મધુરતાનો મુખ્ય આધાર સ્વરની કુદરતી ગતિ
ઉપર જ રહેલો છે. આપણું
સંગીતશાસ્ત્ર પશ્ચિમના સંગીત કરતાં જુદુ છે. સંગીત એ સૌમ્ય, શામક અને આહલાદક કળા હોઈ જ્ઞાનતંતુઓ
ઉપર જબરી મીઠી અને શીતળ અસર જન્માવે છે. માનવી ઉપરાંત વન સંપત્તિ, પ્રાણી, પંખી ઉપર સંગીતની અહલાદક અને મીઠી
અસરના પ્રભાવક પરિણામો જોવા મળે છે. દૂધ દોહતી વખતે ‘પારસો’ મૂકવાની પ્રક્રિયા પાછળ મુખ્યત્વે આ જ
સિદ્ધાંત છે. દોહતી
વખતે ગાય પ્રસન્ન હોય તો વધુ દૂધ આપે છે.
સંગીતને આરોગ્ય સાથે સીધો સંબંધ છે. સંગીતમાંથી નિષ્પન્ન થતાં શબ્દો અને
અવાજોને શરીરની ધાતુ અને વાહિનીઓ સાથે સીધો સંબંધ હોય છે. આયુર્વેદ વિજ્ઞાન અનુસાર આપણી
જ્ઞાનવાહિનીઓ બહારના પાંચ વિષયોને ભોગવે છે. તે અનુસાર શબ્દ એક વિષય છે. શબ્દોને જ્યારે કલાત્મક રીતે ગોઠવીને
તેનો ભોગ જ્ઞાનવાહિનીઓ કરે છે ત્યારે તેના પ્રત્યાઘાતો શરીરમાં જે પડે છે તે
અત્યંત આરોગ્યપ્રદ હોય છે. ફક્ત જાણકારી એ જ મેળવવાની રહે છે કે, કયો સ્વર શરીરના કયા અંગ ઉપર ક્યારે
અને કેવી અસર કરે છે. જેમ માનવીને વાત, કફ અને પીત એમ ત્રણ પ્રકૃતિ છે એવી રીતે
સંગીતના સાત્વિક, રાજસ
અને તમસ એમ ત્રણ વિભાગ છે. કોમળ, મધ્ય અને તીવ્ર ત્રણ સ્વરો છે.
પ્રત્યેક ગુજરાતી અને ભારતવાસી સંગીતકલામાં
ગુજરાતના આગેકદમથી ગૌરાંવિત થઇ રહ્યા છે. અને થાય પણ કેમ નહીં, વડનગરના શર્મિષ્ઠા
તળાવની પાળે સર્જાયો છે વિશ્વ રેકોર્ડ. ચાઈનીઝ તત્વચિંતક, વિચારક અને લેખક લાઓત્સે કહે છે કે, આત્મામાંથી નીકળતું સંગીત સમગ્ર
બ્રહ્માંડમાં સંભળાય છે. સંગીત એક સાધના છે, સંગીત એક સાધન પણ છે. સંગીત એક શસ્ત્ર છે, સંગીત એક શાસ્ત્ર પણ છે. સંગીત શ્વાસ છે, સંગીત વિશ્વાસ છે.
ધબકાર :
‘‘સંગીત બે આત્માઓ વચ્ચેના અંતરને દૂર
કરે છે.’’ – રબીન્દ્રનાથ ઠાકુર.
