પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 23 April 2019

વિદુરનીતિની એ ચાર લાઇનોમાં કઇ આઠ ‘લાઇફ ક્વોલિટી’ની વાત છે ?


વિદુરનીતિની એ ચાર લાઇનોમાં કઇ આઠ ‘લાઇફ ક્વોલિટી’ની વાત છે ?


વારસામાં મળેલી કે માર્ગમાં અચાનક સાંપડેલી અઢળક સંપત્તિ પણ જ્ઞાન ન હોય તો રફેદફે થતા વાર નથી લાગતી. ઇતિહાસ ગવાહ છે કે, સંપત્તિ અને સાંખ્યમાં હંમેશા સાંખ્યની જીત થઈ છે. કોઈપણ યુગમાં કે પછી કોઈપણ સમર્થ રાજવીના શાસનકાળનો સમય હોય તેમાં જ્ઞાનનો મહિમા સર્વોપરી રહ્યો છે. જ્ઞાનનો અર્ક નીતિશાસ્ત્ર સ્વરૂપે જોવા મળે. નીતિશાસ્ત્રની વાત નીકળે ત્યારે ચાણક્યને અવશ્ય યાદ કરવા પડે. જેટલા પણ સમર્થ નીતિજ્ઞોએ એમની અમૃત જ્ઞાનધારા નીતિ સ્વરૂપે પ્રસ્તુત કરી એને સમયની રીતે બે કાલખંડમાં વહેંચવામાં આવે છે. એક ચાણક્ય નીતિ પહેલા અને બીજી ચાણક્ય નીતિ બાદ. ચાણક્ય નીતિ પહેલાના કાળ ખંડમાં ભીષ્મ નીતિ, વિદુર નીતિ, મનુ નીતિ, ચર્વાક નીતિ, શુક્ર નીતિ, બૃહસ્પતિ નીતિ, પરશુરામ નીતિ, ગર્ગ નીતિ વગેરે જેવી જ્ઞાનસભર નીતિઓની ગણના થાય છે. જ્યારે ચાણક્ય નીતિ પછીના સમયમાં ભર્તૃહરિ, હર્ષવર્ધન, બાણભટ્ટ વગેરે નીતિજ્ઞો દ્વારા રજૂ કરાયેલા નીતિશાસ્ત્રો જનતાને જ્ઞાન માર્ગની સમજ પુરી પાડે છે.
ચાણક્ય નીતિના સેંકડો વર્ષો પૂર્વે જ્ઞાન માર્ગને પ્રશસ્ત કરતી વિદુર નીતિમાં જીવનના અત્યંત ગુઢ રહસ્યો સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. વિદુર એ ભારતના મહાગ્રંથ મહાભારતનું સૌથી વિચક્ષણ અને વાસ્તવવાદી ચરિત્ર છે. દાસીપુત્ર વિદુર મહારાજ ધુતરાષ્ટ્રના સાવકા ભાઈ હતા. મનમાં ઉંડે ઉંડે એમ સતત ખુચ્યા કરે કે, મહાભારતના બે પાત્રો કર્ણ અને વિદુર હમેશા ઉપેક્ષિત રહ્યાં છે. પરંતુ જ્યારે જ્યારે વિદુર નીતિનો ઉલ્લેખ આવે ત્યારે મનનો વિદુરજીની ઉપેક્ષાનો સંશય પળ ભરમાં આઘો ખસી જાય. હિન્દી સાહિત્યમાં નીતિ કાવ્ય ઉપર વિદુરજીના વચનો અને સિદ્ધાંતોનો જબરજસ્ત પ્રભાવ રહ્યો છે.
વિદુર નીતિનો જન્મ પણ ભગવત ગીતાની જેમ યુદ્ધની પાશ્ચાતભૂમિમાં થયો છે. મહાભારતના ભિષણ યુદ્ધ પૂર્વે યુદ્ધના ભયાનક પરિણામો પરત્વે હસ્તિનાપુરના રાજવી ધુતરાષ્ટ્રનો એમના સાવકા ભાઇ વિદુર સાથેનો વાર્તાલાપ એ વિદુર નીતિ છે. કૌરવો અને પાંડવોના ધમાસાણ યુદ્ધના વાદળો ઘેરાયા હોય છે, ચારે બાજુ હાકલા અને પડકારાનો ભયાનક માહોલ સર્જાયો હોય છે. એવા સમયે મહારાજા ધુતરાષ્ટ્ર તેમના જ્ઞાનિ સલાહકાર વિદુરજીને બોલાવી યુદ્ધના સારા-નરસા પાસાની ચર્ચા કરે છે. મહર્ષિ વેદવ્યાસ દ્વારા મહાભારતના ઉદ્યોગપર્વમાં ધુતરાષ્ટ્ર અને વિદુરના સંવાદનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. વેદવ્યાસ રચિત મહાભારતના ઉદ્યોગ પર્વને વિદુર નીતિ તરીકે ઓળખવામાં આવે છે.
જીવનના ગુઢાર્થોને સ્પષ્ટતાપૂર્વક પ્રસ્તુત કરવામાં વિદુરજીને ગજબની ફાવટ હતી. આજે વાત કરવી છે વિદુરજીએ વિદુરનીતિમા વર્ણવેલી જીવનની આઠ મહત્ત્વપૂર્ણ ક્વોલિઇટીની. પુરુષના જીવનમાં આઠ પ્રકારની ક્વોલિટીને વિદુરજીએ માત્ર ચાર લીટીમાં સુંદર રીતે સમજાવી છે.
અષ્ટૌ ગુણાઃ પુરુષં દીપયન્તિ
પ્રજ્ઞા ચ કૌલ્યં ચ દમઃ શ્રૃતંચ
પરાક્રમ શ્વાબહુભાષિતા ચ
દાનં યથાશક્તિ કૃતજ્ઞતા ચ
વિદુરજી સૌથી પહેલા બુદ્ધિ કૌશલ્યની વાત કરતા કહે છે કે, માહિતીનો સમય અનુસાર યોગ્ય ઉપયોગ થાય ત્યારે જ એને બૌદ્ધિક કૌશલ્ય કહેવાય છે. માત્ર માહિતી હોય અને તેનો ઉપયોગ ન થતો હોય તો એવી વ્યક્તિ અને રોબોટમાં કોઈ ફર્ક નથી. બીજી આવશ્યકતાનો શ્લોકમાં ઉલ્લેખ કરતા વિદુરજી કહે છે કે, વ્યક્તિમાં શાલીનતા અત્યંત જરૂરી છે. જે વ્યક્તિની વાણીમાં અને વર્તનમાં શાલીનતા નથી એ વ્યક્તિ આગળ નથી વધી શકતો. આચાર્ય ચાણક્ય શાલિનતાના વિષયને સ્પષ્ટ કરતા કહે છે કે, ‘આચારઃ કુલમાખ્યાતિ અર્થાત્ વ્યક્તિના વાણી અને વર્તન ઉપરથી તેના ખાનદાનનો ખ્યાલ આવી જાય છે. જેન્ટલમેનહુડ સૌથી મહત્ત્વનુ પાસુ છે.
ત્રીજી ક્વોલીટી છે ઈન્દ્રીય નિગ્રહની. અનૈતિક રીતે ઈન્દ્રીયના ઉપયોગને વિદુરજી નિષેધ કહે છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ ઈન્દ્રિયોનો નૈતિક રીતે ઉપયોગ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ચોથી આવશ્યકતા શાસ્ત્રના જ્ઞાનની વર્ણવાઈ છે. જે કાર્ય કરવાનું છે એનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા વિદુરજી આ શ્લોકમાં સ્પષ્ટ કરે છે.
પાંચમી ક્વોલિટી પરાક્રમની વર્ણવાઈ છે. પરાક્રમ શબ્દમાં પહેલાં બે અક્ષરપરા એટલે ઉપર અથવા વિપરિત દિશામાં અને બીજા બે અક્ષર ક્રમ એટલે આગળ વધવુ. આમ જે વ્યક્તિ વિપરિત સંજોગોમાં પણ આગળ વધવાની માનસિકતા ધરાવતા હોય એવી ક્વોલિટીની અપેક્ષા રાખવામાં આવે છે. છઠ્ઠી ક્વોલિટી જરૂરિયાતથી વધારે ન બોલવાની છે. સાતમી આવશ્યકતા શક્તિ મુજબ મદદ માટે દાન કરવાની છે. વિદુરજી કહે છે કે, વ્યક્તિએ એની હેસિયત મુજબ નહીં પણ ઓકાત મુજબ મદદ કરવી જોઇએ. હેસિયત સામાજિક અને આર્થિક શક્તિને જોઈને સમાજ અને દુનિયા નક્કી કરે છે જ્યારે ઓકાત વ્યક્તિની વાસ્તવિક સ્થિતિની ગવાહી આપે છે. છેલ્લી અને આઠમી ક્વોલિટી કૃતજ્ઞતાની ભાવનાની છે. જ્યારે કોઈપણ વ્યક્તિના જીવનમાં કોઈએ હકારાત્મક વલણ સર્જવામાં ભાગ ભજવ્યો હોય ત્યારે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાનુ ન ચુકવુ જોઈએ.
પ્રત્યેક કાળખંડમાં જ્ઞાન અને નીતિ આધારિત જીવનના વિવિધ આયામો રજૂ થયા છે. એક સંશોધન અનુસાર માનવીનું મન દિવસ દરમિયાન સાઈઠથી નેવું હજાર વિચારોની ભીડમાંથી પસાર થતું હોય છે. સરળ શબ્દોમાં જોઈએ તો પ્રતિ પળ વ્યક્તિ એક નવા વિચારદોસ્તકે નવા વિચારદુશ્મનનો સામનો કરે છે. માનવીનું જીવન હજારો લાખો વિચારો પૈકી યોગ્ય વિચારોની પસંદગીની રમત માત્ર છે. અભ્યાસુ નીતિજ્ઞો દ્વારા સમયાંતરે રજૂ કરેલી જ્ઞાન, અનુભવ આધારીત નીતિઓ સાચા વિચારોની પસંદગીમાં સહાયતા કરે છે.

ધબકાર :
બુધ્ધી કોઇપણ પરિવર્તનના સ્વીકાર માટેની ક્ષમતા કેળવવા માટેનુ સાધન છે.