એક
સંવેદનશીલ મિત્રને એવી આદત કે, રોજે રોજ એક પાના ઉપર હૃદયની ઊર્મિઓને ઠાલવે. છેલ્લા ત્રણ દાયકાઓથી એક પણ દિવસના ગેપ વગર રોજ એ મિત્ર એની દીકરીને
એક પાનું લખે. દીકરીના તો છેલ્લા સાતેક વર્ષથી વિવાહ થઈ ગયા
છે અને અમેરિકામાં એના પતિ સાથે સેટલ થઈ ગઈ છે. આ
બાજુ આ મિત્ર પણ સેવા નિવૃત્ત થઈ ગયા છે. પરંતુ પ્રતિદિન પુત્રીને એક પાનું
ડાયરીમાં લખવાનો ઉપક્રમ એમણે જાળવી રાખ્યો છે. નિવૃત્તિના
સમયથી બહુ પહેલાથી એમણે એમની સંવાદનાના વહનનો સુંદર માર્ગ શોધી લીધો છે. એમને ડાયરી લખવાની મોજ આવે છે.
જીવનમાં
જેની મોજ આવે એ જ કરવાનું હોય. સંભવ છે કોઈવાર કોઈ કામ પરાણે પણ કરવું
પડે. તો એ પણ કરી જ લેવું. સંપૂર્ણ
શીદ્દત સાથે કોઈપણ રંજ વગર જીવ રેડીને કરી લેવું. માત્ર
કરવા ખાતર કોઈ કામ કરવાનો અર્થ નથી. દરેકે દરેક કામ તમે જ કરો એ ક્યાં
જરૂરી છે ? અને બધા કામ મારે કરવા એવી જીદ પણ નકામી છે. સહજ રીતે જે કાંઈપણ સુજે એ કરી લેવું. પ્રયત્નપૂર્વક
કોઈપણ બાબતને અટકાવી દેવામાં માલ નથી.
સમયના પ્રવાસી રહેવામાં મોજ છે. સંભવ છે ક્યારેક સમયને ઘુંટણીએ પડી જવામાં પણ ક્યારેક આનંદ આવે. જો કોઈને મળવા માટેનો કોઈ સમય સુનિશ્ચિત કર્યો હોય તો બિલકુલ એ સમયે હાજર થઈ જવામાં અંતઃકરણનો આનંદ હોવો જોઈએ. એક ભાઈ એની અર્ધાંગિનીને સવારે કહે કે આજે સાંજે સાડા પાંચ વાગે આપણે સરીતા ગાર્ડનમાં વોક માટે જઈશું. અને શાર્પ સાડા પાંચના ટકોરે બન્ને ઘરની બહાર જ હોય. ન તો એમને કોઈને મળવાનું હતું કે ન તો એમણે કોઈ અગત્યના દસ્તાવેજો ઉપર દસ્તખત કરવાના હતા. પણ સમય પાલન સાથે એમનો અદભુત તાલમેલ હતો. નિર્ધારિત સમય બાદ થતા કોઈપણ કામમાં સક્કરવાર નથી હોતો.
બસ
સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન, એરપોર્ટ હોય કે ઉબર-ઓલાના ડ્રાયવરને બોલાવ્યો હોય, સમયસર તૈયાર રહેવાનું સમીકરણ બેસાડવું
પડે. શક્ય છે આ સ્વભાવ કોઈને લપલપીયો કે ચીકણો પણ
લાગે પરંતુ એના કારણે જીવનમાં નુકસાન તો નથી જ નથી. સામાન્ય
રીતે ઘણા લોકો સમયથી મોડા પહોંચવાની વાતને પોતાની વેલ્યુએશન સમજે છે. ખરેખર તો આ વેલ્યુએશન કરતાં ડિવેલ્યુએશન વધુ છે. સેવા
નિવૃત્તી હોય કે પ્રવૃત્તિમાં હોવ, જે કાંઈ પણ કરવામાં આવે એ હોલ હાર્ટેડલી
કરવામાં આવે તો જ એમાં હોલીસ્ટિક એપ્રોચ આવે. મહદંશે
લોકો કરવા ખાતર કામ કરે છે.
પ્રાણ લગાવીને કરતા નથી. એટલે જ પરિણામોથી વ્યથીત થઈ જતા હોય છે. વર્ક સ્પીરિટ વગર વર્ક સેન્સેશન આવતું નથી.
જ્યારે કોઈપણ કાર્ય હાથ ઉપર લેવામાં આવે ત્યારે એ જ સમયે તમારો સ્પસ્ટ જવાબ હોવો જોઈએ કે આ કાર્ય કરી શકશો કે નહીં. કોઈને પણ તમારી પાછળ ફેરવવામાં રસ ન હોવો જોઈએ. એકવાર કામ કરવાની સંમતિ આપ્યા પછી એ કાર્ય ક્યાં, કેટલું અને કેવું છે એની નાનામાં નાની વિગતો આપવાનો એપ્રોચ તમારી કાર્યનિષ્ઠાનું પ્રમાણ આપતુ હોય છે. ‘ફીડબેક’ આપવાની વાતનું અત્યંત મહત્વ છે. જો કોઈ કામ ન થઈ શકે તો સ્પષ્ટતાપૂર્વક એની ના પાડવાની આવડત હોવી જોઈએ. ના પાડવા પાછળના કારણો પણ ઉજાગર થાય તો સારું. જ્યારે કોઈ કામ નથી જ કરવાના કે નથી જ થઈ શકવાનું તો પછી એની માટે બીજાને ખોટી આશા અને અરમાનમાં રાખવાનું પાપ ક્યારેય ન કરવું.
જ્યારે સાથીઓ પાસેથી કોઈ કામ લેવાની વાત આવે ત્યારે ક્યારેક સમયની પાબંદી છૂટી જતી હોય એવું પણ બને. આવા સંજોગોમાં લક્ષ્ય અને સમય વિશે સાથીઓનું ધ્યાન દોરી પ્રોત્સાહિત કરવા જોઈએ. વારંવારની દખલઅંદાજી કંસારને થુલી બનાવી દેશે. જ્યાં ટીમવર્ક હોય ત્યાં સ્ટીમવર્કનું સ્થાન નથી. અન્યની ખામીઓમાં ક્યારેય અતિઉત્સાહ દેખાડવાની જરૂર નથી. વ્યક્તિ ક્યારેય પોતાનો બરડો ક્યાં જોઈ શકે છે ? જરૂર છે પોતાની ખામીઓને જોઈને એના પ્રતિ સજાગ બનવાની. પોતાની ક્ષમતાને ઓળખી ક્ષતિઓને અતિક્રમવાની છે. અન્યની ખામીઓને ખંજવાળવાની ક્યાં જરૂર છે ?
નિવૃત્ત
વ્યક્તિ માટે જીવનની ઊર્જા જે ગમે એ કરવામાંથી મળતી હોય છે. નહીંતર
જતી ઉંમરમાં માણસ મટી મેડિકલ ફાઈલ બની જતા વાર નહી લાગે. પ્રસિદ્ધ
લેખક સુરેશ દલાલે એક જગાએ સરસ લખ્યું છે કે, ‘હું માણસ મટીને મેડિકલ રીપોર્ટ થઈ ગયો
છું. એક્સ-રે થઈ ગયો છું, થઈ
ગયો છું બ્લડ ટેસ્ટ, નીકળતા જાય છે કાર્ડિયોગ્રામ, ઈકો-કાર્ડિયોગ્રામ. આમ
ને આમ જિંદગી વહી જાય છે. એક સ્થળેથી બીજા સ્થળે રિપોર્ટ કઢાવવાના. જાતજાતના ડૉકટર્સને એ બતાવવાના. રિપોર્ટ
અહીં કઢાવવાના અને બિલ ત્યાં ચૂકવવાના. માંદગીથી કંટાળતા નથી એટલા આવી
હડીયાપટ્ટીથી કંટાળીએ છીએ. આમને આમ હું માણસ મટી મેડિકલ ફાઈલ થઈ
ગયો.’ પેલા મિત્રને પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ રોજ
એક પાનુ લખવામાં મોજ આવે છે તો કોઇ વાર વાંસળી, માઉથ ઓરગન કે ગીટાર વગાડી આનંદ કરી
લે છે. મુળ વાત આનંદની છે વયસ્ક બનવાની નથી. આમ કરાય ને આમ ન કરાય, એવી ઘરેડમાં
જીવતો રહે એના દરવાજે ઘઢપણ દસ્તક દેતા વાર નથી લગાડતું.
ધબકાર : છેલ્લા શ્વાસ સુધી કામનો નશો રોજેરોજના મોતને માત આપવાનુ અમોઘ
શસ્ત્ર છે.





