પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 8 March 2019

હવેના યુધ્ધો જમીન ઉપર ઓછા અને આકાશમાં વધુ લડાશે


હવેના યુધ્ધો જમીન ઉપર ઓછા અને આકાશમાં વધુ લડાશે
કલ્પના કરી જૂઓ કે દૂર દૂર સુધી કોઈ વનસ્પતિ, ફૂલ, પક્ષી, પશુ કે જીવન ન દેખાય તો ? પશુ, પક્ષી તો દૂરની વાત કોઈ માણસ પણ ન દેખાય ? દેખાય તો બસ માત્ર ધુળની ડમરીઓ, રાખના ઢગલા અને લોહી નિતરતી લાશો. આમંજર છે ત્રીજા વિશ્વયુધ્ધના અંજામનો. યાદ કરો વર્ષ ૧૯૧૪થી ૧૯૧૮ સુધી ચાલેલું પ્રથમ વિશ્વયુદ્ધ. જેમાં એક કરોડ સત્તર લાખ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. વર્ષ ૧૯૩૯થી ૧૯૪૫ સુધી ચાલેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં છ કરોડ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આજે દક્ષિણ ચીન સમુદ્રી વિસ્તારના ડોન બનવાની હોડ ચાલી છે. હિન્દુસ્તાનથી માત્ર ત્રણ હજાર કિલોમીટર દૂર આવેલા દક્ષિણ ચીન સમુદ્રી વિસ્તારમાં ચીનનો પારો ચડતો જાય છે. અહીં અમેરિકાના યુદ્ધ જહાજો કે યુએસના વિશાળ સમુદ્રી જહાજોની હાજરી ડ્રેગોન ચીન સાંખી નથી શકતું. આ વિસ્તારમાં ભુલથી પણ વિશ્વના દબંગ અમેરિકાનું કોઈ જહાજ પ્રવેશે તો ડ્રેગોન ડોળા કાઢી એને ખદેડી નાખે છે.
દુનિયાના માથે ત્રીજું વિશ્વયુદ્ધ દસ્તક દઇ રહ્યું હોય એવી આ પરિસ્થિતિ છે. ભગવાન ન કરે કે, ત્રીજું વિશ્વયુદ્ધ થાય. પણ ત્રીજુ વિશ્વયુધ્ધ થાય તો શું ? હવેના વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બની વર્ષા થશે. આખા રાષ્ટ્રોના રાષ્ટ્રો તબાહ થઈ જશે. માણસનું નામો નિશાન વિશ્વમાંથી સમાપ્ત થઈ જશે. શ્રૃષ્ટિનો સર્વનાશ સર્જાશે. બધુ જ ખતમ થઈ જશે અને રાખના ઢગલાઓમાં ચિત્કારો અને ચીસો પણ ઢબુરાઈ જશે. આજે વિશ્વમાં ૧૫૪૯૩ જેટલા પરમાણુ બોંબ છે. આ બોંબ મિસાઇલોની પીઠ ઉપર સવારી કરીને ૧૫૦૦૦ કિલોમીટર સુધી વાર કરી શકે છે. એમાંથી જો અડધા પરમાણુ બોંબ પણ ઉપયોગમાં લેવાય તો આખી દુનિયા જ સમાપ્ત થઈ જાય. અને જો દુનિયા જ સમાપ્ત થઇ જાય તો પછી મારૂ અને તારૂ શું ? રશિયા પાસે ૭૩૦૦, અમેરિકા પાસે ૭૧૦૦, ચીન પાસે ૨૬૦, પાકિસ્તાન પાસે ૧૨૦, ભારત પાસે ૧૧૦ પરમાણુ બોંબનો ઝકીરો છે.
હવેના યુધ્ધો જમીન ઉપર ઓછા અને આકાશમાં વધુ લડાશે. જે દેશ પાસે જેટલી વધુ મિસાઈલ અને લડાકુ વિમાનો હશે એ દેશનો દબદબો રહેશે. આમ પણ અત્યાર સુધીના લડાયેલા નાના-મોટા તમામ યુદ્ધોમાં વાયુદળની ચાવીરૂપ ભૂમિકા રહી હોવાનું નકારી ન શકાય. બીજા વિશ્વયુદ્ધ વેળા બર્મામાં ઘુસવા માગતી જેપનીઝ આર્મીને થાઈલેન્ડમાં ઈન્ડિયન એરફોર્સે ધુળ ચાટતી કરી દીધી હતી. ૧૯૭૧માં બાંગ્લાદેશ લીબરેશન વખતે પણ ઈન્ડિયન એર ફોર્સની મહત્વપૂર્ણ ભૂમિકા ભૂલાય એવી નથી.
પાંડવ અને કૌરવો કુરુક્ષેત્રના સમરાંગણમાં સામ સામે યુદ્ધ માટે તૈયાર ઊભા હતા ત્યારે પોતાના ભાંડુઓને કેમ કરીને મારું એવા વિચારથી આત્મવિશ્વાસ ગુમાવીને ઊભેલા અર્જુનને શ્રીકૃષ્ણે ભયમાંથી ઉગારતા કહ્યું હતું કે, ખોટા ખયાલો છોડી અધર્મ ઉપર ધર્મના વિજય માટે શસ્ત્રો ઊઠાવી વિજયના યશ સાથે આકાશમાં ઊંચે ઊડવાની તૈયારી કર. ભારતીય વાયુદળને પણ આજે આ સંદેશ બિલકુલ ફીટ બેસે છે. આમ પણ ઈન્ડિયન એર ફોર્સનું ટચ ધ સ્કાય વીથ ગ્લોરીસુત્ર ભાગવત ગીતાનો જ અંશ છે.
હિન્દુસ્તાનના પુલવામા ઉપર જૈશ--મુહમ્મદના નાપાક આતંકવાદી હુમલા સામે હિન્દુસ્તાની વાયુદળે કરેલી જવાબી કાર્યવાહીની ગુંજ પાકિસ્તાનના ખૂણે ખૂણામાં પડી છે. નાલાયકીને નસિહત ધર્મનું પાલન કહેવાય. આ લખાઈ રહ્યું છે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. યુધ્ધ ક્યારેય ઇચ્છનીય નથી પણ આજની નાજુક પરિસ્થિતિમાં જો યુધ્ધ જાહેર થાય તો હિન્દુસ્તાન અને પાકિસ્તાનની આકાશી તાકાતનો મુકાબલો થશે. જો કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની લશ્કરી અને આકાશી તાકાતની તુલના જ હિન્દુસ્તાનની લશ્કરી શક્તિઓની અવહેલના કરવા બરાબર છે.
હિન્દુસ્તાન પાકની ૩૦૦૦ કિલોમીટર લાંબી સરહદી સીમા છે. રોજ રાત્રે હિન્દુસ્તાન-પાક સીમાઓ ઉપર દોઢ લાખ ફ્લડ લાઈટ્સ ઓન થઈ જતી હોય છે. નાની સરખી હિલચાલની પણ બન્ને દેશના જવાનો પાક્કી ખબર રાખતા હોય છે. હિન્દુસ્તાન પાસે ૧૭૦૦ જેટલા લડાકુ વિમાનો છે. જ્યારે પાકિસ્તાન પાસે ૯૬૦ લડાકુ વિમાનો છે. હિન્દુસ્તાન ૨૯૨ રોકેટ લોંચર ધરાવે છે જ્યારે પાક પાસે ૧૩૪ રોકેટ લોંચર છે.
દુશ્મન દેશના છક્કા છોડાવવા હવેના યુદ્ધોમાં પોતાના દેશમાં જ બેઠા બેઠા મિસાઈલ પાવરનો ભરપુર ઉપયોગ થવાનો છે. હિન્દુસ્તાનની આકાશી તાકાત અમેરિકા, રશિયા અને ચીન પછી આવતી વિશ્વમાં ચોથા ક્રમની શક્તિશાળી સેના છે. આજે હિન્દુસ્તાનના મિસાઈલ પાવરની સમસ્ત વિશ્વ બાકાયદા ઈજ્જતપૂર્વક નોંધ લે છે. હિન્દુસ્તાનના મિસાઈલ બેડામાં સૌથી ઉપર નામ આવે બ્રહ્મોસ મિસાઈલનું. નવેમ્બર તા. ૨૨, ૨૦૧૭માં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું. જમીન, જળ અને આકાશ ત્રણેય જગા ઉપરથી આ મિસાઇલ સચોટ હુમલો કરી શકે છે. આ પ્રકારની સુપર સોનિક ક્રુઝ મિસાઈલ ડેવલપ કરનારા પ્રથમ દેશ તરીકે ભારતે વિશ્વને ચોંકાવી દીધુ છે. રશિયા સાથે સંયુક્ત રીતે બનાવેલી બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોના નદીના નામ ઉપરથી આપવામાં આવ્યું છે. બ્રહ્મોસ જમીનથી માત્ર ૧૦ કિલોમીટર ઉપર ઊડીને ૨૦૦થી ૩૦૦ કિલોગ્રામ હાઈ એક્સ્પ્લોઝીવ લઈને ૩૦૦થી ૫૦૦ કિલોમીટર રેન્જમાં દુશ્મન દેશના ફુરચા ઉડાવવાની તાકાત ધરાવે છે. બ્રહ્મોસ મિસાઇલ ન્યુક્લિયર એક્સપ્લોઝન પણ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. બ્રહ્મોસ રડારમાં પકડી શકાતી ન હોઈ સચોટ અને ઘાતક મિસાઈલ છે.
આ ઉપરાંત સરફેસ ટુ સરફેસ શોર્ટ રેન્જ વાર કરતી પૃથ્વી-૧ મિસાઈલ ૪૦થી ૧૫૦ કિલોમીટર સુધી ૫૦૦થી ૧૦૦૦ કિલોગ્રામ એક્સ્પ્લોઝીવ વરસાવી શકે છે. જ્યારે પૃથ્વી-૨ ૨૫૦ થી ૩૫૦ કિલોમીટર અને પૃથ્વી-૩ ૩૫૦થી ૬૦૦ કિલોમીટર રેન્જ ઉપર આગ ઓકી દુશ્મન દેશના છક્કા છોડાવી દે છે. ભારતીય નૌકા દળના ઉપયોગ માટે ૩૫૦થી ૭૫૦ કિલોમીટરની રેન્જમાં દુશ્મનો ઉપર તુટી પડતી ધનુષ મિસાઈલ ભારતના નેવી બેડાની શાન છે. ધનુષ ન્યુક્લિયલ હાઈ એક્સ્પોઝીંગ પણ વરસાવી શકે છે આની સાથો સાથ ૧૨૫૦ કિલોમીટર સુધી વાર કરતી અગ્ની-, ૩૦૦૦ કિલોમીટર સુધી મારક ક્ષમતાવાળા અગ્ની-, ૫૦૦૦ કિલોમીટર સુધી અગ્ની-, ૪૦૦૦ કિલોમીટર સુધી અગ્ની-, ૮૦૦૦ કિલોમીટર સુધી અગ્ની-૫ અને ૧૪૦૦૦ કિલોમીટર સુધી પહોંચી શકતી અગ્ની-૬ મિલાઈલો પણ ભારત પાસે છે. ન્યુક્લિઅર બોમ્બ વહન ક્ષમતાવાળી અગ્ની મિસાઈલની રેન્જમાં પાકિસ્તાન આખું આવી જાય  છે. આખું ચીન પણ અગ્નીની રેંજમાં આવી જાય છે.
સાગરિકા નામની અન્ય એક ન્યુક્લિઅર કેપેબલ લોંગ રેન્જ મિસાઈલ ભારતીય શસ્ત્રાગારમાં છે. આ ઉપરાંત ૯૦૦૦ કિલોમીટર પ્રતિકલાકની રફતારથી હુમલો કરતી શૌર્ય મિસાઈલ અને સરફેસ ટુ સરફેસ ગાઈડેડ શોર્ટ રેન્જ પ્રહાર કરી શકે એવી પ્રહાર મિસાઈલ પણ હિન્દુસ્તાનના ભાથામાં છે. ૧૫૦૦ કિલોમીટર સુધી હુમલો કરી શકે એવી નિર્ભય અને થર્ડ જનરેશન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ નાગ પણ હિન્દુસ્તાનના શસ્ત્રભંડારમાં છે. હિન્દુસ્તાન પાસે અલ્ટ્રા મોર્ડન એસ-૪૦૦ એંટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ દુશ્મનોના લડાકુ વિમાન, મિસાઇલ, ડ્રોન હવામાં ઉડાડી નાખવા માટે સક્ષમ છે. નોંધનીય છે કે પાકિસ્તાન પાસે આ પ્રકારની સિસ્ટમ છે ખરી પણ બે દાયકા પુરાણી છે. સ્વાભાવિક રીતે જ ક્ષમતાની તુલનામાં પણ અત્યંત પછાત છે.
યુદ્ધ એ કોઈપણ સમસ્યાનું સમાધાન ન હોઈ શકે. પણ સાથે સાથે એ પણ એટલું જ સત્ય છે કે જ્યારે આસુરી માનસિકતાનો પ્રભાવ વધે ત્યારે તેને નસિહત આપવાની હિમાકત સ્વયં ભગવાને કરી છે. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં કહ્યું છે કે, કેવળ ભાગ્યશાળી યોદ્ધાને જ એવું યુદ્ધ લડવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે જે સ્વર્ગના દરવાજા સમાન છે. દરેક દેશ પોતાને બીજા દેશ કરતાં વધુ સારો માને છે. આમાંથી જ દેશભક્તિ જન્મે છે અને આમાંથી જ યુદ્ધ જન્મતું હોય છે. સત્ય તો એ છે કે, જીવન એક ફુલ છે અને પ્રેમ એનું મધ છે. જ્યારે પોતાના કદથી પડછાયો અને હેસિયતથી મોટી વાતો થાય ત્યારે સમજી લેવું પડે કે સુરજનો અસ્ત થવાનો સમય આવી ગયો છે.

ધબકાર :
‘દુશ્મનોને (આતંકવાદીઓને) માફ કરવાનું કામ ઈશ્વરનું છે પણ એમને ઈશ્વર પાસે મોકલવાનું કામ અમારું છે.’
                                                – ભારતીય સુરક્ષા દળ





ભીડથી અલગ હટી નવો રાહ બનાવનારા જીવન જીવી જાય છે અને બીજાએ બનાવેલા માર્ગે ચાલનારા માત્ર સમય પસાર કરતા હોય છે
દિન રાત દોડતી દુનિયા મેં,
જિંદગી કે લિયે હી વક્ત નહિ;
પેસો કી દોડ મે એસે દોડે,
કી થકને કા ભી વક્ત નહીં;
પરાયે અહેસાનો કી ક્યા કદ્ર કરે,
જબ અપને સપનો કે લિયે હી વક્ત નહિ;
તુ હી બતા એ જિંદગી,
ઇસ જિંદગી કા ક્યા હોગા;
કી હર પલ મરનેવાલો કો,
જીને કે લીયે ભી વક્ત નહીં;...
હદયના તારને રણઝણાવી નાખતા આ હિન્દી કાવ્યાંશમાં જીવનનો ખુબસુરત નજરીયો અદભુત રીતે પેશ કરાયો છે. દરેક વ્યક્તિને જીવનનો ભરપૂર આનંદ લેવો છે. દરેકને કંઈક એવું કરવું છે જે સૌથી નોખું હોય. બધાને જીવનમાં એવી કોઈ મોટી ઉપલબ્ધિ મેળવી ચમકવું હોય છે કે જે બીજા લોકોના માનસપટ ઉપર છવાઈ જવુ હોય છે. દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે, એમના ચીતરેલા ચીલા ઉપર બધા દોડવા આતુર હોય છે. કોઈના બનાવેલા માર્ગ ઉપર દોડવા મથતી ભીડમાં આજુબાજુવાળા ક્યાં છે અને એ મારા માટે શું વિચારી રહ્યા છે એવા ખયાલોમાં જ મોટાભાગે જિંદગીની દોડ પૂરી થઈ જતી હોય છે. આખી દુનિયામાં એક ટકા લોકો જ એવા છે જેમની પાસે સામાજિક, આર્થિક સામર્થ્ય અને સુખ-સવલતના અંબાર છે. ૯૯ ટકા લોકો તો આ સફળ થયેલા એક ટકા લોકો પાછળ ગાડરિયા પ્રવાહમાં જીવન ખપાવી દેતા હોય છે. આ એક ટકા લોકો ભીડમાંથી અલગ હટી ગયેલા લોકો છે. ખાડા-ટેકરા, કંટકોની વચ્ચેથી માર્ગ કાઢીને આગળ આવ્યા એટલે આ એક ટકા લોકોની અલગ ઓળખ બની છે.
બીજાએ બનાવેલા માર્ગ ઉપર ચાલવાથી થોડો સમય આરામ અને સંતોષ જરૂર મળે પણ આ સફળતા અડધી પડધી અને ટૂંકા ગાળાની હોય છે. જો મુસીબતો અને મુશ્કેલી ભરેલી તમારી અલગ રાહ નથી તો જીવનની સફર જરૂર ખેડાય તો પણ જિંદગી એના પૂર્ણ આફતાબમાં ખીલી ન શકે. સમગ્ર વિશ્વમાં ખૂબ જોવાતો 'મેન વર્સીસ વાઇલ્ડ' શોના બેયર ગ્રીલ્સનું નામ દુનિયાભરમાં ઘરે-ઘરે જાણીતું છે. બેયર જીવનની મુશ્કેલીઓને એપલ જ્યૂસની જેમ પી જઈને હંમેશા તાજો-માજો રહ્યો છે. એક નહીં અનેક ઝંઝાવાતો સામે બેયર અડીખમ યોદ્ધાની જેમ લડ્યો છે. એણે જીવનને ભરપૂર માણ્યું છે. હર કદમ ઉપર હાકાલા પડકારા દેતા નવો માર્ગ એણે કંડાર્યો છે. આયર્લેન્ડમાં જન્મેલા બેયરનું ખરુ નામ એડવર્ડ માઈકલ બેયર ગ્રીલ્સ. એડવર્ડ નાનો હતો ત્યારે એની બહેન લાડથી એને 'બેયર' કહેતી. બહેને લાડથી આપેલા નામને જ એડવર્ડે પોતાની પહેચાન બનાવી નાખી. એને બાળપણથી એડવેન્ચર કરવાનો જબરો શોખ હતો.
એડવેન્ચરની દુનિયામાં આગળ વધવા માટે એણે બ્રિટિશ આર્મીમાં જોડાવવાનું નક્કી કર્યું. આ માટે લેવાતી અત્યંત કપરી પરીક્ષામાં ૧૯૯૪માં પાસ થનારો બેયર એકમાત્ર કેન્ડિડેટ હતો. બ્રિટિશ આર્મીની 21 SAS રેજીમેન્ટમાં એ જોબ પર લાગ્યો. પણ કહેવાય છે ને કે, નસીબ આડે પાંદડું હોય ત્યારે શું થઇ શકે ? નસીબ આડેના પાંદડાને પણ બેયર જેવા લોકો પોતાની અલગ વિચારધારા દ્વારા દૂર હડસેલી નાખતા હોય છે. આર્મીની નોકરીમા જોડાયાના માત્ર બે જ વર્ષમાં બ્રિટિશ આર્મીના ઝામ્બિયાના એક મિશન વખતે બેયરને જબરજસ્ત એક્સિડન્ટ થયો. એ ૪૯૦૦ મીટરની ઊંચાઈએથી પેરા જમ્પિંગ કરતો હતો ત્યારે એનુ પેરાશૂટ ન ખુલવાને કારણે ખડક ઉપર પટકાયો. એની કરોડરજ્જુ ચકનાચૂર થઈ ગઈ. એની કરોડરજ્જુમાં ત્રણ મેજર ફ્રેકચર થયા. ડોકટરોએ હાથ ધોઈ નાખ્યા. બધા એક્સપર્ટ ડોક્ટરોએ કહી દીધું કે, હવે બેયર જીવનભર ઉભો નહીં થઈ શકે.
આવી પરિસ્થિતિમાં કોઇ પણ વ્યક્તિ ભાંગી પડે. આવી પરિસ્થિતિમાં પણ બેયરે જીવનનો અલગ રાહ બનાવવાનું નક્કી કરી લીધું હતું. એણે એના હોસ્પિટલના રૂમમાં માઉન્ટ એવરેસ્ટનું મોટું પોસ્ટર લગાવ્યુ. બાળપણથી એની ઈચ્છા એવરેસ્ટ સર કરવાની હતી. ૧૮ મહિના હોસ્પિટલમાં રહ્યા બાદ એ ફરી બેઠો થયો. બેયરે ૧૬, મે ૧૯૯૮માં એવરેસ્ટ ઉપર પગ મુક્યો અને બ્રિટનના એવરેસ્ટ આરોહણના ઈતિહાસમાં ત્રેવીસ વર્ષની સૌથી નાની વયે એવરેસ્ટ સર કરવાનો વિક્રમ એના નામે નોંધાયો.
આ પછીની એક ઘટના એવી પણ છે કે, બેયરે એના મિત્રની આર્થિક સહાયતા માટે બાથરૂમ ટબમાં થેમ્સ નદી પાર કરવાની અત્યંત કપરી ચેલેન્જ ઉપાડી લીધી. જીવનના મુશ્કેલ સમય દરમિયાન એણે નક્કી કર્યું હતું કે, વિકટ પરિસ્થિતિમાં એણે જે ભૂલો કરી અને જે સહન કરવું પડ્યું એવું બીજા કોઈને સહન ન કરવું પડે એના માટે એ લોકોને કપરી પરિસ્થિતિમાં માર્ગ શોધવા માટે ઉપયોગી જાણકારી આપશે. એણે 'મેન વર્સીસ વાઇલ્ડ' ટીવી શો શરુ કર્યો. જોતજોતામાં આ ટીવી શો લોકોના હૃદયમાં ઊતરી ગયો. જે વ્યક્તિની કરોડરજ્જુ ચકનાચૂર થઈ ગઈ હતી, માઉન્ટેનિયેરીંગ તો શું બેસી પણ ન શકે એવી સ્થિતિમાં મુકાઇ ગયેલા વ્યક્તિએ ભીડથી અલગ પોતાના વિચારો મુજબ ચાલીને ઇતિહાસમાં રચ્યો.
કવિ ભાવેશ ભટ્ટની આ ચોટદાર પંક્તિ યાદ આવે છે, 'રોજ ખાના આપણા બદલાય છે, તે છતાં પણ ક્યાં રમત સમજાય છે, તું સમય છે તો સમયની જેમ ચાલ, આમ ક્યાં સામે અથડાય છે...' બાળપણથી લઈને વૃદ્ધાવસ્થાની સફરમાં જવાબદારીઓ પૂરી કરવાના ચક્કરમાં અને બીજાએ બનાવેલી સડક ઉપર આસાનીથી ચાલવામાં પોતાના માટે જીવવાનું સાવ જ ભુલાઈ જતુ હોય છે. નોકરી કે વ્યવસાય કરતા હોઇએ ત્યારે સત્તા અને પૈસાની કશ્મકશમાં જ્યારે નિવૃત્તિના આરે આવીએ ત્યારે ખબર પડતી હોય છે કે, જિંદગી તો જીવાઇ જ નથી માત્ર સમય પસાર થયો છે. જ્યારે આ વાસ્તવિકતાની ખબર પડે અને પોતાની રીતે જીવન જીવવાનું નક્કી કરવામાં આવે ત્યારે શરીરની સાથ આપવાની મર્યાદા હોય છે.
પ્રતિદિન એક નવુ લક્ષ્ય નક્કી કરી નવો રાહ બનાવવા સજ્જ થવું જોઇએ. ચેતના મનમાં જાગવી જોઈએ. નક્કી કરી લેવું પડે કે, આ એ જ પળ છે કે, જેના માટે જીવનમાં રાહ જોઈ હતી. નાના નાના લક્ષ્યો પાર પાડી મોટી સફળતા સુધી પહોંચી શકાય છે. જ્યારે વ્યક્તિ અન્યના ચીલાથી દૂર જઈ પોતાના વિચારોનો નવો માર્ગ બનાવે છે ત્યારે એ સાબિત કરી દેતો હોય છે કે, દુનિયા ખોટી હતી અને એ સાચો છે. અને ત્યારે જીવનની પ્રત્યેક ક્ષણે ઘાયલ સાહેબનો પેલો જાણીતો શેર અંગડાઈ લઈને બેઠો થતો હોય એમ લાગે છે. 'ખૂબ અંદર બહાર જીવ્યો છું, ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું, હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં, હું ય બહુ ધોધમાર જીવ્યો છું...'

ધબકાર :
જિંદગીમાં તોફાનો સામે ટકી રહેવાની અને માર્ગ કાઢવાની ખુમારીનું નામ જિંદગી.




વિશ્વાસની વાતમાં પ્રદેશનુ ગૌરવ અને આંખોમાંથી કામનું સન્માન નિતરતું હતું


વિશ્વાસની વાતમાં પ્રદેશનુ ગૌરવ અને આંખોમાંથી કામનું સન્માન નિતરતું હતું

જે પોતાના કામથી ખુશ હોય છે એનાથી દુનિયા પણ ખુશ હોય છે. જેને પોતાના કામ પ્રત્યે ગૌરવ અને લગાવ હોય છે એના કામમાં નિખાર હોય છે. સારું કામ કરવા માટે સમયનો અભાવ હતો કે પર્યાપ્ત સમય ન મળ્યો કહેનારા લોકોની વાતમાં દમ નથી. જે લોકો સફળ થયા છે અને આગળ વધ્યા છે, એમની પાસે પણ ૨૪ કલાકનો જ સમય હોય છે. આગળ વધેલા લોકો એ જ ૨૪ કલાકમાં એમના કાર્યમાં ગૌરવ અને લાગણીનો સમન્વય કરીને ચમત્કાર કરતા હોય છે.
પ્રશ્નો કરતા કાર્યનું ફલક અને લક્ષ્ય ઘણા મોટા હોવા જોઈએ. મધ્યપ્રદેશના રમણીય પ્રવાસન સ્થળ માન્ડુમાં વિશ્વાસ નામનો એક યુવાન રહે. એક દિવસની વાત છે. વિશ્વાસની પત્ની રસોઇ બનાવતી હતી ત્યારે ગેસનો બાટલો ફાટતાં ગંભીરરૂપે દાઝી ગઈ હતી. વિશ્વાસે પળભરનો વિલંબ કર્યા વગર એને બાજુના શહેરની હોસ્પિટલમાં એના ગજા બહારનો ખર્ચ કરીને પત્નીની સારવાર કરી. એને બે નાના નાના બાળકો પણ છે.
વિશ્વાસ માન્ડુમાં ગાઈડનું કામ કરે છે. સાથે સાથે નાનકડી ચાની કીટલી પણ ચલાવે છે. એક દિવસે સવારે નવેક વાગે ત્રણેક કપલ માન્ડુની જામી મસ્જિદ પાસે ગાઈડ શોધતા બધા સાથે ચર્ચા કરતા હતા. આ લોકોએ વિશ્વાસ સાથે પણ ચર્ચા કરી. ભાવ-તાલની આ પ્રવાસીઓ વિશ્વાસ સાથે વાત કરતા હતા ત્યારે વિશ્વાસે સહજતાથી કહ્યું, ‘અહીં ગાઈડનો ભાવ જે છે, એ મેં તમને કહ્યો. તમને યોગ્ય લાગે તો આપજો પણ તમે પહેલા મારુ માન્ડુ મારી સાથે જુઓ તો ખરા. મારા માન્ડુની માંડીને વાત કરું એ સાંભળો અને મારા પ્રદેશની રમણીયતા માણો પછી જે ઠીક લાગે તે આપજો.’
ગાઈડનું કામ કરતા એક યુવાનની એના પ્રદેશ માટેના ગૌરવનો ટંકાર એમાં હતો. એના કામ પ્રત્યેની ગૌરવની લાગણીએ આ ત્રણેય કપલને ભીંજવી દીધા. બીજી કોઈપણ દલીલ કે ચર્ચા વગર વિશ્વાસ આખો દિવસ એમની સાથે માન્ડુમાં ફર્યો અને હૃદયથી માન્ડુની એકે એક ઇમારત અને પ્રત્યેક ઝાડ-પાન વિશે સમજાવતો રહ્યો. એના દરેક શબ્દમાં એના પ્રદેશનું ગૌરવ ટપકતું હતું. એની આંખોમાં એના કાર્યનું સન્માન નીતરતું હતું.
મુખ્ય વાત તો એ છે કે, મહાન કાર્યોમાં ક્યારેય સફળતા નથી હોતી. કાર્યના ગૌરવ અને કામના સન્માનમાં જ સફળતાનો તેજપુંજ હોય છે. કામ પ્રત્યેનું ગૌરવ અને નિષ્ઠાપૂર્વકનો દ્રષ્ટિકોણ મોટી કામયાબીનો હિસ્સો બનતી જતો હોય છે. આ યુવાન વિશ્વાસ જીવનભર ગાઈડ નહીં રહે. એ યુવાન આગળ જતા સફળતાના શિખરે બેસવાનો છે એ નક્કી છે.
કોઈપણ વ્યક્તિના જીવનની ક્વોલોટી એના કાર્ય માટેના ઝનૂન અને કાર્યની કદર ઉપર નિર્ભર રહેતી હોય છે. કહેવાય છે કે, જીવન એક સ્પર્ધા છે, ખરેખર તો વ્યક્તિ સ્વયં નક્કી કરે કે એનું કાર્ય જ સૌથી અગત્યનું છે. તો કોઈ પ્રતિસ્પર્ધાને સ્થાન જ નથી. આમ પણ જીવનની રેસમાં જે લોકો તેમના કાર્યના ગૌરવને નથી સમજતા એ દોડી નથી શકતા અને એટલા માટે બીજા ગૌરવવાન લોકોને તોડીને હરાવવા મથે છે.
રિષભ જૈન નામના તેર-ચૌદ વર્ષના કિશોરે એક નવી ઓલ્ગોરીધમ વિકસાવી. આ ઓલ્ગોરીધમ પેનક્રિએટિક કેન્સરમાં ઉપયોગી થઈ શકે છે. રિષભે આની સાથે સાથે પેનક્રિએટિક નિદાનમાં તબીબોને સહાય થાય એવું એક સોફ્ટવેર ટૂલ પણ વિકસાવ્યું. આ નાનકડા કિશોરને તેના સંશોધન કાર્ય માટે જબરજસ્ત લગાવ અને સન્માન હતું. પરિણામે એ અન્ય કિશોરો-યુવાનો કરતાં રેસમાં આગળ નીકળી ગયો. આજે ટાઈમના સૌથી પ્રતિભાશાળી ૨૫ ટીનએજર્સની યાદીમાં રીષભનું નામ છે. એક ઇચ્છાથી કશું બદલી શકાતું નથી, એક નિર્ણયથી કદાચ થોડો બદલાવ આવી શકે પણ એક નિશ્ચય અને કાર્યનું સન્માન બધું જ બદલી નાખતું હોય છે. જેને પડવાનો ડર નથી હોતો એ જ ઊંચી ઉડાન ભરી આકાશમાં વિહરી શકે છે.
બીલ ગેટ્સના મનમાં બાળપણથી કોમ્પ્યુટર અને સોફ્ટવેરનું ભુત સવાર હતું, માઈકલ જોર્ડન બાસ્કેટ બોલ પાછળ પાગલ હતો. સચિનને ક્રિકેટનું ઘેલું લાગ્યું હતું. સ્ટીફન કિગ્સ જ્યારે લખવા બેસતા ત્યારે દુનિયા ભુલી જતા હતા. આ બધાની જિંદગીમાં એક વખત એવો હતો કે એ લોકો જે કાર્ય કરતા હતા એ એમના રસ મુજબનું ન હતું. પરંતુ આવા લોકોએ શરૂઆતમાં જે પણ કાર્ય હાથ ઉપર લીધું એને પુરતું સન્માન આપ્યું છે. કોઈપણ કાર્યની શરૂઆત મહાન બનવા માટે નથી હોતી. કોઇપણ કાર્યનું સન્માન અને કામને ગૌરવ આપવાથી એ કાર્યની શરૂઆત થાય એ અગત્યનું છે.
તક આવીને ખોળામાં ક્યારેય નથી પડતી. તક ઊભી કરવાની હોય છે. ખુશી તો પતંગીયા જેવી હોય છે. જેમ એને પકડવા જાવ એમ એ ઊડીને બીજી મહેકદાર ઇચ્છાના ફુલ ઉપર જઈને બેસી જાય છે. જે કાર્ય કરવામાં સન્માન અને નિષ્ઠાનો સુમેળ હોય તો ખુશીનું પતંગીયું માથે આવી ગીત ગાતું બેસી જતું હોય છે. જીવનનો એક નિરંતર ચાલતો પ્રવાસ છે. આ પ્રવાસને જ ગૌરવપૂર્વક પ્રેમ કરવામાં આવે ત્યારે આખું જીવન પ્રેમનું ગીત બની જતું હોય છે. ખુશી એ પ્રવાસ કરીને પહોંચવાનું લક્ષ્ય થોડું હોય છે ? ખુશી તો આંતરિક આનંદનો ફુવારો છે અને એ દરેક કામની પ્રત્યેક પળમાંથી તો જ ફુટે બશર્તે જો મનમા કામનું સન્માન હોય.
એપલના સ્ટીવ જોબ્સના મતે દરેક કામમાં પ્રાણ રેડી પ્રેમથી કરવામાં આવે એ જ શ્રેષ્ઠ કામ કરવાનો એક માત્ર માર્ગ છે. જીવનના દરેક કાર્યને તમે કેવી રીતે જુઓ છો એના આધારે જીવન ઘડાતું હોય છે. લોકોના કહેવાથી જીવન નથી ઘડાતું. કોઈ કોલેજ કે વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં કાર્યનો આનંદ અને કામના સન્માનના ચેપ્ટરો નથી શીખવવામાં આવતા. જેને પોતાના પ્રદેશની સંસ્કૃતિ અને પોતાના કાર્યનું સન્માન નથી એ વ્યક્તિ ક્યારેય સારો વ્યક્તિ નથી હોતો. ગમે એટલું આસાન કામ પણ મન વગર થતું હોય તો એમાં ભલીવાર નથી રહેતો. કામનું ગૌરવ ન કરનારા લોકો યોગ્યતા અને ક્ષમતા હોય તો પણ નિષ્ફળ જતા હોય છે.

ધબકાર :
જે જોઈએ એ મેળવીને જંપે એ સફળ વ્યક્તિની ખાસીયત છે પણ જે કામ કરે એમાં હસતો રહે એ સુખી માણસની ખાસીયત છે.




અટલજી લિજ્જતદાર ખીચડી બનાવતા : સરસ્વતી પુત્ર અટલજીની જાણી અજાણી વાતો


અટલજી લિજ્જતદાર ખીચડી બનાવતા : સરસ્વતી પુત્ર અટલજીની જાણી અજાણી વાતો
જુલાસાતા જેઠ માસ, શરદ ચાંદની ઉદાસ ;
સિસકી ભરતે સાવન કા, અંતર્ઘટ રીત ગયા ;
એક બરસ બીત ગયા, સીકચો મે સિમટા જગ ;
કિંતુ વિફલ પ્રાણ વિહગ, ધરતી સે અંબર તક ;
ગુંજ મુક્તિ ગીત ગયા, એક બરસ બીત ગયા ;
પથ નિહારતે નયન, ગિનકો દિન પલ છિન ;
લૌટ કભી આયેગા, મન કા મીત ગયા ;
એક બરસ બીત ગયા...
જ્યારે જ્યારે નવા વર્ષની શરૂઆત થતી હોય ત્યારે અટલજીની આ અદભુત રચના હર હંમેશ સ્વાભાવિક રીતે જ યાદ આવી જાય. ૧૯૨૪માં ડિસેમ્બર તા. ૨૫ના રોજ જન્મેલા અટલ બિહારી વાજપેયીજીની ગત સપ્તાહમાં જ જન્મજયંતિ ગઈ. હિન્દુસ્તાનમાં સરસ્વતિ પુત્રનો જન્મદિન સુશાશન દિવસતરીકે આખો દેશ ઉજવે છે. એવું તો શું હતું આ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીના સાત સંતાનોમાંના આ એક સંતાનમાં કે, એમને આખો દેશ આદર સાથે સ્નેહ આપે છે ? અને જ્યારે ઓગષ્ટ-૧૬, ૨૦૧૮માં અટલજી અનંતની સફરે ચાલી નિકળ્યા ત્યારે આખો દેશ ચોધાર આંસુએ રડ્યો. શું એ ભારતના એક બહુ મોટા નેતા હતા એટલે, કે પછી પારવફુલ વ્યક્તિ હતા એટલે દેશ શોકમાં સરકી ગયો કે પછી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી હતા એટલે, સત્તા પક્ષના શિર્શસ્ત નેતા હતા એટલે લોકો રડ્યા ! ના. ભારતની જનતાની વ્યથિત થવાની ગ્રેવીટી આટલી હોવાનું કારણ આમાંથી એક પણ ન હતુ. હિન્દુસ્તાનના આવામને તો અટલજીના રૂપમાં મળેલાં એક સીધા સાદા કલ્પનાશીલ કવિ હૃદયના ઉત્તમ વિચારક, સર્જક અને વકતા ગુમાવ્યાનું જબરજસ્ત દર્દ હતું. એ એવા સરળ વ્યક્તિ હતા કે, એક બાળકને પણ એમને મળતા સંકોચ ન થતો.
અટલજી ગુસ્સામાં કશું કહે તો પણ એમની વાણીની મૃદુતા પ્રેમ કરતાં હોય એવી લાગતી. એ એક એવું વિશાળ હૃદય ધરાવતા કે, દુશ્મનને પણ પ્રેમથી ગળે મળી શકતા. એમની આંખો નાના બાળક જેવી નિર્મળ અને સ્વચ્છ હતી. કદાચ એટલે આખા હિન્દુસ્તાનના પ્રત્યેક વ્યક્તિના એ હૃદય સમ્રાટ બની એમના દિલો દિમાગ ઉપર રાજ કરતા હતા.
ગ્વાલિયરની લક્ષ્મીબાઈ કોલેજ કે જે એ જમાનામાં વિક્ટોરીયા કોલેજ તરીકે ઓળખાતી, એમા અટલજી અભ્યાસ કરતા એ વખતની વાત છે. ધોરણ પાંચમાં હતા ત્યારે શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં અટલજીએ ભાગ લીધો. આગલી રાત્રે તેમણે એમના તર્ક એક કાગળમાં લખીને ગોખી નાખ્યા. બીજા દિવસે જ્યારે બોલવા ઊભા થયા ત્યારે એ ગોખેલું ભુલી ગયા. બસ, એ દિવસે બાળ અટલે નક્કી કરી લીધું કે, હવે ક્યારેય એ ગોખેલી વાત જાહેર વક્તવ્યમાં નહીં બોલે. અને પછી જન્મ થયો દેશના પ્રખર વકતા, ચિંતક અને શબ્દોના સ્વામી અટલ બિહારી વાજપેયીનો.
નાનાજી સાથેની એમની પ્રથમ મુલાકાત પણ અનાયાસે થઈ હતી. અટલજી મોટાભાઈના લગ્નમાં અણવર બનીને ગોરખપુર ગયા હતા. લગ્ન વેળા એમનો પરિચય જનસંઘના આધાર સ્તંભ અને પ્રખર રાષ્ટ્રવાદી નાનાજી દેશમુખ સાથે થયો. એ મુલાકતમાં નાનાજીના વિચારોની અટલજી ઉપર અસર થઇ હતી. ત્યાર બાદ ૧૯૩૯માં અટલજીએ જનસંઘની વિચારધારા અપનાવી. ઇતિહાસ ગવાહ છે કે, ગાંધીજીની હિંદ છોડોચળવળમાં પણ યુવા અટલે સક્રિયતા દાખવી હતી. પરિણામે આગ્રાની જેલમાં ૨૪ દિવસ બચ્ચા સેલમાં એમને રહેવું પડ્યું હતું.
અટલજી ગ્વાલિયરની કોલેજમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા તો ખરા પણ એ કાયદા સ્નાતકનું ભણવાનું વચ્ચેથી છોડીને વિનયન અનુસ્નાતક બન્યા. ૧૯૪૮માં આઝાદીની ચળવળ એના ચરમ ઉપર હતી ત્યારે અટલજીએ વારાણસીના સમાચારનામના એક અખબારમાં પત્રકાર તરીકે પણ અસરદાર કામ કર્યું હતું.
કોમળ હૃદય ધરાવતા અટલજી હંમેશા કહેતા કે, ‘મેરે પ્રભુ, મુઝે ઇતની ઊંચાઈ કભી મત દેના, ગૈરો કો ગલે ના લગા શકું એસી રૂખાઈ કભી મત દેના...’ અટલજી એક અચ્છા કુક પણ હતા. ૧૯૫૦ની વાત છે. દિલ્હીમાં અટલજી અને અડવાણીજી એક સાથે એક જ રૂમમાં રહેતા. અટલજી ઘણીવાર લિજ્જતદાર ખીચડી રાંધતા અને અડવાણીજી સાથે બન્ને જણા એ ખીચડી આરોગતા. રોજ રાત્રે હુંફાળુ દૂધ પીવાનું અટલજીને ખૂબ ગમતું. એ શોખથી રોજ રાત્રે ગરમ દૂધ પીતા. વાદળી-નીલો રંગ એમને ખૂબ પ્રિય. મનાલી, અલ્મોડા અને માઉન્ટ આબુ એમના પસંદગીના પર્યટન સ્થળ રહ્યાં છે.
અટલજી શબ્દોના સ્વામી તો હતા જ સાથે સાથે સંગીતના પણ જબરા શોખીન હતા. ૧૯૭૫માં આવેલી ફિલ્મ ખુશ્બુનુઓ માઝી રે અપના કિનારા નદિયા કી ધારા હૈ...’ ગીત એમને ખૂબ ગમતું. ગુલઝાર સાહેબની અદભુત શબ્દરચનાને પંચમદાએ (આર.ડી. બર્મન) સંગીત મઢેલુ. આ ગીતને જ્યારે કિશોરદાએ સ્વરબદ્ધ કર્યું પછી પંચમદા ખુબ જ ભાવવિભોર બની ગયા હતા. બર્મનદાને હદયમાં ઉંડે સુધી એટલી બધી અસર થઇ ગઇ કે, દીવાલ ઉપર હાથ પછાડી પછાડીને નાના બાળકની જેમ એ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા.
ટુટે હુએ સપનો કી કૌન સુને સિસકી, અંતર કી ચીર વ્યથા પલ કો પર ઠિઠકી, હાર નહી માનુંગા, રાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ પે લિખતા મિટાતા હું, ગીત નયા ગાતા હું...’ જેવી અમર રચનાથી જિંદાદિલ મિજાજનો પરિચય કરાવતા અટલજીને ૧૯૯૨માં પદ્મ વિભુષણથી સન્માનિત કરવામાં આવ્યા. મજબૂત મનોબળવાળા અટલજીએ ભયંકર આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પોખરણમાં અણુ ધડાકો કરી વિશ્વને હિન્દુસ્તાનની લશ્કરી તાકાતથી અવગત કર્યું. ૧૯૯૯માં કારગીલમાં પાકિસ્તાનીઓને ખદેડી ઓપરેશન વિજયપાર પાડનારા મુત્સદ્દી સ્ટેટસમેન તરીકે અટલજી દુનિયાભરમાં છવાઈ ગયા હતાં.
દરેક ભારતીયની છાતી ગજ ગજ ત્યારે ફુલી કે, જ્યારે ૧૯૭૭માં અટલજી વિદેશ મંત્રી હતા ત્યારે એમણે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હિન્દીમાં વક્તવ્ય આપ્યું. આ એ વ્યક્તિ હતા કે, જેમણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર વિશ્વ સમસ્તમાં રાષ્ટ્રભાષાનું માથું ગૌરવભેર ઊંચુ કર્યું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હિંદુસ્તાનના કોઇ રાજપુરૂષે રાષ્ટ્રભાષામાં સંબોધન કર્યું હોય એવો આ સૌ પ્રથમ કિસ્સો હતો. દેશના લાખો ગામોને સડક પરિવહનથી જોડીને ગ્રામ્ય જીવનમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક બદલાવ માટે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડકયોજનાનો નક્કર પાયો નાખનાર અટલજી જ હતા.
પ્રખર રાષ્ટ્રભક્ત, ભાષા અને વાણી ઉપર જબરજસ્ત પક્કડ ધરાવતા અટલજીની પ્રખર રાષ્ટ્રભક્તિ એમની રચના ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ...’માં સુપેરે અભિવ્યક્ત થાય છે. મજબૂત મનોબળના સ્વામી અટલજી કહેતા કે, ‘બાધાયેં આતી હૈ તો આયે, ઘિરે પ્રલય કી ઘોર ઘટાયેં, પાવોં કે નીચે અંગારે, સિર પર બરસે યદી જ્વાલાયેં, નિજ હાથો મેં હંસતે હંસતે આગ લગાકર જલના હોગા, કદમ મિલા કર ચલના હોંગા...’ સાક્ષાત સરસ્વતી પુત્રને ભારતના બીજા એક પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજી ગુરુદેવકહેતા. કવિ હૃદય, કલ્પનાશીલ વ્યક્તિત્વ અને અટલ મનોબળ ધરાવતા મુઠ્ઠી ઊંચેરા વાજપેયીજીને એમની જન્મ જયંતિના અવસરે અને નવા વર્ષના આગમન વેળાએ એમની જાણી અજાણી વાતો મમળાવીને શત શત વંદન. સ્નેહાળ, મૃદુ, લાગણીશીલ, સારસ્વત, કલ્પનાશીલ, નિડર લીડર, પરિશ્રમી, પ્રખર રાષ્ટ્રભક્ત, અજાતશત્રુ, ચિંતક, વિચારક વગેરે જેવા વિષેશણોથી અટલજીને નવાજવામાં આવે ત્યારે એ વિષેશણોની ગરીમા ઉચકાતી હોય છે. અટલજી દેશના એક કુશળ પ્રધાનમંત્રી ઉપરાંત તેમની પ્રભાવશાળી વાણી, મેઘાવી વિચારધારા, પ્રબુધ્ધ વ્યક્તિત્ત્વ, ખુશ મિજાજ સ્વભાવ, વાત્સલ્યપૂર્ણ વ્યવહાર, સહજ વર્તન અને સાહિત્ય સર્જક તરીકે પ્રત્યેક ભારતવાસીઓના દિલો દિમાગમાં રહ્યાં છે અને સદાય રહેશે. પ્રતિવર્ષ નવા વર્ષે અટલ વિશ્વાસ સાથે અટલ વિચારો વાંચી, સમજી અને આગળ વધવા સંકલ્પબદ્ધ બનવાની ઇચ્છા થઇ આવે ત્યારે વાજપેયીજીના અદભુત વ્યક્તિત્વને સાચી ભાવાંજલી અને સ્નેહ આપ્યો કહેવાય. વર્ષ ૨૦૧૮ને ‘ગુડબાય’ અને વર્ષ ૨૦૧૯ને ‘વેલકમ’.

ધબકાર
મેં જી ભર કે જીયા, મૈં મન સે મરું, લૌટ કર આઉંગા, કૂચ સે ક્યોં ડરું...’- અટલ બિહારી વાયપેયી