પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 14 September 2017

મેનેજમેન્ટ ગુરૂ શ્રીકૃષ્ણનો લીડરશીપ અંદાજ...

મેનેજમેન્ટ ગુરૂ શ્રીકૃષ્ણનો
લીડરશીપ અંદાજ...

આખા વિશ્વમાં કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ કે જે જુગાર રમીને પણ શરાફતનો શાનદાર માર્ગ બતાવે છે, હજારો પટરાણીઓ રાખીને પણ ચારિત્ર્યવાન બનવાના પદાર્થપાઠ શીખવે છે. સોમરસ પીને પણ સત્યનિષ્ઠા સમજાવે છે. કપટના ખેલ ખેલીને પણ સત્યની સમજ સ્પષ્ટ કરે છે. લીડરોનો લીડર અને બધા બોસનો બીગબોસ એટલે શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનો લીડરી અંદાજ મેનેજમેંટ ગુરુઓ માટે સદાય અભ્યાસનો રસપ્રદ વિષય રહ્યો છે.



લીડર એટલે બીગ બોસ. લીડર એટલે કામયાબીનો ગુરુમંત્ર. બધાને બોસ બનવું છે. બીજા બધાથી બે ડગલાં આગળ છું એવું બતાવવું છે.  આ બોસ બનવાના દેખાડામાં જ ટીમવર્ક ખોરવાઈ જાય છે. કૃષ્ણ બધા બોસનો બોસ છે. લીડર એ સૌને સાથે લઈને ચાલે. સૌના કૌશલ્યને બહાર લાવવાનું હુનર જેની પાસે હોય એ જ સાચો બોસ. અર્જુનની ક્ષમતાને સુપેરે સમજીને એનો યથોચ્ચિત ઉપયોગ કરતાં જેણે શીખવ્યું એ વાસુદેવ સાચો લીડર છે. સાથીઓની ક્ષમતાને ઉજાગર કરવાની સાથે સાથે સાથીઓની ખામીને પણ  અલગ તારવીને એને દૂર કરવાનું-ચાળવાનું કામ લીડરનું છે.
સામાન્ય રીતે લીડર એના સાથીઓમાં કોન્ફિડન્સનો અખૂટ ખજાનો ભરી આપતાં હોય. કૃષ્ણએ પાંડવ સેનામાં વિશ્વાસનો મજબુત સરંજામ ભરીને કામિયાબીની કેડી કંડારી દીધી હતી. મેનેજમેન્ટના નિષ્ણાતોના મતે બોસ ભય ઊભો કરે. સામે પક્ષે કૌરવ સેના બહુ મોટી હતી. શસ્ત્ર સરંજામ પણ વિપુલ માત્રામાં હતા પણ એમાં દૂર્યોધનનો ભય હતો.  દૂર્યોધન સેનાની ભૂલો શોધતો હતો. જ્યારે પંડવ પક્ષે લીડર કૃષ્ણ પ્રશ્નોના સમાધાન આપી પાંડવ સેનાને સવારતા હતા. લીડર આખી કાર્ય રચનાને રસપ્રદ અને આનંદમયી બનાવી દે છે. જ્યારે બોસ કોઈપણ કાર્યને માત્ર એક સફળતા અને નિષ્ફળતાનો દ્રષ્ટિકોણ જ આપતો હોય છે.



કોઈપણ ક્ષેત્રમાં બોસની સૌથી મોટી કોઈ ભૂલ થતી હોય તો એ સાથીઓને ‘સરસ કામ કર્યું’ એવા સ્વીકારના શબ્દોનો અભાવની હોય છે. તમે જ આ કામ સરસ રીતે પાર પાડી શકો. આપણે સાથે મળીને આ દિશામાં પ્રયાસ કરીએ તો ચોક્કસ વિજેતા બનીએ એવી ભાવના અને ચેતનાનો સંચાર ન કરવાનું ગંભીર પરિણામ મહાભારતમાં દૂર્યોધને ભોગવ્યું. જ્યારે સામે પક્ષે ભગવાન શ્રીકૃષ્ણે આપણે સૌ સાથે મળીને સૌકોઈના સાથ અને સહકારથી અસત્ય પર સત્યનો અને અનિષ્ટ ઉપર ઈષ્ટનો વિજય કરવાના છીએ એવા પોઝીટીવ વેવ્ઝ અર્જુન, ભીમ, યુધિષ્ઠિરની આખી પાંડવ સેનાના પ્રત્યેક સેનાની હૃદયમાં ભરી દીધા. ભલે પાંડવ સેના નાની હતી પણ બીગ બોસ શ્રીકૃષ્ણની કુનેહપૂર્વકની લીડરશીપથી સંપૂર્ણ હતી. સામે પક્ષે ખૂબ વિશાળ એવી દૂર્યોધનની સેના ઘમંડ અને વિશ્વાસ વગરની હોવાથી અપૂર્ણ હતી.
બીજી બાજુ લીડરે એના સાથીઓને સાચી વાત કહીને જાણે અજાણે ઉભો થતો ઘમંડ દુર કરવાનુ પાયાનુ કામ કરવાનુ હોય છે. કુરૂક્ષેત્રના સમરાંગણનો એક નાનકડો પ્રસંગ કૃષ્ણની લીડરશીપ ક્વોલીટીનું જાગતું ઉદાહરણ છે. કર્ણના બાણથી પાંચ સાત પગલાં અર્જુનનો રથ પાછો પડતો ત્યારે કૃષ્ણ કર્ણના પ્રહારને બિરદાવતાં. જ્યારે અર્જુનના પ્રહારથી સેંકડો ફૂટ કર્ણનો રથ પાછો પડતો પણ કૃષ્ણ અર્જુનના બાણના કોઈ વખાણ ન કરતા. આવું ઘણીવાર બન્યું. અર્જુનથી આ બાબતમાં પૂછ્યા વગર ન રહેવાયું અને શ્રીકૃષ્ણને પૂછ્યું અચ્યુત્ ‘ મારા પ્રહારથી સેંકડો ફૂટ કર્ણનો રથ પાછો પડે છે અને એના પ્રહારથી માત્ર બે-પાંચ ફૂટ મારો રથ પાછો જાય છે તોય તમે કર્ણના પ્રહારને બિરદાવો છો અને મારા આક્રમણને બિરદાવતાં નથી. ‘ ત્યારે લીડર કૃષ્ણએ અર્જુનને એની ક્ષમતાની સાથે સમજના અભાવને સરસ રીતે ઉજાગર કરતાં કહ્યું, પાર્થ, તારા રથમાં હું બેઠો છું. અને છતાંય આ રથ પાંચથી સાત પગલાં પાછળ હટાવવાની અદભુત ક્ષમતા કર્ણના પ્રહારમાં છે. જો આ રથ ઉપર હું સવાર ન હોત તો કદાચ આ રથ કર્ણના પ્રહારથી જોજનો દૂર જઈને પડ્યો હોત.



આનાથી પણ વિશેષ બીગબોસ કૃષ્ણએ અર્જુનને યુધ્ધના છેલ્લા દિવસે મેનેજમેંટનો અદભૂત પાઠ ભણાવતાં આંખો ખોલી આપી. મહાભારતના યુદ્ધના છેલ્લા દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું ‘ પાર્થ, પહેલાં તું નીચે ઉતર. ‘ પાર્થે વિસ્મયભરી રીતે શ્રીકૃષ્ણ સામે જોયું કારણકે સામાન્ય રીતે પહેલાં સારથી રથમાંથી નીચે ઉતરે અને પછી બાણાવળી રથમાંથી નીચે ઉતરતા હોવાનો ઉપક્રમ હોય છે. પણ શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન પહેલાં નીચે ઉતર્યા પછી શ્રીકૃષ્ણ રથની નીચે ઉતર્યા. કૃષ્ણ સાત કદમ દૂર ગયા અને રથ બળીને ભસ્મ થઈ ગયો. ત્યારે અર્જુનને સાક્ષાત્કાર થયો કે, મારી શક્તિ કરતાં હજારઘણી શક્તિ શ્રીકૃષ્ણ સ્વરૂપે મારા રથમાં બિરાજમાન હતી જેને પરિણામે ગુરુદ્રોણ, કર્ણ, દૂર્યોધન, ભીષ્મ જેવા મહાબલીઓના પ્રહાર સામે પણ મારો રથ અડિખમ ઊભો રહ્યો.
લીડર એની ટીમ સાથે સતત, સઘન વાતચીતનો સેતુ જાળવી રાખતો હોય છે. જ્યારે બોસ માત્ર સૂચનાઓ અને સંદર્ભો ઉપર ટીમને હાંકે જતો હોય છે. યુદ્ધના સમરાંગણમાં શ્રીકૃષ્ણએ પાર્થ સાથે ગીતા સ્વરૂપે વાતચીત અને સંવાદનો સેતુ સાધીને માનસિક રીતે મહાભારતનું યુદ્ધ પાંડવ પક્ષે કરી લીધું હતું. લીડરની સાચી તાકાત જ આ છે. લીડર વિઝનને વાસ્તાવિકતામાં પલટી નાખે. અસત્યના અસુર સામે સત્યના સુરનો  ઈનોવેશન લીડર કૃષ્ણએ પાર્થને સમજાવી આપ્યો. આમ પણ લીડરનું સ્ટાન્ડર્ડ-કક્ષા લીડરે નક્કી કરેલા લક્ષ ઉપરથી જ આવે. લીડર ટીકાઓનો થોડો વધુ ભાગ પોતાને હિસ્સે લઈ લેતો હોય અને સફળતાનો થોડો ઓછો હિસ્સો પોતાને ભાગે લેતો હોય છે. કૃષ્ણએ મહાભારત લીડ કરી. લીડર સમરાંગણને લીડ કરે છે એ ઉપરથી શબ્દો બન્યો લીડર. જ્યારે બોસ માત્ર ને માત્ર ડ્રાઈવ કરે છે. એટલે કે માત્ર સમુહને હંકારનારો વ્યક્તિ. છેક મહાભારત કાળથી આજપર્યંત અને કદાચ લાખો વર્ષ સુધી શ્રીકૃષ્ણ એક આદર્શ લીડર હતા, છે અને રહેશે.

ધબકાર:

લીડર શ્રીકૃષ્ણ આશાઓનો સૌથી મોટો ડિલર અને ક્ષમતા ઉજાગર કરનારો સૌથી મોટો પથદર્શક છે. 



જિન્દગી અચાનક અકસ્માતે બનતી નથી

જિન્દગી અચાનક અકસ્માતે
બનતી નથી
-        પુલક ત્રિવેદી

માનવી તરીકેનો જન્મ લેવો એ એક અકસ્માત છે. જીવન અને જિંદગી વચ્ચે ભેદ છે. જન્મ અચાનક બનતી ઘટના છે. જિન્દગી અચાનક અકસ્માતે બનતી નથી. જિંદગી તો માનવી એની ચોઈસથી ઘડે છે.



ઈશ્વરે આપેલા મનુષ્ય અવતારને અવસર બનાવી જિંદગીનો જન્મ આપી શકાય. જિંદગીના જન્મ માટે જીવનના કેટલાક પાયાના તત્વોમાનું એક છે. વિવેક. બીજા શબ્દોમાં કહીએ તો સંયમ અને કંટ્રોલ. વિવેક જીવનમાં ખુશીઓ ભરી દે છે. ઈજીપ્શિયન લોકો માને છે કે, જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પ્રભુ ઓરેસીસના દરબારમાં માનવીના આત્માને લઈ જવામાં આવે છે. ઓરેસીસ ભગવાને એને બે પ્રશ્નો પૂછે છે. આ બે પ્રશ્નોના જવાબ ઉપરથી જીવને આગળ ક્યાં મોકલવો એનું ભાવિ નક્કી કરવામાં આવતું હોય છે. આ બે પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, તમે, જીવનમાં ખુશી લાવ્યા હતા ?’ અને બીજો પ્રશ્ન, તમે ખુશીની ખોજ કરી હતી ? ઈજીપ્તની પરંપરા મુજબની આ માન્યતા પ્રથમ દ્રષ્ટિએ ખુબ સામાન્ય પ્રકારની લાગે પરંતુ એમાં જીવનનો મહત્વનો એંગલ ઉજાગર થાય છે. માનવીના જીવનમાં ખુશી આપવા અને ખુશી લાવવા માટેનો સાચા અને સારા દોસ્તનુ નામ વિવેક છે.
વિવેક વ્યક્તિને સુસંસ્કૃત અને સક્ષમ બનાવવાનો રાજમાર્ગ બતાવે છે. જેટલા પ્રમાણમાં વિવેક એટલી ત્યાં ખુશી અને સભ્યતા. જીવનના ત્રિકોણીયા ઘાટના આચાર, વિચાર અને વાણીના ત્રણેય ખૂણાનો વિવેક જિંદગીને જન્મ આપે છે.



વિચાર વિવેક :
વિચાર માનવીની સાચી શક્તિ છે. હજારો-લાખો વિચારો આવે અને જાય. કયા વિચારને પાળવો, પોષવો અને વટવૃક્ષ બનાવવો તથા કયા વિચારને વાળવો કે બાયપાસ કરવો એનો વિવેક ‘જીવન’ને ‘જિંદગી’ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિચારોના ચાલતા ધમાસાણ ટ્રાફિકમાં મનને કેળવવા માટે વિવેકરૂપી શિક્ષક જોઈએ. વિચારોની શૃંખલાને યોગ્ય ખાનામા મુકી એના સર્વોત્તમ પરિણામો મેળવી જીંદગીમાં ખુશીઓ વિચાર વિવેક લાવે છે. એક મિત્ર હંમેશા દરેક વ્યક્તિના વર્તનમાં હકારાત્મકતા જ જુએ. કાર્ય આરંભ કરતા પુઉર્વે એ હમેશા ઇશ્વરને પ્રાથના કરે કે ‘ પ્રભુ મારૂ કાર્ય સફળ થવા જઇ રહ્યું છે એ માટે તારો એડવાંસમાં આભાર માનું છું.’ આ મિત્ર હમેશા દરેક કાર્યના અંતે સિધ્ધિને વર્યા છે. કોઇ વાર ક્યારેક અટ્ક્યા પણ છે ત્યારે ઇશ્વરને નિમિત્ત ન બનાવતા પોતાના પ્રયાસમાં કચાશ છે એમ વિચારી વધુ દમદાર પ્રયત્નમા આ મિત્ર લાગી જાય છે અને પરિણામ મેળવે છે. વિવેકપૂર્ણ હકારાત્મક વિચારોની આ મજબુત તાકાત જ જીંદગી બનાવે છે.
વાણી વિવેક :
ક્યારે, ક્યાં, કેટલું અને કોની સામે બોલવું આ ચાર નો વિવેક જરૂરી છે. પ્રસંગને ઉજાગર કરે એવા શબ્દો આનંદ આપે. ઊંચા સૂર કે ખૂબ નીચા અવાજમાં અભિવ્યક્તિનો કોઈ અર્થ ન સરે. અન્યના વિચારો એમની વાણી શાંતિપૂર્વક સાંભળવાના વિવેક જીવનને એક નવે ઉઘાડ આપે છે. અન્યની વૈચારિક વાણી જીવનમાં નવતર મોડ આવતો હોય છે. શબ્દોનું પ્રમાણ જળવાય અને કયા શબ્દોને વિરામ અપાય એની સુજ અને સંયમ જરૂરી છે.



આચાર વિવેક :
વર્તનમાં વિવેક સૌથી મહત્વની બાબત છે. શારીરિક વય અને બૌદ્ધિક વય મુજબ વર્તણૂંકમાં વિવેક જીવનને મૂલ્યવાન જિંદગી બનાવે છે. તત્વચિંતક અને લેખક જેકસન બ્રાઉને આચરણમાં વિવેક માટે ખૂબ સરસ કહ્યું છે કે, વિચારો ભલે મોટા હોય પણ નાની નાની વર્તણૂંકોમાંથી ખુશી શોધી લેવી પડે. ગુલાબ જોવાનો આનંદ અવશ્ય મેળવવો જોઇએ પણ સુવાસ માણવાનું કદી ન ચુકાવું જોઈએ.
કમલનયન બજાજ આગળ અભ્યાસ કરવા વિદેશ જતા હતા ત્યારે ગાંધીજીએ એમને વાણી, વર્તન અને વિચારમાં વિવેક શીખવતી સરસ વાત કરી હતી. એમણે બજાજને કહ્યું કે, ‘ ભાઇ, બોલવાનું ઓછું રાખજે, સાંભળજે બધાનું પણ કરવાનું જે હદયથી ખરું લાગે તે જ. પ્રત્યેક પળનો હિસાબ રાખજે. પૈસાનો રૂઆબ ન કરીશ અને જીવન ગરીબની માફક જીવજે. બુદ્ધિની તીવ્રતા કરતા લાગણીશીલ વર્તન અગત્યનું છે. એટલે વર્તનમાં વિવેક રાખજે.’ બાપુએ કમલ બજાજ સામે વિચાર, વાણી અને વર્તનના વિવેકપૂર્ણ સામંજસ્યને માત્ર ચાર લીટીમાં મસ્ત રીતે પ્રસ્તુત કરી ‘ વિવેક ‘ના ખજાનાને ખોલી નાખ્યો.
અકસ્માતે મળેલા માનવી જીવનને વિવેકના સથવારે મઝાની જિંદગી બનાવવા આપણે સ્વયં જ જાગૃત પ્રયાસ કરવાના હોય છે. બીજી કોઈ વ્યક્તિ આપણા જીવનને જિંદગી કેવી રીતે બનાવી શકે ? કોઈ ક્યારેક એમ કહે કે, મારા જીવનમાં ફલાણી બાબત બની તેમાં મારો બિલકુલ વાંક નથી પણ જો ધ્યાનપૂર્વક એ વાતનું  પોતે આકલન કરે તો ક્યાંકને ક્યાંક એની પરિસ્થિતિના મૂળમાં એની સ્વયંની જ વાણી, વિચાર કે વર્તનમાં વિવેકનો અભાવ જણાશે.વિવેકપૂર્ણ વ્યક્તિત્વ આસપાસના વ્યક્તિઓને પણ પ્રેરણા આપે છે. જ્યારે વિચારહીન અને વિવેકશુન્ય વ્યક્તિની અધોગતિમાં બીજા પણ ઢસડતા જાય છે.



ધબકાર :
વાણી, વિચાર અને વર્તનમાં સમન્વય સધાય પછી જે જીવાય એને જ જિંદગી કહેવાય. ખુમાર તિરમીઝી