પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 24 March 2020

કાષ્ઠકલામાં અભિવ્યક્તિનું અનોખુ પાસુ ઉજાગર થતું હોય છે



કાષ્ઠકલામાં અભિવ્યક્તિનું અનોખુ પાસુ ઉજાગર થતું હોય છે

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ન બતાવો
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે

કળા જીવવાનું બળ છે. લેખન, વાંચન હોય કે શ્રવણ, શિલ્પ હોય કે કાષ્ઠ, તસવીર હોય કે ચિત્ર જેની પાછળ કલા શબ્દ લાગે એનુ સ્વરૂપ અનોખુ બની જતું હોય છે. આજે દુનિયામાં પર્યાવરણીય સુરક્ષા અને પ્રદુષણ નિયંત્રણ ક્ષેત્રે જબરજસ્ત જાગૃતિ આવી છે. કવિ અનિલ જોષીની આ બે પંક્તિઓમાં પ્રત્યેક લાકડાની એક અલગ ભાષા અને અલગ ઇતિહાસ હોવાનો સાદ છે. ‘મુડ ઓફ વુડ’નો ભાવ આ બે પંક્તિમાં સુંદર રીતે વ્યક્ત થતો દેખાય છે. આમ તો લાકડું વૃક્ષનું કુળ. કેમ્બ્રિજ ઈંગ્લીશ ડિક્ષનેરીના શબ્દાર્થ મુજબ મકાન અને ફર્નિચર બનાવવામાં તથા બળતણ માટે ઉપયોગ થતો હોય એવો વૃક્ષની ડાળીઓ અને થડનો મજબુત અને સખત પદાર્થ. કેનેડાના ન્યુ બ્રુન્સવીકમાં તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા એક સંશોધન અનુસાર ૩૯૫થી ૪૦૦ મિલિયન વર્ષો પૂર્વે વૃક્ષના થડ અને ડાળીઓના લાકડાની વિવિધ બનાવટો તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત થઈ હતી. ત્યારપછી શસ્ત્રોથી માંડીને વિવિધ સાધનો સુધી, કાગળથી માંડીને ફર્નિચર સુધીની બનાવટોમાં મનુષ્ય જાતે લાકડાનો ભરપુર ઉપયોગ કર્યો છે. દસ હજાર વર્ષ પુરાણા કેટલાક એવાં સ્થાપત્યો પણ છે કે, જેમાં લાકડાનો ઉપયોગ થયો છે.



જાણીતા લેખક અને સંશોધક કનુભાઈ નાયક લખે છે કે, પૌરાણિક શાસ્ત્ર કામસુત્રમાં પુરુષોની ૭૨ કળાઓના વર્ણન પૈકી ૩૬મી કળા ‘તક્ષણમ્’નો ઉલ્લેખ છે. તક્ષણમ્ નો અર્થ થાય કોતરવાની કળા. મંદિરોમાં લાકડાની મૂર્તિઓ કંડારવાની કળાને સૌથી વિલક્ષણ કળા માનવામાં આવે છે. કલાકારો માટે ગીતા ગણાતા ‘શુક્રનીતિસાર’ ગ્રંથમાં કાષ્ઠ કોતરણી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. બૃહદસંહિતામાં લાકડાના સિંહાસનોનો ઉલ્લેખ જોવા મળે છે. બૌદ્ધ ચૈત્યો અને વિહારોમાં પ્રાચીન કાષ્ઠ સ્થાપત્યો અને મૂર્તિઓનું સ્થાન છે. જેમ્સ બર્જેસે એમના પુસ્તકમાં ગુજરાતના પાટણના એક શેઠના લાકડાના કલાત્મક ઘરનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદના જૈન મંદિરોમાં કાષ્ઠકલાના શ્રેષ્ઠ ઉદાહરણો જોવા મળે છે.



ગરવા ગુજરાતની જીવનશૈલીના ઉંડાણમાં કાષ્ઠકલાનું અમીટ સ્થાન છે. લાકડા ઉપર બારીક નકશીકામ કરવાની કળા ગુજરાત-ભારતમાં ખૂબ જૂના સમયથી પ્રચલિત છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત કૌટિલ્ય અર્થશાસ્ત્ર, બૃહદસંહિતા, બૌદ્ધ સાહિત્ય અને વિદેશી પ્રવાસીઓની નોંધપોથીમાં આના વિસ્તૃત આધારો જોવા મળે છે. પાટલીપુત્ર એક જમાનામા મૌર્ય રાજની રાજધાની કહેવાતું. તેના કેટલાક અવશેષો પટણા નજીકથી મળી આવ્યા છે. તેમાં મકાનો અને મહેલોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થયો હોવાનું જણાયું છે. અજન્ટા ઈલોરાની બૌદ્ધ ગુફાઓ તેમજ સ્તુપોમાં જે તે સમયની કાષ્ઠકલા સુપેરે વ્યક્ત થઈ છે.



ગુજરાતમાં અને ભારતમાં પૌરાણિક સમયમાં મંદિરોના નિર્માણમાં લાકડાનો ખૂબ ઉપયોગ થતો. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ બનાવેલા પ્રભાસ પાટણના ત્રીજા મંદિરના બેઇઝમાં લાકડું હતું. એમ પણ માનવામાં આવે છે કે, સોમનાથનું મંદિર પણ લાકડાથી બન્યું હતું. જો કે કેટલાક લોકોનું મંતવ્ય એવું પણ છે કે સોમનાથન મંદિરમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ થયો છે. પરંતુ એ ચોક્કસ છે કે, ૫૬ રત્ન જડિત થાંભલાઓ લાકડાથી બન્યા હતા. લાકડાના બનેલા દક્ષિણના ગોપુર મંદિરો નવથી બાર માળના છે.
જૈન દેરાસરોમાં લાકડાનો કલાત્મક રીતે ઘણો ઉપયોગ થયો છે. ૧૪થી ૧૯મી સદી વચ્ચે ગુજરાતમા બંધાયેલા જૈન દેરાસરો સંપુર્ણ રીતે કાષ્ટકલાથી શોભે છે. પાટણના કેટલાક મંદિરોના અંશો ન્યુયોર્કના મ્યૂઝીયમમાં અને પાટણમાં આજે પણ જોવા મળે છે. જેમ્સ બર્જેસે ‘આર્કીટેકચરલ એન્ટીક્વીટીઝ ઓફ નોર્ધન ગુજરાત’માં સારાભાઈ નવાબે ૧૯૬૩માં બનાવેલા જૈન ચિત્ર કલદ્રુપનું અદભુત વર્ણન કર્યું છે. સુરતના ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર, પાટણના કુંભારીયા પાડામાં આવેલા વૃષભદેવના દેરાં, કપુર મહેતાના પાડામાં આવેલા દેરાસરના થાંભલા, અમદાવાદમાં હાજા પટેલની પોળમાં આવેલી શાંતિનાથની પોળના શાંતિનાથ દેરાસરનો રંગમંડપ, ઘુમ્મટ, દેલવાડાના જૈન મંદિરો વગેરે ગુજરાતના જૈન દેરાસરોની અદભુત કાષ્ટકલાના જાગતા ઉદાહરણો છે. ગુજરાતના અમદાવાદ, ખંભાત, સુરત, ભરૂચ, સિદ્ધપુર, ઈડર, મહુવા, સંખેડા, હળવદ, ધોળકા, નડિયાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, જેવા નગરોમાં કાષ્ઠકલાનો વૈભવ ગુજરાતની શાન છે.
સામાન્ય રીતે કાષ્ઠ સ્થાપત્યના વિકાસના લગભગ ૨૫૦થી ૩૫૦ વર્ષ પુરાણા સૌથી પ્રાચીન તબક્કામાં નમૂનેદાર કાષ્ઠકલા જોવા મળે છે. તેમાં  ઝીણું, ઊંડું, સ્વચ્છ અને રેખાની બારીકાઈ ઊડીને આખે વળગે એવી છે. એ પછી સૌરાષ્ટ્રમાં ,મુગલાઇ, મારવાડી અને મરાઠી રંગે રંગાયેલી કાષ્ઠકલાનું મિશ્રણ દેખાય છે. ક્રમશઃ અલંકારે મઢ્યું કાષ્ઠશિલ્પ લોકોના ઘરમાં સ્થાન લેવા લાગ્યું. મંદિરો, રહેઠાણો અને આવાસોમાં વપરાશની ચિજવસ્તુઓમાં કાષ્ઠ શિલ્પનો ઉપયોગ થવા લાગ્યો. મકાનમાં બારી, બારણા, ઝરૂખા, ગોખલા, થાંભલાઓ, છત વગેરે કાષ્ઠ કોતરણીથી સુશોભિત કરવામાં આવતી. અમદાવાદની દોશીવાડાની પોળ, વાઘણ પોળ, પાદશાહની પોળમાં આવેલા સદીઓ પુરાણા મકાનો કાષ્ઠકલાથી આજે પણ અદભુત સૌદર્ય ધરાવે છે.
જાણીતા લેખક અને સાહિત્યકાર જોરાવરસિહ જાદવે એમના લોકકલા વારસો પુસ્તકમાં જણાવ્યું છે કે, જેમ જેમ સમય વિતતો ગયો એમ એમ સુશોભનોમાં કાષ્ઠકલા વધુને વધુ ઉભરી આવતી ગઈ. કાષ્ઠકલાના કારીગરો વેદપત્રો, ફૂલ કે વિવિધ ભૌમિતિક આકારોની ભાત લાકડાના શણગારોમાં કંડારવા લાગ્યા. ત્યાર બાદ દેવી-દેવતાઓ, અપ્સરાઓ, માનવ આકૃતિના શિલ્પો આવવા લાગ્યાં. પક્ષીઓ, પ્રાણીઓના ચિત્રો પણ સ્થાન પામ્યા છે. પ્રાચીન શિલ્પગ્રંથોમાં લાકડામાંથી મૂર્તિઓ કંડારવાનો ઉલ્લેખ જોવા મળે છે. સામાન્ય રીતે કાષ્ઠમાંથી બનાવેલી પ્રતિમાઓનું આયુષ્ય લાંબુ નથી હોતું. લાકડું જલદી નાશ પામતું હોય છે. એટલા માટે પથ્થર અને ધાતુમાંથી મૂર્તિઓ બનાવવાની પરંપરાએ સ્થાન એનું લીધું.
પ્રાચીન કાળમા વાસ્તુવિદ્યાના જોવા મળતા ગ્રંથોમાં કાષ્ઠ સ્થાપત્યની ઊંડાણપૂર્વકની વિગતો છે. સમરાંગણ સૂત્રધારમાં ગૃહનિર્માણના અધ્યાયોમાં કાષ્ઠ સ્થાપત્યનું વિવરણ છે. ‘જયપૃચ્છા’ અને ‘પ્રમાણમંજરી’માં પણ કાષ્ઠશિલ્પની વિસ્તૃત છણાવટ છે. કાષ્ઠશિલ્પને અમર બનાવવા માટે જે કસબીઓએ તેમનો કસબ ઉપયોગમાં લીધો છે એ સદાસર્વદા લોકહૃદયમાં અંકિત રહેશે. વિશ્વકર્માના પાંચ પુત્રો પૈકી મનુએ લોહકર્મ એટલે લુહારી કામ, મયે કાષ્ઠકર્મ એટલે કે સુથારી કામ, ત્વષ્ટાએ તામ્રકર્મ એટલે કે કંસારા કામ, તક્ષક-દેવક્ષે સુવર્ણ કામ એટલે કે સોની કામ અને શિલ્પીએ પાષાણકર્મ સ્વીકાર્યું. આ પાંચેય પૈકી સુથારી કામ કરવાવાળાની કહાની મય પુરાણોમાં પ્રસિદ્ધ છે. એવી લોકવાયકા છે કે, મહાભારતમાં જેનો ઉલ્લેખ છે એ લાક્ષાગૃહ મયે બનાવ્યો હતો.  ગુજરાતમાં મેવાડા, ગુર્જર અને પંચોળી જાતિઓ વંશપરંપરાથી કાષ્ઠકલાનું કામ કરતી આવી છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અદભુત કાષ્ઠકોતરણીનું કામ કરઢ ગામના સુથારભાઈઓએ કર્યું છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસનું સુંદર કોતરણીકામ ડભોઈના કાષ્ઠકલા નિષ્ણાતોએ કર્યું છે. ગુજરાતની કાષ્ઠકલા દેશ અને દુનિયામાં જાણીતી છે. દેશ વિદેશના લોકો ગુજરાતના કાષ્ઠકલા વૈભવને જોઇને આંખો પહોળી થઇ જાય છે.
એક જમાનો હતો પૃથ્વી ઉપર મંદિરો, મહેલો, ઘરોમાં લાકડાનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો. પ્રત્યેક લાકડું અને એની કોતરણી વૃક્ષની આગવી ઓળખ બનીને શોભતું હોય છે. એ વાત એટલી જ સાચી છે કે, પર્યાવરણ અને જંગલ સંરક્ષણ અને સંવર્ધનનું કાર્ય જેટલું મોટા પાયે હશે એટલા વધુ પ્રમાણમાં લાકડા ઉપલબ્ધ થશે અને કાષ્ઠકલાનો વૈભવ દિન-પ્રતિદિન વિસ્તરતો રહેશે. માણસના જીવનનો અંત નિશ્ચિત છે પણ કલાનું અસ્તિત્વ દીર્ધ કાલીન છે. સદીઓથી ચાલી આવતી કાષ્ઠકલા એનું પ્રમાણ છે. ગુજરાત અને ભારતના મંદિરો, આવાસો, અલંકારો, નગરોની કાષ્ઠકલા ઐતિહાસિક વિરાસત સાથે અડીખમ ઉભી છે. કાષ્ઠકલા માનવીના હૃદયની અનુભૂતીની અભિવ્યક્તિનું અનોખુ પાસુ છે.

ધબકાર :
કાષ્ઠ સ્થાપત્ય એવી કવિતા છે જેને શબ્દ નથી હોતા.





Thursday, 19 March 2020

ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃધ્ધિની બળુકી પહેચાન


ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃધ્ધિની બળુકી પહેચાન

જગતભરમાં જેનો જોટો ન જડે એવી લોકસંસ્કૃતિ અને ભાતિગળ લોકજીવનથી મહેકતો અને ચહેકતો ગુજરાત પ્રદેશ, દેશ અને દુનિયામાં એક નોખો-અનોખો પ્રદેશ છે. ગુજરાતની ધરતી ઉપર હજારો વર્ષોથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિની સરવાણી વહે છે. ગુજરાતની લોકજાતિઓ, વસ્ત્રાલંકારો, લોકોત્સવો, પર્વો, મેળા, લોકસંગીત, લોકનૃત્ય, લોકવાદ્ય, ખાનપાન, પશુ શણગારો, રમકડાં, લોકમનોરંજન, હસ્તલિખિત પોથીઓ, હવેલી સ્થાપત્ય, ભીંતચિત્રો વગેરે વિવિધ પાસા દેશ અને દુનિયા માટે જબરુ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.



ગુજરાતનું કલાજગત, ગુજરાતના સર્જકો, લોકસંગીત, લોકકથાકારો, સંતવાણી, માણભટ્ટો, નટબજાણીયા, વગેરે ઉડીને આંખે વળગે એવા છે. ખેતરે ખેતરે જ્યાં હરિયાળી હરખાય છે. ઉત્તરે મા અંબા બિરાજમાન છે, દ્વરિકામાં જ્યાં શામળીયાના પગ સાગર પખાળે છે એવી ગુજરાતની ધરતીનો અદભુત શણગાર દેશ-વિદેશના પ્રવાસીઓના મન મોહી લે છે. એક તરફનું વડનગરનું કીર્તિ તોરણ બીજી તરફ સિદ્ધપુરનો રૂદ્રમહાલ, વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ, મોઢેરાનું સૂર્યમંદિર અને વનરાજોની ત્રાડ ગુજરાતની શાન છે. ભાલમાં શોભતું નળસરોવર, ઝૂલતાં મિનારા અને સિદી સૈયદની જાળીથી સોહામણું લાગે છે અમદાવાદ. આખા રાજ્યને પાણી પૂરું પાડવા માટે મા નર્મદા ઉપર અડિખમ ઊભો થયેલો સરદાર સરોવર ડેમ અને સાબરમતીના તીરે અડેખમ ઉભેલો ગાંધીઆશ્રમ દેશ આખાને શાંતી અને સમૃધ્ધિ માટે નોતરતુ પાટનગરનું મહાત્મા મંદિર ગુજરાતનાં ઘરેણાં છે.



મે મહિનાના પહેલા દિવસ સાથે વિશ્વભરની અનેક ઘટનાઓની યાદો જોડાયેલી છે. ૧લી મે, ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદજીએ કલકત્તા નજીક બારાનગરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. ૧લી મે, ૧૯૦૮માં પ્રફુલ્લચંદ ચાકીએ મુઝ્ઝફરપુર બોમ્બ કાંડને અંજામ આપી પોતાની જાત ઉપર ગોળી મારી હતી. જેણે એના જીવન કાળ દરમિયાન ૩૫૦૦થી વધુ ગીતો ગાયા છે એવા પાશ્વગાયક મન્નાડેનો જન્મ ૧લી મે, ૧૯૨૦ના રોજ થયો હતો. ૧લી મે, ૨૦૧૧ના રોજ વિશ્વ સમસ્તને આતંકવાદના ભરડામાં લેનારા ઓસામા બિન લાદેન અમેરિકન સી ઇગલના જવાનોના હાથે માર્યો ગયો હોવાના સમાચાર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ વિશ્વને આપ્યા. ૧લી મે, ૧૯૯૯ના રોજ નેપાળ દેશે મૃત્યુદંડની સજા સમાપ્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ૧લી મે, ૧૮૪૦માં બ્રિટનમાં પહેલ વહેલી ડાક ટિકિટ રીલીઝ થઇ હતી. પણ ગુજરાતી બાંધવો માટે ૧લી મે સાથે જોડાયેલી અનેક જાણી અજાણી ઘટનાઓમા શીરમોર ઘટના એટલે ગરવા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ.



છેક ચૌલુક્ય વંશથી ગુજરાતનો ઇતિહાસની કડીઓ મળે છે. ચક્રવર્તી ગુર્જરો પુસ્તકમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી લખે છે કે, ‘‘જે પ્રદેશની સીમા ઉત્તરે આબુ આગળ હતી અને દક્ષિણે પહેલાં મહિને કાંઠે, પછી નર્મદાના તીરે ને ત્યાર બાદ દમણ ગંગાના તટ પર આવીને અટકી એ પ્રદેશ ગુજરાતનામે ઓળખાવા લાગ્યો.’’ ૧૯૪૭માં હિન્દુસ્તાન આઝાદ થયું. આ સમયે પશ્ચિમ વિસ્તારમાં આવતાં રજવાડાઓ એકત્રિત કરી સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ ત્રણ રાજ્યો બનાવાયા. ૧૯૫૬માં મુંબઈ રાજ્યનો વિસ્તાર વધારી કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ અને મધ્ય પ્રદેશનો કેટલોક ભુભાગ તેમાં જોડવામાં આવ્યો. આ નવા મુંબઈ રાજ્યના ઉત્તરનાં વિસ્તારમાં ગુજરાતી બોલતા અને દક્ષિણમાં મરાઠી બોલતા લોકો રહેતા હતા. ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, વિદ્યાગૌરી નીલકંઠ જેવા આગેવાનોએ ઓગસ્ટ તા. , ૧૯૫૬થી મહાગુજરાત આંદોલન છેડીને ચાર-ચાર વર્ષ સંઘર્ષમય અહિંસક લડત આપ્યા બાદ ૧લી મે, ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યનો પરચમ લહેરાયો.
   ગુજરાત એટલે ગરબા. ગુજરાત એટલે વેપાર. ગુજરાત એટલે સ્વાદ. ગુજરાત એટલે સાહસ. ગુજરાત એટલે સંસ્કાર. ગુજરાત એટલે સૌજન્ય. સંતો, શૂરવીરો અને સાહિત્યકારોની ભોમકા એટલે ગરવું ગુજરાત. છપ્પનીયો દુકાળ હોય કે, મોરબી, સુરત, બનાસકાંઠા જેવી જળ હોનારતો હોય, ધરતીકંપનો માર હોય કે વાવાઝોડાનો ત્રાસ હોય ગુજરાતી બાંધવોએ આફતોનો મક્કમ મુકાબલો કરીને વિકાસને રતિભર પણ મોળો પડવા નથી દીધો. દેશની કુલ વસતિના પાંચ ટકા ગુજરાતી બાંધવો છે અને વિસ્તારની રીતે જોતા દેશની કુલ જમીનના છ ટકા હિસ્સો ગુજરાત પ્રદેશનો છે. ભારતના સ્ટોક એક્ષચેન્જનો ૩૦થી ૩૨ ટકા હિસ્સો ગુજરાતીઓ પાસે છે. વિશ્વનું સૌથી પહેલું પ્યોર વેજ સબ-વેઅને ડોમીનોઝગુજરાતમાં ખુલ્યું હતું.
વિશ્વના ૮૦ ટકા  હિરા ગુજરાતના સુરતમાં પોલીશ થાય છે. દુનિયાનું સૌથી પહેલુ વેજ પીઝાહટઅમદાવાદમાં ખૂલ્યું હતું. ગુજરાતના પ્રત્યેક ગામમાં વીજળી છે. ભારતના કુલ મીઠાના ઉત્પાદનમાં ૭૮ ટકા જેટલુ મીઠું ગુજરાત પકવે છે. હિન્દુસ્તાનમાં સૌથી વધુ રૂ ગુજરાતમાં ઉત્પાદન થાય છે. દેશમાં ૨૦ ટકા ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ ગુજરાતનું છે. રાષ્ટ્રમાં થતાં મીનરલ પ્રોડક્શનના ૯ ટકા પ્રોડક્શન ગુજરાતમાં થાય છે. દેશમાં ૨૨ ટકા એક્ષપોર્ટ ગુજરાત કરે છે. દેશના કુલ ટેક્ષટાઈલ પ્રોડકશનમાં ૨૪ ટકા જેટલુ ઉત્પાદન ગુજરાત કરે છે. ૩૫ ટકા ફાર્મા પ્રોડક્ટ, ૫૧ ટકા પેટ્રોકેમિકલનુ પ્રોડકશન ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં ૧૭ નાના મોટા એરપોર્ટ છે. ભારતના કોઈપણ રાજ્યની તુલનામાં સૌથી વધુ શાકાહારી લોકો ગુજરાતમાં છે. ગાંધીનગરના કવિ કનૈયાલાલ ભટ્ટની એક રચના યાદ આવે છે, ‘હું ગુજરાતી, તું ગુજરાતી, આપણ સૌનુ તળ ગુજરાતી, રગ રગમા વહેતા રક્તકણોમાં ધમકે છે, તે બળ ગુજરાતી, સાચ્ચે સાચુ કહી દે સામે, કડવો પણ મીઠો ગુજરાતી, પ્રેમ કરે તો જીવતર દઇ દે, જીદે ચડે તીખો ગુજરાતી...’ ગુજરાત એટલે એક જમીનનો ટૂકડો નહીં ગુજરાત એટલે સંસ્કાર અને સંસ્કૃતિની બળુકી પહેચાન.
ગુજરાત સૌથી સલામત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમરેટ માત્ર ૮.૨ ટકાની આસપાસ રહે છે. ધ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રિસર્ચના અહેવાલ અનુસાર બેંગલોર અને મદ્રાસ પછી સુરત ભારતનું સૌથી અમીર શહેર છે. ગુજરાતની જીડીપી છેલ્લા દોઢ-પોણા બે દાયકાથી લગાતાર ૧૨ ટકાથી વધુ છે. ગૌરવ સાથે કહેવું પડે કે, ગુજરાતની જીડીપી ભારત અને ચીનની જીડીપી કરતાં પણ વધારે છે. એવરેજ ગ્રોથ રેટમાં ગુજરાત અવ્વલ છે. વર્કરદીઠ ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત અગ્ર હરોળમાં છે. મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે. જીરૂ અને મસાલામાં ગુજરાત સર્વપ્રથમ છે. રોજગાર કેન્દ્રોમાં પ્લેસમેન્ટમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે.  
આગામી સમયમાં ગુજરાતનો સિનારીયો કંઇક આવો હશે, તમામ ગામો વાઇફાઇથી સજ્જ હશે. રાજ્યના તમામ જળાશયો નર્મદાના નીરથી છલકાતા હશે. દરેક ગુજરાતી ઘરની પાકી છત ઉપર રૂફટોપ સોલાર પેનલ લાગેલી હશે. મજબુત રોડ નેટવર્કથી આખે આખુ રાજ્ય કનેક્ટેડ હશે. એર, રેલ અને રોડ કનેકટિવિટિથી રાજ્યના પ્રત્યેક વિસ્તાર વિકાસથી ધમધમતા હશે. દરેક શાળા, મહાશાળા, કોલેજોમાં અદ્યતન શૈક્ષણિક સવલતો દ્વારા કૌષલ્ય નિર્માણ થતું હશે. હર હાથ કો કામ ઔર હર ખેત કો પાનીનો મંત્ર સાકાર થયેલો જોવા મળશે. આવતી કાલની આ નક્કર વાસ્તવિકતા હશે.
ગુજરાત હૃદયના ધબકારની ભૂમિ છે. સૌ ગુજરાતી બાંધવોના હદયમાં ગુજરાતના સંસ્કાર, પડકાર અને ધબકાર આદરપૂર્વક ઝીલાતો હોય છે. છાતી ફુલાવીને ગર્વથી કહો, ‘હા હું ગુજરાતી છું મને ગર્વ છે કે, આ ગરવા ગુજરાતનો હું નાગરિક છું. મને પ્યારું મારું ગુજરાત, સૌથી ન્યારુ મારુ ગુજરાત...
---------------------------------



Monday, 9 March 2020

નજર સામે ખુશીના અવસરોનો ઢગલો છે મોજથી એમાં ધુબકો મારો


નજર સામે ખુશીના અવસરોનો ઢગલો છે મોજથી એમાં ધુબકો મારો

હોળીનો રંગોત્સવ એટલે મળવાનો, હસવાનો, નાચવાનો, ગાવાનો અવસર. એકધારી જિંદગીમાં આવતા આ કલરફુલ આનંદોત્સવને દિલથી માણવો પડે. રોજ સાંજે ઢળતો સૂરજ જીવનનો એક અણમોલ દિવસ ઓછો થવાનો સંદેશ આપતો જાય છે. સાથે સાથે એ પણ કહેતો જાય છે કે, ‘આજના દિવસમાં કેટલો આનંદ કર્યો અને કેટલુ હસ્યા, કેટલા ખુશ રહ્યા એ જાણો છો ?’ જીવનની ઘટમાળમાં ખુશ રહેવા માટે પ્રયાસ કરવો પડે એ વાતમાં દમ નથી. ખુશીના અવસરોનો ઢગલો નજર સામે જ હોય છે. જરૂર છે આ ઢગલામાં મુઠ્ઠીઓ વાળીને મોજથી ધુબકો મારવાની. જો તમે એ જ કર્યા કરો છો જે રોજ કરતા આવ્યા છો તો એ જ મળશે જે રોજ મળે છે. પરંતુ જો કંઈક અલગ વિચારીને જુદુ જ કરો તો એનો આનંદ જુદો હશે. તહેવારો કંઇક જુદુ કરવાનો મોકો આપે છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કારો સાથે તહેવારો વણાઈ ગયા છે. એકધારી રૂટીન જિંદગીમાં તહેવાર નોખી ભાત પાડે છે. તહેવારો ખુશી અને આનંદના કમાડ ખોલી આપે છે.



એક ભાઈ એમની સાથે નોકરી કરતાં મિત્રને કહે કે, ‘સવારે ઊઠો, નિત્યક્રમ પતાવો, ઓફિસ જાવ, રૂટીન કામ કરો, સાંજે ઘરે આવો અને સુઈ જાવ. કોઈ મોજ નથી. જબરો કંટાળો આવે છે જીવનમાં.’ જ્યારે એનો મિત્ર કહે, ‘દોસ્ત, હું તો મસ્તીથી જીવું છું. રોજ નવી વાત સાથે નવો આનંદ લઉ છું. આજે હોળી છે તને તો ખબર જ છે કે, ઓફિસમાં સાથીઓ સાથે હું રંગે રમ્યો અને બધા સાથે મળીને બધા ખૂબ હસ્યા, નાચ્યા. દરેક તહેવારોને હું મસ્તીથી ઉજવું છું. ભારે મોજ કરું છું.’ સાથે નોકરી કરતા બે મિત્રોનો જીવન જીવવાનો નજરીયો જુદો છે. બન્નેની માનસિકતા અલગ છે, એક આનંદ કરે છે બીજો સમજના અભાવે સોરવય છે.
તહેવારોમાં મુક્ત મને મળવાનો અને નાના બની હસવાનો આનંદ અનેરો હોય છે. બાળકની જેમ થનગનવાનો, નાચવાનો, ગાવાનો અવસર એટલે ફેસ્ટીવલ. તમામ દુઃખોનો અકસીર ઈલાજ બિન્દાસ્ત હસવામાં છે. કોના જીવનમાં ટેન્શન નથી ? સારું અને ખોટું, ઊંચું અને નીચું વગેરે પેરામીટર્સ તો વ્યક્તિ જાતે જ નક્કી કરીને દુઃખને સામે ચાલીને ઇન્વિટેશન આપતો હોય છે. મોટપણ, સત્તા, પૈસાનો બોજો લઈને ફરનારા હંમેશા એ ભારમાં જ ડૂબી જતા હોય છે. હસતા, ખેલતા, નાચતા, કુદતા હળવાફુલ લોકો સદાય મોજથી તરવાનો આનંદ કરતાં હોય છે. કંઈ નહીં તો એકવાર ખુશખુશાલ હોવાનું નાટક તો કરો. ધીમે ધીમે એની આદત બનશે અને પછી એ ચરિત્ર બની જશે. ફૂલોને ખબર છે કે એમનું આયુષ્ય બે-ત્રણ દિવસથી વધુ નથી છતાં ફુલને ક્યારેય ગમગીન જોયું છે ખરું ?
મહા અને ફાગણ મહિનામાં શુકલ પક્ષની પાંચમથી ઋતુઓના રાજા વસંતની દમામભેર એન્ટ્રી થાય છે. ફાગણ મહિનાની શરૂઆતથી પ્રકૃતિનું સૌંદર્ય નિખરી ઊઠે છે. વૃક્ષો સુકાયેલા પાનને અલવિદા કરીને નવા મનમોહક રંગબેરંગી ફૂલો અને પાંદડાથી નૃત્ય કરે છે. ઘઉં અને જઉમાં પોહ ફાટે છે. ભમરાઓના ગુંજન અને કોયલના ટહુકાઓથી વાતાવરણમાં સુમધુર સંગીત રેલાય છે. વસંતપંચમીના દિવસે પહેલ વહેલા હવામાં ગુલાલ ઉડાડી આનંદની છડી પોકારવામાં આવતી હોય છે. ભારત અને નેપાળમાં હોળ-ધુળેટીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે. અબીલ-ગુલાલ એકબીજા ઉપર ઉડાડી શત્રુને પણ મિત્ર બનાવવાના થનગનાટથી છલકાતો આ તહેવાર બે દિવસ ઉજવાય છે. હોળીનો તહેવાર રાગ અને રંગ સાથે વસંતના આગમનનો અણસાર આપે છે. રાગ એટલે સંગીત અને રંગ એટલે આનંદનો ઇઝહાર. અબાલ વૃધ્ધ સૌ કોઇ ઢોલક, મંજીરા, પોપ-ઝાંઝ વગેરે મ્યુઝિક સાથે નૃત્ય અને સંગીતના સથવારે મોજ મનાવે છે.



ઇતિહાસકારોના મંતવ્યો અનુસાર પૌરાણિક સમયમાં આર્યો હોળીનો તહેવાર ખુબ આનંદથી ઉજવતા. જૈમિનીના પૂર્વ મીમાંસા-સૂત્ર અને કથા ગાર્હ્ય-સૂત્રમાં આ અંગેનો આધાર જોવા મળે છે. નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ તથા હસ્ત લિખિત ગ્રંથોમાં હોળીના તહેવારના ઉલ્લેખો જોવા મળે છે. વિંધ્યાચળ ક્ષેત્રના રામગઢમાં ઈસવીસન પૂર્વે ૩૦૦ વર્ષ પુરાણા એક શિલાલેખ ઉપર વસંતોત્સવનું વર્ણન છે. સુપ્રસિદ્ધ મુસલિમ પર્યટક અલ બરૂનીએ એના ઐતિહાસિક યાત્રાવર્ણનમાં ‘હોલીકોત્સવ’ વિષે લખ્યું છે. મોગલકાળમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હોવાના આધારભુત પ્રમાણો છે. અકબર અને જોધાબાઈ, જહાંગીર અને નુરજહાં હોળી રમતા હોવાના આધારો ઉપલબ્ધ છે. અલવરના એક સંગ્રહાલયમાં જહાંગીરને હોળી રમતા બતાવાયા છે. શાહજહાંના સમયમાં મુગલિયા હોળી રમવાના અંદાજમાં બદલાવ આવ્યો. એ વખતમાં હોળીનો તહેવાર ઈદ--ગુલાબી કે અબ--પાશિના નામથી ઓળખાતો. બહાદુર શાહ ઝફરને એના મંત્રીઓ રંગ લગાવી ઉત્સવ ઉજવતા હોવાના ઉલ્લેખો મળે છે. વૃંદાવનની કૃષ્ણ-રાધાની હોળી વિશે મધ્યકાલીન ભારતીય મંદિરોમાં ભિંતચિત્રો અને આકૃતિઓ બોલતા પુરાવા છે. વ્રજની હોળી, બરસાનેની લઠ્ઠમાર હોળી, મથુરા-વૃંદાવનની સૌથી લાંબી હોળી, હરીયાણાની ઘુલંડી, બંગાળની ઘેલ યાત્રા, મહરાષ્ટ્રની રંગપંચમી, તામિલનાડુની કમન પોડિગઈ, મણિપુરની યાઓસંગ પ્રચલિત છે.
સાહિત્ય જગતમાં પણ હોળીના રંગને સાહિત્યકારોએ બખુબી વર્ણવ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં હોળીના વિવિધ રંગોનું વિસ્તૃત વર્ણન છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સમૂહ રાસનું અદભુત આલેખન છે. હર્ષની પ્રિયદર્શિકા અને રત્નાવલી, કાલીદાસના કુમારસંભવમ્, માલવિકાગ્નિમિત્ર અને ઋતુસંહારમાં વસંતોત્સવ પુરબહાર ખિલ્યો છે. ભારવી, માઘ, ચંદ, વરદાઈ, બરદઈ, રહીમ, રસખાન, મીરાબાઈ, કબીર, બિહારી, કેશવ વગેરેની કલમે હોળીને શબ્દે કંડારી છે. મહાકવિ સુરદસે વસંતોત્સવ અને હોળી ઉપર ૭૮ પદ રચ્યા છે. પદ્માકરજીએ તેમની રચનાઓમાં હોળીનું અદભુત નિરૂપણ કર્યુ  છે. આધુનિક કવિઓ તેજેન્દ્ર શર્મા, પ્રેમાનંદ, ઓમ પ્રકાશ અવસ્થી વગેરેએ વસંતના રંગને અદભુત રીતે આલેખ્યો છે. બોલિવુડે ફિલ્મોમાં રંગોત્સવને કચકડે મઢીને પ્રસ્તુત કરવામાં કોઇ કસર છોડી નથી. નવરંગ, ઉત્સવ, સિલસિલા, જનક જનક પાયલ બાજે વગેરે ફિલ્મોમાં હોળી ઉત્સવનું અમર ચિત્રાંકન ચિરકાલીન યાદ રહે એવું છે. શાસ્ત્રીય સંગીતમાં ઘમાર, ધ્રુપદ, ઠુમરી, નાના-મોટા ખયાલ રાગમાં હોળીના સૌંદર્યનું માધુર્ય જોવા મળે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ હોળીનું મહત્વ અનેરું છે. ઠંડીની મોસમનો બદલાવ અને બેવડી ઋતુઓના કારણે શરીરમાં આવેલી શિથિલતા અને ગીડીનેસને અબિલ, ગુલાલ અને સગીત દ્વારા શરીરનું આયર્ન મંડળ મજબૂત થાય છે. હોળીદહનના કારણે આસપાસના વાતાવરણના બેકટેરીયા નાશ પામે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મત અનુસાર રંગોને કારણે સ્વાસ્થ્ય ઉપર સકારત્મક અસરો પેદા થતી હોય છે.
હોળીના તહેવારમાં મોજ કરવાના અમુલ્ય અવસરને કેટલાક લોકો અર્થ વગર ટાળતા જોવા મળતા હોય છે. વાતે વાતે રંગ બદલતા લોકો ધુળેટીમાં એમ કહે છે કે ‘મને રંગોની એલર્જી છે.’ વાસ્તવમાં આવા લોકોને ખુશીઓ અને આનંદની એલર્જી હોય છે. હોળીના રંગોની ‘એલર્જી’ ન હોય એની ‘એનર્જી’ હોય. વસંતોત્સવ ખુશીનો ખજાનો ખોલે છે. ખુબસુરતીમાં ખુશી નથી કે પછી કોઈ સુંદર લાગે એમાં ખુશી નથી. ખુશ રહેનારા લોકો ખુબસુરત હોય છે. ખુશ થઈને કામ કરનારા લોકોના કદમોમાં ખુશી અને સફળતા સામે ચાલીને આળોટતી હોય છે. ખુશી તો હૃદયમાં રહેલું ખળખળ વહેતુ ઝરણું છે. ખુશી બહારથી શોધવાની વસ્તુ છે જ નહીં. જે બહારનો અવાજ સાંભળીને જીવતો હોય એ ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. જે અંતરનો અવાજ સાંભળે એનો આહલાદ અલગ હોય છે.

ધબકાર :
અબિલ ગુલાલના રંગોથી ‘એલર્જી’ નહીં ‘એનર્જી’ મળે છે.