પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 26 November 2019

જે ખુદ્દાર છે એ ક્યારેય ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ નથી કરતો


જે ખુદ્દાર છે એ ક્યારેય ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ નથી કરતો


નજર મેં ખ્વાબો કી
બિજલીયાં લે કર ચલ રહે હો
તો જીંદા હો તુમ
જો અપની આંખો મેં હૈ
હૈરાનિયાં લે કર ચલ રહે હો
તો જીંદા હો તુમ

                                                                      -      જાવેદ અખતર

અમદાવાદના લૉ ગાર્ડન પાસે બે મિત્રો પાણી પુરી ખાઇ રહ્યાં હતાં. ત્યાં એક બાર-પંદર વર્ષનો છોકરો આ બે મિત્રો પાસે આવીને ઉભો રહ્યો. એના થેલામાં રમકડા હતાં. એ છોકરો આ રમકડા વેચવા માટે આવ્યો હતો. આ બન્ને મિત્રોને રમકડા લેવા માટે છોકરાએ કહ્યું. છોકરાની પરિસ્થિતિ જોતા બન્ને મિત્રો સમજી ગયા કે, છોકરો ખુબ જ ભુખ્યો છે.
એક મિત્રએ કહ્યું, ‘ બેટા રમકડું તો નથી જોઇતુ પણ તું પાણી પુરી ખાઇ લે. તને ભુખ લાગી હોય એવું લાગે છે. ‘
પેલા બાળકે જવાબ આપ્યો, ‘ સાહેબ, હું ભિખારી નથી. રમકડું વેચીને પૈસા લઇશ. ‘
પેલા મિત્રએ પુછ્યું, ‘ કેટલાનુ એક રમકડું છે. ‘
બાળકે કહ્યું, ‘ કોઇ પણ રમકડું લો, પચાસ રૂપિયા ‘
પેલા મિત્રએ તરત જ બે રમકડાં લઇ લીધા અને ૧૦૦ રૂપિયા બાળકને આપ્યા. પછી કહ્યું, ‘ હવે તો તું અમારી સાથે પાણી પુરી ખા. તું અમારો મિત્ર થઇ ગયો છે.’
બાળકે કહ્યું, ‘ હા, પણ મારા પૈસા હું જ આપીશ.’
પાણીપુરી ખાતા ખાતા બાળકને આ મિત્રએ પુછ્યું, ‘ અમે જ્યારે તને પહેલાં ખાવા માટે કહ્યું ત્યારે તે કેમ ન ખાધું ?’ ત્યારે બાળકે ખુબ સરસ જવાબ આપ્યો, ‘ સાહેબ, એકવાર ખેરાતમાં ખાવાની આદત પડી જાય પછી એ જીવનભર નથી છુટતી. ખેરાતના મિષ્ટાન કરતાં ખુદ્દારીની રોટી વધુ પ્યારી લાગે છે.’ નાના બાળકની વાત આ મિત્રને એટલી અસર કરી ગઇ કે, એણે બાળકે આપેલા પેલા રમકડા એના બેડરૂમમાં પ્રોમિનંટ જગા ઉપર લટકાવીને રાખ્યા જેથી રોજ એ જુએ અને પેલા બાળકની ખુદ્દારીની કહાની હમેશા તાજી રહે.
માણસના જીવનમાં સતત-નિરંતર એક યુદ્ધ ચાલતું રહે છે. આ યુદ્ધ પોતાના વિચારો અને ખુદ્દારીના ખોંખારા સાથેનું હોય છે. જેની પાસે પોતાની જાતની ખુદ્દારીને સમજવાની શક્તિ છે એ આ યુદ્ધ આસાનીથી જીતી જાય છે. માણસની પોતાની પાસે જે છે, એ શ્રેષ્ઠ છે એટલી ખુદ્દારીપૂર્વકની સમજ એના જીવનનું ઉત્તમ પાસું છે. જ્યારે વ્યક્તિ માનસિક રીતે નક્કી કરી લે છે કે, એની હિંમત અને મહેનતની ખુદ્દારી છે એટલે એને કોઈ વાતની ખોટ નથી ત્યારે આખી શ્રૃષ્ટિ એ વ્યક્તિની બાહોમાં આવી જતી હોય છે.
થોડા સમય પહેલાં સચિવાલયના મીના બજારમાં પાંચ-સાત અધિકારીઓ તેમના રૂટીન શિડ્યુલ પ્રમાણે ચા પીવા બેઠા હતા. સામાન્ય રીતે આ અધિકારીઓ મીના બજારમાં ખુલ્લા વાતાવરણમાં સરકારી કામના વિવિધ પાસાઓની ચર્ચા સમીક્ષા કરતાં. પરંતુ એ દિવસે અચાનક એક લાંબો, પાતળી કાઠીનો આધેડ જેવો લાગતો વ્યક્તિ હાથમાં થેલી લઈ આ અધિકારીઓના વૃંદ પાસે પહોંચી ગયો. એણે કહ્યું, ‘સાહેબ બુટ પોલીસ કરાવવી છે?’
અધિકારીઓ પૈકી એક જણે આ વ્યક્તિની સામું જોયું અને પૂછ્યું, ‘પોલીસ તો નથી કરાવવી પણ તમારે ચા-નાસ્તો કરવો હોય તો કરી લો.’
પેલા વ્યક્તિએ કહ્યું, ‘ના, મને એવો ચા-નાસ્તો ન ખપે.’
પેલા અધિકારીએ તરત તેના પોલીસ કરેલા બુટ કાઢી ફરી પોલીસ કરવા આપ્યા. બીજા અધિકારી મિત્રોએ પણ એમના બુટ પોલીસ કરવા આપ્યા. વાતમાંથી વાત નીકળતા આ વ્યક્તિએ કહ્યું કે, એ મહેસાણાથી ગાંધીનગર આવે છે. એની ઉંમર ૭૦ વર્ષની છે. એને મહેનત કરીને જ ખાવાનું ગમે છે એટલે ક્યારેય મફત કોઈની પણ ખેરાત એ નથી લેતા.
આ અધિકારીઓ મનોમન આધેડની વાત ઉપર આફરીન પોકારી ગયા. પ્રકૃતિ ક્યારેય કોઈ બાબતમાં ઉતાવળ કરતી નથી. દરેક વસ્તુ તેના નિયત સમયે સરસ રીતે પૂર્ણ થઈ જતી હોય છે. સવારે સૂર્યના તાજા કિરણનો સ્પર્શ થતાં રાતભર ભીડાઈને રહેલી પુષ્પની પાંદડીઓ નિયત સમયે જ ખુલી જતી હોય છે. ચાઈનીઝ ચિંતક લાઓ-ત્સે કહે છે કે, દરેક મોટા અને મહાન કાર્યોની શરૂઆત નાના નાના કાર્યોથી જ થતી હોય છે. ખુદ્દારી સાથે સ્વયં ઉપર વિશ્વાસનું સંગીત બ્રહ્માંડનું સૌથી કર્ણપ્રિય સંગીત છે. બીજાના વિચારોને સમજવા અને બીજાને જાણવા એ જ્ઞાન છે પરંતુ સ્વયંને જાણી એ મુજબ કાર્ય કરવું એ સૌથી મોટું આત્મજ્ઞાન છે.
વિચારવિહીન અને નિરર્થક અંધકારભર્યાં લાંબા જીવન કરતાં અર્થસભર સમજદારી સાથેનું ખુદ્દારીપૂર્વક જીવાયેલું ટૂંકુ જીવન વધુ આનંદ આપે છે. સાચા દ્રષ્ટિકોણથી આગળ વધનારા માટે પોતે નક્કી કરેલી સીમાઓના બંધનો આપોઆપ દૂર થઈ જતા હોય છે. પરિશ્રમપૂર્વક જોખમ ઊઠાવી ખુદ્દારીથી મહેનત કરનારાને સાહસનો અદભુત આનંદ મળે છે. જે કોશિષ કરે છે એની માટે કશું અસંભવ છે જ નહીં.
જેની પાસે ખુદ્દારી છે અને મહેનત કરવાની તૈયારી છે, એ ક્યારેય ભવિષ્યવાણી નથી કરતા. જે ભવિષ્યવાણીમાં વિશ્વાસ રાખે છે એની પાસે વાસ્તવિક મહેનતની ખુદ્દારી નથી હોતી. એની પાસે કોઇ નિશ્ચિત પરિણામ પણ નથી હોતુ. સામાન્ય રીતે બીજા ઉપર કાબુ મેળવવા માટે દુનિયા આખી મથામણ કરતી હોય છે. બીજા ઉપર કાબુ મેળવવો એ તાકાત છે પણ પોતાના ઉપર કાબુ મેળવી આગળ  વધનારા સાચા શક્તિશાળી છે. વ્યક્તિ જ્યારે પોતાની ખુદ્દારી સાથે મહેનત કરતો હોય છે ત્યારે એની કોઈની સાથે સ્પર્ધા નથી હોતી. તે પોતાની જાતથી સંતુષ્ટ થઈ જતો હોય છે.

ધબકાર :
દુશ્મનની ખુદ્દારીને નવાજવી જોઇએ, માથું કોઇનું પણ હોય એ કદમોમાં સારુ ન જ લાગે.




Monday, 11 November 2019

વાત એક એવા પ્રદેશની કે જ્યાં કેમેરા ઉપરથી આંગળી હટાવવાનુ મન જ ન થાય...


વાત એક એવા પ્રદેશની કે જ્યાં કેમેરા ઉપરથી 
આંગળી હટાવવાનુ મન જ ન થાય...

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.




કેરળની ભુમિ ઉપર ફરતા કવિ જયંત પાઠકની આ રચના ઉછાળા મારી મારીને હદયમાંથી બહાર આવી જાય. એક એવા પ્રદેશમાં જવાનો અવસર મળ્યો કે જ્યાં ઇશ્વરે ખુલ્લા દિલે પ્રકૃતિની લાલ... સોરી લીલી જાજમ બીછાવી છે. સુંદર મજાનો હરિયાળો પ્રદેશ અને લાગણીભીના લોકો હોય પછી તો પુછવુ જ શું ? એક નાનકડા પણ યાદ રહી જાય એવા પ્રસંગથી કેરળની સફરે લઇ જવા છે.
સવારનો સાતેક વાગ્યાનો સુમાર હતો. આગલી રાત્રે પડેલા ધોધમાર વરસાદ બાદ થિરુવનંથપુરમની સડક, વનરાજી અને બિલ્ડિંગો સઘળુય સવારના કુમળા તડકામાં સાફ સુથરા વધુ સુંદર લાગતું હતું. હોટલમાંથી પ્રવાસીઓને પ્રેમસભર સ્મિત સાથે તેના વાહનમાં આવકારી ડ્રાયવર રાજેશ્વરે વિષ્ણુ ભગવાનનો શ્લોક બોલીને ગાડી સ્ટાર્ટ કરી. શહેરના પરા વિસ્તાર પાસે લગભગ ૮૦ની સ્પીડ ઉપર ચાલતા વાહનને રાજેશ્વરે બ્રેક મારી ધીમી કરી. વાહન થોડું સાઈડ ઉપર લઈ બે હાથ જોડી નમન કરીને એણે એક રૂપિયાનો સિક્કો બારી બહાર હવામાં પધરાવી દીધો. વાહનમાં બેઠેલા મેં પૂછ્યું, ‘આમ કેમ કર્યું ?’ એણે જવાબ આપ્યો. ‘સર, અહીં વિષ્ણુ ભગવાનનું મંદિર છે. વિષ્ણુ ભગવાન મારી અને મારા પરિવારની રક્ષા કરે એવી દુઆ માંગીને મેં પ્રભુના ચરણોમાં નાનકડી ભેટ અર્પણ કરી. હું જ્યારે જ્યારે આ રસ્તે પસાર થાઉં છું ત્યારે આમ કરું છું. મોટાભાગે અહીંથી પસાર થતાં બધા જ ડ્રાઇવર ભાઇઓ આમ જ કરે છે.



મારા આઠ દિવસના પ્રવાસ દરમિયાન ઊડીને આંખે વળગે એવી વાત મેં નોંધી છે કે, અહીંના લોકોનો મૈત્રીપૂર્ણ સ્વભાવ અને ધર્મપરાયણતા ખુબ ઉચી છે. અહીં દસમાંથી સાત લોકોના નામ વિષ્ણુ, મુકુન્દન, માધવન, મોહન, શિવ, શંકર એમ ભગવાનના હોય છે. પાંચ તારક હોટલ હોય કે રસ્તામાં કે શેરીમાં કોઈ મલયાલમીને મળો તો સ્મિત સાથે ઉષ્માસભર આવકાર આપવા તત્પર જ હોય. ભારતના સુંદર સમુદ્ર કિનારાઓ પૈકીનો એક એવો કોવલમ બીચ ઉપર હોવ કે એલપ્પીના બેક વોટરની હાઉસ બોટમાં હોવ કેરાલિયન લોકો હાથ હલાવતા સસ્મિત તમારું અભિવાદન કરતા જોવા મળે જ મળે. છીછરા પાણી અને નીચા ભરતીના મોજાના કારણે કેરળનો કોવલમ બીચ પશ્ચિમી દેશોના લોકોમાં ખાસો લોકપ્રિય છે.
દેશમાં સો ટકા શિક્ષિત પ્રજા ધરાવતા કેરાલા રાજ્યની રચના નવેમ્બર તારીખ ૧, ૧૯૫૬ના રોજ થઈ ત્યારથી અહીંના લોકોમાં તેમની મલયાલમ ભાષા પ્રતિ પ્રેમ અને ગૌરવ દાદ માગી લે એવા રહ્યાં છે. અહીં બસ કે ટૂક ટૂક ડ્રાયવર(ઑટો રીક્ષાને કેરળમા ટૂક ટૂક કહે છે) કે નાનો કોઇ કામદાર હોય, દરેક આવશ્યકતા અનુસાર અંગ્રેજી બોલે છે પણ મલયાલમ ભાષા માટે એમને ભરપુર આદર અને પ્રેમ છે. માતૃભાષા માટેનો કેરાલીયનોને પ્રતિપળ છલકાતો ભાવ જોઇએ ત્યારે જાણે અજાણે ગુજરાતી ભાષા માટે કામ કરતા યોદ્ધાઓ નજર સામે તરવરવા લાગે. કેરળની રાજધાની થિરુવનંથપુરમમાં સૌથી મોટું ટેકનો પાર્ક છે. અહીં ઇન્ફોસીસથી માંડીને દેશ-વિદેશની જાયંટ ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓની પ્રમુખ ઓફિસોમાં લાખો લોકો કામ કરે છે.



કેરળમાં ૫૬ ટકા હિન્દુ, ૨૫ ટકા મુસલમાન અને ૧૯ ટકા ખ્રિસ્તી સમુદાયની વસતી છે. થિરુવનંથપુરમમાં આવેલું પદ્મનાભ સ્વામી મંદિર સૌથી અમિર મંદિર છે. બ્રહ્મા પુરાણ, મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, પદ્મ પુરાણ, ભાગવત અને મહાભારત જેવા પૌરાણિક શાસ્ત્રોમાં આ મંદિરના ઉલ્લેખો જોવા મળે છે. ઈસ્વીસન ૬૨૯માં સૌથી પહેલી મસ્જિદ કેરળના થ્રીસુરમાં બની. ભારતમાં સૌથી પહેલું ચર્ચ પણ કેરળમાં જ બન્યું છે. કેરળની ૬૦ ટકા વસતી કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અહીં પ્રત્યેક ગામમાં હોસ્પિટલ અને પ્રાથમિક શાળા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝર(WHO) અને યુનિસેફના મતે કેરળ બાળકો માટે સૌથી અનુકુળ રાજ્ય છે. અહીં ૯૫ ટકા બાળકોનો જન્મ હોસ્પિટલમાં જ થાય છે. અહીંના મરી મસાલા વિશ્વમાં મશહુર છે. ડાંગર કેરળનો મુખ્ય પાક છે. લોકોનાં ભોજનમાં પણ ભાત મુખ્ય આઈટમ છે. અહીંનું એલપ્પી શહેર એનાં બેકવોટરની સાથે સાથે વિશાળ પેડ્ડી ફિલ્ડના કારણે જાણીતું છે. અહીંનુ યુરોપીયન એટમોસપિયર મનલુભાવન છે. ઘડીકમાં વરસાદ અને ઘડીકમાં ઉઘાડ કેરળ રાજ્યની બ્યુટીમાં ચાર ચાંદ લગાવે છે. એમ કહેવાય છે કે, પ્રેક્ટિકલી કેરળમાં બે જ રૂતુઓ છે. આઠ મહિના ચોમાસુ અને ચાર મહિના ઉનાળો.
કેરળની આયુર્વેદ મસાજ દુનિયાભરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. મારી સાથે આવેલા મિત્ર સુનિલભાઇ શાહને ચાલવાને કારણે પગમાં ઢીચણથી માંડીને એડી સુધી સખત દુખાવાની કમ્પ્લેન હતી. એમણે એલપ્પીના એક આયુર્વેદ કેન્દ્રમાં મસાજ કરાવી. ૪૫ મિનિટની એક મસાજ સેશન પછી સુનિલભાઇએ અત્યંત રાહત અનુભવી. કેરળમાં અદભુત કુદરતી સૌંદર્ય, સ્વચ્છ હવા, શુદ્ધ પાણી હોવાથી સ્વાભાવિક રીતે જ અહીં માણસનું આયુષ્ય લાંબુ હોય છે. કેરળની એક વિશેષતા એ પણ છે કે, અહીં મહિલાઓની સંખ્યા પુરૂષ કરતાં વધુ છે. કેરળમાં દર હજાર પુરુષે ૧૦૪૮ મહિલા છે. અહીં સાક્ષરતા વધુ છે પણ જાણીને આશ્ચર્ય થાય કે, બેરોજગારી પણ અહીં ઘણી છે. મજાની વાત એ છે કે, ગુજરાતમાં નોકરી માટે ઘણા કેરાલિયન જોવા મળ્યા એમ કેરળની હોટલોના ગ્રાઉન્ડ સ્ટાફમાં અરૂણાચલ પ્રદેશ, નેપાળી અને અસામી વધુ જોવા મળ્યા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના અહેવાલ પ્રમાણે વિશ્વના ૫૦ સૌથી સ્વસ્થ રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે. ત્યાંના એક સ્થાનિક મિત્રએ ચોંકાવનારી હકીકત જણાવી કે, આત્મહત્યાના કિસ્સા પણ કેરળમાં વિશેષ જોવા મળે છે.
આ રાજ્યનું નામ કેરળ કેવી રીતે પડ્યું એની પાછળ તથ્ય છે. મલયાલમ ભાષામાં કેરાએટલે નાળિયેરના વૃક્ષ અને આલમનો અર્થ ધરતી થાય. ‘કેરળ એટલે નાળિયેરીના વૃક્ષોની ધરતી એમ કહેવાય છે. રામાયણ અને મહાભારતમાં કેરળના મંદિરો અને વિવિધ વિસ્તારનો ઉલ્લેખ જોવા મળે છે. વસતીની દ્રષ્ટિએ ભારતમાં ૨.૮ ટકા હિસ્સો ધરાવતું કેરળ ભારતના અર્થતંત્રમાં લગભગ ચાર ટકા જેટલો હિસ્સો ધરાવે છે. કેરળની વસતી ગુજરાત કરતાં લગભગ અડધી ૩.૪ કરોડની છે. કેરળને પરશુરામની ભૂમિ પણ કહે છે. પરશુરામજી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતારી પુરુષ છે. મલયાલમ સાહિત્ય કેરાલોલપની કથા અનુસાર ચેરાના રાજાએ કન્યાકુમારીથી હિમાલયની ભૂમિ જીતી લઈને કોઈ સમર્થ દુશ્મન ન હોવાથી ભાલા ફેંકી સમુદ્રને ઘેરી લીધો હતો. દંતકથા મુજબ પરશુરામજીએ તેમની કુહાડી દરિયા પાસે ફેંકીને સમુદ્ર હટાવી ધરતી બનાવી. પરંતુ સમુદ્રવાળી જમીન ખારી હોઈ વસવાટ યોગ્ય ન હતી. ખારાશવાળી જમીન વસવાટ યોગ્ય બનાવવા પરશુરામે સર્પરાજા વાસુકીને બોલાવી તેના પવિત્ર ઝેર દ્વારા આ ખારી જમીનને ફળદ્રુપ લીલીછમ ધરા બનાવી દીધી.
દ્રવિડ કુળના મલયાલી લોકોની નૃત્ય કલા દેશ વિદેશમાં લોકપ્રિય છે. અહીંના કથ્થકલી, થેય્યામ, કલરીપયટ્ટુ, મોહિનીયત્તમ, થિરવથીરકલી, કુડિયાત્તમ, પુલીકલ્લી જેવા સાત પારંપારિક કલા અને નૃત્ય વિશ્વપ્રસિદ્ધ છે. થિરુવનંતપુરમમાં દરરોજ ચાલતા કથ્થકલી અને કલરીયપટ્ટુ નૃત્યકલાના દરેક શૉ ટુરિસ્ટથી જામપેક હોય છે. કેરળના ઈડુક્કી જીલ્લાના થેકડ્ડીના વનવિસ્તારોને કુદરતે લખલુટ સૌંદર્ય બક્ષ્યું છે. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાણી, પહાડ, પશુ, પ્રાણી અને હરિયાળી વનરાજીનો અલભ્ય નઝારાનો અદભુત સમન્વય છે. આ જીલ્લામાં પેરિયાર નદી પર મુલતાપેરિયાર ડેમના કારણે ભવ્ય કૃત્રિમ જળાશય બન્યું છે. આ જળાશય મનલુભાવન છે. ઈડુક્કી જિલ્લાનું બીજું એક દર્શનીય સ્થળ મુન્નાર છે. સમુદ્રની સપાટીથી પ૨૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું ચાના બગીચા, રોઝ ગાર્ડન, પૌરાણિક ચર્ચ, ડેમ સાઈટ વગેરે નયનરમ્ય સ્થળોથી શોભતો લશગ્રીન મુન્નાર પ્રદેશ મનભરીને આનંદ આપે છે.
કન્યાકુમારી આમ તો તામિલનાડુ રાજ્યમાં આવે પરંતુ મારા કેરળના પ્રવાસમાં એક દિવસ કન્યાકુમારી ગાળવાનો અવસર મળ્યો. બંગાળનો ઉપસાગર, હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર મા ભારતીના જ્યાં પગ પખાળે છે એ પવિત્ર ભૂમિ ઉપર જઈએ ત્યારે મા ભારતીના ચરણમાં બેઠા હોવાનું ફીલ થાય. સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં ઐતિહાસિક પ્રવચન આપ્યું એ પહેલાં વર્ષ ૧૮૯૨ના ડિસેમ્બર મહિનાની ૨૫-૨૬ અને ૨૭ તારીખે કન્યાકુમારી પાસેના દરિયામાં જે પથ્થર ઉપર બેસી ધ્યાન કર્યું હતું એ પથ્થર ઉપર રોજ હજારો પ્રવાસીઓ જઈને મનની શાંતિ મેળવે છે.
દેવોની પોતાની ભૂમિ તરીકે ઓળખાતા કેરળ રાજ્યમાં ઈશ્વરે છૂટા હાથે રમણીયતા વેરી છે. કેરળ એવો પ્રદેશ છે કે જ્યાં પણ નજર પડે એ દ્રષ્ય કોટે બાંધી ભેગુ લઇ જવાનું મન થાય. કેમેરા ઉપરથી આંગળી ખસવાનુ નામ ન લે એવો સૌદર્ય નિતરતો આ પ્રદેશ છે. લટકામાં અહીંના લોકોની સરળતા, પ્રેમાળ અને લાગણીશીલતા ભિંજવી દે એ નફામાં. અહીંના લોકો ખુદ્દાર અને મહેનતકશ પણ ખરાં. રસ્તામાં, બજારમાં, શેરીમાં ભાગ્યે જ કોઈ ભિખારી ભીખ માંગતો જોવા મળે. વનલાઈનરમાં કેરળ રાજ્યના દર્શનીય સ્થળોની રમણિયતા કંઇક આમ પ્રસ્તુત કરી શકાય. એલપ્પી એટલે ભારતની તરતી નગરી વેનીસ, મુન્નાર એટલે દક્ષિણ ભારતનું કાશ્મીર, કોવલમ એટલે બીચ હેવન ઓફ કેરળ, કોચીન એટલે ક્વીન ઓફ અરેબીયન સી, થેકડ્ડી એટલે અલૌકિક વન્યજીવનનો આહલાદ, ત્રીસુર એટલે કેરળની સાંસ્કૃતિક રાજધાની, થિરૂવનંથપુરમ એટલે દક્ષિણ ભારતનુ આઇટી હબ.

ધબકાર :
જમીન તમારા પગને અડીને ખુશ થાય છે અને હવા તમારા લહેરાતા વાળ સાથે રમવા માંગે છે, સમય મળે ત્યારે નિકળી પડો ઘરની બહાર અને પ્રકૃતીના ખોળામાં જઇને બેસી જાવ.






Tuesday, 5 November 2019

૧૯૭૦માં ભારતીય સિનેમા ઉદ્યોગને ‘બોલીવુડ’ નામ મળ્યું


૧૯૭૦માં ભારતીય સિનેમા
ઉદ્યોગને ‘બોલીવુડ’ નામ મળ્યું



માણસને ઝડપથી શું યાદ રહી જાય ? બોલીને, વાંચીને, જોઇને, કે પછી સાંભળવાની સાથે જોઇને. આ પ્રશ્ન સદાકાળથી ચર્ચાતો આવ્યો છે. તાજેતરમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધનોએ પૂરવાર કર્યું છે કે, વાંચવા અને સાંભળવાના કરતાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ માણસના મગજમાં ખૂબ ઝડપથી અને ઊંડી અસર ઊભી કરે છે. એક જમાનો હતો કે, લોકરંજન માટે શેરી નાટક સૌથી વધારે અસરકારક માધ્યમ ગણાતું હતું. ત્યાર બાદ ફ્રાન્સના લુરીયર બ્રધરે ૧૮૯૬માં ભારતની સૌથી પહેલી સાયલન્ટ શોર્ટ ફિલ્મ બનાવી. લુરીયર બ્રધરની આ સાયલન્ટ શોર્ટ ફિલ્મને ભારતીય સિનેમા ઉદ્યોગને પ્રથમ દસ્તક આપ્યા એમ કહી શકાય.



ભારતમાં વિધિવત રીતે ફિલ્મો બનાવવાની શરૂઆત ત્યારપછી છેક વર્ષ ૧૯૧૩થી થઈ. દાદાસાહેબ ફાળકે એક એવું ભારતીય સિનેમા ઉદ્યોગનું આદરપાત્ર નામ છે કે, જેમણે તેમનું સમગ્ર જીવન દ્રશ્ય-શ્રાવ્ય મનોરંજનની દુનિયાને સમર્પિત કર્યું. દાદાસાહેબે ભારતની સૌથી પહેલી ફુલ લેન્થ  ફિલ્મ બનાવી અને રિલિઝ કરી. દાદા સાહેબની આ પહેલી ફિલ્મનું નામ હતું ‘રાજા હરિશ્ચંદ્ર’. સ્વાભાવિક રીતે જ આ પહેલી ફિલ્મ સંવાદ વગરની મુંગી અને બ્લેક એન્ડ વ્હાઈટ હતી. રાજા હરિશ્ચંદ્ર ફિલ્મને ભારતીય સિનેમાનો પ્રથમ માઈલસ્ટોન ગણવામાં આવે છે. મજાની વાત તો એ છે કે, આ ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેકટર, કેમેરામેન, સ્ક્રીપ્ટ રાઈટર, મેકઅપ મેન વન એન્ડ ઓલ દાદાસાહેબ ફાળકે જ હતા. વર્ષ ૧૯૧૩થી વર્ષ ૧૯૧૮ વચ્ચે દાદાસાહેબે ૨૩ જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું. સિનેમા પ્રત્યે અડગ નિષ્ઠા અને અદભુત લગનને કારણે જ દાદાસાહેબની ક્રિએટીવીટીને ભારતીય ફિલ્મ ઉદ્યોગે અને ભારતીય લોકોએ હૃદયપૂર્વક પોંખી. ભારતીય સિનેમાનો ઉલ્લેખ આવે ત્યારે ઇંડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામહ દાદાસાહેબ ફાળકેનું નામ સૌથી પહેલા લેવું પડે.
એ વાત પણ એટલી જ વાસ્તવિક છે કે, વર્ષ ૧૯૧૦થી ૧૯૨૦ના દશક દરમિયાન એ જમાનામાં જેટલી ફિલ્મો બનવી જોઈએ એટલા પ્રમાણમાં ફિલ્મોનું પ્રોડકશન થઈ શક્યું ન હતું. પરંતુ એ સમયે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમની અસરકારકતાના કારણે હિન્દુસ્તાનીઓના હૃદયમાં સિનેમા પ્રત્યે રસ પેદા થઈ ચૂક્યો હતો. લોકોને ફિલ્મોનું માધ્યમ ગમવા લાગ્યું હતું. બરાબર આ જ સમયગાળામાં પશ્ચિમના હોલીવુડના ફિલ્મ મેકર્સ પણ ફિલ્મો બનાવવા મેદાનમાં આગળ આવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. એ જમાનામાં ભારતીય ફિલ્મોનું કથાનક ઐતિહાસિક અને પૌરાણિક પાત્રોની ઇર્દ-ગીર્દ રહેતું. જ્યારે હોલીવુડની ફિલ્મોમાં એકશન-મારધાડની ફિલ્મો બનતી. ભારતીય ફિલ્મો અને પશ્ચિમની ફિલ્મો વચ્ચે મૂળતઃ આ વૈચારિક તફાવત ઉડીને આંખે વળગે તેવો હતો.
વર્ષ ૧૯૩૧માં આદેસર ઈરાનીએ ‘આલમઆરા’ નામની સંવાદવાળી ફિલ્મ બનાવીને રિલીઝ કરી. સાઈલેન્ટ મુવીની ફ્રેમમાં સંવાદનું તત્ત્વ ઉમેરાતા ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જબરજસ્ત ચેતનાનો સંચાર થયો. ત્યાર પછી આદેશર ઈરાનીએ જ વર્ષ ૧૯૩૭માં ‘કિશન કનૈયા’ નામની પહેલી કલર ફિલ્મ પ્રસ્તુત કરી. વર્ષ ૧૯૧૩થી ૧૯૩૧ સુધી ભારતની માયાનગરી મુંબઈમાં જ ફિલ્મોનું નિર્માણ થતું એવું ન હતું. ૧૯૧૭માં પહેલી બંગાળી ફિલ્મ ‘નળ-દમયંતી’ બની અને તેના બે વર્ષ બાદ ૧૯૧૯માં દક્ષિણ ભારતમાં ‘કિચાલાવધાઉ’ નામની ફિચર ફિલ્મ બની તેના ૧૩ વર્ષ પછી ૧૯૩૨માં મરાઠીમાં ‘અયોધ્યા ચા રાજા’ રિલીઝ થઈ.
૧૯૪૯નું વર્ષ આધુનિક ફિલ્મોના નિર્માણનો ટર્નીંગ પોઈન્ટ ગણવામાં આવે છે. માનવીની રોજીંદી જિંદગીની સમશ્યાઓ, સામાજિક પ્રશ્નો, સંસ્કારિતા, સમાજ જીવન વગેરે વિષયો ઉપર ફિલ્મો બનવા લાગી. ૧૯૬૦નો દશક આવતાં આવતાં ઋત્વિક ઘટક અને મૃણાલ સેન જેવા ફિલ્મ મેકર્સે સામાન્ય માનવી અને એના જીવનના ઉતાર ચઢાવના વિષયોને લગતા કથાનક ઉપર ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. ૧૯૫૦થી ૧૯૬૦નો દાયકો ભારતીય સિનેમા ઉદ્યોગનો સ્વર્ણિમ દશક તરીકે ઓળખાય છે. આ દોરમાં મેઘાવી અદાકારોએ સિલ્વર સ્ક્રીનને ગજવી હતી. ગુરુદત્ત, મીનાકુમારી, રાજકપુર, દિલીપકુમાર, મધુબાલા, નરગીસ, નૂતન, દેવાનંદ જેવા મેગાસ્ટાર્સે હિન્દુસ્તાની પ્રજાના દિલમાં દસ્તક દીધી. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ૧૯૭૦નો દાયકો આવતા સુધીમાં હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફોટોગ્રાફી અને એડીટીંગમાં વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કરીને બોલીવુડ કરતાં થોડાં વધુ મજબૂત ડગલાં ભરીને આગળ નીકળી ગઈ. વર્ષ ૧૯૫૭મા મહેબુબ ખાન નિર્દેશીત ‘મધર ઇન્ડિયા’ ભારતીય સિનેમા જગત માટે પ્રથમ માઇલ સ્ટોન જેવી ફિલ્મ હતી. અમેરિકન લેખક કેથરિન માયોના પુસ્તક ‘મધર ઇન્ડિયા’ના નામ ઉપરથી મહેબુબ ખાને ભારતીય સમાજ જીવનને રજુ કરતી તેમની ફિલ્મનુ નામ રાખ્યું હતું. વર્ષ ૧૯૭૦માં જ ભારતીય સિનેમા ઉદ્યોગને બોલીવુડ નામ મળ્યું. જો કે કેટલાક લોકો બોલીવુડને ‘ઈન્ડીવુડ’ પણ કહે છે. ૧૯૭૦નો દાયકો ભારતીય ફિલ્મોના મસાલામુવીના દાયકા તરીકે ઓળખાય છે. સાથે સાથે આ જ સમયગાળામાં બોલીવુડમાં ડ્રામેટિક અને એકશન મુવીનો દોર પણ શરુ થયો. રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, હેમા માલિની અને અમિતાભ બચ્ચન જેવા અદાકારો આ સમયગાળા દરમિયાન ભારતીય સિલ્વર સ્ક્રિન ઉપર ઊભરી આવ્યા.
ભારતીય સિનેમાની તવારિખી વિશે વાત નીકળે ત્યારે ૧૯૭૫માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેને યાદ કરવામાં ન આવે તો ભારતીય સિનેમાનો ઉજ્જવળ ઇતિહાસ અધુરો લાગે. ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ  ભારતના સિનેમા ઘરોમાં ગબ્બરસિંગના નામનું એક વિલન કેરેકટર છવાઈ ગયું. શોલે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્લોકબ્લસ્ટર ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મના ટેકનિકલી, ફોટોગ્રાફિકલી, લોકેશન, સ્ક્રીપ્ટ, આદાકારી વગેરે તમામ પાસા પોઈન્ટ ઝીરો મિસ્ટેકથી બન્યા છે. આજે પણ ફિલ્મ નિર્માણની તાલીમ આપતી ઈન્સ્ટિટ્યૂટ્સમાં નવા આગંતુક કલાકાર કસબીઓને શોલે ફિલ્મના વિવિધ પાસાઓ સમજાવીને તૈયાર કરવામાં છે.
વર્ષ ૧૯૮૦ના દશકમાં અનિલ કપુર, સંજય દત્ત, સની દેઓલ, નસિરુદ્દીન શાહ, ઓમપુરી, મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ વગેરે કલાકારોએ ધુમ મચાવી. ત્યાર પછી ૧૯૯૦ના દાયકામાં માધુરી, જુહી, અક્ષયકુમાર, સલમાન, શાહરુખ, આમિર જેવા સિતારાઓનો ઉદય થયો. શોલે પછી ૧૯૯૪માં ‘હમ આપ કે હૈ કૌન’ ૧૯૯૫માં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ૧૯૯૬માં ‘રાજા હિન્દુસ્તાની’ આ ત્રણ ફિલ્મોએ ભારતીય સિનેમા ઉદ્યોગમાં સલમાન, આમીર અને શાહરુખ ત્રણ ખાનને લાઈમ લાઈટમાં લાવી દીધા. ૧૯૯૪ સુધી મારધાડ અને એકશન ફિલ્મોના દોરને ‘હમ આપ કે હૈ કોન’ ફિલ્મે પારિવારિક ફિલ્મોનો નવો ટ્રેન્ડ આપ્યો. ૨૧મી સદીનો પ્રારંભ ‘કહોના પ્યાર હૈ’થી ઋત્વિકનો જમાનો રોશન થયો.
આજે ભારતીય સિનેમાનું સ્વરૂપ ૩૬૦ ડિગ્રીએ બદલાઈ ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મો બનવા લાગી છે. હવે માત્ર ભારત નહીં દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં ભારતીય ફિલ્મો એક સાથે રિલિઝ થાય છે. દંગલ અને બાહુબલી જેવી ફિલ્મોએ અઢળક વિદેશી હૂંડિયામણ કમાવી આપ્યું છે. સૌથી વધુ ફિલ્મો બોલીવુડમા બને છે. આજથી બે વર્ષ પહેલાના ઉપલબ્ધ આંકડા જોઈએ તો વર્ષ ૨૦૧૭માં  ભારતમાં કુલ ૧૯૮૬ ફિલ્મો બની હતી, જે પૈકી ૩૬૪ હિન્દી ફિલ્મો બની હતી.
મનોરંજનના અનેક સાધનો અને ઉપકરણોની દુનિયામાં દ્રશ્ય-શ્રાવ્ય મનોરંજનનું મજબુત માધ્યમ સિનેમા આજે એક સદી ઉપરાંતના સમયગાળા પછી પણ લોકોના દિલોદિમાગ ઉપર અડીખમ છે. લોકોના હૃદયમાં સિનેમાએ હમેશાથી રાજ કર્યું છે. આની પાછળનું મુખ્ય કારણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી થતાં સૌથી વધુ અસરકારક પ્રત્યાયનની ફિલોસોફી છે. પરિવર્તન એ જીવનનો ક્રમ છે. સિનેમામાં લોકજીવનનું પ્રતિબિંબ ઝીલાતું હોય છે. એ વાત ચોક્કસ છે કે, ટેકનોલોજીકલ અને સામાજિક વર્તણૂંકમાં જેમ જેમ બદલાવ આવતો જાય છે, તેમ તેમ સિનેમાના સ્વરૂપમા પણ દિનપ્રતિદિન ઊર્ધ્વગામી પરિવર્તન થતું રહે છે.

ધબકાર :
’કલ્પનાની બારી ખુલતા ’સર્જનની શરૂઆત થાય છે. તમે જેની અપેક્ષા રાખો તેની વિશે જ વિચારો છો અને અંતે તમે જે સર્જન કરો છો એ તમારા વિચારબીજનુ જ વૃક્ષ હોય છે.’   

-  જ્યોર્જ બર્નાર્ડ શૉ
------------------------