પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Saturday, 29 January 2022

સંભળાય તો બાપના ‘બેટા’ શબ્દમાં સમસ્ત બ્રહ્માંડનો નાદ છે


એક સજ્જને સરસ વાત કરી હતી કે, ‘પરમેશ્વર ક્યાં છે અને કેવો છે એ ખબર નથી પરંતુ મેં તો મારા ઘરમાં જ પિતાના રૂપમાં પરમેશ્વરની સતત હાજરી અનુભવી છે.’ કોઈપણ બાધા, આખડી, ઉપવાસ કે શાસ્ત્રોના અર્થ સમજવાની પળોજણ વગર સરળતાથી પિતાના રૂપમાં પરમેશ્વર ઘરમાં જ હાજરા હજુર છે. જ્યારે મુશ્કેલી કે મૂંઝવણની માયાજાળ ભરડો લે ત્યારે પિતા નામનો અડિખમ ટેકો પડખે હોય જ. તકલીફમાં પિતાના ટેકે ખભો ટેકવી મુશ્કેલીની ઝંઝાવાત ચપટીમાં પાર થઈ જાય છે. ક્યાંક ઠોકર વાગે ત્યારે મોઢામાંથી ઓય માનીકળી જાય પણ જો જંગલમાં ક્યાંક ભૂલા પડી જઈએ અને સામે વિકરાળ પ્રાણી આવી જાય તો પડેલો શબ્દ ઓ બાપ રેજ નીકળે. નાની તકલીફોમાં માનામનો મલમ કારગત છે પણ મોટી આફતમાં બાપનો હોંકારો હિંમતનો મહાસાગર બની જાય છે. પ્રત્યેક પુત્ર માટે પ્રથમ હિરો પિતા હોય અને પુત્રીનો પ્રથમ પ્રેમ પિતા હોય.




પુત્રના પિતાપ્રેમ અને પપ્પાની લાગણીના અનેક ઉદાહરણો છે. રાજા રામથી માંડીને આજ સુધીના ઘણા પુત્રના પિતાપ્રેમના અનુપમ ઉદાહરણો નજર સામે છે. લોકો કહેતા હોય છે કે, આજના સમયમાં પુત્રનો પિતાપ્રેમ ભાગ્યે જોવા મળે છે, ઘરડા ઘરમાં વયસ્ક પિતાને ધુંધળી દ્રષ્ટિ અને જીર્ણ કાયા સાથે એકલતામાં જીવન વ્યતિત કરવું પડે છે વગેરે. પણ આવી વાતોમાં સંપૂર્ણ સત્ય નથી. આજે પણ આપણી આસપાસ ઘણા એવા દીકરાઓ છે કે જે પિતાની આંખની દ્રષ્ટી અને હાથની લાકડી બનવામાં અનહદ આનંદ મેળવી રહ્યા છે. આજે વાત કરવી છે જેમને હું મોડર્ન શ્રવણકહું છું એવા મારા ત્રણ મિત્રોની. એક ગુજરાતના મેઘાવી વકતા અને લેખક ચિંતક જય વસાવડા, બીજા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માફેમ મામા મયુર વાકાણી અને ત્રીજા સરકારી વરિષ્ઠ અધિકારી હિરેન ભટ્ટ.

સૌથી પહેલા વાત જય વસાવડાની. કોઈપણ વિષય ઉપર અસ્ખલીત તાર્કીક વક્તવ્ય આપવાની અનોખી શક્તિ ધરાવતા, અનેક વિષયો ઉપર એમની કલમનો ઊજાશ પાથરી વાંચકોને મંત્રમુગ્ધ કરનારા જય વસાવડાની વ્યવસાયિક કુનેહ તો બેમિસાલ છે જ એમા બે મત નથી. પણ એમનો પિતા પ્રેમનો અદભુત સદગુણ ઉદાહરણીય અને અનુકરણીય છે. જયભાઈને નજીકથી જાણનારા મિત્રોને ખ્યાલ છે કે, એમની દુનિયા પિતાની મુસ્કાનની આસપાસ હતી. આમ તો જયભાઈ દેશમાં કે પરદેશમાં જ્યાં પણ વક્તવ્ય આપવા જાય ત્યાંથી કપડા, પરફ્યુમ્સ કે જ્વેલરી કરતા પહેલા પપ્પાને ભાવતા વ્યંજન, ફળો અને ચોકલેટની ભાળ મેળવી લે. અને એ પપ્પા માટે અચૂક લાવે. પપ્પાની મુસ્કાનમાં જયભાઈને જગત આખું હિલોળા લેતું દેખાતુ. છેલ્લે છેલ્લે પપ્પાની તબિયત વધુ બગડતા એમના તમામ કાર્યક્રમો રદ કરી લાગલગાટ બે મહિના સુધી પપ્પાની પથારી પાસે જ રહ્યા. યાદ રહે એક પ્રોફેશનલ વકતાની આવકનું એક માત્ર સ્રોત એમના જાહેર વક્તવ્યના કાર્યક્રમો જ હોય છે. જયભાઈએ આ દિવસોમાં કોઈ કાર્યક્રમ ન લીધા. આવકને ઠોકર મારીને પિતાની પડખે દિવસ રાત રહ્યા.

જયભાઈ મને કહેતા કે, જેમની છત્રછાયામાં મને ક્યારેય તડકાનો અનુભવ નથી થયો. આર્થિક મુશ્કેલીઓના તોફાનોમાં પણ પપ્પાને મેં મારી સામે ક્યારેય ઉદાસ નથી જોયા. એમણે મને ટોક્યો નથી બલ્કે હંમેશા સતત આગળ વધવાનો માર્ગ બતાવ્યો છે. જયભાઈના વક્તવ્યો અને લખાણોમાંથી જેટલી પ્રેરણા મળે એના કરતા સહસ્ત્રગણી પ્રેરણા એમના પિતા પ્રેમમાંથી મળે એમ છે. બિમારીના બિછાને પપ્પા સાથે લાડુ ખાતા કે પછી પપ્પા સાથે બેસી ગીતો સાંભળતા કે ટીવી ઉપર ફિલ્મ જોતા જયભાઈના મ્હો ઉપરથી ખુશી અને આંખોમાં પિતાપ્રેમ જોઈને ગદગદ ન થવાય તો જ નવાઈ.

બીજી વાત કરવી છે ‘તારક મહેતા કા... સિરિયલના સુંદરમામા એટલે મયુર વાકાણીની. ભીમજીભાઈ ત્રિભોવનદાસ વાકાણી ગુજરાતની કલાજગતનું નામ. એમનો દીકરો મયુર વાકાણી. મયુરના પપ્પા મુળ ચિત્ર શિક્ષક. પરંતુ વાંસળી, હારમોનિયમ, એકટિંગ, ડાયરેકશન, કવિતા સર્જન, શિલ્પ ગ્રાફિક અનેક ક્ષેત્રમાં નિપુણ. મયુરભાઈ બાળપણથી પપ્પાની આ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટીના જબરા પ્રેમમાં. બીજા ત્રીજામાં ભણતા ત્યારથી મયુરભાઈ છાતી ફુલાવીને કહેતા મારે પપ્પા બનવું છે.’ પપ્પા બનવું એટલે પપ્પા જેવું બનવું’. પણ શબ્દો ગોઠવતા ન ફાવે એટલે રોફથી કહે મારે પપ્પા બનવું છે...’

પપ્પા શિક્ષક હતા એટલે મયુરભાઇએ બી.એડ. કરી શિક્ષકની નોકરી લીધી. પણ પહેલા જ દિવસે વિદ્યાર્થીઓએ કર્યું જબરું હુટીંગ. ભાઇ મયુર થોથવાઇ ગયા કશુ સુજ્યુ નહી અને મૂક્યું પાણી કે આપણે પપ્પાની જેમ શિક્ષક ન બની શકીએ. પછી ડિપ્લોમા ઈન ડ્રામા કર્યું પણ કઈ કામ જ ન મળે. બાળપણમાં એક ફુલ લેન્થ પ્લેમાં પપ્પા સાથે એક કેરેકટર ભજવેલું. ભીની આંખોથી ભાઇ મયુર કહે છે કે, ‘આજે ચાર દાયકા પછી પણ પપ્પા જેવું શાનદાર અને જાનદાર પરફોર્મન્સ નથી આવડતું.’ મયુરભાઈ ગર્વથી કહે છે કે, હું માત્ર પાંચ ટકા પપ્પા જેવો છું એટલે મારા પપ્પા ૧૦૫ ટકા છે. પપ્પાનો આદર, માન અને પ્રેમ મયુર વાકાણીની સૌથી મોટી જમા પૂંજી છે. આજે ભલે આખા ભરતમાં અને વિદેશોમાં સુંદરમામા પ્રચલિત છે. પણ એના દિલમાં ઉચ્ચત્તમ શિખરે તો પપ્પાના નામનો જ પરચમ સદાય લહેરાતો જોવા મળે છે. જ્યારે પણ પપ્પાની વાત કહે ત્યારે મયુરભાઈની આંખોમાંથી પિતાપ્રેમનો અસ્ખલીત ધોધ વહેતો અચૂક જોવા મળે.

ત્રીજા મિત્ર હિરેન ભટ્ટની વાત પણ અનોખી છે. આમ તો એક સરકારી અધિકારી અને શહેરની એક જાણીતી સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી સંસ્થાના પાયાના કાર્યકર્તા તરીકે શહેરમાં જાણીતું એવું એનુ વ્યક્તિત્વ. પણ અહીં વાત કરવી છે, ભાઈ હિરેનના અદમ્ય પિતાપ્રેમની. પિતા સુરેશભાઈ ભટ્ટ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી તરીકે નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ લાગલગાટ અઢી દાયકા સુધી એમણે એક વર્તમાનપત્રમાં સુપ્રભાતમનામની દૈનિક કોલમ દ્વારા અસંખ્ય વાચકોની સવાર જ્ઞાનવર્ધક બનાવી. વધતી વયના પરિણામે હવે સુરેશભાઈને આંખે ઓછું દેખાય, કાનથી નહિવત સંભળાય, ચાલતા તકલીફ પડે પણ ભાઈ હિરેન જ્યારે પણ પપ્પાને ઇચ્છા થાય ત્યારે કારમાં બેસાડી સેર સપાટા કરવા નીકળી જાય. બે મિત્રોની અદાથી પિતા-પુત્ર ગામમાં ફરે, ચાની લારી ઉપર ચા પીવે, સેલ્ફી પાડે. આ પિતા-પુત્રની જોડી ભારે મોજ કરે. પપ્પાનો હાથ પકડીને હિરેન થિયેટરમાં ફિલ્મ જોવા પણ લઇ જાય. આંખે નહિવત દેખાય પણ સુરેશભાઈની જીભ સદાય હિરેન, હિરેન કરતા સુકાય નહીં અને હિરેન પણ હા, બાપુજીકહેતા થાકે નહીં. પપ્પા સાથે મોજ કરતાં હિરેનને જોઈ હૈયું હરખાય. દાદરો ઉતરી કે ચડી ન શકે તો પપ્પાને તેડીને વોશરૂમમાં લઈ જતા હિરેનને ક્યારેય છોછ ન થાય, બલ્કે પિતાની સેવા કરવાનો અંતરનો આનંદ એના મુખ ઉપર દેખાય.

ત્રણ આધુનિક શ્રવણ પુત્રોની આ નાનકડી વાત ઉપરથી મોટકડો ખ્યાલ આવે કે, જો સાંભળી શકાય તો, બાપના બેટાશબ્દમાં સમસ્ત બ્રહ્માંડનો નાદ છે. સમજ પડે તો પિતાની પરિધિમાં સુખનો સાગર હિલોળા લેતો હોય છે. વિદેશોમાં ઉજવાતા ફાધર્સ ડેથી હસવું એટલે આવે કે, પપ્પાનો તો કોઇ એકાદ દિવસ થોડો હોય ? પપ્પાના તો દાયકાઓ હોય, સદીઓ હોય...


ધબકાર : બાપની હાજરી સૂર્ય જેવી છે, જ્યારે હોય ત્યારે ગરમી અને ન હોય ત્યારે અંધકાર.




https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/2022/jan/25012022-4.pdf

Thursday, 20 January 2022

અમેરિકાથી ભારત પરત ફરતા મદ્રાસના સાગર કિનારે સ્ટીમરમાંથી ઉતરીને સૌથી પહેલાં વિવેકાનંદે આખા શરીરે માટી કેમ ચોળી ?

 



આજથી બરાબર ૧૫૯ વર્ષો પહેલા ભારતવર્ષની ભૂમિ ઉપર એક યુગપુરુષનું અવતરણ થયું. જાન્યુઆરી તારીખ 12-1863ના રોજ પૃથ્વી ઉપર આવેલા સ્વામી વિવેકાનંદ પાંચમી જુલાઇ ૧૯૦૨ના રોજ માત્ર ૩૯ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરી અનંતની યાત્રાએ ચાલી નિકળ્યા. ચાર દાયકા જેટલા જીવનકાળ છતાં આજે પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયમાં અને મનમાં વિવેકાનંદજી કેમ રમે છે. વિવેકાનંદ વ્યક્તિ નહીં વિચાર છે. રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિક ઉર્જાનો અદમ્ય સ્ત્રોત એટલે સ્વામી વિવેકાનંદ. એમના જીવનની પ્રત્યેક ઘટનાઓ પ્રેરણાત્મક પરિભાષા અંકિત કરે છે. વિવેકાનંદજીના વ્યક્તિત્વમાં સંસ્કાર અને સૌજન્યના અદભુત સમન્વયની અનુભૂતિ થાય છે. અમેરિકામાં વર્ષ ૧૮૯૩માં યોજાયેલી વિશ્વ ધર્મ મહાસભામાં ભારતના સનાતન ધર્મના ધજા પતાકા આ મહાપુરૂષે લહેરાવ્યા હતાં.





સ્વામીજીની સમગ્ર જીવનયાત્રા અબાલવૃદ્ધ સૌના માટે જીવન ઉપયોગી ભાથુ પુરુ પાડે છે. વિવેકાનંદજીનુ સમગ્ર જીવન પ્રેરણારૂપ છે. જાન્યુઆરીનો મહિનો વિવેકાનંદજીના જન્મના પવિત્ર મહિનામાં એમના જીવનમાં બનેલા કેટલાક પ્રસંગો ફાસ્ટ ફોરવર્ડ કરી મમળાવવાથી નવતર ઉર્જા અનુભવી શકાશે.

સ્વામીજીએ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં વેદાંત અને ભારતીય આધ્યાત્મિક ચેતનાના દર્શનની પ્રભાવક પ્રસ્તુતી કરીને સમસ્ત વિશ્વના ધર્મગુરઓ અને પ્રબુધ્ધોની વૈચારિક ચેતનાને ઢંઢોળી નાખી એ વાત અજાણી નથી. અમેરિકાની યાત્રા પુરી કરીને જળ માર્ગે વર્ષ ૧૮૯૭ની જાન્યુઆરી ૨૬ના રોજ મદ્રાસના સાગર કિનારે સ્વામીજીની સ્ટીમર જ્યારે આવી પહોંચી એ વેળાની એક વાત છે. દરીયાકાંઠે મોટી સંખ્યામાં માનવ મહેરામણ સ્વામીજીના સત્કાર માટે ઉમટી પડ્યું હતું. સ્વામીજીએ લોકો તરફ જઇને એમનુ અભિવાદન ઝીલવાની બદલે પહેલાં સાગરતટે સાષ્ટાંગ દંડવત કરી ભૂમિવંદન કરી. પછી આખા શરીરે ભારત માતાની માટીને ચોળવા લાગ્યા. ત્યાર બાદ તેમણે તેમના સાથીઓને કહ્યું કે, ‘ભોગ વિલાસ અને સ્વચ્છંદ વાતાવરણમાં વર્ષો વિતાવ્યા પછી મારામાં પ્રવેશેલા દોષોને દુર કરવા માતૃભૂમિની પવિત્ર માટીથી વધુ સારી કોઇ ઔષધિ ન હોઇ શકે.’ સ્વામીજીનો આવો અનોખો મિજાજ અને રાષ્ટ્રપ્રેમ હતો.

શિકાગોને લગતો બીજો એક કિસ્સો છે. સ્વામીજીને એક વાર અમેરિકાના કોઇ શહેરમાં પ્રવચન આપવા નિમંત્રણ આપવામાં આવ્યું. ત્યાંના સ્વચ્છંદ યુવાનોએ વિવેકાનંદજીએ આપેલા તાટસ્થ્ય ઉપરના વિચારની કસોટી કરવાનું મન થયું. યુવાનોએ સ્વામીજીને એક ઉંધા વાસણ ઉપર ઊભા રહીને બોલવા કહ્યું. સ્વામીજી સહજતપૂર્વક એક ઉંધા ટબ ઉપર ઉભા રહીને વક્તવ્ય આપવામાં લીન થઇ ગયા. યુવાનોએ તેમને ડીસ્ટર્બ કરવા ફટાકડા ફોડયા. મોટા અવાજો કરતા રહ્યાં પરંતુ સ્વામીજીના વક્તવ્યમાં તસુભાર ખલેલ ન પહોંચી. એમની વાણી અસ્ખલીત વહેતી રહી. એમના વક્તવ્ય બાદ યુવાનોએ એમની સાથે હાથ મિલાવીને કહ્યું, ‘તમે ખરેખર જે ઉપદેશ આપો છો તેને અમલમાં મુકો છો.’ સ્વામીજી એમના વક્તવ્યમાં એ જ વાત કરતાં જેનો એમણે અમલ કર્યો હોય.





સ્વામી વિવેકાનંદ ક્યારેય કોઇ વાત ઉપર આંધળો ભરોસો ન રાખતા. જ્યાં સુધી બરાબર સમજ ન પડે ત્યાં સુધી એ વાત છોડતા નહીં. બાળપણથી નીડર અને સ્પષ્ટવક્તા સ્વામી વિવેકાનંદનો એમના ગુરુ રામ કૃષ્ણ પરમહંસ સાથેના કિસ્સો મઝાનો છે. એમણે રામકૃષ્ણ પરમહંસ જ્યાં બેસ્તા હતા એ ગાદી નીચે એક વાર રાણીછાપ સિક્કો મુકી દીધો. રામકૃષ્ણ બહારથી આવીને જેવા ગાદી ઉપર બેઠા કે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય એમ સફાળા ઉભા થઇ ગયા. એ તરત બોલ્યા, ‘મારા આસન નીચે કોઇએ પૈસા મુક્યા છે કે શું ?’ ગુરુની નાણા માટેની આસક્તિ ન રાખવાની વાતને પણ એમણે ચકાસીને પારખીને જ અપનાવી.

બાળ નરેદન્રદત્તનો કિસ્સો યાદ આવે છે. આઠ વર્ષની વયે બંગાળના આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર શાળામાં ભણતા નરેદન્રદત્ત એક વાર વર્ગમાં મોટેથી વાતો કરતો હતો. શિક્ષક અભ્યાસ કરાવી રહ્યાં હતાં. એમને ખલેલ પડી એટલે શિક્ષકે નરેદન્રદત્તને ઉભો કરી પાઠમાંથી સવાલો પુછ્યાં. નરેન્દ્રદત્તે ફટાફટ શિક્ષકના સવાલોના જવાબો આપી દીધા. શિક્ષકે કહ્યું, ‘તારુ ધ્યાન તો ભણવામાં છે.’ ત્યારે નરેન્દ્રએ કહ્યું, ‘ગુરુજી સાચી વાતતો એ છે કે, હું જ ભાઇબંધો સાથે ટોળ ટપ્પા કરતો હતો.’ ત્યારે શિક્ષકે કહ્યું, પણ તારા તો તમામ જવાબ સાચા છે.’ સ્વામીજી એક સાથે બે કામ ચીવટાઇથી કરી શકતા. એમની આવી મેઘાવી પ્રતિભા બાળપણથી હતી.

આવી જ બાળપણની બીજી એક પ્રેરણાત્મક કહાની છે. એક દિવસ ઘરની બહાર મિત્રો સાથે નરેન્દ્ર પૂજાની રમત રમતા હતા. મિત્રો વચ્ચે હોડ જામી કે, સૌથી વધુ એકાગ્ર બનીને ધ્યાન કોણ કરી શકે ? બધા મિત્રો પલાઠીવાળીને ધ્યાનમાં બેસી ગયા. એવામાં એક કાળોતરો નાગર ફુફાડા મારતો ત્યાં આવી ચડ્યો. એક બાળકે એ જોયો અને ચિક્કાર કર્યો. બધા બાળકો ડરીને ભાગી ગયા. ધ્યાન મગ્ન નરેન્દ્ર સામે ફુફાડા મારતો નાગ થોડીવાર બેસી રહ્યો અને પછી ત્યાંથી જતો રહ્યો. બાળકોએ નરેન્દ્રની માતા પાસે જઇને બધી વાત કરી. માતાજી અધ્ધર શ્વાસે ફળીયામાં આવ્યા અને નરેન્દ્રને બથમાં ભરીને વાત કરી કે, ‘બેટા તને સાપનો ડર ન લાગ્યો ?’ નરેન્દ્રએ આશ્ચર્યચક્તિ થઇને કહ્યું, ‘સાપ ? કેવો ડર ? મેં તો સપનામાં પણ સાપ નથી જોયો. હું તો ધ્યાનમાં ઇશ્વરનું નામ સ્મરણ કરતો હતો.’





અમેરિકાના એમના પ્રવાસ દરમિયાન સ્વામીજીએ અનેક વ્યાખ્યાનો આપ્યા. ઘણા અમેરિકન્સ સ્વામીજીના વિચારોથી પ્રભાવિત થઇ ગયા હતા. એ સમયમાં એક પ્રોફેસરે વિવેકાનંદજી પાસે આવીને કહ્યું, ‘મારે હિન્દુ ધર્મ અપનાવવો છે. તમે મારુ હિન્દુ ધર્મમાં પરિવર્તન કરાવી દો.’ ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘હું આ દેશમાં આધ્યાત્મિકતા અને સનાતન ધર્મનો સંદેશ આપવા આવ્યો છું. ધર્મ પરિવર્તન કરાવવાનો મારો કોઇ ઉદ્દેશય નથી.’ વિવેકાનંદજીને તમામ ધર્મો પ્રતિ સન્માન અને આદર હતો.

નરેન્દ્રનાથનું વિવેકાનંદ નામ કેવી રીતે પડ્યું એ પણ રસપ્રદ વાત છે. સન્યાસ લીધાં પછી એમણે ઘણા નામો બદલ્યાં. ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેમના શિષ્યોના ભૂતકાળ સાથે સંબંધો સમાપ્ત કરવા તમામ શિષ્યોના નામ બદલી નાખ્યા. નરેન્દ્રદત્તનું નામ સ્વામી સચ્ચિદાનંદ રાખ્યું. નરેન્દ્રદત્તને એમના સાથી શિષ્યો સાથે આશ્રમમાં વધુ ગોઠવા લાગ્યું. જાગૃત નરેન્દ્રનાથે ત્વરીત ભારત ભ્રમણનો નિર્ણય કર્યો. એમના સાથીઓને એમની કોઇ ભાળ મળે એમ એ નહોતા ઇચ્છા એટલે એમણે એમનું નામ બદલીને વિવિદિશાનંદ રાખ્યું. પરિભ્રમણ કરતા એક સમયે ખતેરીના મહારાજ સાથે બેઠા હતા ત્યારે મહારાજે કહ્યું, ‘તમારું નામ બહુ અટપટ્ટુ છે. લોકોને સમજ નથી પડતી અને બરાબર બોલી પણ નથી શકતા.’ ત્યારે સ્વામીજીએ ખેતરીના મહારાજને કહ્યું, ‘તમને કયુ નામ ગમે.’ ત્યારે મહારાજે કહ્યું, ‘વિવેકાનંદ.’ બસ ત્યારથી સ્વામીજી વિવેકાનંદ તરીકે ઓળખાવા લાગ્યા.

સ્વામીજીના ગુજરાત કનેક્શન સંદર્ભે પ્રખર ઇતિહાસવિદ પદ્મશ્રી વિષ્ણુભાઇ નોંધે છે કે, ‘સ્વામીજીના ભારત ભ્રમણમાં તેમણે વધારે સમય ગુજરાતમાં ગાળ્યો છે. વર્ષ ૧૮૯૨માં સ્વામીજી જુનાગઢ, ગિરનાર, પોરબંદર, જામનગર, દ્વારિકા, વેરાવળ, પ્રભાસપાટણ, ભુજ, લીંબડી, માંડવી, નારાયણ સરોવર, નડિયાદ, ભાવનગર, વડોદરા, અમદાવાદ વગેરે સ્થાનો ઉપર સ્વામીજીના પગલાં પડ્યા છે.

ગુજરાત માટે એ પણ ગૌરવપ્રદ ઘટના છે જેનો ઉલ્લેખ અહીં અર્થસભર રહેશે. જુનાગઢથી પોરબંદરના પ્રવાસ દરમિયાન સ્ટેશન ઉપર કડકડતી ઠંડીમાં સુતેલા સ્વામીને જોઇને સ્ટેશન માસ્ટર હરગોવિંદદાસ પંડ્યા સ્ટાફ કવાટરમાં લઇ આવ્યા. ભોજન બાદ રાત્રે ચર્ચા દરમિયાન સ્ટેશન માસ્ટર પંડ્યાજીએ સ્વામીજીને શિકાગોની ધર્મપરિષદમાં જઇ ભારતવર્ષની આધ્યાત્મિક ચેતના વિશ્વ સમક્ષ મૂકવા જણાવ્યું. શિકાગોની ધર્મ પરિષદ ગજાવનાર વિવેકાનંદજીને આ વિચાર  ગુજરાતની ભૂમિ ઉપર એક ગુજરાતીએ આપ્યો હતો.

જેમના સમગ્ર જીવનના પ્રત્યેક પ્રસંગો એક પ્રેરણા આપે છે, ચેતના જગાવે છે એ વિરાટ વ્યક્તિત્વને આજે ૧૬ દાયકા પછી પણ ન માત્ર હિન્દુસ્તાન સમસ્ત વિશ્વ હૃદયપૂર્વક યાદ કરે છે. એમના વૈચારિક વિશ્વને સમજવાની કૌશીષ કરે છે.

ધબકારઃ ‘શારીરિક અને માનસિક શક્તિ જ જીવન છે, નિર્બળતા મૃત્યુ છે, વૈચારિક વિશાળતા જીવન છે, સંકુચિતતા મૃત્યુ છે, પ્રેમ જીવન છે, દ્વેશ મૃત્યુ છે.’ - સ્વામી વિવેકાનંદ


 

: ફોટો કેપ્શન :

 

વિવેકનંદે સને ૧૮૯૩માં અમેરિકાના શીકાગોમાં જે હોલમાં વિશ્વ ધર્મ પરિષદ ગજવીને ભારતીય સનાતન ધર્મ અને વેદાંત ફિલોસોફીની વાત વિશ્વ સમસ્તને જણાવી એની અલભ્ય તસવીર. ધર્મ પરિષદના એમના વક્તવ્ય પછી અમેરિન્સ સ્વામીજીના વિચારો અને વ્યક્તિત્ત્વથી જબરજસ્ત અભિભુત થઇ ગયા હતા.

 





https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/2022/jan/18012022-4.pdf

 

 

યુએસ, ફ્રાન્સ, બ્રિટન જેવા પશ્ચિમના દેશોમાં શાકાહારનો ટ્રેન્ડ વધતો જાય છે


જગતમાં માંસાહાર અને શાકાહાર એમ બે પ્રકારના આહાર લેતા લોકો છે. ગાંધીજીએ એમના જીવનમાં સ્વાસ્થ્ય અને આહાર વિહાર ઉપર અનેક જાગૃત પ્રયોગો કર્યા છે. બાપૂ કહેતા કે, સારુ સ્વાસ્થ્ય જ મનુષ્યની સાચી સંપત્તિ છે. સોના ચાંદીના ટૂકડા કે ધન દોલતને સંપત્તિ સમજનારા લોકો મૂરખ છે. ભોજન, પોષણ અને સ્વાસ્થ્ય આ ત્રણેય શબ્દો એક બીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. ભોજન ઉપર જ જીવનનું નિર્વહન અને સર્વકલ્યાણ નિર્ભર છે. ભોજન મનુષ્યના પ્રાણ, જીવન અને સમગ્ર અસ્તિત્વનો આધાર છે. એક સર્વવિદિત વાત એ પણ છે કે, જગતનાં તમામ લોકો રોટી, કપડા અને મકાન ત્રણ બાબત માટે આખી જીંદગી હડીયાપટ્ટી કરે જાય છે. એમાં પણ કપડા અને મકાન ન હોય અથવા નબળા હોય તો વ્યક્તિ જીવન પસાર કરી લે છે પણ ભોજન વગર જીવન સંભવ નથી. એ પણ એટલુ જ સત્ય છે કે, વિશ્વમાં અલગ અલગ પ્રકારની એટલી વાનગીઓ ઉપલબ્ધ છે કે, એ દરેકનો સ્વાદ જીવનમાં એકવાર કરવામાં આવે તો જીવન સમાપ્ત થઇ જાય પણ ડીશ એટલે કે વાનગીઓ ખતમ નહીં થાય.

ચિંતક એલૈન વોલ્ફેટના મતે જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે ભોજન પ્રેમનું સર્વોત્તમ પ્રતીક બની જતું હોય છે. જ્યોર્જ બર્નાડ શો પણ કહે છે, ભોજનના પ્રત્યેના પ્રેમથી વધુ સાચો કોઇ પ્રેમ જગતમાં હોઇ ન શકે. જ્યાં સરસ અને પર્યાપ્ત ભોજનની વ્યવસ્થા હશે ત્યાં સૌથી વધુ ખડખડાટ હાસ્યની છોળો અને આનંદની કીલકારીઓ સંભળાતી હોય છે. જેના ઉપર જીવનની આધારશીલા છે એ ભોજન કેવુ હોવુ જોઇએ ? આ પ્રશ્નનો સાદો જવાબ છે ભોજન સાત્વિક હોવું જોઇએ. પરંતુ સાત્વિક એટલે કેવું? જે ભોજન સ્વભાવને સરળ બનાવે, જીવનને સંયમીત બનાવે અને ઉદ્વેગોને દૂર રાખે એ સાત્વિક ભોજન. ચિત્તને સાચા અર્થમાં પ્રસન્નતાથી ભરી દે એ ભોજન દીર્ઘજીવન પ્રદાન કરી શકે.

ભાગવત ગીતામાં ભોજનને સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરાયું છે. આજના યુગમાં સમગ્ર દુનિયાના લોકો શુધ્ધ અને સાત્વિક ભોજનની મહત્તાને સમજીને એ દિશામાં આગળ વધી રહ્યા છે. હિન્દુસ્તાનને લાગે વળગે છે ત્યાં સુધી ભારતવર્ષમાં હિન્દુ ધર્મ જેટલો પુરાણો છે એટલો જ પુરાણો શાકાહાર છે. પ્રાચીન ગ્રીસે ઘણા દાર્શનિકો અને પ્રબુધ્ધોની ભેટ વિશ્વને આપી છે. મઝાની વાત એ છે કે, પાયથાગોરસ, પ્લેટો, પ્લુટાર્ક જેવા દાર્શનિકો અને ચિંતકોએ તેમના જીવનમાં શાકાહાર અપનાવ્યો હતો. આ ચિંતકોએ શાકાહારની સાત્વિક શક્તિઓને બરાબર પિછાણી લીધી હતી. એમણે પ્રાચીન ગ્રીસમાં શાકાહાર લેવા માટે લોકોને પ્રેરીત કરવાનું મહત્ત્વનુ કામ પણ કર્યુ હોવાના પુરાવા સાંપડે છે.

શાકાહારનો સીધો સંબંધ માનવીના સ્વાસ્થ્ય સાથે છે. વિશ્વમાં સૌથી વધુ માંસાહાર કરતુ રાષ્ટ્ર અમેરિકા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મોટી સંખ્યામાં અમેરિકન્સ શાકાહાર તરફ વળ્યા છે. એક સંશોધનમાં જણાવાયું છે કે, પ્રતિવર્ષ વીસ લાખ અમેરિકન્સ શાકાહાર તરફ વળી રહ્યાં છે. યુએસની રેસ્ટોરંટસ અને હોટેલ્સમાં છેલ્લા દસ વર્ષોમાં શાકાહાર વાનગીઓની ડિમાન્ડમાં બારથી પંદર ટકા જેટલો ઉછાળો આવ્યો છે. સ્પોર્ટ્સ પર્સનની જ વાત કરીએ તો છ વાર વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારો ટેનીસ ખેલાડી બોરિસ બેકર ચુસ્ત શાહાકર પસંદ કરે છે. ૫૦૦થી વધુ વિકેટો લેનારો ભારતીય બોલર અનિલ કુંબલે શાકાહારી છે. વર્લ્ડ કલાસ એથ્લિટ રૂથહેલિંચલ, મિસ્ટર અમેરિકા રોપ હિલિમન, બ્લેકબેલ્ટ રિચર્ડ એબેલ, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, શુશીલ કુમાર, રોહિત શર્મા પણ શાકાહારી જ છે. આ ફેર લીસ્ટ હજુ ઘણું લાંબુ થઇ શકે એમ છે.

આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, હર્ષા ભોગલે, અનુષ્કા શર્મા, જેક્વેલીન ફર્નાન્ડિઝ, પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાએ એમના જીવનમાં શાકાહારને જ પ્રાધાન્ય આપ્યું છે. લીઓ ટોલ્સટોય, માર્ક ટવેઇન, અલ્બર્ટ આઇનસ્ટાઇન, અબ્રાહમ લિંકન જેવા ચિંતકોએ શાકાહાર પ્રતિ પ્રેરણા આપતા અનેક ઉદાહરણો એમના વક્તવ્યોમાં આપ્યા છે. શાકાહારી ખોરાકનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ડૉ. શૈલેષ મહેતાએ એમના એક મનનીય લેખમાં સરસ રીતે વ્યક્ત કર્યો છે. ડૉ. મહેતાએ રજુ કરેલા વિચારો એમના જ શબ્દોમાં અહીં મૂક્યા છે જેથી શાકાહાર અને વિજ્ઞાનનો વિષય સ્પષ્ટ થઇ શકે.

“માંસાહારી ખોરાકની આદતો સાથે જોડાયેલા ચીનના વુહાન શહેરની સી-ફૂડ માર્કેટ કે જ્યાંથી ઉદભવેલાં વિનાશક કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. પાછલા કેટલાક વર્ષોમાં સ્પેનીશ ફલુ, બર્ડ ફલુ વગેરે વિનાશકારી રોગો પણ પ્રાણીઓ કે પક્ષીઓમાંથી આવ્યાં હતા. પશ્ચિમના વૈજ્ઞાનિકો જોએલ ફુરહમન, ટી કોલીન કેમ્પબેલ, વિલિયમ કેસ્ટેલી વગેરેએ ૨૫-૩૦ વર્ષોના લાંબા વૈજ્ઞાનિક સંશોધનોથી સાબિત કર્યું છે કે, પ્રાણીજન્ય પ્રોટિન અર્થાત પ્રાણીજન્ય ખોરાકથી કેન્સર, સાંધના રોગ, કોલોસ્ટ્રોલ, હૃદયરોગ વગેરેનું પ્રમાણ વધે છે. વનસ્પતિજન્ય અર્થાત શાકાહરી આહાર પાયથોન્ચુટ્રીયન્ટ, વિટામિન, મિનરલ તથા ફાઇબરને કારણે લાભદાયક છે વળી એ રોગ સામે રક્ષણ આપનારા પણ છે.”

હવે વિશ્વના બીજા દેશોમાં શાકાહાર પ્રતિ કેળવાતી જતી પ્રીતિની વાત જોઇએ. જર્મનીની રાજધાની બાર્લીનને વીગન સીટી તરીકે ઓળખવામાં આવે છે. અહિં ૨૮થી વધુ પ્યોર વેજીટેરીયન રેસ્ટોરંટ આવેલા છે. વિશ્વના શ્રેષ્ઠ જીવવા લાયક શહેર તરીકે જાણિતા પોર્ટલેન્ડમાં ૨૦થી વધારે સ્થળો ઉપર શાકાહારી વ્યંજનો ઉપલબ્ધ છે. પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ સેનફ્રાન્સિસ્કોમાં પણ શાકાહારી રેસ્ટોરન્ટ જોવા મળી રહ્યાં છે. લંડનમાં હવે લોકો શાકાહારી આહારને વધુ પસંદ કરવા લાગ્યા છે. ફ્રાન્સ, બ્રિટન, જાપાન, ઇઝરાયેલ વગેરે ઉપરાંત મોટા ભાગના યૂરોપના દેશોમાં વધુને વધુ લોકો શાકાહાર તરફ વળી રહ્યાં છે. આની પાછળનુ કોઇ ધાર્મિક કારણ નથી બલ્કે સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત આરોગ્યનો દ્રષ્ટીકોણ છે. નેશનલ હેલ્થ પોર્ટલ ઓફ ઇન્ડિયા અનુસાર શાકાહારની ત્રણ શ્રેણી છે. એક શુધ્ધ શાકાહાર કે જે, માત્ર વનસ્પતિ આધારિત આહાર છે. બીજુ લેક્ટો વેજીટેરિયન કે જેમાં, વનસ્પતિ ઉપરાંત અને ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરાતો હોય અને ત્રીજુ લેક્ટો ઓવો વેજીટેરીયન કે જેમાં વનસ્પતિ, ડેરી ઉત્પાદનો ઉપરાંત ઇંડા આહારમાં લેવાતા હોય છે.

શાકાહાર લેનારામાં પ્રોટિનની ઉણપ હોય છે એવી એક ગેરસમજ પ્રચલીત છે. સોયાબીન, મસૂરની દાળ, ચણા, રાજમા, લીલા વટાણા આ પાંચ શાકાહારમાંથી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી જાય છે. આ ઉપરાંત તલ, તરબૂચ, બદામ, પીસ્તા, કઠોળ, ઘઉમાંથી આર્યન મળે છે. મગફળી અને બદામ, પીસ્તા, કઠોળ, ઘઉમાંથી મોટા પ્રમાણમાં આયર્ન મળે છે. મગફળી અને બદામ ઝીંકના સ્ત્રોત છે. સામાન્ય રીતે જે લોકો ‘ફુડી’ છે એટલે જેમને મસ્ત જમવાનુ ગમે છે એ લોકો મઝાના અને હસમુખા
હોય છે. આપણા વેદ અને પુરાણોમાં આહારના પ્રકારો અને આહાર શૈલીની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જમવા ખાતર જમવુ અને સ્વસ્થ જીવન માટે જમવુ એ બે વચ્ચે આસમાન જમીન જેટલુ અંતર છે. ભૂખ અને ભોજન વચ્ચે સામંજસ્ય સમજાય તો સ્વસ્થ જીવનનો રાહ આસાન બની જાય.


ધબકાર : ભોજન એ જીવન સાથેની સરસ મઝાની સ્વાદીષ્ટ જપ્પી છે. સાચો પ્રેમ પેટના માર્ગેથી પ્રગટે છે.



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/2022/jan/11012022-4.pdf

બે ઘટનાઓ પ્લેટોના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની ગઇ હતી

 

એશિયન્ટ ફિલોસોફર પ્લેટોને જેટલા વાંચીએ એટલા ઉંડા ઉતરી જવાય અને જેટલા ઉંડા ઉતરીએ એટલી વધુ જાણવાની જીજ્ઞાસા પેદા થાય આવુ વ્યક્તિત્ત્વ છે પ્લેટોનુ. પ્લેટોએ વિચાર આપ્યો કે, સો ટકા પરફેકશનહોય એવી દુનિયા પણ છે, પરંતુ આવી દુનિયાને આપણે શોધી નથી કે પછી એને શોધવાનો પ્રયત્ન નથી કર્યો. પ્લેટોનું શમણું હતું કે, આખું જગત આદર્શ વિશ્વબને અને દુનિયાના તમામ લોકો અદભુત, અદમ્ય અને અલૌકિક આનંદ મેળવતા રહે. ચાણક્ય, સુશ્રુત ઋષિ, આર્યભટ્ટ જેવા દાર્શનિકો પણ પ્લેટો જેવી આદર્શ વિચારશરણીથી લોકોને પ્રશિક્ષિત કરવાનું ઉમદા કાર્ય કરી ચૂક્યા છે.

ગ્રીકના મહાન ફિલોસોફર, દાર્શનિક, ચિંતક અને વિચારક પ્લેટોની વાત નિરાળી છે. પ્લેટો ગર્ભશ્રીમંત પરિવારમાં ઉચરેલા. એમના પિતા અરીસ્ટન અને માતા પેરિટિયોનિ. કેટલાક લોકો કહે છે કે, પ્લેટોનું નામ એમના દાદાએ અરિસ્ટોક્લેસ પાડ્યું હતું. એવું કહેવાય છે કે, પ્રાચિન ગ્રીક સમાજ વ્યવસ્થામાં ગ્રીકવાસીઓ એમના સૌથી મોટા દીકરાનું નામ હંમેશા દાદાનું નામ જ રાખે એવી પરંપરા હતી. જ્યારે બીજા કેટલાકનો મત એવો પણ છે કે, ‘પ્લેટોએમનું ઉપનામ હતું. આ નામ એમને એટલે આપવામાં આવ્યું હતું કે, એ તંદુરસ્ત હતા. ગ્રીક ભાષામાં શારીરિક તંદુરસ્ત અને મજબૂત યુવાન માટેપ્લેટોશબ્દ પ્રયોગ થાય છે. બાળપણમાં જ એમના પિતાજીનું અવસાન થતાં થોડા સમય બાદ ગ્રીક રાજા ફારસના રાજદૂત અને પ્લેટોના કાકા સાથે પ્લેટોની માતાએ બીજા લગ્ન કરી લીધાં. સ્વાભાવિક રીતે જ પ્લેટોને કાકાના હોદ્દાના કારણે સમાજમાં ઉચુ સન્માન મળવા લાગ્યું. એ વખતના પ્રબુદ્ધ અને વિદ્વાનો પાસેથી પ્લેટોને ઉત્તમોત્તમ શિક્ષણ પ્રાપ્ત થયું. એમનું જીવન શાહી અમીરો જેવું હતું.

ધનાઢ્ય પરિવારમાં ઉછરેલા પ્લેટોના જીવનમાં બે મોટા ટર્નિંગ પોઈન્ટ આવ્યા અને વિશ્વને એક અદભુત દાર્શનિક સાંપડ્યો. આમ તો પ્લેટોએ દર્શનશાસ્ત્ર, સાહિત્ય, જીમનાસ્ટિક્સ, સમાજ જીવન, વિજ્ઞાન, ખગોળ વગેરે જેવા વિવિધ વિષયોના તજજ્ઞો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. સોક્રેટિસ જેવા મહાન દાર્શનિકનાં પરિચયની ઘટનાએ પ્લેટોના જીવનને નવો વળાંક આપ્યો. સોક્રેટિસના વિચારો, સંવાદો, ચર્ચાઓ અને જીવન જીવવાની ફિલોસોફીનો પ્લેટો ઉપર બહુ ઊંડો પ્રભાવ પડ્યો અને એ સોક્રેટિસના શિષ્ય બની ગયા.

એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે થેલોપોનેસિયન યુદ્ધની એક બીજી ઘટના પ્લેટોના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ બની હતી. આ યુદ્ધમાં પ્લેટોએ ઈસવીસન પૂર્વે ૪૦૯ થી ૪૦૪ વચ્ચે સેવાઓ આપી પરંતુ દુર્ભાગ્યવશ આ યુદ્ધમાં એથેન્સનો પરાજ્ય થયો. સ્પાર્ટાએ એથેન્સમાં લોકતંત્ર વ્યવસ્થા ખતમ કરી નાખી. સ્પાર્ટાના શાશકોએ એથેન્સના લોકોનું જીવન બદતર બનાવી નાખ્યું. પ્લેટો હૃદયથી માનતા હતા કે, એથેન્સવાસીઓના જીવનધોરણમાં એ સુધારો લાવે પરંતુ એ સમયે પ્લેટો અત્યંત મજબૂર હતા. સ્પાર્ટાનું રાજ ખતમ થયું અને એથેન્સમાં ફરી લોકતંત્રની સ્થાપના થતા પ્લેટો રાજનીતિમાં જવા માંગતા હતા પરંતુ સોક્રેટિસે એમને રોક્યા હતા. ગુરૂ સોક્રેટિસની ઇચ્છાને માન આપી પ્લેટો રાજનીતિથી દૂર રહ્યાં.

આમ તો સોક્રેટિસ અને પ્લેટોના વિચારોમાં કોઈ ખાસ ભેદ ન હતો. જો કે પ્લેટો અને સોક્રેટિસ વચ્ચે સૌથી મોટો દેખીતો ફરક એ હતો કે, સોક્રેટિસ બોલતા અને એમના વિચારો લોકો લખતા હતા. જ્યારે પ્લેટોએ જે કાંઇ પણ વિચારો આપ્યા એ એમણે સ્વયં લખ્યા અને લેખિત સ્વરૂપે વિચારો વહેતા કર્યા. એમણે ૩૬ જેટલા અવિસ્મરણીય પુસ્તકો દ્વારા જીવન કેમ જીવવું, જીવનના દ્રષ્ટિકોણ, જગતને વધુ સારું કેમ અને કેવી રીતે જોવાય અને જીવાય જેવા મહત્વના વિષયો માનવજાતને સ્પષ્ટ કરી આપ્યા. પ્લેટોના દર્શનશાસ્ત્રમાં ધ રિપબ્લિકધ સ્ટેટમેન, ધ લાગ, ઈયોન, સિમ્પોઝિપમ જેવા ગ્રંથો મુખ્ય છે. કહેવાય છે કે, પ્લેટોએ લખેલી વાતો એટલી તો સચોટ છે કે, વાચકોના હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય છે. કદાચ આ જ કારણે જગતના મહાન દાર્શનિકોમાં પ્લેટોનું નામ આદરપૂર્વક લેવાય છે.

પ્લેટોનું વ્યક્તિત્વ ગહન વિચારો દ્વારા ઘડાયું છે. એમણે માનવીના મગજના દ્વાર ખોલી વિચાર કરતા કરી મૂક્યા. દુનિયાભરના લોકોને પ્લેટોએ અનુભૂતિ કરાવી કે, જે થઈ રહ્યું છે એ અર્થહિન છે. ખરેખર જે અર્થસભર છે એ તો કોઈ જોતું જ નથી ! એમણે અત્યંત પ્રેમપૂર્વક ખોટી ધારણાઓ ઉપર ચાબુક ફટકારી છે. પ્લેટોના પાયાના વિચારો ઉપર આખું જગત મંથન, મનન અને ચિંતન કરે છે. એ કહેતા કે, દરેકને એમ થાય કે, એનું જીવન આદર્શ બને અને એના માટે એ પ્રયાસ કરે. આઈડીયાલિસ્ટિક વર્લ્ડ આઈડિયાના સમૂહથી જ બનતું હોય છે. સૌથી મોટો માર્ગ એ જ છે કે, વ્યક્તિ હંમેશા ગહન વિચાર કરતો રહે. વિચારોથી પોતાના મનમાં જ આદર્શફિલોસોફીનો મહાસાગર સાંપડે છે.

પ્લેટોએ માનવજાતને જાગૃત કરતા કહ્યું કે, વિશ્વમાં અખૂટ પ્રાકૃતિક સૌંદર્ય છે એ કુદરતી સંદેશને ડીકોડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં વૃક્ષો, પંખીઓ, સાગર, જુંગલ, પહાડના કુદરતી નઝારા અવશ્ય સહાયરૂપ બને છે. કલા, કાવ્ય અને સાહિત્ય આનંદ અને સૌંદર્યની આવશ્યકતા જેટલી જ જરૂર છે. એ કહેતા કે સોનાની ચમકતી ઢાલ કરતા છાણ ભરવાનુ તગારું વધારે સુંદર છે કારણ કે એનો સકારાત્મક ઉપયોગ છે. બુદ્ધિમાન વ્યક્તિ જ્યારે કંઈ કહે છે ત્યારે એમ સમજવું જોઈએ કે, એની પાસે કહેવા લાયક કંઇક છે પણ મૂરખ વ્યક્તિ એટલા માટે બોલે છે કે, એને ગમે તે બોલવું છે. એક સારો નિર્ણય જ્ઞાનથી આવે છે નહીં કે નંબરો પ્રાપ્ત કરવાથી. થોડું કાર્ય પણ સારી રીતે કરવામાં આવે એ યોગ્ય છે. સમજ વગર અપૂર્ણતાથી કરેલુ ઘણું બધુ કાર્ય નિરર્થક નીવડે છે.

પ્લેટોએ શિક્ષણ ક્ષેત્રે અદભુત કામ કર્યું છે. એમના જીવનના ચાર દાયકા પછી ઈ.સ. ૩૮૭ની આસપાસ એક શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી. એવું માનવામાં આવે છે કે, એ સમયગાળામાં પશ્ચિમના દેશોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્લેટોની આ શૈક્ષણિક સંસ્થા એકમાત્ર સ્થાન હતું. અહીં એક ઓપનએર વિદ્યાલય હતું. અહીં દુનિયાભરના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા હતા. એવું કહેવાય છે કે, પ્લેટોની આ એકેડેમીમાં જે વિદ્યાર્થી એકવાર અભ્યાસ કરી લેતો તેનું નામ વિદ્વાનોમાં લેવાતું થઈ જતું. એથેન્સ નગરમાં સ્થિત પ્લેટોનું આ વિદ્યાલય શિક્ષણ, વ્યાયામ, રમતગમત, અને તબીબી ચિકિત્સાનું પ્રમુખ કેન્દ્ર બની ગયું હતું. શરૂઆતના તબક્કે આ વિદ્યાલયને ‘અકાદેમસ’ કહેવાતું. પણ પાછળથી આ વિદ્યાપીઠ ‘અકાદમી’ તરીકે ઓળખાવા લાગ્યું. એથેન્સની આ અકાદમી એવી સંસ્થા હતી કે જ્યાં એથેન્સના નાગરિકો ઉપરાંત બીજા દેશના લોકો પણ અભ્યાસ કરી શકતાં. જીવનના મહત્વના વિષયો ઉપર વિચારવિમર્શ, દર્શનશાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને શિક્ષણની મૂળભૂત ધારણાઓના વિષ્લેષણ અહીં થતાં. ઈ.સ. ૫૨૯માં સમ્રાટ જુસ્તુનિયને અકાદમીને બંધ કરી દીધી અને એકેડેમીની તમામ સંપતિને જપ્ત કરી લીધી. ત્યાર બાદ થોડા સમય પછી યુરોપમાં પ્લેટોની અકાદમીના નકશેકદમ પર બીજી અકાદમીઓ બનવા લાગી.

કેટલાક વીરલાઓ પૃથ્વી ઉપર આવે છે અને સદીઓ સુધી અમીટ છાપ છોડી જાય છે. એમના વિચારો, વાત અને કહાની સદાય જીવીત રહેતી હોય છે. આવનારી પેઢીઓ એમના વિચારોને સમજવા અને શીખવા પ્રયાસ કરતી રહે છે. આવી જ વિભૂતી એટલે ગ્રીકના મહાન દાર્શનિક પ્લેટો. એમણે વિશ્વને સાચી સમજ અને જ્ઞાનનો મહાસાગર આપ્યો. એમનુ તત્ત્વદર્શન એમના જીવનની લાંબી તપસ્યાનો નિચોડ  છે.


ધબકાર : ‘આપણે શીખી નથી રહ્યાં. આપણે જેને શીખવાનું કહીએ છીએ એ તો યાદ રાખવાની એ પ્રક્રિયા માત્ર છે’’ પ્લેટો.