પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 21 December 2020

‘બડી, મૈં સિગરેટ પીતા હું યે મેમ સાહબ કો મત બતા દેના યાર...’

         

આજે વાત કરવી છે, દોઢ-બે દાયકા પહેલાની ગાંધીનગરના સિમાડે બનેલી એક રક્તરંજીત દર્દનાક સાંજની. હદય હચમચાવી મુકે એવી એ ઘટના યાદ આવતા આજે પણ રૂવાડા ખડા થઇ જાય છે. એનએસજી બ્લેક કેટ કમાન્ડોના સ્કવોર્ડન કમાન્ડર તુષાર જોષી અને એમના જવામર્દ કમાન્ડોએ આ ખોફનાક ઘડીઓમાં કરેલા અદભુત કારનામાની વાત છે. બ્લેક કેટ કમાંડો તુષાર જોષીએ જ્યારે આ ઘટના સ્વયં કહી ત્યારે એ સાંભળતા વેંત ભારતીય સેનાના જવાનો માટે સેલ્યુટ મારવા હાથ આપોઆપ મસ્તક ઉપર પહોંચી ગયો. વર્ષ ૨૦૦૨ના સપ્ટેમ્બર મહિનાની ૨૪મી તારીખે કમાન્ડર તુષાર એમની રૂટીન ડ્રીલ કરીને સાંજે ઘરે જઈને કપડા બદલીને ડ્રોઈંગ રૂમમાં હજી બેઠા જ હતા અને પાંચેક વાગ્યાના સુમારે એમના વાયરલેસ રેડિયો સેટ ઉપર સંદેશો મળ્યો કે, ‘સ્કવોર્ડન કમાન્ડર ગુજરાત કે અક્ષરધામ મંદિર પર ટેરેરીસ્ટ એટેક હુઆ હૈ. આપકો અભી ઇસી વક્ત ગુજરાત જાના હોગા. આપ જલ્દ પાલમ એરપોર્ટ પહુંચ જાઇએ.’

હરીયાણામાં પોસ્ટેડ સ્વોર્ડન કમાન્ડર તુષાર જોષી એક પળનો પણ વિલંબ કર્યા વગર પહેરેલા કપડે દિલ્હીના પાલમ હવાઈ મથકે જવા માટે રવાના થઈ ગયા. પાલમ એરપોર્ટ ઉપર જ્યારે તુષાર પહોંચ્યા ત્યારે હાયર-૭૬ લશ્કરી વિમાન અને એમના ૩૫ જવામર્દ એનએસજી કમાન્ડો તૈયાર હતા. ફટાફટ વેપન્સ અને સાથીઓને લઈને કમાન્ડર તુષાર વિમાનમાં ગોઠવાઈ ગયા. પ્લેનમાં તેમના સાથીઓને બ્રીફીંગમાં એમણે માત્ર એટલું જ કહ્યું કે, ‘ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદી હુમલો થયો છે. મને અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે, કેવું છે એની કશી ખબર નથી. આપણે આ મંદિરને આતંકવાદીઓના પંજામાંથી મુક્ત કરાવવાનું છે.’





૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૨ની રાત્રે અમદાવાદના એરપોર્ટ ઉપર કમાન્ડર તુષાર એમના જાંબાઝ જવાનો સાથે લેન્ડ થયા અને બરાબર દસને દસે એનએસજી કમાંડો અને એમના હથિયારો સાથેની ત્રણ બસ ગાંધીનગર અક્ષરધામ પહોંચી. આઈજી ચક્રવર્તીજીએ એનએસજી કમાન્ડર તુષારને સ્પોટ બ્રીફીંગ કરી સમગ્ર ઓપરેશન એમને હવાલે કર્યું. તુષાર પાસે અક્ષરધામના મોડેલના આધારે જ વિગતો હતી. એમની પાસે અક્ષરધામ કુલ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે ? ત્યાં કયા કયા વિભાગોના એકઝેક્ટ લોકેશન ક્યાં આવેલા છે ? એ બધું સમજવાનો બિલકુલ સમય જ ન હતો.





એમણે સૌથી પહેલા એમના બ્લેક કેટ કમાન્ડોને નાની નાની ટુકડીઓમાં વિભાજીત કરી એમના લોકેશન ફીક્સ કર્યા. તુષારે લાંબા અંતરેથી પણ સચોટ નિશાન તાકી શકે એવા ‘સ્નાઇપર્સ’ કેટલાક વિશેષ સ્થાનો ઉપર ડિપ્લોય કર્યા. આ સ્નાઈપર્સના બે મુખ્ય કામ હોય છે. એક તો દુશ્મન ક્લીયર કટ દેખાય એટલે એને ત્યાં જ ઠાર મારવો અને બીજું બાજ નજર રાખી દુશ્મનની હિલચાલની રજે રજની માહિતી રાખવી. અક્ષરધામના દરેક ઓરડામાં જઈને સર્ચ કરવાનો કમાંડો પાસે સમય ન હતો એટલે ધારણાઓના આધારે બ્લાઈન્ડ ફાયરીંગ કરવાની સ્ટ્રેટેજીથી ઓપરેશનની શરૂઆત કરવામાં આવી. આમ કરવાથી જ્યાંથી પ્રતિક્રિયા આવે એ લોકેશન ઉપર દુશ્મન હોવાનો ક્યાસ મળે અને એને ટારગેટ બનાવી શકાય.





આ તરકીબ સફળ રહી. ઓડીટોરીયમ બાજુમાં આવેલા વોશરૂમમાંથી આતંકવાદીની વળતા ફાયરીંગની પ્રતિક્રિયા આવતા કમાન્ડર તુષારને એક આતંકવાદીના સગડ મળી શક્યા. અક્ષરધામના આ વોશરૂમના બે દરવાજા હતા. બીજા દરવાજે થઈને આતંકવાદી બહારની ઝાડીઓમાં સંતાઈને એકે-૪૭થી અંધાધુંધ ફાયરીંગ કરતો હતો. આ ફયરીંગમાં એક જેસીઓને ગોળી વાગતા એમને હોસ્પિટલ ખસેડાયા અને એમની પોઝીશન સ્કવોર્ડન કમાન્ડર તુષારે સંભાળી લીધી. એમની સાથે એમનો બડી કમાન્ડો સુરજનસિંહ ભંડારી હતો. બન્ને જણા ત્રણ-ચાર ફૂટની દિવાલની પાછળથી આતંકવાદી અને એનએસજી કમાન્ડો વચ્ચે થતા ગોળીબારનો બરાબર તાગ મેળવતા હતા. એકે-૪૭ના ફાયર સ્પાર્કના કારણે કમાન્ડર તુષારને આતંકવાદીના લોકેશનનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો.





તુષારે સુરજનસિંહને કહ્યું, ‘બડી, હું સ્ટેન્ડ બાય... સ્ટેન્ડ બાય... ગો. કહું એટલે ગ્રેનેડ નાખીને આપણે આ દિવાલ કુદી ફાયર કરીશું. એમણે એવુ જ કર્યું પરંતુ જેવો ગ્રેનેડ ફેંકવામાં આવ્યો કે, આતંકવાદીએ એમની દિશામાં બેફામ ગોળીબાર કરવાનો શરૂ કર્યો. તુષારે દિવાલ ઠેકીને ફાયર કરી આતંકવાદીને ઢાળી દીધો પણ મરતા મરતા આતંકવાદીએ કરેલા ફાયરીંગમાં સુરજનસિંહને માથાના પાછળના ભાગે ગોળી વાગતા સુરજનસિંહ જમીન ઉપર ફસડાઇ પડ્યા. તુષારે એમને મ્હોંથી ઓક્સિજન આપવાના પ્રયત્નો કર્યા પરંતુ કોઈ ફેર ન પડતા સુરજનસિંહને હોસ્પિટલ મોકલવામાં આવ્યા.





આ આખી ઘટનાક્રમમાં એક ગોળી કમાંડર તુષારના ગળાને સ્પર્શીને નીકળી ગઈ. એમને ગળામાંથી લોહીની ધાર નીકળતી હતી. લોહી ટપકતા ગળા ઉપર કપડું બાંધી કમાંડર તુષાર બીજા આતંકવાદીને ગીરફ્તમાં લેવા આગળ વધ્યા. એવામાં સ્નાઈપર્સનો મેસેજ મળ્યો બીજો ટેરરીસ્ટ સહજાનંદ ઓડિટોરિયમમાં છે અને ત્યાંથી બાળકો અને મહિલાઓની ચીસાચીસ સાથે રડવાના અવાજો આવે છે. તુષારે એમની કમાન્ડો ટીમને ઓડિટોરીયમને ઘેરી લેવાનો આદેશ આપ્યો. સ્નાઈપર્સને તુષારે સૂચના આપી કે, ઓડિટોરિયમના દરવાજા ઉપર નજર રાખી પ્રત્યેક મુવમેન્ટની જાણકારી એમને આપે.

સામાન્ય રીતે આવા સંજોગોમાં દુશ્મન સંતાયો હોય એ સ્થળે ગ્રેનેડ નાખી કમાન્ડો સીધા રૂમમાં પ્રવેશી ફાયર કરી સીધી લડાઈ કરવાની સ્ટ્રેટેજી અપનાવે પરંતુ અહીં તો ઘણાબધા સિવિલીયન બંધક હતા. એટલે કમાન્ડર તુષારે બીજો એક સેફ પ્લાન વિચાર્યો. એમણે ફાયરીંગ બિલકુલ બંધ કરાવી દીધું. અચાનક બધુ ફાયરીંગ બંધ અને નિરવ શાંતિ લાગતા સહજાનંદ ઓડિટોરિયમમાં સંતાયેલા આતંકવાદીને આશ્ચર્ય થયું. એ પરિસ્થિતિનો ક્યાસ કાઢવા એક મહિલાને ગન પોઇન્ટ ઉપર રાખી તેની આડ લઈને બહાર આવ્યો. સ્નાઇપર્સે આ મેસેજ તુષારને પહોંચાડ્યો.





દરમિયાનમાં કમાન્ડર તુષાર અને એમના એક કમાંડો દુર્ગા ઓડિટોરિયમના ધાબા ઉપરથી એપ્સેલિંગ ઈક્વિપમેન્ટના સહારે આતંકવાદી ફરી બહાર આવવાની દોરડા ઉપર રાહ જોતા હવામાં લટકતા હતા. એ દરમિયાન દોરડા ઉપર લટકતા સ્કવોર્ડન કમાન્ડર તુષારે એમના કમાંડો દુર્ગાને પૂછ્યું, ‘બેટે તુમ્હે ડર લગતા હૈ ?’ ત્યારે દુર્ગાએ કહ્યું, ‘સર આપ સાથમે હૈ ફીર કાહે કા ડર.’ જો કે એ વખતે તુષારના માનસપટ ઉપર તેમની પ્રેગ્નેન્ટ પત્ની અને દોઢ વર્ષની બેટી રમતા હતા. એ જમાનામાં તુષાર સ્મોકીંગ કરતા હતા. એણે આ વિચારો હડસેલી દુર્ગાને કહ્યું, ‘દેખો દુર્ગા, અગર મુઝે કુછ હો ગયા તો મેમ સાહબ કો યે મત બતાના કી મેં સીગારેટ પીતા હું યાર. દુર્ગા બોલ્યો, ‘સર, એસા ક્યું કહ રહે હો આપ કો કુછ નહીં હોને વાલા...’ અને આગલી મિનિટે સ્નાઇપરનો મેસેજ આવ્યો કે ટેરરીસ્ટ એક પુરુષ બંધકને  આડમાં લઈને ઓડિટોરિયમના દરવાજા બહાર આવ્યો છે. બસ, એક સેકંડમાં કમાન્ડર તુષાર દોરડા ઉપરથી નીચે લસરીને આવ્યા અને ઘડીના છઠ્ઠા ભાગમાં આતંકવાદીના કપાળમાં વચોવચ ગોળી ધરબી દીધી. આ એવી ક્ષણ હોય છે કે, જે પહેલું ટ્રીગર દબાવે એ જ જીવી જાય. અહીં તુષારની ચપળતા અને આત્મવિશ્વાસ જીત્યો અને આતંકવાદી ઠાર થયો. ૮૦ જેટલા બંધકો આતંકવાદીઓની ચુંગાલમાંથી મુક્ત થયા.

બન્ને આતંકવાદીઓ ઠાર મરાયાં પણ એમણે કેટલાય બેગુનાહ નાગરિકો અને પાંચેક જેટલા સુરક્ષાકર્મીઓનો પણ ભોગ લીધો. થોડા સમય પહેલા આવેલી અક્ષયકુમારની હોલીડે ફિલ્મમાં જોયેલા ફિલ્મી સીન કરતા પણ વધુ દિલધડક ઓપરેશનની આ કહાની સ્વોર્ડન કમાંડર તુષાર જોષીએ જ્યારે કહી ત્યારે દેશ આખાને ભારતીય સેનાના વીરો માટે ગૌરવની લાગણી વધુ બળવત્તર બની ગઈ. તુષાર જોષી અને સુરજનસિંહ ભંડારી જેવા હજારો, લાખો વીર જવાનો હિન્દુસ્તાની ફોજના અણમોલ નગીના છે. આ સફળ ઓપરેશન માટે કમાન્ડર તુષારને સેના મેડલ અને કમાંડો સુરજનસિંહને કીર્તિચક્ર અર્પણ કરવામાં આવ્યા છે. ભારતમાતાની રક્ષા કરતા કેટલાય જવામર્દ જવાનોએ શહાદત વહોરી છે. દેશના આ જાબાજ જવાનોની વીરતાની વાસ્તવિક કહાની દેશવાસીઓના હૃદયમાં સદાય ધબકતી રહે છે. પોતાના રક્તથી રાષ્ટ્રના તિરંગાની આન, બાન અને શાન વધારી રહ્યાં છે એવા વીર જવાનો વતનના ફરિશ્તા છે એમનો હંમેશા નતમસ્તક ઇસ્તકબાલ છે.

 

ધબકાર : ‘ઇસ કદર વાકિફ હૈ મેરી કલમ મેરે જજ્બાતો સે, અગર મૈ ‘ઇશ્ક’ લિખના ચાહું તો ભી ‘ઇન્કલાબ’ લીખ જાતા હું’ - શહિદ વીર ભગતસિંહ