પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 21 April 2020

સ્વકેન્દ્રિત લોકોની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય છે


સ્વકેન્દ્રિત લોકોની સંવેદનાની
ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય છે

પ્રેમ અને લાગણીના પાયામાં સંવેદના અને સહૃદયતા છે. સંવેદના વિનાની જિંદગી શુષ્ક બની જતી હોય છે. જ્યાં સંવેદના હોય ત્યાં શબ્દોનું સ્થાન નથી. જ્યાં માત્ર અને માત્ર શબ્દો હોય ત્યાં સંવેદનાનું સ્થાન નથી. સંવેદનાનો સુમધુર સૂર સંભળાય ત્યારે જીવનમાં વસંત આવે છે. સંવેદનાની સમજ પહેલાનું જીવન તો એક સ્પર્ધા જેવું હોય છે. સતત દોડતા રહેવાનું. થાક લાગે તો પણ અટકવાનું નામ નહીં લેવાનું. પોતાના શરીર ઉપર ઘા થાય અને જે અનુભૂતિ થાય એ વેદના કહેવાય પરંતુ જ્યારે બીજાના શરીર ઉપર ઘા થયો હોય અને પોતાના હૃદયમાં ચિરાડો પડે એને સંવેદના કહેવાય. સંવેદનામાં આનંદ સમાયેલો હોય છે. એકલપટ્ટાપણું લાંબો સમય સુખ આપી નથી શકતું. સ્વકેન્દ્રિત લોકોની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય છે.



એક મધ્યમ વર્ગીય પરિવારમાં ગાડી સાફ કરતા છોકરા શંકરે ઘરના બહેનને વિનંતી કરી કે, 'બહેન, મારે ડુંગરપુર મારા ગામે જવું છે. મારે પાંચ હજાર રૂપિયા જોઈએ છે.' પરિવાર મિડલ ક્લાસ હતું. સ્વભાવિક રીતે જ ઘરમાં આઠ-દસ હજાર રૂપિયાથી વધુ રકમ ન જ હોય. આ મહિને બચતના રૂપિયામાંથી એમના બે બાળકોના કપડા લેવાનું પરિવારનું પ્લાનિંગ હતું. બહેને સાંજે તેમના પતિને આ વાત કરી. પતિએ કહ્યું કે, 'શંકરને પૈસા આપી દે. આ મહિને બાળકોના કપડા થોડા ઓછા લઈશું. આવતા મહિને બીજા અપાવીશું.'



દસેક દિવસ ગામડે જઈને પાછા આવેલા ખુશ દેખાતા શંકરને પેલા બહેને પૂછ્યું, 'શંકર, તે પાંચ રૂપિયાનું શું કર્યું.શંકરે સ્મિત સાથે જવાબ આપ્યો કે, 'બહેન મારી નાની બહેનના સાસરે પ્રસંગ હતો. તેમાં વ્યવહારના બે હજારનો ખર્ચ થઈ ગયો. મારી બાની દવા પાછળ એક હજાર અને આવવા જવાના પાંચ સો રૂપિયા થયા. મારા પિતાજી માટે ઝભ્ભો, ધોતિયું અને બંડી લાવ્યો. મારી પત્ની અને બાળકોને મેળે ફરવા લઈ ગયો. નાના ભાઈની કોલેજની ફી ભરી. બહેન તમે આપેલા પાંચ હજાર રૂપિયામાં અમારા આખા ઘરમાં આનંદ થઇ ગયો.'



નવા કપડા પહેરી મોજ કરતા પોતાના બાળકોની બેશુમાર ખુશી એ બહેને શંકરની આંખોમાં જોઈ. બીજાના આનંદનું કારણ બનવામાં મળતી ખુશી અવર્ણનીય હોય છે. સરકારી માણસો અને સરકારી કામમાં સંવેદનાનું કોઈ સ્થાન નથી હોતું એવી એક સામાન્ય પણ ખોટી છાપ હોય છે. કાર્યકુશળ, પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓની સંવેદનાસભર કામગીરીના ઉદાહરણોનો તોટો નથી. હૃદયમાં ઉષ્માભરી દે તેવા ઘણા કિસ્સાઓ હોય છે. ફાઈલો ઉપર લેવાયેલા સંવેદનાસભર નિર્ણયોનો જો ખ્યાલ આવે તો સમજ પડે કે, ફાઇલોને પણ કેટલી સરસ વાચા હોય છે. ગુજરાત રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ એમના અનુભવો અને તેમના  સરકારી  કાર્યકાળમાં તેમની સામે આવેલા કિસ્સાઓ પૈકી કેટલાક કિસ્સાઓ અને અનુભવોને એમણે શબ્દે કંડાર્યા છે. આ અધિકારીનું નામ છે જે. બી. વોરા. એમણે એમના સરકારી કાર્યકાળના અનુભવોને શબ્દદેહ આપી એક મજાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. પુસ્તકનું નામ પણ નોખું અનોખું છે. 'ફાઇલ બોલે છે'. આ પુસ્તકમાં એમણે એમના અનુભવોની હૃદયસ્પર્શી સાચુકલી વાતોને કોઈ પણ શબ્દાવરણ વગર સરળતાથી પ્રસ્તુત કરી છે.



આ પુસ્તકનો એક પ્રસંગ છે. ગામડા ગામમાં રહીને મજૂરી કામ કરતા કાળીબહેનની વાત છે. કાળીબહેનના જન્મ પછી એક જ વર્ષમાં તેમના માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં એ બંને અલગ થઈ ગયા. કાળીબહેન મા સાથે નાનાના ઘરે આવી ગયા. કાળીબહેનના પિતા બીજે પરણી ગયા. એમની માને પણ નાનાએ સારુ ઘર જોઇને ફરી પરણાવી દીધા. હવે કાળીબહેન નાનાની સાથે જ રહેતા. કાળીબહેનની પાંચ વર્ષની ઉંમર થતાં એમને સ્કુલે મુકવાનો વખત આવ્યો. શાળામાં બાપના નામની જગ્યાએ નાના ભરણપોષણ કરતા હતા એટલે સરપંચે કહ્યું, ' એનો ખરો બાપ તો એનો નાનો  ભીમો જ છે. એટલે એના બાપની જગ્યાએ ભીમાનું જ નામ લખો.'
કાળીબહેન યુવાન થતાં નાનાએ ગામના જ એક સીધાસાદા છોકરા સાથે એમના હાથ પીળા કરી દીધાં. કાળક્રમે નાના-નાની ગુજરી ગયા. હવે કાળીબહેનના મોસાળ અને પિયરમાં કોઈ જ ન મળે. એકવાર રેશનકાર્ડનો દાખલો કઢાવવા કાળીબહેન સરકારી કચેરીમાં ગયા. તલાટી અને સરપંચે દાખલો તો કાઢી આપ્યો પણ સાથે સાથે ટકોર પણ કરી કે, ' તું પેટ ભરવા કાળી મજૂરી  કરે છે પરંતુ તને ખબર છે, તારા બાપની મિલકતમાં તારો પણ હક્ક છે. એના માટે તું કેમ પ્રયાસ નથી કરતી ? ' પણ મોટી તકલીફ એ હતી કે, કાળીબહેનના પિતા તરીકે શાળામાં તેમના નાના ભીમાનું નામ હતું. એમની વાત સાંભળી બધાને દયા જરૂર આવી પણ કોઈ કાળીબહેનને તેમનો હક્ક અપાવી શકયું નહીં.
મામલો પહોંચ્યો કોર્ટમાં. જજ સાહેબને કાળીબહેનની વાતમાં સચ્ચાઈનો રણકો લાગતા મુદત પડી. જજ સાહેબે ગામડે યોગ્ય ન્યાયિક તપાસ કરાવીને અહેવાલ મગાવ્યો. કાળીબહેનની વાત સાચી નીકળી. જજ તરીકે બેઠેલા જે. બી. વોરાએ કાળીબહેનની તરફેણમાં નિર્ણય આપ્યો. કાળીબહેનની આંખોમા હર્ષના આંસુ આવી ગયા. કાળીબહેન બોલ્યા કે, ‘સાહેબ તમે તો ભગવાન બનીને મારી પડખે ઉભા રહ્યાં છો. મારી દારૂણ ગરીબીમાં તમે સાથ આપ્યો છે. સત્યનો વિજય તમારા થકી છે.’
સરકારમાં સંવેદનાસભર આવા અનેક કિસ્સાઓ રોજેરોજ બનતા હોય છે. કાળીબહેન જેવાને જ્યારે એની પ્રતીતિ થાય ત્યારે એને સરકારી અધિકારીઓની અસરકારીતાની સાચી વાતની સમજ પડે. 'ફાઈલ બોલે છે' પુસ્તકમાં આવા હદયના તાર ઝણઝાણાવી મુકે એવા ઘણા કિસ્સાઓ છે. 'ફાઈલ બોલે છે'ને ભાઈ રાજ ભાસ્કરની નિવડેલી કલમ દ્વારા સરસ ઓપ આપવામાં આવ્યો છે.
જીવનમાં સતત ઊતાર ચઢાવ આવતા જ હોય છે. કોઈવાર સુખ તો કોઈવાર દુઃખનો અનુભવ થતો રહે છે. આનંદ હોય કે ઉકળાટ તેમાં સૌથી મહત્વનો રોલ સંવેદના રૂપી કેમિકલનો હોય છે. આ કેમિકલ એવું છે કે, જે હૃદયના ઊંડાણમાંથી ચિત્તનો આનંદ ખોળીને તમારા ખોળામાં મૂકી દેતુ હોય છે. સંવેદનાનો સત્કાર કરતા જેને આવડી ગયું એનું જીવન ખુશીઓથી આબાદ રહે છે. બીજાની વેદના જોઈને આંખના ખૂણા ભીના થઇ જાય ત્યારે સમજી લેવું કે, ઈશ્વરે આપેલો માનવ દેહ અને આત્મા નામનું અમરત્વ સાર્થકતા ભણી સરકી રહ્યું છે. 

ધબકાર :
સંવેદના એક શાનદાર સફર છે, તેને જબરજસ્તીથી ન ખેડાય, જબરજસ્ત રીતે અનુભવાય.