પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 30 March 2017

ખુમારીપૂર્વકની ‘પહેલ’ પલટાવે ‘એડવર્સિટી’ને ‘ઓપોર્ચ્યુનિટી’માં

ખુમારીપૂર્વકની પહેલ’ પલટાવે એડવર્સિટીને ઓપોર્ચ્યુનિટીમાં
                                                -પુલક ત્રિવેદી
આઠ વર્ષના જયદેવની આ વાત છે. ચોમાસાની ઋતુ હતી. ગામડા ગામમાં માર્ગો ઉપર, આંગણામાં બધે સ્વાભાવિક રીતે જ પાણી ભરાઈ જાય. ગામમાં એક સરકારી પ્રાથમિક શાળા. પ્રમાણમાં તમામ સવલતો આ શાળામાં હતી. આ શાળામાં ગામના બાળકો મોજથી ભણે.
એ દિવસે સવારના પહોરમાં વરસાદની હેલી જામી. ગામના તમામ માર્ગો ઉપર પાણી એક-બે ફૂટ વહેવા લાગ્યા. ગામના મુખ્ય માર્ગની બાજુમાં ઘેઘુર લીમડાનું મોટું ઝાડ. પાણી અને પવનના જોરથી લીમડાનું આ વિશાળકાય ઝાડ કડાકાભેર જમીનદોસ્ત થઈને રસ્તાની ઉપર આડું થઈ ગયું. આવન-જાવન  બિલકુલ બંધ થઈ ગઈ. રસ્તાની બંને બાજુ રીક્ષા, જીપ, ટ્રેકટર, સ્કુટર, બાળકોને ભણવા લઇ જતાં છકડા વગેરે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ.



સવારનો પહોર હતો. સ્વાભાવિક રીતે જ દૂધ લઈને જતાં વાહનો, બાળકોને અભ્યાસ માટે લઈ જતા વાહનો, દુકાનદારો સૌ કોઈ પોત-પોતાના વાહન ઉપર વરસતા વરસાદમાં છત્રી અને રેઈનકોટ પહેરી માર્ગ મોકળો થવાની રાહ જોતાં હતાં. રસ્તા ઉપર અટકેલા લોકો સરપંચને, સરકારી તંત્રને ઝાડ ખસેડવા ફરીયાદ કરતા હતાં. વીસ, પચ્ચીસ, ત્રીસ મિનિટ... સમય પસાર થવા લાગ્યો. પણ માર્ગ ખુલી શકતો ન હતો. વાહનોની લાંબીલચક કતાર વધુને વધુ લંબાતી જતી હતી. આ લાઇનમાં ગામની સરકારી પ્રાથમિક શાળામાં ત્રીજામાં ભણતો જયદેવ પણ હતો. નાનકડા જયદેવે દફતર રીક્ષામાં મૂકીને મુઠ્ઠીઓ વાળીને ઝાડ પડ્યું હતું તે દિશામાં દોટ મુકી. પાણીમાં એના નાના નાના પગલાથી મોટા મોટા વલયો સર્જાતા હતા. કુમળા હાથથી વિશાળકાય લીમડાના ઝાડને ઊઠાવવાની કોશિષ કરવા લાગ્યો. જયદેવને જોઈને એના પાંચ-સાત ટબુકલા સાથીઓ પણ દોડીને જયદેવ સાથે કતારમાં લાગી ગયા. એમની નાની-નાની કુમળી હથેળીઓ ટનબંધ વજનના ઝાડને ઉચકવા મથતી હતી. આ દ્રષ્ય માર્ગની બન્ને બાજુ રસ્તો ખુલવાની રાહ જોતા ફરિયાદો કરી રહેલા અને તંત્ર દ્વારા મદદ પહોંચવાની રાહ જોઇ રહેલાં સેંકડો લોકો જોઈને વિચાર કરવા મજબુર બન્યા. બન્ને બાજુએથી આ લોકો તેમના વાહનો છોડી બહાર આવી ઝાડને હટાવવા માટે જયદેવ અને એના સાથીઓ સાથે કતારબંધ લાગી ગયા.
એક-દો-તીન-ચાર હૈયા... કરતાકને લોકોએ રસ્તા ઉપર આડું પડેલું મસમોટું ઝાડ પાંચ-સાત મિનિટમાં માર્ગ ઉપરથી દૂર કરી દીધું. રસ્તો ખુલી ગયો. વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઈ ગયો. વરસાદમાં ભિંજાયેલી કંઇક કર્યાની મઝાની ખુશી બધાના મુખ ઉપર હતી. એક કોમન લક્ષ્યને વિંધીને અજાણ્યા પણ જાણીતા બની ગયા. એકમેકના હાથમાં હાથ મૂકી સસ્મીત પોતપોતાના વાહનોમાં બેસી સૌ કામે જવા માટે નિકળી ગયા. કોણ આગળ આવે ? કોણ વરસતા વરસાદમાં ઝાડ હટાવવા જાય ? મારે શા માટે જવું ? આ બધી જ બીનજરૂરી પ્રશ્નોની હારમાળા છોડી નાનકડા જયદેવની મોટકડી પહેલે બંધ રસ્તો ખોલી નાખ્યો.
જીવનમાં જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિઓ આવે ત્યારે સૌથી શ્રેષ્ઠ અને ઝડપી જે ઉકેલ મનમાં આવે તેનો સત્વરે અમલ કરવામાં આવે તો પરિણામની દિશા મળે. ઇચ્છિત પરિણામ મળે જ એમ ન પણ બને પણ અપેક્ષિત પરિણામની દિશામાં નિઃસંદેહપણે આગળ વધવાનો આત્મસંતોષ મળે. સામાન્ય રીતે માનવીના ચિત્તની આસપાસ પોતાની મહત્તાના બિનજરૂરી મસમોટા આવરણો હોય છે. પરિણામે નાની-નાની બાબતો માટે મળતા સહજ માર્ગો તે પોતે વિકટ બનાવી મોં વકાસીને બેસી રહે છે.
કોઈપણ મુંઝવણમાં માર્ગ કાઢવા માટે પહેલવૃત્તિ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. પહેલ કરવા માટે આત્મવિશ્વાસની આવશ્યકતા રહે. સાગર સમાન આવડા મોટા પ્રશ્નમાં મારો પાણીની ડોલ જેવડો ઉકેલ શા કામનો ? લોકો મારી આ વર્તણૂંકને વખોડશે તો ? વગેરે વિચારોના કારણે પ્રશ્નના ઉકેલ ભણી ઊઠેલા પગ થંભી જાય છે. આત્મવિશ્વાસની કમી ભીડથી અલગ હટવાના ઈરાદા નબળા પાડી દે છે.



ઝડપી નિર્ણયશક્તિનો અભાવ આદર્શ પરિસ્થિતિ સામે મોટો પડકાર સર્જતો હોય છે. જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય ત્યારે હંમેશા વિવિધ પાસાઓ ઉપર તલસ્પર્શી વિચારણા કરીને પછી જ નિર્ણય લેવામાં જ શાણપણ છે. પણ આને પરિણામે થતાં વિલંબથી પરિસ્થિતિની નકારાત્મક અસર અત્યંત તીવ્ર બની જતી હોય છે. જ્યારે જે તબક્કે જે ગતિથી નિર્ણય લેવાનો હોય તે પ્રમાણે શીઘ્રતાથી નિર્ણય ન લેવાય તો તેના નિઃસંદેહપણે દુઃષ્પરિણામો જ આવે. સામાન્ય રીતે નિર્ણય લેવા માટે તમામ પાસાઓનો વિગતે અભ્યાસ કરી પરિપક્વ નિર્ણય લેવાય એ જરૂરી છે. પરંતુ જેમ ગણિતમાં દરેક દાખલા માટેની ફોર્મ્યુલા અલગ હોય તેમ જીવનના દરેક પ્રશ્નો માટેના ઉકેલના માર્ગો માટે ફોર્મ્યુલા પણ અલગ જ હોય. એક પ્રકારની નીતિથી તમામ પ્રશ્નો ક્યારેય હલ ન થાય. પહેલ કરવા માટે ત્વરિત નિર્ણયશક્તિ જોઈએ.
પહેલના પાયામાં સર્વજન હિતહોય તો એની સ્વીકૃતિ અત્યંત ઝડપથી થતી હોય છે. સૌ કોઈનું હિત જેમાં સમાયેલું હોય તેની પહેલ થાય તો લોકો સત્વરે ટેકો આપી વધાવી લેતા હોય છે. સમાજને અન્યાય કરતો હોય એવો તાકાતવાળો ફિલ્મી વિલનની સામે નાયક બાથ ભીડવાની પહેલ કરે. આ નાયકને જનતા એટલા માટે પસંદ કરતી હોય છે કે, એ નાયકના રૂપમાં પ્રેક્ષક પોતાની જાતને જોતા હોય છે. સામાન્ય રીતે માનવી તેની મુશ્કેલીઓને દૂર હડસેલવા પ્રયાસ કરતો જ હોય છે. મુશ્કેલીઓ બે પ્રકારની હોય છે. વ્યક્તિગત મુશ્કેલી અને સામૂહિક મુશ્કેલી.
પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે સારી કોલેજમાં ફીની ગોઠવણ, મકાન માટે નાણાંની વ્યવસ્થા, ઘરના વાયરીંગમાં ફોલ્ટ જેવા વ્યક્તિગત પ્રશ્નો કહેવાય. જ્યારે સમગ્ર લત્તામાં ગંદકીના ઢગલા દૂર કરવા માર્ગ ઉપર ઊંડા ખાડા જેવી બાબતો સામૂહિક પ્રશ્નો કહેવાય. સ્વાભાવિક રીતે જ આવા સામૂહિક પ્રશ્નો પરત્વે સમાજનું સાગમટે હિત સમાયેલું હોય. એના ઉકેલ માટે સૌ કોઈનો સાથ મળે જ મળે. જરૂર હોય છે પહેલની. સાચી દિશામાં ઊઠેલા એક કદમની. પાછળ હજારો-સેંકડો પગલાં પડવાના જ છે.



કોઈપણ વ્યક્તિ સો ટકા સંપૂર્ણ નથી જ હોતો. પ્રત્યેત વ્યક્તિને કોઈને કોઈ પ્રેરણા જોઈએ. કંઈક કરવા માટેનું ચાલકબળ જોઈએ. એ ચાલકબળ એટલે વિઘ્ન, અવરોધ અને મુશ્કેલી. વિઘ્નને દૂર કરવા જે સૌથી પહેલો માર્ગ મનમાં સુઝે એની ઉપર ચાલવામાં આવે પછી પાછળ જનસમુદાયનો સ્વયંભુ સેલાબ બની જાય. ‘પહેલ’ પાછળનુ તત્વ બદલાવ છે. એક નવો દ્રષ્ટિકોણ છે. એક અભિપ્સા અને આરોહણ છે. પહેલમાં હંમેશા સામૂહિક બદલાવની જ પરિભાષાની તાકાત હોય છે. દુનિયામાં સૌથી સરળ અને સહજ જો કોઈ કાર્ય હોય તો છે, સામૂહિક પ્રશ્ન માટે પહેલ કરવાની વૃત્તિ. ઘણા બધા લોકો મુશ્કેલી માટે આગળ માત્ર એટલા માટે નથી આવી શકતા કારણ, એમને કોઈએ પ્રેરણા નથી આપી. કોલોનિયલ અમેરિકામાં મેથોડિઝમ મુવમેન્ટના પ્રણેતા અને ચિંતક પ્રિસ્ટ જ્યોર્જ વ્હાઈટ ફિલ્ડ કહેતા કે, ‘હે પ્રભુ શરૂઆત કરવા માટેના આરંભ કરવાની મને શક્તિ આપ. કેટલી સરસ પ્રાર્થના છે. પહેલ કરવા માટેની પહેલ કરવાના બળ માટેની ઈશ્વરને વિનંતી કરવા પાછળ મુશ્કેલીઓ સામે આગળ આવવાની હિંમતની વાત છે.
સાચો માણસ હંમેશા પોતાના આત્મવિશ્વાસ અને બળ ઉપર પહેલ કરે છે. તત્વચિંતક વોલ કહે છે કે, આવી પડેલી મુશ્કેલીને તમારા કોઈ કર્મનું ફળ સમજશો તો દુઃખી થશો. આવી પડેલી સમસ્યાનો હિંમતથી મુકાબલો કરવાની પહેલ કરશો તો મુશ્કેલીમાં માર્ગ મળશે. બધાને નથી મળ્યું એમ મારા નસીબમાં વાત નથી એમ માની લેવા જેવી મુર્ખામી બીજી કોઈ નથી. મારા નસીબમાં તો ઘટના હોય નહીં. હું તો આગળ વધવા સર્જાયો છું. કોઈ મારી સાથે આવે કે આવે મુશ્કેલી સામે મારી ક્ષમતા, બુદ્ધિ અને કૌશલ્યથી મુકાબલો કરીશ . જીવનમાં આ પ્રકારનો એટીટ્યૂડ અગત્યનો છે. દુનિયામાં દરેકનું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે. સંઘર્ષ કરવાનો હોય ત્યાં અદબ વાળીને બેસી રહેવાનું પાલવે. ખુદ્દારી અને ખુમારીપૂર્વક એડવર્સિટીને ઓપોર્ચ્યુનિટીમાં પલટાવવા ‘પહેલ’ કરવા આગળ આવવું પડે. ભાગ્યમાં હોય કે પણ હોય સ્વયં ઉપર વિશ્વાસ અને પહેલ’ કરવાની હિંમતનો સમન્વય તો આપણા હાથમાં છે ને !

ધબકાર :
આફતોને સામે ચાલીને આમંત્રણ અપાય, પણ આવી પડેલી આફતને ઉત્સવમાં પલટાવી તો ચોક્કસ શકાય.


00000000000000000000



Wednesday, 22 March 2017

ધ્યાન રાખજો બુદ્ધિના પ્રભાવમાં સ્નેહની સચ્ચાઈ છૂપાઈ ન જાય

ધ્યાન રાખજો બુદ્ધિના પ્રભાવમાં
સ્નેહની સચ્ચાઈ છૂપાઈ ન જાય
-પુલક ત્રિવેદી
જિંદગી ઝીંદાદિલીનું નામ છે. જીવનની ઝીંદાદિલી-જવામર્દીના મૂળમાં પ્રેમનું અમૃત હોય છે. તાજેતરનો એક પ્રસંગ યાદ આવે છે. મુંબઈની ગોરેગાવ સ્પોર્ટસ ક્લબનો બેન્કવેટ હોલ. સાંજના ચારેક વાગ્યાનો સુમાર. ઢોલ, ત્રાંસા અને શરણાઈના સૂર રેલાતા હતાં. સૂરવાલ અને કેસરીયાળા સાફા સાથે જોમ અને જુસ્સાપૂર્વક ૭૫ વર્ષનો યુવાન કમર પર કટાર લગાવીને હોલમાં પ્રવેશવાની તૈયારીમાં હતો. જાનમાં દુલ્હાની સાથે ૪૫-૫૦ વર્ષના તેના બે દીકરાઓ, દીકરાઓની ધર્મપત્નીઓ, એમના બાળકો, મિત્રો, સગાંવહાલાંઓ બધાંજ ખૂબ મોજમાં હતાં. દુલ્હાને લઈને બેન્કવેટ હોલના દરવાજે દુલ્હનની પ્રતિક્ષામાં બધા ઊભા હતાં.



આ યુવાન દુલ્હા ડૉ. નરેશની આંખો શોધતી હતી એની દુલ્હન અનિલાને. હોલની અંદરની બાજુ બેસબરીથી ઈંતજાર કરતી ૭૫ વર્ષની ફૂટડી યુવાન દુલ્હન અનિલા પણ ડો. નરેશને વરમાળા પહેરાવવા ઉત્સુક હતી. ડો. નરેશ અને અનિલાબહેન બન્નેના હૃદયમાં લગ્નજીવનના પાંચ પાંચ દાયકા પછી પણ એક બીજા માટેનો સતત-અવિરત વહેતાં સ્નેહ અને લાગણીને સૌકોઈ આદરપૂર્વક અનિમેષ નયને જોતાં હતાં.
પચાસ વર્ષના લગ્નજીવન બાદ પણ સ્નેહની આટલી તિવ્રતા અને સંબંધોના પ્રગાઢપણાની અનુભૂતિ જીવનમાં અદકેરો આનંદ આપે છે. સ્ટેજ ઉપર વરમાળા પહેરાવ્યા પછી ડો. નરેશે ‘હિરોઈક સ્ટાઈલ’માં ગોઠણ પર બેસીને એક હાથ હવામાં રાખીને ‘યંગ ઈન્ડિયા સ્ટાઈલ’માં આઈ લવ યુ અનિ...’ જ્યારે કહ્યું... (ડોકટર અનિલાબહેનને પ્રેમથી અનિ કહે છે.)  અને અનિલાબહેન પણ એક મસ્ત અંદાજમાં શરમાઈને કહે છે આઈ લવ યુ ટુ... ડોકટર’. આજુબાજુ ઊભેલા આ દંપતિના પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રીઓ, સગાંવહાલાંઓ, મિત્રો બધાંજ જોરદાર ચીચીયારીઓ પાડીને આ અનોખા જાનદાર અને શાનદાર લગ્નના જશનને ઓર મજાદાર બનાવી દીધો. પછી તો ડોકટર અને અનિલાબહેનના બાળકોએ બોલીવુડ સ્ટાઈલમાં રોમેન્ટિક ગીતો, કવિતાઓ, શાયરીઓથી આ દંપતિના દામ્પત્યજીવનના વિવિધ પાસાઓને સંગીતમય રીતે ઊજાગર કર્યાં. બધા જ હાજર રહેલાં ૨૦૦-૫૦૦ મિત્રોએ આ લગ્ન સમારંભને દિલથી માણ્યો અને સાથે બેસીને મોજથી ભોજન કર્યું.



આ આખો પ્રસંગ જીવનના મજેદાર દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. કવિ સુરેશ દલાલની એક રચના છે કે, ‘એક ડોસો ડોસીને હજી વહાલ કરે છે, કમાલ કરે છે...’ ખરેખર સાચા અર્થમાં જો જીવનની કમાલ કરવાની ચાવી મેળવવી હોય તો પતિ-પત્નીના સ્નેહમાં જ એ સમાયેલી છે. સ્નેહ એક એવી જડીબુટ્ટી છે કે જે વધતી ઉંમરને રોકે છે. સ્નેહ જીવનમાં ઉત્સાહના ફૂવારા સમાન છે. જેના જીવનમાં ઉત્સાહ નથી એનું જીવન મમરાના કોથળા જેવું છે મમરાનો કોથળો દેખાય બહુ મોટો પણ હોય બહુ ફોફો. સમય તો એક સતત વહેતું પરિબળ છે. એક  અર્થમાં એ અનાદિ પણ છે, કાળ પૌરાણિક અને પુરાતન પણ છે અને કાળ સનાતન પણ છે. કેલેન્ડર ઉપર ફરફર વહેતા વાયરાની જેમ તારીખના પાના ફરતા જાય. પણ એનાં કરતાં સ્નેહના અતૂટ સથવારે તારીખ હંમેશા તવારિખ બનીને જીવી જાય એનું નામ જ સાચુ જીવન.
સમય ન કદી પકડાયો છે. સમય ન કદી પકડાશે. પણ સમયને જીવંત બનાવવા જો કોઈ મજબૂત તત્વ છે તો એ તત્વનુ નામ સ્નેહ છે. એટલે જ સ્નેહનું સત્વ ૭૫ વર્ષની આયુએ પણ ૨૫ વર્ષના યુવાન જેવું થનગનતું મન અને ધડકતું હૃદય આજીવન યુવાનીનો અહેસાસ કરાવે છે. યુવાનીને વય સાથે કોઈ લેવા દેવા નથી. યુવાની આચાર-વિચાર અને વય આ ત્રણેય રીતે અલગ અલગ મુલવાતી હોય છે. ઢીલી ઢાલી, નિસ્તેજ વિચારસરણીવાળા, કોઈપણ પ્રકારના ઉત્સાહ વગરના ૨૦-૨૨ વર્ષની વયના યુવાન બુઢ્ઢાઓ પણ આ દુનિયામાં હોય છે, અને ઘરેડમાં ન જીવતાં સદાય નવું કરવાની તમન્નાવાળા તરવરીયા અને ઉત્સાહથી હર્યાભર્યા ડો. નરેશભાઈ અને અનિલાબહેન જેવા ૮૦ વર્ષના યુવાનો પણ આ દુનિયામાં છે.
‘બે હથેળીઓ મળીને ઘર થયું
તે પછી જે થયું તે સુંદર થયું...’
                - અવંતિકા ગુણવંત
પ્રેમનું તો એવું છે કે, એ સદાય આદિ-અનાદિ કાળથી અસ્ખલિત વહેતું પવિત્ર, જાજરમાન ઝરણું છે. પ્રેમ-સ્નેહ ક્યાં કોઈ દિવસ કોઈને પૂછીને થાય કે સમજીને થાય છે ? સ્નેહની વાત હોય એટલે કવિ તુષારભાઈ શુક્લની પેલી યાદગાર રચના યાદ આવ્યા વગર ન રહે.દરિયાના મોજા કંઈ રેતીને પુછે તને ભીંજાવું ગમશે કે કેમ ? એમ પૂછીને થાય નહીં પ્રેમ...’ હંમેશા જીવનમાં પ્રીતનું સંગીત રેલાવે. સ્નેહ મગજની ટ્યુનીંગ સિસ્ટમ છે અને હૃદયની સ્માઇલીંગ સીસ્ટમ છે.
ઘડપણ શબ્દ જ ત્રાસજનક છે. ઘડપણ એ બીબાઢાળ ઘરેડ પદ્ધતિથી બનતું વ્યક્તિત્વ છે. ઘરડાં થવું એ ભયંકર વાત છે. કદી માફ ન કરી શકાય એવો ગુનો એ છે. વિચારોનું વૃંદાવન વિકસે, અનુભવોની અગાશી ઉપર શાંત મને બેસાય. સંસ્કાર અને શિક્ષણની શાતા હોય એ અવસ્થા વૃદ્ધિ પામતાં પામતાં વૃદ્ધ બનાય. વૃદ્ધ થવું એ જ સાચા અર્થમાં સનાતન સત્ય છે. જાણીતા ચિંતક પદ્મ પુરષ્કૃત શ્રી ગુણવંતભાઈ શાહે એક જગ્યાએ કહ્યું છે કે, ‘વિચાર અને વિવેકથી સતત વૃદ્ધ થતો રહે એ જ વૃદ્ધ. ખીસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી ક્યાં પડે છે...’ કોઈપણ વયે જિંદાદીલી, ઉત્સાહ, ઉમંગ, સ્નેહમાં પાછા પડવાનું પાલવે જ નહીં. કોઈપણ પુષ્પ ખરવાની અણી ઉપર હોય તો પણ ખૂશ્બુ ફેલાવવાની છોડી દીધી હોય એમ ક્યાં બને છે ?
વિનોબા ભાવેએ ગૃહસ્થાશ્રમ વિશે કહ્યું છે કે, સંયમ, સેવા અને સત્ય આ ત્રણ બાબતોનો સરવાળો થાય એ જ સાચું સંન્નિષ્ઠ ગૃહસ્થાશ્રમ જીવન. જીવનમાં ભૌતિક સુખ પ્રાપ્તિના સમાન હેતુઓ માટે સાથે મળીને એક રાહ પર ચાલવું એ લગ્નજીવનનો પાયો છે. સમસ્યાઓ, સફળતા, પરાજ્ય અને વિજયમાં એક મેકની સાથે મળીને ઝૂમવું અને ઝઝૂમવું એ લગ્નજીવનની મોજ છે. જીવનના દરેક પહેલુંમાં એક સરખો પ્રેમ રહે એ પણ સંભવન નથી. કદાચ જો એમ બને તો એ જીવન રસપ્રદ પણ ન રહે. એટલે જ  ક્યારેક ગુસ્સો, કંટાળો, નિરાશા અને થથરાટ પણ જરૂરી છે. પરંતુ આ સર્વ બાબતોના કેન્દ્રમાં છે, સ્નેહ. સ્નેહ સાથે આવે સ્મિત અને સ્મિતની દ્વારા જ સદાય સુખ.
નરસિંહભાઈ પટેલની એક સરસ વાત યાદ આવે છે એમણે કહ્યું છે કે, આપણો પુરુષપ્રધાન ધર્મ એ રહ્યો છે કે, સેવાભાવે લગ્ન કરીએ, વિલાસ ભાવે નહીં. પત્નીને શ્રેયસીમાનીએ અને બનાવીએ, પ્રેયસી નહીં. બન્ને મળીને ગૃહ સેવા કરીએ, કુટુંબ સેવા કકરીએ, સમાજ સેવા કરીએ, સંસાર સેવા કરીએ, પ્રજાને જન્મ આપીએ અને તે સમાજને ચરણે ધરીએ. પ્રજાને વાત્સલ્ય ભાવે ઉછેરીએ અને કેળવીએ. બ્રહ્મચર્ય પાળી સંમિલિત જીવન જીવીએ અને ત્યાગવૃતિ, ભાતૃભાવ, સમાનભાવ વગેરે કલ્યાણસાધક ભાવનાઓ પોતાનામાં અને પ્રજામાં કેળવણીએ.
દાંપત્યજીવનમાં પુરુષ એકલો અધૂરો છે, એમ સ્ત્રી પણ એકલી અધૂરી છે. પ્રાકૃતિએ બન્નેનું સ્વરૂપ એકબીજાની પૂર્ણતા માટે જ ઘડ્યું છે. ગમા અણગમા, રસ-ઋચિ અલગ અલગ રહે જ પરંતુ પ્રેમના આ યોગને બિલકુલ ઉની આંચ ન આવે એમ તેને મઠારવાનું, સજાવવાનું અને ચમકાવવાનું કામ નિરંતર થતું રહે એ જરૂરી છે. સ્નેહની સરવાણી વહે એ અગત્યનું છે. દરમિયાન બુદ્ધિની બોલતી બંધ થાય અને હૃદયમાંથી વાણી વહે તો જીવનમાં કોઈ સમસ્યા જ ન રહે.
એક વાત દ્રઢ પણે મનમાં કોતરાયેલી હોવી જોઈએ કે, આપણા જીવનમાં બે જ દિવસો અગત્યના છે. એક તો જે દિવસે આપણો જન્મ થયો હોય અને બીજો એ દિવસ કે જ્યારે આપણને સમજ પડે કે આપણો આ જન્મ સ્નેહ લેવા માટે અને સ્નેહ કરવા માટે થયો છે. જો બીજાની ભૂલનો સ્વીકાર નથી કરી શકાતો, માફ નથી કરી શકતા તો પછી આપણી ભૂલને બીજા માફ કરે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આ સિદ્ધાંત ઉપર દાંપત્યજીવનની સુવાસ પ્રસરતી હોય છે. બુદ્ધિ તો કઠપૂતળી છે. ધ્યાન રાખજો બુદ્ધિના પ્રભાવમાં સ્નેહની સચ્ચાઈ છૂપાઈ ન જાય. હંમેશા બુદ્ધિના સથવારે ઘટનાઓનું મૂલ્યાંકન કરવું યોગ્ય હોતું નથી. સ્નેહ સદાય શક્તિનો અને સત્યનો જીવંત પર્યાય બનીને રહે છે. સ્નેહમાં ક્યારેય છળ-કપટને સ્થાન નથી. હિતેન આનંદપરાજીએ સરસ વાત કરી છે કે, હંમેશા પાસબુકમાં જ સુખ હોય એવી માન્યતા ન રાખવી, સુખ તો પ્રેમબુકમાં પણ હોય. શ્વાસને ચાલુ રાખવાની અથવા હોવાની ઘટનાને જીવન સમજવાની ભૂલ ન કરવી. સ્નેહથી શ્વાસને સાર્થક કરવાની ઘટનાને જ જિંદગી કહેવાય.

ધબકાર :
સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઊભરાજો, પણ બેય એકાકી જ રહેજો- જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતાં છતાં પ્રત્યેક છૂટો જ રહે છે તેમ. તમારાં હૃદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં.

– ખલીલ જિબ્રાન