‘લૉ ઓફ એટ્રેક્શન’માં ગજબની શક્તિ હોય છે. આકર્ષણના સિધ્ધાંતની વાત
નિકળે એટલે આયર્લેન્ડના કોનર મેકગ્રેગોર યાદ આવ્યા વગર ન રહે. ઉત્તર-પશ્ચિમી યુરોપનું એક રમણીય રાષ્ટ્ર આયર્લેન્ડ.
લગભગ પોણા પાંચ મિલીયન વસતી ધરાવતા આ દેશની એક
સીમા યુનાઈટેડ કિંગડમ સાથે જોડાયેલી છે. જ્યારે અન્ય ભુભાગમાં એટલાંટિક મહાસાગર, સેલ્ટિક સાગર, સેંટ જ્યોર્જ ચેનલ અને આઈરિસ સાગર એના
પગ પખાળે છે. આ ટચૂકડા
રાષ્ટ્રના એક અનોખા ફાઈટર કોનર મેકગ્રેગોરે વિશ્વમાં આયર્લેન્ડ દેશનું નામ ગુંજતુ
કરી દીધું. આયરલેન્ડના
અત્યંત ગરીબ પરિવારમાં કોનરનો જન્મ થયો હતો. નાનપણથી એ અભાવોમાં ઉછરેલો. પડકારો અને મુશ્કેલીઓમાં પણ એ વિશ્વમાં અત્યંત પ્રસિદ્ધ અને લોકપ્રિય
એવી યુએફસી ચેમ્પિયનશીપના વિજેતા બનવાના મનોરથો સેવતો. યુએફસી ચેમ્પિયન બનવાનું તો દૂરની વાત
છે, યુએફસીમાં
ક્વોલીફાય થાય એ ફાઈટર પણ પોતાની જાતને સદનસીબ સમજે. કોનર એક નહીં બે-બે વાર યુએફસી ચેમ્પિયન બન્યો.
‘લો ઓફ એટ્રેકશન’ના સિદ્ધાંતને જીવનમાં આત્મસાત કરીને
કોનરે આ જબરજસ્ત સિદ્ધિ હાંસલ કરી છે. બાળપણમાં કોનર માન્ચેસ્ટર
યુનાઈટેડમાં રમી રહ્યો છે એવું સપનું જોયા કરતો.
આખુ સ્ટેડિયમ માનવ મેદનીથી ખીચો ખીચ ભરેલું છે. લોકો એની જીતને ચીચીયારીઓ પાડી
વધાવી રહ્યા છે એવું એને સતત લાગ્યા કરતું. જ્યારે એ યુએફસી ચેમ્પિયન બન્યો ત્યારે
એણે બાળપણમાં જોયેલા શમણાંનું દ્રશ્ય આબેહૂબ એની નજર સામે ખડું થઈ ગયું હતું. યુવાનીમાં
કોનર પ્લંબરનું કામ કરતો હતો. એ સમયે એની મોટી બહેને એને ‘લૉ ઑફ એટ્રેકશન’ આકર્ષણના સિધ્ધાંત વિશે કહ્યું. શરૂઆતમાં કોનરને બહેનની વાતમાં ખાસ કોઈ
રસ ન પડ્યો. પરંતુ એણે આ વિશે વાંચવાનું અને સાંભળવાનું શરૂ કર્યું.
એણે અનુભવ્યું કે, હૃદય અને
મનમાં ચાલતી વાત અને બહારના વાતાવરણ વચ્ચે બહુ મોટું અંતર છે. ત્યારબાદ એણે ‘વિઝ્યુલાઈઝેશન’
સિસ્ટમના પદ્ધતિસરના પ્રયોગો શરૂ કરી દીધા. આનો આધાર લઈને જ્યારે એણે આયર્લેન્ડ
માર્શલ આર્ટસ ક્ષેત્રે પગરણ માંડ્યા ત્યારે પહેલા દિવસથી જ એ યુએફસીમાં રમતો હોય એવો
એટિટ્યૂડ રાખ્યો. આયર્લેન્ડમાં યુએફસીમાં રમવાનું કોઈ વિચારતું પણ ન હતું ત્યારે
કોનરે પોતાની જાતને યુએફસી ચેમ્પિયન તરીકે જોવા લાગી. એસે એન્ડો છેલ્લા દસ વર્ષથી
યુએફસીનો અપરાજિત યોદ્ધા હતો. એને કોનરે ૧૩મી સેકંડે નોકઆઉટ કર્યો.
વિશ્વની સૌથી શક્તિશાળી બાબત ‘લૉ ઑફ એટ્રેકશન’
છે. વ્યક્તિ એની કલ્પના અને વિચારોના બળે દુનિયાની કોઈપણ સિદ્ધિ
હાંસલ કરી શકે છે. ભવિષ્યમાં વ્યક્તિ જે પ્રાપ્ત કરવા માગે છે, એ વર્તમાનમાં તેણે
મેળવી લીધું છે એ પ્રકારનું ‘વિઝ્યુલાઈઝેશન’ કરવા લાગવું જોઇએ. એનું પરિણામ એ આવે
છે કે, તે જે બનવા માગે છે તે દિશામાં તેના પ્રત્યેક પગલાં હિચકિચાટ વગર ભરાવા
લાગે છે. અંતે એનો વિશ્વાસ સાચો સાબિત થાય છે. નાનું બાળક ક્યારેય કંટાળતું જોવા મળ્યું છે ખરું ?
ચાદર અને ગોદડાનો ડુંગર બનાવે, ઓશિકાનું ઘર બનાવે. કોઈપણ
ખચકાટ વગર જે ધારે એ કરવા મથતું જાય. થોટ, ઈમેજીનેશન અને
વિજ્યુલાઈઝેશન આ ત્રણેય પાસા સબ કોન્શિયસ માઈન્ડ સાથે સીધા જોડાયેલા હોય છે.
વ્યક્તિ જેમ જેમ મોટો થતો જાય એમ સબ કોન્શિયલ માઈન્ડની શક્તિને એ ભુલતો જાય છે.
જો જીતની ખેવના જાહેર કરવાની
હિંમત રાખવામાં આવે તો જ વિજેતા બની શકાય. તકલીફ એ છે કે, લોકો સપના જરૂર જુએ છે
પણ એને પૂરા કરવા બોલી શકતા નથી. સામાન્ય રીતે મોટા કાર્યો અને અપ્રતિમ સિદ્ધિના
વિચારો કરતા લોકો એટલા માટે ડરે છે કે, કદાચ સપનું સાચું નહીં પડે તો ? અથવા જો એ સાકાર થશે તો સખત મહેનત કરવી પડશે તો ? ‘કમ્ફર્ટ
ઝોન’ છોડવાનો ખોફ લોકોને ખાઈ જતો હોય છે. એક વાર ‘વિઝ્યુલાઈઝેશન’
મનમાં આકાર લે, એ પછી ઉત્સાહ ઠંડો પડી જતો હોય છે. માત્ર સફળતાનું
દ્રશ્ય જોવું અને એના માટેની ચાહત પ્રગટ કરવાથી પતી નથી જતું. જીતની ચાહત
લાગણીઓમાં ઓળઘોળ થવી જોઈએ. પ્રતિપળ હૃદય અને મનમાં લક્ષ્ય હાજરા હજૂર હોવું જોઈએ.
ભાવનાઓ અને લાગણીઓ જ્યારે
અનુભવાય ત્યારે તેના આધારે વ્યક્તિના કાર્યો આકાર લેતા હોય છે. સામાન્ય રીતે મનમાં
અનેક વિચારોનું ઘુમરાતા હોય છે. જો બીજા અસંગત વિચારો છોડી ફાઇટર કોનરની જેમ વિજેતા
થવાના વિચારોને દ્રઢતાપૂર્વક વળગી રહેતા આવડી જાય તો ત્યાર પછીના તમામ પગલાં જીતની
દિશામાં જ ઊઠશે. આ માટે સજાગપણે વિચારોની પેટર્ન બદલવી પડે. જ્યારે પણ સબ કોન્શિયસ
માઈન્ડ લક્ષ્યને અપનાવી લે છે ત્યારે ચમત્કાર થતો હોય છે. સફળ થવાનો વિચાર મન ઉપર
હાવી થઈ જાય છે. ઉંઘ ઊડી જાય છે. સૌની પાસે ક્ષમતા એક સરખી છે, પરંતુ જે વિચારો
અને ઇચ્છાને પાગલપનની કક્ષાએ લઈ જઈને અથાક પરિશ્રમ કરે છે એને ‘ચેમ્પિયન’ બનતા
રોકી શકવાની કોઈની તાકાત નથી.
જ્યારે વૈચારિક દ્રઢતા સાથે
સાચી દિશામાં કદમ ઊઠાવાય છે ત્યારે અંદરની રૂકાવટો અને વિટંબણાઓ સમાપ્ત થતી જાય
છે. ‘વર્ક’ અને ‘સ્માર્ટ વર્ક’ માં ફરક છે.
મનમાં લક્ષ્યનું દ્રશ્ય સ્પષ્ટ હોય ત્યારે ‘વર્ક’ ‘સ્માર્ટ
વર્ક’ બની જતું હોય છે. સવાલ એ છે કે, શું
વ્યક્તિ આકર્ષણની શક્તિને પિછાણે છે ખરો ? શું એ સફળ થવાના આ
રામબાણ ઇલાજને સમજવા માંગે છે ખરો ? વ્યક્તિએ સ્પષ્ટ થઈ જવું
પડે કે કોઈપણ વિષયમાં એના વિચાર જ એના લક્ષ્યની પ્રાપ્તિનું મુખ્ય શસ્ત્ર બની જતું
હોય છે. આકર્ષણનો સિદ્ધાંત સૌથી વધુ ત્યારે કામ કરે છે જ્યારે કોઈ બાબતનો વિચાર
કરવામાં આવે અને એ વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. આકર્ષણનો સિદ્ધાંત
મુળભુત રીતે ત્રણ બાબત ઉપર અવલંબિત હોય છે. એક જે પ્રાપ્ત કરવા માગતા હોઈએ એ
વિચારને હૃદયપૂર્વક વારંવાર વાગોળવામાં આવે. બીજું લક્ષ્યને આંખોથી ક્યારેય ઓજલ ન
થવા દેવામાં આવે. ત્રીજું સૌથી અગત્યનું પરિબળ છે જીવનના તમામ નકારાત્મક વિચારોના
પાસાને દૂર હડસેલી દેવામાં આવે. ‘લૉ ઑફ એટ્રેકશન’ જીત માટેની હાથવગી ચાવી છે.
ધબકાર :
‘ઇમોશન’
એટલે ‘એનર્જી મોશન’.





