અંગ્રેજીમાં એક શબ્દ છે ‘કન્વિકશન’. આ શાનદાર શબ્દ અક્ષરોનો એક સમુહ માત્ર નથી. કન્વિકશન શબ્દ જીવનમાં નવતર પરિમાણો પ્રસરાવતો પ્રકાશપૂંજ છે. કન્વિકશન એટલે સ્પષ્ટ વિચાર, દ્રઢ નિશ્ચય, ચોક્કસ સમજણ, ખાતરી, શ્રદ્ધા, વિશ્વાસ અર્થ થાય. આ બધા ઉપરાંત કાનૂની પરિભાષામાં કોઈ ગુનો સાબિત થાય ત્યારે ‘કન્વિકશન’ શબ્દનો પ્રયોગ થતો હોય છે. જો કે, કન્વિકશન માટે રસગુલ્લાની માફક ગળે ઉતરી જતો સીધો અને સચોટ શબ્દાર્થ ‘પ્રતીતિ’ છે.
પોતાના
શમણાં સાકાર કરવા વ્યક્તિને જીવનમાં એકવાર નક્કર પ્રતીતિ થવી જોઈએ. પ્રતીતિ થાય પછી તેની પડખે અડિખમ સતત
ઊભા રહેનારા સપના પૂરા કરી શકે છે. પોતાના વિચારને મૂર્તિમંત કરવા માટે સ્વયં જ દ્રઢતા સાથે સ્પષ્ટ થવું
પડે કારણ કે, તમારા
સપના સાકાર કરવા કોઇ બીજુ ક્યારેય નહીં આવે. વળી પ્રશ્ન એ પણ છે કે, બીજુ કોઈ તમારા સપના પૂરા કરવા માટે આવે પણ
શા માટે ? એ
વાત તો બિલકુલ નિર્વિવાદપણે માનવી પડે કે, જેના હૃદયમાં અને મનમાં સ્પષ્ટ પ્રતીતિ નથી એની પાસે આસમાનને આંબવા
માટે પાંખો નથી. બ્રાઝિલીયન લેખક અને ચિંતક પૉલો કોએલોના મતે
પુસ્તકો જ્ઞાનના દરવાજા ખોલે છે અને રોજેરોજ એ જ્ઞાનના સુચારુ ઉપયોગ દ્વારા ‘કન્વિકશન’નું
પિંડ બંધાતુ હોય છે. જ્યારે
એક ચોક્કસ વિચાર માટે સ્પષ્ટ રીતે ખાતરી થઈ જાય પછી એ દિશામાં ઉપડેલા નાના પગલાં
પણ સાચા લક્ષ્યની દિશામાં આગળ વધવામાં આનંદના માઈલ સ્ટોન જેવા બની જતા હોય છે.
વસ્તુઓ
હોવાનો અને વસ્તુઓ પોતાના અસ્તિત્વમાં ઓલરેડી મૌજૂદ હોવાનો અહેસાસ બે અલગ બાબત છે. રૂપિયા-પૈસા એશો-આરામની ચીજવસ્તુઓ ચોક્કસ લઈ શકશે, પરંતુ શું એનાથી સુખ મળી જશે. ધનાઢ્ય લોકો પણ દુઃખી, વ્યગ્ર અને વિહવળ જોવા મળતા હોય છે. જીવનનું ખરૂ સત્ય ‘કન્વિશન’ની તાકાતમાં પડેલું છે. ‘બેટર’ અને ‘બીટર’ જીવનના બે માર્ગો પૈકી ‘બેટર’નો વિકલ્પ પસંદ કરી ‘બીટર’ને ભુલવાવાળા વિજયી બનતા હોય છે. એક બહેનના જીવનની એક મજાની સત્ય કહાની
છે. એ બહેન જ્યારે ધોરણ બારમાં ભણતા હતા
ત્યારે શાળામાં એના જ ક્લાસમાં ભણતા એક કિશોરે કહ્યું, ‘તું મને બહુ ગમે છે. તું મારી સાથે લગ્ન કરીશ ?’ એ વખતે કિશોરીએ સટાક દઈને જવાબ આપી
દીધો,
‘હું આ દિશામાં
વિચારતી જ નથી મને ખબર નથી કે, તારા અને મારા ભાવિ જીવનના વિચારો મેળ ખાય છે કે નહીં ?’ બરાબર એક વર્ષ પછી કોલેજના પ્રથમ
વર્ષમાં આ યુવાને ફરી પેલી યુવતી સામે પ્રપોઝલ મૂકી ત્યારે યુવતીએ સ્પષ્ટ કહી
દીધું કે, ‘હું
જાણું છું કે પ્રેમ શરતોથી ન થાય પરંતુ આમ છતાં મારી બે શરત છે. એક તો જે લોકો અભાવોમાં જીવે છે એમની
સાથે ભાવપૂર્વક મારે જોડાઈ એમને જીવનભર મદદ કરવી છે અને બીજું ભવિષ્યમાં મારે એક
એવું બાળક દત્તક લેવું છે કે, જેનું કોઈ ન હોય અને એનુ ભવિષ્ય ધુંધળું હોય.’
આ
સાંભળી યુવક તો દિગ્મુઢ થઈ ગયો. તે ત્યાંથી કશુ બોલ્યા વગર ચાલ્યો ગયો. આ વાત એના મનમાં બે વર્ષ સુધી સતત
ઘોળાતી રહી. કોલેજના
છેલ્લા વર્ષમાં પેલો યુવક ફરી પાછો યુવતી પાસે આવ્યો અને બોલ્યો, ‘તેં બે વર્ષ પહેલા મારી સામે મુકેલી બે
શરતો ઉપર મેં ગંભીરતાથી વિચાર કર્યો છે. તારા આ વિચારો અને ભાવનાઓએ મારા ઉપર ચમત્કારિક અસર કરી છે. હું પણ તારી આ વિચારધારામાં વહેવા
માંગુ છું. શું
તું મારી સાથે સહજીવન જીવવા માટે તૈયાર છે ?’ યુવતીએ
સહર્ષ સંમતિ આપી.
યુવાનીમાં દ્રઢીભુત થયેલા વિચારો ઉપર આજે પણ આ યુગલ આનંદથી સહજીવનમાં આગળ વધી
રહ્યાં છે.
આ
આખા પ્રસંગમાં પંદર સત્તર વર્ષની વયે થયેલા જબરજસ્ત કન્વિકશનની વાત છે. કેવી અદભુત શક્તિ હોય છે પ્રતીતિની. એકવાર નક્કી કરી લીધા પછી નિષ્ઠાપૂર્વક
એ પ્રતીતિને વળગી રહેવાથી જીવનમાં આગળના તમામ માર્ગો કેવા આસાનીથી ખુલી જતા હોય છે
! સામાન્ય રીતે બધા ‘કોઈ દિવસ’ની માયાજાળમાં સપડાઈ જતા હોય છે. ‘કોઈ દિવસ’ મારી પાસે સાચુ જ્ઞાન હશે, ‘કોઈ દિવસ’ હું સમાજના ગરીબો-પીડિતો માટે સેવા કરીશ, ‘કોઈ દિવસ’ હું મારું જીવન મારી શરતો
ઉપર આનંદથી જીવીશ વગેરે. યાદ
રહે કે, ‘કોઈ દિવસવાળુ’ ચક્કર ક્યારેય પુરું થવાનું નથી. ચોક્કસ ખાતરી એટલે કે કન્વિકશન થાય પછી
એની પડખેથી ન ખસવું એટલું જ નક્કી કરાય તો બસ બહુ થયું. કોઈ વ્યક્તિને ૫૫ વર્ષો સુધી કોઈ
પ્રતીતિ જ ન થાય અને ૫૫ વર્ષે પણ ૨૦ વર્ષનો હોય એમ વર્તે તો એણે જીવનના ૩૫ વર્ષો
વેડફી નાખ્યા છે એમ જ કહેવાય.
મહાન
બોક્સર મહમ્મદ અલી કહે છે કે, ‘લાઈફમાં ચેમ્પિયન શારીરિક ક્ષમતાઓથી થોડા બનાય છે ? ચેમ્પિયનશીપનું ટાઈટલ તો હૃદયપૂર્વક
થયેલી પ્રતીતિથી નિષ્પન્ન થતી ઇચ્છા, સપના, દ્રષ્ટિકોણ
કેળવવાથી જીતી શકાય છે.’ આંખોમાં કોઈ સપના ભરીને જોવા પડે. નિષ્ફળતાના ડરને બેનકાબ કરવાની હિંમત
રાખવી પડે. ‘કોઈ
દિવસ કરીશ’ના
વિચારોની ગુલામીની બહાર નીકળતા શીખવું પડે.
ગાંધીજીનું
મલ્ટી ડાયમેન્શન વ્યક્તિત્વ હતું. પરંતુ ગાંધીજીના જીવનના કેટલાક પાસાઓએ એમને એમના સમકાલીન લોકોથી અલગ
અને વિશિષ્ટ બનાવી દીધા. જગતના
તમામ દિગ્દજ પર્સનાલિટીઓમાં સ્પષ્ટ વિચારો અને નક્કર પ્રતીતિ ધરાવતા વ્યક્તિ તરીકે
એમની પહેચાન પ્રસ્થાપિત એમણે કરી. એ એટલા માટે યુગપુરુષ કહેવાયા કે એમના ખ્યાલો અને વિચારોને એ જીવનભર ખાતરીપૂર્વક
વળગી રહ્યા. કન્વિકશનની
તાકાતનો વિશ્વમાં ગાંધીજીથી ઉત્તમ કોઈ દાખલો હોઈ જ ન શકે. રીયલ એકશનનું બેકડ્રોબ કન્વિકશન છે.
ધબકાર :
ઇચ્છાઓ લક્ષ્યનો માર્ગ
બતાવતી હોય છે, પરંતુ પ્રત્યેક પ્રયત્નોની પાછળ તો પ્રતીતિ હોય છે.
https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/jan2021/05012021-4.pdf





