પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 23 October 2017

દિવાળી એટલે ‘ફેસ ટુ ફેસ’ મળીને ભેટવાનુ અને સાથે બેસીને મઠીયા ખાવાનુ મજાનુ પર્વ...

દિવાળી એટલે ‘ફેસ ટુ ફેસ’ મળીને ભેટવાનુ અને સાથે બેસીને મઠીયા ખાવાનુ મજાનુ પર્વ...


અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,
યુગો યુગોથી મથે છે દિવો, નોંધાવો કૈંક ફાળો !
તદ્દન સહેલા સમીકરણથી જીવન આજે તાગો,
લાગણીઓને ગુણો હેતથી; વૈરભાવને ભાગો !
અહમ-અસૂયા બાદ કરીને અંદરથી અજવાળો,
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો
રંગોળીના રંગ ઉપાડી રાત-દિવસને આપો,
જાનીવાલીપીનાલાને એક એક ક્ષણમાં સ્થાપો,
સફેદ રંગનો દિવસ દિલના પ્રિઝમમાંથી ગાળો !
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,
યુગો યુગોથી મથે છે દિવો, નોંધાવો કૈંક ફાળો !


જામનગરના કવિ મિત્ર મનોજ જોશી‘મન’ની દિવાળીની ઉજવણીની શીખ આપતી મજાની રચનાવાંચતા જ દિવાળીના પર્વો જાનદાર બની જાય. હદયમાંથી કંઇક સરસ સંકલ્પ કરવાના અબિલ ગુલાલ ઉડવા લાગે. તહેવારો પુષ્પ જેવા છે. ફુલ બનવા જઇ રહેલી કળીનુ સૌદર્ય અનોખુ હોય છે. એ રીતે તહેવારનો ઇંતજાર ફુલ બનવા બેકરાર રૂપની લાલીમાથી ભરપૂર કળી જેવો મોહક લાગે. તહેવારો એકધારા જીવનમાં નવી ઊર્જા સિંચવાનું કાર્ય કરે છે. પરિવર્તન અને બદલાવ ખુશી છે. પર્વો એટલા માટે જ પ્રિય હોય છે. જીવનમાં આનંદ અને ઉલ્લાસનો પ્રાણવાયુ પર્વો છે. જાત-જાતના અને ભાત-ભાતના તહેવારો. દરેક તહેવારની શાન જુદી, ઉજવણીની સ્ટાઈલ જુદી, આનંદનો મિજાજ પણ જુદો. બધા તહેવારોમાં સૌથી શાનદાર અને જાનદાર તહેવાર જો કોઈ હોય તો એ દિવાળી છે. બધા પર્વોમાં દિવાળીનો તહેવાર જ એક એવો તહેવાર છે કે જેને અબાલવૃ્દ્ધ સૌ કોઈ આખુ વર્ષ રાહ જોઈને બેસે છે. જેના માટે આખુ વર્ષ રાહ જોઇ છે એ દિવાળી આજથી બરાબર બે દિવસ પછી ઝગમગવાની છે. ગામેગામ અને શહેરોના પ્રત્યેક આંગણા દીપમાલાથી ઝગારા મારવાના છે. આજે ધનતેરસનુ પર્વ... લક્ષ્મી માતાના પુજનનુ મહાત્મ્ય. આમ તો ગઇ કાલ વાકબારસ મા સરસ્વતીની ઉપાસનાથી દીપાવલીના શાનદાર અને જાનદાર તહેવારોના ઉમંગ ઘરે ઘરે પથરાવા લાગ્યો છે.



સંસ્કૃતમાં દીપાવલીનો અર્થ શ્રેણીબદ્ધ દીવડાનો પ્રકાશએમ થાય છે. ગુજરાતીમાં જેમ આપણે દિવાળી કે દિવાલી કહીએ એમ બંગાળીમાં દિપુલી કે દિપાલી કહે છે. જ્યારે મરાઠીમાં ગુજરાતીની જેમ દિવાળી કે ડીપાબલી’, પંજાબીમાં દીવલી’, ‘દિયરી નેપાળીમાં, ‘સ્વન્તિકે તિહાર’, બાલિનીસમાં ગાલુનગનતામીલમાં તીપાવલી તરીકે આ તહેવાર શાનથી ઉજવાય છે.
અંધકારથી ઉજાશ તરફ, અનિષ્ટથી ઈષ્ટ તરફ લઈ જતું આ પ્રકાશનું પર્વની ભારત ઉપરાંત ફીજી, ગુયાના, મલેશિયા, મોરેશિયસ, આનચાન, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, સુરીના, ત્રીનીદાદ અને ટોબેગો દેશોમાં અધિકૃત જાહેર રજા હોય છે.
સામાન્ય રીતે દશેરાના તહેવાર બાદ અઢારમાં દિવસે ધનતેરસથી દિવાળીના તહેવારો શરૂ થાય છે. દિવાળીના તહેવારને પર્વોનો મહારાજા એટલે પણ કહેવાય છે કે, એક સાથે વિવિધ તહેવારો ઝૂમખું લઇને દિવાળી આવે છે. વાકબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ. પ્રત્યેક તહેવારનો મહિમા અલગ, ઉજવણીની ભાત જુદી. સરસ્વતી માતાની પુજાથી વાકબારસની ઉજવણી થાય તો લક્ષ્મી માતાના પુજનથી ધનતેરસ મનાવાય. અનિષ્ટને દૂર કરવા માટે કાળી ચૌદસ. કાળી ચૌદસ નરક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર રાક્ષસનો વધ કરી લોકોને એના ત્રાસથી લોકો મુક્ત કર્યા હતા. આ તહેવારમાં શક્તિ મેળવવા મહાકાળી માતાના ભાવપૂર્વક પૂજન- અર્ચનથી કરવામા આવતું હોય છે. શ્રૃષ્ટિના સર્જનહાર વિષ્ણુ ભગવાનની સ્તુતિ સાથે દિવાળી. વૈશ્ણવો ચોપડાપૂજનથી આખા વર્ષનું સરવૈયાની મેળવણી કરે છે. બીજી રીતે એમ પણ કહેવાય કે, આ દિવસે આખા વર્ષ દરમિયાન કરેલા કર્મોના લેખા જોખા કરી અત્મમંથન કરઈને દિવાળીનું પર્વ ઉજવવાનુ હોય. મંદિરો અને શિવાલયોની ઝાલર અને ઘંટારવના મંગળ નાદ સાથે નવા વર્ષની ઉજવણીનો શુભ દિવસ એટલે નૂતન વર્ષ. ભાઈ-બહેનના પ્રેમની ઉજવણીનો તહેવાર ભાઇ-બીજ. આ દિવસે યમનાજીએ તેમના ભાઇ યમરાજાને ઘરે બોલાવી હેતપૂર્વક જામાડ્યા હતાં. આ દિવસ સત્વશીલ દ્રષ્ટીની પ્રેરણા આપે છે. પ્રત્યેક પુરૂષ સમાજની દરેક  નારીમાં બહેનના અને દરેક મહિલા પ્રત્યેક પુરૂષમાં તેના ભાઇના દર્શન કરવાની દ્રષ્ટી ખિલવવાની આ દિવસ પ્રેરણા આપે છે. આટલા બધા વિવિધ શેડથી દીપાવલીના પર્વો સ્વભાવિક રીતે જ અનોખા બની જતા હોય છે.



પૌરાણિક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, ઉનાળાની બળબળતી ગરમી બાદ કાર્તિક મહિનામાં દિવાળીના તહેવારોની હિન્દુ ધર્મના લોકો આનંદથી ઉજવણી કરતા હોય છે. ભારતનાં કેટલાક રાજ્યોમાં હિન્દુઓ દિવાળીને યમ અને નચિકેતાના સંવાદ સાથે સાંકળે છે. તેમની માન્યતા અનુસાર જે રાત્રિએ નચિકેતાએ યમ સાથે જીવન અને મૃત્યુ અંગેના ગુઢ રહસ્યો અંગે વાર્તાલાપ કર્યો અને નચિકેતાને જીવનના રહસ્યોના જ્ઞાનનો પ્રકાશ આ દિવસે સાંપડ્યો એ દિવસ એટલે દિવાળી. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફના પ્રયાણનો પ્રસંગ દિવાળી તરીકે ઉજવાય છે. કઠોપનિષદમાં પ્રથમ સહસ્ત્રાબ્દીમાં આલેખાયેલી નચિકેતાની જ્ઞાનની આ વાતને દિવાળીની રાત્રિ સાથે સાંકળવામાં આવે છે.
સાતમી સદીમાં સંસ્કૃત નાટક નગનંદમાં રાજા હર્ષે દીપપ્રતિપદુત્સવતરીકે દીપાવલીનો ઉલ્લેખ કર્યો છે. દીપ એટલે પ્રકાશ, પ્રદિપદ એટલે પ્રથમ દિવસ અને ઉત્સવો એટલે તહેવાર. જ્યાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં અને નવા વરદાનની ભેટ આપવામાં આવી એ રાત્રિ એવો ઉલ્લેખ આ નાટકમાં જોવા મળે છે. આ ઉપરાંત નવમી સદીમાં રાજશેખરાની કાવ્ય મિમાંસામાં દીપાવલીનો દીપમાલિકા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. એમાં એમ પણ જણાવાયું છે કે, આ દિવસે ઘરો રંગબેરંગી કલરથી રંગવામાં આવે છે અને તેલના દીવા કરી ઘરો, શેરીઓ અને બજારોને શણગારવામાં આવે છે. પ્રસિદ્ધ પર્શિયન ઇતિહાસકાર અને પ્રવાસી અલબિરુનીએ ૧૧મી સદીમાં નોંધ્યું છે કે, કાર્તિક માસમાં નવો ચંદ્રમાં સોળે કળાએ આકાશમાં દેખાય તે પૂર્વે હિંદુઓ દિવાળીની રાત્રિની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરતા હોય છે.
દીપાવલી અને નૂતનવર્ષનું સૌથી આકર્ષક પાસુ જો કોઈ હોય તો શુભેચ્છાની આપ-લે છે. બીજા વ્યક્તિ માટે આવનારા દિવસોની મંગલમયી શુભકામનાઓ સંબંધોને વધુ મહેકાવે છે. આજથી બે અઢી દાયકા પૂર્વે કલાત્મક દિવાળી કાર્ડ અને તેમાં અલંકારિક ભાષામાં લખાયેલા શુભેચ્છા સંદેશ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી. દિવાળી કાર્ડ આનંદપૂર્વક જોવાતા. રસપૂર્વક એનો સંગ્રહ થતો. મિત્રો અને સગાઓને એ બતાવવામાં મોજ પડતી. મોબાઈલ અને નેટના ટેકનોલોજીકલ પરિવર્તને આજે શુભેચ્છા અભિવ્યક્તિની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. દિવાળી કાર્ડની વાત તો આજે ૧૦-૧૫ વર્ષના બાળક માટે અજાયબ વાત બની જાય. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટા વગેરેએ શુભેચ્છા સંદેશના સ્વરૂપનો ધરમૂળમાંથી ફેરફાર કરી દીધો છે.
દીપાવલીનો એક આનંદ મજેદાર વાનગીઓની લહેરથી લીજ્જત માણવાનો પણ છે. મઠીયા દિવાળીનો રાજા છે. દિવાળીના દિવસોમાં ઘુઘરા, ચોળાફળી, મોહનથાળ, કાજુકતરી, અંજીર રોલ, પૌંઆનો ચેવડો વગેરે વાનગીઓ સ્વર્ગ લોકની પરીઓ જેવી લાગતી. જો કે, હવે આમા પણ નવા જમાનાની હવા લાગી ગઈ છે. રેડીમેડ ફરસાણ, મીઠાઈનો ટ્રેન્ડ વધતો જાય છે. વળી પચાસ ટકા લોકો તો ઘરને તાળા મારી પાંચ દિવસ ફરવા નીકળી જાય છે. નવી તરાહનો સ્વીકાર અને સત્કાર જરૂર પણ સાથોસાથ પરંપરાનો હાર્દ સચવાય તો ઉત્સવના આનંદની નવી ફ્લેવર વધુ મજેદાર બને. ઘરને તાળા મારીને બહારગામ ફરવાની મજા ચોક્કસ હોય પરંતુ નવા વર્ષે એક બીજાને મળી હગકરી શુભેચ્છા પાઠવવાનો આનંદ અનોખો જ હોય. એ તો જ્યારે મિત્રોને, સગાને, બાળકોને વહાલથી ભેટો ત્યારે જ ખબર પડે. આ દિવાળીમાં એટલો સંકલ્પ કરીએ કે બધા જ મિત્રો અને સબંધીઓને ફોન દ્વારા કે ફેસબુક - વોટ્સએપ ઉપર ચોક્કસ શુભકામના સંદેશ પાઠવીશુ જ અને સાથે એ પણ રીઝોલ્યુશન લેવાનુ ન ચુકાય કે, જેટલાને ફેસબુક – વેટ્સએપ ઉપર ‘હેપ્પી ન્યુ યર‘ના મેસેજ કર્યા હોય એમને ‘ફેસ ટુ ફેસ’ મળી ભેટીને શુભકામના પાઠવવાની છે... એમની સાથે બેસી મિઠાઇ, મઠીયા, ઘુઘરા, સેવ ખાવાની છે... બધા તહેવારોની મોજ અને મસ્તી હોય છે પણ દિવાળીનો દમામ અને મિજાજ કંઈક ઓર હોય છે.

ધબકાર :
દીપકની જ્યોતને કોઈ પાક્કા ઠેકાણા કે સરનામાની ક્યાં જરૂર હોય છે, એ તો જ્યાં રાખો ત્યાં અજવાળું અજવાળુ.



યુએસ આર્મીની 17-c સાયબર ફોર્સના વિશેષજ્ઞો અંગે ‘એલાર્મિંગ રીપોર્ટ’

યુએસ આર્મીની 17-c સાયબર ફોર્સના વિશેષજ્ઞો અંગે ‘એલાર્મિંગ રીપોર્ટ’
-     પુલક ત્રિવેદી

અમેરિકાના દાદુ મેથેમેટીસીયન અને તત્વચિંતક અને જાગતું નામ એટલે નોરબર્ટ વિનર. નોરબર્ટે ‘સાયબર’ નામના એક જોરદાર શબ્દની વિશ્વને ભેટ આપી. ‘સાયબર’ શબ્દનો ઓક્ષફોર્ડ ડીક્ષનેરીમાં જણાવ્યા મુજબ સીધો સાદો અર્થ થાય છે કે, કોમ્પ્યુટર, ઈન્ફર્મેશન ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિઆલીટીની દુનિયાની લાક્ષણિકતા અને એના સંબંધોની પરિભાષાની અભિવ્યક્તિ.
        આજનો યુગ એટલે ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ‘સાયબર’નો યુગ છે. દુનિયા આખી સમેટાઈને મોબાઈલની  5*3ની સ્ક્રીન અને કમ્પ્યુટરના મોનીટરમાં આવીને મનુષ્યની આંગળીના ટેરવે ઊભી છે. આજના યુગમાં પ્રતિદિન સૌથી વધુ ઉપયોગમાં લેવાતો કોઈ શબ્દ હોય તો એ ‘સાયબર’ છે. ‘સાયબર’ શબ્દને જોડીને મસમોટા અર્થો વિશ્વના તત્વચિંતકો સમજાવતા હોય છે. ‘સાયબર વર્લ્ડ, સાયબર થેપ્ટ, સાયબર સેફટી, સાયબર ધીસ... ધેટ... વગેરે વગેરે.



‘સાયબર’ની આ વિશાળ દુનિયા સમજતા પહેલાં થોડી ઈન્ટરનેટની દુનિયામાં પણ ડોકિયું કરી લેવું જોઈએ. ‘સાયબર’ વિશ્વનો વ્યાપ અને ઉપયોગિતાની જાણકારી માટે પણ એ જરૂરી છે. સિસકો એન્ડ ઓક્ષફોર્ડ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ ૩૩.૫ મેગાબાઈટ પર સેકન્ડની ડાઉનલોડ સ્પીડ સાથે સાઉથ કોરિયા ઈન્ટરનેટ ફેસેલીટીઝમાં વિશ્વમાં નંબર વન છે. જે બીજા નંબરે આવતા હોંગકોંગ કરતાં ત્રણ ગણી ડાઉનલૉડીંગની સ્પીડ ધરાવે છે. સાઉથ કોરિયામાં ૧૭ મેગાબાઈટ પર સેકન્ડની અપલોડીંગ સ્પીડ છે. હિન્દુસ્તાનમાં સામાન્ય રીતે બેથી ચાર એમબીપીએસની સ્પીડ એટલે ભયો ભયો. ઈન્ટરનેટ વપરાશકારોમાં થયેલા જબરજસ્ત વધારાને કારણે સાયબર વિશ્વની આજે બોલબાલા છે. આફ્રિકામાં વર્ષ ૨૦૦૫માં બે ટકા ઈન્ટરનેટ યુઝર્સ હતાં જે ૨૦૧૦માં ૧૦ ટકા ઉપરાંત થઈ ગયા છે. અમેરિકામાં ૨૦૦૫માં ૩૬ ટકા વધીને ૨૦૧૦માં ૪૯ ટકા થયા છે. એરિબયન કન્ટ્રીઝમાં આઠ ટકા ઉપરથી ૨૬ ટકા, એશિયન કન્ટ્રીઝમાં નવ ટકા ઉપરથી ૨૩ ટકા અને યુરોપીયન કન્ટ્રીઝમાં ૪૬ ટકાથી વધીને ૬૭ ટકા થયા છે. ઈન્ટરનેટ યુઝર્સમાં થયેલો આ વધારો ટેલિકોમ્યુનિકેશનની દુનિયામાં છેલ્લા પાચથી દસ વર્ષમાં આવેલા જબરજસ્ત ઉછાળાની ગવાહી આપે છે. કોઇકે મજાકમાં કહ્યું હતુ કે સમુદ્રમાં જળ નાખી માછ્લી પકડતા માછેમારને માછ્લીએ શ્રાપ આપતા કહ્યું હતું કે એક દિવસ તમે પણ બધા જાળમાં સપડાશો. આ મજાકને જાણે ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશને આપેલા આંકડાએ સાચી ઠેરવી છે. ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશનના આકડા કહે છેકે, ૩.૨ બિલિયન લોકો એટલે કે વિશ્વના અડધા ઉપરાંત લોકો ‘નેટ’થી જોડાયેલા હોય છે અને એ લોકો ઓનલાઈન હોય છે. જેમાંથી બે બિલીયન ડેવલપીંગ કન્ટ્રીના અને ૮૯ મિલિયન ડેવલપ્ડ કન્ટ્રીના છે.
આટલી પૂર્વ ભૂમિકા પછી અમેરિકાની આર્મ્ડ ફોર્સમા સાયબર ક્રાઇસિસની કહાની જોઇએ. આજકાલ વ્હાઇટ હાઉસ લશ્કરમાં સાયબર કામગીરી કરતાં વિશેષજ્ઞો કે જેને અમેરિકાની સેવન્ટીન-સી (17-c) સાયબર ફોર્સ કહેવાય છે તેનાથી ઉપર ચિંતન કરી રહ્યા છે. 17-c સાયબર ફોર્સના વિશેષજ્ઞો લશ્કરની જોબમા આવવાના બદલે ઊંચા પગારે ખાનગી ક્ષેત્રના સાયબર વર્લ્ડમાં નોકરી કરવા જઈ રહ્યા છે. આ બાબત અમેરિકન ટોપ મિલિટરી સર્વિસિસ માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. અમેરિકાના રેન્ડ કોર્પોરેશનના વરિષ્ઠ અર્થશાસ્ત્રી જેની ડબલ્યુ વેંગરે તાજેતરમાં આપેલા એક સંશોધન અહેવાલનો આ હાર્દ વાંચીને અમેરિકન આર્મીના ટોપ ઓફિશિયલ ચોંકી ગયા છે. જેની વેંગર્સ ઉત્તર કોરોલીના, ચેબલહીલ યુનિવર્સિટીમાંથી પી.એચડી. થયા છે. આર્મ્ડ ફોર્સિસ ઓફિશિયલ્સના આશ્રિતોના શૈક્ષણિક અનુભવોના વિવિધ પાસાઓના ઉપરના સંશોધન અહેવાલના દસ્તાવેજીકરણના કાર્યમાં એમનો સિંહફાળો રહ્યો છે.



જેનીના અહેવાલમાં જણાવ્યા અનુસાર અમેરિકન આર્મીના સાયબર નિષ્ણાતોના વેતનની સામે ખાનગી ક્ષેત્રમાં સાયબર રિલેટેડ કામગીરી કરવા માટે મળતાં વેતન અને તકો આર્મી રિલેટેડ સાયબર વર્ક કરતા વધારે હોઇ એ બાબત અમેરિકન આર્મીના સાયબર એરીયાને ગંભીરપણે અવરોધ ઊભો કરી શકે એમ હોવાનુ જણાયુ છે.
અમેરિકાના નાગરિક વ્યવસાય હવે 17-સીની ફરજોને નોંધપાત્ર રીતે ઓવરલેપ કરીને યુએસના લોકોને આકર્ષી રહ્યા છે. જેનીના સંશોધનની મુળતઃ વાત અમેરિકાની આર્મ્ડ ફોર્સીસની આ એલાર્મીંગ સિસ્ટમને ગાઈ-વગાડીને કહી રહી છે. સિવિલિયન સાયબર સિક્યોરિટી એનેલાઇઝીંગની વાસ્તવિક વેતનની  પરિભાષા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના આર્મી પર્સોનલની વિભાવના સાથે મેળ ખાતી નથી. અમેરિકન સાયબર ટેકનોક્રેટ્સને સિવિલિયન સાયબર સિક્યોરિટી એનેલાઇઝીંગમાં વધુ તકો દેખાય છે. એના પરિણામે અમેરિકન આર્મીમાં આવા ટેકનોક્રેટ્સની ગંભીરપણે ભવિષ્યમાં અછત ઊભી થવાની સંભાવનાને નકારી શકાય નહીં. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ વિશ્વ જમાદાર તરિકે એનો દબદબો જારી રાખવો હશે તો રેન્ડના અહેવાલ ઉપર ધ્યાન આપી યુએસ આર્મીની સાયબર નિપુણતા જાળવી રાખવા કમર કસવી પડશે. આ ક્ષેત્રમાં ઓવર કોન્ફિડંસ યુએસ આર્મીને ભારે પડી શકે છે.  
જેનીનો આ અહેવાલ એટલા માટે મહત્વનો બને છે કે જેની રેન્ડ કોર્પોરેશનની શોધકર્તા છે. રેન્ડ અમેરિકાની નોન પ્રોફીટેબલ ગ્લોબલ પોલીસી થીંક ટેન્ક તરીકે ઓળખાય છે. મૂળતઃ ડગ્લાસ એરક્રાફ્ટ કંપની દ્વારા અમેરિકાના સશસ્ત્ર દળો માટે સંશોધન અને વિશ્લેષણ પૂરું પાડવાનું કામ આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન-રેન્ડ દ્વારા કરવાના ઉદ્દેશ્ય સાથે રન્ડની સ્થાપના થઇ હતી. રેન્ડના શોધકાર્ય માટે આર્થિક સહયોગ અમેરિકન ગવર્નમેન્ટ ખાનગી સંસ્થાઓ, કોર્પોરેશનો અને યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવે છે. જો કે હમણાં હમણાંથી રેન્ડે ખાનગી ફાઉન્ડેશનો અને આંતરરાષ્ટ્રિય સંગઠનો સાથે આરોગ્ય સંબંધી બિનસંરક્ષણ મુદ્દાઓ ઉપર પણ કામ કરવા માટે સંમતિ આપી કાર્ય વિસ્તરણ શરૂ કર્યું છે. રિસર્ચ વર્ક સાથે સંકળાયેલા અંદાજે ૧૭૦૦ જેટલાં લોકો રેન્ડ સાથે જોડાયેલા છે. પેન્ટામોનિકા, કેલિફોર્નિયા, આર્લિંગ્ટન, વર્જિનીયા, પીટ્સબર્ગ, પેન્સિલવેનિયા, સેનફ્રાન્સિસ્કોના બે વિસ્તારો – બોસ્ટન, મેસેચ્યુસેટ્સ, ન્યુઓર્લિયેન્સ, લ્યુઈસિયાના, યુરોપમાં કેમ્બ્રીજ, યુનાઇટેડ કિંગડમમાં બ્રસેલ્સ અને ઑસ્ટ્રેલિયાના કેનબેરામાં રેન્ડ કોર્પોરેશનની કચેરીઓ આવેલી છે. યુનાઈટેડ નેશન્સ આર્મી એરફોર્સના કમાન્ડર જનરલ હેન્રી એચ. આર્નોલ્ડ દ્વારા ભવિષ્યમાં યુદ્ધના શસ્ત્રો સંદર્ભે લાંબા ગાળાની યોજનાઓના અભ્યાસ માટે માર્ચ ૧૯૪૬માં ડગ્લાસ એરક્રાફ્ટ કંપનીએ ઓપરેશન્સ રિસર્ચ પદ્ધતિ અપનાવી. ડગ્લાસ દ્વારા ઈન્ટર કોન્ટીનેન્ટલ વોર ઉપર સંશોધન કરવા માટે રેન્ડને સૂચવાયું. મે-૧૯૪૬માં પ્રાયોગિક ધોરણે વર્લ્ડ સર્કલિંગ સ્પેસશીપની પ્રારંભિક ડિઝાઈન રજૂ કરવામાં આવી હતી અને મે-૧૯૪૮માં ‘પ્રોજેક્ટ રેન્ડ’ ડગ્લાસથી અલગ થઈને સ્વતંત્ર બિનનફાકારક સંગઠન બન્યું. હાલમાં માઈકલ બી રીચ ‘રેન્ડ કોર્પોરેશન’ના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર છે.
ક્ષેત્ર કોઈપણ હોય શોધ અને સંશોધનનો દબદબો હંમેશા રહેતો હોય છે. પરિવર્તન એ જીવનનો ક્રમ છે. પરિવર્તન માટે સંશોધન અને અભ્યાસ પાયાની બાબત છે. રેન્ડ જેવી સંસ્થાઓ સંશોધનના બલબુતા ઉપર વિશ્વને નવી દ્રષ્ટિ આપતાં હોય છે. તાજેતરમાં રેન્ડ કોર્પોરેશન દ્વારા એક અહેવાલમાં અમેરિકા, રશિયા અને ચાઈનાને ચેતવવામાં આવ્ય હતા કે, તેમના દેશમાં બનાવાતી મિસાઈલ ટેકનોલોજી ઝડપથી વિકાસ પામી રહેલા ત્રીજા વિશ્વના દેશોને ન વેચવી જોઇએ. જો અમેરિકા, રશિયા અને ચીન આ ચેતવણી અવગણશે તો તેના દુષ્કર પરિણામો ભવિષ્યમાં બહુ જ ખતરનાક રીતે આવશે. મોટી વિડંબણા તો એ છે કે, શસ્ત્રો વેચવાની હોડમા અગત્યના સંશોધનો અવગણવામા આવે છે અને એ બહુ સાહજિક બાબત બની ગઇ છે.
સામાન્ય રીતે કોઈપણ સંશોધનના તારતમ્યોના  વિગતવાર અભ્યાસ અને ઊંડા ચિંતનમાંથી આવતા હોય છે. સંશોધન એ અભ્યાસ અને ચિંતન પછીનું ત્રીજું પગથીયું છે. અને સંશોધન બાદ પૃથક્કરણ, અમલીકરણ અને પછી પરિણામ. આમ કુલ છ તબક્કામાં શોધ કાર્યની પ્રક્રીયા પસાર થતી હોય છે. શોધકાર્ય જેટલું સચોટ એટલું પરિણામ નક્કર અને સંવેદનશીલ.

ધબકાર -
જ્યારે આપણે જાણતા હોઇએ કે આપણે શું કરી રહ્યા છીએ, તો તે સંશોધન કહેવાય જ નહીં.

                                                                                  આલ્બર્ટ આઈન્સ્ટાઈન