પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 27 December 2016

પડે કે ડગમગે પણ અટકે નહીં એ સંકલ્પવાન.

પડે કે ડગમગે પણ અટકે નહીં
એ સંકલ્પવાન
                                        -  પુલક ત્રિવેદી

બનારસમા ફેકટરીઓના ઘોંઘાટવાળા વિસ્તારમાં ધનાઢ્યોની કોલોની પાસે એક સાંકડી ગલીમાં નાનકડી ભાડાની ખોલીમાં રહેતા પરિવારના હોનહાર છોકરાની આ વાત છે. છઠ્ઠા સાતમામાં ભણતો આ છોકરો એક દિવસ રમતા રમતા એના મિત્ર સાથે તેના બંગલામાં પહોંચી ગયો. મિત્રના પિતાજીએ આ બાળકને જોઈને એની ઉપર ગુસ્સે થઈ ગયા ધમકાવીને એમણે આ છોકરાને કહ્યું, ‘ તારા જેવા પરિવારના છોકરાઓની મારા ઘરમાં આવવાની હિમ્મત થઈ કેવી રીતે ? ’ આમ કહીને હાથ પકડીને એને બંગલાની બહાર કાઢી મૂક્યો. એ ચોંકી ગયો અંકલના આવા બેહુદગીભર્યા વર્તનથી. દસ-બાર વર્ષના આ નાના બાળકને ખબર જ ન પડી કે અંકલ એકદમ મારી ઉપર ગુસ્સે કેમ થઈ ગયા ?

        દિવસો સુધી આ બાળકના મનમાં મિત્રના પિતાજીએ કરેલો ગુસ્સો અને વર્તણૂંક સતત ઘુમરાતા રહ્યાં અને એનો જવાબ શોધવા એનું બાળમાનસ મથતું રહ્યું. પણ તેને કોઈ જવાબ ન મળ્યો. આ બાળકે એની ગલીમાં રહેતા એક વરિષ્ઠ સજ્જનને એના મિત્રના પિતાજીએ કરેલા ગુસ્સાની વાત કરી અને પૂછ્યું ‘મારા કોઈપણ વાંક વગર એ અંકલે મારી ઉપર ગુસ્સો કરીને મને એમના ઘરની બહાર કેમ કાઢી મૂક્યો ?’ ગલીના વરિષ્ઠે બાળકને સમજાવું કે, ‘બેટા તારા પરિવારના સામાજિક ‘બેગ્રાઉન્ડ’ને કારણે એ અંકલે તારી ઉપર આવો ગુસ્સો કર્યો.’
બાળકે સહજતાથી પૂછ્યું ‘ મારું આ બેગ્રાઉન્ડ કેવી રીતે બદલી શકાય ?’  

પેલા વરિષ્ઠે જવાબ આપ્યો ‘તારા પિતાજીનો વ્યવસાય બદલાય અથવા તું તારી જાતને સમાજમાં એવા સ્થાને મૂકી દે કે એની ઉપર જવાનું કોઈ કલ્પી ન શકે.’
બાળકે ફરી પ્રશ્ન કર્યો, ‘આ દેશમાં એવું શું છે કે, એની ઉપર જવાનું કોઈ વિચારી ન શકે ?’
વરિષ્ઠે મજાકમાં કહ્યું કે, ‘ તું આઈ.એસ. બની જાય તો એની ઉપરની કોઈ જોબ નથી.’

બસ, એ દિવસે આ બાળકે દ્રઢ સંકલ્પ કર્યો કે, હું આઈએએસ બનીશ. પાંચ વ્યક્તિનો પરિવાર. બાર બાય આઠની ભાડાની ખોલી. આસપાસ ફેકરીઓ અને જનરેટરનો ઘોંઘાટ. આર્થિક સંકડામણ અને ઉપરથી આસપાસના લોકોના મહેણાં-ટોણાં. હદ તો ત્યાં સુધીની હતી કે, આ બાળકની બહેન ભણવા જતી તો લોકો ચીઢવતા કે, ‘તું શું કામ ભણવા જાય છે. આના કરતાં તો બે-ચાર ઘરે કામ કરીશ તો તારા પરિવારને મદદ થશે ?’ આ બાળક પણ જ્યારે ભણતો હોય ત્યારે લોકો મશ્કરી કરતાં કે, ‘ભાઈ, તું ભણીને શું કરીશ ? વધુમાં વધુ એક ને બદલે બે રિક્ષા આવશે...’
બેટાના અભ્યાસ માટે પિતાજીએ દિલ્હીમાં રિક્ષા ચલાવી. સખત મહેનત કરી. દેવું કર્યું અને દીકરાને ભણાવ્યો. મજબૂત સંકલ્પ અને સખત મહેનતના બળે દીકરો પણ યુપીએસસીની લેખિત પરીક્ષાઓમાં પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ થઈ ગયો. ઈન્ટરવ્યૂ માટે જવાનો સમય આવ્યો ત્યારે આ છોકરા પાસે સારા કપડાં અને બૂટ નહોતા. આ સમસ્યા દૂર કરી સાસરે ગયેલી મોટી બહેને. બહેને આપ્યા રૂ. ૨૦૦૦. પણ આ ૨૦૦૦ રૂ. આપવા પાછળનો ઇતિહાસ પણ આંસુડા નિકળી જાય એવો છે. બહેને એની ડિલીવરી માટે બચાવી રાખેલા પૈસા ભાઈને ઈન્ટરવ્યૂ માટે આપી દીધા.
        આખરે આ છોકરાના દ્રઢ સંકલ્પે શાનદાર ભવિષ્યનું સોણલું સાકાર કર્યુ. આ સંકલ્પવાન છોકરો એટલે ગોવિંદ જયસ્વાલ. એક રિક્ષા ચાલકનો દીકરો દ્રઢ સંકલ્પ અને જોરદાર મહેનતથી દેશની સૌથી અઘરી અને ઉચ્ચત્તમ ગણાતી નોકરી સનદી અધિકારી બનવાની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયો અને સનદી અધિકારી બન્યો.
        કામિયાબી ક્યારેય મોટી નથી હોતી. કામિયાબી મેળવનારનો દ્રઢ સંકલ્પ મોટો હોય છે. આપણે એમ કહેતાં હોઈએ છીએ કે તીરાડો મોટી છે, પણ તીરાડો ક્યારેય મોટી ન હોય. મુશ્કેલીઓ, વિડંબણાઓ, પ્રશ્નોની દરારની મોટી સાઇઝ જોયા કરવાવાળો ક્યારેય વિકસી ન શકે. દ્રઢ સંકલ્પ અને મજબૂત મનોબળથી પ્રશ્નોની તીરાડ પૂરવાવાળો જ જીતતો હોય છે. આગળ વધતો હોય છે અને સફળ થતો હોય છે.
        એક મિત્રનો દીકરો ૧૨મા ધોરણમાં ભણતો હતો. આ બાળક ખૂબ હોંશિયાર, ખૂબ મહેનતુ. ૧૨મા ધોરણની શાળાની તમામ આંતરિક પરીક્ષામાં એ અવ્વલ રહેતો. પ્રિલીમ પરીક્ષામાં પણ એ આખી શાળામાં ૯૮ ટકા લાવીને પ્રથમ આવ્યો અને ૧૨મા ધોરણની ફાઈનલ પરીક્ષાના પચીસેક દિવસ પહેલા ટ્યુશને જતાં મોટરસાઈકલ પરથી સ્લીપ થયો. પગમા ફ્રેકચર થયું. ડોકટર બનવાનું એનું સ્વપ્ન રોળાઈ જશે એમ બધા જ વિચારતાં હતાં. પણ આ બાળકે દ્રઢ મનોબળથી કરેલા નિર્ધાર અને સંકલ્પે એને ડગવા દીધો નહીં. મહેનતમાં કોઈ કચાશ રાખી નહીં. હાડકાના મસમોટા દર્દને એણે એના સંકલ્પની સંજીવનીથી નેસ્તનાબુત કરી નાખ્યું. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે આ મિત્રનો દીકરો ૯૯ ટકા માર્ક સાથે ઉત્તીર્ણ થયો. એ મનપસંદ મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શક્યો.

નિર્ણય લેવો પડે કે, જિવનમાં ક્યારેય અટકશો નહીં. શક્ય છે કે, તમે લડખડાઓ, પડો પણ ખરા પણ અટકવાનું કે પાછા વળવાનું નથી. હંમેશા સંકલ્પ નજર સામે રાખીએ અને બસ એની માટે લગનથી આગળ ધપતા રહેવાની જ મજા છે. જીવનમાં ક્યારેય કશું ઓછું હોતું જ નથી. વચમાં જ્યારે પણ જે અટકે અથવા પાછો વળે તો નિઃસંદેહપણે સમજવું કે એ વ્યક્તિ સંકલ્પવાન નથી. પડે, આખડે, લડખડાય પણ અટકે નહીં એ સંકલ્પવાન કહેવાય.
હારવાનું તો લક્ષ્યથી જોજનો દૂર જ હોય, કારણ કે મન-મસ્તિસ્કમાં ગાંઠ વાળવી પડે કે જીતનો કોઇ પર્યાય નથી, એનો કોઈ વિકલ્પ નથી. પતંગને તેના ભવિષ્યની ખબર છે કે, તેણે કપાઈને ફાટી-તુટીના કચરાના ઢગલામાં જ જવાનું છે. પણ કચરાના ઢગલામાં પડવાનું છે એ ભવિષ્યને મનમાં વાગોળીને ખૂલા આસમાનમાં ઉડવાનો દ્રઢ સંકલ્પ એ છોડી ન શકે. જ્યારે આસમાનમાં ઉડવાનો જ સંકલ્પ કર્યો હોય તો પછી ગગનની વિશાળતા જોઈને ગભરાઇને બેસી રહેવાનું વ્યર્થ છે. આકાશમાં ઉડવાનો આનંદ અને એનો સંકલ્પ એ જ સૌથી અગત્યની વાત છે.
મોટું વિચારો, જલ્દી વિચારો, આગળ વિચારો. તમારા વિચારો ઉપર તમારો જ અધિકાર છે. તમારા સંકલ્પ તમારી પાંખ છે. સંકલ્પની દ્રઢતા ઉડાનને આસાન બનાવે છે. એક ઇચ્છાથી કશું ન બદલી શકાય. એક નિર્ણયથી કદાચ થોડું ઘણું બદલી શકાય. પણ એક સંકલ્પથી ઘણું બધું બદલી શકાય. ઇચ્છાઓના બીજ ત્યારે જ અંકુરિત થઈ વટવૃક્ષ બને જ્યારે એને દ્રઢ નિશ્ચય અને મજબૂત સંકલ્પની ફળદ્રુપ ભૂમિમાં વાવવામાં આવે. એ વ્યક્તિને હરાવવો ખૂબ મુશ્કેલ છે કે જે હારવા માંગતો જ નથી. એક બાબત મનમાં કોતરાઈ જવી જોઈએ કે જે તમારી ઇર્ષા કરે છે એને ક્યારેય ધૃણાની નજરે ન જોવા બલ્કે દયાની નજરે જોવા કારણ કે આ લોકો સમજે છે કે, એમનાથી તમે ઘણાં આગળ છો.

ફેસબુકનું સર્જન કરી દુનિયાભરને ઝડપી કોમ્યુનિકેશનની નવી પરિભાષા શીખવાડનાર માર્ક ઝુકરબર્ગ કહે છે કે, ‘લોકો એની પરવા નથી કરતા કે તમે શું કહો છો, લોકો તો એ જુએ છે કે તમે શું બનાવો છો, તમારું કાર્ય શું છે, તમારું પરિણામ શું છે અને તમારી પ્રોડક્ટ શું છે ?’ જીવન સૌંદર્યથી ભરપુર છે. એને દ્રઢ સંકલ્પની સંજીવનીથી જોવું પડે, મહેસુસ કરવું પડે, સંપૂર્ણ રીતે જીવવું પડે. મજબૂત ઇરાદાઓ સખત પરિશ્રમના બળથી એને હકીકતમાં પલટાવવા જોઈએ. હરીપ્રસાદ દ્વિવેદીજીએ સરસ વાત કરી છે. ‘મહાન સંકલ્પો જ મહાન ફળના જનક હોય છે.’
સંકલ્પ મનુષ્યનું સાચું બળ છે. જે વ્યક્તિએ સંકલ્પ કર્યો એની માટે હવે માત્ર કાર્ય જ કરવાનું બાકી હોય છે. એમ ન કહી શકો કે તમારી પાસે સમય નથી. કારણ કે, જેમ સફળ થયેલા વ્યક્તિ પાસે દિવસના ૨૪ કલાક છે એમ તમારી પાસે પણ દિવસના ૨૪ કલાક જ છે. જીવનનો સ્પષ્ટ નિયમ છે, આત્મવિશ્વાસ ડગતો હોય તો એને વધારવા માટે એ જ કામ કરો કે, જેનાથી સૌથી વધારે તમને ડર લાગતો હોય. મુસીબત અને સંકલ્પ આડેના અંતરાયો બધા ઉપર આવે, પણ કોઈ મુસીબતથી હટી જાય અને કોઈ મુસીબતને કારણે કંઈક બની જાય.
સંકલ્પમાં સૌથી વધુ તાકાત હોય છે. યાદ રહે, જીવનમાં સૌથી વધુ ખુશી એ કામમાં આવવી જોઈએ કે, જે કામ કરવા માટે લોકો એમ કહેતા હોય કે, ‘ ભાઈ રહેવા દે આ કામ તું નહીં કરી શકે. ‘ જો તમે તમારું સ્વપ્નું નહીં સજાવોને તો કોઈક બીજો તેનું સમણું સાકાર કરવા તમને એની મદદ માટે ભાડે રાખી લેશે. તમારું સ્વપ્નું સજાવે છે તમારા સંકલ્પો.

ધબકાર :
આપણે એવા જ બનીએ છીએ જેવું આપણે દ્રઢતાપૂર્વક વિચારીએ છીએ. સફળતા એના જ કદમોમાં આળોટે છે જે દ્રઢ સંકલ્પની સંજીવની લઈને જીવે છે.

000000000000000000




Tuesday, 20 December 2016

હાં, હું ભુલો કરું છું...

હાં, હું ભુલો કરું છું...

                                                      - પુલક ત્રિવેદી
મથાળુ જોઈને ચોંકી ગયાને...? મેં ખોટો નિર્ણય લીધો, અથવા મારી આ ભુલ થઈ ગઈ છે એવા સ્વીકારમાં સૌથી વધારે સામર્થ્ય છે. ખોટા નિર્ણયો અને ભુલો એ તો જીવનનો સૌથી મહત્વનો તબક્કો છે. શું તમે કોઈ ભુલ જ ન કરો ? શું તમારા દરેક કાર્યો સો ટકા પરિણામલક્ષી જ હોય ? જો તમે આમ માનતા હોવ તો તમારૂ જીવન કોઈ ખોટા માર્ગે પૂરપાટ ગતિએ હંકારાઈ રહ્યું છે એમ માનવાના પૂરતા કારણો છે.

     ભૂલો અને ખોટા નિર્ણયોનો સ્વીકાર અને આગળ વધવાનો પડકાર એ જ તો જીવનનું સાચું સ્મિત છે. ખોટા પડવાનો ભય અને ભુલ થવાની ભીતીના કારણે કોઈ જોખમ જ ન લેવાય અને પાછા વળી જવાય તો અનાથી મોટી દુર્બળતા અને નિર્માલ્યતા બીજી કઈ હોઈ શકે ? જિંદગીને હાકહેવાની તાકાત બરકરાર તો જ રહે જો ભુલોનો ભય ન રહે. મલ્ટી સ્પેશ્યાલિસ્ટ કોર્પોરેટ હોસ્પિટલના સીઈઓ મિત્રએ એકવાર કહ્યું કે, ‘ મારે ડોકટર બનવું હતું પણ એચ.એસ.સી.ના વર્ષે મેં ફિલ્મો અને વર્લ્ડ કપ જોવામાં સમય બગાડ્યો એ મારી મોટી ભૂલ હતી. મને ૭૮ ટકા જ આવ્યા. પિતાજી ડોનેશન આપી મને મેડિકલમાં મોકલી શકે એવી આર્થિક સ્થિતિ પણ ન હતી. આ ભુલના પરિણામે હું ડૉકટર તો  ન બની શક્યો પણ તબીબી ક્ષેત્રે સેવા આપવાની અદમ્ય ઇચ્છાને ફળીભૂત કરવા મેનેજમેન્ટનો અભ્યાસ કરાવતી પ્રતિષ્ઠિત આઈઆઈએમમાંથી એમ.બી.. કરીને વરિષ્ઠ ડૉકટરો સાથે બેસીને તબીબી સેવાઓમાં વહીવટકર્તા તરીકેની કારકિર્દી બનાવી.
     એક ભુલ-ખોટો નિર્ણય એક દ્વાર બંધ કરે અને બીજા અનેક દ્વાર ખોલે છે. જીવનમાં આગળ વધવાની તમન્ના અને વિચારના પાયામાં ભુલોના ભંડારો હોય છે. હંમેશા પોતાની ભૂલોને અપડેટથતા રહેવું પડે. ભુલની ભયંકરતા અને વિકરાળતા સામે મોં વકાસીને પાછા વળવાનું મન થાય ને, તો એ આફતને સીધે સીધું આમંત્રણ છે.

     જીવન તો ભુલભુલામણીઓનો બગીચો છે. આ વાતને દિલથી સમજી લેવી પડે પછી હાર-જીત ગૌણ બની જાય. જો કોઈ એમ કહેતો હોય કે, એણે જીવનમાં ભુલો જ કરી નથી તો એ માણસ સદંતર ખોટો છે અથવા જો એ ખરેખર સાચો હોય તો એણે જીવનમાં કશું નવું કરવાનો અખતરો જ નથી કર્યો.
મારા એક મિત્રએ એના ટેબલ ઉપર સરસ મજાનું સુત્ર લેમિનેટ કરાવી નેઈમપ્લેટની જેમ મૂક્યો છે. ‘‘સોરી, બટ આઈ એમ નોટ પરફેક્ટ...’’ મતબલ, માફ કરશો હું સંપૂર્ણ નથી. હું ભુલો કરું છું. મારાથી ખોટા નિર્ણયો ક્યારેક લેવાઈ જાય છે. હું સંપૂર્ણ છું જ્યાં અપૂર્ણતા છે ત્યાં પૂર્ણતા પ્રતિ ગતિ હોય છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં ગતિ નથી, સ્થગિત છે. પૂર્ણતા સુધી પહોંચવા અપૂર્ણ હોવાનો અહેસાસ અગત્યનો છે. અને એ અહેસાસનો હૃદયપૂર્વકનો સ્વીકાર પૂર્ણતા તરફની દોડની શરૂઆત છે.
ભૂલો થાય. ખોટા નિર્ણયો લેવાય. ક્યારેક પછડાટ ખાવી પડે. પણ સજ્જતા રાખવી જોઈએ. હાં, એક વાર થયેલી ભૂલ ફરી ફરી તો ન જ થાય. અને જો એમ થાય તો નિઃસંદેહપણે જાગૃતિનો અભાવ છે. નવી ભૂલો માટે હરહંમેશ તૈયાર રહેવું પડે. માણસ માત્ર ભૂલને પાત્ર. કવિ મિત્ર ભાવેશ ભટ્ટનો એક શેર મને બહુ ગમે છે.
સદાય એક સમો થનગનાટ ના પણ હોય,
હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય.’
કેટલી સરસ વાત કરી છે. જીવનમાં હંમેશા બધુ સમુસુથરું અને સર્વગુણ સંપન્ન રીતે ન જ થાય. ક્યાંક કોઈ ભૂલ, પછડાટ કે ખોટો માર્ગ પણ પસંદ થઈ જાય. પણ આવશ્યકતા છે, આ ભુલની સમયસર સમજ પડે અને નવા માર્ગે ચાલવાની નહીં, દોડવાની સમજ પડે. ભુલોને આમંત્રણ ન અપાય પણ ભુલને કારણે આવી પડેલી મુશ્કેલીને મહેફિલ પલટી નાખીએને એ જ તો જીવનની ખરેખરી મોજ છે.
જીવનમાં કશુ સ્થાયી કે સ્થિર હોતું નથી. જિંદગી એટલે જ વિજય અને પરાજય, ચડતી અને પડતી, અંધકાર અને ઉજાશ. ખોટો નિર્ણય લેવાય તો ય ભલે એમાંથી પદાર્થપાઠ લઈ વધુ વેગથી બીજા રસ્તે  દોડશું એવો વિશ્વાસ જોઈએ. ઊંચા ઝાડની સૌથી ઊંચી ડાળી ઉપર બેઠેલા પક્ષીને જોરથી વહેતા પવનને કારણે ઝોલા ખાતી ડાળી ઉપરથી પડી જવાનો ભય નથી. પંખીને પવન અને ડાળીના હલવાના ખોફ કરતાં તેની પાંખોની તાકાત ઉપર વધુ ભરોસો હોય છે. ભૂલોથી ભાંગી પડવાના ભય કરતાં ભૂલોમાંથી શીખ મેળવી બમણી તાકાતથી આગળ વધવાની સ્વયંની તાકાત ઉપર વધુ વિશ્વાસ હોવો જોઈએ.
સામાન્ય રીતે લોકો ભૂલોને કારણે ઊભા થનાર પ્રશ્નોથી ઝટ ગભરાઈ જતા હોય છે. એ લોકો જીવનમાં કોઈ પ્રશ્ન જ ઊભા ન થાય અને જીવન સરળતાથી  ચાલ્યા કરે એવી આગોતરી વ્યવસ્થામાં જ સતત રચ્યા પચ્યા રહેતા હોય છે. આવા લોકો જોખમ ઉઠાવવાની હિંમત ખોઈ બેસે છે.
જીવન તો વહેતી નદી જેવું છે એમાં તણખલા, માટી, રોડા વગેરે સાથે સાથે વહેતાં હોય. ભૂલો જે સમજે અને સ્વીકારે અને ઝડપથી વહેતું હોય. ભુલો જે સમજે અને સ્વીકારે એનો ઝડપથી આપોઆપ વિકાસ થાય. નવો આત્મવિશ્વાસ ઊભો થાય. ભૂલોના ભયથી મુક્ત થાય. વ્યક્તિ અંદરથી મજબુત બને. મનમાં ગજબની શાંતિ અનુભવે. ભૂલોથી ભયભીત બની હાંફળા-ફાંફળા બની અદ્ધર જીવે આમતેમ દોડાદોડ કરવાની એની માનસિક અવસ્થા જ બદલાઈ જાય.
જીવનના લક્ષ્ય પ્રાપ્તિમાં થતી ભૂલોનો સત્કાર થાય. પ્રગતિના નવતર દ્વારનો આહલાદ મળે એવી મનઃસ્થિતિનું નિર્માણ એ ઉત્તમ અવસ્થા કહેવાય. પ્રગતિના રાજમાર્ગની પુષ્ઠભૂમિ ઉપર મજબુત ડગના મંડાણ માટે તૈયાર થઇ જાવ... વટથી કહો, ‘ હાં હું ભુલો કરૂ છું. ‘

ધબકાર
માણસ પોતાની ભુલને કારણે જેટલો દુઃખી નથી થતો એના કરતાં થયેલી ભુલને વારંવાર વાગોળીને વધુ દુઃખી થાય છે.

000000000000

Tuesday, 13 December 2016

વાત પારિવારિક પાંચ ‘પંચ’ની...

વાત પારિવારિક પાંચ પંચની...
                                - પુલક ત્રિવેદી
શહેરની મધ્યમાં આવેલા પોશ વિસ્તારના નાક સમાપ્લેઝર પ્લાઝાબિલ્ડીંગના ટોપ બે ફ્લોર ઉપર ડી.પી. એન્ડ સન્સની પ્રતિષ્ઠિત પેઢીની ઓફિસ. ડીપી શેઠનો મુખ્ય કારોબાર નાણા ધીરધારનો. ક્લાયંટ સાથે દીપચંદ શેઠ તેમની આલીશાન ચેમ્બરમાં અગત્યની ચર્ચા કરતા હતા. શેઠની ચેમ્બરની રચના એવી હતી. ડાબે હાથે ડિસ્કશન ટેબલ અને જમણએ હાથે સોફાની સીટીંગ એરેન્જમેંટ.


     થોડુ ચલાઇ જાય અને ચશ્માનુ કામ થઇ જાય એવી ભાવનાથી એ દિવસે દીપચંદના પિતાજી પૂનમચંદ ઓફિસે આવ્યાં હતાં. પૂનમચંદ સોફા ઉપર બેઠા. પુત્રનુ ક્લાયંટ સાથે ડિસ્કશન ચાલતુ હતું. પેઢીના સિનિયર ઓફિસર આલોકજી પણ ચર્ચામાં સાથે જ હતા. એ દરમિયાન પુનમચંદે ધીમેથી કહ્યું, ‘બેટા આજે મારા ચશ્મા લેવાના છે.’ ડીપી શેઠે માથુ હલાવી હા પાડી, અને પાછા ક્લાયંટ સાથે ચર્ચામાં લાગી ગયા.
દસેક મિનિટ પછી પુનમચંદે ફરી કહ્યું ‘બેટા મારા ચશ્મા લાવવાની વ્યવસ્થા કરવાની છે.’ ચર્ચામાં વ્યસ્ત ડીપીએ ક્લાયંટને કહ્યું, ‘સોરી, જેન્ટલમેન જસ્ટ અ મોમેન્ટડીપી ઊભા થયા અને વીસેક ડગલાં દૂર સોફા ઉપર બેઠેલાં પૂનમચંદ પાસે ગયા અને આંખો ફેરવીને ગુસ્સામાં કહ્યું પપ્પા  એક વાર કહ્યું ને, મેં સાંભળીની હા પણ પાડી... પાંચસો વાર એકની એક વાત કેમ કર્યા કરો છો, જરા જુઓ તો ખરા હું લાખ્ખોનું ડીલીંગ પાર્ટી સાથે કરી રહ્યું છું. બહાર મારા પીએ કે કોઇને કહી દોને થઇ જશે. અને ફોન કરી દોને શુ કામ સમય બગાડો છો...’ ક્લાયંટ તો લેપટોપ ઉપર વ્યસ્ત હતા પણ આલોકનાથ આ આખી ઘટના જોતા હતા.
પુમંચંદ ખામોશ થઈ ગયા. ઊઠીને ધીમા પગલે રૂમની બહાર ચાલી ગયા.
ક્લાયંટની ચર્ચા પૂરી થઈ ફળદાયી પરિણામ આવ્યું. ક્લાયંટના ગયા પછી કંપનીના વિશ્વાસુ અને વરિષ્ઠ બુઝુર્ગ અધિકારી આલોકનાથની સાથે હાથ મિલાવી ડીપીએ કહ્યું ‘‘એકે અંકલ જોરદાર સફળતા મળી નહીં ? અભિનંદન’’
આલોકનાથે પણ ડીપીને કહ્યું અભિંનદન બેટા...’ પણ મારે એક વાત તને કરવી છે.
ડીપી બોલ્યા, ‘યસ... અંકલ બોલોને...’
આલોકનાથે કહ્યું આજથી પચીસેક વર્ષ પહેલાં આજ ઓફિસમાં તારા પિતાજી પૂનમચંદ તારી ખુરશી ઉપર બેસતા અને ધુમ વેપાર કરતા એ વખતનો એક પ્રસંગ યાદ આવી ગયો. ત્યારે હુ એમનો મુનિમ કહેવાતો. તું પાચેક વર્ષનો હોઈશ અને એક દિવસ નર્સરીથી સીધો ઓફિસમાં આવ્યો હતો. પૂનમચંદ શેઠ પાર્ટી સાથે ચર્ચામાં વ્યસ્ત હતા. સામે દેખાતી બારીમાં એક કબુતર બેઠેલું તે કબુતર  જોયું અને તું બોલ્યો પપ્પા કબુ...’ પુનમચંદ શેઠે કામ કરતાં કરતાં ઊંચું જોઈ સ્મીત સાથે તને જવાબ આપ્યો ֹહા બેટા કબુ.’ આવું તે લગભગ 12 થી 15 વાર કહ્યું ‘પપ્પા કબુ’ અને પૂનમચંદ શેઠે સ્મીત સાથે જવાબ આપ્યો. ‘હા બેટા કબુ.’
આજે પૂનમ શેઠની ઉંમર થઈ છે અને તેમણે માત્ર બે વાર ચશ્માની વાત કરી તે તું ન સહન કરી શક્યો.
આ આખી ઘટનાના હાર્દમાં પારવારિક મૂલ્યોમાં ‘પંચ’ની છે. ‘પંચ’ એટલે એક એવો થડકારો કે જે સતત મન, હૃદય, આત્માના સમંજસ્યને ધબકતું રાખે. જીવનમાં સામુહિકતાના સત્વને સદાય બરકરાર રાખે.
સૌથી પહેલો ‘પંચ’ પ્રતિદિનના પારિવારિક ‘સાથ’નો છે. પરિવારના તમામ સભ્યો રોજ ઓછામાં ઓછો એક કલાક સાથે પસાર કરે. શક્ય છે આ સમય લંચ કે ડીનર ટેબલ ઉપર હોય, કે પછી સવારના પહોરમાં ચા-નાસ્તા વેળા હોય. પણ દિવસમાં થોડો એવો સમય પરિવારના તમામ સભ્યો સાથે ગાળે કે જે આખા દિવસનો ‘પ્રાઇમ ટાઇમ’ બની જાય. એક બીજાની પ્રવૃત્તિઓ અને કામગીરીની ચર્ચા કરે. સાથે ‘વોક’ ઉપર જાય કે ‘જીમ’માં જાય અને મન ખોલીને વાત ચીત કરે.
બીજો મહત્વનો ‘પંચ’ છે, 𣚖‘પરિવાર પ્રથમની ભાવના. મન, વચન અને કર્મથી મારું પરિવાર અને એના સભ્યો મારા જીવનમાં સૌથી પહેલાં એવી દ્રઢ લાગણી પરિવારના તમામ સભ્યોમાં હોય. દુનિયા આખી મારા પરિવાર પછી આવે. પહેલાં તો મારૂ કુટુંબ જ એવો ભાવ હંમેશા પરિવારના તમામ સભ્યો વચ્ચે ‘સોલીડ બાઉન્ડ’ ઊભું કરે છે. પરિવારના નાના કે મોટા તમામ સભ્યમાં ‘સલામતી’ની ભાવના વધુ બળવત્તર બને છે. આનાથી પરિવારનો પ્રત્યેક સભ્ય ‘સેલ્ફ કોન્ફીડન્સ’ની અનેરી તાકાત મેળવતો હોય છે. જેના બળથી જીવન સંગ્રામમાં એક પછી એક વિજય પ્રાપ્ત કરવાનુ આસાન લાગે છે.
‘કોમ્યુનિકેશન’ એ ત્રીજો ‘પંચ’ છે. પરિવારના તમામ સભ્યો એકબીજાને બધી જ વાત કરે. તેમના વિચારો અને ઈરાદાઓની પરિવારના તમામ સભ્યો સાથે મુક્ત મને ચર્ચા કરે. પરિવારના સભ્યોનો અભિપ્રાય લે. એમના સૂચનોના આધારે આવનારા દિવસોમાં લેવાનારા પગલાં અને નિર્ણયો વધુ પાકટ બને છે. પરિવારના તમામ સભ્યોની વૈયક્તિક સ્વતંત્રતા અને ક્ષમતાનો તમામને ખ્યાલ આવે છે. એકમેક વચ્ચે સમજ અને શક્તિનો સતત અને અવિરત વિસ્તાર થાય છે.
પરિવારના ‘માઈનોર’ સભ્યોના કાને ‘મેજર’ સભ્યોના વિવાદ ન પડે એની કાળજી સૌથી મહત્વનો ‘પંચ’ છે. પરિવારના નાના નાના બાળકોની આંખો સામે માતા-પિતાના વૈચારિક મતભેદો કે મોટા ભાઇ-બહેનોની ઉગ્ર ચર્ચા કે ઝગડા ન થાય એ અત્યંત જરૂરી છે. આનાથી બાળ માનસ ઉપર વિપરીત અસર પડશે. આનાથી પારિવારિક એકતા સુરક્ષા અને વિશ્વાસ ઉપર મોટો પ્રહાર થાય છે. જીવન ઘડતરના તબક્કામાં વૈચારિક મતભેદો અને ઉગ્ર ચર્ચાનુ વાતાવરણ બાળકમાં નકારાત્મકતા અને હિંસક લાગણીઓનુ બીજા રોપણ કરવાનુ કામ કરશે.
પાચમો ‘પંચ’ કોઈપણ મુશ્કેલ સમયમાં પરિવારના ‘તમામ સભ્યોની એકતા’નો છે. જ્યારે બાળક દુનિયાની નક્કર વાસ્તવિકતાનો સામનો કરે છે ત્યારે તેના ભાથામાં સૌથી મોટુ શસ્ત્ર તેના પરિવારની ‘એકતા’નુ છે. પરિવારના સભ્યનો સારો સમય હોય કે ખરાબ સમય પારિવારિક સભ્યોની મજબૂત દિવાલ આસપાસ હોય તો વ્યક્તિની સારા સમયની ખુશી બેવડાય છે અને ખરાબ સમય-દુઃખની  ગ્રેવિટી ઘણી ઓછી થઈ જાય છે.
મોબાઈલ, ગેઝેટ, કોમ્પ્યુટર ગેઈમ્સ, મિત્રો સાથેનું આઉટીંગ, વ્યવસાય, ધંધો, નોકરી, વાંચન-લેખ જીવનમાં જરૂરી છે. એનું અગત્ય ઓછું નથી પણ સૌથી પ્રથમ આવશ્યકતા પારિવારિક ‘પંચ’ની. પરિવારના પ્રત્યેક સભ્યોની લાગણી-માગણી અને વિચારશરણીની કડીઓ એકમેક સાથે મજબૂતાઈથી જોડાયેલી હોવી જોઈએ. થોડા સમય પહેલા આવેલી સલમાન ખાન અભિનિત એક ફિલ્મમાં જીવનમાં ‘કીક’ની મોજની જેમ ‘પારિવારિક પંચ’ જીવનને મજેદાર અને મજબૂત બનાવે છે.
પરિવારના સભ્યો વચ્ચે એક-મેકને સવાલ પૂછવા અને એના ઉત્તરો પ્રાપ્ત કરવા એ એક મજબૂત પરંપરા છે. પરિવારના નાના કે મોટા કોઈપણ કાર્યનો સ્વીકાર અને પ્રશંસા પરિવારના તમામ સભ્યોને વધુ નજીક લાવે છે. કોઈપણ વિષયમાં તરત અભિપ્રાય આપવાની ઉતવળ યોગ્ય નથી. જ્યારે પરિવારનો એક સભ્ય બોલતો હોય ત્યારે તેની વાત ધ્યાનપૂર્વક સાંભળવાથી તેના ખૂબ હકારાત્મક સંકેત જાય છે.
વય અને વ્યવસાયને કારણે મિત્રો તો જીવન આવતા રહે અને સમય જતાં મિત્રો ઘટતા અને વધતાં રહે પણ પરિવારના પ્રત્યેક સભ્યો જીવનના અંતિમ શ્વાસ સુધી હાથમાં હાથ આપીને ખબે ખભા મિલાવીને ખડકની જેમ અડગ પડખે ઊભા રહે છે.
ધબકાર :
સિદ્ધિના શિખરો ઉપર ઊભેલી વ્યક્તિ, શરૂઆતના સમયમાં પારિવારિક સભ્યોના બળથી જ મજબૂત ડગલા માંડતો હોય છે.

00000000000000