પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 16 November 2016

પરપોટાની નજાકતના સૌંદર્યની મોજ એટલે ગઝલ.

પરપોટાની નજાકતના સૌંદર્યની મોજ એટલે ગઝલ
                                               -     પુલક ત્રિવેદી

જ્યારે કલા, કલા નહિં જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે...

ગાંધીનગર સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શાયર ‘મરીઝ’ની શતાબ્દી  વંદના ખૂબ યથાર્થ સમયમાં શહેરમાં યોજાઈ. યથાર્થ શબ્દ એટલે પ્રયોજ્યો કે ૪૮-૩૬ કલાકથી લોકો પૈસાની પળોજણમાં એવાં પડ્યાં હતાં કે જીવનના સાચા અર્થ અને મોજને વિસરી ગયાં હતાં. ત્યારે આ કાર્યક્રમ મનની મોજથી ભર્યો ભર્યો લાગ્યો. જુની નોટ બદલાવવી, નવા કેટલાં રૂપિયા મળશે, બેન્કના ખાતામાં કેટલાં રૂપિયા જમા કરાવ્યા વગેરે વગેરે વાતોના વમળમાં આખું શહેર અને દેશ છેલ્લા બે દિવસથી ચકરાવે ચઢ્યાં હતાં. એમાં આજે સવારનો સૂરજ અબ્બાસ અબ્દુલ અલી વાસી – મરીઝના શબ્દોની સુવાસ લઈને ઉગ્યો. મન પ્રફુલ્લિત થઈ ગયું.
‘મરીઝ’ની જ્યારે વાત આવે ત્યારે સહજ રીતે મિસ્કીન યાદ આવે. ૨૦૦૯ના સપ્ટેમ્બર મહિનામાં ‘સમગ્ર મરીઝ’ પુસ્તકનું સંપાદન રાજેશભાઇ વ્યાસ, મિસ્કિને કર્યું. લગભગ ૪૦૦ પાનામાં પથરાયેલા ‘મરીઝ’ના જીવનના વિવિધ પાસાને અદભુત રીતે ‘મિસ્કીન’ સાહેબે ‘સમગ્ર મરીઝ’માં ઉજાગર કર્યા. યોગાનુયોગ મરીઝની શતાબ્દિ વંદના નિમિત્તે ગાંધીનગર શહેરમાં કવિશ્રી રાજેશભાઈ વ્યાસ – મિસ્કીને ‘મરીઝ’ના એક અદભુત પાસાને ઉઘાડ આપ્યો. ‘મરીઝનું ઘર’ કેવું હોય...! એ સંદર્ભમાં મજાના તથ્યો અને શબ્દોનું સમાયોજન કરાયું. મરીઝની ગઝલોમાં તેમનું ઘર ક્યારેક પ્રિયતમાનું ઘર તો ક્યારેક શરાબીનું ઘર, દુશ્મનનું ઘર તો ક્યારેક દોસ્તનું ઘર, પ્રેમનું ઘર તો ક્યારેક દર્દનું ઘર, પત્નીનું ઘર તો ક્યારેક વિષાદનું ઘર એવા અલગ અલગ પાસાઓથી મરીઝના ઘરને મૂલવવાની મોજ આવી. આમ તો મરીઝ એટલે ‘સુરાલય’ અને ‘ઘર’ આ બેની વચ્ચે વિસ્તરેલું કલ્પનામય સમગ્ર જીવન. મિસ્કીને એક વાત સરસ કરી કે, શાયરને સમજવા માટે સજ્જતા કેળવવી પડે. કંઇક કેટ કેટલી વેદનાઓ, સંવેદનાઓ, સ્પંદનો અને સ્પર્ષોમાંથી પસાર થાય ત્યારે શેર બને અને સચ્ચાઇ અને અચ્છાઇના આઇનામાં સ્પષ્ટ ચિત્ર ઉપસે ત્યારે શાયરનો શેર સાશ્વત બની આકર્ષે.
 ‘સમગ્ર મરીઝ’ પુસ્તકનું સંપાદન કાર્ય સંપન્ન થયા બાદ રાજેશભાઈ ‘મરીઝ’ સાહેબના પુત્ર મોહસીનભાઈ વાસી જોડે બેઠા. આ પુસ્તક કોને અર્પણ કરવું એ સંદર્ભમાં ચર્ચા ચાલી ત્યારે બન્ને જણાનો સૂર એક વ્યક્તિ પર આવીને અટકી ગયો. મરહુમ સોનાબહેન અબ્બાસ વાસી... ‘મરીઝ’ના ધર્મપત્ની. એટલું જ નહીં આ બન્ને જણાના માનસપટ ઉપર મરીઝ સાહેબના નિમ્ન લિખિત શેર છવાઈ ગયો.
એમ ઉંચકી લીધું છે મારું ઘર,
ભાર દરિયાનો એક મોતી પર
– મરીઝ
આ શેર ‘સમગ્ર મરીઝ’ પુસ્તકના અર્પણ પાન ઉપર સોહે છે.
શબ્દ અને સમજ એ કોઈ પણ શિક્ષણને અથવા ડિગ્રીઓને મોહતાજ હોતી નથી. સત્ય અને સત્વની ઐશ્વરીય તાકાત સર્જનનો પ્રાણ હોય છે. ‘મરીઝ’ના ચીરસ્મરણીય સર્જન ‘આગમન’ની ત્રીજી આવૃત્તિ વેળા મરીઝે એમના જીવન વિષે જે વાત લખી છે. એ અક્ષરશઃ સમજવા જેવી છે.
મરીઝે લખ્યું છે કે, ‘ગઝલના ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો, ભાષા વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં માત્ર ઉર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે અને તે તમારી સન્મુખ હાજર છે. સરળ કાફિયા, રદીફ અને વજનનો મેં શરૂઆતથી જ  આગ્રહ રાખેલો છે. એ જ પ્રમાણે ગઝલ જેનો ભાર ઊંચકી શકે એવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો મેં હંમેશા જરૂરી માન્યું છે...’
કાવ્ય કલા વિશે ગમેતેટલું લખો પણ કવિતા સ્વયં સમજથી પર બાબત છે. એ એક અનુભૂતિની બાબત છે. ‘મરીઝ’ સાહેબે એક મત્લામાં આ વાતને સરસ રીતે ઉજાગર કરે છે
હવે ગમે તે કહે કોઈ આ હૂનર બાબત,
કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત.
ડો. નીતિન વડગામા. વ્યવસાયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાગતા પ્રાધ્યાપક પણ સાચી ઓળખ ગુજરાતી સાહિત્ય જગતનુ સન્માનીય નામ, ‘મરીઝ’ના જુદા જુદા પાસાને આ સર્જકે ઉંડાણથી સમજ્યા છે. ડો. નીતિનભાઈએ ગઝલ સર્જન માટે કહે છે કે, ગઝલ જ્યારે લખાય છે ત્યારે એ દિલથી લખાય છે. પીડા, આનંદ, ઉષ્માથી લખાય છે અને એટલે જ ગઝલ ગમે છે. ગઝલમાં વિચારનું સૌંદર્ય હોય છે અને અજવાળું પણ હોય છે. સરળતા, વેધકતા અને વક્રતા ‘મરીઝ’ની ગઝલની વિશેષતા છે. મદીરા, વ્યંગ, કટાક્ષ, મય, વિનોદ વગેરે ચિંતનનું ઊંડાણ ‘મરીઝ’ના શબ્દે શબ્દમાં જોવા મળે છે. ‘મરીઝ’ના શેર ટપકાવવા ગમે, લાંબો સમય મમળાવવાની ઇચ્છા થાય... એવું કેમ ? મરીઝના શેર સ્પર્શે અને આકર્ષે કારણકે એ શાશ્વત અને સનાતન સત્યને પ્રસ્તુત કરે છે.
જીવનના દર્શનને અને જીવનના પરામર્શને વિચારોના સંદર્યથી ‘મરીઝ’ના શેર દિર્ઘાયું બનાવે છે. પ્રેમની ત્રિજ્યાની બહાર નીકળીને પ્રકૃતિનું ચિંતન પણ મરીઝે અદભુત કરાવ્યું છે. જિંદગીના હજારો વિભાગ છે અને હજારો લિબાસ છે. જિંદગી પરપોટા જેવી છે અને પરપોટાની ક્ષણભંગુરતા મુજબ જીવનની ક્ષણભંગુરતા ક્યારે ફૂટે અને શ્વાસનો દોર ક્યારે તૂટે એના ડર કરતાં પરપોટાની નજાકત અને એના સૌંદર્યને માણી લેવી જોઈએ. ભરપૂર મોજ કરી લેવી જોઇએ. એવી જાનદાર ફિલોસોફી ‘મરીઝ’ના શેરના શબ્દોમાંથી ટપકે છે. વ્યક્તિત્વ ‘આગવું’ હોવું જોઈએ... ‘અકબંધ’ હોવું જોઈએ... ‘મરીઝ’નું વ્યક્તિત્વ એવું અનોખું અને આગવો સંદેશો આપતું છે. કોઈની આભામાં સ્વયંનું વ્યક્તિવ ઓગળવું ન જોઈએ. જાત, જગત અને જીવન વિશેનું ચિંતન ‘મરીઝે’ એના ગઝલોના શેરમાં ઉતાર્યું છે.
સાહિત્યકાર અને ગઝલકાર એસ. એસ. રાહીએ ‘મરીઝ’ની ગઝલોમાં પકડાયેલા ‘મુસલ્સલ’ ભાવને ઉજાગર કર્યો. ગઝલના ભાવ, વિચાર, ઊર્મિ કે વિષયનું સાતત્ય જાળવતી ગઝલ એટલે ‘મુસલ્સલ’ ગઝલ. શેર એક બીજા સાથે અનુસંધાન ધરાવતા હોવાથી ‘મુસલ્સલ’ ગઝલ અથવા સળંગ ગઝલ કહી શકાય ‘નઝમ્નુમા’ ગઝલથી ‘મુસલ્સલ’ ગઝલ નોખી પડે છે. એક પ્રસંગ કથા કિસ્સો કે ઘટનાને વર્ણવતી ગઝલને ‘નઝમ્નુમા’ ગઝલ કહેવાય જ્યારે ‘નઝમ્નુમા’ ગઝલને વર્ણનાત્મક ગઝલ જેવી સંજ્ઞા પણ આપી શકાય. મરીઝના ત્રણ સર્જન તેમના વાચકોમાં અપ્ર્તિમ ચાહના ધરાવે છે. ૧૯૬૮મા આવેલો સંગ્રહ ‘આગમન’, નકશા (૧૯૮૫) અને દર્દ (૨૦૦૯) પ્રકાશિત થયા. ‘મરીઝે’ આગમનમાં ૧૩૮ ગઝલો, નકશામાં ૧૭૮ ગઝલો, અને દર્દમાં ૪૨ ગઝલો રજૂ કરી. ‘મરીઝ’ની કુલ ૨૫૮ ગઝલોમાં કેટલીક ગઝલો મુકદ્દશ ‘નઝમનુમા’ ગઝલો તથા ‘મુસલ્સલ’ ગઝલોનો સમાવેશ થાય છે. રાહીજીના મંતવ્ય અનુસાર મરીઝે રચેલી ગઝલોમાં ‘મુસલ્સલ’ ગઝલોનો આંકડો ૧૮ જેટલો થાય છે.
મરીઝ તેની ગઝલોમાં એકનો એક કાફીયા જુદી જુદી રીતે બે ત્રણ વાર પ્રયોજે છે ત્યારે એમ થાય કે, કદાચ એક જ કાફ્યા ઉપર બે ત્રણ સારા શેર લખીને તેમાં પસંદ કરીને એ ગઝલમાં મૂકતા હશે. સમગ્ર મરીઝમાં મિસ્કીન સાહેબે આ વાતને સ્પષ્ટ કરતાં મરીઝના નીચે મુજબના શેર પ્રસ્તુત કર્યા છે.
કોઈ કલા સ્વરૂપે જગતથી જૂદા બનો,
નકશા બનો, કવિતા બનો, વાર્તા બનો
દુનિયાનું આખું ક્ષેત્ર એ સાહિત્ય ક્ષેત્ર છે
એમાં કોઈ કવિતા બનો, વાર્તા બનો.
હો ઉપકરણ અનેકના એની જરૂર નથી
બે-ત્રણ પ્રસંગ ગુંથી સળંગ વાર્તા બનો.
જાણીતા કવિ, લેખક અને વકતા શ્રી ભાગ્યેશ જહાએ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની સેવા કરતાં યુવા સર્જકોની સર્જન શક્તિને સુપેરે પોંખે છે. ગુજરાતનું સૌભાગ્ય છે કે, કવિ શ્રી ભાગ્યેશ જહાં જેવા સાહિત્યકારો નવસર્જકોની પડખે રહીને ગુજરાતી સાહિત્યને જીવંત રાખવાના સંનિષ્ઠ પ્રયાસો અવિરત કરતા રહે છે.
ગાંધીનગર શહેર ગુજરાતી ભાષાના ગૌરવને બરકરાર રાખતા શહેર તરીકે એની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. સાહિત્યસભા જેવી સંસ્થાઓ અને શ્રી ભરતભાઇ કવિ, સંજય થોરાત, કિશોરભાઇ જીકાદરા જેવા તેના જાગૃત સભ્યોને કારણે પાટનગરમાં ગુજરાતી ભાષા અને તેની વિચાર યાત્રાની સુગંધ સૌરભ ચારે કોર ફેલાઇ રહી છે. ગાંધીનગર સાહિત્ય સભાના જાગૃત મિત્રોએ શાયર ‘મરીઝ’ની શતાબ્દી  વંદનાનો મજાનો કાર્યક્રમ યોજ્યો. ડૉ. રાજેશભાઇ વ્યાસ મિસ્કિન, ડૉ. નીતિનભાઇ વડગામા, ડૉ. એસ. એસ રાહી અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઇ જહાએ મરીઝના જીવનના વિવિધ પાસાઓને અદભૂત ઉઘાડ આપ્યો. 
મરીઝની શતાબ્દિ વંદનાનો પ્રસંગે હોય અને મરીઝના યાદગાર શેર ન ટપકાવાય તો લખાણ લાજે...!
·         સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
        કહેવાનું ઘણું હો, ને કશું યાદ ન આવે.
·         જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ
       એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
·         ઝાહિદ મને રહેવા દે, તબાહીભર્યા ઘરમાં,
       મસ્જિદથી વધારે અહીં, આવે છે ખુદા યાદ.
·         માંગ એની પાસે ગમથી વધુ જીવન,
       એક પણ એ એવી દેશે – વિતાવી નહીં શકે.
·         મુઝ પર સિતમ કરી ગયા, મારી ગઝરના શેર
       વાંચીને એ રહે છે, બીજાના ખ્યાલમાં.
·         મરીઝ ગાળીને એમાં પી રહ્યા  છો શરાબ,
       કદી ન પીવાની વાળી’તી જે રૂમાલમાં ગાંઠ.
·         લાગણી જેમાં નથી, દર્દ નથી, પ્યાર નથી,
       એવા દિલને કોઈ ઇચ્છાઓ અધિકાર નથી.
·         અલ્લાહ મને આપ, ફકીરીની હાલત,
        કે કોઈ ન સમજે, આ સુખી છે કે દુઃખી છે.
·         બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
       સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.


‘મરીઝ’ ક્યારેય મરતા નથી, ‘મરીઝ’ તો એના વિચારો, કલ્પનાઓ અને શબ્દોના મુલાયમ સ્પર્ષથી સનાતન કાળ સુધી હદયમાં મહારાજાની જેમ વિરાજતા રહે છે. મરીઝના સ્થુળ શરીરને અલવિદા હોઇ શકે, મરીઝની કલ્પાનાઓ, વિચારો અને શબ્દો ગુજરાતી ગઝલ વિશ્વમા સદીઓ સુધી પડઘાયા કરશે.

વાચક, વિચારક અને મેઘાવી વકતા ચંદ્રમોહનથી ઑશોની સફર વાયા આચાર્ય રજનીશ

વાચક, વિચારક અને મેઘાવી વકતા ચંદ્રમોહનથી ઑશોની સફર વાયા આચાર્ય રજનીશ
                                                પુલક ત્રિવેદી

ભારતમાં સંશોધનાત્મક અને મનનનીય લેખન માટે જેનું નામ અગ્રહરોળમાં લેવાય છે અને હિન્દુસ્તાન ટાઈમ્સદૈનિકના પૂર્વ તંત્રી એવા ખુશવંતસિંહે એકવાર કહ્યું હતું કે, ભારતે ઓશોના સ્વરૂપમાં એક એવો જબરજસ્ત મૌલિક વિચારક વિશ્વને આપ્યો છે કે જે, અન્ય કોઈના પ્રભાવમાં આવ્યા વગર પોતાના સ્પષ્ટ વિચારો નાવિન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરનાર મહાજ્ઞાની તરીકે ઉભરી આવ્યો છે. ઓશો એક એવા મુક્ત વિચારક છે કે, જેની પાસે સરળ ભાષા અને સચોટ ઉદાહરણો છે. બુધ્ધિગમ્ય અને ચતુરાઈપૂર્વક વાત મૂકવાની આગવી કળા એમની પાસે છે. ઈશ્વરના નામે ચાલતી ધારણાઓ, કહેવાતા ધાર્મિક વડાઓ, સંપ્રદાયો વગેરે ઉપર એમણે બેબાકપણે સ્પષ્ટ અભિપ્રાય આપી ધર્મની પરિભાષાને એક નવું જ પરિમાણ બતાવ્યું છે.જર્મન ફિલોસોફર પીટર સ્લોટેરડીજેકે ઓશોને ૨૦મી સદીનો મહાન આત્મા તરીકે નવાજ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિટીક ક્લાઈવ જેમ્સ, અમેરિકન લેખક ટોમ રોબીન્સ વગેરે કેટલાય વિચારકો અને ચિંતકોએ ઓશોને મેઘાવી વકતા અને નૂતન વિચારધારાના જનક તરીકે મૂલવ્યા છે.
૧૯૮૦ના દશકમાં વિશ્વભરમાં ગણમાન્ય ચિંતકોએ ઓશોની પ્રતિભાના અલગ અલગ પાસાને તેમના લખાણમાં પ્રસ્તુત કર્યા છે. ફિલોસોફીમાં ૧૯૫૭માં અનુસ્નાતકની પદવી ડિસ્ટીંકશન સાથે પ્રાપ્ત કર્યા બાદ રાયપુરની સંસ્કૃત કોલેજમાં રજનિશજી જોડાયા. ૧૯૬૦ના દાયકામાં ભારતભરના શહેરોમાં તેમની અદભુત વક્તૃત્વકલાના ઓજસ પથરાવાનું શરૂ થઇ ગયું હતું. એ સમયગાળામાં ઓશો આચાર્યતરીકે ઓળખાતા. મુળતઃ આચાર્ય શબ્દ શિક્ષણપ્રથા સાથે જોડાયેલો છે. ચાણક્યના સમયમાં તક્ષશીલા અને નાલંદા વિદ્યાપીઠના શિક્ષકો આચાર્યતરીકે જ ઓળખાતા.
૧૯૬૦ના દશકમાં આચાર્ય રજનીશને કોઈક પત્રકારે પૂછ્યું કે, જીવનને બહેતર અને સફળ બનાવવા માટે તમારા દસ સિદ્ધાંતો ટેન કમાન્ડમેન્ટસ ક્યા છે. ત્યારે ઓશોએ સાહજિકતાથી કહ્યું કે, હું કોઈપણ સિદ્ધાંતો અને આદેશોમાં માનતો નથી. પણ જસ્ટ ફોર ફનકેટલીક વાત સહજ રીતે હોઈ શકે.
·     ક્યારેય કોઈનેય અનુસરવું નહીં. માત્ર જે આદેશ તમારા હૃદયના ઊંડાણમાંથી આવે એને જ અનુસરવાનું હોય.
·     આપણા જીવન સિવાય અન્ય કોઈ ભગવાન છે જ નહીં.
·     સત્ય આપણામાં જ છે બહાર એને શોધવા ભટકો નહીં.
·     પ્રેમ એ જ પવિત્ર પ્રાર્થના છે.
·     ન હોવા પણું(નથિંગનેસ) જ સત્યનો દરવાજો છે. ‘ન હોવા પણુંજ સ્વયં એક લક્ષ્ય હોય છે.
·     જીવન અત્યારે જ અને અહીં જ છે.
·     ક્યારેય તરવાની કોષીશ કરવી નહી વહેતા જ રહેવુ જોઇએ.
·     પ્રત્યેક ક્ષણ મરો. જેથી પ્રત્યેક ક્ષણ તમે નવો જન્મ ધારણ કરી શકો. વિકાસ માટે આ જ એક સર્વોત્તમ ઉપાય છે.
·     બહાર ફાંફાં મારી સુખ શોધવાનું બંધ કરો. આંખો બંધ કરી અંદર જોવાની આદત પાડો.
જીવનની શરૂઆતના માત્ર ત્રણ જ દાયકામાં સમગ્ર અસ્તિત્વ અને જીવનની ફિલોસોફીને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરનાર ઓશો મધ્યપ્રદેશના રાઈસેન જિલ્લાના નાનકડા ગામ કુસવાડામાં જનમ્યા. બાબુલાલજી અને સરસ્વતી દેવીના જૈન પરિવારના ૧૧ સંતાનો પૈકી ચંદ્રમોહન મોટો પુત્ર. ચંદ્રમોહન જૈન ઑશોનું બાળપણનું નામ. ચંદ્રમોહન સાત વર્ષના થયા ત્યાં સુધી એમના નાનાને ત્યાં રહ્યા. ઓશો કહે છે કે, નાનાજીને ત્યાં વિતાવેલા બાળપણના સાત વર્ષનો પ્રભાવ એમના ઉપર ખૂબ રહ્યો. નાનાએ બાળક ચંદ્રમોહનને વાંચવાની, હરવા-ફરવા તમામ પ્રકારની છૂટ આપી હતી એમ કહેવા કરતા ફ્રીડમઆપી હતી એમ કહેવુ વધારે ઉચીત રહેશે. ચંદ્રમોહન સાત વર્ષના હતા ત્યારે નાનાજીનો દેહાંત થયો અને ૧૫ વર્ષના હતા ત્યારે એમના મિત્ર(ગર્લફ્રેન્ડ)નું ટાઈફોઈડના કારણે અવસાન થયું. આ બે મૃત્યુની ઘટનાઓ બાળ ચંદ્રમોહનના માનસપટ પર લાંબા સમય સુધી રહી.
ઓશોએ આપેલી ધ્યાનની પદ્ધતિની પણ એક અદભુત અને રોચક વાત છે. ૧૧મી ડિસેમ્બર ૧૯૭૨ના રોજ મુંબઈની સભામાં ઓશોનો જન્મદિવસ ઉજવવામાં આવતો હતો. તેમણે આ પ્રસંગે સૌ પ્રથમવાર એમની ડાયનેમિક મેડિટેશનપદ્ધતિનો તેમના અનુયાયીઓને પરિચય કરાવ્યો. જબલપુર છોડીને ઓશો મુંબઈમાં આવ્યા અને સપ્ટેમ્બર ૧૯૭૦માં નીઓ સન્યાસીના પ્રથમ જુથની રચના કરી. ધ્યાન માર્ગે ઐશ્વરીય આવિર્ભાવની ઓશોની નવતર ધ્યાન પદ્ધતિ દેશ-વિદેશમાં અત્યંત ઝડપથી આવકાર પામવા લાગી. સંગીત, નૃત્ય અને નથીંગનેસ’ (ન હોવાપણા)ના સંગમથી માનવ જીવનને અદભુત અનુભવ મળવા લાગ્યા.
ઓશો દ્રઢપણે માને છે કે પ્રત્યેક માનવ એક બુદ્ધછે, અને ઉર્ધ્વગામી પ્રકાશ ધરાવે છે. પ્રતિભાવની વિભાવવા (રીએક્શન ફિલોસોફી)ની જગાએ પ્રેમનો સદભાવ જીવનમાં પ્રસરાવે તેવી અસીમ સંભાવના એકે એક માનવી ધરાવે છે. ઓશો કહે છે, ધ્યાન માત્ર એક પ્રક્રિયા કે અભ્યાસ નથી પ્રતિપળ માનસિક જાગૃતિ અને મિકેનિકલ જીવનની ગાઢ નિંદ્રામાંથી જગાડવા માટેનું ટોટલ અવેરનેસનું સબળ પાસુ એટલે ધ્યાન.
ઓશોના અનેક અદભુત વિચારો પૈકી પ્રત્યેક મહિનાનો એક વિચાર બીજ મનની પુષ્ટભૂમિ ઉપર વાવીએ. મનન, ચિંતન અને અમલના ખાતર પાણીનું સિંચન કરીએ. આમ એક વર્ષમાં શીતળ છાયા આપતાં બાર વટવૃક્ષ બની શકે.
.સ્વયંને ભરપૂર પ્રેમ કરીએ તો જ બીજાને આપણે પ્રેમ કરી શકીશું.
.જો સત્ય પામવું હોય તો સહમતી રાખીએ અસહમતીમાં સત્ય નહી વિસંવાદ છે.
.ભોળા, ઓછા બુદ્ધિશાળી અને બાળક જેવા બનીને જ રહો અને જીવનને ભારેખમ ન બનાવી દો એને મજાના રૂપમાં લો.
.કોઈની પણ સાથે સ્પર્ધાની જરૂર જ નથી.
.પ્રેમથી ભરેલી એક નાની ક્ષણ પણ પૂર્ણ સમયના પ્રેમ બરાબર છે.
.કાલતો ક્યારેય આવે નહી આજજ આવે.કાલજ્યારે પણ આવશે ત્યારે તે આજબની જશે.
.સવાલ એ નથી કે કેટલું શીખવાનું છે, પરંતુ સવાલ એ છે કે કેટલું ભુલી શકાય છે.
.અહીં કોઈ તમારા સપના પૂરા કરવા માટે છે જ નહીં. બધા પોતાની તકદીર અને હકીકત સાકાર કરવામાં મસ્ત છે.
.આપણામાં અસિમ સંભાવનાઓ પડી છે એને ઓળખવાની છે.
૧૦.પહેલું પગલું અડધી સફળતા છે, ગમે તેટલી લાંબી સફર કેમ ન હોય.
૧૧.તમે હસો છો ત્યારે તમે ઈશ્વરની ઈબાદત કરો છો પણ જ્યારે તમે બીજાને હસાવો છો ત્યારે ઈશ્વર તમારી માટે ઈબાદત કરે છે. બીજાના જીવનમાં હસી-ખુશી લાવવા માટે નિમિત્ત બનીએ એ જ ઇશ્વરની દરબારમાં સ્વીકારાતી સૌથી સફળ અને સરળ પ્રાથના છે.
૧૨.દુઃખ ઉપર ધ્યાન આપશો તો દુઃખી જ થશો. સુખ ઉપર ધ્યાન આપવાનું શરૂ કરો. જે ચીજ ઉપર ધ્યાન આપવાનું શરૂ કરોને એ વાત બનવાની શરૂ થઈ જાય છે.

લગભગ છ દાયકા આ ઓજસ્વી અને તેજસ્વી આત્માએ પૃથ્વી ઉપર વિચરણ કર્યું
. ઓશોએ ૬૦૦ જેટલા પુસ્તકો લખ્યા અને એ વિવિધ ભાષાઓમાં અનુવાદીત થયા. ઓશો એક આખેઆખી અદભુત વિચારશ્રૃંખલા છે. ઓશો એક અનુભવ છે. સમજણનો સાગર છે અને પ્રેમનો પમરાટ છે...




દીપોત્સવ એટલે ખોટા વિચાર અને આચારનો કાટમાળ સાફ કરવાનો મઝાનો અવસર...

દીપોત્સવ એટલે ખોટા વિચાર અને આચારનો કાટમાળ સાફ કરવાનો મઝાનો અવસર...
                                                     - પુલક ત્રિવેદી

ગુજરાતી કેલેન્ડરનુ છેલ્લું પાનુ ફરતાની સાથે વિક્રમ સંવત ૨૦૭૨નુ વર્ષ વહી ગયું. દીપજ્યોતના ઝગમગાટ સાથે મિઠાઇ અને ફરસાણના સ્વાદને લઇને વિક્રમ સંવત ૨૦૭૩નુ વર્ષ સબરસ કહેતુ, બારશાખ ઉપર મ્હો મલકાવતુ ઉભુ છે. જસ્ટ ફોર ધ સેક ઓફ ક્લેરીટી... જરા વિચારી લઇએ કે, વિ.સં.૨૦૭૨ના આરંભે કરેલા સંકલ્પો પૈકી  કેટલાં સંકલ્પો સાકાર કરતું ગયું વિ.સં.નું વર્ષ? હીમપર્વતની ટોચથી દિવસરૂપી એક-એક હીમશિલા ઓગળીને નવા અને વધુ દેદીપ્યમાન હીમપર્વતના નિર્માણ કાર્યમાં લાગી જાય છે. ખળખળ નાદ સાથે સમયનું પાણી વહેતું જાય છે. નવા વર્ષના હીમપર્વતના ટોડલે નવા ઉમંગ, નવા તરંગ અને નવા અરમાનોની વિવિધ રંગોની રંગોળી લઈને દિપાવલીના તહેવારો થનગને છે. વેપારી બંધુઓ નફા તોટાનો હિસાબ વર્ષ પુરૂ થતાં માંડે એમ સૌ કોઇએ ગતવર્ષે લીધેલા સંકલ્પો સાકાર કરવાની દિશામાં કરેલાં નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને એના પરિણામોનુ આકલન કરવાનો અવસર એટલે દીપોત્સવ અને નવા વર્ષની ઉજવણી. ક્યાં હતા, ક્યાં આવ્યા અને ક્યાં જઇશુ... આ ત્રણ સવાલ અને એના જવાબ સાથે આગળ વધવાના નવા સંકલ્પ દીપોત્સવની અસલી શાન અને મજા છે. 
       સમય એક સાજ-વાજીંત્ર છે. એની સાથે તાલ મિલાવી દીપોત્સવના ટાણે ઊર્ધ્વગામી સંકલ્પનો શંખ ફૂંકી સમયના આ સાજને બખુબી લયબદ્ધ રીતે વગાડવાનો આ રૂપકડો અવસર આપણે પ્રતિ વર્ષ ઉજવવાનો હોય છે. જીવનની રંગોળીને રંગીન જરૂર બનાવવી છે, પણ એ રંગો કોઇ બીજો ક્યારેય ન પૂરે. લાલ, પીળા, જાંબલી, ભૂરા વગેરે અવનવા રંગો તો પોતે જાતે જ પૂરવાના રહે. દર વર્ષે નવા નવા સંકલ્પોના અવનવા રંગોથી આપણા જીવનની રંગોળીને રૂપકડી અને હસીન-રંગીન આપણે જાતે જ બનાવવાની હોય છે. જિંદગી એટલે માત્ર સમય પસાર કરવો એમ નહીં. જીવન સાર્થક લાગવું જોઈએ. જીવનમાં પસાર થવું અને જીવનને માણવું આ બે વાતમાં બહુ અંતર છે. જીવન તો ઉત્સવ જેવું હોવું જોઈએ. જીવનમાં ઉત્સવનો અનુભવ મનમાં શાંતિ અને સુખના બીજ ઉપર વિકસતો હોય છે, વિલસતો હોય છે.
       દીપોત્સવ તહેવારોનો મહારાજા  એટલે કહેવાય છે કે, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ એમ એક સાથે અનેક તહેવારો ઘરના બારણે આસોપાલવના તોરણ બનીને ઝૂલે છે. દીપોત્સવ એટલે દીવડાની હારના પ્રકાશનો ઉત્સવ. તહેવારોની હારમાળાનો અનેરો આનંદ એટલે દિવાળી. વિશ્વભરના હિંદુ પરિવારોમાં ઉજવાતા દીપોત્સવના તહેવારનો ઇતિહાસ પણ મજેદાર છે. ભગવાન શ્રીરામ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પરત આવ્યા ત્યારે નગરજનોએ દીવડાઓ કતારબંધ ગોઠવીને પ્રગટાવ્યા અને ભગવાન શ્રીરામની અયોધ્યા વાપસીનો ઉત્સવ ઉજવ્યો. પ્રતિવર્ષ ઉજવાતી દિવાળીનો સંદેશ પણ એક સરસ ગુઢાર્થ સ્પષ્ટ કરી જાય છે.  શ્રીરામ એટલે સત્ય, સંસ્કાર, સંયમ અને ધર્મ જ્યારે રાવણ એટલે અસત્ય, અસંસ્કાર, અસંયમ અને અધર્મ. ઉત્સવ ઉજવવાનું કારણ એ જ કે, સત્ય ઉપર અસત્યનો વિજય. અસંસ્કારને હરાવી સંસ્કારના જયઘોષનો આનંદ. સંયમનો અસંયમને દૂર હડસેલવાના ઉપક્રમને આવકાર. અધર્મ ઉપર ધર્મની ધજા ફરફર લહેરાવવાનો ઉત્સાહ. પ્રતિવર્ષ એક નવા શુભ સંકલ્પ સાથે જ્ઞાનના પ્રકાશને હારબંધ દીવડાઓની દીપશિખાના પ્રકાશથી અજ્ઞાનના અંધકારને દૂર કરવાનો તહેવાર એટલે દીપોત્સવી.
       અંધકાર ઉપર ઉજાસના સામર્થ્યનો સ્વીકારનો તહેવાર દીપોત્સવની પહેચાન છે. ભારત ઉપરાંત ફીજી, ગુઆના, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, નેપાળ, સિંગાપુર, ત્રિનીદાદ, સુરીનેમ, ટોબાગે વગેરે રાષ્ટ્રોમાં દિવાળીના તહેવારની જાહેર રજાઓ હોય છે. દિવાળીના તહેવારની ઉજવણીની એક પરિભાષા એ પણ છે કે, દિવાળી પહેલા આખું પરિવાર ઘરના ખૂણે ખૂણાની સફાઈ કરીને આંગણાંથી માંડીને માળિયા સુધી આખું ઘર ચોખ્ખું ચણાક કરી દે છે. આ પ્રક્રિયાને અંતરના ઊંડાણથી થોડીક સમજીએ તો આ ઉપક્રમ દિવાળીના તહેવારની તાર્કિક સમજને ખૂબ સરસ રીતે સ્પષ્ટ કરી દે છે. વર્ષ દરમિયાન મનમાં પડેલા ખોટા વિચાર અને આચારના કચરાનો કાટમાળ સાફ કરી મનને ચોખ્ખું ચણાક કરવાનો અવસર એટલે દીપોત્સવનો તહેવાર.
       માણસ બધું મનથી માણવા હંમેશા તત્પર હોય, પણ મનને માંજવા પ્રતિ દુર્લક્ષ સેવે છે. મનને માંજવાની તત્પરતા ખીલવવા માટે દિવાળીમાં હૃદયપૂર્વકની સજ્જતા કેળવવાની હોય છે. ખરેખર તો સુખ અને આનંદને માણવા માટે સૌથી પહેલા દુઃખને સમજવું પડે. દુઃખને સમજીએ તો સુખના દીવડા જીવનમાં પ્રજ્વળતાં વાર ન લાગે.  સમસ્યા એ છે કે,  તકલીફોને આપણે દુઃખ સમજી લઈએ છીએ. તકલીફો સામે તાકાતથી લડવાનું છે. તકલીફોના અંધકારને હડસેલીને સમજના પ્રકાશને ઉજાગર કરવાનો છે. દુઃખને સમજીને તેને સુખમાં પરિવર્તિત કરવાની કળા એટલે જ જીવનની સાચી રંગોળી.
          સમગ્ર બ્રહ્માંડના ગુઢ રહસ્યોને સરળતાથી સમજાવતા બૃહદરણ્યકા ઉપનિષદની રૂચા દિવાળીના ઉત્સવની સાચેસાચી સમજને મન-મસ્તિસ્કમાં સ્પષ્ટ કરે છે. असतो मा सद्गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥... અર્થાત હે પરમ કૃપાળુ પરમાત્મા, અસ્ત્યના અંધકારમાંથી સત્યના પરમ ઉજાશ તરફ તું મને રસ્તો બતાવીને લઇ જા, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના અજવાશ તરફ મને તું દોરી જા, મૃત્યુમાંથી મને તું અમૃત તરફ લઇ જા...
       ઘરે ઘરેથી આવતી મઠીયા, ચોળાફળી, સુંવાળી, ઘુઘરાની સોડમ દિવાળીના વધામણાં આપે છે. નવા કપડાં, મજેદાર વ્યંજનો અને સૌ કોઈના મુખ પર સ્મિત દિવાળીની યશકલગી છે.
       આ વખતની દિવાળી વિક્રમ સંવત ૨૦૭૨ની દિવાળી આપણા સૌના મનનને જ્ઞાનની તાજગીથી તરબતર કરે, ૨૦૭૩ની નવા વર્ષની ઊષા ઊર્ધ્વગામી વિચારોના કિરણો સાથે દેદિપ્યમાન બની રહે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. સમય કોઇના માટે ક્યારેય રોકાતો નથી. નદીનું જળ ક્યારેય અટકે છે ખરુ ? સૂરજના પ્રકાશનો પ્રવાસ ન રોકાય. જે સતત વહે છે, બદલાય છે, વિકસે છે એ હંમેશા વધુ જાજરમાન, રમણીય શુધ્ધ અને સુગંધીદાર છે. નવા વર્ષની ઉષા શુભકામનાઓના સુંદર મજાના સંગીત સાથે ઊગી છે. એને પોંખીએ... પરિવર્તન સ્વીકારીએ... આગળ વધીએ... સમજ સાથે સુખ અને આનંદના રંગોની રંગોળીથી જીનનને સજાવીએ...