પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 16 November 2016

જીવન સિરીયસ નહીં, સેન્સીબલ હોવુ જોઇએ...

જીવન સિરીયસ નહીં, સેન્સીબલ હોવુ જોઇએ...
                                                   -    પુલક ત્રિવેદી

અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ;
અજવાસ આવશે નજર, દીવો કરી જુઓ.
અંદર સુધી ઉજાસનો અનુભવ થઇ જશે;
સગપણ વગર કબર ઉપર દીવો કરી જુઓ.

                                             -         અશોક ચાવડા

ચેરિટી બિગીન્સ એટ હોમ... થાકેલો, હારેલો, બિચારો અને બાપડો એવો જણ સંસ્કાર અને ચેતનાનો વિચાર પણ શું કરી શકે. શુભ, સત્ય, સનાતન, વિશ્વાસ, આનંદ અને ઉલ્લાસ મનના પરિધમાં રચાતો શુભત્વનો મઝાનો સંદેશ છે. જે ખુદ વેચાઈ ગયો છે એ શુભત્વને શું વહેંચશે ? મનથી ચુંથાયેલો – ફેલાયેલો કદાચ વાતો કરી શકે પણ શુભત્વના-આનંદના સંદેશાને વહેવડાવી ન શકે ? એની માટે નાચવું અને ગાવું પડે...
થાકીને બેઠો છું, હારીને નહીં;
એક બાજી ગઈ છે જિંદગી નહીં.
એક તારીખ બદલાશે ખાલી આજે;
જિંદગી તો જાતે જ બદલવી પડશે...
મનમાં ચિનગારી ભડકવી જોઈએ એમ બધાજ કહે છે પણ, આ ચિનગારી સતત, સદૈવ જલતી-પ્રજ્વલિત રહેવી જોઈએ. એની માટે શું કરી શકાય ? જીવનમાં ખરેખર આપણે ખૂબ ખુશ હોઈએ એવા દિવસો બહુ ઓછા હોય છે. જ્યારે આ દિવસોને યાદ કરીએ ત્યારે મનમાં રંગબેરંગી ફૂલો ખીલે, મધુરું સંગીત આપોઆપ રેલાવા મંડે, હોઠો પરથી ગીત સરી પડે, આંખોમાં ચમક આવી જાય.
આપણે આપણી જિંદગીના આવા પ્રસંગો એક મિનિટ માટે વિચારી જોઇએ... કોઈની સામે કે આજુબાજુ જોવાની ક્યાં જરૂર છે? આ શું કહેશે, કે શું વિચારશે? એવું વિચારવાની જરૂર નથી. ઓશો કહે છે કે, દુનિયામેં સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ... આપણે આ રોગમાં પડવાનું નથી. એક મિનિટ માટે જીવનની અત્યંત ખુશીની એ પળો વિચારો... આંખોમાં અદભુત ચમકના દર્શન થશે.ચેરિટી બિગીન્સ એટ હોમ ‘ માટે આ ચમક, આ ખુશી અગત્યનો પાયો છે.
સૌથી મોટો સવાલ એ છે કે, આ ચમક - આ ખુશી હંમેશ માટે નહીં તો વધુમાં વધુ સમય માટે કેવી રીતે ટકાવી શકીએ ? આપણા મનમસ્તિસ્કમાં હજારો-લાખો સ્પાર્ક-ચિનગારી હોય છે. શ્રી અરવિંદ ઘોષ કહે છે કે, માણસના સો ટકા બ્રેઈન સેલ્સ પૈકી માત્ર ત્રણ ટકા બ્રેઈન સેલ્સ જ કામ કરે છે બાકીના ૯૭ ટકા બ્રેઇન શેલ્સ સુશુપ્ત હોય છે. અને આપણે વ્યવસ્થિત દેખાઇએ છીએ. બુદ્ધ, મહાવીર, સોક્રેટીસ, ગુર્જ્યેફ, ગાંધીજી જેવા જાગી ગયેલા વ્યક્તિત્વના ચારથી પાંચ ટકા બ્રેઈન શેલ્સ કામ કરે છે. એમના પણ ૯૫ ટકા બ્રેઈન શેલ્સ સુશુપ્ત જ હોય છે. મૂળ વાત મન-મસ્તિસ્કના હજારો-લાખો સ્પાર્કને કેવી રીતના વધુમાં વધુ - લાંબો સમય પ્રજ્વલિત રાખવા એ છે.
એક નાનું બાળક મનગમતું રમકડું મેળવતાં વેંત સોફા કે પલંગ પરથી કુદકો મારે છે અને ઢગલો આનંદ અભિવ્યક્ત કરે છે. તેની આંખોમાં ખુશીઓના મોતીના દાણાં વેરાય છે. ગાર્ડનમાં લપસણી ખાતા ખડખડાટ મુક્ત મને હસે છે, મમ્મી-પપ્પા, દાદા-દાદી પાસે વાર્તા સાંભળતાં એક્સાઈટેડ થઈ જાય છે. યાદ કરો આપણું બાળપણ આવુ જ મસ્ત હતુ ને? રૂપિયા પૈસા ગૌણ છે મુળત: વાત આનંદના સ્પાર્કની છે. તો પછી જેમ જેમ વય વધે એમ એમ આ સ્પાર્ક ઘટતો કેમ જાય છે ? આ હસી ખુશી ઓછી કેમ થતી જાય છે ?
આ સ્પાર્ક-ચિનગારી એક દીપકની જ્યોત જેવી છે. દીપકની જ્યોતને બે બાબત જોઈએ. એક તો ઈંધણ-નર્ચરીંગ કરવાની આવશ્યકતા અને બીજું પવન-તોફાનથી એનું જતન કરવાની આવશ્યકતા.
ભૌતિક સવલતો સફળતાનો માપદંડ હોય છે. ‘ફાઈનાન્સિયલ કેપેબિલિટી’ અમુક હદ સુધી બરાબર છે. પણ જીવનનો આ જ એક મંત્ર ન હોઈ શકે ? અને જો એમજ હોય તો પછી મુકેશભાઇ અંબાણી, રતન ટાટા જેવા ઉદ્યોગપતિઓ રોજેરોજ કામ ઉપર જતાં જ ન હોત. શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચન  પ્રતિદિન શુટીંગ (એકટીંગ) માટે ન જતાં હોત, કોહલી અને ધોની રોજેરોજ ક્રિકેટ પ્રેક્ટિસ કરતાં જ ન હોત. આ લોકો રોજ કામ ઉપર આવે છે કારણ કે, એમને જીવનને જિંદાદીલ બનાવી રાખવું છે. જીવનની જિંદાદીલી માટે શારીરિરીક સુખ અને સંબંધોનું સુખ આવશ્યક છે. જીવનને ‘સિરીયસ‘(ગંભીર) નહીં ‘સેન્સીબલ’(અર્થસભર)  બનાવવું જોઇએ.
આનંદસભર સત્વશીલ જીવન માટે મહત્વના ત્રણ પાસા ઉપર મોજથી કામ કરવુ પડે. રીઝનેબલ ગોલ, બેલેન્સીંગ નેચર અને ડુ નોટ બી મચ સિરીયસ. જીવનમાં આનંદના સ્પાર્કને બુઝાવવા માટે ચાર પ્રકારના મસમોટા તોફાનો સતત વિકારળ ડાચું ફાળીને ઊભા હોય છે. ૧. ડીસએપોઈન્ટમેન્ટ (નિરાશા), ૨. એઝમ્પશન (અનુમાન), ૩. ફ્રસ્ટ્રેશન (પરેશાની) અને ૪. નોન ફોકસ્ડ (લક્ષવિહોણાપણું). જીવનની હકારાત્મક ચિનગારી જ આપણું સાચું સુખ છે, આપણી આંખોની ચમક છે. એને જીવાડવી છે.
જીવનમાં દિવસો અને વર્ષો ગોઠવીને જીવનને લાંબુ કરવાનો પ્રયાસ નથી કરવો. આ આનંદ અને ચેતનાને લંબાવીને જીવનને હરિયાળું કરવું છે. આ ચેરિટીને દોરી બાંધીને જીવનના આકાશમાં ચગાવવી છે. હવામાં લહેરાવવી છે. ખૂબ ‘સ્માઈલ’ સાથે જીવનને મોજીલું-હરિયાળું અને તંદુરસ્ત બનાવવું છે.
'જીવનમાં સફળ થવું હોય અને ‘ચેરિટી બિગીન્સ એટ હોમ’ના મંત્રને સાકાર કરવો હોય તો... પાંચ વાક્યોને મનમાંથી કાઢીને કચરાનાં ડબ્બામાં હંમેશ માટે ફેંકી દો ! ૧. લોકો શું કહેશે ?, ૨. આ મારાંથી નહીં થાય ?, ૩. મારો મૂડ સારો નથી !, ૪. મારું નસીબ જ ખરાબ છે ! ૫. મારી પાસે સમય જ નથી ! હંમેશા કહેતા રહો અને દ્રઢપણે માનતા રહો કે, ‘હું શ્રેષ્ઠ છું’. ‘હું બધું કરી શકું છું’. કારણ પ્રભુ હંમેશા મારી સાથે જ છે..! શુભ, સત્વ અને સત્ય – સંસ્કારની ચિનગારી મારામાં સદા-સર્વદા પ્રજ્વલિત છે.
ધબકાર : “કેવળ દવાથી અમારો રોગ નહીં મટે:

        સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં...

                                      - મરીઝ


No comments:

Post a Comment