પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 16 November 2016

ખૂબ ઊંચે સ્થાને હોવું જોઈએ...મનોબળથી ખૂબ ધનવાન હોવું જોઈએ…

ખૂબ ઊંચે સ્થાને હોવું જોઈએ...મનોબળથી ખૂબ ધનવાન હોવું જોઈએ…
-    પુલક ત્રિવેદી

જી હા. બિલકુલ સાચું છે, મજબૂત મનોબળથી જ જીવન ભર્યું ભર્યું બને છે. દ્રઢ મનોબળથી જ માનવી માલામાલ હોય છે. આજે મનોબળની મજબૂતાઈને બે પ્રસંગથી જોડવી છે. એક પૌરાણિક સમયની ઐતિહાસિક વાત અને બીજી વર્તમાનની વાત. જ્ઞાન અને મનોબળના સમન્વયની જોરદાર ઐતિહાસિક વાત સમ્રાટ જનકના મહેલના કાંગરેથી આવે છે અને બીજી વાત ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના સીમાડાને લાંધીને આવે છે.
પહેલા વાત ભારતવર્ષની. અષ્ટાવક્ર. આ નામ સાંભળતાની સાથે જ જ્ઞાન અને મનોબળનો અદભૂત સમન્વય માનસપટ ઉપર છવાઇ જાય. આમ પણ અષ્ટાવક્રજી માટે બે જ વાત દુનિયા સુપેરે સમજે છે, જાણે છે અને માને છે. એક અષ્ટાવક્ર-ગીતા અને બીજી રાજા જનકના મહેલમાં યોજાયેલી જ્ઞાની-મહાજ્ઞાની પંડિતોની વિશાળ શાસ્ત્રાર્થ સભામાં અષ્ટાવક્રજીની અદભૂત ‘એન્ટ્રી’. સમ્રાટ જનક દ્વારા મહેલમાં શાસ્ત્રાર્થ સભા યોજી જીવનના સત્ય શોધવા માટે ‘ચર્ચા’ યોજવાનુ આયોજન વિચારવામાં આવ્યું. આ માટે આખા દેશના જ્ઞાની-મહાજ્ઞાની પંડિતોની નિમંત્રણ આપવામાં આવ્યું. વિજેતા પંડિતને સોના-ચાંદી, માલ-મિલકતનો પુરસ્કાર આપવાનું સમ્રાટે જાહેર કર્યું હતું.
વિદ્વાનો તો શાસ્ત્ર અને ધર્મના આધારે જીવનના સત્ય શોધવા સંદર્ભે વાદ-વિવાદમાં લાગી ગયા. આ સભામાં અષ્ટાવક્રના પિતા કહોડ ઋષિ પણ હતા. દિવસ દરમિયાન તેમણે ઘણા વિદ્વાન પંડિતોને ચર્ચામાં મહાત કર્યા પરંતુ વંદિન નામના એક પંડિત સાથે શાસ્ત્રાર્થની ચર્ચા કરતા કરતા છેક સાંજ પડી ગઈ. એમનો વિવાદ એકદમ ચરમ સિમાએ હતો અને નિર્ણાયક ઘડી આવી પહોંચી હતી. અને કહોડ ઋષિ હારવાની અણી ઉપર હતા. પિતાની આ સ્થિતિ જોઈ અષ્ટાવક્ર સમ્રાટના મહેલના એ ખંડમાં પહોંચી ગયા જ્યાં આ ચર્ચા ચાલતી હતી. આઠ અંગોથી વાંકા-ચૂંકા અને કઢંગી ચાલે ચાલતા ૧૨ વર્ષના અષ્ટાવક્રને જોઈને સભામાં હાજર સૌ પંડિતો અને જ્ઞાનીઓ હસવા લાગ્યા. પંડિતોની સામે અષ્ટાવક્ર પણ ખડખડાટ હસવા લાગ્યા. અષ્ટાવક્રને હસતો જોઈને સમ્રાટે કહ્યું ‘આ લોકોનું હસવું હું સમજી શકું છું, પણ બેટા, તું કેમ હસે છે ?’
અષ્ટાવક્રએ કહ્યું કે ‘સત્યનો નિર્ણય કરવા સભામાં ચર્ચા કરતા જ્ઞાનીઓ સમજીને હું અહીં આવ્યો હતો. પણ અહીં તો શરીરની ચામડી જોવાવાળા ચમારોની સભા છે. મંદિરનો ગુંબજ કદાચ વાંકો હોઈ શકે પણ આકાશ તો વાંકુ ન હોય ને! મારું શરીર વાંકુ છે પણ હું તો નથી ને ! શરીરને જ જે ઓળખે છે એ ઓળખમાં તાકાત ક્યાં હોય ?’
સમ્રાટ જનકે ૧૨ વર્ષના બાળક અષ્ટાવક્રને કહ્યું ‘મારી આંખો ખોલનાર અષ્ટાવક્ર છે.’ તેમને સિંહાસન ઉપર બેસાડી સભા માટે જનક રાજાએ પ્રશ્નાવલી આરંભી અને અષ્ટાવક્રએ જનક રાજાના તમામ સંશયનું સમાધાન કર્યું.
બીજી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની, આજના જમાનાની વાત. બોરીસ અને દુષ્કાને ત્યાં ડિસેમ્બર ૧૯૮૨માં એક બાળક અવતર્યો. પણ માત્ર ધડ અને માથા સાથે. હાથ-પગ નહીં. જી હા. હાથ-પગ વગર. અન્ય તમામ દ્રષ્ટિકોણથી આ બાળક તંદુરસ્ત. માથું, ધડ અને માત્ર બે અંગુઠા ધરાવતા બાળકનું નામ માતા-પિતાએ પાડ્યું નિકોલસ.
હાથ-પગ ન હોવાના કારણે નિકોલસ અને તેના પરિવારને શરૂઆતમાં ખૂબ તકલીફોનો સામનો કરવો પડ્યો. એને ભણવા માટે સામાન્ય બાળકો ભણે એ શાળામાં લેવાની પણ ના પાડવામાં આવી. ધીમે ધીમે નિકે માત્ર બે અંગુઠાના સહારે લખવાનું, ટાઈપ કરવાનં, રમવાનું, દાઢી કરવાનું વગેરે જીવન જરૂરી કામ શીખી લીધાં. વાણિજ્ય સ્નાતક બની નિક ચર્ચમાં ‘મોટિવેશનલ સ્પીચ’ આપવા લાગ્યો. ધીમે ધીમે નિકના વિચારો અને વાત દેશ-વિદેશમાં પણ લોકોને ગમવા લાગી અને એની ડીમાંડ થવા લાગી. નિકે ૬૦ જેટલા દેશોમાં ‘મોટીવેશનલ સ્પીચ’ આપવા ગયો છે.
નિકે ૨૦૦૫માં અગોરા હિલ્સ, કેલિફોર્નિયામાં ‘લાઈફ વિધાઉટ લીંબ્સ’ નામની NGO સંસ્થા સ્થાપી લાખો લોકોના હૃદય સુધી પહોંચવાનું અદભૂત કામ કર્યું છે. આજ વર્ષે ૨૦૦૫માં નિકે ‘લાઈફ્સ ગ્રેટર પરપઝ’ નામની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી રીલીઝ કરી. ફિલ્મને પણ જબ્બર પ્રતિસાદ મળ્યો. એના પીસીઝ ‘યુ-ટ્યુબ’ અને ‘વોટ્સએપ’ પર વાયરલ થઈ ગયા. માર્ચ ૨૦૦૮માં અમેરિકાની ‘૨૦/૨૦’ ટીવી સીરીઝમાં નિકનો ઈન્ટરવ્યૂ આવ્યો એ પછી જોશુઆ વેઈગેલ દિગ્દર્શીત ‘ઘ બટરફ્લાય સર્કસ’ શોર્ટ ફિચર ફિલ્મમાં કામ કર્યું.
બે હાથ અને બે પગ ન હોવા છતાં પણ દુનિયાભરમાં કાઠું કાઢી ૫,૦૦,૦૦૦ ડોલર ઉપરાંતની રકમ રળનાર નિકોલસ યુજીસિડ્ડનું દ્રઢ મનોબળ અને જ્ઞાનનું સમાયોજન અદભુત છે. અષ્ટાવક્રજી અને નિકોલસના આ બે પ્રસંગો ઉપરથી મનોબળની મજબૂતાઈથી રચાતી મહોલાત સુપેરે સ્પષ્ટ કરે છે. મો વકાસીને પરિસ્થિતિના ગુલામ બનવામાં કોઈ સાર નથી. હિંમત અને તાકાતથી પરિસ્થિતિનો મુકાબલો કરવાની મઝા છે. પલાયનવાદ એ નિરાશાવાદનો સગો ભાઈ છે. જ્યારે હિંમત અને તાકાત મજબૂત મનોબળના સગા ભાઈઓ છે.

ધબકાર
જ્યારે મનમાં થાય હું બધું જાણું છું પણ અંદરથી પીડા થાય કે, હું તો કાંઈ જાણતો નથી તો આ પીડાનુ કારણ જીવનમા કશો બદલાવ નથી. જો તમારું જીવન કોઈ ‘સત્ય’થી બદલાય તો જ ‘સત્ય’ તમારી પાસે છે અને જો જીવન ન બદલાય તો તમારી પાસે ‘સત્ય’ નથી માત્ર ‘આભાસ’ છે.



No comments:

Post a Comment