જ્યારે
પત્નિ કે પતિ નમે છે ત્યારે એમાં લાચારી કરતાં ખાનદાની વધુ હોય છે
જેફ બેઝોસ. આ નામ પડે એટલે બીઝનેસ વર્લ્ડના બીગ ટાયફુનની
આર્થિક તાકાત કહાની યાદ આવે. એમેઝોનના માલિક જેફ બેઝોસ મલ્ટી બિલિયોનર છે. હમણાં
હમણાં જેફ બેઝોસ બિજનેસ કરતાં એના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. મેકેન્ઝી સાથે
જેફના લગ્નનો અઢી દાયકા પછી અંત આવ્યો. મેકેન્ઝીને જેફની સંપત્તિનો એક ચતુર્થાંસ
ભાગ મળ્યો. લગભગ ૩૫ બિલિયન ડોલર મેકેન્ઝીને મળ્યાં. ભારતીય ચલણમાં જો એને કન્વર્ટ
કરવામાં આવે તો આ આંકડો ૨૪ ટ્રીલીયન રૂપિયાથી પણ વધારે થાય. સ્વાભાવિક રીતે જ
મેકેન્ઝીની રાતોરાત વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં ગણતરી થવા લાગી. મેકેન્ઝી
અત્યારે ૪૮ વર્ષની છે. મેકેન્ઝીએ એમેઝોનના મસ મોટા એમ્પાયર પાછળ પણ મજબૂત ભૂમિકા
ભજવી છે.
વાત કરવી છે લગ્નવિચ્છેદથી મેકેન્ઝીને મળેલાં રૂપિયા કરતાં
બે વ્યક્તિની સંવેદના વચ્ચે પડેલી તિરાડની. કહે છે કે, લગ્ન સાત જન્મોનું બંધન છે.
ઘણીવાર એવું પણ બને કે, સાત મહિનામાં જ સહજીવન જેલ જેવું લાગવા લાગે છે. આની પાછળ
સૌથી મોટું જો કોઈ કારણ હોય તો એ સંયુક્ત પરિવારની ભુસાતી પરિભાષા છે. સંયુક્ત
પરિવાર એક બીજાને એક સાથે બાંધી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. પતિ અને
પત્નિ સિવાય પરિવારના અન્ય સભ્યોની લાગણી, માગણી અને સાથ અસર કરતાં હોય છે. નાની
નાની વાતોમાં થતાં ડિફરન્સ ઓફ ઓપિનીયન સંયુક્ત પરિવારને કારણે નગણ્ય બની જતાં હોય
છે. વધારે પડતી અપેક્ષાઓ એકલતામાં ફુલીને
મોટી બની જતી હોય છે. જવાબદારી અને એકબીજા પ્રતિ સન્માનનો અભાવ છુટાછેડાના
પાયામાં હોય છે.
લગ્નવિચ્છેદ, તલાક, છૂટાછેડા, ડિવોર્સ આ શબ્દો જ અત્યંત
પીડાદાયક અને ત્રાસ આપનારા હોય છે. તેનાથી કોઈને પણ આનંદ ન જ મળે. એવું તો શું
કારણ હોઈ શકે કે કોઈની પણ હસતી ખેલતી જિંદગીમાં તલાકનું ઝહેર ફેલાઈ જાય. ડિવોર્સના
વધતા જતાં કિસ્સા ચિંતાજનક છે. છેલ્લા ૧ દાયકામાં વિશ્વમાં છૂટાછેડાના કિસ્સાઓમાં
૫૬ ટકા જેટલો વધારો નોંધાયો છે. ગામડાં કરતાં મહાનગરોમાં છૂટાછેડાની સમસ્યા વધુ
વિકરાળ બની છે. દિલ્હી, કલકત્તા, મુંબઈ જેવા મેટ્રો સિટીઝમાં પ્રતિદિન ૧૦ હજાર લગ્નવિચ્છેદના
કિસ્સા જોવા મળે છે. દેશમાં પ્રતિ ૧૦૦ લગ્ને એક લગ્નનો વિચ્છેદ થતો હોય છે.
રશિયામાં સૌથી વધુ છૂટાછેડા થતાં હોય છે. બીજા ક્રમે બેલારુસ અને ત્રીજા ક્રમે
યુક્રેન આવે છે. મજાની વાત એ છે કે, સ્વીડનમાં વાર્ષિક ફક્ત ૧૫ છૂટાછેડાના કિસ્સા
નોંધાય છે. પણ એની પાછળનું કારણ ૫૦ ટકા પુરુષો અને ૪૦ ટકા સ્ત્રીઓએ લગ્ન જ નથી
કર્યાં.
એકમેકનો સાથ છોડવાના કિસ્સાઓમાં વર્ષ ૨૦૧૩ની સરખામણીએ આજે
જબરજસ્ત ઉછાળ આવ્યો છે. બૌદ્ધ ધર્મીઓમાં ૩૪ ટકા છુટાછેડાના કિસ્સા વધ્યા છે.
જ્યારે હિન્દુઓમાં ૪૦ ટકા અને મુસ્લિમોમાં ૩૯ ટકા તલાકના કિસ્સા વધ્યા છે.
વ્યક્તિના વિકાસ માટે સંબંધ અને લાગણી બે મહત્વના અંગો છે. કોઈપણ સંબંધ વિશ્વાસ
કરતાં સમજણ ઉપર વધુ ટકેલો હોય છે. સંબંધને સાચવવા માટે પત્નિ કે પતિ નમે છે ત્યારે
એમાં લાચારી કરતાં ખાનદાની વધુ હોય છે. સંબંધો સંભાળાય ત્યારે જ તે વિકાસ પામી મોટા
બનતાં હોય છે. વ્યક્તિ, વસ્તુ અને વાતનો સહજ સ્વિકાર થાય ત્યારે સંબંધોની સુવાસ
વધુ મહેકતી હોય છે.
આર્થિક તાકાતથી ક્યારેય સમજ પેદા થતી જોવા નથી મળી.
મેકેન્ઝી અને જેમ્સ જેવા સંપન્ન પરિવારમાં થયેલા વિચ્છેદ જેવા જ ઋતિક રોશન અને
સુઝાન ખાન, પ્રભુ દેવા અને રામલતા, કરિશ્મા કપુર અને સંજય, સ્ટીવ અને એલેઈન,
રુપર્ટ મર્ડોક અને એન્ના ટોર્વ જેવા અનેક પ્રતિષ્ઠિત ડિવોર્સ કેસ છેલ્લા દાયકામાં જોવા મળ્યા છે.
આવા કિસ્સાઓમાં સંપત્તિ કરતા સમજનો અભાવ વધુ કારણભુત હોય છે.
ફિલિપીન્સ દેશની વાત અનોખી છે. આ દેશમાં નાગરિકોને ડિવોર્સ લેવાની પરવાનગી નથી. ફિલિપીન્સ કેથલીક
દેશના જૂથનો એક ભાગ છે જ્યાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. લોકો મજાકમાં એવું
પણ કહેતાં હોય છે કે ફિલિપીન્સ માને છે કે, અહીં લાસવેગાસ જેવી સ્થિતિ ન હોવી જોઈએ
કે જ્યાં સવારે લગ્ન થાય અને સાંજે ડિવોર્સ થાય. જ્યારે ઓસ્ટ્રેલિયામાં એક
પ્રદેશના મૂળ નિવાસીઓમાં મહિલાઓની પાસે છૂટાછેડા લેવા માટે એક અનોખી રીત હોય છે.
જો મહિલા અન્ય કોઈ સાથે ભાગીને લગ્ન કરી લે તો અગાઉ લગ્ન આપોઆપ રદ થઈ જાય.
મીસીસીપ્પીમાં પતિ અથવા પત્ની ઉપરાંત કોઈ ત્રીજી વ્યક્તિને તેમના લગ્ન તૂટવામાં
જવાબદાર માનવામાં આવે તો તેને ભારે દંડ ભરવો પડે છે. ન્યુ મેક્સિકો અને મીસીસીપ્પી
સહીત અમેરિકાના સાત રાજ્યોમાં આ વાત લાગુ પડે છે.
બ્રિટનમાં રહેતાં માર્કને જ્યારે એની પત્નીની બેવફાઈની ખબર
પડી ત્યારે તેણે વિચાર્યું કે જો એ ફરી વખત આવું કરશે તો હું એનું દુખ સહન નહીં
કરી શકું. તેથી તેણે ડિવોર્સ લઈ લીધા પરંતુ તે તેની પત્ની સાથે ગાળેલાં સમયને ભૂલી
ન શક્યો. એ કહે છે કે, ‘સામાન્ય રીતે મારા મિત્રો અને લોકો મને સાંત્વના આપવા માટે
મારી પત્ની વિશે કંઈને કંઇ ખરાબ બોલે જેથી મને દિલાસો મળે એવું એ લોકો વિચરતા.
પરંતુ ખરેખર તો એ સાંભળીને મને દિલાસો મળવા કરતાં દુખ વધારે થતું.’ આનો મતલબ એ થાય
કે, બે વ્યક્તિઓની સંવેદના અને સાથે ગાળેલા સમયની યાદોનું મોટું ચક્ર ક્યારેય
તુટતું નથી બલ્કે એ છૂટા થયા પછી વધુને વધું મોટુ બનતું હોય છે.
સંબંધોનું પોત પાતળું પડી રહ્યું હોય એવું કેમ અને ક્યારે
લાગે છે. લગ્નજીવનના સંબંધો વિખરાઇ જવાં પાછળના કેટલાક પરિબળો સમજવાં જેવાં છે. આજના
જમાનામાં પુરુષ અને મહિલા બન્ને વધુ પ્રોફેશનલ બન્યા છે. વળી મહિલાઓ આર્થિક
દ્રષ્ટિએ આત્મનિર્ભર અને વધુ સંપન્ન બની છે. પરિણામે આપસી મતભેદનું પ્રમાણ વધતું
જાય છે. આર્થિક શક્તિઓ વધતાં સ્વાભાવિક રીતે જ મોડર્ન લાઈફ સ્ટાઈલ અને આઝાદ
રહેવાની ચાહત વિસંવાદિતતાનું કારણ બનતાં હોય છે. મોડર્ન લાઈફ સ્ટાઈલમાં સહનશિલતા
અને સમજ દિન-પ્રતિદિન ઘટતા જાય છે. સંબંધોમાં જ્યારે આર્થિક કે સામાજિક ફાયદો
જોવામાં આવે ત્યારે તેમાં અવશ્ય વિક્ષેપના બીજ રોપાય વગર ન રહે છે. સંબંધો વિશ્વાસ
અને ભરોસાના પોત ઉપર પનપતાં હોય છે. પતિ-પત્નીના સંબંધ અણમોલ છે. પૈસા વગર જ્યાં
સુખ પ્રાપ્ત થતું હોય એ ક્ષેત્ર સંબંધોની સુવાસ ફેલવાનું કામ કરતું હોય છે.
પોતાના સેન્સેસન, ઈમોશન, બોડી વગેરે જેની સાથે
દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી શેર કર્યા છે. એનાથી અલગ થવાનો નિર્ણય કરતી વખતે
યાદોનું બહુ મોટું જંગલ ઊભું થઈ જતું હોય છે. એવું કહેવાય કે મૃત્યુ માણસની
મેમરીને વધુ સ્ટ્રોંગ બનાવે છે. છૂટાછેડા પણ માણસની એકબીજાની સાથેના સહવાસની
યાદોને વધુ મજબૂતાઈથી જકડતી હોય છે. ડિવોર્સ એ યાદોની માયાજાળને વધુ વકરાવવા વ્યક્તિએ
જાતે સ્વીકારેલુ સ્વૈચ્છિક મૃત્યુ છે. જ્યારે વ્યક્તિ એના પાર્ટનરથી અલગ થવાનું
વિચારે ત્યારે એની સ્મૃતિઓની તસવીરને પીંખવાનું એ પોતે જાતે નક્કી કરે છે.
લાગણીઓની મીઠાશ પ્રેમમાં ચરમસીમા પર હોય. વ્યક્તિ જ્યારે
પ્રેમમાં હોય ત્યારે એવું લાગે કે, પંખી એમના માટે જ ગાય છે, રંગબેરંગી ફૂલ એમના
માટે જ ખીલીને સુવાસ પ્રસરાવે છે. આસમાનના વાદળો એમના અરમાનો સાથે દોડે છે. ખરેખર
તો વ્યક્તિની અંતરમનઃસ્થિતી પ્રેમસભર છે એટલે આ બધુ સુંદર અને આહલાદક લાગે છે. સો
વાતની એક વાત એ છે કે, પ્રેમ વ્યક્તિના હૃદયમાં છે. એના પરિણામે બહારની તમામ
વસ્તુમાં આનંદ આવે છે. વ્યક્તિના મન અને હૃદયમાં વિકસતા પ્રેમનું અંકુર દુનિયાને
વધુ રંગીન અને હસીન બનાવે છે. બીજી કોઇ વ્યક્તિ તમારા હૃદયની સંવેદનાઓ જગાડવાની
ચાવી તરીકે કામ કરતી હોય છે. જો ખરેખર વ્યક્તિ જાગૃત બનીને વિચારે કે, જ્યારે કોઈ
તાળું જ નથી તો આવી બાહ્ય ચાવીઓની જરૂર જ ક્યાં છે ? રોજ સવારે આંખ ખુલે ત્યારે
ઉત્સાહ, આનંદ અને મોજનો મહાસાગર ઉમડે તો બહારના કોઈ અવલંબનની જરૂર જ ક્યાં છે ?
જ્યારે ખુશી બીજાઓ પાસેથી પ્રાપ્ત કરવાની આદત પડી જાય ત્યારે લાંબા સમયે આવો ‘લવ
અફેર’ કંટાળાજનક અને ત્રાસદાયક બનવા લાગે છે. આનંદ કે દર્દ બીજી કોઈ વ્યક્તિ
પાસેથી ક્યારેય મળતું નથી. એનું ઉદભવ સ્થાન વ્યક્તિના પોતાના હૃદયમાં જ હોય છે.
એક સાદી વાત છે કે, બે વ્યક્તિ વચ્ચેની સમજને તોડવી એટલે
ડિવોર્સ. આમ પણ સંબંધો ક્યારેય સ્થાયી નથી હોતાં. સંબંધોમાં સતત બદલાવ આવતો હોય
છે. પ્રતિદિન એમાં પરિવર્તનો થતાં હોય છે. પરિવર્તનશીલતા એ સંબંધોની વાસ્તવિકતા
છે. સંબંધો ક્યારેય સ્થાયી રહી શકતા નથી. સ્થાયી સંબંધો માત્ર નિર્જીવ સાથે હોય
છે. સંબંધો તો ખળખળ વહેતા ઝરણાંના પાણી જેવા પ્રતિપળ બદલાતા રહે છે. એમાં મોજથી
વહેવાનું હોય. એક વાર સંબંધ બંધાય પછી એ ક્યારેય ભૂલી શકાતો નથી. કદાચ વાત કરવાનું
અટકે તો પણ આંખના એક ખૂણામાં એ સદાય ખટકતો રહે છે અને કદાચ આંખમાંથી ખટકવાનું છટકે
તો યાદોમાં તો હંમેશા રહે છે.
ધબકાર :
ખુલાસો
કરવો ગુનો નથી, ખોટી સમજણના પડળોમાં પડ્યા રહેવું એ ગુનો છે.
