પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 24 May 2018

સદગુણ વગરની ષડયંત્રકારી બેપનાહ સુંદરતા બહુ ખતરનાક નિવડે


સદગુણ વગરની ષડયંત્રકારી બેપનાહ સુંદરતા બહુ ખતરનાક નિવડે


ક્લિયોપેટ્રા. સૌંદર્યનો સરતાજ. ખુબસુરતીના પર્યાય. ઈસવીસન પૂર્વે ૪૦મી સદીના યુવાનોના દિલની ધડકન અને સપનાની પરી એટલે ક્લિયોપેટ્રા. જેના સૌંદર્યની ચર્ચા એના મૃત્યુના ૨૦૦૦ વર્ષ પછી પણ અટકવાનું નામ નથી લેતી એવુ અપ્રતિમ સૌંદર્ય. વીસમી સદીના ત્રણ મહારથી લેખકો સેક્સપીયર, ડ્રાઇડન અને બર્નાડ શૉએ પણ ક્લિયોપેટ્રાની સુંદરતાને તેમની કલમને હુશ્ન અને ઇશ્કની શાહીમાં ડબોળી ડબોળીને નાટકોમાં ભરપૂર આલેખી છે. એવું કહેવાય છે કે, બેહદ ખુબસુરત ક્લિયોપેટ્રા એવી હુશ્નની મલિકા હતી કે, એકવાર એને જે જોઇ લે પછી એના સૌંદર્યને જીવનભર ભૂલી ન શકે.



ખૂબસુરતી ચહેરા ઉપર નહીં હૃદયમાં હોય છે. ચહેરાની ચમક તો સમય સાથે ઓસરી જાય. સુંદરતાની ઉણપ હોય તો સદગુણ એને પુરી શકે પણ સદગુણોની કમી સુંદરતાને ન પુરી શકે. સદગુણ વગરની સુંદરતાની અધુરપ તોફાની સાગરમાં સુકાન વગર ભટકતી નાવ જેવી છે. સૌંદર્ય સામ્રાજ્ઞી ક્લિયોપેટ્રાએ મધ્યપૂર્વ યુરોપ, ઈજીપ્ત અને ઉત્તર આફ્રિકાની રાજનીતિમાં પ્રાણઘાતક પ્રભાવક અસર છોડી છે. આ નારી જેટલી સુંદર હતી એના કરતાં વધુ ચતુર, ષડયંત્રકારી અને ખતરનાક નાગણ જેવી હતી.
સુંદરતા જેની આર્મી હતી એવી ક્લિયોપેટ્રા માટે કહેવાય છે કે, સુંદરતા ટકાવી રાખવા આ નારી જુદા જુદા પ્રાણીઓના દૂધનું મિશ્રણ કરીને સ્નાન કરતી. સદા યુવાન દેખાવા અને ચામડીની ચમક જાળવી રાખવા એ જંગલોમાં સૈનિકોને મોકલી વિવિધ જડીબુટ્ટીઓ મંગાવી એનો ભરપૂર ઉપયોગ કરતી. ક્લિયોપેટ્રા મેલીવિદ્યાનો પણ ઉપયોગ પણ કરતી. સુંદરતાનો હથિયાર તરીકે ઉપયોગ કરી એણે સૌંદર્યની આડમાં અનેક અનૈતિક ખેલ ખેલ્યા.
ઈસવીસન પૂર્વે ૬૯માં ઈજીપ્તના એલેકઝાન્ડ્રીયા શહેરમાં એનો જન્મ થયો હતો. પિતા એક રાજા હતા. ક્લિયોપેટ્રા ગ્રીક નામ છે. ગ્રીક ભાષામાં ‘ક્લિયોપેટ્રા’નો અર્થ ‘પિતાનું ગૌરવ’ થાય છે. એ ૧૭ વર્ષની યુવાન થઈ અને સૌંદર્ય સોળે કળાએ ક્લિયોપેટ્રા ઉપર મન મૂકીને વરસી પડ્યું. સ્વિટ સેવેન્ટિનમાં જ ક્લિયોપેટ્રાના પિતાનું મૃત્યુ થયું. કાયદેસર રીતે ક્લિયોપેટ્રા અને એનો ભાઈ પિતાજીના રાજપાઠ અને ધન દોલતના બે વારસદાર બન્યા. પ્રાચિન મિસ્ત્રની પરંપરા અનુસાર ક્લિયોપેટ્રા એના ભાઈની પત્ની બનવાની હતી. સત્તા અને સામ્રાજ્યના ખેલની અહીંથી શરૂઆત થઈ. સૌંદર્યની સામ્રાજ્ઞીના દિલ દહેલાવી નાખે એવા ષડયંત્રો ચાલુ થયાં. ક્લિયોપેટ્રાને પિતાની મિલકતથી હાથ ધોવા પડ્યા અને એ મિસ્ત્ર છોડીને સીરીયા પલાયન થઈ ગઈ.
આ સૌંદર્યની પ્રતિમાની સત્તા લોલુપતા અને ધનદોલત મેળવવાની લાલચનું વરવું સ્વરૂપ સદાય એના હદયમાં ધબકતું હતું. એ બરાબર સમજતી હતી કે, સૌંદર્ય હૃદયની પાસે હોય એના કરતાં આંખો પાસે હોય અને એ વાસના બની બે ભ્રમર વચ્ચે રમતું રહે તેમાં જ એની જીત છે. અજ્ઞાતવાસ દરમિયાન ક્લિયોપેટ્રાની મુલાકાત રોમન એમ્પાયરના પ્રતાપી રાજા જુલીયસ સીઝર સાથે થઈ. સીઝરે પહેલીવાર ક્લિયોપેટ્રાને જોઈ ત્યારથી એનો દિવાનો બની ગયો હતો. આ બાજુ ક્લિયોપેટ્રાએ પણ એના સૌંદર્યની મોહજાળ એવી પાથરી કે સીઝર એમાં ફસાતો જ ગયો. હવે તો સીઝર ક્લિયોપેટ્રાની આંખે જોવા લાગ્યો.
લાગ જોઈને ક્લિયોપેટ્રાએ સીઝરને મિસ્ત્ર ઉપર હુમલો કરવા તૈયાર કર્યો. સીઝરે ક્લિયોપેટ્રાના ભાઈ અને મિસ્રના રાજા દોલેમીરને ક્લિયોપેટ્રાના ઇશારે રહેંસી નાખ્યો. સીઝરે ક્લિયોપેટ્રાને મિસ્રની મહારાણી બનાવી દીધી. જહેરીલી સુંદર નાગણની રાજનીતિની આ પહેલી શાનદાર જીત હતી. મિસ્રની મહારાણી બનતા મિસ્રના રીવાજ અને પરંપરા અનુસાર એણે તેના બીજા નાનાભાઈ સાથે વિવાહ કર્યા. સત્તા અને સામ્રાજ્ય માટે સૌંદર્યનું લીલામ કરવા ઉતરી આવેલી ક્લિયોપેટ્રાએ એના પતિ એટલે કે બીજા નાના ભાઈને મરાવી નાખ્યો અને નાની બહેનને પણ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી. હવે મિસ્ત્રમાં ક્લિયોપેટ્રાનું એક હથ્થું શાસન હતું.
આ બાજુ જુલીયસ સીઝર ક્લિયોપેટ્રાના સૌદર્ય અને હુશ્ન પાછળ એટલો પાગલ હતો કે, મિસ્રની રાણી ક્લિયોપેટ્રા સાથે વિવાહ કરી એને રોમની મહારાણી બનાવવાના પ્લાનમાં હતો. પણ રોમન પ્રજાને ક્લિયોપેટ્રા સાથે સીઝરના વિવાહ મંજૂર ન હતા. ક્લિયોપેટ્રા અને સીઝરના અનૈતિક શારીરિક સંબંધોની નિશાની સ્વરૂપે એક પુત્ર પણ થયો હતો. ખતરનાક નારી ક્લિયોપેટ્રાને રોમન પ્રજાનો ચૂકાદો  મંજૂર ન હતો. એણે સીઝરના એક જનરલ એન્થોનીને કુનેહપૂર્વક એની મહોબતની માયાજાળમાં ફસાવ્યો. એન્થોની સાથે એણે લગ્ન પણ કર્યા. એન્થોનીના ત્રણ બાળકોની એ માતા બની. એણે એન્થોનીને હાથો બનાવી જુલીયસ સીઝરની હત્યા કરાવી નાખી. સીઝરના મોત બાદ એનો દીકરો ઓકટેવિયન સીઝર રોમની રાજગાદી ઉપર આવ્યો. ઓક્ટેવિયનને મહારાજા ન બનવા દેવા એન્થોની અને એના સાથીઓએ પ્રચંડ વિરોધ કર્યો. ક્લિયોપેટ્રાએ એન્થોનીને સાથ આપી રોમ સાથે યુદ્ધ કર્યું. ઓક્ટેવિયનના સમર્થ યોદ્ધા અને વિશાળ સૈન્ય સામે એન્થોની - ક્લિયોપેટ્રાનું સૈન્ય ટકી ન શક્યું. ક્લિયોપેટ્રા પાછી મિસ્ર ભાગી ગઈ. એન્થોની પણ એની પાછળ પાછળ મિસ્ર આવી ગયો.
આ બાજુ ઓક્ટેવિયન સીઝર કોઈપણ ભોગે ગદ્દાર એન્થોનીને છોડવા માગતો ન હતો. એણે ક્લિયોપેટ્રાનો કુનેહપૂર્વક ઉપયોગ કર્યો. ક્લિયોપેટ્રાને ચારિત્ર્ય અને સંસ્કાર સાથે બાર ગાંવનું છેટું હતું. એણે સિફતપૂર્વક પાર્ટી બદલી નાખી. એણે ઓક્ટેવિયન સાથે મળી મિસ્ત્રના શહેર એલેકઝાન્ડ્રીયામાં એન્થોનીની હત્યા કરી નાખી. એન્થોનીની હત્યા બાદ ક્લિયોપેટ્રાની માયાજાળનો નવો શિકાર ઓક્ટેવિયન સીઝર હતો. ઓક્ટેવિયનને ફસાવી રોમની મહારાણી બનવાનું સ્વપ્ન સાકાર કરવા એ દાવ ખેલવા લાગી. ઓક્ટેવિયન સીઝર એના પિતા જુલીયસ સીઝરની જેમ ચહેરા અને ચામડીની ચમકથી ન અંજાયો. ઓક્ટેવિયન શાણો નીકળ્યો. એણે ક્લિયોપેટ્રાને દુશ્મન નંબર વન ગણી મિસ્ર ઉપર ચડાઈ કરી. મિસ્ત્ર જીતી લીધું.
કેટલાક સાથીઓને લઈને ક્લિયોપેટ્રા મિસ્ર છોડી ભાગી ગઈ. દરબદર ભટકવા લાગી. લપાતી છુપાતી એ આમ તેમ રખડવા લાગી. એ કેવી રીતે મૃત્યુ પામી આજે પણ એક રહસ્ય છે. ઇતિહાસકારોના મતે ઓક્ટેવિયન સીઝરે ક્લિયોપેટ્રાની હત્યા કરાવી નાખી હતી. જ્યારે કેટલાકનું મંતવ્ય છે કે આ સુંદરતાની શહેજાદીએ સ્વયં સર્પદંશથી આત્મહત્યા કરી હતી. તો વળી કેટલાક કહે છે કે, એણે અતિશય માત્રામાં માદક દ્રવ્યોનું સેવન કર્યું એટલે મૃત્યુ પામી. કારણ ગમે તે હોય પણ લગભગ ચાર દાયકા જીવેલી આ સૌંદર્ય સામ્રાજ્ઞી, હુશ્નની દેવીનું મોત અત્યંત દયનીય હતું. જેણે સુંદરતા ઐશ્વરીય બક્ષીસ સમજીને સંસ્કાર અને સદગુણોના સમન્વય વગર બેફામ દુરુપયોગ કર્યો. જેમ સમુદ્રના પાણી કિનારા તોડી સુનામી સ્વરૂપે શહેરો-નગરોમાં ઘુસી ખાનાખરાબી સર્જે એમ મિસ્ત્ર સહિત રોમ અને મધ્યપૂર્વીય યુરોપમાં સૌંદર્યની સામ્રાજ્ઞીએ જબરજસ્ત ઉથલપાથલ કરી નાખી. સંસ્કાર, સદગુણ અને શરમ સૌંદર્યના સાચા ઘરેણાં છે. સૌંદર્યનું સન્માન શાનથી ત્યારે જ થાય જ્યારે એને સદગુણો સાથે ચારિત્ર્યનું મજબૂત આવરણ મળ્યું હોય. સૌંદર્ય તો હૃદયની પાસે વસવું જોઈએ. આંખો પાસેનું સૌંદર્ય હંમેશા દગો આપે છે. જે હૃદયમાં કટુતા હોય તે ક્યારેય સુંદર ન હોય.

ધબકાર :
એક યુવાન વ્યક્તિ અને ખૂબસુરત સ્ત્રી સંસારની સૌથી મોટી તાકાત છે. – ચાણક્ય





Saturday, 19 May 2018

સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેની આજુબાજુ ફર્યા કરવાનો કોઇ અર્થ નથી


સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેની આજુબાજુ ફર્યા કરવાનો કોઇ અર્થ નથી


ખૂબ અંદર બહાર જીવ્યો છું
ઘુંટે ઘુંટે ચિક્કાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખુબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ સુર્યની પેઠે
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ઘાયલહું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું...
સમસ્યાઓ સામે મુકાબલો કરવાના સામર્થ્યના ભાવને બળુકો બનાવવાની વાત આવે ત્યારે ઘાયલ સાહેબની આ અમર રચના યાદ આવ્યા વગર ન રહે. સમસ્યાઓ જીવનનું અભિન્ન અંગ છે. જીવનના પ્રત્યેક પડાવ ઉપર એક નવી સમસ્યા જડબુ ફાડીને ઊભી જ હોય. સમસ્યાનું સ્વરૂપ મનઃસ્થિતિ ઉપર અવલંબિત હોય છે. કોઇ વાર મોટી સમસ્યા ગુડ મુડમાં ખુબ નાની લાગે અને કોઇ વાર નાની અમથી મુશ્કેલી પહાડ જેવી ભાસે. નાની કે મોટી સમસ્યાનો સામનો માણસ એની કલ્પનાશક્તિ, સંગઠનની તાકાત અને દ્રઢનિશ્ચયથી કરતો હોય છે.



ક્યારેક તો ખૂબ મોટી સમસ્યાઓ વિચાર્યું ન હોય એવા નાના અને સરળ માર્ગે હલ થઈ જતી હોય છે. જિંદગીના દરેક વળાંક ઉપર એક નવું યુદ્ધ છે. જીવન જો જંગ છે, તો મક્કમતાથી એનો મુકાબલો કરવાનો છે. જંગ જીતવાનો છે. યુદ્ધમાંથી પીઠ બતાવી કાયરની જેમ ભાગવાનું નથી. જીવનમાં સમસ્યાઓ તો આવે જ આવે. સમસ્યા વગરનું જીવન નિરસ અને બેસ્વાદ લાગે.
નોર્વેના એક ગામની વાત છે. ચારે બાજુ પહાડોની તળેટીમાં આ ગામ આવેલું છે. અહીં છ-છ મહિનાઓ સુધી સૂર્ય પ્રકાશ જ ન આવે. ગામના લોકો આ મુશ્કેલી સામે ઝઝુમ્યા. એમણે ગામ ખાલી કરી પહાડોની પેલે પાર વસવાના પલાયનવાદની જગાએ પહાડો ઉપર વિશાળ કદના અરીસા એવી રીતે ગોઠવી દીધા કે, ગામમાં સૂરજદાદાની રોશનીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ ગયો. આ વાત કંઈ બહુ પુરાણી નથી, હજુ વર્ષ ૨૦૧૩માં જ જબરજસ્ત સંગઠનશક્તિથી આ સમસ્યાનું સમાધાન નોર્વેના ટચુકડા ગામે શોધી કાઢ્યું. બોલો, કેવડી મોટી સમસ્યાનો કેટલો સરળ ઉકેલ !
સામાન્ય રીતે સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા બનીને વિકરાળ લાગતી હોય છે, જ્યાં સુધી એને સમસ્યા તરીકે જોવાય. તાજેતરમાં વર્ષ ૨૦૧૨માં જિમ્બાબ્વેના બુલવાયો શહેરની અજીબો ગરીબ સમસ્યાનો ત્યાંના લોકોએ હસતા ખેલતા મુકાબલો કર્યો. બુલવાયો શહેરની પાણીની પાઈપ લાઈન જામ થઈ ગઈ. ત્યાં સતત દુષ્કાળ અને પાણીની તકલીફોના કારણે આખા શહેરની પાઈપ લાઈનોની સફાઈ થઈ શકતી ન હતી. આ પાઈપલાઈન સિવાય પાણી માટે બુલવાયો શહેરમાં અન્ય કોઈ વિકલ્પ પણ વિચારી શકાતો ન હતો. શહેરમાં પાણીની અત્યંત વિકટ પરિસ્થિતિ થઈ ગઈ. બુલવાયો આખા શહેરના લોકોએ આ મુશ્કેલીમાંથી ઉગરવા એક નિશ્ચિત દિવસે સાંજે ૭.૩૦ વાગે એક સાથે ટોઅયલેટનું પાણી ફ્લશ કરવાનો નિર્ણય કર્યો. શહેરના બધા જ લોકોએ એક સાથે મુક્કરર કરેલા દિવસે અને સમયે ફ્લશ કર્યું. અને ચમત્કારિક પરિણામ મળ્યું. જામ પાઈપલાઈન પાણીના ફોર્સથી ખુલી ગઈ.
સમસ્યાથી ડરી જઈને સંતાઈ જવાનો સૌથી આસાન માર્ગ છે. સમસ્યાથી ડરવાવાળાના હાથ હંમેશા ખાલી રહે છે. મુશ્કેલી સામે બાથ ભીડનારાને માર્ગ મળે છે. ભારતમાં ગંગા કિનારાના એક ગામના માછીમાર ભાઈઓની બહુ પ્રચલિત કહાની છે. આ માછીમારો જ્યારે માછલી પકડવા બોટમાં જતા તો રોજ એક વાઘ પાછળથી તરાપ મારી એક-બે માછીમારોને ઉપાડી જાય. માછીમારોએ આ મુશ્કેલીથી છૂટકારો મેળવવા અભ્યાસ કર્યો. એમને લાગ્યું કે વાઘ પાછળથી જ હુમલો કરે છે. એટલે એમણે માછલી પકડવા જતા બોટમાં બેસતા માથામાં પાછળના ભાગે માસ્ક પહેરવાનો શરૂ કર્યો. અને વાઘને લાગતું કે માછીમારોની નજર એની ઉપર જ છે. આશ્ચર્યજનક રીત વાઘના હુમલા નહીંવત થઈ ગયા. કેટલો સરળ છતાં મક્કમ મુકાબલો...
સારા દિવસો માટે હંમેશા ખરાબ દિવસોમાં મુશ્કેલીઓ સામે લડવાનું હોય છે. ફરિયાદો કરીને મુશ્કેલીઓથી બચી ન શકાય. મુશ્કેલીઓને હળવી કરવા માટે જવાબદારી ઉપાડવી પડે. નેધરલેન્ડમાં રાત્રિના સમયે અંધારામાં સાયકલીંગ કરવાનો બહુ મોટો પ્રશ્ન હતો. આમ પણ નેધરલેન્ડમાં લોકોને સાયકલ ચલાવવાનો જબરો શોખ. ત્યાંના સત્તાવાળાઓએ માર્ગ ઉપર ચમકીલા પથ્થરો બેસાડ્યા. આ પથ્થરો દિવસે સૂર્ય પ્રકાશથી ચાર્જ થાય અને રાત્રે માર્ગ ઉપર સુંદર રોશની આપે. લોકોને પથ્થરોની રંગબેરંગી રોશનીમાં સાયકલીંગ કરવાની મજા પડવા લાગી. હવે આ માર્ગને સ્માર્ટ હાઈ વેતરીકે નેધરલેન્ડમાં લોકો ઓળખે છે.



કહેવાય છે ને કે, મુશ્કેલી એ કેવળ સક્ષમ અને યોગ્ય વ્યક્તિઓના દ્વારે જ દસ્તક દેતી હોય છે કારણ એને ખબર હોય છે કે, આ મજબુત લોકો જ સમસ્યાનું ઉત્તમ રીતે સમાધાન મેળવી શકતા હોય છે. આમ પણ સમસ્યાઓનું કોઈ માપ કે કદ હોતું નથી. સમસ્યા તો હલ કરવાની ક્ષમતા ઉપરથી તે નાની કે મોટી પુરવાર થતી હોય છે. તત્વચિંતક રોબર્ટ કિઓસ્કીના મતે પ્રત્યેક સમસ્યા પાછળ એક અવસર પડેલો હોય છે. સમસ્યાના પડદાને ચીરીને અવસરને ઝડપવાનો હોય છે. જીવનમાં મુશ્કેલીઓની જરૂર છે. જો મુશ્કેલી છે તો તેને હલ કરીને સફળતા મેળવવાનો આનંદ છે. કાળી ડિંબાંગ રાત્રી છે, તો સવારના સોનેરી કિરણોની કિંમત છે. જો સમસ્યાનો હલ આવે એમ છે તો ચિંતા કરવાની જરૂર જ નથી અને જો સમસ્યાનો કોઈ હલ તમારી પાસે છે જ નહીં તો નકામી ચિંતા કરવાનો કોઈ અર્થ જ નથી. મોટા ભાગના લોકો સમસ્યાના સમાધાન મેળવવાના પ્રયત્નો કરતા સમસ્યાની આજુબાજુ ચકરાવા મારવામાં સમય વધુ બગાડતા હોય છે. સમસ્યા માણસના મનમાં ક્યારેય હોતી જ નથી સમસ્યા તો માણસની માનસિકતા છે. સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેની આજુબાજુ ફરવાનો કોઇ અર્થ નથી. માનસિકતા કેળવવી પડે. મુશ્કેલીને મહેબુબા સમજી એનો માર્ગ કાઢવામાં શાણપણ છે.

ધબકાર  :
સમસ્યા ત્યારે જ વિકરાળ બને છે જ્યારે તેને કંદોરે બાંધીને જોડે જોડે ફેરવવામાં આવે.



‘કડક’ શબ્દોમાં નબળી વાત કરતા સરળ શબ્દોમાં ‘મજબૂત’ વાત વધુ અસર ઉભી કરે


‘કડક’ શબ્દોમાં નબળી વાત કરતા સરળ શબ્દોમાં ‘મજબૂત’ વાત વધુ અસર ઉભી કરે


એક કંપનીના ખૂબ મોટા અધિકારીની વાત છે. તેમની કંપનીના વાર્ષિક હિસાબમેળમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે કંપનીનું સેલ ઘણું ઓછું જણાયું. આ અધિકારીએ એમના વરિષ્ઠ અધિકારીઓની ટીમને બોલાવી. તુલનાત્મક વિગતો સાથે અધિકારીઓને કહ્યું, ‘આપણી ટીમના બે મિત્રોને ગયા વર્ષે સામાજિક તકલીફો હતી. એના કારણે કંપનીનું સેલ સાઈઝેબલ ઘટ્યું હોવાનું જણાય છે. પણ વાંધો નહીં તમારા જેવા બાહોશ અને તજજ્ઞોની ટીમ આપણી પાસે છે. આપણે સાથે મળીને ગયા વર્ષની ઘટ સાથે આ વર્ષે વધુ સારું પરફોર્મન્સ કરીશું. લક્ષ્યાંક તમે સૌ જાતે જ નક્કી કરી લો. આપણે આવતી કાલે નવા લક્ષ્યાંક સંદર્ભે માટે ચર્ચા કરીશું. આ વાતની સાથી અધિકારીઓના માનસપટ ઉપર ઈન્જેકશન જેવી અસર થઈ. બીજા દિવસે બધા જ અધિકારીઓ આખા વર્ષની કામગીરીનુ મજબૂત કાર્યઆયોજન લઈને બેઠકમાં આવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કુલ સેલના આંકડાઓ કરતાં પણ વધુ સેલનો ફુલપ્રુફ પ્લાન તૈયાર થયો હતો.



આ આખી ઘટના રિચર્ડ ડેવોસની ટેન પાવરફુલ ફેઝીસ ફોર પોઝીટીવ પીપલપુસ્તકની યાદ અપાવે છે. અધિકારીએ તેના સાથીઓને વિશ્વાસ આપ્યો કે, આ વખતે ભલે આપણો દેખાવ નબળો થયો છે, પણ આગામી સમયમાં આપણે બમણાં વેગથી કાર્ય કરીશું. રેકોર્ડ બ્રેક કામગીરી કરી બતાવીશું. આ કામ તમે જ કરી શકો અને તમારી શક્તિઓ અદભુત છે. મને તમારા સૌની તાકાત ઉપર ભરોસો છે. સાથીઓનો વિશ્વાસ બેવડાય જ. આ વાતના પાયામાં વાતચીતની કલાની તાકાત છે.
એકવાર જંગલમાં હરણના બે નાના બચ્ચા રમતા રમતા ખાડામાં પડી ગયા. ખાડામાંથી બહાર આવવા બન્ને બચ્ચા ખૂબ કૂદકા મારવા લાગ્યા. થાકીને એક બચ્ચું ખૂણામાં બેસી ગયું. બીજા બચ્ચાએ કૂદકા મારી પ્રયાસ ચાલુ રાખ્યો. ઉપર કેટલાક બીજા હરણ ઊભા હતા અને પ્રયાસ કરી રહેલા બચ્ચાને હસતા હસતા બૂમો પાડી કહેતા હતા મહેનત કરવાનું રહેવા દે કોઈ ફાયદો નથી. તું બહાર નહીં આવી શકે...’ પણ આ બચ્ચું તો મહેનત કરી કૂદકા મારતું રહ્યું અને અંતે છલાંગ મારી બહાર આવી ગયું. આટલા ઊંડા ખાડામાં પડેલા બચ્ચાને બહારથી નાસીપાસ કરાતા વેણ હોવા છતાં બહાર નીકળવામાં કેમ સફળતા મળી ? તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ હરણનું બચ્ચું બહેરું હતું. બહારથી કરાતી હાંસી અને તું નહીં નીકળી શકે એવા નકારાત્મક સિગ્નલોની એને ખબર જ નહોતી પડતી અને આ બહેરું બચ્ચું એમ સમજતું હતું, ‘બક અપ, યસ, યુ કેન ડુ ઈટ...’ અને એ અંતે છલાંગ મારી સફળ થઈ ગયું. જ્યારે જે બચ્ચું સાંભળી શકતું હતું તે હતાશ-નિરાશ થઈ બેસી રહ્યું અને નિષ્ફળ ગયું. આ સિંબોલિક કથાનો સૂર એટલો છે કે, દુનિયાની હતોત્સાહ થઇ જવાય એવી વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવી.
શક્ય બને ત્યાં સુધી બીજાના તન-મનમાં ઉત્સાહ અને જોમ પુરાય એવા પ્રકારની વાત અને વાતાવરણ નિર્માણ કરવાની સાચી કળા છે. મોટા ભાગે લોકો પોતાની ભુલને સત્ય પૂરવાર કરવા જ મથામણ કરતા હોય છે. આ માટે અનેક તાણવાણા ગુંથીને પોતાની વાત મનાવવી પડે છે. પણ ભુલનો સ્વીકાર માત્ર આખી વાતનું સ્વરૂપ બદલી નાખે છે. ‘ઈટ્સ માય મિસ્ટેકકહેવા માત્રથી માહોલ બદલાઈ જાય છે. વાતાવરણ હકારાત્મક બની જાય છે. ‘મારી ભુલ છેએમ કહેવું શરૂ શરૂમાં આકરું અને વરવું લાગે. પણ એક વાર ભુલનો સ્વીકાર નવા અનેક માર્ગો ખોલી આપે છે. સફળતાનો માર્ગ વધુ આસાન બનતો જાય છે.
ક્યારેક પૃથ્થકરણ કરી જોવું જોઈએ. ‘આઈ એમ સોરી, ઈટ્સ માર મિસ્ટેકકહેવાથી કેટલો બધો ફરક પડી જતો હોય છે. કેટલીક વાર સોરીશબ્દ સુરજના પહેલા પહેલા કિરણો જેવું હુંફાળું અને મઝાનું વાતાવરણ ખડુ કરી દેતુ હોય છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે, આપણા બોલેલા શબ્દો સામેવાળી વ્યક્તિનું જીવન બહેતર બનાવી શકે છે અને બદતર પણ બનાવી શકે છે. જ્યારે પણ એમ લાગે કે સામેવાળી વ્યક્તિ તમારી હિંમત તોડી-મરોડી રહ્યા છે તો એ વાતને માત્ર પસાર થવા દો. એને તમારા કાનના માર્ગે થઇને મનમાં સ્ટોપેજન આપો. બીજાની ડિસ્કરેજીયસવાતોને તમારા સપના રોળવાનો કોઈ અધિકાર ન આપો. આવા લોકોની વાતો થાય ત્યારે પેલા બહેરા હરણની માફક બહેરાબની જવામાં નજા છે. આમ કરવાથી ડિસ્કરેજવાત એન્કરેજવાત બની જશે.
જ્યારે સામેની વ્યક્તિના કાર્યમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે અને કહેવામાં આવે કે, ‘યસ યુ કેન ડુ ઈટત્યારે આ શબ્દો એના જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે. યાદ કરો તારે ઝમી પરફિલ્મના લાગતા બાળકને. ‘તારામાં અદભૂત શક્તિ છેએવો વિશ્વાસ આપતા શિક્ષકને. જેનું મન વારંવાર ડગમગી જતું હોય એની માટે યુ કેન ડુ ઈટશબ્દો હજારો હોર્સપાવરની તાકાત સમાન પૂરવાર થતા હોય છે. ‘આઈ બિલીવ ઈન યુશબ્દ જાનદાર અને શાનદાર છે. ઓછા માર્ક લાવેલા બાળકને કોસવા કરતા માર્ક જ સફળતાની પારાશીશી નથી, અભ્યાસ અને શિક્ષણ અગત્યનું છે. તે સરસ લીધું છે. એમ કહેવાથી એ બાળક ભવિષ્યમાં સારો દેખાવ કરી શકે છે. પણ તું ક્યારેય આગળ ન આવી શકે આટલા ઓછાં માર્ક લાવ્યો છે...’ વગેરે વગેરે શબ્દો એને ક્યારેય ભવિષ્યમાં આગળ નહીં જ આવવા દે.
એસી બાત બોલીએ, મન કા આપા ખોય, ઔરન  કો શીતલ કરે, આપહિ શિતલ હોય...’ કેટલી અદભુત વાત કબીરજીએ બે લીટીમાં કરી છે. જે વ્યક્તિ કુશળતાપૂર્વક બોલવાની અને બીજાની વાત સમજવાની કળા જાણે છે એ હંમેશા ભીડમાં પોતાની અલગ પહેચાન ઊભી કરતો હોય છે. જાણીતા પ્રખર વકતા માન કારનેજી કહે છે કે, સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો ફરક પ્રભાવી વાતચીત કલાની ક્ષમતા જ છે. આપણું મૂલ્યાંકન સામાન્ય રીતે ચાર રીતે થતું હોય છે એક તો આપણે શું કરીએ છીએ, બીજું આપણે કેવા દેખાઈએ છીએ, ત્રીજું આપણે શું કહીએ છીએ અને ચોથું આપણે કેવી રીતે વાત કરીએ છીએ. ચોથી વાત સૌથી અગત્યની છે. આપણે કેવી રીતે વાત કહીએ છીએ એના ઉપર આપણી અને સામેવાળાની સફળતા નિર્ભર થતી હોય છે. કડક શબ્દોમાં નબળી વાત કરતા મજબૂત વાત સરળ અને નરમ શબ્દોમાં રજૂ થાય ત્યારે એ સૌથી વધુ અસરકારક બની જતી હોય છે.

ધબકાર :
હઠોને સબ બાત છુપા કે રખ્ખી, આંખો કો યે હુનર આયા હી નહીં.