પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 23 February 2021

ટેડ સોરેનસેનના શબ્દોના શણગારે કેનેડીના ભાષણોને ચિરંજીવ બનાવ્યા


યાદ છે, દાયકાઓ પહેલાં બોલાયેલું એક વાક્ય, ‘માય ફેલો અમેરિકન્સ, ડુ નોટ આસ્ક વ્હોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વ્હોટ કેન યુ  ડુ ફોર યોર કન્ટ્રી...’ અર્થાત રાષ્ટ્ર તમારા માટે શું કરી શકે એમ ન પુછો, તમે રાષ્ટ્ર માટે શું કરી શકો છો એમ પુછો. પ્રખર વકતા અને લેખક અમેરિકન પ્રમુખ જહોન એફ. કેનેડીના આ શબ્દો છે. પ્રત્યેક રાજપુરુષો કે મહાન વકતાઓની પાછળ તેમના ભાષણોનું લેખન કરતાં શબ્દવીરોની એક મજબૂત ટીમ હોય છે. જહોન એફ કેનેડીના પ્રવચનો સમસ્ત વિશ્વમાં અત્યંત આદરપૂર્વક સ્થાન પામ્યા છે. કેનેડીના સ્પીચ રાઈટર તરીકે ટેડ સોરેનસેનને આજે પણ દુનિયા ભૂલી શકી નથી. સામાન્ય રીતે રાજપુરુષોના વિચારોને આત્મસાત કરીને તેનું યોગ્ય શબ્દઘડતર કરીને જ સ્પીચ રાઈટર ભાષણનો પ્રાથમિક મુસદ્દો રજૂ કરતાં હોય છે. વિચારને યોગ્ય શબ્દોની પસંદગીથી ઢાળવાની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી એમના શીરે હોય છે.



કાંઈપણ બોલતા પહેલાં હજારવાર વિચારીને બોલવું પણ બોલ્યા પછી વિચારવાનો કોઈ અર્થ નથી. શબ્દ જીભ દ્વારા બહાર નીકળે એટલે એ વાણી બને છે. વકતાની જીભ એના વિચારો અને પૃથક્કરણને અભિવ્યક્ત કરતા હોય છે. વિચક્ષણ રાજપુરુષોથી માંડીને બિઝનેસ ટાઈફુન્સના શબ્દો પથદર્શક બની જાય છે. મોહનદાસ કરમચંદ ગાંધીની ગાંધી બાપુ બનવા સુધીની સફરમાં એમના વિચારોને અભિવ્યક્ત કરતાં શબ્દોએ મોટો ભાગ ભજવ્યો છે. વાચક, વિચારક અને પ્રખર ચિંતક એવા લીંકન હોય કે પછી મેઘાવી વ્યક્તિત્વના માલિક જહોન એફ કેનેડી હોય, આઈન્સ્ટાઈન હોય કે એ.પી.જે. અબ્દુલકલામ હોય, અટલજી હોય, નરેન્દ્રભાઈ મોદી હોય કે બરાક ઓબામા હોય આ બધા જ મેઘાવી રાજપુરુષોની વાણીએ જનસમુદાયને ચોક્કસ દિશામાં પ્રેરિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ટેડ સોરેનસેનના લખાણોની વિશેષતા એ હતી કે, એમના વાક્યો ખૂબ ટૂંકા રહેતા. જેને પરિણામે વકતા તેને અસરકારક રીતે પ્રસ્તુત કરી શકતા. તેમણે લખેલી તમામ સ્પીચના શબ્દો ખૂબ સરળ અને સ્પષ્ટ છતાં ચોક્કસ રહેતાં. વિચારોનું ગાંભીર્ય અને તર્ક સુપેરે વ્યક્ત  કરી શકતા. વાક્યો, શબ્દસમૂહ અને ફકરાઓની ગુંથણી  સોરેનસેનની મજબૂત શક્તિ હતી. ક્યાં કેટલો અને કેવો વિરામ લેવો અને ક્યાં સડસડાટ ડાયલોગ બોલવો એનું ચિંતન સોરેનસેનના લખાણોમાં હંમેશા ઊભરી આવતું.

કેનેડીના સમયગાળા દરમિયાન સામાન્ય રીતે ૨૦ થી ૩૦ મિનિટની સ્પીચ રહેતી. મોટા ભાગે આ બધા ભાષણો ટૂંકા હતા પરંતુ ચોટદાર રહેતા. રાષ્ટ્રપતિ કેનેડી સોરેનસેનને તેમની ઈન્ટેલેકચ્યુઅલ બ્લડ બેન્ક તરીકે ઓળખાવતા. પુલીત્ઝર પ્રાઈઝ વિજેતા કેનેડીના પુસ્તક પ્રોફાઈલ ઈન કરેજમાં પણ સોરેનસેને સિંહફાળો આપ્યો છે. કેનેડીના વર્ષ ૧૯૬૨માં લખાયેલા પુસ્તક વી ચુઝ ટુ ગો ટુ ધ મુન તરીકે ખૂબ વખણાયેલા ભાષણનો પ્રારંભિક મુસદ્દો પણ સોરેનસેનની કલમે જ અવતર્યો હતો.

ટેડ ઉપર અબ્રાહમ લિંકનના વિચારોનો ખાસ્સો પ્રભાવ હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે જહોન એફ. કેનેડી આરુઢ થયા ત્યારે તેમણે સોરેનસેનને કહ્યું હતું કે, ૨૦મી સદી અગાઉના લિંકનના તમામ ભાષણોનો ઉંડાણથી અભ્યાસ કરવામાં આવે. જ્યારે સોરેનસેને લિંકનના ભાષણોનો અભ્યાસ કર્યો ત્યારે તેમને લાગ્યું કે, લિંકન એક સંવેદનશીલ, જાનદાર અને શાનદાર લેખક હતા. સોરેનસેન માનતા હતા કે જો અબ્રાહમ લિંકન રાજકીય ક્ષેત્રે ન હોત તો કદાચ બહુ મોટા ગજાના લેખક હોત.

કેનેડીના સમયગાળા દરમિયાન અમેરિકન રાષ્ટ્રપ્રમુખના ભાષણકાર અને સલાહકાર તરીકે સોરેનસેન લાઈમલાઈટમાં રહ્યા હતા. ક્યુબામાં સોવિેયેત અણુમિસાઈલ્સ વિશે કે પછી કોલ્ડવોર સંદર્ભે, વિશ્વ શાંતિ અંગે કે પછી એશિયન કન્ટ્રીઝ અંગે, રાજકીય એકતા, દેશાભિમાન અને કર્મના સિદ્ધાંતો અંગે કેનેડીના વિચારોને ટેડ સોરેનસેને સુયોગ્ય શબ્દથી સજાવીને કેનેડીને પ્રસ્તુત કર્યા છે. પછી કેનેડીએ એની ધારદાર શૈલીમાં રજુ કર્યા.

ક્રિશ્ચન એ. સોરેનસેનના પરિવારમાં ૧૮૯૦માં નેબ્રાસ્કામાં ટેડ સોરેનસેનનો જન્મ થયો હતો. ટેડના પિતા ક્રિશ્ચન સોરેનસેન ડેનિશ અમેરિકન હતા અને માતા રશિયન યહુદી વંશના હતા. તેમના નાના ભાઈ ફીલીપ પાછળથી નેબ્રાસ્કાના લેફટનન્ટ ગવર્નર બન્યા હતા. નેબ્રાસ્કાની લિંકન યુનિવર્સિટીમાં ટેડે કાયદા સ્નાતક તરીકેની ડિગ્રી મેળવી હતી. ટેડ સોરેનસેનના વૈવાહિક જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. વર્ષ ૧૯૪૯માં કેમિલા પાલ્મર સાથે એમણે સહજીવનની શરૂઆત કરી. કેમિલાએ એરિક, સ્ટીવન અને ફીલીપ ત્રણ પુત્રોને જન્મ આપ્યો. કેમિલા સાથેનું દામ્પત્યજીવન બહુ લાંબું ન ચાલ્યું અને તે છૂટાછેડામાં પરિણમ્યું ત્યારબાદ તેણે સારા અલબેરી સાથે લગ્ન કર્યા. તે પણ લાંબો સમય ન ચાલ્યા. અંતે તેણે ગીલિયન માર્ટીન સાથે લગ્ન કર્યા અને તે જીવ્યા ત્યાં સુધી ગીલિયન સાથે રહ્યા. ગીલિયને જુલિયટ દીકરી ટેડને આપી.

ટેડ સોરેનસેને ધ કેનેડી લેગસી, વોચમેન ઈન ધ નાઈટ, ડિસીશન : જહોન કેનેડી એન્ડ ધ ક્યુબન મિસાઈલ ક્રાઈસીસ, વાય આઈ એમ ધ ડેમોક્રેટ જેવા રસપ્રદ પુસ્તકો લખ્યા છે. રાષ્ટ્રપતિ જહોન એફ કેનેડી  સાથેની તેમની નીકટતા અને વ્યક્તિગત સંબંધોની ઉષ્માને કારણે કેનેડીના વિચાર વિશ્વને સોરેનસેને અત્યંત તાર્કિક રીતે શબ્દોમાં ઉતાર્યું હતું. સોરેનસેનની એક વિશેષતા એ પણ હતી કે એ હંમેશા પ્રેક્ષક સમુહની કક્ષા મુજબ વિચારો વણી લેવાનું રાખતા. આ ઉપરાંત ટેડ હંમેશા સમયોચિત અને પ્રાસંગિકતાને ધ્યાનમાં રાખીને વિચારોની ગુંથણી કરતાં. કોઈપણ કાર્યક્રમના ભાષણનો મુસદ્દો તૈયાર કરીને જ્યારે ટેડ કેનેડી સાથે ચર્ચા કરતાં ત્યારે હંમેશા વૈકલ્પિક વિચારોની સૂચિ હાથવગી જ રાખતાં. આને પરિણામે વકતાની મનઃસ્થિતિને શબ્દોમાં સુપેરે પ્રસ્તુત કરી શકાતી.

આમ તો સ્પીચ રાઈટરની ભૂમિકા સુયોગ્ય કહાનીની ગુંથણી કરીને લોકો સામે મૂકવાની હોય છે. અલબત્ત જે પણ કહાની કહેવામાં આવે એના પાયામાં મૂળભૂત વિચાર તો વકતાનો જ હોય છે. પૃથક્કરણ પણ વકતાની વિચારશરણી મુજબ રાખવાનું હોય. જ્યારે પણ સ્પીચ રાઈટર સ્પીચનું માળખું તૈયાર કરે ત્યારે કેન્દ્રસ્થાને વકતાની જ વિચારશરણી હોય એ બીલકુલ સ્વાભાવિક છે. વકતાની છબી ઉજાગર કરવા માટે રજૂ કરાતાં શબ્દોની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોવાથી સ્પીચ રાઈટરની ભૂમિકા અગત્યની બની જતી હોય છે. બોલવા ખાતર બોલવું એ એક વાત છે અને શ્રોતાઓના મન અને હૃદયમાં ઉતરવું એ બીજી વાત છે. સ્પીચ રાઈટર ગમે એટલા સારા શબ્દો અને તર્ક સાથે વાતને રજૂ કરે પરંતુ વકતા દ્વારા થતાં પ્રસ્તુતિકરણનું પાસું સૌથી અગત્યનું છે. વાંચેલું, લખેલું, અનુભવેલું, જોયેલું, સાંભળેલુ જ્યારે વૈચારિક રીતે યોગ્ય રીતે પૃથ્થકરણ સાથે રજૂ કરવામાં આવે છે ત્યારે તે એક નવતર વિચારધારા સ્વરૂપે જનમાનસમાં આરોપીત થઈ જાય છે.

 

ધબકાર :

શબ્દો એ વિચારોનો શણગાર છે.



Thursday, 18 February 2021

‘જે જીવાયેલી નથી એ ગઝલ નહીં, ઉપદેશ બની જાય છે...’


એક દિવસ સાંજે ઓફિસથી ઘરે પહોંચીને મારા નિત્યક્રમ મુજબ ડેસ્ક ઉપર પડેલી પોસ્ટ અને કુરિયર જોઈ રહ્યો હતો. મારી નજર એક કુરિયરના પેકેટ ઉપર પડી. આ કુરિયર સર્વસંપન્ન ગૃપ તરફથી આવેલું હતું. કુરીયર જોતા વેંત ઉપલક દ્રષ્ટિએ જ સમજ પડી ગઈ કે, એમા મારા હૃદયને પુલકિત કરે એવી સામગ્રી એટલે પુસ્તકો છે. કુરિયરના કવરમાં ત્રણ પુસ્તકો હતા. ત્રણેય પુસ્તકો હર્ષ બ્રહ્મભટ્ટ લિખિત હતા. આમ તો સર્વસંપન્ન ગૃપના ઉત્કર્ષ પટેલનો મારે કોઈ પ્રત્યક્ષ પરિચય નથી છતાં મનોમન ભાઈ ઉત્કર્ષનો હૃદયપૂર્વક આભાર માન્યો.



ઉત્કર્ષભાઈએ મોકલેલા હર્ષ બ્રહ્મભટ્ટના ત્રણ પુસ્તકો પૈકીનું એક અભિન્ન અનુબંધખોલ્યું અને એક બેઠકે એ પુરું કરી નાખ્યુ. હર્ષ બ્રહ્મભટ્ટની પહેચાન એક કવિ અને ગઝલકાર તરીકે મને હતી. ઘણા લોકો હર્ષભાઈને રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી તરીકે જાણે છે, પણ મારા જેવા ઘણા એમને અધિકારી કમ સર્જક વધુ સમજે છે. હર્ષભાઈના અગાઉ નવ ગઝલ-કાવ્ય સંગ્રહ ગુજરાતીમાં અને છ ઉર્દુ અને હિન્દીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. પરંતુ એક અભિન્ન અનુબંધએમની અલગ ઓળખ આપે છે. પુસ્તક વિશે વિગતે વાત કરીએ એ પહેલા સર્જકના કેટલાક અનોખા શેડને સહેલાવવાની ઇચ્છા છે. એ પણ સ્પષ્ટતા કરી દઉ કે હર્ષભાઇ સાથે મારે બહુ ઘનિષ્ટતા નથી વએષે દિવસે કોઇ એકાદ બે પુસ્તકના સંકલન માટે દુરવાણી ઉપર જ વાત થાય. પણ હા, આ વાત બહુ દમદાર થાય, મજેદાર થાય એ ચોક્કસ. આમ તો વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થી હર્ષભાઈને શબ્દો અને કલ્પનાના ઘોડે સવારી કરવાનુ બાળપણથી બહુ ગમે. મહેસાણાના મધ્યમ વર્ગીય પરિવારમાં પાંગરેલા આ પુષ્પની શબ્દોની મહેંક પારિજાતના શ્વેત પુષ્પ જેવી મઘમઘે છે.


હર્ષભાઈના પિતા રેલ-વેમાં નોકરી કરતા ત્યારે એ જ્યાં રહેતા તેની આસપાસ મુસ્લિમ પરિવારોની સંખ્યા ઠીક ઠીક હતી. ત્રણ વર્ષની વયથી એ ઉર્દુ શબ્દો સમજવા પ્રયાસ કરતા. ફિલ્મિ ગીતોમાં આવતા ઉર્દુ શબ્દો એ સમજવા રીતસર મથામણ કરતાં. ત્રણ દાયકા સુધી આ વાતાવરણમાં ઉછરેલા હર્ષભાઈની ઉર્દૂ ભાષા ઉપરની પક્કડ દિનપ્રતિદિન વધુ ને વધુ મજબૂત થતી ગઈ. એમણે પહેલી ગઝલ ઉર્દુમાં લખી. જ્યારે એ ગઝલ કોલેજના નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવી ત્યારે તેમના ગુરુ રાસબિહારીભાઇ દેસાઈએ કહ્યું, ‘ગઝલમાં ઉર્દુ ભાષાનો સરસ પ્રયોગ થયો છે. કોઈ ક્ષતી નથી, પરંતુ ગુજરાતીમાં પણ લખવાનો પ્રયાસ કરવો જોઈએ.’ જાણે અજાણે ઉર્દુ ભાષા સાથે બંધાયેલા નાતાને વિસ્તારીને હર્ષભાઈએ ગુજરાતીમાં કવિતા-ગઝલો લખવાનું આરંભ્યું.


એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, મૌનની મહેફીલ, જીવવાનો રીયાઝ, ખુદને ય ક્યાં મળ્યો છું?, ઝાકળ, તડકાની વચ્ચે જેવા એમના કાવ્ય-ગઝલ સંગ્રહો ભાવકોના મનમસ્તિષ્કમાં હંમેશા રમતા હોય છે. કંદીલ, સરગોશી, મેરા અપના આસમાં, ખામોશી હૈ ઈબાદત જેવા હિન્દી-ઉર્દુ ગઝલ સંગ્રહની પ્રસિધ્ધી બાદ હર્ષભાઈની રાષ્ટ્રીય ગઝલકારોમાં વટભેર ગણના થવા લાગી છે. હર્ષભાઈથી વિનોદભાઈ ભટ્ટ વયમાં મોટા પણ એમની આગવી વિનોદશૈલીમાં એ કહેતા કે, ‘હર્ષ બ્રહ્મભટ્ટ હું મારાથી એટલા માટે મોટા માનું છું કે, મારું નામ વિનોદ અને એનું હર્ષ. હર્ષ વિનોદથી મોટો જ હોય. વળી હું ભટ્ટ અને હર્ષ બ્રહ્મભટ્ટ, એમ એ રીતે પણ મોટો.’


હર્ષભાઈનો એક મજાનો શેર યાદ આવે છે, ‘મારા હૃદયમાં વેદના તેઓ ભરી ગયા, એથી જ શ્વાસ શબ્દનો દરીયો તરી ગયા...’ આવા તો ઘાણા યાદગાર શેર હર્ષભાઇની કલમે અવતર્યા છે. એમનો પ્રત્યેક શબ્દ બોલતો હોય છે જાણે ‘મા’ સરસ્વતીની અસીમ કૃપા એમને સાંપડી ન હોય !એક અભિન્ન અનુબંધના પ્રાગટ્ય સાથે જોડાયેલી એક યોગાનુ યોગ વાત યાદ આવે છે. વર્ષ ૨૦૧૮માં કવિમિત્ર હરદ્વાર ગોસ્વામીએ સર્જક મિત્ર મનિષભાઈ પાઠક આયોજિત શબ્દ જ્યોતિના કાર્યક્રમમાં હર્ષભાઈના ફિલ્મી ગીતોના ઊંડા અભ્યાસના સંદર્ભમાં અભિલાષા વ્યક્ત કરી હતી કે, ‘હર્ષભાઈની કલમે ફિલ્મી ગીતોની સમજ આપતું એક પુસ્તક બને તો મોજ આવે.’ આજે ભાઈ હરદ્વારે અનાયાસે કહેલી વાત સિદ્ધ થઈ છે. અહીં એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે, હર્ષભાઈના ઘણા સર્જનને અરીજીતસિંગ, સોનુ નિગમ, હરીહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, અનુપ જલોટા, ઉસ્તાદ રશીદખાન જેવા મખમલી અવાજના મહારાજાઓએ સ્વરબદ્ધ કરી છે.


નાનપણથી હર્ષભાઈને હિન્દી ફિલ્મી ગીતોના સાચા શબ્દો હાથે લખીને સંગ્રહ કરવાનો ગજબનો શોખ. એ જમાનામાં યુ-ટ્યુબ કે ડીવીડી તો ન હતા એટલે રેડિયો કે ગ્રામોફોન ઉપરથી ધ્યાનથી ગીતો સાંભળીને એ ડાયરીમાં ઉતારતા. જે ગીતમાં ઉર્દુ શબ્દ કે કોઈ અઘરો હિન્દી શબ્દ આવે અને એમને એ ન સમજાય ત્યારે કોઇ જાણકારને એ શબ્દનો અર્થ પૂછતા રહેતા. બાર વર્ષ સુધી ચાલેલા એમના આ ઉપક્રમમાં ૪૦૦૦ જેટલા હસ્તલિખીત હિન્દી ગીતોનો સંગ્રહ એમણે તૈયાર કરી દીધો હતો.

આ શોખના કારણે એમની ઉર્દુ અને હિન્દી ભાષાની સમજ વધુ પાકટ થતી ગઈ. સાથો સાથ ગીતો અને તેને સંલગ્ન માહિતી એમને કંઠસ્થ થવા લાગી. ખાસ કરીને ૧૯૪૫થી ૧૯૮૫ સુધીના ચાર દાયકામાં આવેલા હિન્દી ફિલ્મી ગીતોની કાવ્યાત્મક સર્જનશીલતા હર્ષભાઈએ સુપેરે તારવી છે. સ્વરસેતુ મેગેઝીનમાં એમણે હિન્દી ફિલ્મી ગીતોમાં કાવ્યતત્વ વિષય ઉપર ૪૬ જેટલા લેખો લખ્યા. પછી આ લેખો સંકલીત કરીને એક અભિન્ન અનુબંધમાં ઉઘાડ પામ્યાં. પુસ્તક એટલુ તો લોક્પ્રિય બન્યું કે આ એની ચોથી આવૃત્તિ છે.

ચિત્રપટ જે તે સમયના સમાજ જીવનનો આયનો છે. ફિલ્મોના પ્રસંગો, ગીતોનો માનવજીવન સાથે ગહેરો નાતો હોય છે. પારિવારિક સંબંધો, મિત્રતા, દુશ્મની, તહેવાર, ખેલકૂદ, યુવાની, પ્રેમ, બાળપણ, જવાની, પ્રવાસ, મોસમ જીવનના તમામ પાસાઓ માટે ફિલ્મી ગીતો બન્યા છે. એવા કેટલાય ફિલ્મી ગીત-ગઝલ છે કે, જેના શબ્દો અને અર્થ મંત્રમુગ્ધ કરી નાખે છે. ફિલ્મી ગીતો સાથે વ્યક્તિનો જાણે અજાણે હંમેશા અજીબ નાતો રહ્યો છે. આ સંબંધને હર્ષભાઈના એક અભિન્ન અનુબંધપુસ્તક સ્વરૂપે માણવાનો મોકો મળે છે.

નિદાફાજલી, સાહિર લુધિયાનવી, શકીલ બદાયુની, કૈફી આઝમી, ગુલઝાર, આનંદબક્ષી જેવા ખાં સાહેબોના સર્જનને હર્ષભાઈએ રસગુલ્લાની જેમ ગળે ઉતરી જાય એવી સરળ ભાષામાં મૂકવાનું સુંદર કામ કર્યું છે. એકવાર આ પુસ્તક હાથમાં પકડીને જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ ? સાહિરની નઝમના પ્રથમ પ્રકરણથી વાંચવાની જે શરૂઆત કરે પછી ઈસ હુસ્ને મુજસ્સિમ કી કહીં નિંદ ન તૂટેસુધીના છેલ્લા પ્રકરણ સુધી એની નજર પુસ્તક ઉપરથી હટાવી શકે નહીં એવી પ્રવાહીતા આ પુસ્તકની તાકાત છે.

હર્ષભાઇ સરકારમાં દાયકાઓ સુધી રહ્યાં પણ એમણે એમનામાં રહેલા અસરકારક સર્જકને ક્યારેય અમલદારીના આચળામાં સંતાવા નથી દીધો. જીવનના સાડા છ દાયકાની દડમજલમાં અને હજુ આજે પણ સર્જનનો નિજાનંદ માણતા હર્ષભાઈનો ભાવક પરિવાર સતત વિસ્તરતો રહ્યો છે. સામાજિક પ્રતિબદ્ધતા સાથે સદા સર્વદા કવિતાના મંચ દ્વારા સાહિત્યિક શમા બાંધી સાહિત્યિક સંસ્કાર વારસો આગળ ધપાવવાની ધુણી એમણે ધખાવી છે. ઘણા નવા તેજસ્વી કવિઓ અને ગઝલકારોના એ પથદર્શક છે. એમની ગઝલમાં સાદગી અને અનુભૂતિનો અદભુત સમન્વય જોવા મળે છે. સમજાય અને હૃદયમાં અનુભવાય એવા શબ્દોનું સ્વામીત્વ હર્ષભાઈ પાસે છે.


નવભારત પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત એક અભિન્ન અનુબંધતમામ જાણીતા બુકસ્ટોલ ઉપરથી પ્રાપ્ય છે. એ વસાવીને હદયની ભાવનાઓ સાથે સંબંધ બાંધવા જેવો છે. હિન્દી ફિલ્મોના એનસાઇક્લોપીડીયા જેવા મિત્ર લેખક, વિચારક, ચિંતક જય વસાવડાને એક અભિન્ન અનુબંધઅર્પણ કરીને હર્ષભાઇએ યથાર્થ ઉપક્રમ સર્જ્યો છે. એમની એક લોકપ્રિય ગઝલની બે લાઈનોમાં જીવનની અદભુત ફિલોસોફી સાથે એક અભિન્ન અનુબંધને સાઈન આઉટ કરીએ. ‘જે ગમી એ ક્ષણે જીવી નાખ્યું, યુદ્ધના ધોરણે જીવી નાખ્યું, અંતે આ પ્રશ્ન પ્રાણપ્રશ્ન બન્યો, મેં કયા કારણે જીવી નાખ્યું ?...’


ધબકાર :

જે ગઝલ અનુભવોમાં જીવાયેલી નથી હોતી એ હૃદય સુધી નથી પહોંચતી, પછી એ શબ્દો ગઝલ નહીં ઉપદેશ બની જાય છે  હર્ષ બ્રહ્મભટ્ટ





Tuesday, 9 February 2021

લોકો બેન શહરને ‘હેપીનેસ ગુરુ’ તરીકે ઓળખે છે

 


 

જગતની દાદુ ગણાતી યુનિવર્સિટી હાર્વર્ડમાં તાલ બેન શહર નામના એક હોનહાર યુવાને સકારાત્મક મનોવિજ્ઞાનના વિષય ઉપર મનનીય વિચારો રજૂ કર્યા. બેન શહેરના આ વિચારો જંગલની આગની માફક ફેલાવા લાગ્યા. આજે હાર્વર્ડમાં બેન શહરના સકારાત્મક ખ્યાલોનો અભ્યાસક્રમ હોટ કેકની જેમ લોકપ્રિયતાના શિખરે પહોંચી ગયો છે. પ્રતિવર્ષ સેંકડો હજારો વિદ્યાર્થીઓ એના કોર્ષમાં જોડાવા લાગ્યા છે. હાર્વર્ડમાં ભણતા ૨૦ ટકા યુવાનો બેન શહરના આ વૈકલ્પિક અભ્યાસક્રમમાં જાય છે. હાર્વર્ડના ઇતિહાસમાં આ અભ્યાસક્રમ અત્યાધિક લોકપ્રિય બન્યો છે.


વર્ષ ૧૯૭૦માં જન્મેલા બેન શહર અમેરિકન ઇઝરાયેલી શિક્ષક છે. જીવનના હકારાત્મક પડાવો અને નેતૃત્વના પાસાઓને એ એની ધારદાર અને રસાળ શૈલીમાં પ્રસ્તુત કરે છે. એના અનેક પુસ્તકો બેસ્ટ સેલર શ્રેણીમાં છે. માનવીય વર્તણૂંક અંગે વૈજ્ઞાનિક સમજ આપતાં બેન શહરના શિબિરોમાં લોકો હકડેઠઠ ભેગા થઇ જાય છે. દુનિયામાં આજકાલ બેન શહર સૌથી વધુ વંચાતો લેખક છે. સુખની પરિભાષા પ્રસ્તુત કરવાની એની તાત્વિક અને વૈજ્ઞાનિક મેથડોલોજી લોકોને સ્પર્ષી જાય છે. લોકો બેન શહરને હેપીનેસ ગુરુતરીકે વધારે ઓળખે છે. સોશિયલ મીડિયા અને વેબ સાઈટ ઉપર એના લાખો ચાહકો છે. ૩૫ વર્ષના આ હેપીનેસ ગુરુએ વ્યક્તિની આંતરિક ઊર્જાને ઓળખી સકારાત્મક દ્રષ્ટિકોણ દ્વારા સુખના માર્ગે આગળ ધપવા માટે સાદી, સરળ પણ ચાવીરૂપ ચૌદ ટીપ્સ આપી છે.


ટીપ નં- : વ્યક્તિ પાસે તેને આનંદ થાય એવી ઘણી વાતો અને ઘટનાઓ હોય છે. આમાંથી દસ આનંદ આપતી વાત તારવી લેવી જોઈએ. આ દસ વાત ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનો મહત્તમ પ્રયાસ પ્રભાવક પરિણામો આપે છે.

ટીપ નં- : તજજ્ઞો કહે છે વ્યાયામ સૌથી મોટુમુડ રીપેરર ફેક્ટર છે. દિવસમાં ૩૦ મિનિટ શરીરને અનુકૂળ પડે એવા વ્યાયામ માટે ફાળવવી જોઈએ. કસરત માનસિક તાણ દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે.

ટીપ નં- : ક્યારેય નાસ્તાનો સમય ન ચૂકવો જોઈએ. નાસ્તો શરીરને ઉર્જા પુરી પાડે છે. સકારાત્મક વિચારો માટે જઠરાગ્ની શાંત હોય એ જરૂરી છે.

ટીપ નં- : તમારે શું જોઈએ છે અને શું કરવું છે એ સ્પષ્ટ હોવુ જોઇએ. હંમેશા પોતાના વિચારો સ્પષ્ટતાપૂર્વક પ્રસ્તુત કરવા તૈયાર રહો. ચૂપ રહેવાનો અર્થ ઉદાસીને આમંત્રણ.

ટીપ નં- : એક અધ્યયન સ્પષ્ટ કરે છે કે, ૭૫ ટકા લોકો તેમના પ્રવાસ, અભ્યાસ, અધ્યયન બાદ રોકેલા નાણાથી ખુશ થતા હોય છે જ્યારે અન્ય માત્ર વસ્તુઓ ખરીદવાથી ખુશી અનુભવતા હોય છે.

ટીપ નં- : જ્યારે કોઈ બાબતને મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવે ત્યારે તણાવ અને ચિંતાનુ કારણ જન્મે છે. પ્રતિસપ્તાહ કાર્યની એક યાદી બનાવવી જરૂરી છે.

ટીપ નં- : તમારા પ્રિય લોકોની તસવીરો, યાદો, શબ્દો તમારા ફ્રીઝ ઉપર, દિવાલો ઉપર, કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર રાખવાનો પ્રયાસ કરો. આ નાનકડી બાબત ચિત્તમાં આનંદ આપે છે.

ટીપ નં- : તમને મળતા તમામ લોકોને સદાય સ્મિત સાથે શુભેચ્છા આપવાનો ઉપક્રમ રાખવો જોઈએ.

ટીપ નં- : રોજ પહેરાતા પગરખા કમ્ફર્ટેબલ રાખો. ડંખ મારતા જૂતા મુડ બગાડવાનું મોટુ કારણ બની જતા હોય છે.

ટીપ નં-૧૦ : તમારા ખભા મ્હોથી પાછળ રાખો. આનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

ટીપ નં-૧૧ : મનગમતું સંગીત સાંભળવાનું રાખવું જોઈએ. મુડને મેઈનટેઈન કરવામાં સંગીત અકસીર રીતે મદદગાર બને છે.

ટીપ નં.-૧૨ : ભોજનની નિયમિતતા કદી ભંગ ન થવી જોઇએ. ભોજન કરવાનુ તો ક્યારેય ન છોડવુ. પ્રતિ ત્રણ ચાર કલાકે થોડું થોડું ખાતા રહેવું જોઈએ. ખાંડ, મીઠું, મેંદો જેવી સફેદ વસ્તુ લેવાનું ટાળવું પણ ફળ, શાકભાજી જેવી વસ્તુઓ ખાતા રહેવી.

ટીપ નં.-૧૩ : પોતાની જાતની સતત સંભાળ રાખવી જોઈએ. એક સર્વે કહે છે કે, ૭૦ ટકા લોકો પોતાની સંભાળ લઈને સ્વસ્થ હોય છે ત્યારે સુખનો ચરમ અનુભવ કરતા હોય છે.

ટીપ નં-૧૪ : જે પણ નાત, જાત કે સંપ્રદાયમાં માનતા હોવ તે પ્રમાણે ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો. સુખ રીમોટ કંટ્રોલ જેવું છે. આપણે ગાંડાની જેમ એ રીમોટના બટન દબાવે રાખીએ છીએ.


બેન શહરની આ ૧૪ ટીપ મમળાવા જેવી છે. વિશ્વમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. એક કે જે દરેક કામને કંટાળાજનક રીતે જોતા હોય છે. બીજા એવા લોકો કે જે કામને એની કારકિર્દી તરીકે જોતા હોય છે. અને ત્રીજા એ કે જે કામને આગળ વધવાનો માર્ગ સમજતા હોય છે. ત્રીજા પ્રકારના વ્યક્તિઓ તેમના કાર્યથી હંમેશા ખુશ હોય છે. સફળ અને ખુશીમાં વ્યાપક ગેરસમજ છે. મોટાભાગના લોકો માનતા હોય છે કે, સુખ સફળતાનો અંતિમ પડાવ છે. પરંતુ ખરેખર તો સુખી થવા માટે સફળતાની જરૂર નથી. સુખ તો માનસિક પરિપાટી ઉપર ઘડાતુ હોય છે. સુખી થવા માટે માનસિકતા બદલવાની જરૂર છે. તાલ બેન શહેરે આપેલી સાદી પણ મહત્ત્વની ચૌદ ટીપ્સની સાચી સમજમાં સુખ છે.


કોઈપણ વ્યક્તિના જીવનનો અંતિમ હેતુ સુખ છે. દાર્શનિક એરિસ્ટોટલના મતે માનવીના જીવનનો અર્થ જ સુખમાં સમાયેલો છે. જ્યારે સુખની વાત આવે ત્યારે એક વાત ખાસ સમજવા જેવી છે. વ્યક્તિ જ્યારે બિઝનેસ કરે ત્યારે નફો કે નુકસાનની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે. પરંતુ માનવી માટે અંતિમ ચલણ કોઈપણ દેશની કરન્સી નથી જ નથી. બાહરી તત્ત્વો જેવા કે ખ્યાતિ, નસીબ કે સત્તા પણ મનુષ્યના સુખની પરિધિમાં ન હોય. આર્થિક સંપન્નતા કે ખ્યાતિ સુખની વ્યાખ્યામાં અતિ ગૌણ બાબત છે. પૈસા અને સન્માન ઇચ્છનીય જરૂર હોઈ શકે પરંતુ એ અંતિમ સુખ અને આનંદ આપી નથી શકતા અને તેની કિંમત પણ કંઈ નથી.

 

ધબકાર :

 વિચાર, વાણી અને વર્તનના સામંજસ્યના કેન્દ્રમાં ખુશી હોય છે.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/feb2021/09022021-4.pdf