એક દિવસ સાંજે ઓફિસથી ઘરે પહોંચીને મારા નિત્યક્રમ મુજબ ડેસ્ક ઉપર પડેલી પોસ્ટ અને કુરિયર જોઈ રહ્યો હતો. મારી નજર એક કુરિયરના પેકેટ ઉપર પડી. આ કુરિયર સર્વસંપન્ન ગૃપ તરફથી આવેલું હતું. કુરીયર જોતા વેંત ઉપલક દ્રષ્ટિએ જ સમજ પડી ગઈ કે, એમા મારા હૃદયને પુલકિત કરે એવી સામગ્રી એટલે પુસ્તકો છે. કુરિયરના કવરમાં ત્રણ પુસ્તકો હતા. ત્રણેય પુસ્તકો હર્ષ બ્રહ્મભટ્ટ લિખિત હતા. આમ તો સર્વસંપન્ન ગૃપના ઉત્કર્ષ પટેલનો મારે કોઈ પ્રત્યક્ષ પરિચય નથી છતાં મનોમન ભાઈ ઉત્કર્ષનો હૃદયપૂર્વક આભાર માન્યો.
ઉત્કર્ષભાઈએ મોકલેલા હર્ષ બ્રહ્મભટ્ટના ત્રણ પુસ્તકો પૈકીનું ‘એક અભિન્ન અનુબંધ’ ખોલ્યું અને એક બેઠકે એ પુરું કરી નાખ્યુ. હર્ષ બ્રહ્મભટ્ટની પહેચાન એક કવિ અને ગઝલકાર તરીકે મને હતી. ઘણા લોકો હર્ષભાઈને રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી તરીકે જાણે છે, પણ મારા જેવા ઘણા એમને અધિકારી કમ સર્જક વધુ સમજે છે. હર્ષભાઈના અગાઉ નવ ગઝલ-કાવ્ય સંગ્રહ ગુજરાતીમાં અને છ ઉર્દુ અને હિન્દીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. પરંતુ ‘એક અભિન્ન અનુબંધ’ એમની અલગ ઓળખ આપે છે. પુસ્તક વિશે વિગતે વાત કરીએ એ પહેલા સર્જકના કેટલાક અનોખા શેડને સહેલાવવાની ઇચ્છા છે. એ પણ સ્પષ્ટતા કરી દઉ કે હર્ષભાઇ સાથે મારે બહુ ઘનિષ્ટતા નથી વએષે દિવસે કોઇ એકાદ બે પુસ્તકના સંકલન માટે દુરવાણી ઉપર જ વાત થાય. પણ હા, આ વાત બહુ દમદાર થાય, મજેદાર થાય એ ચોક્કસ. આમ તો વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થી હર્ષભાઈને શબ્દો અને કલ્પનાના ઘોડે સવારી કરવાનુ બાળપણથી બહુ ગમે. મહેસાણાના મધ્યમ વર્ગીય પરિવારમાં પાંગરેલા આ પુષ્પની શબ્દોની મહેંક પારિજાતના શ્વેત પુષ્પ જેવી મઘમઘે છે.
હર્ષભાઈના પિતા રેલ-વેમાં નોકરી કરતા ત્યારે એ જ્યાં રહેતા તેની આસપાસ મુસ્લિમ પરિવારોની સંખ્યા ઠીક ઠીક હતી. ત્રણ વર્ષની વયથી એ ઉર્દુ શબ્દો સમજવા પ્રયાસ કરતા. ફિલ્મિ ગીતોમાં આવતા ઉર્દુ શબ્દો એ સમજવા રીતસર મથામણ કરતાં. ત્રણ દાયકા સુધી આ વાતાવરણમાં ઉછરેલા હર્ષભાઈની ઉર્દૂ ભાષા ઉપરની પક્કડ દિનપ્રતિદિન વધુ ને વધુ મજબૂત થતી ગઈ. એમણે પહેલી ગઝલ ઉર્દુમાં લખી. જ્યારે એ ગઝલ કોલેજના નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવી ત્યારે તેમના ગુરુ રાસબિહારીભાઇ દેસાઈએ કહ્યું, ‘ગઝલમાં ઉર્દુ ભાષાનો સરસ પ્રયોગ થયો છે. કોઈ ક્ષતી નથી, પરંતુ ગુજરાતીમાં પણ લખવાનો પ્રયાસ કરવો જોઈએ.’ જાણે અજાણે ઉર્દુ ભાષા સાથે બંધાયેલા નાતાને વિસ્તારીને હર્ષભાઈએ ગુજરાતીમાં કવિતા-ગઝલો લખવાનું આરંભ્યું.
એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, મૌનની મહેફીલ, જીવવાનો રીયાઝ, ખુદને ય ક્યાં મળ્યો છું?, ઝાકળ, તડકાની વચ્ચે જેવા એમના કાવ્ય-ગઝલ સંગ્રહો ભાવકોના મનમસ્તિષ્કમાં હંમેશા રમતા હોય છે. કંદીલ, સરગોશી, મેરા અપના આસમાં, ખામોશી હૈ ઈબાદત જેવા હિન્દી-ઉર્દુ ગઝલ સંગ્રહની પ્રસિધ્ધી બાદ હર્ષભાઈની રાષ્ટ્રીય ગઝલકારોમાં વટભેર ગણના થવા લાગી છે. હર્ષભાઈથી વિનોદભાઈ ભટ્ટ વયમાં મોટા પણ એમની આગવી વિનોદશૈલીમાં એ કહેતા કે, ‘હર્ષ બ્રહ્મભટ્ટ હું મારાથી એટલા માટે મોટા માનું છું કે, મારું નામ વિનોદ અને એનું હર્ષ. હર્ષ વિનોદથી મોટો જ હોય. વળી હું ભટ્ટ અને હર્ષ બ્રહ્મભટ્ટ, એમ એ રીતે પણ મોટો.’
હર્ષભાઈનો એક મજાનો શેર યાદ આવે છે, ‘મારા હૃદયમાં વેદના તેઓ ભરી ગયા, એથી જ શ્વાસ શબ્દનો દરીયો તરી ગયા...’ આવા તો ઘાણા યાદગાર શેર હર્ષભાઇની કલમે અવતર્યા છે. એમનો પ્રત્યેક શબ્દ બોલતો હોય છે જાણે ‘મા’ સરસ્વતીની અસીમ કૃપા એમને સાંપડી ન હોય ! ‘એક અભિન્ન અનુબંધ’ના પ્રાગટ્ય સાથે જોડાયેલી એક યોગાનુ યોગ વાત યાદ આવે છે. વર્ષ ૨૦૧૮માં કવિમિત્ર હરદ્વાર ગોસ્વામીએ સર્જક મિત્ર મનિષભાઈ પાઠક આયોજિત ‘શબ્દ જ્યોતિ’ના કાર્યક્રમમાં હર્ષભાઈના ફિલ્મી ગીતોના ઊંડા અભ્યાસના સંદર્ભમાં અભિલાષા વ્યક્ત કરી હતી કે, ‘હર્ષભાઈની કલમે ફિલ્મી ગીતોની સમજ આપતું એક પુસ્તક બને તો મોજ આવે.’ આજે ભાઈ હરદ્વારે અનાયાસે કહેલી વાત સિદ્ધ થઈ છે. અહીં એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે, હર્ષભાઈના ઘણા સર્જનને અરીજીતસિંગ, સોનુ નિગમ, હરીહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, અનુપ જલોટા, ઉસ્તાદ રશીદખાન જેવા મખમલી અવાજના મહારાજાઓએ સ્વરબદ્ધ કરી છે.
નાનપણથી હર્ષભાઈને હિન્દી ફિલ્મી ગીતોના સાચા શબ્દો હાથે લખીને સંગ્રહ કરવાનો ગજબનો શોખ. એ જમાનામાં યુ-ટ્યુબ કે ડીવીડી તો ન હતા એટલે રેડિયો કે ગ્રામોફોન ઉપરથી ધ્યાનથી ગીતો સાંભળીને એ ડાયરીમાં ઉતારતા. જે ગીતમાં ઉર્દુ શબ્દ કે કોઈ અઘરો હિન્દી શબ્દ આવે અને એમને એ ન સમજાય ત્યારે કોઇ જાણકારને એ શબ્દનો અર્થ પૂછતા રહેતા. બાર વર્ષ સુધી ચાલેલા એમના આ ઉપક્રમમાં ૪૦૦૦ જેટલા હસ્તલિખીત હિન્દી ગીતોનો સંગ્રહ એમણે તૈયાર કરી દીધો હતો.
આ શોખના કારણે એમની ઉર્દુ અને હિન્દી ભાષાની સમજ વધુ પાકટ થતી ગઈ. સાથો સાથ ગીતો અને તેને સંલગ્ન માહિતી એમને કંઠસ્થ થવા લાગી. ખાસ કરીને ૧૯૪૫થી ૧૯૮૫ સુધીના ચાર દાયકામાં આવેલા હિન્દી ફિલ્મી ગીતોની કાવ્યાત્મક સર્જનશીલતા હર્ષભાઈએ સુપેરે તારવી છે. સ્વરસેતુ મેગેઝીનમાં એમણે હિન્દી ફિલ્મી ગીતોમાં કાવ્યતત્વ વિષય ઉપર ૪૬ જેટલા લેખો લખ્યા. પછી આ લેખો સંકલીત કરીને ‘એક અભિન્ન અનુબંધ’માં ઉઘાડ પામ્યાં. પુસ્તક એટલુ તો લોક્પ્રિય બન્યું કે આ એની ચોથી આવૃત્તિ છે.
ચિત્રપટ જે તે સમયના સમાજ જીવનનો આયનો છે. ફિલ્મોના પ્રસંગો, ગીતોનો માનવજીવન સાથે ગહેરો નાતો હોય છે. પારિવારિક સંબંધો, મિત્રતા, દુશ્મની, તહેવાર, ખેલકૂદ, યુવાની, પ્રેમ, બાળપણ, જવાની, પ્રવાસ, મોસમ જીવનના તમામ પાસાઓ માટે ફિલ્મી ગીતો બન્યા છે. એવા કેટલાય ફિલ્મી ગીત-ગઝલ છે કે, જેના શબ્દો અને અર્થ મંત્રમુગ્ધ કરી નાખે છે. ફિલ્મી ગીતો સાથે વ્યક્તિનો જાણે અજાણે હંમેશા અજીબ નાતો રહ્યો છે. આ સંબંધને હર્ષભાઈના ‘એક અભિન્ન અનુબંધ’ પુસ્તક સ્વરૂપે માણવાનો મોકો મળે છે.
નિદાફાજલી, સાહિર લુધિયાનવી, શકીલ બદાયુની, કૈફી આઝમી, ગુલઝાર, આનંદબક્ષી જેવા ખાં સાહેબોના સર્જનને હર્ષભાઈએ રસગુલ્લાની જેમ ગળે ઉતરી જાય એવી સરળ ભાષામાં મૂકવાનું સુંદર કામ કર્યું છે. એકવાર આ પુસ્તક હાથમાં પકડીને ‘જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ ? સાહિરની નઝમના પ્રથમ પ્રકરણથી વાંચવાની જે શરૂઆત કરે પછી ‘ઈસ હુસ્ને મુજસ્સિમ કી કહીં નિંદ ન તૂટે’ સુધીના છેલ્લા પ્રકરણ સુધી એની નજર પુસ્તક ઉપરથી હટાવી શકે નહીં એવી પ્રવાહીતા આ પુસ્તકની તાકાત છે.
હર્ષભાઇ સરકારમાં દાયકાઓ સુધી રહ્યાં પણ એમણે એમનામાં રહેલા અસરકારક સર્જકને ક્યારેય અમલદારીના આચળામાં સંતાવા નથી દીધો. જીવનના સાડા છ દાયકાની દડમજલમાં અને હજુ આજે પણ સર્જનનો નિજાનંદ માણતા હર્ષભાઈનો ભાવક પરિવાર સતત વિસ્તરતો રહ્યો છે. સામાજિક પ્રતિબદ્ધતા સાથે ‘સદા સર્વદા કવિતા’ના મંચ દ્વારા સાહિત્યિક શમા બાંધી સાહિત્યિક સંસ્કાર વારસો આગળ ધપાવવાની ધુણી એમણે ધખાવી છે. ઘણા નવા તેજસ્વી કવિઓ અને ગઝલકારોના એ પથદર્શક છે. એમની ગઝલમાં સાદગી અને અનુભૂતિનો અદભુત સમન્વય જોવા મળે છે. સમજાય અને હૃદયમાં અનુભવાય એવા શબ્દોનું સ્વામીત્વ હર્ષભાઈ પાસે છે.
નવભારત પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત ‘એક અભિન્ન અનુબંધ’ તમામ જાણીતા બુકસ્ટોલ ઉપરથી પ્રાપ્ય છે. એ વસાવીને હદયની ભાવનાઓ સાથે સંબંધ બાંધવા જેવો છે. હિન્દી ફિલ્મોના એનસાઇક્લોપીડીયા જેવા મિત્ર લેખક, વિચારક, ચિંતક જય વસાવડાને ‘એક અભિન્ન અનુબંધ’ અર્પણ કરીને હર્ષભાઇએ યથાર્થ ઉપક્રમ સર્જ્યો છે. એમની એક લોકપ્રિય ગઝલની બે લાઈનોમાં જીવનની અદભુત ફિલોસોફી સાથે ‘એક અભિન્ન અનુબંધ’ને સાઈન આઉટ કરીએ. ‘જે ગમી એ ક્ષણે જીવી નાખ્યું, યુદ્ધના ધોરણે જીવી નાખ્યું, અંતે આ પ્રશ્ન પ્રાણપ્રશ્ન બન્યો, મેં કયા કારણે જીવી નાખ્યું ?...’
ધબકાર :
‘જે ગઝલ અનુભવોમાં જીવાયેલી નથી હોતી એ
હૃદય સુધી નથી પહોંચતી, પછી એ શબ્દો ગઝલ નહીં ઉપદેશ બની જાય છે’ – હર્ષ બ્રહ્મભટ્ટ








No comments:
Post a Comment