બેન્કમાં કામ કરતાં એક
યુવાન અધિકારીની વાત છે. બેન્કે ફાળવેલા સરકારી ક્વાટરમાં આ યુવાન અધિકારી તેની આઠ
દસ વર્ષની દીકરી અને પત્નિ સાથે રહે. અત્યંત સરળ સ્વભાવનું અને નિરૂપદ્રવી આ
પરિવાર આનંદથી રહે. પાનખર ઋતુમાં આસપાસના વૃક્ષોના અઢળક પાંદડા એમના સરકારી ક્વાટરમાં
પડે. રોજેરોજ સુકાયેલા પાંદડા વાળીને આ દંપતી એમના કમ્પાઉન્ડમાં ઢગલો કરે. બે-ત્રણ
દિવસે સુકાયેલા પાંદડાનો ઢગલો મોટો થાય એટલે એને દિવાસળી ચાંપીને બાળી નાખે.
સ્વભાવિક રીતે જ સુકા પાંદડા બળવાથી આજુબાજુના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા થઇ
જાય.
આ ભાઈની બાજુમાં જ
સરકારમાં કામ કરતાં બીજા એક ઉચ્ચ અધિકારી પણ રહે. પ્રતિદિન સવારે અગાસી ઉપર આ ભાઈ
યોગા અને કસરત કરે. અઠવાડીયામાં બે વાર પાડોશમાંથી સવારે ફેલાતા ધુમાડાને એ જોતાં.
જો કે પાડોશમાં રહેતાં બેન્કના ઓફિસર સાથે એમને કોઈ ખાસ મિત્રતા કે સંબંધ ન હતો.
એક દિવસ સવારે તેમની નિયમિત કસરતો કરીને એ નીચે આવ્યા અને એમના બગીચામાંથી એક ફૂલ
લઇને એ ભાઈ સીધા પહોંચી ગયા પાડોશીના ઘરે. બેન્ક ઓફિસર પાડોશીને વિનયપૂર્વક
નમસ્કાર કરીને તેમના હાથમાં ફૂલ આપ્યું અને કહ્યું, ‘મિત્ર, સુકા પાંદડા બાળવાથી
હવામાં પ્રદુષણ ફેલાય છે અને આસપાસના વૃક્ષો ઉપર પણ તેની માઠી અસર પેદા થાય છે. જો
શક્ય બને તો એક નાનો ખાડો ખોદીને એકઠા કરેલા સુકા પાંદડા ખાડામાં નાખી એની ઉપર
માટી વાળી દેશો તો જમીનની ફળદ્રુપતા પણ વધશે.’
બેન્ક ઓફિસરે પાડોશીની આ
વાતને ખૂબ સહજતાથી અને હકારાત્મકતાથી સ્વીકારી લીધી. પાંદડા બાળવા પાછળ એમનું કોઈ
મમત તો હતું જ નહીં. સુકા પાંદડા તો બીલકુલ સાહજિકતાથી એ બાળી નાખતાં હતાં. આ વાત
ખૂબ સામાન્ય અને નાની છે. પરંતુ આની પાછળનો સંકેત ખૂબ મોટો છે. થોડા સમય પહેલાં
આવેલી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસની ‘રીલ ગાંધીગીરી’નું આ ‘રીયલ ગાંધીગીરી’માં રૂપાંતરણ છે. સારો વિચાર
અને અમલ એ બે વચ્ચે આસમાન જમીનનુ અંતર છે. સારી બાબત સાંભળવી, વાંચવી, જોવી એક વાત
છે અને એને અમલમાં મૂકવી બીજી વાત છે.
જ્યારે પણ સારા વિચારો
આવે ત્યારે તેનો તાત્કાલિક અમલ કરવામાં જ શાણપણ છે. પાડોશમાં રહેતાં એ જાગૃત ભાઈએ
એમને આવેલા સારા વિચારને સત્વરે અમલમાં મૂક્યો ત્યારે બાજુવાળા બેન્ક ઓફિસર શું
વિચારશે એની પળોજણમાં એ પડ્યા નહીં. એ તો નિર્વિવાદ વાત છે કે, લોકો તો ત્યારે પણ
બોલતા જ રહેશે જ્યારે તમે કશું પણ નહીં કરતા હોવ. સારા વિચારનો અમલ કરવામાં જબરી
તાકાત હોય છે. જ્યારે હૃદયમાં પ્રેમ અને નફરત બેમાંથી એકેય લાગણી ન હોય ત્યારે
વસ્તુ સ્થિતિ બિલકુલ સ્પષ્ટ બની જતી હોય છે. મનની પુષ્ટભૂમિ ઉપર વિચારોનો ધસમસતો
પ્રવાહ ક્યારેય અટકતો નથી. સારા વિચારોના અમલીકરણના માર્ગમાં પથ્થરો અવશ્ય મળે છે.
આ પથ્થરોની ઠોકરો ખાઈને પણ જો વ્યક્તિ અમલીકરણ કરવાની દિશામાં આગળ ન વધી શકે તો
પછી અલ્ટીમેટલી એના નસીબનો જ દોષ સમજવાનો રહે.
કશું ખોટું થતું સહન કરતા
રહેવું અને કશું જ અમલમાં ન મૂકવું એ મહા અજ્ઞાન છે. ખોટુ કરવા કરતા કશું જ ન
કરવાની કિંમત બહુ મોટી ચૂકવવી પડતી હોય છે. ઘટાદાર વૃક્ષ બનતાં પહેલાં બીજને
જમીનનું જબજસ્ત દબાણ સહન કરવુ પડતુ હોય છે. એમ એક સારા વિચારને ખીલવવા માટે લોકોની
ખરી ખોટી વાતોનું દબાણ સહન કરવું જ પડે છે. જે વ્યક્તિ આ દબાણ ઝીલી શકે, એ ખીલી
શકે. નસીબ ઉપર રાહ જોઈને બેસી ન રહેવાય. સારા વિચારને અમલમાં મૂકીને નક્કર પ્રયાસ
કરવો પડે. ઈશ્વરે પણ હથેળીની રેખાઓની આગળ આંગળીઓ અને અંગૂઠો મૂકીને સ્પષ્ટ સંકેત
આપ્યો છે કે, પરિશ્રમનો અમલ પહેલાં આવે છે અને પછી નસીબની રેખાઓ આવે છે.
જ્યારે વ્યક્તિ કોઈ નક્કર વિચારનો અમલ કરવાનું નક્કી કરે છે તો એ ચોક્કસ પરિણામ મેળવી શકે છે. પણ જ્યારે વ્યક્તિ પોતે જ એમ વિચારે કે, આ વાતનો અમલ શક્ય જ નથી તો એ ક્યારેય પરિણામ પ્રાપ્ત કરી શકે નહીં. ફૂગ્ગો એમાં ભરેલી હવાથી ઊડી શકે છે, એનું અસ્તિત્વ દર્શાવી શકે છે. એમ વ્યક્તિ એના સારા વિચારોના અમલીકરણના બળથી જ આગળ વધી શકતો હોય છે. મારે પરીક્ષામાં સારા માર્કસ મેળવવા છે અને ખૂબ આગળ વધવું છે. એ વિચાર માત્ર પરિણામ ન આપી શકે એની માટે સખત વાંચન અને પરિશ્રમ રૂપી અમલીકરણ કરવું પડે. અમલમાં મૂક્યા વગરના ગમે તેટલા ઉત્કૃષ્ટ વિચારો અર્થ વગરની કસરત છે. સારા વિચારોનું સાચું પરિણામ નક્કર અમલીકરણના માર્ગે જ પ્રાપ્ત થાય છે. વિચારો અને આઈડીયા આવવા ખૂબ સરળ છે, અઘરું તો અમલીકરણનું પાસું છે. માહિતી અને જ્ઞાન શક્તિ ચોક્કસ હોઈ શકે, પણ અમલીકરણ મહાશક્તિ છે એ નિર્વિવાદ વાત છે.
ધબકાર : એક સારા વિચારનું મૂલ્ય દસ ટકા હોય છે, એના અમલીકરણનું મૂલ્ય નેવું ટકા હોય છે.




