પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 27 April 2020

સલામ છે એ યુવાન આનંદના નિજાનંદને...


સલામ છે એ યુવાન આનંદના નિજાનંદને...

શહેરની એક જાણીતી સોસાયટીમાં ઉમરલાયક કપલ રહે. આંટીની ઉમર 78 અને અંકલની ઉમર 80ની આસપાસ. ગુજરાત અને ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકર ચાલે છે. ઉમરલાયક અંકલ આંટીનો એકનો એક પુત્ર અન્ય શહેરમાં નોકરી કરે છે. લોક ડાઉનમાં ન પુત્ર આવી શકે, ન માતા પિતા એની પાસે જઇ શકે. લોક ડાઉનના ત્રીજા દિવસે અંકલને સખત ખાંસી થઇ ગઇ. છાતીમાં થોડી ગભરામણ પણ થવા લાગી. આવા સમયમાં સામાન્ય શરદી સળેખમ પણ ભયાનક લાગે. અંકલ આંટીને ચિંતાનો કોઇ પાર નહીં. કોઇ ડોક્ટર એમને તપાસવા તૈયાર થાય નહીં. એ દિવસે સાંજે અંકલ આંટી બન્ને મ્હો વકાસીને પરસાળમાં બેસી રહ્યાં. બીજા દિવસે બપોરે બારેક વાગે મોઢે માસ્ક અને હાથમાં ગ્લોવ્સ પહેરેલો એક ફુટડો યુવાન અંકલ આંટીના બંગ્લાનો ઝાંપો ખખડાવતો ઉભો હતો.



આંટીએ બહાર આવી યુવાનને પુછ્યું, ‘ભાઇ કોણ છો ? ક્યાંથી આવો છો ? શું કામ છે?
યુવાને કહ્યું, ‘આંટી, હું આરોગ્ય વિભાગમાંથી આવું છું. મારું નામ આનંદ પટેલ છે. હું ઘરે ઘરે સર્વે કરવાની કામગીરીના ભાગરૂપે આવ્યો છું. તમારા ઘરમાં કેટલા લોકો છે ?
આંટીએ કહ્યું, ‘અત્યારે તો હું અને મારા પતિ બે જણ’
યુવાને પ્રશ્ન કર્યો, ‘આંટી તમારા બન્નેની કેટલી ઉમર થઇ છે ?’
આંટીએ કહ્યું, ‘મને 78 વર્ષ અને અંકલને 80 વર્ષ થયા છે.’
યુવાને બીજો પ્રશ્ન કર્યો, ‘તમારા બેમાંથી કોઇને ખાંસી, શરદી, તાવ, કફની ફરીયાદ છે ?
યુવાનના આ પ્રશ્નથી આંટીના મોઢા ઉપર ચમક આવી ગઇ. એમણે કહ્યું, ‘હા ભાઇ, અંકલને ગઇકાલથી ખૂબ ખાંસી થઇ છે. એમને ગભરામણ પણ થાય છે. કોઇ ડોક્ટર મળતા નથી. અમે મુંઝવણમાં છીએ શું કરવુ અને શું ન કરવું.’  
યુવાને સ્માઇલ સાથે જવાબ આપ્યો, ‘આંટી કોઇ ચિંતા ન કરો. અંકલને કશું નથી થયું. તમે કહો તો હું દવા લઇને આપુ બે દિવસ રાહ જુઓ. અંકલને સારુ લાગે તો બરાબર છે. નહીંતર આપણે એમને સરકારી હોસ્પીટલમાં દાખલ કરી આગળ તપાસ કરાવીશું.’
આ સાંભળીને આંટી તો રાજી થઇ ગયા. કહ્યું, ‘દીકરા, તારો ખુબ આભાર. તું તો દેવદુત બનીને મારા ઝાંપે ઉભો રહ્યો છે.’
યુવાન બોલ્યો, ‘અરે, આંટી મને શરમાવો નહી. તમે લોકો તો મારા મા-બાપ જેવા છો. એમા ક્યાં કોઇ મોટાઇ છે ? આ તો મારી ફરજ છે અને એથી પણ વધારે મારા અંતરઆત્માનો અવાજ છે. મને તમારા જેવા વડીલોની સેવાનો મોકો મળ્યો છે. આવા સમયે માણસ માણસને ખપ નહીં આવે તો કોણ આવશે ?’
આનંદ ગાંધીનગરની સરકારી સીવીલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં પાંચ વર્ષથી કામ કરે છે. આમ તો આનંદનું કામ ટીબીના પેશન્ટને ડોક્ટર તપાસીને જે ટ્રીટમેન્ટ સુચવે એના ફોલોઅપની છે. એટલે એમ કહી શકાય કે આનંદની જોબ પેરા મેડીકલ પ્રકારની છે. કોરોના મહામારીના સંદર્ભમાં શહેરના એક વિસ્તારના બસો જેટલા ઘરના પ્રતિદિન સર્વેની જવાબદારી એને આપવામાં આવી છે. આ કામને આનંદ હૃદયપૂર્વક કરે છે. જે પણ ઘરે જાય, ત્યાં રહેતાં પરિવારની આત્મીયતાથી ખબર અંતર પૂછે છે. ઘણીવાર તો કેટલાક ઘરે આનંદ સાથે તોછડું વર્તન પણ થાય છે. પરંતુ આનંદ એને બિમારીના સમયની સામાન્ય  વર્તણૂક સમજી મન ઉપર નથી લેતો. ૨૯ વર્ષના આ ફૂટડા યુવાન આનંદના હજુ ગયા વર્ષે જ લગ્ન થયા છે. આનંદ બુઝુર્ગ માતા પિતાનું એકનું એક સંતાન છે. કોરોનાના ચેપનો ડર રાખ્યા વગર ઉત્સાહ અને નિષ્ઠાથી આ યુવાન એની ફરજ બજાવે છે.
આ બુઝુર્ગ અંકલ આંટી આનંદની વાત કરે છે, ત્યારે એમની આંખોના ખૂણા ભીના થઇ જાય છે. એ કહે છે કે, જ્યારે બધા ઘરમાં બેસીને સલામત છે, ત્યારે સરકારના આ તબીબી કર્મચારીઓએ સાચા અર્થમાં કર્મને યોગ સ્વરૂપે અપનાવ્યો છે. સરકારી કર્મયોગીઓને ગીતા, કુરાન કે બાઇબલ વાંચવાની ક્યાં જરૂર છે ? એમનું આ કર્મ જ એમનો ધર્મ છે.
યુવાન આનંદની આખી વાતમાં કાર્યનિષ્ઠાનું મજબુત પાસુ છે. વ્યક્તિ જ્યારે નિષ્ઠાવાન હોય છે ત્યારે આખી કાયનાથ એની પડખે હોય છે. કામને કરવા ખાતર કરવુ અને કામને સત્યનિષ્ઠાથી કરવું એ બેમાં આસમાન જમીનનો તફાવત છે. કાર્યમાં નિષ્ઠા ભળે ત્યારે એ કામ મટીને અંતરના આનંદનું સ્વરૂપ પકડે છે. ઘરે ઘરે સર્વે કરવાના કામને ટિડીયસ કામ સમજી વેઠ ઉતારી હોત તો એ યુવાનને કોણ પુછવાનું હતું ? પરંતુ એણે એના આ કામમાં પ્રાણ રેડ્યો તો બુઝુર્ગ દંપતીના ખોબલે ખોબલે આશીર્વાદ મળ્યાં. મઝાની વાત તો એ છે કે, યુવાને આ ઘટનાની વાત કોઇન કરી પણ નથી. એને પ્રચારમાં રસ નથી એને તો કાર્યાનંદમાં રસ છે. અંકલ આંટીએ એમના પડોશીઓને અને સગાઓને આ સરકારી યુવાનની વાત કરતાં આનંદના કાર્યાનંદની વાત બહાર આવી. આજે દેશભરમાં આનંદ જેવા હજારો સરકારી યુવાનોની કાર્યનિષ્ઠામાં એક અજીબ કશીશ છે. આનંદ જેવા મિત્રોની કહાનીઓ હૃદયમાં જબરજસ્ત સુકુન આપે એવી છે. આનંદના નિજાનંદને સલામ છે.

ધબકારઃ
કાર્યમા નિષ્ઠા જોડાય ત્યારે એ કાર્ય આત્મનાદ બની જતુ હોય છે.



Tuesday, 21 April 2020

સ્વકેન્દ્રિત લોકોની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય છે


સ્વકેન્દ્રિત લોકોની સંવેદનાની
ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય છે

પ્રેમ અને લાગણીના પાયામાં સંવેદના અને સહૃદયતા છે. સંવેદના વિનાની જિંદગી શુષ્ક બની જતી હોય છે. જ્યાં સંવેદના હોય ત્યાં શબ્દોનું સ્થાન નથી. જ્યાં માત્ર અને માત્ર શબ્દો હોય ત્યાં સંવેદનાનું સ્થાન નથી. સંવેદનાનો સુમધુર સૂર સંભળાય ત્યારે જીવનમાં વસંત આવે છે. સંવેદનાની સમજ પહેલાનું જીવન તો એક સ્પર્ધા જેવું હોય છે. સતત દોડતા રહેવાનું. થાક લાગે તો પણ અટકવાનું નામ નહીં લેવાનું. પોતાના શરીર ઉપર ઘા થાય અને જે અનુભૂતિ થાય એ વેદના કહેવાય પરંતુ જ્યારે બીજાના શરીર ઉપર ઘા થયો હોય અને પોતાના હૃદયમાં ચિરાડો પડે એને સંવેદના કહેવાય. સંવેદનામાં આનંદ સમાયેલો હોય છે. એકલપટ્ટાપણું લાંબો સમય સુખ આપી નથી શકતું. સ્વકેન્દ્રિત લોકોની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય છે.



એક મધ્યમ વર્ગીય પરિવારમાં ગાડી સાફ કરતા છોકરા શંકરે ઘરના બહેનને વિનંતી કરી કે, 'બહેન, મારે ડુંગરપુર મારા ગામે જવું છે. મારે પાંચ હજાર રૂપિયા જોઈએ છે.' પરિવાર મિડલ ક્લાસ હતું. સ્વભાવિક રીતે જ ઘરમાં આઠ-દસ હજાર રૂપિયાથી વધુ રકમ ન જ હોય. આ મહિને બચતના રૂપિયામાંથી એમના બે બાળકોના કપડા લેવાનું પરિવારનું પ્લાનિંગ હતું. બહેને સાંજે તેમના પતિને આ વાત કરી. પતિએ કહ્યું કે, 'શંકરને પૈસા આપી દે. આ મહિને બાળકોના કપડા થોડા ઓછા લઈશું. આવતા મહિને બીજા અપાવીશું.'



દસેક દિવસ ગામડે જઈને પાછા આવેલા ખુશ દેખાતા શંકરને પેલા બહેને પૂછ્યું, 'શંકર, તે પાંચ રૂપિયાનું શું કર્યું.શંકરે સ્મિત સાથે જવાબ આપ્યો કે, 'બહેન મારી નાની બહેનના સાસરે પ્રસંગ હતો. તેમાં વ્યવહારના બે હજારનો ખર્ચ થઈ ગયો. મારી બાની દવા પાછળ એક હજાર અને આવવા જવાના પાંચ સો રૂપિયા થયા. મારા પિતાજી માટે ઝભ્ભો, ધોતિયું અને બંડી લાવ્યો. મારી પત્ની અને બાળકોને મેળે ફરવા લઈ ગયો. નાના ભાઈની કોલેજની ફી ભરી. બહેન તમે આપેલા પાંચ હજાર રૂપિયામાં અમારા આખા ઘરમાં આનંદ થઇ ગયો.'



નવા કપડા પહેરી મોજ કરતા પોતાના બાળકોની બેશુમાર ખુશી એ બહેને શંકરની આંખોમાં જોઈ. બીજાના આનંદનું કારણ બનવામાં મળતી ખુશી અવર્ણનીય હોય છે. સરકારી માણસો અને સરકારી કામમાં સંવેદનાનું કોઈ સ્થાન નથી હોતું એવી એક સામાન્ય પણ ખોટી છાપ હોય છે. કાર્યકુશળ, પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓની સંવેદનાસભર કામગીરીના ઉદાહરણોનો તોટો નથી. હૃદયમાં ઉષ્માભરી દે તેવા ઘણા કિસ્સાઓ હોય છે. ફાઈલો ઉપર લેવાયેલા સંવેદનાસભર નિર્ણયોનો જો ખ્યાલ આવે તો સમજ પડે કે, ફાઇલોને પણ કેટલી સરસ વાચા હોય છે. ગુજરાત રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ એમના અનુભવો અને તેમના  સરકારી  કાર્યકાળમાં તેમની સામે આવેલા કિસ્સાઓ પૈકી કેટલાક કિસ્સાઓ અને અનુભવોને એમણે શબ્દે કંડાર્યા છે. આ અધિકારીનું નામ છે જે. બી. વોરા. એમણે એમના સરકારી કાર્યકાળના અનુભવોને શબ્દદેહ આપી એક મજાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. પુસ્તકનું નામ પણ નોખું અનોખું છે. 'ફાઇલ બોલે છે'. આ પુસ્તકમાં એમણે એમના અનુભવોની હૃદયસ્પર્શી સાચુકલી વાતોને કોઈ પણ શબ્દાવરણ વગર સરળતાથી પ્રસ્તુત કરી છે.



આ પુસ્તકનો એક પ્રસંગ છે. ગામડા ગામમાં રહીને મજૂરી કામ કરતા કાળીબહેનની વાત છે. કાળીબહેનના જન્મ પછી એક જ વર્ષમાં તેમના માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં એ બંને અલગ થઈ ગયા. કાળીબહેન મા સાથે નાનાના ઘરે આવી ગયા. કાળીબહેનના પિતા બીજે પરણી ગયા. એમની માને પણ નાનાએ સારુ ઘર જોઇને ફરી પરણાવી દીધા. હવે કાળીબહેન નાનાની સાથે જ રહેતા. કાળીબહેનની પાંચ વર્ષની ઉંમર થતાં એમને સ્કુલે મુકવાનો વખત આવ્યો. શાળામાં બાપના નામની જગ્યાએ નાના ભરણપોષણ કરતા હતા એટલે સરપંચે કહ્યું, ' એનો ખરો બાપ તો એનો નાનો  ભીમો જ છે. એટલે એના બાપની જગ્યાએ ભીમાનું જ નામ લખો.'
કાળીબહેન યુવાન થતાં નાનાએ ગામના જ એક સીધાસાદા છોકરા સાથે એમના હાથ પીળા કરી દીધાં. કાળક્રમે નાના-નાની ગુજરી ગયા. હવે કાળીબહેનના મોસાળ અને પિયરમાં કોઈ જ ન મળે. એકવાર રેશનકાર્ડનો દાખલો કઢાવવા કાળીબહેન સરકારી કચેરીમાં ગયા. તલાટી અને સરપંચે દાખલો તો કાઢી આપ્યો પણ સાથે સાથે ટકોર પણ કરી કે, ' તું પેટ ભરવા કાળી મજૂરી  કરે છે પરંતુ તને ખબર છે, તારા બાપની મિલકતમાં તારો પણ હક્ક છે. એના માટે તું કેમ પ્રયાસ નથી કરતી ? ' પણ મોટી તકલીફ એ હતી કે, કાળીબહેનના પિતા તરીકે શાળામાં તેમના નાના ભીમાનું નામ હતું. એમની વાત સાંભળી બધાને દયા જરૂર આવી પણ કોઈ કાળીબહેનને તેમનો હક્ક અપાવી શકયું નહીં.
મામલો પહોંચ્યો કોર્ટમાં. જજ સાહેબને કાળીબહેનની વાતમાં સચ્ચાઈનો રણકો લાગતા મુદત પડી. જજ સાહેબે ગામડે યોગ્ય ન્યાયિક તપાસ કરાવીને અહેવાલ મગાવ્યો. કાળીબહેનની વાત સાચી નીકળી. જજ તરીકે બેઠેલા જે. બી. વોરાએ કાળીબહેનની તરફેણમાં નિર્ણય આપ્યો. કાળીબહેનની આંખોમા હર્ષના આંસુ આવી ગયા. કાળીબહેન બોલ્યા કે, ‘સાહેબ તમે તો ભગવાન બનીને મારી પડખે ઉભા રહ્યાં છો. મારી દારૂણ ગરીબીમાં તમે સાથ આપ્યો છે. સત્યનો વિજય તમારા થકી છે.’
સરકારમાં સંવેદનાસભર આવા અનેક કિસ્સાઓ રોજેરોજ બનતા હોય છે. કાળીબહેન જેવાને જ્યારે એની પ્રતીતિ થાય ત્યારે એને સરકારી અધિકારીઓની અસરકારીતાની સાચી વાતની સમજ પડે. 'ફાઈલ બોલે છે' પુસ્તકમાં આવા હદયના તાર ઝણઝાણાવી મુકે એવા ઘણા કિસ્સાઓ છે. 'ફાઈલ બોલે છે'ને ભાઈ રાજ ભાસ્કરની નિવડેલી કલમ દ્વારા સરસ ઓપ આપવામાં આવ્યો છે.
જીવનમાં સતત ઊતાર ચઢાવ આવતા જ હોય છે. કોઈવાર સુખ તો કોઈવાર દુઃખનો અનુભવ થતો રહે છે. આનંદ હોય કે ઉકળાટ તેમાં સૌથી મહત્વનો રોલ સંવેદના રૂપી કેમિકલનો હોય છે. આ કેમિકલ એવું છે કે, જે હૃદયના ઊંડાણમાંથી ચિત્તનો આનંદ ખોળીને તમારા ખોળામાં મૂકી દેતુ હોય છે. સંવેદનાનો સત્કાર કરતા જેને આવડી ગયું એનું જીવન ખુશીઓથી આબાદ રહે છે. બીજાની વેદના જોઈને આંખના ખૂણા ભીના થઇ જાય ત્યારે સમજી લેવું કે, ઈશ્વરે આપેલો માનવ દેહ અને આત્મા નામનું અમરત્વ સાર્થકતા ભણી સરકી રહ્યું છે. 

ધબકાર :
સંવેદના એક શાનદાર સફર છે, તેને જબરજસ્તીથી ન ખેડાય, જબરજસ્ત રીતે અનુભવાય.






Monday, 13 April 2020

સાચુ કહેજો, કોરોનાએ કહેરની સાથે કરૂણાની મહેર પણ વરસાવી છે એમ નથી લાગતું ?


સાચુ કહેજો, કોરોનાએ કહેરની સાથે કરૂણાની મહેર પણ વરસાવી છે 
એમ નથી લાગતું ?

કોરોના ત્રણ અક્ષરના આ શબ્દનું નામ પડતા વેંત દુનિયાનો એકે એક વ્યક્તિ ફફડી જાય છે. આજે વિશ્વનો દરેક વ્યક્તિ એક ખોફ અને અગમ્ય ડરના માહોલમાં તરફડી રહ્યો છે. અઘોષિત ત્રીજા વિશ્વયુદ્ધ સામે દુનિયાના બધા દેશો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે. કોનો વારો ક્યારે આવશે એવા ડરથી બધા લોકો સુનમુન છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વના ૧૪ લાખ ૫૦ હજાર કરતા વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ચીનના વુહાન પછી ઇટાલી, સ્પેન અને અમેરિકા કોરોનાના ભયાનક કહેરાનો માર ઝીલી રહ્યા છે. આર્થિક રીતે સંપન્ન રાષ્ટ્રો પણ આની સામે બેબસ અને લાચાર દેખાય છે. શ્રેષ્ઠ કહેવાતી આરોગ્ય સેવાઓ વામણી પુરવાર થવા લાગી છે.



કોરોનાની મહામારીએ માનવજાતનો ભરડો લીધો અને પારાવાર પરેશાની આપી એમાં બેમત નથી પરંતુ આ સમયમાં ચિંતનના નવા દ્વાર આપોઆપ ખુલવા માંડયા છે એ પણ એટલી જ નક્કર હકીકત છે. લોકોને સમજ પડવા લાગી છે કે, લાંબુ કે શાંતિપૂર્ણ જીવવા માટે સત્તા અને પૈસા કરતા જેટલું જીવ્યા એમાં કેટલો આનંદ આવ્યો એનું મૂલ્ય સાચું છે. જીવનના અનેક રૂપ છે. અનેક રંગ છે. ક્યારેક એ પેટ પકડીને હસાવે છે તો ક્યારેક એ મન ભરીને રડાવે છે. જે વ્યક્તિ મુશ્કેલીઓમાં શાંત રહીને આનંદનો માર્ગ સ્વયં કંડારે એ નિસંદેહપણે નીખરી જાય છે. જે ભાવનાઓમાં વહી જાય એ દેશક વિખેરાઈ જાય છે.
આજની આ કટોકટીમાં એક વાત સૌ કોઈને સુપેરે સમજાઈ ગઈ છે કે, અત્યાર સુધી લોકો શું કહેશે એવા ડરથી આખું જીવન પસાર કર્યું પણ મારા કર્મ માટે હજાર હાથવાળો ઈશ્વર શું કહેશે એ કોઈએ ક્યારેય નથી વિચાર્યું. કોરોનાની વૈશ્વિક મહામારીએ માણસને માણસ બનાવવાનું સત્કાર્ય કર્યું છે એમ કહીએ તો કશું ખોટું નથી.



આજે એક તબીબ મિત્ર સંજયની વાત કરવી છે. વ્યવસાયે તો આ મિત્ર તબીબ છે પરંતુ એના કરતાં વધારે એક સારા વાચક, વિચારક અને અમલકર્તા છે. પ્રતિવર્ષ ઓરિસ્સા જઈને આ તબીબ મિત્ર એક પણ પૈસો લીધા વગર ગરીબ દરદીઓના ઓપરેશન અને તબીબી સારવાર કરે છે. ગીતા, ઉપનિષદ, વેદ જેવા શાસ્ત્રોના એ ઉંડા અભ્યાસી છે. તબીબ મિત્રની સેવાકીય પ્રવૃત્તિઓની વાત તો ફરી ક્યારેક કરીશું. આજે તો એમણે ફોન પર કરેલી હદય હચમચાવી મુકે એવી કેટલીક પાયાની વાત મૂકવાની ઈચ્છા છે.
ભાઈ સંજયે બે ચાર દિવસ પહેલા ફોન કરીને ખૂબ લાંબી વાતો કરી. પ્રથમ બે-ચાર મિનિટ મારી અને પરિવારની ક્ષેમકુશળતા પૂછીને એક સરસ વાક્ય કહ્યું, 'કોરોનાને હું કરુણા કહું છું. જો ખરાબ સમય જ ન આવ્યો હોત તો માણસની અંદર પડેલી સાચી સમજને બહાર આવવાનો અવસર જ ન મળ્યો હોત.' ઇતિહાસ ગવાહ છે કે, જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે ત્યારે કેટલાક લોકો પરિસ્થિતિના ગુલામ બની તૂટી જતા હોય છે. જ્યારે કેટલાક લોકો મુશ્કેલ પરિસ્થિતિને ઉત્સવ સમજીને રેકોર્ડ બ્રેકિંગ કામ કરી જતા હોય છે.



વ્યક્તિના આગળ વધતા અને ઉડતા રોકે એવા લોકોનો ડર ન હોવો જોઈએ. ડર તો વ્યક્તિએ પોતે રચેલા વિચારોના જાળાની જંજીરોમાં જકડાઈ રહેવાનો હોવો જોઈએ. માણસને જીવનમાં શું જોઈએ ? એનો સીધો જવાબ છે કે, માણસને જીવનમાં સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ જોઈએ. પણ સૌથી મોટી વિટંબણા એ છે કે, આજે માણસ સવલતોને સુખ સમજી બેઠો છે. પૈસાને શાંતિ, વખાણને આનંદ અને દેખાડાને પ્રેમ સમજે છે. મનના જે દરવાજામાંથી શંકા અને ભય પ્રવેશે છે એ દરવાજામાંથી આનંદ, સુખ, શાંતિ અને પ્રેમ સડસડાટ બહાર નીકળી જતા હોય છે.



કોરોનાના કારણે લોકડાઉનમાં રાજાથી માંડીને રંક અને ગરીબ, શક્તિશાળીથી માંડીને નિર્બળ એકે એક વ્યક્તિ આજે કંપલસરી વિપશ્યનાનો પાઠ કરી રહી છે. જીવન બદલવા આત્મખોજ કરવી પડે. જિંદગીને બદલવા માટે સ્વયં સાથે યુદ્ધ ખેલવું પડે. જીવનને આનંદદાયક બનાવવા મનને સમજવું પડે. વર્ષોથી એક માન્યતા આપણામાં ઘર કરી ગઈ છે કે, મન ઉપર કાબુ મેળવવા મનને મારવું પડે. મનને પીંજરામાં પૂરી રાખી મારવાની જરૂર જ નથી. મનને તો આઝાદ પંખીની જેમ મુક્ત રીતે વિહરવા દેવું જોઈએ. જે વ્યક્તિ પોતે ખુશ હોય છે એનાથી આખી દુનિયા ખુશ રહે છે. શાંતિની શરૂઆત સંતોષના એક સ્માઈલ સાથે થતી હોય છે. ખરેખર શાંતિ જોઈતી હોય તો લોકપ્રિયતાની અભિલાષામાંથી બને એટલા જલ્દી બહાર નીકળી જવું પડે. સમય પસાર થાય અને જે વ્યક્તિને ફરક જ ન પડે ત્યારે એને શાંતિનો સાચો અનુભવ થતો હોય છે. શાંતિ સ્વયં એક એવોર્ડ છે. આ એવોર્ડ વ્યક્તિએ પોતાની રીતે પ્રાપ્ત કરવાનો હોય છે.
ઈશ્વરે બનાવેલા લાખો-કરોડો જીવોમાં માત્ર મનુષ્ય જ પૈસા કમાય છે. પણ મજાની વાત તો એ છે કે ઈશ્વરે બનાવેલા તમામ જીવો પૈકી કોઈ પણ જીવ સાંજ પડે ભૂખ્યો સૂતો નથી. માત્ર મનુષ્યની જ પૈસા અને સત્તાની ભૂખ રોજેરોજ વિકરાળ સ્વરૂપ પકડતી જતી હોય છે. કમાલ તો એ છે કે, આ સનાતન સત્યની માનવીને ખબર હોવા છતાં તે બેખબર બનીને બેફિકરો બનીને નિંરાતે ફરે છે. સમજદાર વ્યક્તિ ભૂલો નથી કરતો પણ બીજાની ભૂલોમાંથી જીવનની સચ્ચાઈ પારખી લેતો હોય છે. જીવન આગળ વધવાનું નામ છે. અટકવું એટલે મોત. વરસાદનું એક ટીંપુ ભલે નાનું હોય પણ અવિરત વરસીને નદીનું વહેણ બને છે. એ જ પ્રમાણે નાના નાના ખુશીના ટીપાઓની સાતત્યપૂર્ણતા આનંદની નદીનું વહેણ બની જતાં હોય છે.
આપણા દુઃખો અને કહેવાતી મુશ્કેલીઓના પાયામાં આપણો ઉપભોગતાનો રોલ રહ્યો છે. ઉત્પાદકતામાં આપણો હાથ ક્યારેય હોતો નથી. અનાજ, પાણી, વીજળી,, કપડા, રાચરચીલું, પ્રવાસ બધી બાબતોનો આપણે ઉપયોગ જરૂર કરીએ છીએ પણ એનું ઉત્પાદન તો કોઈ બીજું કરે છે. આપણે માત્ર ઉપયોગ જ કરીએ છીએ. ગરમી લાગે તો પંખો કે એસીની સ્વીચ દબાવી ઠંડક મેળવી લઇએ છીએ. નળ ચાલુ કરીએ એટલે પાણી મળી જાય. ભૂખ લાગે તો રોટલી શાક ખાઈ લઈએ છીએ. પણ ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે, આ બધી બાબતમાં આપણું યોગદાન શું છે ? વિચાર કરો કે, લોક ડાઉનમાં જો અનાજ કે શાકભાજી ન મળ્યું હોત તો ? વીજળી કર્મચારીઓ થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરવા ન જઈ શક્યા હોત તો ?
સો વાતની એક વાત એ છે કે, ઉપભોગતા મટી ઉત્પાદક બનવા માટે સક્રિય રીતે વિચાર કરવા જેવો છે. આપણી જરૂરિયાત પૂરતું આપણે ઉત્પાદન કેમ કરી ન શકીએ ? શા માટે અને ક્યાં સુધી બીજા ઉપર આધારીત રહી સવલતો મેળવતા રહીશું ? તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા અને સંપન્ન કહી શકાય એવા એક ડોક્ટર સંજયને ઉત્પાદકની તાકાત સમજાઇ છે. પાણી માગે તો દૂધ હાજર થાય એવા ઐશ્વર્યમાં પણ ડોક્ટર સંજય જેવા વ્યક્તિઓ સ્વ સાથે ફ્રુટફુલ સંવાદ કરીને આનંદના માર્ગે આગળ વધી રહ્યાં છે. કોરોનાએ એક બાજુ કહેર વરતાવ્યો છે તો બીજી બાજુ કરૂણાની મહેર પણ વરસાવી છે.

ધબકાર : 
જો વ્યક્તિ આગળ નથી વધતો તો એનો અર્થ કે, એ પાછળ જઈ રહ્યો છે.



Tuesday, 7 April 2020

‘ હેલ્લો, હું વિજય રૂપાણી બોલું છું, કેમ છે હવે આપની તબિયત ?’



હેલ્લો, હું વિજય રૂપાણી બોલું છું,

કેમ છે હવે આપની તબિયત ?

"હેલ્લો, હું ગુજરાતનો મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલું છું."
"બોલો, સાહેબ."



"આપ કોણ ફિઝા હુસૈન બોલો છો."
"હા, સાહેબ."
"કેમ છે, હવે આપની તબિયત ?"
"સાહેબ, તબિયત એકદમ સારી થઇ ગઇ છે."
"આપને સારવાર કેવી મળી ? કોઈ તકલીફ તો નથી ને ?"
"સાહેબ, સારવાર એકદમ સરસ મળી. ખરેખર તમારી સરકારે ખૂબ સારું કામ કર્યું છે. કોઈપણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી."



" તો અમારી ફરજ છે અને જવાબદારી પણ છે. એક નાજુક સમય છે. આપણે બધાએ ભેગા મળીને સમયને સાચવી લેવાનો છે. આપણે બધા સાથે મળીને જેટલી કાળજી લઈશું એટલું સારું છે. તમને જે સારવાર આપવામાં આવી એકદમ બરાબર હતી ને ?"
"સાહેબ, એટલી સરસ સારવાર થઇ છે કે, શું કહું. મારી પાસે એ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. હું બેડ પર બેઠો થવાનો પ્રયત્ન કરતો હતો ત્યા તો એક સાથે પાંચ પાંચ ડોકટરો ઊભા થઈને મારી પાસે આવી જતા હતા."
"રહેવાની, ખાવા-પીવાની સગવડ બરાબર હતી ને ?"
"કોઈ વાતે કશું કહેવું પડે એમ નથી. તમે ખૂબ ચિંતા કરી રહ્યા છો અમારા બધાની. લોકોની ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે."



"તમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે એક રાહતના સમાચાર છે. જો કે હજુ આપણે બધાએ સાથે મળીને ખૂબ ધ્યાન રાખવાનું છે. ખાસ તો ડોકટરો, નર્સો અને બીજા તમામ સ્ટાફનો આભાર માનું છુ. એ લોકો ખડે પગે લોકોની સારવાર કરી રહ્યાં છે અને સરસ કામ કરી રહ્યા છે." ( પછી ફિઝા હુસૈનનાં પત્ની શમશાદબહેન ફોન પર આવે છે.)
શમશાદબહેનઃ "સાહેબ, આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અમને કોઈ જાતની તકલીફ ના પડી. ડોકટરોએ ખૂબ સરસ સારવાર કરી છે. અમારા બધાનું ખૂબ ધ્યાન રાખ્યું. તમે ખુબ સરસ વ્યવસ્થા કરી છે સાહેબ."
"બહેન, તો અમારી ફરજ છે. હવે શાંતિથી ઘરે જજો. તેમને અલગ રાખજો. ખૂબ સાચવજો. જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે કોઇ પણ સમયે મને ચોક્કસ કહેજો."
છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરાના વાયરસ સંક્રમિત એક દરદી સાથે કરેલી વાતચીતનો અંશ. સમગ્ર વાતચીત તો ખૂબ લાંબી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવી રીતે તેમના સીએમ ડેશ બોર્ડ અને જન સંવાદ કેન્દ્ર ઉપરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રોજે રોજ ઘણા દર્દીઓ અને તબીબી યોધ્ધાઓ સાથે વાત કરી રહ્યાં છે. સીએમ હાઉસમાં જન સંવાદ કેન્દ્ર હમણા હમણાથી કોરોના વોર રૂમમાં તબદીલ થઇ ગયો છે એમ કહીએ તો ખોટુ નથી. શ્રી વિજયભાઇની વાતચીતના શબ્દે શબ્દમાં જે આત્મીયતા છલકે છે તે બતાવે છે કે, ગુજરાતનુ સદનસીબ છે કે, સાચા અર્થમાં સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. ઉપરથી સમજી શકાય છે કે, સરકારને માત્ર બોલવામાં કે ઓળખાવામાં નહીં, વાસ્તવમાં વર્તન અને એની અનુભુતિમાં સંવેદનશીલતાનો અસ્ખલિત ધોધ વહેતો જોવા મળે છે.



ઘરનો કોઈ મોભી પોતાના પરિવારજનો સાથે અંગત રીતે વાત કરતો હોય તેવા બધા સંવાદો છે. વિજયભાઈ રૂપાણીનું સહજ સંવેદનશીલ વ્યક્તિત્વ છે. કરૂણા તેમનામાં ઈનબિલ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. તેમનું વ્યક્તિત્વ કોઇપણ આડંબર વિનાનું કાચ જેવુ પારદર્શક છે. વાસ્તવિક ભૂમિ ઉપરના સાચા અર્થમાં કોમન મેન જેવા જણ હોવાથી તેઓ તરત બધાની સાથે પોતાની જાતને જોડી શકે છે. સામેની વ્યક્તિ કોઈ પણ પ્રકારના સંકોચ, આચારસંહિતા, પ્રોટોકોલ કે પછી ડર વિના પોતાની વાત ખુલ્લા દિલે એમને કરી શકે છે. એવું લાગતું નથી કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યા છે. તેમને તો એવું લાગે છે કે તેઓ પોતાના ઘરના મોભી સાથે વાત કરી રહ્યા છે. સંપૂર્ણ સરળતા અને પાકી સંવેદનશીલતા હોય તો આવું બને.
વિજયભાઈ દરદીઓ સાથે ફોન પર વાત કરે છે તો તેમના ખબર અંતર પૂછે છે. તેમને ક્યારે શું થયું હતું, કઈ સારવાર લીધી, સારવાર બરાબર મળી કે નહીં, ડોકટરોની ટ્રીટમેન્ટ વિશે પુછે. ખાવાની સવલત અને સ્વાદ સુધ્ધાની દરકાર લે. ઝીણી ઝીણી અનેક વાતો ફોન ઉપર વિજયભાઇ પૂછે છે. એકવાર નહીં વારંવાર ફેરવી ફેરવીને પૂછે કે, તમને કોઈ પ્રકારની તકલીફ તો નથી ને ? કોઈપણ પ્રકારની જરરૂરિયાત તો નથી ને ? જો હોય તો સહેજે સંકોચ ના કરશો. તમે મને કહી દેજો. ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે મને બેધડક કહેજો. તેમણે રોજે રોજ ઘણા દર્દીઓ સાથે આત્મિય રીતે વાત કરી.
વીડિયો સંવાદ જાણે કે થવા ખાતર થયો હોય તેવું બિલકુલ નથી લાગતુ કોઈ સરકારી વિધિ હોય તેવું પણ નથી લાગતું. આત્મીયતા અને લાગણીથી છલકાતા સંવાદો હતા. પરિવારના એક સભ્ય તરીકે એમણે બધાની સાથે સહહદયી વાત કરી છે.
રાજકોટના એક દર્દી સાથે વાત કરતા તેમની દુકાનનું પૂછ્યું. તરત તેમને યાદ આવી ગયું કે, કયા વિસ્તારની વાત કરે છે. સંવાદમાં મુખ્યમંત્રીની સંવેદનશીલતા સાથે લોકાભિમુખતા પણ ઉડીને આંખે વળગી.
દરેક દર્દીનેપૂછે કે, ક્યાંથી આવ્યા હતા ? વિદેશ શા માટે ગયા હતા ? ધંધો શું કરો છો ? વિદેશથી ક્યારે આવ્યા ? વગેરે વગેરે બાબતો તેઓ વિગતવાર પૂછે અને એમાં રસ લે.
ડોકટરો સાથેની વાતચીતમાં તેઓ ડોકટરોનો ખાસ આભાર માને છે. તેમને મુખ્યમંત્રીશ્રી કહે છે કે, ‘તમે દર્દીઓ માટે અત્યારે તો ભગવાન બનીને આવ્યા છો. તમને બરાબર સાચવવા અમારી પહેલી ફરજ છે.’ તેમણે રાજ્યના તબીબો સાથે અત્યંત આત્મિયતા સાથે વાત કરી અને એમનામાં આત્મવિશ્વાસ ભરી દીધો. દરદીઓની સારવામાં લાગેલા રાજ્યના તમામ ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફને શ્રી વિજયભાઇ રૂપાણીમાં સમર્થ વહિવટકર્તા અને લાગણીશીલ આત્મજનના કોમ્બો દર્શન થયા.
ડૉ. સીમાબહેન મઝામાં...’
યસ સર, ગુડ મોર્નિંગ...’ ’
કેમ ચાલે છે બધુ હોસ્પિટલમાં ?
બધુ સરસ છે, સર
પહેલાં તો તમને બધાને ધન્યવાદ આપવા છે. તમે બધા જાતની પરવા કર્યા વગર જનતાની જે સેવા કરો છો બદલ તમને સૌને અભિનંદન. ગૌરવની વાત છે. શું પરિસ્થિતિ છે હોસ્પિટલમાં પેશન્ટની ? દરદીઓમાં અત્યારે રોગની જાગૃતિ આવી છે. તેના કારણે અગાઉના દરદીઓ કરતાં અત્યારે દરદીઓમાં કોઇ બદલાવ આવ્યો છે ખરો ?
સાહેબ, અત્યારે સાત પેશન્ટ છે અને બે ત્રણ દિવસથી બધાનો ટેસ્ટ નેગેટીવ આવી રહ્યો છે.’ ’વેરીગુડ.’
હોસ્પિટલના તમામ દરદીઓની જાણકારી મેળવી એમણે ડૉ. સિમાબહેનને હોસ્પિટલના તમામ સ્ટાફની ખબર પુછીને કહ્યું કે, તમે બધા તમારી તબિયત બરાબર સાચવજો. તમારા લોકોની રહેવાની વ્યવસ્થા યોગ્ય કરી છે ને ? તમને બધાને જમવાની કોઇ અગવડ તો નથી ને ? જો કોઇ પણ તકલિફ હોય તો તરત મારૂ ધ્યાન દોરજો.
ડોકટરો સાથેના સંવાદમાં મુખ્યમંત્રી વારંવાર કૃતજ્ઞતા વ્યક્ત કરતા હતા. તેમની બધી સુવિધાઓ યોગ્ય છે કે કેમ તેની રજેરજની વિગતો મેળવતા હતાં. એકએક વિગત યાદ કરીને પૂછતા હતાં. વચ્ચે વચ્ચે કહેતા રહે કે, ‘કંઈ પણ તકલીફ હોય તો વિનાસંકોચે મને કહેજો. સહેજ પણ શરમાતા નહીં. અમારા માટે તમે તબીબો અને મેડિકલ સ્ટાફના તમામ કર્મયોગીઓ એક યોધ્ધા છે. તમારી સલામતી અમારી ટોપ પ્રાયોરિટી છે. અમારે તમને સાચવવાના છે. તેઓ તમામ મેડિકલ સ્ટાફને સતત ધન્યવાદ આપતા હતા.
તાજેતરમાં એક નેશનલ ચેનલ ઉપર કોરોનાને પરાસ્ત કરવાના જંગમાં ગુજરાતની સજ્જતાનુ વિગતવાર નિરૂપણ જોયું ત્યારે એક ગુજરાતી તરીકે સૌ કોઇના મુખ ઉપર સરકારની અસરકારકતાનો સંતોષ ચકાઇ ઉઠ્યો. ચેનલે એના અહેવાલમાં કહ્યું કે, એક મહિના પહેલાથી જ ગુજરાતમાં તમામ લત્તાઓને અને પરિવહન નિગમની બસોને સેનિટાઇઝ કરવાનુ શરૂ થઇ ગયું હતું. અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરતમાં કોરોના માટે ડેડીકેટેડ હોસ્પિટલો ઉભી કરી દેવામાં આવી. રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૦ બેડની હોસ્પિટલો ચાલુ કરવામાં આવી.
સંવાદો માત્ર વાતચીત નથી, એક જવાબદારી અને જાગૃત મુખ્યમંત્રીની સંવેદનશીલતા, પ્રજાની ચિંતા, લોકાભિમુખતા અને કર્મનિષ્ઠાનો બોલતો પૂરાવો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર સંવેદનશીલ છે સત્ય જ્યારે જ્યારે સમય આવ્યો ત્યારે ત્યારે ચરિતાર્થ થતું જોવા મળ્યું છે.