પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 8 July 2019

…અને એ યુગલે આંતરખોજ કરીને સુખનું સરનામું શોધી લીધું


અને એ યુગલે આંતરખોજ કરીને સુખનું સરનામું શોધી લીધું

નથી થયું જે કદી એ થવાનું લાગે છે,
હવામાં ફુલ કોઈ ઉગવાનું લાગે છે...
-     જીગર જોષી ‘પ્રેમ’

દુનિયામાં બધાને સુખી થવુ છે પણ સુખ શેમાં છે અને ક્યાં છે એની સમજ નથી પડતી. ખરેખર સુખ એટલે શું ? ક્યારેક કોઈ મકાન કે પછી કોઈ વ્યંજન સુખ આપે છે. તો કોઇવાર એમ લાગે કે, દીકરી, દીકરો, પત્નિ, પતિ, મિત્ર કે કોઇ સગા વહાલામાં વ્યક્તિ સ્વરૂપે સુખ મળે છે. વળી કોઇક વાર હીરા, ઝવેરાત કે સંપત્તિમાં સુખની સુગંધ આવે છે. જ્યારે સામે કાળમુખી તલવાર લઇને ઉભેલો કોઇ લુટારો સંપત્તિ આપ નહીંતર માટી ભેગો કરી દઉં... ‘ એવી ત્રાડ પાડે ત્યારે એક સમયે જે અબજો રૂપિયા અને કરોડોના જર ઝવેરાતને સુખ સમજતા હતા તે દુ:ખનુ મોટુ કારણ બની જતું લાગે. આ બધુ સુખ નહીં પણ સુખ હોવાનો ખ્યાલ છે. કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ સુખ સાચુ સુખ છે ખરૂ ? ક્યારેય તમે તમારી જાત માટે સુખી થવાનો પ્રયત્ન કરી જોયો છે ? સાચી વાત તો એ છે કે, આપણને પોતાની જાતને સુખ આપવાની વાત ખબર જ નથી. બહારથી મળતી અને હાથમાં પકડેલી વસ્તુ જ સુખની વ્યાખ્યા બની ગઈ છે.




સુખી બનવાની દોડમાં પોતાની જાતને સુખ આપવાની વાત જ ભુલાઈ ગઈ છે. પોતાની જાત માટે સુખી થવું છે એ વાતને પકડવી પડે. જ્યારે વ્યક્તિ પોતાની જાતને સુખી કરવાનો પ્રયાસ કરતો હોય છે ત્યારે એની આસપાસથી વહેતી હવામાં પણ સુખની સુગંધ વહેતી હોય છે. ચિંતક ફીલ બોસમન્સે ગીવ હેપીનેસ એ ચાન્સનામનું મજેદાર પુસ્તક લખ્યું છે. આ પુસ્તક બેસ્ટ સેલર શ્રેણીમાં એટલે આવ્યું કે બધા લોકો સુખ શોધવાની રેસમાં છે. સાદી ભાષામાં કહીએ તો જીવનમાં સુખને એક અવસર આપવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ બીજાને નહીં પણ પોતાની જાતને સુખી કરવાની ચેતનામાં રહેલો છે.




કુસુમ અને ધર્મેન્દ્રસિંહ એક એવું દંપત્તિ છે કે એમણે એમની જાતને સુખી કરવા માટે ખુલ્લા દિલે સભાન પ્રયાસ કર્યો છે. થોડા ફ્લેશ બેકમાં જઇએ. વાત છે ૧૯૯૭ના વર્ષની. બહેન કુસુમના પિતાજી રાજપીપળામાં ફોરેસ્ટ ઓફિસર હતા. એના પિતાજી નેચર લવર અને નિજાનંદને માણનારા. દીકરી કુસુમને લગ્ન બાદ એક બાળક દત્તક લઈને એને ઉછેરવાની હોંશ. આ માટે એને અંતરનો સાદ પણ ખરો. એણે પિતાને આ વાત કરી. ફોરેસ્ટ ઓફિસર પિતાને રાજપીપળા વિસ્તારમાં સમાજ સેવા કરતાં ચંપકલાલ કાકા સાથે સારો સંપર્ક હતો. એ અરસામાં જ ચંપકલાલને એક દીકરી બિનવારસી હાલતમાં મળી આવી. ચંપકલાલ કાકા આ બિનવારસી બાળકીને ઉછેરવા લાગ્યા. કુસુમના પિતાને આની જાણ થતાં એમણે કુસુમને ચંપકલાલ કાકા પાસેની બિનવારસી બાળકી જોવા બોલાવી.




બહેન કુસુમ અને તેના પતિ ભાઈ ધર્મેન્દ્રસિંહ તો મારતે ઘોડે રાજપીપળા પહોંચ્યા. પળનો પણ વિલંબ કર્યા વગર આ યુગલે બાળકીને દત્તક લઈ લીધી. એમને તો જે જોઇતુ હતું એ મળી ગયું. એમના આ પગલાંનો સમાજમાં પ્રથમ વિરોધ પણ થયો. પણ આ યુગલ એમના નિર્ણયમાં અફર રહ્યું. કાનુની પ્રક્રિયાઓ પુર્ણ કરી એમણે બાળકીને કાયદેસર રીતે એમની દીકરી તરીકે અપનાવી. એનો લાડકોડથી ઉછેર કરવા લાગ્યાં. બાળકી દત્તક લીધા બાદ બે ત્રણ વર્ષમાં જ કુસુમબહેનને સારા દિવસો રહ્યાં. બહેન કુસુમને પોતાની આ દત્તક દીકરીમાંદુર્ગાના દર્શન થતાં. એમણે એનુ નામ પણ દુર્ગા જ રાખ્યું. કુસુમબહેનનો નિજાનંદ દુર્ગાના ઉછેરમાં લાગતો. એમણે એબોર્શન કરાવી લીધું. આ દંપતિએ પોતાની જાત સાથે સંવાદ કરી સુખી થવાનો માર્ગ ખોળી કાઢ્યો હતો.
આજે તો ફોરેસ્ટ ઓફિસર પિતા હયાત નથી એમનો સ્વર્ગવાસ થઇ ગયો છે પણ બહેન કુસુમ હંમેશા કહે છે કે, ‘મારા સુખનો મોટો ખજાનો દુર્ગાસ્વરૂપે મારા પિતાએ મને આપ્યો છે. મારા પિતાજીએ આપેલી અવિસ્મરણીય ગીફ્ટએટલે દુર્ગા.‘ દીકરી દુર્ગાફેશન ડિઝાઈનીંગનો અનુસ્નાતકનો અભ્યાસ કરી ફેશન ડિઝાઈનર બની ગઈ છે. દત્તક દીકરી દુર્ગા, માતા કુસુમબેન અને પિતા ધર્મેન્દ્રસિંહ અંતરનાદ પામી સુખના સાગરમાં હિલોળા લઈ રહ્યા છે.




કુસુમના નિજાનંદની વાતનું બીજું પણ એક અનોખુ પાસું છે. એમના ઘરમાં જાવ અને ચકલીનું ચીં ચીં, કોયલનું કુહુ કુહુ અને કાબરનો કલબલાટ ન સાંભળવા મળે એ વાતમાં દમ નથી. એમના ઘરમાં માટલાના અનેક ચકલી ઘર છે. લોકોને ચકલી દેખાતી નથી પણ બહેન કુસુમ અને ભાઈ ધર્મેન્દ્રના ઘરમાં ચકલીઓ ચીં ચીં કરતી નિરાંતે ઉડાઉડ કરતી જોવા મળે છે. ચકલી ઉપરાંત દરજીડો, દૈયક, લક્કડખોદ, કબુતર, બુલબુલ, શ્વેત નૈના, પતરંગો વગેરે જેવા ત્રેસેક જેટલા પંખીઓનો મેળો એમના ઘરે રોજ જામે છે.
કુસુમ પરિવારના જાત સાથેના આનંદની વાત બહારી સુખ કરતા આંતરિક સુખની પરિભાષાને સમજાવવા માટે પુરતી છે. જ્યારે તમે તમારી ચેતનાના સાચા રાહ ઉપર ચાલો છો ત્યારે સાચા છો. તમે જ તમારા સાચા મિત્ર છો. તમારા સુખનું સરનામું તમે પોતે જ છો. માણસ પોતે જ પોતાનો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર છે. કોઈ બીજું તમારા સુખનું કારણ ક્યારેય ન બની શકે. મહાવીર કહે છે કે, જ્યારે બીજાનાં કારણે સુખ મળે છે એવા અવલંબનનું આવરણ હટે તો સુખનો સાગર મળે. જીવન દુઃખદાયક એટલે લાગે છે કે આપણે આપણી જાત સાથે જ શત્રુતા પાળી રાખી છે.
બીજાનું નામ લઈને વ્યક્તિ પોતાની જાતને હંમેશા સંતાડવા માગતો હોય છે. આપણે પોતાની જાતને જોવા જ તૈયાર નથી. એક મિત્રએ આનંદનો આફતાબ વ્યક્ત કરતો સુંદર મેસેજ એના બીજા મિત્રને ફોરવર્ડ કર્યો. એના શબ્દોમાં થોડા પરિવર્તન સાથે પોતાની જાતમાં આનંદને ખોળવાની કોશીષ કરીએ. ‘ જ્યાં અંતરથી લાગણી થઈ અને પ્રેમ મળ્યો ત્યાં ડુબી જવાની મોજ છે, નફરતની તો ઐસીતૈસી. મન મળે ત્યાં મૈત્રી બનાવી બેસી જઈએ, સમયની તૌ ઐસી તૈસી. દુનિયા ક્યાં જીતવી છે જાતને ઓળખી, સુખી થઈ જાઉં પછી ધબકારાની તો ઐસી તૈસી...’

ધબકાર
પોતાની જાત સાથે સંવાદ કરી જુઓ, દરીયા જેટલું સુખ ઉછાળા મારતું બહાર આવશે.