પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Saturday, 19 May 2018

સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેની આજુબાજુ ફર્યા કરવાનો કોઇ અર્થ નથી


સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેની આજુબાજુ ફર્યા કરવાનો કોઇ અર્થ નથી


ખૂબ અંદર બહાર જીવ્યો છું
ઘુંટે ઘુંટે ચિક્કાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખુબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ સુર્યની પેઠે
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ઘાયલહું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું...
સમસ્યાઓ સામે મુકાબલો કરવાના સામર્થ્યના ભાવને બળુકો બનાવવાની વાત આવે ત્યારે ઘાયલ સાહેબની આ અમર રચના યાદ આવ્યા વગર ન રહે. સમસ્યાઓ જીવનનું અભિન્ન અંગ છે. જીવનના પ્રત્યેક પડાવ ઉપર એક નવી સમસ્યા જડબુ ફાડીને ઊભી જ હોય. સમસ્યાનું સ્વરૂપ મનઃસ્થિતિ ઉપર અવલંબિત હોય છે. કોઇ વાર મોટી સમસ્યા ગુડ મુડમાં ખુબ નાની લાગે અને કોઇ વાર નાની અમથી મુશ્કેલી પહાડ જેવી ભાસે. નાની કે મોટી સમસ્યાનો સામનો માણસ એની કલ્પનાશક્તિ, સંગઠનની તાકાત અને દ્રઢનિશ્ચયથી કરતો હોય છે.



ક્યારેક તો ખૂબ મોટી સમસ્યાઓ વિચાર્યું ન હોય એવા નાના અને સરળ માર્ગે હલ થઈ જતી હોય છે. જિંદગીના દરેક વળાંક ઉપર એક નવું યુદ્ધ છે. જીવન જો જંગ છે, તો મક્કમતાથી એનો મુકાબલો કરવાનો છે. જંગ જીતવાનો છે. યુદ્ધમાંથી પીઠ બતાવી કાયરની જેમ ભાગવાનું નથી. જીવનમાં સમસ્યાઓ તો આવે જ આવે. સમસ્યા વગરનું જીવન નિરસ અને બેસ્વાદ લાગે.
નોર્વેના એક ગામની વાત છે. ચારે બાજુ પહાડોની તળેટીમાં આ ગામ આવેલું છે. અહીં છ-છ મહિનાઓ સુધી સૂર્ય પ્રકાશ જ ન આવે. ગામના લોકો આ મુશ્કેલી સામે ઝઝુમ્યા. એમણે ગામ ખાલી કરી પહાડોની પેલે પાર વસવાના પલાયનવાદની જગાએ પહાડો ઉપર વિશાળ કદના અરીસા એવી રીતે ગોઠવી દીધા કે, ગામમાં સૂરજદાદાની રોશનીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ ગયો. આ વાત કંઈ બહુ પુરાણી નથી, હજુ વર્ષ ૨૦૧૩માં જ જબરજસ્ત સંગઠનશક્તિથી આ સમસ્યાનું સમાધાન નોર્વેના ટચુકડા ગામે શોધી કાઢ્યું. બોલો, કેવડી મોટી સમસ્યાનો કેટલો સરળ ઉકેલ !
સામાન્ય રીતે સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા બનીને વિકરાળ લાગતી હોય છે, જ્યાં સુધી એને સમસ્યા તરીકે જોવાય. તાજેતરમાં વર્ષ ૨૦૧૨માં જિમ્બાબ્વેના બુલવાયો શહેરની અજીબો ગરીબ સમસ્યાનો ત્યાંના લોકોએ હસતા ખેલતા મુકાબલો કર્યો. બુલવાયો શહેરની પાણીની પાઈપ લાઈન જામ થઈ ગઈ. ત્યાં સતત દુષ્કાળ અને પાણીની તકલીફોના કારણે આખા શહેરની પાઈપ લાઈનોની સફાઈ થઈ શકતી ન હતી. આ પાઈપલાઈન સિવાય પાણી માટે બુલવાયો શહેરમાં અન્ય કોઈ વિકલ્પ પણ વિચારી શકાતો ન હતો. શહેરમાં પાણીની અત્યંત વિકટ પરિસ્થિતિ થઈ ગઈ. બુલવાયો આખા શહેરના લોકોએ આ મુશ્કેલીમાંથી ઉગરવા એક નિશ્ચિત દિવસે સાંજે ૭.૩૦ વાગે એક સાથે ટોઅયલેટનું પાણી ફ્લશ કરવાનો નિર્ણય કર્યો. શહેરના બધા જ લોકોએ એક સાથે મુક્કરર કરેલા દિવસે અને સમયે ફ્લશ કર્યું. અને ચમત્કારિક પરિણામ મળ્યું. જામ પાઈપલાઈન પાણીના ફોર્સથી ખુલી ગઈ.
સમસ્યાથી ડરી જઈને સંતાઈ જવાનો સૌથી આસાન માર્ગ છે. સમસ્યાથી ડરવાવાળાના હાથ હંમેશા ખાલી રહે છે. મુશ્કેલી સામે બાથ ભીડનારાને માર્ગ મળે છે. ભારતમાં ગંગા કિનારાના એક ગામના માછીમાર ભાઈઓની બહુ પ્રચલિત કહાની છે. આ માછીમારો જ્યારે માછલી પકડવા બોટમાં જતા તો રોજ એક વાઘ પાછળથી તરાપ મારી એક-બે માછીમારોને ઉપાડી જાય. માછીમારોએ આ મુશ્કેલીથી છૂટકારો મેળવવા અભ્યાસ કર્યો. એમને લાગ્યું કે વાઘ પાછળથી જ હુમલો કરે છે. એટલે એમણે માછલી પકડવા જતા બોટમાં બેસતા માથામાં પાછળના ભાગે માસ્ક પહેરવાનો શરૂ કર્યો. અને વાઘને લાગતું કે માછીમારોની નજર એની ઉપર જ છે. આશ્ચર્યજનક રીત વાઘના હુમલા નહીંવત થઈ ગયા. કેટલો સરળ છતાં મક્કમ મુકાબલો...
સારા દિવસો માટે હંમેશા ખરાબ દિવસોમાં મુશ્કેલીઓ સામે લડવાનું હોય છે. ફરિયાદો કરીને મુશ્કેલીઓથી બચી ન શકાય. મુશ્કેલીઓને હળવી કરવા માટે જવાબદારી ઉપાડવી પડે. નેધરલેન્ડમાં રાત્રિના સમયે અંધારામાં સાયકલીંગ કરવાનો બહુ મોટો પ્રશ્ન હતો. આમ પણ નેધરલેન્ડમાં લોકોને સાયકલ ચલાવવાનો જબરો શોખ. ત્યાંના સત્તાવાળાઓએ માર્ગ ઉપર ચમકીલા પથ્થરો બેસાડ્યા. આ પથ્થરો દિવસે સૂર્ય પ્રકાશથી ચાર્જ થાય અને રાત્રે માર્ગ ઉપર સુંદર રોશની આપે. લોકોને પથ્થરોની રંગબેરંગી રોશનીમાં સાયકલીંગ કરવાની મજા પડવા લાગી. હવે આ માર્ગને સ્માર્ટ હાઈ વેતરીકે નેધરલેન્ડમાં લોકો ઓળખે છે.



કહેવાય છે ને કે, મુશ્કેલી એ કેવળ સક્ષમ અને યોગ્ય વ્યક્તિઓના દ્વારે જ દસ્તક દેતી હોય છે કારણ એને ખબર હોય છે કે, આ મજબુત લોકો જ સમસ્યાનું ઉત્તમ રીતે સમાધાન મેળવી શકતા હોય છે. આમ પણ સમસ્યાઓનું કોઈ માપ કે કદ હોતું નથી. સમસ્યા તો હલ કરવાની ક્ષમતા ઉપરથી તે નાની કે મોટી પુરવાર થતી હોય છે. તત્વચિંતક રોબર્ટ કિઓસ્કીના મતે પ્રત્યેક સમસ્યા પાછળ એક અવસર પડેલો હોય છે. સમસ્યાના પડદાને ચીરીને અવસરને ઝડપવાનો હોય છે. જીવનમાં મુશ્કેલીઓની જરૂર છે. જો મુશ્કેલી છે તો તેને હલ કરીને સફળતા મેળવવાનો આનંદ છે. કાળી ડિંબાંગ રાત્રી છે, તો સવારના સોનેરી કિરણોની કિંમત છે. જો સમસ્યાનો હલ આવે એમ છે તો ચિંતા કરવાની જરૂર જ નથી અને જો સમસ્યાનો કોઈ હલ તમારી પાસે છે જ નહીં તો નકામી ચિંતા કરવાનો કોઈ અર્થ જ નથી. મોટા ભાગના લોકો સમસ્યાના સમાધાન મેળવવાના પ્રયત્નો કરતા સમસ્યાની આજુબાજુ ચકરાવા મારવામાં સમય વધુ બગાડતા હોય છે. સમસ્યા માણસના મનમાં ક્યારેય હોતી જ નથી સમસ્યા તો માણસની માનસિકતા છે. સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેની આજુબાજુ ફરવાનો કોઇ અર્થ નથી. માનસિકતા કેળવવી પડે. મુશ્કેલીને મહેબુબા સમજી એનો માર્ગ કાઢવામાં શાણપણ છે.

ધબકાર  :
સમસ્યા ત્યારે જ વિકરાળ બને છે જ્યારે તેને કંદોરે બાંધીને જોડે જોડે ફેરવવામાં આવે.



‘કડક’ શબ્દોમાં નબળી વાત કરતા સરળ શબ્દોમાં ‘મજબૂત’ વાત વધુ અસર ઉભી કરે


‘કડક’ શબ્દોમાં નબળી વાત કરતા સરળ શબ્દોમાં ‘મજબૂત’ વાત વધુ અસર ઉભી કરે


એક કંપનીના ખૂબ મોટા અધિકારીની વાત છે. તેમની કંપનીના વાર્ષિક હિસાબમેળમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે કંપનીનું સેલ ઘણું ઓછું જણાયું. આ અધિકારીએ એમના વરિષ્ઠ અધિકારીઓની ટીમને બોલાવી. તુલનાત્મક વિગતો સાથે અધિકારીઓને કહ્યું, ‘આપણી ટીમના બે મિત્રોને ગયા વર્ષે સામાજિક તકલીફો હતી. એના કારણે કંપનીનું સેલ સાઈઝેબલ ઘટ્યું હોવાનું જણાય છે. પણ વાંધો નહીં તમારા જેવા બાહોશ અને તજજ્ઞોની ટીમ આપણી પાસે છે. આપણે સાથે મળીને ગયા વર્ષની ઘટ સાથે આ વર્ષે વધુ સારું પરફોર્મન્સ કરીશું. લક્ષ્યાંક તમે સૌ જાતે જ નક્કી કરી લો. આપણે આવતી કાલે નવા લક્ષ્યાંક સંદર્ભે માટે ચર્ચા કરીશું. આ વાતની સાથી અધિકારીઓના માનસપટ ઉપર ઈન્જેકશન જેવી અસર થઈ. બીજા દિવસે બધા જ અધિકારીઓ આખા વર્ષની કામગીરીનુ મજબૂત કાર્યઆયોજન લઈને બેઠકમાં આવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કુલ સેલના આંકડાઓ કરતાં પણ વધુ સેલનો ફુલપ્રુફ પ્લાન તૈયાર થયો હતો.



આ આખી ઘટના રિચર્ડ ડેવોસની ટેન પાવરફુલ ફેઝીસ ફોર પોઝીટીવ પીપલપુસ્તકની યાદ અપાવે છે. અધિકારીએ તેના સાથીઓને વિશ્વાસ આપ્યો કે, આ વખતે ભલે આપણો દેખાવ નબળો થયો છે, પણ આગામી સમયમાં આપણે બમણાં વેગથી કાર્ય કરીશું. રેકોર્ડ બ્રેક કામગીરી કરી બતાવીશું. આ કામ તમે જ કરી શકો અને તમારી શક્તિઓ અદભુત છે. મને તમારા સૌની તાકાત ઉપર ભરોસો છે. સાથીઓનો વિશ્વાસ બેવડાય જ. આ વાતના પાયામાં વાતચીતની કલાની તાકાત છે.
એકવાર જંગલમાં હરણના બે નાના બચ્ચા રમતા રમતા ખાડામાં પડી ગયા. ખાડામાંથી બહાર આવવા બન્ને બચ્ચા ખૂબ કૂદકા મારવા લાગ્યા. થાકીને એક બચ્ચું ખૂણામાં બેસી ગયું. બીજા બચ્ચાએ કૂદકા મારી પ્રયાસ ચાલુ રાખ્યો. ઉપર કેટલાક બીજા હરણ ઊભા હતા અને પ્રયાસ કરી રહેલા બચ્ચાને હસતા હસતા બૂમો પાડી કહેતા હતા મહેનત કરવાનું રહેવા દે કોઈ ફાયદો નથી. તું બહાર નહીં આવી શકે...’ પણ આ બચ્ચું તો મહેનત કરી કૂદકા મારતું રહ્યું અને અંતે છલાંગ મારી બહાર આવી ગયું. આટલા ઊંડા ખાડામાં પડેલા બચ્ચાને બહારથી નાસીપાસ કરાતા વેણ હોવા છતાં બહાર નીકળવામાં કેમ સફળતા મળી ? તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ હરણનું બચ્ચું બહેરું હતું. બહારથી કરાતી હાંસી અને તું નહીં નીકળી શકે એવા નકારાત્મક સિગ્નલોની એને ખબર જ નહોતી પડતી અને આ બહેરું બચ્ચું એમ સમજતું હતું, ‘બક અપ, યસ, યુ કેન ડુ ઈટ...’ અને એ અંતે છલાંગ મારી સફળ થઈ ગયું. જ્યારે જે બચ્ચું સાંભળી શકતું હતું તે હતાશ-નિરાશ થઈ બેસી રહ્યું અને નિષ્ફળ ગયું. આ સિંબોલિક કથાનો સૂર એટલો છે કે, દુનિયાની હતોત્સાહ થઇ જવાય એવી વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવી.
શક્ય બને ત્યાં સુધી બીજાના તન-મનમાં ઉત્સાહ અને જોમ પુરાય એવા પ્રકારની વાત અને વાતાવરણ નિર્માણ કરવાની સાચી કળા છે. મોટા ભાગે લોકો પોતાની ભુલને સત્ય પૂરવાર કરવા જ મથામણ કરતા હોય છે. આ માટે અનેક તાણવાણા ગુંથીને પોતાની વાત મનાવવી પડે છે. પણ ભુલનો સ્વીકાર માત્ર આખી વાતનું સ્વરૂપ બદલી નાખે છે. ‘ઈટ્સ માય મિસ્ટેકકહેવા માત્રથી માહોલ બદલાઈ જાય છે. વાતાવરણ હકારાત્મક બની જાય છે. ‘મારી ભુલ છેએમ કહેવું શરૂ શરૂમાં આકરું અને વરવું લાગે. પણ એક વાર ભુલનો સ્વીકાર નવા અનેક માર્ગો ખોલી આપે છે. સફળતાનો માર્ગ વધુ આસાન બનતો જાય છે.
ક્યારેક પૃથ્થકરણ કરી જોવું જોઈએ. ‘આઈ એમ સોરી, ઈટ્સ માર મિસ્ટેકકહેવાથી કેટલો બધો ફરક પડી જતો હોય છે. કેટલીક વાર સોરીશબ્દ સુરજના પહેલા પહેલા કિરણો જેવું હુંફાળું અને મઝાનું વાતાવરણ ખડુ કરી દેતુ હોય છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે, આપણા બોલેલા શબ્દો સામેવાળી વ્યક્તિનું જીવન બહેતર બનાવી શકે છે અને બદતર પણ બનાવી શકે છે. જ્યારે પણ એમ લાગે કે સામેવાળી વ્યક્તિ તમારી હિંમત તોડી-મરોડી રહ્યા છે તો એ વાતને માત્ર પસાર થવા દો. એને તમારા કાનના માર્ગે થઇને મનમાં સ્ટોપેજન આપો. બીજાની ડિસ્કરેજીયસવાતોને તમારા સપના રોળવાનો કોઈ અધિકાર ન આપો. આવા લોકોની વાતો થાય ત્યારે પેલા બહેરા હરણની માફક બહેરાબની જવામાં નજા છે. આમ કરવાથી ડિસ્કરેજવાત એન્કરેજવાત બની જશે.
જ્યારે સામેની વ્યક્તિના કાર્યમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે અને કહેવામાં આવે કે, ‘યસ યુ કેન ડુ ઈટત્યારે આ શબ્દો એના જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે. યાદ કરો તારે ઝમી પરફિલ્મના લાગતા બાળકને. ‘તારામાં અદભૂત શક્તિ છેએવો વિશ્વાસ આપતા શિક્ષકને. જેનું મન વારંવાર ડગમગી જતું હોય એની માટે યુ કેન ડુ ઈટશબ્દો હજારો હોર્સપાવરની તાકાત સમાન પૂરવાર થતા હોય છે. ‘આઈ બિલીવ ઈન યુશબ્દ જાનદાર અને શાનદાર છે. ઓછા માર્ક લાવેલા બાળકને કોસવા કરતા માર્ક જ સફળતાની પારાશીશી નથી, અભ્યાસ અને શિક્ષણ અગત્યનું છે. તે સરસ લીધું છે. એમ કહેવાથી એ બાળક ભવિષ્યમાં સારો દેખાવ કરી શકે છે. પણ તું ક્યારેય આગળ ન આવી શકે આટલા ઓછાં માર્ક લાવ્યો છે...’ વગેરે વગેરે શબ્દો એને ક્યારેય ભવિષ્યમાં આગળ નહીં જ આવવા દે.
એસી બાત બોલીએ, મન કા આપા ખોય, ઔરન  કો શીતલ કરે, આપહિ શિતલ હોય...’ કેટલી અદભુત વાત કબીરજીએ બે લીટીમાં કરી છે. જે વ્યક્તિ કુશળતાપૂર્વક બોલવાની અને બીજાની વાત સમજવાની કળા જાણે છે એ હંમેશા ભીડમાં પોતાની અલગ પહેચાન ઊભી કરતો હોય છે. જાણીતા પ્રખર વકતા માન કારનેજી કહે છે કે, સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો ફરક પ્રભાવી વાતચીત કલાની ક્ષમતા જ છે. આપણું મૂલ્યાંકન સામાન્ય રીતે ચાર રીતે થતું હોય છે એક તો આપણે શું કરીએ છીએ, બીજું આપણે કેવા દેખાઈએ છીએ, ત્રીજું આપણે શું કહીએ છીએ અને ચોથું આપણે કેવી રીતે વાત કરીએ છીએ. ચોથી વાત સૌથી અગત્યની છે. આપણે કેવી રીતે વાત કહીએ છીએ એના ઉપર આપણી અને સામેવાળાની સફળતા નિર્ભર થતી હોય છે. કડક શબ્દોમાં નબળી વાત કરતા મજબૂત વાત સરળ અને નરમ શબ્દોમાં રજૂ થાય ત્યારે એ સૌથી વધુ અસરકારક બની જતી હોય છે.

ધબકાર :
હઠોને સબ બાત છુપા કે રખ્ખી, આંખો કો યે હુનર આયા હી નહીં.




પાણી પીતા આવડે તો અમૃત અને ન પીતા આવડે તો ઝેર


પાણી પીતા આવડે તો અમૃત અને 
ન પીતા આવડે તો ઝેર

પાણીનું એક ટીપું ગરમ ધગધગતા તવા ઉપર પડે તો એક સેકન્ડમાં ઉકળીને વરાળ બની જાય. એનું અસ્તિત્વ જ સમેટાઈ જાય. એ જ ટીપું જો કમળની પાંખડી ઉપર પડે અને સૂરજના કિરણોના સંપર્કમાં આવે તો મોતીની જેમ ચમકવા લાગે. જો છીપમાં એ ટીપું આવી જાય તો મોતી બની જાય. પાણીનું ટીપું તો એ જ છે એનો યોગ્ય ઉપયોગ એનું મૂલ્ય વધારી દે છે. પ્રમાણસરની પાત્રતા એની તાકાતને બેશુમાર વધારી દે છે.
વર્ષોથી નાના-મોટા, અબાલ-વૃદ્ધ રટ્ટો મારીને કહેતા હોય છે, ' જળ એ જ જીવન છે. પણ જળનો વ્યવસ્થિત ઉપયોગ કરીને જીવન વધુ બહેતર કેવી રીતે બનાવી શકાય એની ઉપર ધ્યાન કેન્દ્રિત બહુ ઓછા લોકો કરતાં હોય છે. જો પાણી પીતા આવડે તો તે અમૃત છે અને જો પાણી પીતા ન આવડે તો એ ઝેરથી પણ બદતર છે. મનુષ્યના શરીરના પાંચ તત્વોમાં એક અગત્યનું તત્વ જળ છે. ચેહરાની ચમકથી માંડીને સુદ્રઢ પાચનતંત્ર સુધી પાણીની શરીરમાં રોકેટીંગ ઇફેક્ટ હોય છે. ટૂંકમાં બાહ્ય દેખાવથી માંડીને શરીરના તમામ પૂર્જાઓ માટે પાણી ઈશ્વરે આપેલી અણમોલ ભેટ છે.



પ્રતિદિન આઠથી દસ ગ્લાસ પાણી શરીરને તંદુરસ્ત રાખે છે. એમાં પણ દિવસમાં ત્રણથી ચાર વાર હૂંફાળું ગરમ પાણી પીવું આશીર્વાદરૂપ છે. ઠંડું પાણી અત્યંત નુકસાનકારક છે. ફ્રીઝનું અને ઠંડું બરફનું પાણી ઝેર છે. સંશોધનકારોએ પાણી પીવાની વૈજ્ઞાનિક મેથડોલોજી આપી છે.
પાણીને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક તો સાફ અને સુથરૂ્ ગાળીને વરસાદનું સીધું પાણી ઝીલવામાં આવે એને ‘ગાંગજળ’ કહેવામાં આવે છે. આ પાણી પીવા માટે ઉત્તમ છે. બીજું વરસાદનું ગાળ્યા વગરનું ગમે ત્યાં ભરાયેલું પાણી સામુદ્રિક જળ તરીકે ઓળખાય છે. સરોવરના પાણીને ‘સારસ જળ’ કહે છે. નાના ખડકોમાંથી વહેતુ પાણી ‘ઔદ્રત્વિક જળ’ તરીકે ઓળખાય છે. વાયવ્ય દિશામાંથી વહેતા પાણીને દિશાના નામ અનુંસાર ‘વાયવ્ય પાણી’ કહેવાય છે. આ પાણી ગરમ તથા ક્ષારયુક્ત હોય છે. ઝરણાનું પાણી કફનાશક અને શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે.
જેમ હવા વગર જીવી શકાય નહિં એમ પાણી વગર પણ શરીર લાંબો સમય ટકી શકતુ ન હોવાથી જળને જીવનનો પર્યાય કહે છે. ભાદરવા અને આસો મહિનામાં વરસાદનું સંગ્રહ કરેલું પાણી અમૃત સમાન ગુણકારી હોય છે. આ પાણી ત્રિદોષ નિવારક, રસાયન, બળવર્ધક, જીવન આપનારું, પાચનશક્તિ વધારનારું અને બુદ્ધિવર્ધક હોય છે. વેગથી વહેતું અને હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાણી પીવા માટે ઉત્તમ છે.
પાશ્ચાત્ય દેશોના દ્રવ્યશાસ્ત્રવિદો પણ વર્તમાન વૈજ્ઞાનિક યુગના આરંભ પહેલા હજારો વર્ષો સુધી પાણીને ચાર મૂળ તત્વો એટલે કે અગ્નિ, વાયુ, પાણી અને માટી પૈકીનું એક માનતા રહ્યા છે. પુખ્ત ઉમરના વ્યક્તિએ આખા દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ. એક પ્યાલો એટલે છ ઔસ અથવા ૧૫ તોલા થાય. જમતી વખતે પાણી ક્યારેય ન પીવું જોઈએ. ભોજન વેળા પાણી પીવાથી પાચનશક્તિ મંદ થઈ જાય છે અને અનેક રોગોને શરીરમાં પેસવાનું બારૂં મળે છે. સામાન્ય રીતે શિયાળા કરતાં ઉનાળામાં સ્વભાવિક રીતે જ પાણી પીવાની માત્રા વધારી દેવી જોઈએ.
પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર પાણીની બે જાત છે. એક તો ભારે અને અશુદ્ધ પાણી. બીજું શુદ્ધ અને વરાળનું હલકું પાણી. ભારતીય શાસ્ત્રાર્થમાં પણ પાણીના આવા જ બે પ્રકાર દર્શાવાયા છે. એક આકાશમાંથી વરસતું વરસાદનું પાણી. જેને ‘આંતરિક્ષ જળ’ કહેવાયું છે. આ પાણીને વરાળથી બનેલું ડિસ્ટીલ્ડ પાણી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજુ ‘ઔદ્રત્વિક’ એટલે ખડકો અને પહાડોમાં સંગ્રહાયેલું પાણી. જેને આપણે ‘હાર્ડ વૉટર’ તરીકે ઓળખીએ છીએ.



માણસના શરીરમા ૭૮થી ૮૦ ટકા હિસ્સો પાણીનો બનેલો છે. પાણીની કમીથી શરીરમાં પ્રાણવાયુનું વહન ઓછી માત્રામાં થતું હોવાથી થાક અનુભવાય છે. સ્ફૂર્તિ અને તાજગી અનુભવવા શરીરમાં પર્યાપ્ત માત્રામાં પાણી રહે એ ખૂબ જરૂરી છે. સાયન્ટિફિક રિસર્ચના તારણો કહે છે કે, શરીરમાં વધુ નહિ માત્ર એકથી બે ટકા પણ પાણીની કમી હોય તો મૂડ ઠેકાણે રહેતો નથી. પાણી પીવાનું પ્રમાણ જાળવીને મૂડમાં રહી શકાય છે. માઈગ્રેન અને માથાના દુખાવા પાછળના ઘણા કારણો પૈકી એક પ્રબળ કારણ પાણીની ઉણપ પણ હોઈ શકે છે. થોડાંક વર્ષો પહેલા યુરોપમાં થયેલા એક સંશોધનના તારણોમાં જણાવાયું હતું કે, પાણી ઓછું પીવાથી ‘સીવીયર હેડેક’ની ફરિયાદો ઊભી થતી હોય છે.
ભોજન દરમિયાન પાણી પીવુ યોગ્ય નથી, પણ જમ્યા પછી એકાદ કલાક બાદ હૂંફાળું પાણી પીવાથી પાચનક્રિયા ખૂબ મજબૂત બને છે. આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે, ભોજનના એકાદ કલાક પછી પીવામાં આવેલું ગરમ હુંફાળું પાણી અમૃત સમાન છે. શરીરનું ‘મેટાબોલિઝમ’ જબરજસ્ત રીતે આનાથી વધે છે. ભોજનના એકાદ કલાક પહેલા એક ગ્લાસ પાણી વજન ઉતારવા માટે આશીર્વાદરૂપ છે. શરીરના હાનિકારક કેમિકલ્સ અને ટોક્સિનને મૂત્રવિસર્જન અને પ્રસ્વેદ દ્વારા બહાર કાઢી ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા માટે પાણી ધારદાર શસ્ત્ર છે.
ગરમીમાં પસીનો અને ઠંડીમાં ગરમ પાણીના ઘૂંટડા શરીરનું તાપમાન નિયંત્રિત રાખવાનો રામબાણ ઇલાજ છે. પાણી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખવામાં મદદ કરતું હોઇ ત્વચાનો ‘ગ્લો’ અને ‘ચમક’ વધે છે. શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં પાણી અકસીર છે. યોગ્ય માત્રામાં સમજપૂર્વક પાણી પીનારાને સાંધાનો દુખાવો ક્યારેય થતો નથી. એન્ડ એબોવ ઓલ, પાણીનો સમજદારીપૂર્વકનો ઉપયોગ દિમાગને તેજ બનાવે છે. ચરકસંહિતા અને આયુર્વેદમાં સમજદારીપૂર્વકના પાણીના ઉપયોગના અનેક ફાયદા વર્ણવ્યા છે. સવારે ખાલી પેટ બે ગ્લાસ ગરમ પાણી પેટમા ફ્લેશનું કામ કરે છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી ‘હિટ’ને ‘બીટ’ કરવાનું હાથવગુ મજબૂત શસ્ત્ર છે. ‘ડિહાઇડ્રેશન’, ત્વચાની બીમારી, વિટામિન અને મિનરલ્સની ઊણપ જેવી અનેક બાબતોથી બચવા ભરપૂર પાણી પીવું પડે. ગાંધીજી તો ત્યાં સુધી કહેતા કે, 'ભોજન પીઓ અને પાણીને જમો.' પાણી કંઈ ઝટઝટ અને ફટાફટ પીવા ખાતર પીવાની વસ્તુ નથી. પાણીના ટીપેટીપામાંથી રસ લેતા હોય એમ એને પીવું જોઈએ. પાણી સાથે પ્રેમ કરવો પડે. એને સહેલાવવું પડે. બહેલાવું પડે. લાડ લડાવીને મસ્તીથી પીવું પડે. પાણીમાં હજારો સદગુણ છે. જો એને પિતા આવડે તો એ શરીરને હમેશા ભરપૂર મોજમાં રાખે છે.
છેલ્લે પાણી શબ્દની જરા હટકે વાત કરીએ... ગુજરાતી ભાષા કેટલી ગૌરવપૂર્ણ છે. એનુ એક નાનુ ઉદાહરણ ‘પાણી’ શબ્દ સાથે જોઇએ. ‘પાણી’ શબ્દ એકવાર બોલીએ તો એનો અર્થ ‘જળ’ થાય અને ‘પાણીપાણી’ એમ બે વાર બોલીએ તો એનો સંદર્ભ ‘મનથી પીગળી ગયેલો’ થાય. ‘પાણી’ શબ્દને બીજા શબ્દની આગળ કે પાછળ જોડવામાં આવે તો ગુજરાતી ભાષામાં કેટકેટલા અર્થપૂર્ણ શબ્દોસમૂહ બને છે એ પણ રસપ્રદ બાબત છે. અંજળપાણી, કસુંબાપાણી, ચાપાણી, જલસાપાણી, તાતાપાણી ખાણાંપાણી, આટોપાણી, કાળાપાણી, દવાપાણી, ખર્ચીપાણી, ધંધોપાણી, દાણાપાણી, દાતણપાણી, દહાડોપાણી, પાણીઢોળ, પાણીપંથો, પાણીદાર, પાણીપત, પાણીફેર, પાણીજન્ય, હવાપાણી, વાળુપાણી, પાણીપોચું, પાણીપાણી, એન્ડ સો ઓન..

ધબકાર :
એક કાતરા હી સહી, મુઝે એસી નિયત દે મૌલા,
કિસી કો પ્યાસા જો દેખું, તો ખુદ પાની હો જાઉ...