૧૬,૦૦૦ ઉપરાંત કાર્યક્રમોમાં
૪૮,૫૬,૦૦૦ ઉપરાંત નાગરિકોને
વિવિધ યોજના
અન્વયે રૂ. ૧૩,૦૦૦ કરોડના વિકાસ
કાર્યોનો મળ્યો લાભ
आओ फिर से दिया जलाएँ
भरी दुपहरी में अँधियारा
सूरज परछाई से हारा
अंतरतम का नेह निचोडें-
बुझी हुई बाती सुलगाएँ
आओ फिर से दिया जलाएँ
ચિંતક, વિચારક, કવિ અને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી બાજપેયીજીના આ શબ્દો ઑગષ્ટ મહિનાના આગાઝના પ્રથમ નવ દિવસ દરમિયાન કાનમાં સતત ગુંજતા રહ્યાં. ૧લી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ નવ દિવસ ગુજરાતમાં જનસેવા અને વિકાસના મહાયજ્ઞનું અદભુત અનુષ્ઠાન જોવા મળ્યું. ગુજરાતની નવરાત્રી ભક્તિ અને શક્તિની આરાધના માટે વિશ્વ સમસ્તમાં ઓળખાતી હોય છે. બરાબર એ જ રીતે ૧લી થી ૯મી ઓગસ્ટ નવ દિવસ ગુજરાતે જનસેવા અને વિકાસની અદભુત આરાધના કરી ઇતિહાસ રચ્યો છે. માત્ર નવ દિવસના સમયગાળામાં ૧૬ હજાર ઉપરાંત જનહીતલક્ષી કાર્યક્રમો યોજાયાં. ૪૮ લાખ ૫૬ હજાર ઉપરાંત નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ લોકોપયોગી યોજનાના લાભ મળ્યાં. આ નવ દિવસ દરમિયાન વિવિધ યોજના અન્વયે રૂ. ૧૩ હજાર કરોડની રકમનો લાભ રાજ્યના જનસામાન્યને મળ્યો. આ નાની સુની ઘટના નથી. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે કે, નવ દિવસના સમયગાળામાં આટલા મોટા ફલક ઉપર ગુજરાતના ખૂણે ખૂણામાં વિકાસની આહલેક જાગી હોય. કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણપણે ધ્યાન રાખીને સમગ્ર રાજ્યમાં મેયરથી માંડીને મુખ્યમંત્રીશ્રી સુધીના પદાધિકારીશ્રીઓએ લોકો વચ્ચે જઈને છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતે કરેલી જનસેવાની આરાધનાને જનજન સુધી પહોંચાડી.
આજે ગુજરાત ચાર અક્ષરનો શબ્દ વિકાસનો પર્યાય બની ગયો છે. આ બિરુદ ગુજરાતને એમને એમ નથી મળ્યું. છેલ્લા બે અઢી દાયકાથી ગુજરાતે વિકાસનો રીતસરનો મહાયજ્ઞ
આરંભ્યો છે. ગુજરાતના પનોતાપુત્ર અને
ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભવ્ય અને દિવ્ય
બનાવવાના મજબૂત પાયા નાખી આપ્યા છે. શ્રી નરેન્દ્રભાઈએ
બનાવેલા ઉત્તમ ગુજરાતને હવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી
શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ‘ટીમ ગુજરાત’ રાજ્યને ‘ઉત્તમથી સર્વોતમ ભણી’ લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી કહેતા હોય છે કે, ‘સમાજની સેવા કરવાનો અવસર ઋણ ચૂકવવાનો અમૂલ્ય
મોકો આપે છે, એટલે જ્યારે પણ સમાજ
સેવાની તક મળે ત્યારે સત્યનિષ્ઠાથી એ તકને ઝડપી લેવી જોઈએ.’ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી
સંવદનશીલતાપૂર્વક સંપૂર્ણ પારદર્શકતાથી જનહીતલક્ષી નિર્ણાયકતાએ ગુજરાતમાં
પ્રગતિશીલતાની પરાકાષ્ઠા સર્જાઇ રહી છે તેની ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સૌ કોઈ
ગુજરાતી બાંધવોને પ્રતીતિ થઈ છે. છેલ્લા પાંચ વર્ષની
ગુજરાતની વિકાસયાત્રાને જોઈને આજે ગુજરાતના ખૂણેખૂણામાં વસતો અદનો નાગરિક પણ
હૃદયપૂર્વક એમ કહે છે કે, ‘આ સરકાર આપણી સરકાર છે’. પાંચ વર્ષનો સમયગાળો નાનો સમયગાળો ન કહેવાય. પાંચ વર્ષના અંતે શું કાર્ય થયાં તેનું સરવૈયું અને કેવા
કાર્યો કરવાના છે તેનો રોડમેપ નક્કી કરવાનો સમય છે. અઢી દાયકાથી પણ વધુ સમય સુધી ગુજરાતની જનતાએ વિકાસલક્ષી
રાજનીતિ અને પારદર્શક નિર્ણાયકતાને મનભરીને આશીર્વાદ આપ્યા છે.
કિસાનો માટે કિસાન સૂર્યોદય યોજનાથી માંડીને સાતપગલાં ખેડૂત કલ્યાણના જેવી યોજનાઓથી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના કિસાનોનું આર્થિક સશક્તિકરણ થઈ રહ્યું છે. ૨૨ લાખ કિસાનો પાસેથી ૧૯ હજાર કરોડના ૪૧ લાખ મેટ્રીક ટન કરતાં પણ વધારે ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરીને ગુજરાતે ઐતિહાસિક કાર્ય કર્યું છે. અલગ અલગ યોજનાઓ અન્વયે રાજ્યના ખેડૂતોને છેલ્લા ત્રણ જ વર્ષમાં રૂ. ૯૯ હજાર કરોડ ઉપરાંતની રકમ આ સરકારે આર્થિક સહાય સ્વરૂપે આપી છે. કોરોના મહામારી હોય કે, અતિવૃષ્ટિનો માર હોય, તાઉતે જેવું મહાવિનાશક વાવાઝોડું હોય કે અનાવૃષ્ટિ હોય, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ છેલ્લા પાંચ વર્ષમાં તમામ આફતો સામે કુનેહપૂર્વક જીક ઝીલી છે અને ગુજરાતને તેમાંથી સાંગોપાંગ બહાર કાઢ્યું છે.
ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો, આદિવાસીઓ સૌ કોઈને હૃદયપૂર્વક અનુભૂતિ થઈ રહી છે કે અમારો
ખરેખર વિકાસ થઈ રહ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને
૭૬ જેટલી યુનિવર્સિટીઓ સાથે આજે ગુજરાત શિક્ષણનું હબ બન્યું છે. સ્ટુડન્ટ સ્ટા્ટ અપ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ સ્થાને છે જે
પ્રત્યેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. યુવા શક્તિના સામર્થ્યને
સુપેરે સમજીને છેલ્લા પાંચ વર્ષમાં ૧૭ લાખ જેટલાં યુવાનોને રોજગાર સ્વરોજગારના
અવસરો પ્રાપ્ત થયા છે. ૨ લાખ જેટલાં યુવાનોને
સરકારી નોકરી મળી છે. ગુજરાત છેલ્લા ૧ દશકથી પણ
વધારે સમયગાળાથી રોજગાર વિનીમય કચેરી દ્વારા અપાતી રોજગારીમાં રાષ્ટ્રભરમાં
અગ્રસ્થાને છે. નારી શક્તિનો સન્માન
કરીને ૧૦ હજાર મહિલા સ્વસહાય જૂથોની રચના કરીને તેમનું આર્થિક સશક્તિકરણ આ સરકાર
કરી રહી છે. શાંતિ સલામતી અને સુરક્ષા
સાથે ગુજરાતના વિકાસ માટેની આ સરકારની પ્રતિબદ્ધતા સૌકોઈ પીછાણી રહ્યા છે. આતંકવાદીઓને ગુજસીટોક કાયદાના અમલથી, ભૂમાફિયાઓને લેન્ડગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટથી અને
અસામાજિકતત્વોને ગુન્ડા એક્ટ પસાર કરીને ગુજરાતની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવામાં
આવી છે. દીકરીઓને આડે માર્ગે જતાં
અટકાવતો લવ જેહાદનો કાયદો આ સરકારે હિંમતપૂર્વક ઘડ્યો છે.
નવ દિવસ વિષેશ નામ સાથે ઉજવાયા. જ્ઞાનશક્તિ દિવસે ‘પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતા’ના સૂત્ર ઉપર રાજ્યભરમાં કુલ ૨૫૩ કાર્યક્રમો યોજાયાં. લગભગ
૫૦ હજાર જેટલાં લોકોએ આ દિવસે રાજ્યભરમાં થયેલાં વિવિધ કાર્યક્રમોમાં કોવિડ
પ્રોટોકોલ અનુસરતા હાજરી આપીને ગૌરવ અનુભવ્યું હતું. જ્ઞાનશક્તિ દિવસે ૧૪૧૫૯ જેટલાં ખાતમુહૂર્ત અને લોકાર્પણો
થયાં હતાં. મોરબીમાં વાણિજ્ય
સ્નાતકનો અભ્યાસ કરતી દીકરી ઈશાની ઠાકરે કહ્યું કે, MYSY સ્કોલરશીપ મળતાં હવે ભણીગણીને આગળ વધવાનું મારું સ્વપ્ન
અવશ્ય સાકાર થશે. પંડિત દિનદયાલજીએ આપેલા
એકાત્મ માનવવાદના સિદ્ધાંતને સમગ્ર પ્રશાસનને સંવેદનાસભર બનાવ્યું છે. ઓગસ્ટ તા. ૨, ૨૦૨૧ના સંવેદના દિવસે એક જ દિવસમાં ૮ લાખ ૨૩ હજારથી પણ વધુ
નાગરિકોની રજૂઆતોનો 'ઓન ધ સ્પોટ’ નિકાલ કરવામાં આવ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આ દિવસે મળેલી રજૂઆતો પૈકી ૯૯.૬૩ ટકા રજૂઆતોનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ આવ્યો હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય રહેશે કે બીજી ઓગસ્ટ એટલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ. ગુજરાતના ખૂણે ખૂણામાં શ્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ અને
સૌજન્યશીલ રાજપુરુષ તરીકે જાણીતા છે. એમણે સંવેદના દિવસે
રાજ્યની ગંગાસ્વરૂપા બહેનોના પુનઃસ્થાપન માટે ‘ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના’ની જાહેરાત કરી.
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓગસ્ટ તા. ૩, ૨૦૨૧ અન્નોત્સવના દિવસે રાજ્યના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી વિના મૂલ્યે રાશન આપવાના સેવા યજ્ઞનો ઉગતા સુરજના પ્રદેશ દાહોદથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. વિકાસની રાહ પર નારી શક્તિને જોડવાનું અને નારી શક્તિના સામર્થ્યનો સદઉપયોગ કરવાનું ગુજરાત સુપેરે જાણે છે. ઓગસ્ટ તા. ૪, ૨૦૨૧ના રોજ ગુજરાતમાં નારી સશક્તિકરણનો દિવસ રહ્યો. ગુજરાતની નારી હવે અબળા નહીં પણ ઊર્જાવાન તેજસ્વીતાનું પ્રતિક છે. ૧૦૯ જેટલાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો આ દિવસે રાજ્યભરમાં યોજાયા.
૫ ઓગસ્ટ ૨૦૨૧ કિસાન સન્માન દિવસ ગુજરાતના ખેડૂતો માટે એક
સોનેરી કિરણ સાથે ઊગ્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ
રૂપાણીએ સરહદી જિલ્લા કચ્છની ધરતી ઉપરથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વધુ ૧૪૦૦
ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પહોંચાડતાં જણાવ્યું કે, ગુજરાતના કિસાનોના બાવડામાં અદભુત તાકાત રહેલી છે. તેને પાણી, બિયારણ અને વીજળી મળે તો
તેમના પરિશ્રમ પ્રસવેદથી ધરતીમાંથી સોનું પાકી શકે એવી એમની ક્ષમતા છે. ગુજરાતનો યુવાન જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને એવી
પરિકલ્પના સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના યુવાનોના સામર્થ્યને
સુપેરે યોગ્ય દીશા આપી છે. સૂરતમાં રોજગાર દિવસ
નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ દિવસે ૬૨ હજાર જેટલાં યુવાનોને નિમણૂંક પત્રો આપીને
ગુજરાતમાં એક નવી કેડી કંડારવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ
યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ઉપયોગી એવા ‘અનુબંધમ’ પોર્ટલ અને મોબાઈલ
એપ્લીકેશનો ડિજિટલી શુભારંભ કરાવ્યો હતો.
વર્ષ ૨૦૧૬ની ઓગસ્ટ તા. ૭નો એ યશસ્વી દિવસ યાદ આવે છે કે, જ્યારે ગુજરાતની જનતાની સેવા કરવા માટે શ્રી વિજયભાઈ
રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં હતાં અને તેમની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે
શ્રી નીતિનભાઈ પટેલે શપથ લીધાં હતાં. ગુજરાતના વિકાસ માટે આ બે
કર્મઠ નેતાઓએ સાશનધુરા સંભાળ્યાના ઑગષ્ટ ૭, ૨૦૨૧ના રોજ પાંચ વર્ષ પૂરા થયાં ત્યારે વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરીને
પાંચ વર્ષ સૌના સાથથી સોના વિકાસના બની રહ્યાં. ઓગસ્ટ તા. ૭ના રોજ વિકાસ દિવસના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની
વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની પ્રજાના જનસુખાકારી માટેના રૂ. ૫,૪૩૫ કરોડથી વધુ રકમના ૭૭,૪૫૦ જનહીતલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે ૧૬૧
કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય માર્ગ
અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી પણ વર્ચ્યુ્અલી ઉપસ્થિતિ રહ્યા હતા. રાજ્યના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન અને ખાતમુહુર્ત
કરતાં અમિતભાઈ શાહે કહ્યું કે, દેશના લોકલાડીલા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ સમયે
આરંભેલી વિકાસયાત્રા અને જનકલ્યાણની પરંપરાને આગળ વધારવા માટે મુખ્યમંત્રી શ્રી
વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અભિનંદનના અધિકારી છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આ પ્રસંગે ગુજરાતની ‘વતનપ્રેમ’ યોજના લોન્ચ કરી હતી.
જનસેવા યજ્ઞ અનુષ્ઠાનના નવમો દિવસ અંબાજીથી ઉંમરગાવ સુધીના
પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો. મુખ્યમંત્રીશ્રીએ નર્મદા જિલ્લાના રાજપીપળાથી વિશ્વ આદિવાસી
દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાના રૂ. ૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ, લોકાર્પણ અને ખાત મૂહૂર્ત કરાવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૬૦ હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ. એક લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અંદાજે રૂ. ૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા
મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવા સાથે રૂ. ૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ
તથા રૂ. ૧૨૨૨ કરોડના ૯૦ કામોના
ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.
આધુનિક ગુજરાત, દિવ્ય અને ભવ્ય ગુજરાત, શિક્ષિત અને દિક્ષીત ગુજરાત જોવાની પ્રત્યેક ગુજરાતીની
હૃદયપૂર્વકની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. ગુજરાતની
વિકાસયાત્રાને જોઈને આજે પ્રત્યેક ગુજરાતીને સંતોષ થઈ રહ્યો છે કે, તેમણે જોયેલાં ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના શમણાં બિલકુલ
સાચી રીતે સાકાર થઈ રહ્યા છે. મેટ્રો ટ્રેન અને બુલેટ
ટ્રેને ગુજરાતની નવતર પહેચાન ઊભી કરી છે. BRTS, રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ આધુનિક ગુજરાતની છબી ઊજાગર કરે છે. ભાવનગરનું વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, કચ્છનું રીન્યુએબલ એનર્જી પાર્ક, વિશ્વ સમસ્તનું ધ્યાન ખેંચી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમા સ્કાયલાઈન બિલ્ડિંગની મંજુરી મળતાં
હવે ગુજરાતના શહેરો દુબઈ અને સિંગાપોર જેવા શાનદાર બનવાના છે. ગીફ્ટ સિટી, મેડીસિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ડાયનોસોr ફોસિલ પાર્ક, શીવરાપુર બ્લુ બીચ, નડાબેટ સીમા
દર્શન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભવ્ય
ગુજરાતના મોડેલ બનીને ઊભરી આવ્યા છે. ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ શહેર અને હવે
ધોળાવીરા વર્લ્ડ હેરિટેજના નકશામાં આવતાં દેશ વિદેશના સહેલાણીઓનું ગુજરાત ‘ફસ્ટ ચોઈસ ઓફ ડેસ્ટીનેશન’ બન્યું છે.
છેલ્લા પાંચ વર્ષના ગાળામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે ૧૭૦૦થી વધુ જનહિતલક્ષી નિર્ણયો લઈને તેનુ નક્કર અમલીકરણ કરી બતાવ્યું છે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વંચિતો, વનબંધુઓ સમાજના તમામ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવાના સમુચિત પ્રયાસો ટીમ ગુજરાતના પરિણામલક્ષી નિર્ણયોને કારણે શક્ય બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં સંકલ્પથી સિદ્ધિની જનજનને પ્રતીતિ થઈ છે. આજે પ્રત્યેક ગુજરાતી હૃદયના ઊંડાણથી સ્વીકારી રહ્યો છે કે, પાંચ વર્ષ આપણી સરકારના છે... આ પાંચ વર્ષ સૌના સાથથી સૌના વિકાસના બની રહ્યાં છે...




