પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 22 August 2021

સજ્જનના મૌનનો અભિગમ દુર્જનોના દુષ્કૃત્યોનુ બળ બને છે

 

કહાં તક યે મન કો અંધેરે છલેંગે

ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે

કભી સુખ, કભી દુઃખ યહીં જિંદગી હૈ

યે પતઝડ કા મૌસમ ઘડી દો ઘડી હૈ

નયે ફુલ, કલ ફીર ડગર મેં ખિલેંગે

ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે

૧૯૭૦ના દાયકામાં આવેલી ફિલ્મ બાતો બાતો મેંના આ મજાના ગીતમાં જીવન પ્રતિ અભિગમને અર્થસભર રીતે રજૂ કરવામાં આવ્યો છે. આમ પણ સર્જક બાસુ’દાના સર્જનમાં હંમેશા ક્યાંકને ક્યાંક ગજબની કશીશ હોય. એમણે ગીતકાર યોગેશ દ્વારા શબ્દે શબ્દમાં જિંદગીના દ્રષ્ટીકોણની સચ્ચાઈને ઘૂંટી ઘૂંટીને આ ગીતમાં રજુ કરી છે. કિશોરદાના પહાડી અવાજમાં રાજેશ રોશનના સંગીતે આ ગીતને યાદગાર બનાવી દીધું. સાચી વાત તો એ છે કે, આ ગીતની યાદ તો અભિગમશબ્દ ઉપરથી આવી.


ભગવત ગોમંડલ અનુસાર ‘અભિગમ’નો અર્થ અભિએટલે પાસે અને ગમએટલે જવું, પાસે જવું. મુલાકાત-એવો અર્થ થાય. કોઈપણ વાતની પ્રત્યે નજીક જઈને મુલાકાત લેવામાં આવે એને અભિગમ કહેવાય. જરા હળવાશથી કહીએ તો, અભિગમ શબ્દને બે એકસ્ટ્રીમ વિચાર પૈકી નકારાત્મક વિચારોવાળો વ્યક્તિ માને છે કે, ‘અભિ જિંદગી મેં બહોત ગમ હૈ...’ અને હકારાત્મક વિચારોવાળો વ્યક્તિ હસતા મોંએ એમ કહે કે, અભિ જિંદગી મેં ગમ કા કોઈ સ્થાન હી નહીં...’ ખેર આ તો એક હળવી વાત થઈ પરંતુ ખરેખરઅભિગમશબ્દ સ્વયં એક આખું આકાશનો ઉઘાડ આપે એવો સરસ શબ્દ છે.


વ્યક્તિની પોસ્ટ કે પાવરથી ક્યારેય કોઈ ફરક નથી પડતો. વ્યક્તિના અભિગમની તેના પોતાના અને તેની આસપાસના લોકો ઉપર અસર થતી હોય છે. એક પ્રતિષ્ઠિત ડૉકટર નવીનના અભિગમની વાત છે. આ તબિબ નગરનો જાણીતો ગાયનેકોલોજીસ્ટ. નગરના તેમ જ આસપાસના ગામડાઓના લોકોમાં ડૉ. નવીનનું ખૂબ માન અને નામ પણ. આ માન અને નામ એમના સૌહાર્દપૂર્ણ અભિગમના કારણે જ હતું. ઘણી વાર એવુ બન્યું છે કે, કોઈ બહેનની ડિલીવરી કરાવ્યા બાદ એના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે હસતાં મોંએ ડૉ. નવીન કહી દે જેટલા  પૈસા આપવા હોય એટલા આપી દે. ચાલશે. આવા તો અનેક પેશન્ટની પૈસાની તકલીફ ડૉ. નવીને ચપટીમાં દૂર કરી નાખી છે. ડો. નવીન જેવો એટિટ્યૂટ સંભવત: નાણાકીય નુકશાન જરૂર કરાવતો હશે પરંતુ વ્યક્તિના જીવનને અંદરથી ભર્યું ભર્યું બનાવી દેતો હોય છે. જ્યારે કોઈની તકલીફમાં મદદ કરવા માટે પોસ્ટ અને પાવરને બાજુએ મુકી દેવામાં આવે ત્યારે જીવનનું ખરું સત્ય પામી શકાતું હોય છે.


વ્યક્તિનો સકારાત્મક અભિગમ ગમે તેવી ફાલતુ વાતને પણ અર્થસભર ઘટના બનાવી નાખે છે. આઠ દસ કલાકની મુસાફરી હોય. ડ્રાયવર સતત ડ્રાઈવિંગ કરતો હોય ત્યારે ત્રણ-ચાર કલાક બાદ રસ્તામાં કોઈ હોટેલ ઉપર એને ચા પીવડાવીને ડ્રાયવરને બાજુમાં બેસાડીને અડધો કલાક થોડા કિલોમીટર સાહેબ જાતે ડ્રાઈવિંગ કરવા બેસે તો નવો એંગલ બની જતો હોય છે. સાહેબના આ વર્તનથી ડ્રાયવરને આરામ મળી જાય અને એના મનમાં સાહેબ માટે સન્માનની લાગણી અનેક ગણી વધી જાય. સાહેબને પણ થોડો ચેન્જ મળી જાય છે. આમ જોઈએ તો વાત તદ્દન નાની છે અને એનુ કોઇ ખાસ મહત્વ પણ નથી અને આમ જોઈએ તો જીવનના અગત્યના પદાર્થપાઠ શીખવતી અને જીવનના અભિગમના સત્યને ઉજાગર કરતી સમજવા જેવી આ વાત છે.


હરાકાત્મક અભિગમના વાહન ઉપર સવાર થઇને જ લાંબી મજલ કાપી શકાય. જીવન જીવવા માટેનો વ્યક્તિનો અભિગમ કેવો છે એ પ્રમાણે વ્યક્તિ આગળ વધતો હોય છે. જે ઉત્તમ ખેલાડી છે એની સાથે જીવન રમત પણ એવી જ શ્રેષ્ઠ રમે છે. દર્દ, પીડા, મુશ્કેલી બધાને લગભગ એક સરખી જ આવે છે. ફરક માત્ર એના રૂપ, રંગ અને સ્વરૂપનો હોય છે. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હતાશ બની જાય તો કોઈ મુશ્કેલીમાં હકારાત્મક અભિગમ સાથે તપીને સોનું બનીને બહાર આવે.


કોઈપણ ઘટનાના મૂલ્યાંકન માટે બે દ્રષ્ટિકોણ બને. અભિગમના બે પ્રકાર હોઈ શકે. ‘પલાશ જે રસ્તે જાય છે તે યોગ્ય નથી.’ અથવા પલાશનો માર્ગ ખોટો છે.’ આ બે વિચાર છે. પહેલો વિચાર હકારાત્મક અભિગમ ઉજાગર કરે છે. જ્યારે બીજો વિચાર નકારાત્મકતા દર્શાવે છે. અહીં સ્પષ્ટ એ રીતે થવુ પડે કે, અગત્યનું શું છે ? શબ્દો કે શબ્દ પાછળની વિચારધારા ? જેટલું વાંચીએ કે સાંભળીએ એ બધુ સો ટકા સાચું જ છે એવું માનવાનો અભિગમ પણ યોગ્ય નથી. વ્યક્તિની સામાન્ય બુદ્ધિ પ્રત્યેક દ્રષ્ટિકોણ ઉપર એપ્લાય થાય એ જરૂરી છે. સાચાને સાચુ અને ખોટાને ખોટું કહેતા જેને નથી આવડતું એના અભિગમમાં ક્યારેય સ્પષ્ટતા જોવા ન મળે. બન્ને બાજુ માન રાખવાનો અભિગમ યોગ્ય નથી. જરૂર પડે ત્યાં સ્પષ્ટ અભિપ્રાય આપવાનો અભિગમ જરૂરી છે. સજ્જનોનું મૌન દુર્જનોના દુષ્કૃત્યોને બળ આપે છે. આના પરિણામે દુર્જનને તેના ખોટા કાર્યોમાં વધુ ફાવટ આવી જતી હોય છે. જેમ સ્પષ્ટ અને પાકટ વિચારધારાવાળા અભિગમને કોઈ અહંકાર ન હોય એમ એને કોઈપણ પ્રકારની ગ્લાની પણ ન જ હોય. જીવનમાં સકારાત્મક બદલાવની અપેક્ષા હોય તો જીવનની દરેક ઘટનાઓ માટે સકારાત્મક અભિગમ કેળવવો કાફી છે.


ધબકાર : ખુશી માટે કામ કરવામં આવે તો ખુશી નહીં મળે પરંતુ ખુશ થઈને કામ કરવામાં આવે તો ખુશીની સાથે સફળતાનુ બોનસ મળે છે.





No comments:

Post a Comment