પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 7 March 2017

સોશીયલ મિડીયા : અભિવ્યક્તિની મોજ ખરી પણ ‘ જરા સંભલકે...”

સોશીયલ મિડીયા : અભિવ્યક્તિની મોજ ખરી પણ જરા સંભલકે...”
                      - પુલક ત્રિવેદી
શહેરની એક જાણીતી કોલેજની કેન્ટીનમાં કોફીના ઘુંટડા ગળા નીચે ઉતારતા પ્રેયાંશીએ રોમીલને સ્માઈલ સાથે કહ્યું હાય બડી, તારો પ્રોફાઈલ પીક જોરદાર છે.’
રોમીલે સ્માઈલ સાથે કહ્યું ઓહ યા, તું પણ ગયા અઠવાડીયે તારા મોમ ડેડ સાથે જેસલમેર ગઈ હતી તેના સીરીઝ ઓફ પીક્સ જોરદાર હતા.’
પ્રિંયાશીએ પ્રશ્ન પુછ્યો કે, ‘તને ખબર છે હમણાં થોડા સમય પહેલા રોહનના ડેડીનું કોમ્પ્યુટર હેક થઈ ગયું. સાઈબર ક્રાઈમ સેકશન ઈન્વેસ્ટીગેશન કરી રહી છે. આજે મહિનો થશે હજુ કોઈ ઠેકાણું પડ્યું નથી.



રોમિલે કહ્યું યા, આઈ નો. છેલ્લા એક વર્ષમાં આવું આપણાં ગ્રુપમાં પાંચ-છ મિત્રો સાથે બન્યું. હેકીંગ હેઝ બીકમ નાઉ રીયલી બીગ હેડેક.’
કોલેજની કેન્ટિનમા બે મિત્રોની વાતચિતના આ અંશો કાને પડતા વેંત માનસપટ ઉપર સોશીયલ મિડીયામા અભિવ્યક્તિની આઝાદીની મોજ અને એના ભયસ્થાન ઉપર સ્વભાવિક રીતે જ ચિંતનની પ્રક્રિયા શરૂ થઇ જાય. આજનો યુગ ઝડપનો યુગ છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટે દુનિયા આખીના સીમાડા સાંકડા કરીને માનવીની આંગળીના ટેરવે વિશ્વ આખુ લાવી દીધું છે. આવશ્યક ચીજવસ્તુઓથી માંડીને તમામ વ્યવહારો હવે મોબાઈલ એપ અને ઇન્ટરનેટના માધ્યમથી થવા લાગ્યા છે. વિકસીત રાષ્ટ્રોમાં કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગને ઘણા વર્ષો થઈ ગયા. સ્વાભાવિક રીતે જ જ્યાં અનુભવ વધારે ત્યાં તેની સરળતા અને ફાયદા પણ વધારે, ઝડપ વધારે, કાર્યનુ પરિણામ સત્વરે મળે. પણ જ્યાં જન્મ ત્યાં મૃતુય, જ્યાં સવાર ત્યાં કાળી ડીબાંગ રાત્રી પણ હોય જ. ઝડપની સવલતની સાથે સાથે તેના ગેરફાયદા પણ વધારે ઝડપથી ફુલે ફાલે.
સોશિયલ મિડીયાના આવિષ્કારથી માનવીય સંવેદનાની અભિવ્યક્તિની અભિલાષાને અદ્ભૂત માર્ગ મળ્યો છે. માનવી એક સામાજિક પ્રાણી છે. સમાજ જીવન એ સંબંધોથી જ સોહામણું લાગે છે. આધુનિક વ્યવસ્ત જીવનમાં સોશિયલ મિડીયા આજના માનવી માટે અત્યંત આશીર્વાદરૂપ લાગે છે. અભિવ્યક્તિનું માધ્યમ ન મળે તો સમાજ જીવન મુરઝાવા લાગે. હૃદયની ઉર્મિઓને વહેવડાવવા માટે યોગ્ય માર્ગ જોઈએ. આને માટે સૌથી મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું સોશિયલ મિડીયાએ.
એફબી અને વોટ્સએપ સૌથી મોટા સામાજિક સંબંધો માટેના ક્ષેત્રો બની ગયા છે. આજ કાલ જેને પણ જોઈએ ઈન્ટરનેટના માધ્યમથી કંઈને કંઈ શેર કરવા માટે ઉતાવળો જોવા મળે છે. ફેસબુક હોય કે ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ હોય કે સ્પેનચેટ કે પછી વોટ્સએપ હોય, લોકો ફોટા અને પોતાના અનુભવોના ધોધને વહાવી રહ્યા છે. એકમેકના અભિવ્યક્તિના આ આધુનિક માધ્યમો માનવીય સંબંધોની સંવેદના વ્યક્ત કરવા માટેના સરસ મઝાના માધ્યમો છે. પરંતુ આ માધ્યમનો ઉપયોગ થાય એની સાથે સાથે એના કેટલાક ભયસ્થાનો સમજી લેવા પણ જરૂરી છે. એનાથી થતાં નુકસાન અંગે જાણકારી રાખવી આશીર્વાદ સમાન બની રહે છે. સાવચેત રહેવુ એ સલામતીની પ્રાથમિકતા છે. સવલતોના આનંદની સાથે તેની મર્યાદાને સમજવી જોઈએ.



ફેસબુક યુઝર્સ આજકાલ તેમની પોસ્ટમાં લોકેશન ટેગીંગ કરે છે. લોકેશન ટેગીંગની ફેશનના કારણે દેખાદેખીથી ફેસબુકમાં લોકેશન બતાવવામાં મિત્રો સ્ટેટસ સિંબોલ સમજે છે. થોડા સમય પહેલાં એક સમાચાર હતા કે, બાળકને શાળાએથી ઉઠાવી ખંડણી માંગવાના કિસ્સાના મુળમાં ફેસબુક ઉપર બાળકની માતાએ લોકેશન ટેગીંગ કરીને સ્ટેટસ અપડેટ કર્યું હતું અને એમાં લખ્યું હતું કે, તે લાડલાને સ્કૂલે મૂકવા જઈ રહી છે. આ પ્રકારની લોકેશન ટેગીંગની જાણકારી ક્યારેક દુષ્પરિણામ લાવી શકે છે. વિદેશમાં જઇએ છીએ ફલાણી તારીખ સુધી નહીં મળી શકીએ, હિમાલય ટ્રેકીંગમાં જઇ રહ્યો છું વગેરે વગેરે લોકેશન ટેગીંગ અને ઈન્ફર્મેશન ઘાતક બની જાય છે. બને ત્યાં સુધી લોકેશન ટેગીંગ ટાળવુ હિતાવહ છે.
ઘણા કિસ્સા એવા હોય છે કે, એફબી ઉપર પોતાના સિનીયર, વરિષ્ઠ આધિકારી કે અગ્રણી સાથેની તસવીરો કે પછી એમની સાથે થયેલી વાતચીતને શેર કરવામાં આવતી હોય છે. શક્ય છે જેના સંદર્ભમાં હોય તે સિનીયર સાહેબો આ પોસ્ટ વાંચે પણ ખરા. એમને આ સંદર્ભ ગમે અથવા ના પણ ગમે. આવા બિનજરૂરી ઇફ એન્ડ બટની અસમંજસભરી પરિસ્થિતિ ઉભી જ શા માટે કરવી ? એટલે બને ત્યાં સુધી આ પ્રકારના ઉલ્લેખો ટાળવા જોઈએ.
કોઈની ટીપ્પણી યોગ્ય ન લાગતા ક્યારેક ગુસ્સો આવે એ અત્યંત સ્વાભાવિક બાબત છે પરંતુ આવા તબક્કે આવેશમાં આવીને ટ્વીટર, વોટ્સએપ કે એફબી ઉપર અરૂચીકર ભાષામાં પ્રત્યુત્તર પાઠવી ઉશ્કેરાટ વ્યક્ત કરવામાં સાર નથી. આમ કરવાથી તમારા બીજા અનેક મિત્રો ઉપર તમારી અવળી છાપ અવશ્ય ઉભી  થશે. આમ કરવામાં કોઇ સાર નથી. ભૂતકાળમાં ઉશ્કેરાટમાં આવીને કોઇ ટીપ્પણી કરી હોય તો એવી જુની પોસ્ટ એકવાર ફરીથી જોઈને ગુસ્સા પ્રેરીત અભદ્ર ભાષા તરત રદ કરવી જોઈએ. એક અગત્યનો મુદ્દો એ પણ છે કે, જ્યારે પણ કોઈ માહિતી સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ ઉપર શેર કરવામાં આવે ત્યારે વિગતોની સચ્ચાઈ અને અચ્છાઈ બન્ને ચોકસાઇપૂર્વક ચકાસીને જ અપલોડ કરવી જોઈએ. ખોટી અને સંદીગ્ધ વિગતોથી આપની પોસ્ટ વાંચનારને નુકશાન પહોંચી શકે છે. ગેરમાર્ગે દોરાઈ શકે છે.
ઘણા મિત્રોને એવી આદત હોય છે કે, તેમના સગા સંબંધીઓના પ્રસંગની તસવીરો તથા યુવાકાળની મિત્રતાની તસવીરો સોશિયલ મિડીયા ઉપર મૂકતા હોય છે. આ બાબત ક્યારેક વર્તમાન સંબંધો ઉપર ગંભીર અસરો ઊભી કરી શકે છે. જન્મ તારીખ અને ફોન નંબર સોશિયલ મિડીયા પર ક્યારેક શેર ન કરવા જોઈએ. આનાથી સાઈબર હેકર્સને તમારી વિશે વિગતો પ્રાપ્ત કરવામાં અત્યંત આસાની થઈ જતી હોય છે.
સંબંધો અને અભિવ્યક્તિ જીવનને ખુશહાલ બનાવવાના બે ઉત્તમ પરિમાણો છે. સંબંધો વિકસાવવા અને વિસ્તારવા માટે સોશિયલ મિડીયા સૌથી મજબૂત માર્ગ છે. અભિવ્યક્તિ માટેનું સૌથી સરળ, હાથવગુ અને ઝડપી પ્લેટફોર્મ સોશિયલ મિડીયા છે. આ પ્લેટફોર્મનો સમજપૂર્વકનો ઉપયોગ ખુશહાલ બનાવે અને અણસમજમાં બેજવાબદારીપૂર્વકનો ઉપયોગ ખાનાખરાબી પણ સર્જી શકે છે.
માનવી ઘણી બધી બાબતોથી ઘડાય છે. એના ઘડતરમાં પ્રતિદિન પલટાતા પ્રવાહોના પાસા પડતા હોય છે. જે પરિવર્તનને સ્વીકારી શકતો નથી એ આગળ વધી શકતો નથી. ઈન્ટરનેટ, સોશિયલ મિડીયા, ડિજીટલ વર્લ્ડના પરિવર્તનને પામવું પડે. તેના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા આગળ વધવું પડે. કેટલીક નાની નાની બાબતોની કાળજી લઈને વર્તમાનના પ્રવાહમાં મોજથી તરવું પડે. નુકશાન થશે એવા ડર કરતાં ચોકસાઈ-કુનેહ રાખી મસ્તીથી આગળ વધવું પડે.
દરેકના જીવનમાં કોમળ ભાવનાઓ હૃદયમાં ક્યાંક કોઈક ખૂણે ધરબાયેલી પડી હોય. આ ભાવનાઓના પ્રવાહને વહેવા માટેનો અવસર અને પથ જોઈએ. સોશિયલ મિડીયા અભિવ્યક્તિનું મજબૂત માધ્યમ છે. સંસારની ક્રાંતિનું દ્યોતક છે. આ તાકાતવર માધ્યમનો ફાયદો ઉઠાવવો જ જોઇએ. એટલી જ માત્ર સાવચેતી રાખવાની જરૂર છે, જાણકારીના અભાવે એના દુષ્પરિણામોનો ભોગ ન બની જવાય. માણસમાં સમજણ વધતી જાય એમ મેચ્યોરિટી આવે બસ આ જ ફિલોસોફીથી સોશિયલ મિડીયા દ્વારા અભિવ્યક્તિની પધ્ધતિ અને શૈલીમાં પરિપક્વતા આવે.
ધબકાર :
એક વિશાળ મગજના અસંખ્ય જ્ઞાનતંતુઓજેમ એકબીજા સાથે જોડાયેલા છે એ પ્રમાણે આપણે બધા આજે ઈન્ટરનેટ સાથે સંકળાયેલા છીએ.
સ્ટિફન હોકિંગ.





લોકહૈયાનો ધબકાર ‘કાગવાણી’

લોકહૈયાનો ધબકાર ‘કાગવાણી’
-પુલક ત્રિવેદી

લોકસાહિત્ય એ સંસ્કૃતિનો પ્રાણ છે. એક ઓરડાના ખૂણામાં ખુરશી ઉપર કે ખાટ ઉપર બેસીને એકલા એકલા વાંચવા માટે લોકસાહિત્ય નથી. લોકસાહિત્ય તો ગવાતું હોય. ઝરણાં અને નદીઓની માફક સતત-અવિરત લોકો વચ્ચે ખળખળ વહેતું હોય. લોકોને ઘડતું હોય. પ્રશિક્ષિત કરતું હોય. સાહિત્યના સ્વરૂપો અને રંગ-ઉમંગ જુદા જુદા હોય છે. પ્રસંગ, પદ્ધતિ, વાદ્ય અને સમુદાય અનુસાર લોકસાહિત્ય ચોક્કસ રીતે પ્રસ્તુત થતાં હોય છે. માનવીના જીવનમાં ભિન્ન ભિન્ન સ્વરૂપોની સાથે સાહિત્ય જોડાયેલું છે. માનવ જીવનના ભિન્ન ભિન્ન સ્વરૂપોની સાથે જ એ પાંગરતું હોય છે. ખરું પૂછો તો જીવનનો અંશ જ લોકસાહિત્ય છે. લોકગીતોનો જ દાખલો લઈએ તો, બહેનો માટેના લોકગીતો છે, તો પત્ની માટેના નોખા લોકગીતો છે. ભાઈઓ માટેના જુદા લોકગીતો તો પુરુષો માટેના અલગ લોકગીતો, લગ્નના લોકગીતો, ખેડૂતોના લોકગીતોમાં પણ અનેક પ્રસંગોને અનુરૂપ બળદ સાથે કોશ હાંકતાં, ખેતર ખેડતાં, લણણી કરતાં, બીજ વાવતાં નોખાં નોખાં લોકગીતોના પ્રકાર છે. નવરાત્રિના ગરબાના લોકગીતો કે હોળી પર્વના લોકગીતો પણ અલગ છે. લોકગીતો જ એક એવો વિષય છે કે જેની ઉપર એક આખા પુસ્તકનુ  સર્જન થઇ શકે.

ગુજરાતી લોકસાહિત્યનું અભિન્ન અંગ એટલે ચારણી સાહિત્ય. ચારણી સાહિત્યનું ગુજરાતી લોકસાહિત્યમાં બહું મોટું પ્રદાન છે. ગત સપ્તાહમાં ચારણી સાહિત્યના ભિષ્મપીતામહ કાગ બાપુની પુણ્યતિથી ગઈ. ફેબ્રુઆરી ૨૨, ૧૯૭૭માં દુલા ભાયા કાગે અનંતની યાત્રા આરંભી. કાગબાપુની વાત આવે એટલે સહુથી પહેલા ‘આવકારો મીઠો...’ યાદ આવ્યા વગર ન રહે. આ લોકગીતમાં માનવીય સંબંધોના તંતુને ગાઢ-પ્રગાઢ કરવાની ચાવી ખૂબ સરળ અને તરલ રીતે કાગબાપુએ વણી લીધી છે. જેટલી વાર વાંચો કે સાંભળો કે ગાવ ‘આવકારો...’ એમા એક અલગ જ માનવીય સંવેદનાનો અનુભવ થયા વગર ન રહે.



તારે આંગણીએ કોઈ આશ કરીને આવે રે- આવકારો મીઠો આપજે રે...
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે,
તારા દિવસની પાસે દુખીયા આવે રે – આવકારો...
કેમ તમે આવ્યા છો ? એમ નવ કહેજે રે
એને ધીરે ધીરે તું, બોલવા દે જે રે  - આવકારો...
વાતું એની સાંભળીને, આડું નવ જોજે રે
એને માથું એ હલાવી, હોંકારો દે જે રે – આવકારો...
‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે – આવકારો મીઠો
માત્ર પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ. પરંતુ માનવીય સંવેદનાઓ અને જીવનના ગુઢાર્થના તત્વને સમજીને પ્રસ્તુત કરવામાં કાગબાપુની અદભુત શૈલી રહી છે. પ્રાથમિક શિક્ષણથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધી કાગબાપુની વાણી અને લોકગીતો ઉપર અભ્યાસ થયો છે અને હજુ આજે પણ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના મહુવા તાલુકાના મઝાધર(કાગધામ)માં નવેમ્બર ૨૫, ૧૯૦૨ના રોજ કાગબાપુનો જન્મ થયો. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જીવનનાં ગુઢાર્થને લોકગીતોના માધ્યમથી લોકો વચ્ચે કાગબાપુએ ગુંજતું કર્યું છે. વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં તેમની જમીન દાનમાં આપી. લોકોનું ઘડતર કરતી આઠ વોલ્યુમમાં પથરાયેલી ‘કાગવાણી’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. રામાયણ, મહાભારત અને ગાંધીયન ફિલોસોફીની છાંટ કાગબાપુના દુહાઓમાં આવતી હોય છે. 

ભારત સરકારે ગુજરાતના અદના અને લોકપ્રિય લોક કવિ દુલાભાયા કાગને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા છે. કવિ કાગ ૨૦મી સદીના સૌરાષ્ટ્રની એક અદભુત વિરલ વિભૂતિ સ્વરૂપે અવતર્યા. ચારણી વાણી જેમને વારસામાં મળી તેને અધુનિક યુગને અનુરૂપ સુયોગ્ય વિનિયોગ સાધીને કાગબાપુએ નાની પણ મજબુત ક્રાંતિ સર્જી. માનવીય જીવનની એવી કોઈપણ સંવેદનશીલ બાબત નહીં હોય કે જેના વિશે કાગબાપુએ તેમના શબ્દોની સરવાણી વહાવી ન હોય. કાગબાપુના કાવ્યો, ગીતો, વાતોમાં આવતાં માનવીય વિવિધ સંવેદનાના ભાવ, લાગણી અને પીડા લોકોને પોતાની જ વાત હોય એમ લાગતું. કદાચ એટલે જ કાગબાપુ માનીતા લોકકવિ - લોકગાયક બની લોકોના લોકોના હદયમાં ઉતરી ગયા. કવિ દુલાભાયા કાગ ગુજરાતના ગૌરવ છે. એમની વાણી આજે પણ ગામેગામ ગવાય છે. એમણે રચેલા સાહિત્ય ઉપરથી ઘણાં બૃહદ સંશોધનો થયા, લેખો લખાયા અને પુસ્તકો રચાયા.

સૌરાષ્ટ્રની ધરતીના છોરું કવિ શ્રી દુલાભાયા કાગે સાહિત્ય, ગીત, સંગીત દ્વારા માત્ર સંસ્કૃતિનું સંવર્ધન જ નથી કર્યું પણ ક્રાંતિકારી વિચારો દ્વારા તેમણે સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવા માટે પણ અદભુત કામ કર્યું છે. ભગવાને આપેલા એમને મજાના કંઠનો કવિશ્રી કાગે ભરપુર ઉપયોગ કર્યો અને સમાજ જીવનમાં ઊર્ધ્વગામી પરિવર્તન લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા કવિશ્રી કાગ લોકહૈયાના ધબકારને પીછાણતાં હતાં, એને ગાતાં હતાં. અને એટલે જ એમની રચનાઓ આટલી ઊંચી સ્વીકૃતિ પામી શકી. લોકહૈયે સદાકાળ ઝીલાતી રહી છે ‘કાગવાણી’. રવિશંકર મહારાજે કાગબાપુ વિશે લખ્યું છે કે, એમના જેવા કવિઓ બનાવી શકાતા નથી એ તો કુદરતની બક્ષીસ સ્વરૂપે જન્મતા હોય છે. કંઠ, કવિતા અને કહેણીના મૂલ્યનિષ્ઠ લોકકવિ અને ભક્તકવિ પદ્મશ્રી દુલાભાયા કાગની પુણ્યતિથિએ એમણે રચેલા કેટલાક દુહાઓ મમળાવવાની મોજ આવશે.
એ છે અંજવાળું, પાળીને નોતરવું પડે;
આવે અંધારું કિધા વિણનું કાગડાં
(તળપદી ભાષામાં કાગબાપુ કહે છે કે, પ્રકાશને આવકાર છે, અંધકારને જાકારો આપવો જોઈએ. ઉત્તમ ગુણો મહેનત સિવાય ન મળે. મન મસ્તિષ્કનાબંધ મકાનમાં પ્રકાશ પ્રવેશી ન શકે.)
વીરો સાચો હોય, એને ફોકટ ફેરવીએ નહીં
કામે લાગે કોઈ કસટ વખતે કાગડા
(સાચો કિંમતી હીરો બે-પાંચ પૈસાના કામમાં ગીરો મૂકીને વેડફાય નહીં, કપરા સમયમાં એની મોટી કિંમત મળે છે.)
સાદાઈ ને ચતુરાઈ, મીઠપ ને મોટપ બધી
વેલી લિયે વિદાય, જ્યારે કુમત આવે કાગડા
(જ્યારે કુબુદ્ધિ સુજે ત્યારે સાદાઈ, ચતુરાઈ, મીઠાશ અને મોટપ જતી રહે છે.)
છંદા ગીતાં ને સોરઠાં, સોરઠ સરવાણી,
(એટલાં) રોયાં રાતે આંસુએ, (આજ) મરતાં મેઘાણી
(ખવેરચંદ મેઘાણીના અવસાન વેળા કાગ બાપુએ હદયનાં ઉંડાણથી આ દુહો ગાયો. ચારણી છંદો, ગીતો, સોરઠી ભાષા અને સોરઠ એ ચારેય ઝવેરચંદ મેઘાણીના જવાથી લોહીના આંસુએ રડ્યા છે.)
તનડા તુંટે તોય પ્રિતું પાલકશે નહીં,
જળમાં ખીલાન જોય, કાટ ન બોળે કાગડા
(જળની થાપટે લાકડાનાં પાટીયાનાં ટુકડે ટુકડા થઈ જાય, કાંઠે પહોંચવુ પણ કઠીન થાય તેમ હોય છતાંય લાકડામાં ઠોકેલી ખીલીને લાકડું પાણીમાં છોડી દેતું નથી.)
લોકસાહિત્યના વિવિધ પ્રકારો ઉપર માનવીએ સંવેદનાને અદભુત રીતે ઝીલનાર કવિ દુલાભાયા કાગે લોક જીવનને ચારણી સાહિત્યમાં જીવતું અને ધબકતું કરી દીધું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ‘કલમ અને કિતાબ’માં લોકસાહિત્ય માટે જે વાત કરી છે એ અહીં અક્ષરશઃ મૂકવાની ઇચ્છા છે. “ આપણો લોકસમૂહ પામર નથી (ક્ષુદ્ર નથી). એ તો આપણી જુગ જુગ ઘુંટેલી સંતવાણી, લોકવાણીના સમૃદ્ધિ ભંડારની વારસદાર જનતા છે. એનો સંસ્કાર અત્યારે સુશુપ્ત છતાં જીવતો છે. વિરાટ લોકસમૂહને લાગણીઓના સક્ષમતાથી વિહોણો ગણી ઉવેખો ના. આપણી વિમુખતોનો ચોર – કોટવાળ વાળો દંડ એમના પર ન નખો, છાપખાનાની વાંસથી બનેલી સગવડોએ લેખકોને વિભ્રમમાં નાખ્યા છે. એમને એકાદ –બે પુસ્તકોને અંતે ફેંકી દેનાર વાચકોની આલમ બેવકૂફ નથી હોતી. વાચકો જ્વલંત નામોથી નથી ઠગાતાં, લેખકોની કૃતિઓનું બોધિપણું વાચકની બુદ્ધિ બરાબર તોળી લે છે. પ્રકાશનોની તો અટવી ઉગી નીકળી છે. પુસ્તકોની ખરીદીમાં અનેક કુટુંબો કોઈ ચોક્કસ દોરવણી વગર આંધળુકીયા કરે છે. દળદાર પુસ્તકો અને મોટી કિંમત આ બે વાતોની લત ગ્રાહકોને લગાડી છે. તે પણ આપણે અને રમકડાં જેવી નાની ચોપડીઓનો નાદ પણ આપણે જ લગાડી શકીએ. વાચકોનો આવો રસ પલતો એ લેખકોને પ્રકાશનો ઉભયનો પ્રશ્ન છે. ” રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કહેલી આ વાતમાં દુલાભાયા કાગની જીવનની એક એક ક્ષણ ઉજાગર થતી હોય એમ લાગે છે. જો કે, મેઘાણીએ આ વાત કાગબાપુના સંદર્ભમાં કરી છે એમ કહેવાનું તાત્પર્ય નથી. અહીં માત્ર મેઘાણીજીની આ વિચારધારાને કાગબાપુના જીવન અને કવન સાથે બંધબેસતી હોઈ પ્રસ્તુત કરવાની ઇચ્છા રોકી ન શકાઇ. દુલાભાયા કાગ એટલે લોકો વચ્ચે રહીને લોકોનું ઘડતર કરનારા અને લોક જીવનની નક્કર વાસ્તવિકતા સમજાવી નવતર કેડી કંડારનારા સંત. શબ્દ અને સંગીતે મઢી ભક્તિસભર ‘કાગવાણી’ સદાકાળ ચિરંજીવ રહેશે. સાહિત્ય અને શિક્ષણની જે સૃષ્ટિ કાગબાપુએ ઊભી કરી છે તે આવનારા યુગો સુધી નિઃસંદેહપણે અવિસ્મરણીય બની રહેશે.

ધબકાર :
‘કાગ’ આપણી શ્રધ્ધા જગતમાં શુકનથી લઇને શ્રાધ્ધ સુધીનું પ્રતીક છે. ભગતબાપુનુ જીવન અને કવન પણ ખુબજ આદરણીય અને શ્રધ્ધેય રહ્યું. – મોરારી બાપુ