પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 24 May 2021

તબાહી મચાવતા ચક્રવાતના તે વળી નામ હોતા હશે ?

 


’હવા કે સાથ ઉડ ગયા,

ઘર ઇસ પરિંદે કા,

કૈસે બના થા ઘોસલા,

વો તુફાન ક્યા જાને..’


હદય સોંસરવી ઉતરી જાય એવી આ અજ્ઞાત કવિની બે પંક્તિ છેલ્લા સપ્તાહથી કેમેય કરીને મનમાંથી આઘી ખસતી જ નથી. વર્ષ ૨૦૨૧નો આગાઝ ભારે અટપટો અને હચમચાવી મૂકે એવી બે ઘટનાઓથી થયો. કોરોના દૈત્યના એક પંજામાંથી માંડ છૂટયા ત્યાં બીજી લહેરનો પંજો એની ગીરફતમાં લેવા મથામણ કરવા લાગ્યો. એમાંથી મહામહેનતે મુક્ત થવા મથતાં હતાં ત્યાં તો ચક્રવાતે લગભગ આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું. મે તા. ૧૭, ૨૦૨૧, સોમવારની એ ગોજારી સાંજ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. ૧૮૦ થી ૧૯૦ કિમિ.ની ઝડપે વાવાઝોડુ ગુજરાતના પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કાંઠે એવી બરહેમીથી ત્રાટક્યું  કે, ચારે બાજુ સર્વવિનાશ સર્જાઈ ગયો. ચક્રવાત એટલે કુંડાળામાં જોરદાર તાકાતથી ફરતી હવાની ભમરી. મહારાષ્ટ્ર થઈને ગુજરાત ઉપર ત્રાટકેલી આ ત્રાસદીનુ નામ ‘TAUKTAE’ ‘તૌક-તે’ છે. કેટલાક લોકો એના સ્પેલિંગમાં આવતાં ‘કે’ આલ્ફાબેટને સાયલન્ટ રાખીને ‘તૌ-તે’ એવું કહે છે. તો વળી કેટલાક ‘તોઉ-તે’ કે ‘તાઉ-તે’ ઉચ્ચાર કરે છે, તો વળી કેટલાક ‘તૌઉ-તે’ એમ પણ કહે છે.



ગુજરાત પર ત્રાટકેલા આ ચક્રવાતની ફોઈ એટલે કે નામ આપનાર દેશ  મ્યાનમાર છે. મ્યાનમારમાં ‘તૌક-તે’ શબ્દનો અર્થ વિચિત્ર પ્રકારનો ઘેરો અવાજ કરતી ગરોળી એમ થાય છે. આ પહેલાં જૂન-૧૩ ૨૦૧૯માં આવેલા ચક્રવાતનું નામ ભારતે ‘વાયુ’ આપેલુ. ‘વાયુ’ શબ્દનો અર્થ સંસ્કૃત અને હિન્દિમાં પવન થાય. નવેમ્બર-૨૦૧૩માં આવેલા વાવાઝોડાને  બાંગ્લાદેશે ‘ઓખી’ નામ આપ્યું હતું ‘ઓખી’નો અર્થ આંખ થાય. બાંગ્લાદેશે ‘ફની’ નામ પણ આપ્યું હતું. ફની એટલે સાપનું દર. એક પ્રશ્ન સહજ રીતે એ થાય કે, ચક્રવાતના તે વળી નામ શા માટે આપવામાં આવતા હશે ? તે પણ અલગ અલગ દેશ દ્વારા આ નામ કેમ આપવામાં આવે છે. અને વળી આખી દુનિયા એ નામને કેમ સ્વીકારે પણ છે ?


ચક્રવાતનું નામ આપવાનું એટલા માટે મુનાસિબ માનવામાં આવ્યું કે, સંખ્યાઓ અથવા ટેકનિકલ ટર્મિનોલોજીથી વાવાઝોડાને યાદ રાખવું કે તેની વિશેની સમજ મેળવવી થોડી અટપટી વાત બની જતી હતી. વાવાઝોડાના નામ આપવાને કારણે મીડિયા વર્લ્ડ, વૈજ્ઞાનિકો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોને ચક્રવાતને સમજવા, તેના વિશે જાણ કરવા, ચેતવણીઓ આપવા અને લોકોની સજ્જતા વધારવા માટે ચક્રવાતનુ નામ આપવાની પધ્ધતિ ખૂબ ઉપયોગી બની જતી હોય છે. ચક્રવાતનું નામ આપવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં  સૌ  પ્રથમ કોઈપણ ચક્રવાતનું  નામ રાજકીય વ્યક્તિઓ, રાજકારણ, ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિઓ, જાતિ કે લિંગને હાનીકર્તા ન હોય અને તટસ્થ હોય તે ધ્યાનમાં રખાતુ હોય છે. વળી જગતમાં કોઈપણ જૂથની ભાવનાઓને આ નામથી કોઈ નુકસાન ન થાય એનુ ધ્યાન રાખવામાં આવતુ હોય છે. એ શબ્દનો અર્થ પ્રકૃતિમાં અણછાજતો અને અસંસ્કારી કે ક્રૂરતા દર્શાવતો ન હોય એનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે. સાથે સાથે એનું મહત્તમ આંઠ અક્ષરોમાં ટૂંકું નામ કે જે ઉચ્ચાર કરવામાં સરળ પડે એવુ રાખવામાં આવે છે. વળી, કોઈપણ ચક્રવાતનું નામ કોઈને પણ અપમાનિત કરે તે પ્રકારનું ન હોય એની પણ કાળજી લેવામાં આવે છે. ઉત્તર હિન્દ મહાસાગરમાં આવેલા વાવાઝોડાના નામ એકવાર સુનિશ્ચિત થઈ ગયા પછી તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવતો નથી.  આમ કેટલીક પાયાની બાબતો ચક્રવાતના નામકરણવિધિ સાથે સંકળાયેલી છે.


રિઝીયોનલ સ્પેશ્યલાઈઝ મિટીરીયોલોજીકલ સેન્ટર(આરએસએમસી) અને ટ્રોપિકલ સાઈકલોન વોર્નિગ સેન્ટર (ટીસીડબલ્યુસી) વિશ્વના કોઈપણ મહાસાગર વિસ્તારમાં ઊભા થયેલાં ચક્રવાતને સંયુક્ત રીતે નામ આપવાનુ કામ કરે છે. વિશ્વમાં કુલ ૬ આરએસએમસી છે. જેમાંનું એક ઇન્ડિયન મિટીરીયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે. વર્લ્ડ મિટીરીયોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ) અને યુનાઈટેડ નેશન ઈકોનોમિક્સ એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફીક વર્ષ ૨૦૦૦થી વિશ્વમાં આવતા ચક્રવાતના નામો સુનિશ્ચિત કરે છે. વર્ષ ૨૦૦૦માં ડબલ્યુએમઓ અને ઈએસએફએપીમાં વિશ્વના આંઠ દેશોની કમિટિ ચક્રવાતના નામ નક્કી કરતી હતી. જેમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ દેશો હતા. ત્યારબાદ ૨૦૧૮માં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને યમન નવા પાંચ દેશોનો ઉમેરો થતાં હવે કુલ ૧૩ દેશો ચક્રવાતના નામ આપવા માટેની કમિટિમાં સામેલ છે.  એપ્રિલ ૨૦૨૦માં આ ૧૩ રાષ્ટ્રોએ ૧૩-૧૩ નામો આપીને કુલ ૨૬૯ ચક્રવાતોના નામોની સૂચિ બહાર પાડી.


જુદા જુદા પ્રદેશમાં ચક્રવાતને જે નામે ઓળખાય છે એ પણ એક સમજવા જેવી વાત છે. ચાઈના સી વિસ્તારમાં ‘ટાઈફુન્સ’, હિન્દ મહાસાગરમાં ઉષ્ણ કટિબંધિય ‘ચક્રવાત’ (ટ્રોપિકલ સાયક્લોન), કેરેબિયન સીમાં ‘હરિકેન્સ’, યુએસએમાં ‘ટોર્નેડો’, નોર્ધન ઓસ્ટ્રેલિયામાં વીલી વીલીઝ, ફિલિપિન્સમાં ‘બાગ્યો’, જાપાનમાં ‘તાઈફુ’ કહે છે. બહુ શરૂઆતના તબક્કે વાવાઝોડાના નામો મનસ્વી રીતે નક્કી થતાં હતાં. જેમ કે, એટલેન્ટીકમાં વાવાઝોડુ આવ્યું ત્યારે  એન્ટજે નામની બોટને તેણે તહસનહસ કરી નાખી એટલે એ વાવાઝોડાનું નામ ‘એન્ટજે’ નક્કી થયું પણ તે પછી કાળક્રમે ૧૯મી સદીમાં તોફાનો માટે મહિલાઓના નામ આપવાની પ્રથા સુનિશ્ચિત થઈ. આપણે જાણીએ છીએ કે, ‘રીટા,  કેટરીના’  વગેરે જેવા વાવાઝોડાના મઝાના નામે ઘણું વાંચવા અને જોવા મળ્યું છે. ત્યાર પછી ૧૯મી સદીના અંતિમ  પડાવમાં દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાતના પુરુષપ્રધાન નામ આપવાનું પણ ચલણ શરૂ થયું.


નામ એક ઓળખ  પ્રસ્થાપિત કરે છે. વાવાઝોડુ હંમેશાં દર્દનાક અને તબાહી સર્જનારું હોય, પરંતુ એનું નામ આપવાથી એના વિશે આગોતરી તૈયારી માટે એક ચોક્કસ સરળતા ઊભી થઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર ચક્રવાતના નામ આપવાથી તેની વિશે વિગતો જનતા સુધી પહોંચાડવી વધુ સુગમ અને આસાન બની જતી હોય છે. પેલી સેક્સપિયરવાળી વાત પ્રમાણે વિચારીએ તો, ‘નામમાં શું રાખ્યું છે ?’ ચક્રવાતનું નામ ગમે તે હોય એની તબાહી, દર્દનાક ચિત્કાર અને ખાનાખરાબી તો ભયાનક જ રહેશે ને ! પણ ચક્રવાતના સંદર્ભમાં નામ ખરેખર જરૂરી છે. એની ઉપર ભવિષ્યમાં સંશોધનોનો મોટો આધાર રહે છે.  એના આધારે જ ભવિષ્યમાં સલામતિ માટેના નવા પગલાંની ગાઈડલાઈન નક્કી થતી હોય છે.

 

ધબકાર : ભુલ લિમડાના નામમાં ક્યાં છે ? અકડાઇ તો જીભની છે, એણે ગળપણ નામે ગામ સાથે દોસ્તી કરી છે.





દોસ્તો સાથે લારી ઉપર બેસી ચાની ચુસકીનો આનંદ છીનવવાનુ મહાપાપ કોરોના વાયરસે કર્યું છે...

 


મિલો કભી ચાય પર ફિર કિસ્સે બુનેંગે

તુમ ખામોશી સે કહના, હમ ચુપ કે સે સુનેંગે

અસલ જિંદગી તો વહી જીતે હૈ

જો ચાય બડે ચાવ સે પીતે હૈ...


ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ હોય કે ગલીના નુક્કડ  પાસેની ચાની લારી હોય, મિત્રો સાથે બેસી ચાના કપમાંથી ઘુંટડે ઘુંટડે થતી અલક મલકની વાતોમાંથી એક નવુ જ આકાશ ખુલતું હોય છે. આ કોરોના કાળમાં ઘરે બેઠેલાઓને પુછી જોજો ચાની લારી ઉપર દોસ્તોની કંપની કેટલી મીસ કરી ? તો એક જ જવાબ મળશે કે કોરોના વાયરસે મિત્રો સાથે બેસી ચા પીવાની મોજ છીનવવાનુ મહાપાપ કર્યું છે. ઇશ્વર આ ઘાતકી ગુના માટે એને ભયંકર સજા આપશે અને પૃથ્વી ઉપરથી એને નેસ્ત નાબુદ કરી નાખશે. ક્યાંક ‘કટીંગ’ તો ક્યાંક ‘કપ ઓફ ટી’ કહેવાય પણ ચાનો મિજાજ હંમેશાં સપ્તરંગી જ રહે. દોસ્તોની નિકટતાનુ મજબુત કારણ બનતી હોય છે ચાની એક પ્યાલી.

ચાના કેટ કેટલા સ્વાદ અને વિવિધ રૂપ રંગ. એપલ, ચોકલેટ, લેમન, મસાલા, અદરક, ઈલાયચી વગેરે સ્વાદ અનેક પણ મુળતત્વ એક. બ્લેક, એલ્વો અને ગ્રીન ટીની પણ અલગ માંગ રહે. એમાય દૂધ, પાણી, ખાંડ, ચા પત્તી અને આદુને મસ્ત ઉકાળીને બનાવાતી રગડા જેવી ગુજરાતી ચા એટલે સેધે સીધુ સ્વર્ગનુ સરનામુ. ખાલી ખાલી ભેગા થઈને વાત કરવામાં કોઈ દમ નથી. ચાની પ્યાલી વગર દમદાર વાત પણ ખોખલી લાગે અને ચાની ચુસકી સાથે ફાલતુ વાત પણ દમદાર અને જાનદાર બની જાય. જગતમાં ચાના ઘૂંટડા સાથે ગળા નીચે કેટલાય રાઝ પણ પેટમાં ઉતારી દેવતા હશે. તો વળી એક સીપ ચાની સાથે કેટ કેટલી યાદોનો વરસાદ પણ તૂટી પડતો હશે. ચા પીતા હંમેશાં ઉચા ઉચા ખ્યાલ જ આવે એવું પણ નથી એમનેએમ કશા જ કારણ વગર પણ ચા એટલે બસ ચા. કોઇ પણ સમયે એની મોજ અલગ, એનો અંદાજ અલગ.



અમિતાભ બચ્ચન બોલીવુડ કલાકારથી પણ વધુ લેખક, ચિંતક, વકતા અને વિચારક છે. સર્જક પિતા હરિવંશરાય બચ્ચન પાસેથી એમને સર્જનાત્મકતા વારસામાં મળી છે. એમણે થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ ઉપર ચા પ્રત્યે એમના અપ્રતિમ સ્નેહને કવિતામાં કંઇક આવી રીતે પ્રસ્તુત કરતાં લખ્યું કે,

થોડા પાની રંજ કા ઉબાલીયે

ખૂબ સારા દૂધ ખુશિયોં કા

થોડી પત્તીયાં ખ્યાલો કી

થોડે ગમ કો કૂટકર બારીક

હસી કી ચીની મિલા દીજીયે

ઉબલને દીજીયે ખ્વાબો કો

કુછ દેર તક...

યહ જિંદગી કી ચાય હૈ જનાબ

ઈસે તસલ્લી કે કપ મેં છાનકર

ઘૂંટ ઘૂંટકર મજા લીજીયે...

અમિતાભની જીંદગીની ચા ઉપરની આ મજેદાર કવિતાને પાંચ લાખથી વધુ લોકોએ પસંદ કરી છે અને એની ઉપર રિએકશન આપ્યા છે.

સવાલ એ છે કે, તબિયત ખૂશ કરી દેતી, તાજગી ભરી દેતી ચાની ચુસકી આવી ક્યાંથી ? ઈતિહાસના પાને ચાનુ સ્થાન ક્યા અને કેવી રીતે છે ? ચાની શોધ કંઈ વૈજ્ઞાનિકોએ કરી નથી. ઇતિહાસ કહે છે કે, ચા પાંચ હજાર વર્ષો પહેલાં ચીનમાંથી આવી છે. ચીનમાં એક સમ્રાટ શેન નુગ્નનું રાજ્ય હતું. રાજા શેન તેના આરોગ્ય માટે ખૂબ જાગૃત હતો. હંમેશા સવારે મોર્નિંગ વોક બાદ તેના શાહી બગીચામાં બેસી ગરમ પાણી પીવાનો રાજાનો દૈનિક ક્રમ.

એક દિવસની વાત છે. રાજા શેન સવારે લટાર મારી તેમના નિત્યક્રમ મુજબ બગીચામાં ગરમ પાણી પીવા બેઠા. ત્યારે સેવકે ટેબલ ઉપર મુકેલા ગરમ પાણીના ગ્લાસમાં આસપાસના પ્લાન્ટમાંથી પત્તા ઉડીને પડ્યા. આ પત્તાથી રાજાના પીવાના ગરમ પાણીનો રંગ બદલાયો અને તેમાંથી અલગ સોડમ પણ આવવા લાગી. રાજા શેન આ પાણી પીવા આકર્ષાયા. દિવાને રાજાને આ પાણી પીતા રોક્યા કારણ કે, ઉડીની આવેલા પાંદડા ઝેરી પણ હોઈ શકે. પરંતુ રાજા ન માન્યા અને પાણી પીધું. આ પાણી પીવાથી રાજાએ તાજગી અનુભવી. એમણે તેમના રસોઈયાઓને બોલાવી આ પાંદડાની ચકાસણી કરાવી. ઉડીને અવેલા ચાના પંદડા ગુણકારી અને ઉપયોગી હોવનુ મલુમ પડ્યુ. રાજાએ સુચના આપી કે, હવે રોજ આ જ પાંદડાવાળું ગરમ પાણી આપવામાં આવે. પછી તો દરબારીઓને પણ આવું પાણી પીવાનું પસંદ પડવા લાગ્યું.

ધીમે ધીમે આખા ચીનમાં આ પીણું પ્રચલિત બની ગયું. ચીનમાં મહેમાનોનું સ્વાગત આ ચાની પત્તીના પીણાથી થવા લાગ્યું. ટ્રેડ સિક્રેટ ફોર્મ્યુલા પ્રમાણે રાજાએ લોકોને ફરમાન કર્યું કે પીણાની રેસીપી બીજા કોઇને ન આપવી. બસ આ જ કારણે ચાની શોધ પછી હજારો વર્ષો ચીનની લાંબી અને મજબુત દિવાલ પાછળ તે છુપાયેલી રહી.  બૌદ્ધ ભિક્ષુકોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં ત્યાં ચા બનાવીને સ્વયં પીધી અને લોકોને પણ પીવડાવી. કહેવાય છે કે, ભગવાન મહાવીરે આસામના જંગલોમાં ચાની પત્તીઓને શોધી કાઢી. આસામના જંગલોમાં સાત વર્ષ ધ્યાનના સમયે મહાવીર ચાના પાંદડાને ચાવીને જીવીત રહ્યા હતા. ચાની પત્તીઓથી મહાવીરને ઉંઘ નહોતી આવતી અને ભોજન વગર સરસ ધ્યાન કરી શકતા હતા.

ઇંગ્લેન્ડના લોકો ચા માટે જાપાન ઉપર અવલંબીત હતા. જાપાન ચીનથી ચા પત્તી ઇંગ્લેન્ડ પહોંચાડતું. એવામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતના આસામમાં ચાની ભાળ મળી. વર્ષ ૧૮૩૪માં ગવર્નર લોર્ડ વિલિયમ બૈટિકે બ્રિટન સરકારને આ વિશે અહેવાલ આપ્યો અને પછી આસામ, દાર્જીલીંગ અને દક્ષિણ ભારતમાં ચાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું. ભારતની ચાનું માર્કેટિંગ અંગ્રેજી ગોરાઓએ ખૂબ કર્યું. આજે જગતમાં સૌથી વધુ ચા ઉત્પાદન કરવામાં અને પીવામા ચીન પછી ભારત બીજા ક્રમે છે.

વેદાંત અને ભારતીય આધ્યાત્મિક સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ મૂકી ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરનારા સ્વામી વિવેકાનંદજી ચા પીવાના બડા શોખીન હતા. બંગાળી ચિંતક અને લેખક શંકરે વર્ષ ૨૦૦૩માં સ્વામી વિવેકાનંદજીના જીવનના વિવિધ પાસાને તેમના પુસ્તક ‘અચેના અજાના વિવેકાનંદ’માં સ્વામીજીનો ચાનો શોખ વર્ણવ્યો છે. શંકરના આ પુસ્તકમાં સ્વામીજી ચાના રસિક હોવાની વાતનો ઉલ્લેખ છે. શંકરે વિવેકાનંદજીના જીવનના વિવિધ પ્રસંગોને ૨૦૦ જેટલા પુસ્તકોમાં વિગતવાર નિખાર આપ્યો છે.

બે મિત્રોની યારીને પ્રગાઢ બનાવે ચા, પ્રેમીઓના પ્રેમને નિખાર આપે ચા, અધિકારીઓની બેઠકોમાં ચોંટદાર નિર્ણયોની સાક્ષી બને ચા, થાકેલાને તાજગી આપે ચા, ઉંઘ ઉડાડી જાગતા-ભાગતા કરે ચા. એક એવું નિર્દોષ અને નિખાલસ પીણું છે ચા કે જેના પ્રત્યેક ઘૂંટડે દોસ્તીનો દમ વધે છે. દોડતા સમયની ઉપર લગામ કસીને બાજુમા પ્રેમથી બેસાડી દેવાની શક્તિ છે ચાની એક પ્યાલીમાં. કોરોનાએ ખુબ નુકસાન કર્યું છે. એમાં પણ દોસ્તો સાથે મળી લારી ઉપર બેસી ચાના કપમાંથી ઘૂંટડે ઘૂંટડે મળતો લાખો રૂપિયાનો સંતોષ ઝૂંટવી લેવાનું સૌથી મોટું દુષ્કૃત્ય કોરોના વાયરસે કર્યું છે.


ધબકાર :

‘તારીફ બયાં કર રહે થે લોગ અપને અપને પસંદીદા જામ કી, ખામોશી બસર હો ગઈ મહેફિલ મેં જબ મિસાલ દી હમને ચાય કી...’ – અજ્ઞાત



Wednesday, 12 May 2021

દાદ બાપુ સદીઓ સુધી ગુજરાતીઓના હૃદયમાં રાજ કરતાં રહેશે

 


એકાદ સપ્તાહ પહેલાં આવેલા સમાચાર પર નજર પડતા વેંત હૃદય એક ધબકારો ચૂકી ગયું. પદ્મશ્રી કવિ દાદ બાપુ આપણી વચ્ચે હવે નથી રહ્યાં. ગુજરાતનાં લોક કલાકારોનાં કંઠે જેમના શબ્દો સતત રેલાતાં રહે છે, જેમની કલ્પનાઓ અને અનુભૂતિઓ ગુજરાતના ગામેગામ ડાયરાઓમાં ઝીલાતી હોય છે, ડાયરાઓમાં જેણે વર્ષો સુધી ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિને જન માનસ ઉપર અંકિત કરી છે એવા દાદ બાપુની વિદાયે સમસ્ત ગુજરાતને આંસુ સારતું કરી દીધું છે.


ગઢ ગીરનાર જેની શોભા છે એવા શહેર જૂનાગઢે ચાર અણમોલ રતન આપ્યાં. દિવાળીબહેન ભીલ, વલ્લભભાઈ મારવણીયા, ભીખુદાન ગઢવી અને કવિ દાદ બાપુ. દાદ બાપુનું આખું નામ દાદુદાન પ્રતાપદાન ગઢવી. શબ્દોનુ લાલિત્ય અને અદભુત કલ્પનાના સમન્વયની સર્જનશક્તિ દાદ બાપુને પિતા પાસેથી વારસામાં મળી છે. પિતા પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ દરબારના રાજકવિ પદને શોભાવતાં હતાં. એમની સર્જનશક્તિને પોંખીને રાજાએ એમને ઈશ્વરીયા અને સાપર ગામ ભેટમાં આપેલાં. કૌટુંબિક સંસ્કારની સરવાણીએ દાદુદાનને ૧૪-૧૫ વર્ષની ઉંમરે જ કવિતા રચતા કરી દીધા હતાં. મામાના અવસાન વેળા દાદુદાનને હૃદયમાં ખૂબ લાગી આવ્યું અને એમણે એક છંદ લખ્યો હતો. ત્યારબાદ એમણે માતાજીની સ્તુતિ લખવાનું  શરૂ કર્યું.


સર્જનશીલતા, કલ્પનાશીલતા અને અભિવ્યક્તિને શિક્ષણનો ક્યારેય બાધ નડ્યો નથી. દાદ બાપુ માત્ર ચાર ચોપડી પાસ હતાં. પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેમના શબ્દો અને સર્જનશીલતાની એક આગવી છાપ છે. દાદ બાપુ ઉમદા કવિ, મોટા ગજાના લેખક, કર્ણપ્રિય ગાયક અને અદભુત વકતા હતા. આંઠ ભાગમાં પ્રકાશિત થયેલાં ‘ટેરવા’ નામના ગ્રંથમાં તેમણે ગરવા ગુજરાતની સંવેદનાસભર પહેચાન કરાવી છે. મજાની વાત તો એ પણ છે કે, જે વ્યક્તિ ચાર ચોપડી ભણેલો છે એની ઉપર આજે ગુજરાતી સાહિત્યમાં લોકો સંશોધન કરીને પીએચડી થયા છે. છ દાયકાની તેમની સર્જનયાત્રામાં ૧૫ જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. પદ્મશ્રી ઉપરાંત કવિ દાદ બાપુને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી જેવા અનેક પ્રતિષ્ઠીત એવોર્ડથી નવાજાયા છે.


‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો...’ આ પ્રસિદ્ધ રચના ગુજરાતના ખૂણે ખૂણામાં અત્યંત લોકપ્રિય બની છે. દાદ બાપુની સૌથી મોટી ખૂબી એ હતી કે, તે તળથી જોડાયેલા લોકોની સંવેદનાને શબ્દોમાં ઉતારીને સરળ ભાષામાં પ્રસ્તુત કરતાં હતાં. નારાયણ સ્વામીના કંઠે સ્વરબદ્ધ થયેલું ‘કૈલાસ કે નિવાસી...’ અને પ્રાણલાલ ભાઈ વ્યાસના સુરીલા કંઠે ઘર ઘરમાં પહોંચેલું ‘ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે...’ કવિ દાદને ક્યારેય ભૂલાવા નહીં દે. વર્ષ ૧૯૭૫માં શેતલના કાંઠે ફિલ્મમાં દાદ બાપુની રચના ‘કાળજા કેરો કટકો...’ જ્યારે રજૂ થયું ત્યારે ગુજરાતના પ્રત્યેક દીકરીના બાપની આંખમાંથી આંસુ રોકાતા ન હતાં. તે જ રીતે શેઠ શગાળશા ફ્લ્મમાં ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’  ગીત જ્યારે રજૂ થયું ત્યારે ગુજરાતભરમાં તેને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો.

દાદ બાપુ સાથે પત્રકાર હનિફ ખોખરે વર્ષો પહેલાં મુલાકાત લઈને સૌરાષ્ટ્રના પ્રાચિન ચારણી સાહિત્યને અનોખી અને અદભુત રીતે રજૂ કરનારા દાદ બાપુને પ્રસ્તુત કરતાં લખ્યું હતું કે, ‘ગુજરાતનો કોઈપણ ડાયરો કે કલાકાર એવો નહીં હોય કે જ્યા કવિ દાદની રચનાઓ પ્રસ્તુત થઇ ન હોય.’ પત્રકાર ખોખર લખે છે કે, ‘૧૯૭૧માં જ્યારે આજનું બાંગ્લાદેશ અને તે વખતનું પૂર્વ પાકિસ્તાન છૂટું પડ્યું તે સમયે ભારતે બાંગ્લાદેશને અનેક પ્રકારની સહાય કરી હતી. તે વખતે દાદ બાપુએ ‘બંગાળ બાવની’ નામના પુસ્તકમાં ૫૨ કવિતાઓ લખી હતી. સરકારે આની લાખો નકલો છપાવીને વિતરણ કરી હતી. આ માટે દાદ બાપુનું તે સમયે વિશેષ સન્માન પણ થયું હતું.


‘શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે, જનક જેવા આવી હજુ જો હળ હાંકે, તો આ ધરતીમાંથી હજી પણ સીતા  નીકળે...’ અને ‘હજુ ધબકે છે ક્યાંક  લક્ષ્મણ  રેખા, કે રાવણ જેવા ત્યાંથી બીતા નીકળે...’ જેવી મર્મસભર ચોટદાર અમર રચના દાદ બાપુની સ્મૃતિને અવિસ્મરણીય બનાવે છે. જવામર્દીની વાતને ખુમારીથી પ્રસ્તુત કરવાની દાદ બાપુની શૈલીની જોડ મળી શકે એમ નથી. નવી પરણીને આવેલી રજપુતાણી ભાલે કુમકુમ તીલક કરીને જ્યારે એમ કહે, ‘મારજો કે મરજો પીયુ, ન દેજો પીઠ લગાર... નહિંતર સાહેલી મેણા મારશે, તુ તો કાયર કેરી નાર...’ ત્યારે ભલભલાના રૂવાડા ખડા થઇ જાય.

ચિંતક, લેખક અને ચારણી સાહિત્યના એનસાઈક્લોપીડીયા જેવા વસંતદાન ગઢવીએ એક વાર વિશ્વ કોશમાં કવિ દાદની સર્જન યાત્રા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, દાદ બાપુની રચનાઓ તેના સરળ અને પ્રવાહી કાવ્ય તત્વ તેમ જ ગેય હોવાથી તેની રજૂઆત ચિત્ત આકર્ષક બની જાય છે. વસંતદાન ગઢવી સાહેબે સ્વામી આનંદે સાંઈ મકરંદને લખેલા એક પત્રનો સંદર્ભ ટાંકી સ્વામી આનંદે દાદ બાપુ માટે કરેલી સરસ વાત ઉજાગર કરી. સ્વામી આનંદે કહ્યું કે, ‘દાદલ કોઈ મધ્ય યુગના સંત કવિ નથી પણ નૂતન  યુગનો ચારણ  કવિ છે. ભાતીગળ રંગની કવિતાઓનો સર્જક છે.’ સ્વામીએ દાદ બાપુની જે રચનાને હૃદયથી પોંખી એ હતી, ‘ટોચો મા ટાંકણું લઈ ભાઈ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...’

દાદ બાપુના દુહાઓ દીલો દિમાગ પર હંમેશા છવાયેલા રહેશે. એમના દુહાની અલગ ભાત હોય  છે. ‘દાદ કહે આ જગતમાં સંતોષી એક ઝાડ, એક મૂળીએ પાણી પાવ ત્યાં રાજી સઘળી ડાળ...’ જેમની રચનામાં ગુજરાતની માટીની મહેંક અને ગરવા ગુજરાતની છબી ઝીલાતી હોય છે, જેની પ્રત્યેક રચનામાં સૌ કોઈને એમ લાગે કે આ તો મારી જ વાત છે. એવા કવિ દાદ બાપુ સદીઓ સુધી ગુજરાતીઓના હૃદયમાં રાજ કરતાં રહેશે.


ધબકાર

‘કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું...’  – કવિ દાદ બાપુ



Tuesday, 4 May 2021

હવે તો આ ક્ષણના સમાચાર આગલી ક્ષણે ઇતિહાસ બની જાય છે

 



પ્રત્યેક શતાબ્દી તેના કોઈને કોઈ અદભુત આવિષ્કારના કારણે ઓળખાતી હોય છે. એ સમય ગાળામાં કંઈક એવું થયું હોય કે, જે માનવીય જીવન શૈલીની ઘરેડને એકદમ બદલીને સમાજમાં નવી ચેતના અને ઊર્જાનો આવિર્ભાવ થાય છે. એવી નવી વાત માનવ જીવનમાં આવે છે જેનાથી જગત અત્યાર સુધી અજાણ હોય. ૨૧મી સદીને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગની સદી તરીકે ઓળખવામાં આવે છે.


વીસમી સદીના અંત સુધીમાં તો વિશ્વભરમાં સશક્ત મીડિયા માધ્યમોનો તીવ્રતાથી વિસ્તાર થતો જવા મળ્યો. આ વિષય લોક ચર્ચાનો પ્રમુખ મુદ્દો પણ બન્યો છે. મીડિયા માધ્યમોનો વિસ્તાર થવાથી એક એવુ પાસું ઉભરી આવ્યું કે પત્રકારત્ત્વ અને પત્રકારની સીમા રેખાઓ બદલાઇ ગઇ. આજે ૨૧મી સદીમાં મીડિયાની શક્તિ સામાન્ય નાગરિકના હાથમાં આવી ગઈ છે. આજના સમયમાં મીડિયાના બદલાતા જતા આયામોને જોઈને લાગે છે કે આ સમય એક જબરજસ્ત પરિવર્તન અને પ્રત્યાયન ક્રાંતિનો છે.


સંદેશો પ્રસારિત કે પહોંચાડવાના નવા માર્ગો અને માધ્યમો હાથવગા થતા જાય છે. ખૂબ ટૂંકાગાળામાં માધ્યમો આપણા જીવનના અભિન્ન અંગ બની ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવું જ એક માધ્યમ છે. જેને આપણે સૌએ ખૂબ પ્રેમથી આપણાં જીવનનો અતુટ હિસ્સો બનાવી દીધું છે.


સોશિયલ મીડિયા માનવીય જીવનના અનેક પાસાઓ ઉપર પ્રભાવી રહે છે જેમ કે, રહેણી-કરણી, કાર્યક્ષેત્ર, મોજ-મસ્તી વગેરે. આ ઉપરાંત આપણી વ્યગ્રતા અને દુઃખની તથા સુખની લાગણીઓને પણ આ પ્લેટફોર્મ ઉપર આપણે તરત પ્રગટ કરી દઈએ છીએ. કેટલું અજીબો ગરીબ છે કે, જે વાત વ્યક્તિ પોતાના મિત્રો, સ્નેહીઓ, સગાંઓ સાથે નથી વહેંચી શકતો એ એફબીના અજાણ્યા મિત્રોને બેધડક કહી દે છે.


દુનિયામાં આજે બે પ્રકારની સમાજ રચનાનો યુગ શરૂ થઈ ચૂક્યો છે. એક વર્ચ્યુઅલ સિવિલાઈઝેશન અને બીજો ફીઝીકલ સિવિલાઈઝેશન. ટૂંક સમયમાં વિશ્વની મોટાભાગની વસતી ઇન્ટરનેટથી કનેકટેડ હશે. આમ પણ ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે. કે જે બધાને માટે સહજ પણ છે અને સર્વહિતાય પણ છે.

મેન્યુઅલ કૈસ્ટલ, કેલિફોર્નિયા યુનિવર્સિટિના ખાંસાહેબ પ્રોફેસર છે. સોશિયલ મીડિયા વિશે છણાવટ કરતાં કૈસ્ટલે નોંધે છે કે, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી થતો સંવાદ માસ કોમ્યુનિકેશનનથી માસ સેલ્ફ કોમ્યુનિકેશનછે. એનો અર્થ એ કે, આજના યુગમાં ૯૦ ટકા લોકો જનસંચારના નામે માત્ર સ્વપ્રચારનો જ કરે છે. યુઝરને એ પણ ખબર નથી હોતી કે, એના શબ્દો કે તસવીર કોના સુધી પહોંચે છે અને કોને એણે પહોંચાડવી છે ?


ફેસબુક, ટ્વિટર, ગુગલ પ્લસ, લિંક્ડઈન, માયસ્પેસ, પિંટરરેસ્ટ, ઓરકુટ જેવી નેટવર્કિંગ સાઈટ્સે દુનિયાને એક સૂત્રમાં બાંધીને રાખી છે. વર્ષ ૨૦૦૨માં ફ્રેન્ડસ્ટરથી ઈન્ટરનેટ આધારિત સોશિયલ નેટવર્કિંગની દિશા ખુલી હતી. એના થોડા સમય પછી માય સ્પેસઅને લિંક્ડઇનજેવી સાઈટ જોવા મળી. વર્ષ ૨૦૦૪માં ફેસબુકનું બાઅદબ આગમન થયું. આજે ફેસબુક સૌથી વધુ લોકપ્રિય પ્લેટફોર્મ છે.

સૌશિયલ સાઇટ્સ ઉપર સતત રહેનારા લોકોની દિવાનગીની કેટલીક આંકડાકીય વિગતો સમજવા જેવી છે. ફેસબુક ઉપર પ્રતિમાસ સરેરાશ ૪૦૫ મિનિટ, પિંટરરેસ્ટ ઉપર ૮૯ મિનિટ, ટ્વીટર ઉપર ૨૧ મિનિટ, લિંક્ડ ઇન ઉપર ૧૭ અને ગુગલ પ્લસ ઉપર ૩ મિનિટ વ્યતીત કરતા હોય છે.


ભારતમાં ફેસબુક અને ગુગલ પ્લસ, બ્રાઝીલમાં ગુગલ પ્લસ, ફ્રાન્સમાં સ્કાઈ રોડદક્ષિણ કોરિયામાં આઈ વર્લ્ડ, ચીનમાં ક્યૂ ક્યૂરશિયામાં વેકોનેટાકટેસાઈટ્સ પોપ્યુલર છે. પ્રત્યેક ક્ષણ એક નવા તાજા સમાચારો લઇને આવે છે. ઝડપ જીવનનો મંત્ર બની ગયો છે. હવે એ જમાનો ગયો કે, આજના સમાચાર આવતી કાલ માટે ઇતિહાસનું કામ કરશે. આજે તો ‘આ ક્ષણના સમાચાર આગલી ક્ષણ માટે ઇતિહાસ બની જાય છે. સંચાર એક કલા અને શાસ્ત્ર છે. કોઈપણ સંચાર માધ્યમ સારૂ કે ખરાબ નથી હોતું. એને સાચુ કે ખોટુ એના ઉપયોગ કરવાવાળા બનાવે છે. આ વાત સોશિયલ મીડિયાના ઉપયોગ માટે પણ એટલી જ સાચી છે.


ધબકાર :

સતત કનેક્ટ રહેવાની માનવીનો સ્વભાવ છે, સોશિયલ મીડિયા આટલુ પોપ્યુલર થવાના મુળમાં આ જ તો મજબુત કારણ છે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/21may/04052021-4.pdf