પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 24 May 2021

તબાહી મચાવતા ચક્રવાતના તે વળી નામ હોતા હશે ?

 


’હવા કે સાથ ઉડ ગયા,

ઘર ઇસ પરિંદે કા,

કૈસે બના થા ઘોસલા,

વો તુફાન ક્યા જાને..’


હદય સોંસરવી ઉતરી જાય એવી આ અજ્ઞાત કવિની બે પંક્તિ છેલ્લા સપ્તાહથી કેમેય કરીને મનમાંથી આઘી ખસતી જ નથી. વર્ષ ૨૦૨૧નો આગાઝ ભારે અટપટો અને હચમચાવી મૂકે એવી બે ઘટનાઓથી થયો. કોરોના દૈત્યના એક પંજામાંથી માંડ છૂટયા ત્યાં બીજી લહેરનો પંજો એની ગીરફતમાં લેવા મથામણ કરવા લાગ્યો. એમાંથી મહામહેનતે મુક્ત થવા મથતાં હતાં ત્યાં તો ચક્રવાતે લગભગ આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું. મે તા. ૧૭, ૨૦૨૧, સોમવારની એ ગોજારી સાંજ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. ૧૮૦ થી ૧૯૦ કિમિ.ની ઝડપે વાવાઝોડુ ગુજરાતના પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કાંઠે એવી બરહેમીથી ત્રાટક્યું  કે, ચારે બાજુ સર્વવિનાશ સર્જાઈ ગયો. ચક્રવાત એટલે કુંડાળામાં જોરદાર તાકાતથી ફરતી હવાની ભમરી. મહારાષ્ટ્ર થઈને ગુજરાત ઉપર ત્રાટકેલી આ ત્રાસદીનુ નામ ‘TAUKTAE’ ‘તૌક-તે’ છે. કેટલાક લોકો એના સ્પેલિંગમાં આવતાં ‘કે’ આલ્ફાબેટને સાયલન્ટ રાખીને ‘તૌ-તે’ એવું કહે છે. તો વળી કેટલાક ‘તોઉ-તે’ કે ‘તાઉ-તે’ ઉચ્ચાર કરે છે, તો વળી કેટલાક ‘તૌઉ-તે’ એમ પણ કહે છે.



ગુજરાત પર ત્રાટકેલા આ ચક્રવાતની ફોઈ એટલે કે નામ આપનાર દેશ  મ્યાનમાર છે. મ્યાનમારમાં ‘તૌક-તે’ શબ્દનો અર્થ વિચિત્ર પ્રકારનો ઘેરો અવાજ કરતી ગરોળી એમ થાય છે. આ પહેલાં જૂન-૧૩ ૨૦૧૯માં આવેલા ચક્રવાતનું નામ ભારતે ‘વાયુ’ આપેલુ. ‘વાયુ’ શબ્દનો અર્થ સંસ્કૃત અને હિન્દિમાં પવન થાય. નવેમ્બર-૨૦૧૩માં આવેલા વાવાઝોડાને  બાંગ્લાદેશે ‘ઓખી’ નામ આપ્યું હતું ‘ઓખી’નો અર્થ આંખ થાય. બાંગ્લાદેશે ‘ફની’ નામ પણ આપ્યું હતું. ફની એટલે સાપનું દર. એક પ્રશ્ન સહજ રીતે એ થાય કે, ચક્રવાતના તે વળી નામ શા માટે આપવામાં આવતા હશે ? તે પણ અલગ અલગ દેશ દ્વારા આ નામ કેમ આપવામાં આવે છે. અને વળી આખી દુનિયા એ નામને કેમ સ્વીકારે પણ છે ?


ચક્રવાતનું નામ આપવાનું એટલા માટે મુનાસિબ માનવામાં આવ્યું કે, સંખ્યાઓ અથવા ટેકનિકલ ટર્મિનોલોજીથી વાવાઝોડાને યાદ રાખવું કે તેની વિશેની સમજ મેળવવી થોડી અટપટી વાત બની જતી હતી. વાવાઝોડાના નામ આપવાને કારણે મીડિયા વર્લ્ડ, વૈજ્ઞાનિકો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોને ચક્રવાતને સમજવા, તેના વિશે જાણ કરવા, ચેતવણીઓ આપવા અને લોકોની સજ્જતા વધારવા માટે ચક્રવાતનુ નામ આપવાની પધ્ધતિ ખૂબ ઉપયોગી બની જતી હોય છે. ચક્રવાતનું નામ આપવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં  સૌ  પ્રથમ કોઈપણ ચક્રવાતનું  નામ રાજકીય વ્યક્તિઓ, રાજકારણ, ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિઓ, જાતિ કે લિંગને હાનીકર્તા ન હોય અને તટસ્થ હોય તે ધ્યાનમાં રખાતુ હોય છે. વળી જગતમાં કોઈપણ જૂથની ભાવનાઓને આ નામથી કોઈ નુકસાન ન થાય એનુ ધ્યાન રાખવામાં આવતુ હોય છે. એ શબ્દનો અર્થ પ્રકૃતિમાં અણછાજતો અને અસંસ્કારી કે ક્રૂરતા દર્શાવતો ન હોય એનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે. સાથે સાથે એનું મહત્તમ આંઠ અક્ષરોમાં ટૂંકું નામ કે જે ઉચ્ચાર કરવામાં સરળ પડે એવુ રાખવામાં આવે છે. વળી, કોઈપણ ચક્રવાતનું નામ કોઈને પણ અપમાનિત કરે તે પ્રકારનું ન હોય એની પણ કાળજી લેવામાં આવે છે. ઉત્તર હિન્દ મહાસાગરમાં આવેલા વાવાઝોડાના નામ એકવાર સુનિશ્ચિત થઈ ગયા પછી તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવતો નથી.  આમ કેટલીક પાયાની બાબતો ચક્રવાતના નામકરણવિધિ સાથે સંકળાયેલી છે.


રિઝીયોનલ સ્પેશ્યલાઈઝ મિટીરીયોલોજીકલ સેન્ટર(આરએસએમસી) અને ટ્રોપિકલ સાઈકલોન વોર્નિગ સેન્ટર (ટીસીડબલ્યુસી) વિશ્વના કોઈપણ મહાસાગર વિસ્તારમાં ઊભા થયેલાં ચક્રવાતને સંયુક્ત રીતે નામ આપવાનુ કામ કરે છે. વિશ્વમાં કુલ ૬ આરએસએમસી છે. જેમાંનું એક ઇન્ડિયન મિટીરીયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે. વર્લ્ડ મિટીરીયોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ) અને યુનાઈટેડ નેશન ઈકોનોમિક્સ એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફીક વર્ષ ૨૦૦૦થી વિશ્વમાં આવતા ચક્રવાતના નામો સુનિશ્ચિત કરે છે. વર્ષ ૨૦૦૦માં ડબલ્યુએમઓ અને ઈએસએફએપીમાં વિશ્વના આંઠ દેશોની કમિટિ ચક્રવાતના નામ નક્કી કરતી હતી. જેમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ દેશો હતા. ત્યારબાદ ૨૦૧૮માં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને યમન નવા પાંચ દેશોનો ઉમેરો થતાં હવે કુલ ૧૩ દેશો ચક્રવાતના નામ આપવા માટેની કમિટિમાં સામેલ છે.  એપ્રિલ ૨૦૨૦માં આ ૧૩ રાષ્ટ્રોએ ૧૩-૧૩ નામો આપીને કુલ ૨૬૯ ચક્રવાતોના નામોની સૂચિ બહાર પાડી.


જુદા જુદા પ્રદેશમાં ચક્રવાતને જે નામે ઓળખાય છે એ પણ એક સમજવા જેવી વાત છે. ચાઈના સી વિસ્તારમાં ‘ટાઈફુન્સ’, હિન્દ મહાસાગરમાં ઉષ્ણ કટિબંધિય ‘ચક્રવાત’ (ટ્રોપિકલ સાયક્લોન), કેરેબિયન સીમાં ‘હરિકેન્સ’, યુએસએમાં ‘ટોર્નેડો’, નોર્ધન ઓસ્ટ્રેલિયામાં વીલી વીલીઝ, ફિલિપિન્સમાં ‘બાગ્યો’, જાપાનમાં ‘તાઈફુ’ કહે છે. બહુ શરૂઆતના તબક્કે વાવાઝોડાના નામો મનસ્વી રીતે નક્કી થતાં હતાં. જેમ કે, એટલેન્ટીકમાં વાવાઝોડુ આવ્યું ત્યારે  એન્ટજે નામની બોટને તેણે તહસનહસ કરી નાખી એટલે એ વાવાઝોડાનું નામ ‘એન્ટજે’ નક્કી થયું પણ તે પછી કાળક્રમે ૧૯મી સદીમાં તોફાનો માટે મહિલાઓના નામ આપવાની પ્રથા સુનિશ્ચિત થઈ. આપણે જાણીએ છીએ કે, ‘રીટા,  કેટરીના’  વગેરે જેવા વાવાઝોડાના મઝાના નામે ઘણું વાંચવા અને જોવા મળ્યું છે. ત્યાર પછી ૧૯મી સદીના અંતિમ  પડાવમાં દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાતના પુરુષપ્રધાન નામ આપવાનું પણ ચલણ શરૂ થયું.


નામ એક ઓળખ  પ્રસ્થાપિત કરે છે. વાવાઝોડુ હંમેશાં દર્દનાક અને તબાહી સર્જનારું હોય, પરંતુ એનું નામ આપવાથી એના વિશે આગોતરી તૈયારી માટે એક ચોક્કસ સરળતા ઊભી થઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર ચક્રવાતના નામ આપવાથી તેની વિશે વિગતો જનતા સુધી પહોંચાડવી વધુ સુગમ અને આસાન બની જતી હોય છે. પેલી સેક્સપિયરવાળી વાત પ્રમાણે વિચારીએ તો, ‘નામમાં શું રાખ્યું છે ?’ ચક્રવાતનું નામ ગમે તે હોય એની તબાહી, દર્દનાક ચિત્કાર અને ખાનાખરાબી તો ભયાનક જ રહેશે ને ! પણ ચક્રવાતના સંદર્ભમાં નામ ખરેખર જરૂરી છે. એની ઉપર ભવિષ્યમાં સંશોધનોનો મોટો આધાર રહે છે.  એના આધારે જ ભવિષ્યમાં સલામતિ માટેના નવા પગલાંની ગાઈડલાઈન નક્કી થતી હોય છે.

 

ધબકાર : ભુલ લિમડાના નામમાં ક્યાં છે ? અકડાઇ તો જીભની છે, એણે ગળપણ નામે ગામ સાથે દોસ્તી કરી છે.





1 comment:

  1. ચક્રવાત ની ભૌગોલિક વાત સુંદર રીતે લખી છે ધન્યવાદ

    ReplyDelete