પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 16 November 2016

ચાણક્યનાં ‘એવરગ્રીન ટોપ ટ્વેન્ટી’ વિચારો.

ચાણક્યનાં એવરગ્રીન ટોપ ટ્વેન્ટી વિચારો
-     પુલક ત્રિવેદી
ગત સપ્તાહમા એક સ્પેશિયલ દિવસ હતો. આમ તો જીવનમાં આવતા પ્રત્યેક દિવસ અને એકે-એક પળ અગત્યની અને મહત્વની હોય છે. રવિન્દ્રનાથ ઠાકુર કહેતા કે તમારી સામે આવેલી વ્યક્તિ, તમારી સામે ઉભેલી વર્તમાનની પળ અને આજનો દિવસ આ ત્રણ બાબત મહત્વની અને સ્પેશિયલ જ હોય છે. પ....ણ સપ્ટેમ્બર, તા. ૫નો દિવસ એટલે શિક્ષકદિનનો સ્પેશિયલ દિવસ. શિક્ષક એટલે ગુરૂ. ભગવદ્ગોમંડલ અનુસાર ગુરૂ એટલે બોધ આપનાર. અજ્ઞાનના અંધકારમાંથી ઉજાસનાં કિરણો તરફ લઈ જનાર સજ્જન એટલે ગુરૂ.
ભારત વર્ષના પ્રખર જ્ઞાની અને આદરણીય ગુરૂજન સર્વપલ્લી રાધાક્રિષ્ણનજીના જન્મદિનને શિક્ષકદિનના અદભૂત નઝરાણા તરીકે ઉજવવામાં આવે છે. જીવન જીવવા માટે અર્થ, ઉપાર્જન એટલે કે નાણાં કમાવા જરૂરી. એના માટે રોજગાર – સ્વરોજગારના વિવિધ ક્ષેત્રોમાં ખેડાણ કરવું પડે. જેમાનું એક ક્ષેત્ર શિક્ષણ પણ ખરુ. પરંતુ શિક્ષણનું ક્ષેત્ર માત્રને માત્ર અર્થ-ઉપાર્જન કે પૈસા કમાવવા પુરતું સિમિત ક્ષેત્ર નથી. શિક્ષણનું ક્ષેત્ર તો જનરેશન નેસ્કટ તૈયાર કરવાનું અને સંસ્કાર સિંચનનું મહાન કાર્ય કરતું અદભૂત ક્ષેત્ર છે.
સપ્ટેમ્બર, ૫નાં દિવસે આદરણીય સર્વપલ્લલી રાધાક્રિષ્ણનજી તો યાદ આવે જ આવે અને તેમના શિક્ષણ કાર્યની સુવાસ પણ મઘમઘે જ. સાથે સાથે દ્રોણાચાર્યથી માંડીને કૃષ્ણમૂર્તિજી, મદનમોહનજીથી માંડીને અબ્દુલ કલામજી, ઉમાશંકરજીથી માંડીને ગીજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળીથી માંડીને ઓશો, ગાંધીજીથી માંડીને મોરારીબાપુ જેવા અનેક વંદનીય અને માર્ગદર્શક શિક્ષક – સદગુરૂ યાદ આવે જ આવે.
ગાંધીજી લખે છે કે, શિક્ષક તો લોહીચુંબકની માફક કામ કરે છે. એની પાછળ છોકરાં વિટળાઈ વળે. એને ક્ષણ વાર પણ ન છોડે. શિક્ષકનો વિયોગ શિષ્યોને અસહ્ય થઈ પડે. શિક્ષણ એ શિક્ષકનો ધર્મ ગણવો જોઈએ. એ યજ્ઞ કર્યા વિના જે શિક્ષક જમે તેને ચોર ગણવો જોઈએ. એમ થાય તો શિક્ષકોની તૃટી ન રહે. અને તેમ છતાં એમની કિંમત કરોડપતિ કરતા કરોડ ગણી વધારે ગણાય.શિક્ષકદિન નિમિત્તે એક એવા જ શિક્ષક, ગુરૂ, પથદર્શકનું પુસ્તક વાંચતો હતો. મન મસ્તિસ્ક ઉપર આ જગતગુરૂ છવાઈ ગયા. જેણે વિશ્વ સમસ્તને બોધ આપી જ્ઞાનથી પ્રકાશિત કર્યું એ જગતગુરૂ એટલે આચાર્ય વિષ્ણુગુપ્ત... ચાણક્ય...
ચાણક્યનું નામ આવે એટલે પાણીદાર આંખો અને માથે ચોટલીવાળો ચહેરો આંખ સામે તરવરવા લાગે. અને ચાણક્ય સિરિયલમાં રાઇટર, ડાયરેક્ટર ચંદ્રપ્રકાશે લખેલો અને દ્રઢતાપૂર્વક બોલેલો ચાણક્યની વિચારધારાને વ્યક્ત કરતો મશહુર ડાયલોગની ગુંજ કાનમાં સંભળાવા લાગે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પનપતા હૈ. પરંપરાગત રીતે ચાણક્યની ઓળખ એટલે આચાર્ય વિષ્ણુગુપ્ત અને પ્રખર અર્થશાસ્ત્રી કૌટિલ્ય. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં ભારત વર્ષમાં થઈ ગયેલા મહાન શિક્ષક, પ્રખર તત્વચિંતક, અર્થશાસ્ત્રી અને નિપૂણ રાજ્ય સલાહકાર તરીકે વિષ્ણુગૂપ્તની વિશ્વ સમસ્તમાં આગવી ઓળખ છે. ચાણક્યનું કાર્ય અને જ્ઞાન ગુપ્ત સામ્રાજ્યનાં અંત સાથે જાણે કે દુનિયામાંથી અસ્ત થઈ ગયુ હોય એમ હતું. પરંતુ ૧૯મી સદીમાં એટલે કે ૧૯૧૫ની આસપાસ ચાણક્યનાં જ્ઞાન-બોધનો પ્રકાશ વિશ્વ સમક્ષ પુનઃ ઉજાગર થયો.
થોમસ ટ્રાઉટમેન્ને ચાણક્ય વિશેના ચાર દ્રષ્ટિકોણ આપ્યા. જેમાં બુધ્ધિષ્ટની દ્રષ્ટિએ ચાણક્ય, જૈન ગ્રંથોમાં ચાણક્ય, કાશ્મીરી દ્રષ્ટિકોણમાં ચાણક્ય અને વિશાખાદત્તનાં સંસ્કૃત નાટકનાં દ્રષ્ટિકોણમાં ચાણક્યનો સમાવેશ થાય છે. ચાણક્યના ચરિત્રને ઉજાગર કરતાં આ ચારેય દ્રષ્ટિકોણમાં સમાનતા એ છે કે સમાજનું અહિત કરતા અંહકારી રાજવીથી અસંતુષ્ટ પ્રજાને ઉગારવા અને રાજાથી અપમાનિત થયેલા એક જ્ઞાની શિક્ષકે એના બોધ–જ્ઞાન દ્વારા નવો રાજવી તૈયાર કર્યો. અહંકારી રાજાવીનો તખ્તો પલટી નાખ્યો. પ્રજાને નવો રાજા આપી સાચા સુખની પરિભાષા બતાવી. નિયમ અને નિષ્ઠાનું સાચુ મહાત્મ્ય ઉજાગર કર્યું. ચાણક્યનાં અમુલ્ય અને અતુલ્ય વિચારો તેમના તત્વચિંતન અને અર્થશાસ્ત્રમાં સુપેરે વ્યક્ત થાય છે. એ વિચારો પ્રત્યેક સદી, કાળ અને રાજ્ય વ્યવસ્થામાં પારસ્પરિક અને સચોટ બંધબેસતા લાગે જ લાગે.
મહાજ્ઞાની આચાર્ય વિષ્ણુગુપ્તનાં મનનીય અનેક જીવન નીતિસુત્રો પૈકી સૌથી મહત્વનાં અને પથદર્શક એવરગ્રીન ટોપ ટ્વેન્ટી' વિચારો શિક્ષક દિનની સ્મૃતિએ મમળાવવા ગમશે.
જે વ્યક્તિમાં શક્તિ ન હોય પણ મનથી હાર ન માને, તેને દુનિયાની કોઈ તાકાત હરાવી ન શકે. તાકાત માણસનાં મનમાં હોય છે. બાવડા તેનો અમલ કરે છે.
તમારું ખુશ રહેવું જ તમારા દુશ્મનો માટે સૌથી મોટી સજા છે.
તમારા બાળકને પહેલાં પાંચ વર્ષ ખુબ વ્હાલ કરો, ૬થી ૧૫ વર્ષ મજબુત અનુસાશન અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે એને તૈયાર કરો અને ૧૬માં વર્ષથી એની સાથે દોસ્તી કરો. જીવનમાં તામારું બાળક જ તમારો શ્રેષ્ઠ મિત્ર બનશે.
અંત્યત સીધું હોવું પણ સારૂ નથી. સીધાં વૃક્ષો પહેલા કાપવામાં આવે છે જ્યારે વાંકા-ચૂંકા વૃક્ષો બચી જાય છે.
જેણે અનિતીનો પૈસો ભેગો કર્યો છે અને અક્કડ રહે છે તેનાથી દૂર રહેવું સારુ કારણ કે આવા લોકો પોતાની ઉપર જ બોજ સમાન છે.
ચાર પ્રકારનાં અંધ હોય છેઃ આંખો ન હોય એને દુનિયા ન દેખાય, કામચોરને વિવેક ન દેખાય, શરાબીને પોતાનાથી કોઈ મહાન ન દેખાય અને સ્વાર્થીને કોઈ દિવસ દોષ ન દેખાય.
સુખી જીવન માટેનો સૌથી મોટો ગુરૂમંત્ર છે કે, પોતાના રાઝ ની(અંગત) વાત કોઈ દિવસ કોઈને ન કહેવી.
જ્યાં સુધી દોડવાનું સાહસ નહીં રાખો ત્યાં સુધી જીવન સ્પર્ધા હંમેશ માટે અસંભવ જ બની રહેશે.
બીજાની ભૂલો ઉપરથી સીખો. પોતાની ઉપર અમલ કરશો તો આખું જીવન ટુંકુ પડશે.
જે જેના મનમાં છે એ એનાથી દૂર રહીને પણ દૂર નથી, અને જે જેનાં મનમાં નથી એ એની પાસે રહીને પણ એની પાસે નથી.
ડરને પાસે ફરકવા જ ન દો. ડર નજીક આવે તો ડર ઉપર આક્રમણ કરો. ડરથી ડરો નહિ, ડરનો મુકાબલો કરી ડરને ડરાવો.
ખરાબ–અનૈતિક રાજાના રાજમાં ન તો જનતા સુખી હોય છે કે ન તો જનતાનું ભલુ થાય છે. આવા અનૈતિક અને ખરાબ રાજવીના હોવા કરતા રાજા ન હોય એ જ સારું.
કોઈપણ વ્યક્તિને વર્તમાન પરિસ્થિતિમાં જોઈને તેની મજાક ન ઉડાવો. કારણ કે સમયમાં એવી ગજબની તાકાત છે કે, તે એક કોલસાને પણ હીરામાં બદલી નાખે છે.
ભગવાન મૂર્તિઓમાં નથી, આપણા વિચાર જ આપણા ભગવાન અને આપણો આત્મા જ આપણું મંદિર છે. 
કોઈ મુર્ખ વ્યક્તિ માટે શબ્દો અને પુસ્તકનું મહત્વ એટલું જ હોય છે કે જેટલું અંધ વ્યક્તિને અરીસાનું મહત્વ હોય છે.
માણસ જન્મથી નહીં કર્મથી જ મહાન બને છે. ગુણથી ઉપર ઉઠાય છે. ઉંચા સ્થાન ઉપર બેસી જવાથી ઉપર ઉઠી શકાતું નથી.
દુનિયામાં સૌથી મોટી બે તાકાતઃ પુરુષની જવાની અને સ્ત્રીની સુંદરતા. 
પોતાનું અપમાન કરાવીને જીવવા કરતાં મરવું બેહતર છે. કારણ, મરવાથી એક વાર દર્દ થશે, અપમાનિત થવાથી વારંવાર મોત થશે–દર્દ થશે.
સિંહ પાસેથી એક વાત સીખી શકાય. લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી છેઃ સાહસ અને લગન
જેનું જ્ઞાન ચોપડાઓ સુધી સિમિત છે એ તો બીજાના કબ્જામાં રહેલી આપણી સંપતિ જેવું છે.
ચાણક્યનાં આ એવરગ્રીન ટોપ ટ્વેન્ટી વિચારો એવાં છે કે, પ્રત્યેક વિચારને સ્પષ્ટ કરવા માટે એક આખુ પુસ્તક લખાય તો પણ ઓછું પડે. ગુજરાતનાં જાણીતાં લોક કલાકાર પણ મુળે શિક્ષક એવા સાંઈરામ દવેએ મને શિક્ષકદિને વોટ્સેપ પર મોકલાવેલી તેમની કવિતા મોજ આવે એવી છે.... એનો અંશ ધબકારમાં...
ધબકાર :
આદર્શોનાં ઈંધણ નાંખી, મેં સંસ્કારો રાંધ્યા છે
ડોક્ટર, વકીલ, કે ઈન્સપેક્ટર મેં પાયાથી બાંધ્યા છે
પાયાનો પત્થર કોઈ જુઠ ઈમારત ચણતા નહીં
હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નકામો ગણતા નહીં...”
-     સાંઈરામ દવે


http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/september2016/08092016-6.pdf

No comments:

Post a Comment