પરપોટાની નજાકતના
સૌંદર્યની મોજ એટલે ગઝલ
- પુલક ત્રિવેદી
જ્યારે કલા, કલા
નહિં જીવન બની જશે,
મારું કવન જગતનું
નિવેદન બની જશે...
ગાંધીનગર સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા
શાયર ‘મરીઝ’ની શતાબ્દી વંદના ખૂબ યથાર્થ
સમયમાં શહેરમાં યોજાઈ. યથાર્થ શબ્દ એટલે પ્રયોજ્યો કે ૪૮-૩૬ કલાકથી લોકો પૈસાની પળોજણમાં
એવાં પડ્યાં હતાં કે જીવનના સાચા અર્થ અને મોજને વિસરી ગયાં હતાં. ત્યારે આ
કાર્યક્રમ મનની મોજથી ભર્યો ભર્યો લાગ્યો. જુની નોટ બદલાવવી, નવા કેટલાં રૂપિયા
મળશે, બેન્કના ખાતામાં કેટલાં રૂપિયા જમા કરાવ્યા વગેરે વગેરે વાતોના વમળમાં આખું
શહેર અને દેશ છેલ્લા બે દિવસથી ચકરાવે ચઢ્યાં હતાં. એમાં આજે સવારનો સૂરજ અબ્બાસ
અબ્દુલ અલી વાસી – મરીઝના શબ્દોની સુવાસ લઈને ઉગ્યો. મન પ્રફુલ્લિત થઈ ગયું.
‘મરીઝ’ની જ્યારે વાત આવે ત્યારે સહજ રીતે મિસ્કીન યાદ આવે.
૨૦૦૯ના સપ્ટેમ્બર મહિનામાં ‘સમગ્ર મરીઝ’ પુસ્તકનું સંપાદન રાજેશભાઇ વ્યાસ,
મિસ્કિને કર્યું. લગભગ ૪૦૦ પાનામાં પથરાયેલા ‘મરીઝ’ના જીવનના વિવિધ પાસાને અદભુત
રીતે ‘મિસ્કીન’ સાહેબે ‘સમગ્ર મરીઝ’માં ઉજાગર કર્યા. યોગાનુયોગ મરીઝની શતાબ્દિ
વંદના નિમિત્તે ગાંધીનગર શહેરમાં કવિશ્રી રાજેશભાઈ વ્યાસ – મિસ્કીને ‘મરીઝ’ના એક
અદભુત પાસાને ઉઘાડ આપ્યો. ‘મરીઝનું ઘર’ કેવું હોય...! એ સંદર્ભમાં મજાના તથ્યો અને
શબ્દોનું સમાયોજન કરાયું. મરીઝની ગઝલોમાં તેમનું ઘર ક્યારેક પ્રિયતમાનું ઘર તો
ક્યારેક શરાબીનું ઘર, દુશ્મનનું ઘર તો ક્યારેક દોસ્તનું ઘર, પ્રેમનું ઘર તો
ક્યારેક દર્દનું ઘર, પત્નીનું ઘર તો ક્યારેક વિષાદનું ઘર એવા અલગ અલગ પાસાઓથી
મરીઝના ઘરને મૂલવવાની મોજ આવી. આમ તો મરીઝ એટલે ‘સુરાલય’ અને ‘ઘર’ આ બેની વચ્ચે
વિસ્તરેલું કલ્પનામય સમગ્ર જીવન. મિસ્કીને એક વાત સરસ કરી કે, શાયરને સમજવા માટે
સજ્જતા કેળવવી પડે. કંઇક કેટ કેટલી વેદનાઓ, સંવેદનાઓ, સ્પંદનો અને સ્પર્ષોમાંથી
પસાર થાય ત્યારે શેર બને અને સચ્ચાઇ અને અચ્છાઇના આઇનામાં સ્પષ્ટ ચિત્ર ઉપસે
ત્યારે શાયરનો શેર સાશ્વત બની આકર્ષે.
‘સમગ્ર મરીઝ’
પુસ્તકનું સંપાદન કાર્ય સંપન્ન થયા બાદ રાજેશભાઈ ‘મરીઝ’ સાહેબના પુત્ર મોહસીનભાઈ
વાસી જોડે બેઠા. આ પુસ્તક કોને અર્પણ કરવું એ સંદર્ભમાં ચર્ચા ચાલી ત્યારે બન્ને
જણાનો સૂર એક વ્યક્તિ પર આવીને અટકી ગયો. મરહુમ સોનાબહેન અબ્બાસ વાસી... ‘મરીઝ’ના
ધર્મપત્ની. એટલું જ નહીં આ બન્ને જણાના માનસપટ ઉપર મરીઝ સાહેબના નિમ્ન લિખિત શેર
છવાઈ ગયો.
એમ ઉંચકી લીધું છે મારું ઘર,
ભાર દરિયાનો એક મોતી પર
– મરીઝ
આ શેર ‘સમગ્ર મરીઝ’
પુસ્તકના અર્પણ પાન ઉપર સોહે છે.
શબ્દ અને સમજ એ કોઈ પણ શિક્ષણને અથવા ડિગ્રીઓને મોહતાજ હોતી
નથી. સત્ય અને સત્વની ઐશ્વરીય તાકાત સર્જનનો પ્રાણ હોય છે. ‘મરીઝ’ના ચીરસ્મરણીય
સર્જન ‘આગમન’ની ત્રીજી આવૃત્તિ વેળા મરીઝે એમના જીવન વિષે જે વાત લખી છે. એ
અક્ષરશઃ સમજવા જેવી છે.
મરીઝે લખ્યું છે કે, ‘ગઝલના ક્ષેત્રમાં હું મહામહેનતે
ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો, ભાષા વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં માત્ર
ઉર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે અને તે
તમારી સન્મુખ હાજર છે. સરળ કાફિયા, રદીફ અને વજનનો મેં શરૂઆતથી જ આગ્રહ રાખેલો છે. એ જ પ્રમાણે ગઝલ જેનો ભાર
ઊંચકી શકે એવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો મેં હંમેશા જરૂરી માન્યું છે...’
કાવ્ય કલા વિશે ગમેતેટલું લખો પણ કવિતા સ્વયં સમજથી પર બાબત
છે. એ એક અનુભૂતિની બાબત છે. ‘મરીઝ’ સાહેબે એક મત્લામાં આ વાતને સરસ રીતે ઉજાગર
કરે છે
હવે ગમે તે કહે કોઈ આ હૂનર બાબત,
કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત.
ડો. નીતિન વડગામા. વ્યવસાયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાગતા
પ્રાધ્યાપક પણ સાચી ઓળખ ગુજરાતી સાહિત્ય જગતનુ સન્માનીય નામ, ‘મરીઝ’ના જુદા જુદા
પાસાને આ સર્જકે ઉંડાણથી સમજ્યા છે. ડો. નીતિનભાઈએ ગઝલ સર્જન માટે કહે છે કે, ગઝલ
જ્યારે લખાય છે ત્યારે એ દિલથી લખાય છે. પીડા, આનંદ, ઉષ્માથી લખાય છે અને એટલે જ
ગઝલ ગમે છે. ગઝલમાં વિચારનું સૌંદર્ય હોય છે અને અજવાળું પણ હોય છે. સરળતા, વેધકતા
અને વક્રતા ‘મરીઝ’ની ગઝલની વિશેષતા છે. મદીરા, વ્યંગ, કટાક્ષ, મય, વિનોદ વગેરે ચિંતનનું
ઊંડાણ ‘મરીઝ’ના શબ્દે શબ્દમાં જોવા મળે છે. ‘મરીઝ’ના શેર ટપકાવવા ગમે, લાંબો સમય
મમળાવવાની ઇચ્છા થાય... એવું કેમ ? મરીઝના શેર સ્પર્શે અને આકર્ષે કારણકે એ શાશ્વત
અને સનાતન સત્યને પ્રસ્તુત કરે છે.
જીવનના દર્શનને અને જીવનના પરામર્શને વિચારોના સંદર્યથી
‘મરીઝ’ના શેર દિર્ઘાયું બનાવે છે. પ્રેમની ત્રિજ્યાની બહાર નીકળીને પ્રકૃતિનું
ચિંતન પણ મરીઝે અદભુત કરાવ્યું છે. જિંદગીના હજારો વિભાગ છે અને હજારો લિબાસ છે.
જિંદગી પરપોટા જેવી છે અને પરપોટાની ક્ષણભંગુરતા મુજબ જીવનની ક્ષણભંગુરતા ક્યારે
ફૂટે અને શ્વાસનો દોર ક્યારે તૂટે એના ડર કરતાં પરપોટાની નજાકત અને એના સૌંદર્યને
માણી લેવી જોઈએ. ભરપૂર મોજ કરી લેવી જોઇએ. એવી જાનદાર ફિલોસોફી ‘મરીઝ’ના શેરના
શબ્દોમાંથી ટપકે છે. વ્યક્તિત્વ ‘આગવું’ હોવું જોઈએ... ‘અકબંધ’ હોવું જોઈએ...
‘મરીઝ’નું વ્યક્તિત્વ એવું અનોખું અને આગવો સંદેશો આપતું છે. કોઈની આભામાં
સ્વયંનું વ્યક્તિવ ઓગળવું ન જોઈએ. જાત, જગત અને જીવન વિશેનું ચિંતન ‘મરીઝે’ એના
ગઝલોના શેરમાં ઉતાર્યું છે.
સાહિત્યકાર અને ગઝલકાર એસ. એસ. રાહીએ ‘મરીઝ’ની ગઝલોમાં
પકડાયેલા ‘મુસલ્સલ’ ભાવને ઉજાગર કર્યો. ગઝલના ભાવ, વિચાર, ઊર્મિ કે વિષયનું સાતત્ય
જાળવતી ગઝલ એટલે ‘મુસલ્સલ’ ગઝલ. શેર એક બીજા સાથે અનુસંધાન ધરાવતા હોવાથી
‘મુસલ્સલ’ ગઝલ અથવા સળંગ ગઝલ કહી શકાય ‘નઝમ્નુમા’ ગઝલથી ‘મુસલ્સલ’ ગઝલ નોખી પડે
છે. એક પ્રસંગ કથા કિસ્સો કે ઘટનાને વર્ણવતી ગઝલને ‘નઝમ્નુમા’ ગઝલ કહેવાય જ્યારે
‘નઝમ્નુમા’ ગઝલને વર્ણનાત્મક ગઝલ જેવી સંજ્ઞા પણ આપી શકાય. મરીઝના ત્રણ સર્જન
તેમના વાચકોમાં અપ્ર્તિમ ચાહના ધરાવે છે. ૧૯૬૮મા આવેલો સંગ્રહ ‘આગમન’, નકશા (૧૯૮૫)
અને દર્દ (૨૦૦૯) પ્રકાશિત થયા. ‘મરીઝે’ આગમનમાં ૧૩૮ ગઝલો, નકશામાં ૧૭૮ ગઝલો, અને
દર્દમાં ૪૨ ગઝલો રજૂ કરી. ‘મરીઝ’ની કુલ ૨૫૮ ગઝલોમાં કેટલીક ગઝલો મુકદ્દશ ‘નઝમનુમા’
ગઝલો તથા ‘મુસલ્સલ’ ગઝલોનો સમાવેશ થાય છે. રાહીજીના મંતવ્ય અનુસાર મરીઝે રચેલી
ગઝલોમાં ‘મુસલ્સલ’ ગઝલોનો આંકડો ૧૮ જેટલો થાય છે.
મરીઝ તેની ગઝલોમાં એકનો એક કાફીયા જુદી જુદી રીતે બે ત્રણ
વાર પ્રયોજે છે ત્યારે એમ થાય કે, કદાચ એક જ કાફ્યા ઉપર બે ત્રણ સારા શેર લખીને
તેમાં પસંદ કરીને એ ગઝલમાં મૂકતા હશે. સમગ્ર મરીઝમાં મિસ્કીન સાહેબે આ વાતને
સ્પષ્ટ કરતાં મરીઝના નીચે મુજબના શેર પ્રસ્તુત કર્યા છે.
કોઈ કલા સ્વરૂપે જગતથી જૂદા બનો,
નકશા બનો, કવિતા બનો, વાર્તા બનો
દુનિયાનું આખું ક્ષેત્ર એ સાહિત્ય ક્ષેત્ર છે
એમાં કોઈ કવિતા બનો, વાર્તા બનો.
હો ઉપકરણ અનેકના એની જરૂર નથી
બે-ત્રણ પ્રસંગ ગુંથી સળંગ વાર્તા બનો.
જાણીતા કવિ, લેખક અને વકતા શ્રી ભાગ્યેશ જહાએ ગુજરાતી ભાષા
અને ગુજરાતી સાહિત્યની સેવા કરતાં યુવા સર્જકોની સર્જન શક્તિને સુપેરે પોંખે છે.
ગુજરાતનું સૌભાગ્ય છે કે, કવિ શ્રી ભાગ્યેશ જહાં જેવા સાહિત્યકારો નવસર્જકોની પડખે
રહીને ગુજરાતી સાહિત્યને જીવંત રાખવાના સંનિષ્ઠ પ્રયાસો અવિરત કરતા રહે છે.
ગાંધીનગર શહેર ગુજરાતી ભાષાના ગૌરવને બરકરાર રાખતા શહેર
તરીકે એની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. સાહિત્યસભા જેવી સંસ્થાઓ અને શ્રી
ભરતભાઇ કવિ, સંજય થોરાત, કિશોરભાઇ જીકાદરા જેવા તેના જાગૃત સભ્યોને કારણે
પાટનગરમાં ગુજરાતી ભાષા અને તેની વિચાર યાત્રાની સુગંધ સૌરભ ચારે કોર ફેલાઇ રહી
છે. ગાંધીનગર સાહિત્ય સભાના જાગૃત મિત્રોએ શાયર ‘મરીઝ’ની શતાબ્દી વંદનાનો મજાનો કાર્યક્રમ યોજ્યો. ડૉ. રાજેશભાઇ
વ્યાસ મિસ્કિન, ડૉ. નીતિનભાઇ વડગામા, ડૉ. એસ. એસ રાહી અને સાહિત્ય અકાદમીના
અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઇ જહાએ મરીઝના જીવનના વિવિધ પાસાઓને અદભૂત ઉઘાડ આપ્યો.
મરીઝની શતાબ્દિ વંદનાનો પ્રસંગે હોય અને મરીઝના યાદગાર શેર
ન ટપકાવાય તો લખાણ લાજે...!
·
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું
ઘણું હો, ને કશું યાદ ન આવે.
·
જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ
એક તો ઓછી
મદિરા છે, ને ગળતું જામ છે.
·
ઝાહિદ મને રહેવા દે, તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી
વધારે અહીં, આવે છે ખુદા યાદ.
·
ન માંગ એની પાસે ગમથી વધુ જીવન,
એક પણ એ એવી
દેશે – વિતાવી નહીં શકે.
·
મુઝ પર સિતમ કરી ગયા, મારી ગઝરના શેર
વાંચીને એ
રહે છે, બીજાના ખ્યાલમાં.
·
મરીઝ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ,
કદી ન પીવાની
વાળી’તી જે રૂમાલમાં ગાંઠ.
·
લાગણી જેમાં નથી, દર્દ નથી, પ્યાર નથી,
એવા દિલને
કોઈ ઇચ્છાઓ અધિકાર નથી.
·
અલ્લાહ મને આપ, ફકીરીની એ હાલત,
કે કોઈ ન
સમજે, આ સુખી છે કે દુઃખી છે.
·
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે
જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
‘મરીઝ’ ક્યારેય મરતા નથી, ‘મરીઝ’ તો એના વિચારો,
કલ્પનાઓ અને શબ્દોના મુલાયમ સ્પર્ષથી સનાતન કાળ સુધી હદયમાં મહારાજાની જેમ વિરાજતા
રહે છે. મરીઝના સ્થુળ શરીરને અલવિદા હોઇ શકે, મરીઝની કલ્પાનાઓ, વિચારો અને શબ્દો
ગુજરાતી ગઝલ વિશ્વમા સદીઓ સુધી પડઘાયા કરશે.

No comments:
Post a Comment