પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 16 November 2016

‘વિજેતા’ની ડિક્ષનેરીમાં ‘પલાયનવાદ’ નામનો શબ્દ જ ન હોય...

‘વિજેતા’ની ડિક્ષનેરીમાં ‘પલાયનવાદ’ નામનો શબ્દ જ ન હોય...
-     પુલક ત્રિવેદી

ઘણા વર્ષો પહેલાની કાકા-ભત્રીજાની એક વાત છે. ઑસ્ટ્રેલીયામાં રહેતા બુધ્ધિશાળી અને પૈસે ટકે સુખી પેટ્રીક અને તેના કાકા અત્યંત ખંતીલા અને ઉત્સાહી. લોરેન્સ અંકલને સોનાની ખાણના સર્વે અને ખોદકામ અંગેનું ખૂબ સારું જ્ઞાન. એકવાર લોરેન્સ અંકલે પેટ્રીક પાસે દરખાસ્ત મુકી કે, એક એવો વિસ્તાર મારા ધ્યાનમાં છે કે જ્યાં ગોલ્ડ માઈનનું કામ કરવામાં આવે તો ખૂબ સોનું મળી શકે તેમ છે. પેટ્રીકને લોરેન્સ અંકલની ગોલ્ડ માઈનની સમજ ઉપર ખૂબ વિશ્વાસ. પેટ્રીકે અંકલના કહેવા અનુસાર મિત્ર મંડળ અને બેન્ક પાસેથી લોનની વ્યવસ્થા કરી અંકલને ગોલ્ડ માઈનના કામ માટે પૈસા આપ્યા. આધુનિક મશીનરી ખરીદવામાં આવી.
ગોલ્ડ માઈનનું કામ શરૂ થયું. પ્રારંભિક તબક્કામાં જ થોડાક સોનાના અંશ મળી આવ્યા. લોરેન્સ અંકલ ખૂબ ‘એક્સાઈટેડ’ થઈ ગયા. ખોદકામ બમણા વેગથી આગળ ધપાવવામાં આવ્યું. ધીમે ધીમે દિવસો, સપ્તાહો અને મહિનાઓ પસાર થવા લાગ્યા. પ્રારંભિક પ્રાપ્ત થયેલા થોડા સોનાના અંશોને બાદ કરતાં ક્યાંય સોનું ન દેખાયું. પેટ્રીકે લોરેન્સ અંકલને કહ્યું કે, ‘આપણે ખૂબ પૈસા ઉધાર લીધા છે. સમય પણ ઘણો થઈ ગયો છે. અને આપણને ક્યાંય સફળતા દેખાતી નથી. આપણે હવે આ કામને પડતુ મુકીએ એમાં જ સાર છે.’
લોરેન્સ અંકલે પેટ્રીકને કહ્યું થોડોક સમય રાહ જોઇએ થોડું વધારે ખોદકામ કરીએ. મારું મન કહે છે કે આપણને સફળતા મળશે અને સારું એવું સોનું પ્રાપ્ત થશે. પેટ્રીક માન્યો અને થોડા દિવસ વધારે નાણાનું રોકાણ કરવાનુ ચાલુ રાખ્યું. પરંતુ સફળતા ન મળી. હવે પેટ્રીકની ધીરજનો અંત આવી ગયો હતો. એણે લોરેન્સ અંકલને કહ્યું કે, આપણે આ કામ છોડી દેવું જોઈએ. હવે એક પણ દિવસ કામ ચાલુ રાખવાથી વધુને વધુ રોકાણ થતું જાય છે અને એમ કરવાની આપણી ક્ષમતા નથી. લોરેન્સ અંકલ પણ હવે પેટ્રીકની વાત સાથે સંમત થયા અને એક જુની મશીનરી ખરીદનારા ભંગારવાળાનો સંપર્ક કરીને મશીનરી અને સંલગ્ન બાબતો એમણે વેચી દીધી. કબાડીની પાસેથી મળેલાં નાણાં તથા અન્ય એડજેસ્ટમેન્ટ કરીને પેટ્રીકે જેમતેમ કરીને ઉધારી ચૂકવી.
  જે કબાડીએ આ મશીનરી લીધી હતી એ નોખી માટીનો માનવી હતો. એ હાર માનવાવાળો ન હતો. આ કબાડીએ મશીનરી લીધા પછી એક માઈનીંગ ઈજનેરનો સંપર્ક કર્યો. જે સ્થળ ઉપર આ ખોદકામ થયું હતું ત્યાં આ કબાડીએ તેના માઇનીંગ ઇજનેર પાસે નવેસરથી સર્વે અને પ્લાનીંગ કરાવ્યું. માઈનીંગ એન્જિનીયરે આપેલી સલાહ મુજબ માત્ર ત્રણ ફૂટનું જ ખોદકામ કરતાં થોકબંધ સોનું પ્રાપ્ત થયું.
કબાડીને ત્રણ ફૂટના ખોદકામ પછી મળેલા સોનાની વાત જ્યારે પેટ્રીકને ખબર પડી ત્યારે પેટ્રીક પહેલા તો ડીપ્રેશનનો શિકાર બન્યો. અને પછી થોડા સમય બાદ સમાચાર માધ્યમોમાં પેટ્રીક બેસ્ટ ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે ચમકવા લાગ્યો. એ આખા દેશમાં મશહુર બની ગયો. જીવનની સફળતા વિશે પેટ્રીકને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો ત્યારે પેટ્રીકે સરસ વાત કહી, ‘જ્યારે જ્યારે મને કોઈ કસ્ટમર ના પાડે અથવા કોઈ કામ મને અસંભવ લાગે ત્યારે હું દ્રઢતાપૂર્વક મનમાં બોલુ છું કે, સફળતાથી માત્ર ત્રણ ફૂટ જ હું દૂર છું. અને પછી હું એ ધ્યેય પાછળ પૂરી લગનથી કામ કરવા લાગી જાઉં છું. બસ સફળતા મારી પાછળ પાછળ ચાલી આવે છે.’
પેટ્રિક અને કબાડીની આ વાતમાં દમ છે. જીવનમાં ક્યારેય ‘ કોઇ પણ કાર્યમાં હાર ન માનવી ‘ એ માત્ર પુસ્તકીયા તકીયા કલામ નથી. જીવનમાં જે ધ્યેય પ્રાપ્ત કરવાનું વિચાર્યું છે, એના માટે સંપૂર્ણ લગન અને નિષ્ઠાથી  મંડ્યા રહેવુ પડે. વિજેતા માત્ર ચાર પગલાં ચાલતો હોય છે. પહેલું પગલું પોતાની શક્તિઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસનુ. હું આ કાર્ય સરસ રીતે કરી શકીશ અને એનું ચોક્કસ પરિણામ પ્રાપ્ત કરીશ કારણ કે, મારી પાસે એ કાર્ય પરીપૂર્ણ કરવા માટે સંપૂર્ણ સજ્જતા છે એવો વિશ્વાસ જ કામની અડધી સફળતા છે. બીજું પગલું છે કામ કરવાની ક્ષમતા અંગે સજાગ બનવાનું. જે કામ કરવાની શક્તિ છે એ શક્તિને કેવી રીતે, કયા સમયે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ થશે તો નિશ્ચિત પરિણામ પ્રાપ્ત થશે એનું જાગૃત અને સજાગ મૂલ્યાંકન મહત્વનું છે. ત્રીજું પગલું કાર્યની સ્પષ્ટતા માનસપટ પર હોય. જે કામ કરવાની ક્ષમતા છે, સજાગતા છે એ કામની ચોક્કસ રૂપરેખા અને નિર્ધારીત સમયમર્યાદા, રિસોર્સ અને કાર્યફલકની સ્પષ્ટતા જરૂરી છે. ચોથું સૌથી મહત્વનું પગલું એ છે કે, કોઈની વિચારધારા હાવી થવા ન દેવી જોઈએ. પરંપરાની બહાર ભીડથી અલગ જે ચાલે છે એ વ્યક્તિ જ એક નવો ચીલો ચાતરે છે અને સફળતા એના કદમ ચૂમે છે.
જન્મજાત વિજેતા સ્વયંની શક્તિને સુચારુ રીતે સાંકળતો હોય છે. જીવનના સંઘર્ષમાંથી સફળતાની સુવાસ એવા વ્યક્તિઓ જ પ્રાપ્ત કરી શકે કે જેની ડિક્ષનેરીમાં પલાયનવાદ નામનો શબ્દ જ ન હોય. કામ લક્ષ્ય સુધી ન પહોંચે શકે અને એટલે મોઢું ફેરવી લેવું એ જમીનમાં મોઢું ખોસીને હકીકતનો સામનો ન કરતાં શાહમૃગ નીતિ જેવી વાત છે. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માગે છે, પ્રસન્ન રહેવા ઈચ્છે છે. પણ આનંદ આડેના અંતરાયો અધવચ્ચેથી છોડેલા કાર્યનું પરિણામ છે. હાથમાં લીધેલી વાત અધવચ્ચેથી મૂકાય જ કેવી રીતે ? કાર્યને અધુરું છોડાય જ કેવી રીતે ? સફળ થયા વગર પાછા ફરાય જ કેવી રીતે ? જીવન સંગ્રામમાં સફળતાનું સૌથી મોટું શસ્ત્ર સ્વયં પર વિશ્વાસનું છે. સંકલ્પ કરવો પડે. ડગલું ભર્યું છે એ પાછું ક્યારેય નહીં પડે. હાથમાં લીધેલું કાર્ય પૂર્ણ ન થાય અને સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારની આડવાત કે થાકવાની વાતને કોઈ સ્થાન નથી. આગળ એ જ વધે છે જે અંતરાયને ઓળંગી શકે છે. સાતત્યને વળગી રહી શકે છે. સતત પરિણામને નજર સામે રાખી શકે છે.
શરૂઆત તો શૂરવીરની જેમ કરે પણ સફળતા ન પ્રાપ્ત થાય એટલે વાતને અધવચ્ચેથી છોડી દે... હાર માની લે... એ પલાયનવાદ છે. ‘વિજેતા’ની ડિક્ષનેરીમાં ‘પલાયનવાદ’ નામનો શબ્દ જ ન હોય... પેલા કબાડીની માફક જે સ્વયંની શક્તિને સમજે, સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની તમન્ના રાખે, પોતાના કામમાં આનંદ પામે, કાર્યમાં ઓતપ્રોત રહે અને લક્ષ નિર્ધારણ કરીને સંકલ્પવાન બને એ વિજેતા જ હોય. ડિપ્રેશનનો ભોગ બન્યા પછી જીવનમાં આગળ વધેલા પેટ્રીકની સફળતા જીવનનો સાચો અંદાજ છે.
ધબકાર :

જે કોઇ પણ કામ સંપૂર્ણ મન અને હદયપૂર્વક કરીએ અને એ કામ પૂર્ણ થાય એ જ સફળતા, અને જો એ કામ ન પૂરુ કરી શકીએ તો એ અંતીમ શ્વાસ સુધીની નિષ્ફળતા. પોતાની વિચારશરણી જે લોકો નથી બદલી શકતા એ જીવનમાં કશું જ બદલી શકતા નથી. જે કામ અંદરથી તાકાતવર બનાવે છે એ સારુ કાર્ય અને જે કાર્ય અંદરથી નબળા બનાવે છે એ ખરાબ કાર્ય. 





No comments:

Post a Comment