એક સજ્જને સરસ વાત કરી હતી કે, ‘પરમેશ્વર ક્યાં છે અને કેવો છે એ ખબર નથી પરંતુ મેં તો મારા ઘરમાં જ પિતાના રૂપમાં પરમેશ્વરની સતત હાજરી અનુભવી છે.’ કોઈપણ બાધા, આખડી, ઉપવાસ કે શાસ્ત્રોના અર્થ સમજવાની પળોજણ વગર સરળતાથી પિતાના રૂપમાં પરમેશ્વર ઘરમાં જ હાજરા હજુર છે. જ્યારે મુશ્કેલી કે મૂંઝવણની માયાજાળ ભરડો લે ત્યારે પિતા નામનો અડિખમ ટેકો પડખે હોય જ. તકલીફમાં પિતાના ટેકે ખભો ટેકવી મુશ્કેલીની ઝંઝાવાત ચપટીમાં પાર થઈ જાય છે. ક્યાંક ઠોકર વાગે ત્યારે મોઢામાંથી ‘ઓય મા’ નીકળી જાય પણ જો જંગલમાં ક્યાંક ભૂલા પડી જઈએ અને સામે વિકરાળ પ્રાણી આવી જાય તો પડેલો શબ્દ ‘ઓ બાપ રે’ જ નીકળે. નાની તકલીફોમાં ‘મા’ નામનો મલમ કારગત છે પણ મોટી આફતમાં બાપનો હોંકારો હિંમતનો મહાસાગર બની જાય છે. પ્રત્યેક પુત્ર માટે પ્રથમ હિરો પિતા હોય અને પુત્રીનો પ્રથમ પ્રેમ પિતા હોય.
પુત્રના પિતાપ્રેમ અને પપ્પાની લાગણીના અનેક ઉદાહરણો છે. રાજા રામથી માંડીને આજ સુધીના ઘણા પુત્રના પિતાપ્રેમના અનુપમ ઉદાહરણો નજર સામે છે. લોકો કહેતા હોય છે કે, આજના સમયમાં પુત્રનો પિતાપ્રેમ ભાગ્યે જોવા મળે છે, ઘરડા ઘરમાં વયસ્ક પિતાને ધુંધળી દ્રષ્ટિ અને જીર્ણ કાયા સાથે એકલતામાં જીવન વ્યતિત કરવું પડે છે વગેરે. પણ આવી વાતોમાં સંપૂર્ણ સત્ય નથી. આજે પણ આપણી આસપાસ ઘણા એવા દીકરાઓ છે કે જે પિતાની આંખની દ્રષ્ટી અને હાથની લાકડી બનવામાં અનહદ આનંદ મેળવી રહ્યા છે. આજે વાત કરવી છે જેમને હું ‘મોડર્ન શ્રવણ’ કહું છું એવા મારા ત્રણ મિત્રોની. એક ગુજરાતના મેઘાવી વકતા અને લેખક ચિંતક જય વસાવડા, બીજા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ મામા મયુર વાકાણી અને ત્રીજા સરકારી વરિષ્ઠ અધિકારી હિરેન ભટ્ટ.
સૌથી પહેલા વાત જય વસાવડાની. કોઈપણ વિષય ઉપર અસ્ખલીત તાર્કીક વક્તવ્ય આપવાની અનોખી શક્તિ ધરાવતા, અનેક વિષયો ઉપર એમની કલમનો ઊજાશ પાથરી વાંચકોને મંત્રમુગ્ધ કરનારા જય વસાવડાની વ્યવસાયિક કુનેહ તો બેમિસાલ છે જ એમા બે મત નથી. પણ એમનો ‘પિતા પ્રેમ’નો અદભુત સદગુણ ઉદાહરણીય અને અનુકરણીય છે. જયભાઈને નજીકથી જાણનારા મિત્રોને ખ્યાલ છે કે, એમની દુનિયા પિતાની મુસ્કાનની આસપાસ હતી. આમ તો જયભાઈ દેશમાં કે પરદેશમાં જ્યાં પણ વક્તવ્ય આપવા જાય ત્યાંથી કપડા, પરફ્યુમ્સ કે જ્વેલરી કરતા પહેલા પપ્પાને ભાવતા વ્યંજન, ફળો અને ચોકલેટની ભાળ મેળવી લે. અને એ પપ્પા માટે અચૂક લાવે. પપ્પાની મુસ્કાનમાં જયભાઈને જગત આખું હિલોળા લેતું દેખાતુ. છેલ્લે છેલ્લે પપ્પાની તબિયત વધુ બગડતા એમના તમામ કાર્યક્રમો રદ કરી લાગલગાટ બે મહિના સુધી પપ્પાની પથારી પાસે જ રહ્યા. યાદ રહે એક પ્રોફેશનલ વકતાની આવકનું એક માત્ર સ્રોત એમના જાહેર વક્તવ્યના કાર્યક્રમો જ હોય છે. જયભાઈએ આ દિવસોમાં કોઈ કાર્યક્રમ ન લીધા. આવકને ઠોકર મારીને પિતાની પડખે દિવસ રાત રહ્યા.
જયભાઈ મને કહેતા કે, જેમની છત્રછાયામાં મને ક્યારેય તડકાનો અનુભવ નથી થયો. આર્થિક મુશ્કેલીઓના તોફાનોમાં પણ પપ્પાને મેં મારી સામે ક્યારેય ઉદાસ નથી જોયા. એમણે મને ટોક્યો નથી બલ્કે હંમેશા સતત આગળ વધવાનો માર્ગ બતાવ્યો છે. જયભાઈના વક્તવ્યો અને લખાણોમાંથી જેટલી પ્રેરણા મળે એના કરતા સહસ્ત્રગણી પ્રેરણા એમના ‘પિતા પ્રેમ’માંથી મળે એમ છે. બિમારીના બિછાને પપ્પા સાથે લાડુ ખાતા કે પછી પપ્પા સાથે બેસી ગીતો સાંભળતા કે ટીવી ઉપર ફિલ્મ જોતા જયભાઈના મ્હો ઉપરથી ખુશી અને આંખોમાં પિતાપ્રેમ જોઈને ગદગદ ન થવાય તો જ નવાઈ.
બીજી વાત કરવી છે ‘તારક મહેતા કા...’ સિરિયલના સુંદરમામા એટલે મયુર વાકાણીની. ભીમજીભાઈ ત્રિભોવનદાસ વાકાણી ગુજરાતની કલાજગતનું નામ. એમનો દીકરો મયુર વાકાણી. મયુરના પપ્પા મુળ ચિત્ર શિક્ષક. પરંતુ વાંસળી, હારમોનિયમ, એકટિંગ, ડાયરેકશન, કવિતા સર્જન, શિલ્પ ગ્રાફિક અનેક ક્ષેત્રમાં નિપુણ. મયુરભાઈ બાળપણથી પપ્પાની આ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટીના જબરા પ્રેમમાં. બીજા ત્રીજામાં ભણતા ત્યારથી મયુરભાઈ છાતી ફુલાવીને કહેતા ‘મારે પપ્પા બનવું છે.’ આ ‘પપ્પા બનવું’ એટલે ‘પપ્પા જેવું બનવું’. પણ શબ્દો ગોઠવતા ન ફાવે એટલે રોફથી કહે ‘મારે પપ્પા બનવું છે...’
પપ્પા શિક્ષક હતા એટલે મયુરભાઇએ બી.એડ. કરી શિક્ષકની નોકરી લીધી. પણ પહેલા જ દિવસે વિદ્યાર્થીઓએ કર્યું જબરું હુટીંગ. ભાઇ મયુર થોથવાઇ ગયા કશુ સુજ્યુ નહી અને મૂક્યું પાણી કે આપણે પપ્પાની જેમ શિક્ષક ન બની શકીએ. પછી ડિપ્લોમા ઈન ડ્રામા કર્યું પણ કઈ કામ જ ન મળે. બાળપણમાં એક ફુલ લેન્થ પ્લેમાં પપ્પા સાથે એક કેરેકટર ભજવેલું. ભીની આંખોથી ભાઇ મયુર કહે છે કે, ‘આજે ચાર દાયકા પછી પણ પપ્પા જેવું શાનદાર અને જાનદાર પરફોર્મન્સ નથી આવડતું.’ મયુરભાઈ ગર્વથી કહે છે કે, હું માત્ર પાંચ ટકા પપ્પા જેવો છું એટલે મારા પપ્પા ૧૦૫ ટકા છે. પપ્પાનો આદર, માન અને પ્રેમ મયુર વાકાણીની સૌથી મોટી જમા પૂંજી છે. આજે ભલે આખા ભરતમાં અને વિદેશોમાં સુંદરમામા પ્રચલિત છે. પણ એના દિલમાં ઉચ્ચત્તમ શિખરે તો પપ્પાના નામનો જ પરચમ સદાય લહેરાતો જોવા મળે છે. જ્યારે પણ પપ્પાની વાત કહે ત્યારે મયુરભાઈની આંખોમાંથી પિતાપ્રેમનો અસ્ખલીત ધોધ વહેતો અચૂક જોવા મળે.
ત્રીજા મિત્ર હિરેન ભટ્ટની વાત પણ અનોખી છે. આમ તો એક સરકારી અધિકારી અને શહેરની એક જાણીતી સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી સંસ્થાના પાયાના કાર્યકર્તા તરીકે શહેરમાં જાણીતું એવું એનુ વ્યક્તિત્વ. પણ અહીં વાત કરવી છે, ભાઈ હિરેનના અદમ્ય પિતાપ્રેમની. પિતા સુરેશભાઈ ભટ્ટ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી તરીકે નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ લાગલગાટ અઢી દાયકા સુધી એમણે એક વર્તમાનપત્રમાં ‘સુપ્રભાતમ’ નામની દૈનિક કોલમ દ્વારા અસંખ્ય વાચકોની સવાર જ્ઞાનવર્ધક બનાવી. વધતી વયના પરિણામે હવે સુરેશભાઈને આંખે ઓછું દેખાય, કાનથી નહિવત સંભળાય, ચાલતા તકલીફ પડે પણ ભાઈ હિરેન જ્યારે પણ પપ્પાને ઇચ્છા થાય ત્યારે કારમાં બેસાડી સેર સપાટા કરવા નીકળી જાય. બે મિત્રોની અદાથી પિતા-પુત્ર ગામમાં ફરે, ચાની લારી ઉપર ચા પીવે, સેલ્ફી પાડે. આ પિતા-પુત્રની જોડી ભારે મોજ કરે. પપ્પાનો હાથ પકડીને હિરેન થિયેટરમાં ફિલ્મ જોવા પણ લઇ જાય. આંખે નહિવત દેખાય પણ સુરેશભાઈની જીભ સદાય હિરેન, હિરેન કરતા સુકાય નહીં અને હિરેન પણ ‘હા, બાપુજી’ કહેતા થાકે નહીં. પપ્પા સાથે મોજ કરતાં હિરેનને જોઈ હૈયું હરખાય. દાદરો ઉતરી કે ચડી ન શકે તો પપ્પાને તેડીને વોશરૂમમાં લઈ જતા હિરેનને ક્યારેય છોછ ન થાય, બલ્કે પિતાની સેવા કરવાનો અંતરનો આનંદ એના મુખ ઉપર દેખાય.
ત્રણ આધુનિક શ્રવણ પુત્રોની આ નાનકડી વાત ઉપરથી મોટકડો ખ્યાલ આવે કે, જો સાંભળી શકાય તો, બાપના ‘બેટા’ શબ્દમાં સમસ્ત બ્રહ્માંડનો નાદ છે. સમજ પડે તો પિતાની પરિધિમાં સુખનો સાગર
હિલોળા લેતો હોય છે. વિદેશોમાં ઉજવાતા ‘ફાધર્સ ડે’થી હસવું એટલે આવે કે, પપ્પાનો તો કોઇ એકાદ દિવસ થોડો હોય ? પપ્પાના તો દાયકાઓ હોય, સદીઓ હોય...
ધબકાર : બાપની હાજરી સૂર્ય જેવી છે, જ્યારે હોય ત્યારે ગરમી અને ન હોય ત્યારે અંધકાર.
https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/2022/jan/25012022-4.pdf
No comments:
Post a Comment