હદયના
ઉંડાણમાંથી જે સુજે એ જ સાચો સંકલ્પ...
બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રકાશના અદકેરા પર્વ
દિવાળી માટે મઝાની ચાર લાઇનોનોની નાની પ્રાથનાનો ઉલ્લેખ જોવા મળે છે. ‘અસતોમા
સદગમય, તમસોમા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતમ ગમય, ઓમ શાંતિ: ઓમ શાંતિ: ઓમ શાંતિ:’
આનો સાદો સીધો અર્થ એ થાય છે કે, ‘હે પ્રભુ, અસ્ત્યથી સત્યની તરફ અમને તું લઇ જા,
અંધકારમાંથી ઉજાશ તરફ અમને તું લઇ જા, મૃત્યુમાંથી અમરત્વ તરફ અમને તું લઇ જા...’
આપણા શાસ્ત્રોની મજા જ એ છે કે, એના ઉલ્લેખમાં સમસ્ત માનવ જાતના કલ્યાણની વાત હોય છે.
આ પ્રાર્થનામાં પણ ‘મને’ નહીં ‘અમને’ સમગ્ર માનવ જાતના જીવનમાં પ્રકાશ પાથરવાની
પ્રાથના છે. અસ્ત્યથી સત્યની તરફ મને એકલાને નહીં ‘અમને’ બધાને તું લઇ જા એવી ઉદાત
ભાવના ઉજાગર થાય છે.
દીપાવલી એટલે નવા શુભ સંકલ્પ સાથે ઉપર ઉઠવાનો
ઉત્સવ. જીવનમાં આગળ વધવાની કામના કરવાનો ઉત્સવ. સફળ થવા સાચા મનથી સંકલ્પ કરવો
પડે. આ સંકલ્પને સાકાર કરવા સત્યનિષ્ઠાથી પ્રયાસ કરવા પડે. હિન્દી સાહિત્યના મશહુર
કવિ અરૂણ મિત્તલ ઉન્મદ શબ્દોમાં કહે છે કે, ‘યે પ્રકાશ કા અભિનંદન, અંધકાર કો દૂર
ભગાઓ, પહેલે સ્નેહ લુટાઓ સબ પર, ફિર ખુશીયોં કે દીપ જલાઓ...’
સંસ્કૃત શબ્દ ‘દીપાવલી’માં બે શબ્દની સંધિ છે.
‘દીપ’ એટલે દિવડો અને ‘આવલી’ એટલે શૃંખલા. દીપાવલીમાં ઘરો, મંદિરો, બજારો, માર્ગો
ઉપર લાખો દીવડાઓની હારમાળાની ઝગમગાટ પ્રકાશ પાથરાતો હોય છે. દીપાવલી ભારત વર્ષના
જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. ઉડિયામાં દીપાવલી, બંગાળીમાં
દીપાવાલી, ગુજરાતીમાં દિવાળી, સિંધિમાં દિયાળી, નેપાળીમાં તિહાર, મારવાડીમાં
દિયાલી નામે આ તહેવારની ઓળખ છે. નામ ભલે જુદા પણ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસ એક સરખા.
પ્રાચીન સમયમાં ભારત વર્ષમાં કારતક અને મહા
મહિનામાં ઉગેલા અનાજની લણણી બાદ એક તહેવારના રૂપમાં દિવાળી ઉજવવામાં આવતી હોવાનો
ઉલ્લેખો જોવા મળે છે. પદ્મપુરાણ અને સ્કંધપુરાણમાં પ્રથમ સહસ્ત્રાબ્દિના બીજા
ભાગના કેટલાક હિસ્સામાં દિવાળીના તહેવારનો વિસ્તૃત છ્ણાવટ આપેલી છે. સ્કંધપુરાણ
અનુસાર દિવડા સૂર્યનું જાગતું પ્રતિક દર્શાવવામાં આવ્યું છે. દિવડો સૂર્યનું ધરતી
ઉપર પ્રતિનિધિત્વ કરીને પ્રકાશનો સૂત્રધાર માનવામાં આવે છે. સૂર્ય પ્રકાશ ઊર્જાનું
પ્રતિક છે. હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક અને મહા મહિનામાં સૂર્યની સ્થિતિ બદલાતી
હોય છે.
કેટલાક હિન્દુ પરિવારો દિવાળીને યમ અને
નચિકેતાની વાત સાથે જોડીને દિવાળીનો ઉત્સવ ઉજવતા હોય છે. યમ અને નચિકેતાના સંવાદમાં
ખોટું જ્ઞાન અર્થાત અજ્ઞાન અને સાચું ધન એજ શિક્ષણ જેવી જીવનની મહત્વપૂર્ણ
ફિલોસોફી સમાયેલી છે. યમ અને નચિકેતાની આ કહાની ઈ.સ. પૂર્વે પહેલી સહસ્ત્રશતાબ્દિમાં
ઉપનિષદ ગ્રંથમાં વર્ણવાઈ છે. સાતમી સદીમાં નાગનંદમાં રાજા હર્ષના રાજમાં
‘દીપપ્રતિપાદુત્સવઃ’ કહેવામાં આવતું. એ સમયે નવપરણિત વર અને વધુને ભેટ સોગાદ
આપવામાં આવતી. જ્યારે નવમી સદીમાં રાજશેખરજીએ કાવ્ય મિમાંસામાં ‘દીપમાલિકા’નો
ઉલ્લેખ કર્યો છે. એમાં તેમણે લખ્યું છે કે, ભારતમાં આ સમયમાં ઘરની સાફ સફાઈ કરીને
રાત્રે તેલના દિવાઓથી ઘર, માર્ગો અને દુકાનો સજાવવામાં આવતી હતી.
જાણીતા ફારસી મુસાફર અને ઇતિહાસકાર અલ બેરૂનીએ
ભારત ઉપર ૧૧મી સદીમાં કરેલા પરિભ્રમણ બાદ લખેલા સ્મરણોમાં વર્ણવ્યું છે કે, કારતક
મહિનામાં નવા ચંદ્રમાના દિવસે હિન્દુઓ દ્વારા પ્રકાશને આવકારતો ઉત્સવ ઉજવવામાં આવે
છે. યોગ, વેદાન્ત અને સામખ્યા વિયાલય જેવા શાસ્ત્રોમાં અનેક જગ્યાએ એવો સ્પષ્ટ
ઉલ્લેખ મળે છે કે, વિશ્વમાં સૌથી શુદ્ધ, અનંત અને શાશ્વત જેવું કોઈ તત્વ હોય તો તે
મનુષ્યનો આત્મા છે. દિવાળી આધ્યાત્મિક અંધકાર ઉપર આંતરિક પ્રકાશનું અદકેરું મહત્વ પ્રગટાવે
છે. આ તહેવાર અજ્ઞાન ઉપર જ્ઞાનના અજવાશનો ઉત્સવ છે. અસત્ય ઉપર સત્યના વિજયનો આનંદ
છે. બુરાઈ ઉપર અચ્છાઈના વિશ્વાસનો વાસ છે.
ભારતના કેટલાક પશ્ચિમ અને ઉત્તરી પ્રભાગોમાં
દિવાળી હિન્દુ વર્ષની શરૂઆતનું પ્રતિક માનવામં આવે છે. દિવડા પ્રગટાવવાની પ્રથા
પાછળ અલગ અલગ વિચારધારાઓ છે. રાજા રામ અને રાવણની ખૂબ જાણીતી વાત અનુસાર અત્યાચારી
રાવણનો વધ કરીને ૧૪ વર્ષના વનવાસ બાદ મર્યાદા પુરુષોત્તમ રાજા રામ અયોધ્યા પધાર્યા
તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડા પ્રગટાવીને ઉત્સવની ઉજવણી કરી હતી. જ્યારે
કૃષ્ણપંથીઓ આ દિવસે સુદર્શન ચક્રધારી ભગવાન શ્રીકૃષ્ણએ દુષ્ટ નરકાસુરનો વધ કર્યો અને
અનિષ્ઠ ઉપર ઈષ્ટનો વિજય થતાં પ્રસન્નતાપુર્વક દીપપ્રાકટ્ય દ્વારા દિવાળીનું પર્વ
ઉજવે છે. અન્ય એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપ ધારણ કરી દૂરાચારી
હિરણ્યકશ્યપને ભોંયભેગો કર્યો અને દુરાચારીના ત્રાસથી લોકોને મુક્ત કર્યા તેનો
આનંદ દીવડા પ્રગટાવીને મનાવવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે, આ દિવસે
સમુદ્રમંથન પછી લક્ષ્મીજી અને ધનવંતરીજી પ્રગટ થયાં હતાં. અને સમાજમાં સુખ,
સમૃદ્ધિ આવી હતી.
દિવાળીને મહાપર્વ એટલા માટે કહેવાય છે કે,
પ્રતિવર્ષ સંકલ્પો લેવાનો આ શુભ અવસર સાંપડે છે. એટલે એને સંકલ્પોત્સવ તરીકે પણ
મૂલવવામાં આવતો હોય છે. દિવાળીમાં સંકલ્પોના ઘીથી દિવડા પ્રગટાવવાના હોય છે. કઈ
બાબત સૌથી વધુ પ્રેરણા આપી આગળ લઈ જતી હોય છે તે આપણે સ્વયં જ નક્કી કરી શકીએ.
હ્યુમન બિહેવીયરના વિષય ઉપર ખૂબ લાંબુ ખેડાણ કરી ચૂકેલા ઓસ્ટ્રેલિયાની જેમ્સ કૂક
યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ડૉ. એન. સ્વિન બર્નની અનુભવવાણી કહે છે કે, લાંબી
દડમજલ માટેના સંકલ્પોને ટૂકડાઓમાં વહેંચીને એને પ્રતિદિન પોષવાની વૃત્તિ સંકલ્પને
સફળ બનાવે છે. સંકલ્પની સર્જનાત્મકતા ટકાવી રાખવા લાંબાગાળાનું મજબૂત આયોજન
મહત્વનો ભાગ ભજવે છે.
ઓક્ષફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર નીલની દલીલ
છે કે, વ્યક્તિને પોતાની પ્રતિષ્ઠા ખૂબ વહાલી હોય છે. વ્યક્તિ જ્યારે પોતાનો
સંકલ્પ સાર્વજનિક રીતે જાહેર કરતો હોય છે ત્યારે તે લોકોમાં તેની સંકલ્પશક્તિ નબળી
છે એવું સાંખી નહીં લે. એટલે સંકલ્પની જાહેરાત એક રીતે જોઈએ તો પ્રેરકબળ બની રહે
છે.
એકવાર લીધેલાં સંકલ્પ સાકારાત્વ પ્રાપ્ત થાય
ત્યાં સુધી વળગી રહેવા માટેનો આસાન રસ્તો ‘હેમર ટેકનોલોજી’નો છે. સંમયાંતરે
સંકલ્પનું સ્મરણ અને અમલીકરણ અગત્યનું છે. વારંવાર સંકલ્પની યાદનો હથોડો મગજ ઉપર
મારવાથી સંકલ્પ સિદ્ધિની ખિલ્લી બરાબર મનની દિવાલ ઉપર બેસી જશે અને એની ઉપર
સંકલ્પની સરસ મજાની તસવીર શોભી ઉઠશે. દરરોજ સવારે ભગવાનની મંદિર સામે બેસી હાથ
જોડવાની ક્રિયા સતત ચાલે પછી એ એક સંસ્કાર બની જતાં હોય છે. રોજરોજ વારંવાર થતી
પ્રવૃત્તિ જે રીતે સંસ્કારનું રૂપ ધારણ કરે છે એમ શુભ સંકલ્પો સતત વાગોળવાથી
હૃદયના ઊંડાણ સુધી પ્રવેશવા માટે જોરદાર ગતિ કરે છે. સંકલ્પ એક શક્તિ છે. સંકલ્પ
સૌજન્ય છે અને સંકલ્પો જ સંસ્કારનું રૂપ ધારણ કરતાં હોય છે.
દિવાળીમાં ઘણા લોકો અવનવા સંકલ્પોની સૃષ્ટિ ખડી
કરશે. સ્વપ્નમાં પણ ન વિચાર્યા હોય એવા સૂચનોની શ્રૃંખલા પ્રસ્તુત કરશે. દુનિયામાં
સૂચનોવિરોની કોઈ કમી નથી. આ બધાને વાંચો ખરા, જુઓ જરૂર, સાંભળો ચોક્કસ, પણ સંકલ્પ
તો એ જ કરો કે, તમારા હૃદયમાંથી ઉછળીને બહાર આવે. એમ થાય કે, નવા વર્ષે રોજ સાંજે
કે પછી અઠવાડિયે એકવાર અગાશીમાં પલાઠી વાળી ખુલ્લા આકાશને જોઈશ. આકાશમાં વિહરતા
પંખીઓને માણીશ તો એ જ સંકલ્પ કરો. કોણે કહ્યું કે, સંકલ્પ મોટા જ હોવા જોઈએ,
સંકલ્પો ભારેખમ હોવા જોઈએ.
સંકલ્પ તો એવા હોવા જોઈએ કે જે હૃદયમાં આનંદ
આપે. મન ભર્યું ભર્યું થવા લાગે. ચિત્તમાં પ્રાણ ભરી દે. સંકલ્પ તો બસ એક
ઉર્ઘ્વગામી વિચારનો આનંદ માત્ર છે. જે પણ સંકલ્પ સુજે એનાથી દિવાળીને સજાવીએ, સત્કારીએ.
આ વર્ષે જીવનને વધુ એકવાર સવારવા ઈશ્વરે આપેલી તકને મન ભરીને ઉજવીએ.
ધબકાર :
કોઈપણ સંકલ્પને એના ભૌતિક પ્રાપ્તિના કદ કે સમયના દાયરા મુજબ માપદંડોમાં બાંધી
ન શકાય. કોઈપણ સંકલ્પ નાનો નથી કે કોઈ સંકલ્પ મોટો નથી, સંકલ્પ તો બસ સંકલ્પ છે.

No comments:
Post a Comment