જેને
પોતાની જાત ઉપર વિશ્વાસ નથી એ નાસ્તિક છે...
જેને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી એ નાસ્તિક છે. આ વાચીને
ચોકી જવાય પણ એ વાત સો આની સાચી છે. માનસિક રીતે હડબડાયેલા, અસ્પષ્ટ અને બીજાના
વિચારોને પકડી રાખનારામાં આત્મવિશ્વાસ નથી હોતો. ગમે એટલા ભગવાન ભજતા હોય કે બંદગી
કરતા હોય પણ મન – હદયથી તો આવા વ્યક્તિઓ નાસ્તિકની કેટેગરીમાં જ આવે. ઉપરવાળો પણ
પોતાની જાત ઉપર ભરોસો કરનારા સાથે હોય છે.
ગુરુશરણ જ્યોતની વાત છે. બે અઢી દાયકા પહેલાં પંજાબના
ગુરદાસપુરનું નુરપુર નામના નાનકડા ગામમાં ગુરુશરણ જ્યોતનો જન્મ થયો. ગુરુશરણને
નાનપણથી જ ગીતો ગાવાનો જબરો શોખ. ગામડામાં ગીત-સંગીતના કોઈ પદ્ધતીસરની તાલીમ એને
મળી શકે એમ નહતી. એ ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે એક વાર એની સ્કૂલમાં સીંગીંગ
કોમ્પીટીશન યોજાઈ. આ સ્પર્ધામાં એણે પંજાબીમાં પાંચ ગીતો ગાયા. ગુરુશરણનો આ સીંગીંગ
કોમ્પીટીશનમાં ત્રીજો નંબર આવ્યો. સંગીત ક્ષેત્રે આગળ વધવાની આ બાળકની પ્રબળ
માનસિક ઇચ્છાને અહિંથી બળ મળ્યું. સાત વર્ષનો તથાં સુધીમાં તો, ગુરુશરણે ગીત
લખવાનું પણ શરૂ કરી દીધું. ગીત-સંગીતમાં ઊંડો રસ હોવા છતાં ભણવામાં પણ આ છોકરો ઘણો
હોંશિયાર હતો. નાનકડાં નુરપુર ગામથી દિલ્હી આવીને એણે ઉચ્ચ અભ્યાસ કર્યો. સાથે
સાથે ગીતો લખવાનું અને ગાવાનું તો ચાલુ જ રાખ્યું. શહેરોની ઝાકઝમાળ અને સવલતોથી
અજાણ એવા ગુરદાસપુરના નાનકડા ગામમાં તકલીફોમાં ઉછરેલું આ બાળક બીજું કોઈ નહિં પણ
વિશ્વપ્રસિદ્ધ પંજાબી હોટ સીંગર સ્ટાર ગુરુ રંધાવા.
આજે ગુરુ રંધાવાના ‘તું બનતા મેરી રાની..., એકે-૪૭, હાઈ
રેટેડ ગભરુ...’ જેવા ગીતોથી દેશવિદેશમાં ભારે ધૂમ મચાવે છે. એના ‘હાઈરેટેડ ગભરુ’
આલ્બમને વિશ્વભરમાં ૩૨૦ મિલિયન લોકોએ સોશ્યલ મીડિયા પર માણ્યું છે. યુવા દિલો પર
રાજ કરનાર ગુરુ રંધાવા એક જમાનામાં ગ્રામ્ય વાતાવરણમાં શહેરની દુનિયાથી દૂર જીવન
ગુજારતો હતો પણ સંગીત ક્ષેત્રે આગળ વધવાના એના આત્મવિશ્વાસના કારણે આજે એ યુવા
દિલોની ધડકન બની ગયો છે. બાળપણમાં ગાયક બનવાના દ્રઢ નિર્ધાર સાથે આગળ વધેલાં ગુરુ
રંધાવાની પ્રગતિના મૂળમાં અખૂટ આત્મવિશ્વાસનો ખજાનો છે.
સફળ થવા માટે સપના જોવા એ એક વાત છે, અને સફળ બનવા માટે
આત્મવિશ્વાસપૂર્વક સખત પરિશ્રમ કરવો બીજી વાત છે. દુનિયામાં એવા ઘણાં લોકો હોય છે
જે માત્ર મોટી મોટી વાતો કરે છે અને ઊંચા ઊંચા સપના જોયા કરે છે પણ એમનામાં
આત્મવિશ્વાસનો અભાવ હોય છે. પરંતુ ગુરુ જેવા લોકો એડવર્સિટીને પણ આત્મવિશ્વાસથી
ઓપોર્ચ્યુનિટીમાં પલટાવી નાખતાં હોય છે.
હથેળીની રેખાઓમાં ભવિષ્ય જોનારાઓ હંમેશા ભટકી જતાં હોય છે.
પોતાના ઉપર ભરોસો રાખનારાઓ માટે આત્મવિશ્વાસ ગજબની તાકાત બની જાય છે. અન્યના ભરોસે
રહેવાની આદત માણસની સૌથી મોટી કમજોરી હોય છે. રોજ સવારે ઊઠીને હરણ મનમા
આત્મવિશ્વાસ ભરતું હોય છે કે, મારે સિંહથી વધારે તેજ રફતારથી દોડવાનું છે. જો એ એમ
નહીં કરે તો. સિંહ એનો કોળીયો કરી જશે. જ્યારે સામે પક્ષે સિંહ પણ
આત્મવિશ્વાસપૂર્વક વિચારતો હોય છે. મારે હરણથી ફાસ્ટ દોડવાનું છે. નહીં તો એ
ભૂખ્યો મરી જશે. સવાલ એ નથી કે, તમે હરણ છો કે સિંહ. એનાથી કોઈ ફરક નથી પડતો.
મહત્ત્વની બાબત આત્મવિશ્વાસ છે. મોરલ ઈઝ, ‘આત્મવિશ્વાસનું તત્ત્વ’ જીવન જીવવાનું
સાચું સત્વ છે.
આત્મવિશ્વાસ વ્યક્તિને દુનિયાની તમામ તકલીફોને હરાવવાની
શક્તિનો અહેસાસ કરાવે છે. કોઈપણ કક્ષા નક્કી કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
કક્ષા નક્કી કરવાથી વ્યક્તિ પોતાની જાતને મર્યાદાઓમાં બાંધી દે છે. જેમ આકાશને કોઈ
મર્યાદા નથી અને જેમ સાગરને કોઈ સીમા નથી એમ કોઇ પણ સીમા રેખાના દાયરામાં
બંધાવવાની ઝંઝટમાં ક્યારેય પડવાની જરૂર નથી. તમે ક્યાંથી આવ્યા છો એ અગત્યનું નથી.
તમે ક્યાં જવા માંગો છો એ જ સૌથી મહત્વની વાત છે. ભવિષ્યના લક્ષ્ય નિર્ધારણ પહેલાં
મનોમન આત્મવિશ્વાસનો ટ્રેક પાકો કરી લેવાનો રહે.
ઓરેકલના સહ સ્થાપક અને અધ્યક્ષ લોરેન્સ જોસેફ એલિસનની
આત્મવિશ્વાસથી છલોછલ ભરેલી કહાની જીવનમાં ઉતારવા જેવી છે. અવિવાહિત મહિલાની કોખે
મેક્સિકોમાં જન્મેલા લેરીનું બાળપણ ખૂબ કષ્ટમય રહ્યું. સ્ટેટ આર્મી એર કોર્પ્સમાં
પાયલોટ પીતા લોરેંસ-લેરીને હંમેશા ધિક્કારતાં. માસી પાસે ઉછરેલા લેરીને ચીલાચાલુ
શિક્ષણ પ્રણાલિમાં ક્યારેય રસ ન પડ્યો. અને ઉપરથી પારિવારિક રીતે દુઃખી અને ત્રસ્ત
બાળક લેરીના બુલંદ આત્મવિશ્વાસે એને જીવનના સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યો. કોમ્પ્યુટર
લેંગ્વેજના ટેકનિકલ ક્ષેત્રે આગળ વધવાનો લોરેન્સનો દ્રઢ નિર્ધાર યુવાન થતાં
સુધીમાં ઊગી નીકળ્યો.
૧૯૭૭માં સોફ્ટવેર ડેવલપમેન્ટ લેબોરેટરીની લેરીએ સ્થાપના
કરી. અને એ પછી પાછળ વળીને લેરીએ જોયું
નથી. આજે તો ફોર્બ્સની વિશ્વના ફીલેન્ડથ્રોપીસ્ટની સૂચિમાં લેરી વિશ્વના ચારસો
સૌથી અમીર વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. જીવનના અત્યંત કપરા કાળમાં ઉછરેલા લેરીના
દુનિયામા ઉભા થયેલા વજુદના મુળમાં દ્રઢ
આત્મવિશ્વાસ છે.
જીવનમાં આગળ વધવા માટેનું રહસ્ય આત્મવિશ્વાસ છે. જે
વ્યક્તિને પોતાના પર વિશ્વાસ છે એ વ્યક્તિની ઉપર દુનિયા ભરોસો કરતાં ખચકાતી નથી.
જેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે એની ઉપર વિશ્વાસ રાખવાની કોણ હિંમત કરશે ? સફળ
થયેલાં અને બુલંદીઓ ઉપર બેઠેલા લોકોના બે સારા શબ્દો આત્મવિશ્વાસને વધુ બળવત્તર
બનાવતાં હોય છે. પોતાના કાર્યો ઉપર અતૂટ શ્રદ્ધા હોવી જોઇએ. જીવનમાં જે લક્ષ્ય
નિર્ધારીત કર્યો હોય એ પ્રાપ્ત કરવા માટે કોઈ વિચાર, આચાર, ભૌતિક સાધન સામગ્રી,
અન્ય કોઇનો સહકાર જેવી બાબતો કરતાં આત્મવિશ્વાસ સૌથી મહત્વનું પરિબળ બનતું હોય છે.
મહાન કાર્યોનું પ્રથમ પગલું આત્મવિશ્વાસ જ હોય છે. આત્મવિશ્વાસ હારને પણ જીતમાં
બદલી નાખે છે.
ધબકાર -
જેટલું વિચાર્યું
છે એનાથી વધુ પ્રયાસ થાય પછી તકદીરને રૂઠવુ હોય તો ભલે રૂઠે પણ આત્મવિશ્વાસનું બળ
હિંમત ક્યારેય નહી તુટવા દે.

No comments:
Post a Comment