જન્મની
સાથે મૃત્યુ નક્કી છે પણ મરતાં પહેલાં ખુલ્લા આકાશમાં મનભરીને ઉડવાનું છે
- પુલક ત્રિવેદી
ઘણાં સમય પછી બે મિત્રો મળ્યા. ઉત્સાહપૂર્વક ભેટીને
એકબીજાના હાલચાલ પૂછ્યાં. કલાકો બેસીને મનભરીને વાતો કરી. વર્ષો પછી મળેલા મિત્રની
બૌદ્ધિક પ્રગતિ અને વાંચન જોઈને એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, ‘ યાર, તું
તારા આ અનુભવ અને વાંચનને આધારે એક સરસ પ્રોજેક્ટ પ્રોફાઈલ તૈયાર કરી શકે એમ છે
અને એ પ્રોજેક્ટ જો તું તારી કંપનીના ચીફને પ્રસ્તુત કરી શકે તો કંપનીને ખૂબ ફાયદો
થશે. સ્વાભાવિક રીતે જ કંપની તને રાઈઝ આપશે. મને લાગે છે કે, તારી પ્રગતિ એક ઝાટકે
થાય એમ છે.’
પેલા મિત્રએ કહ્યું ‘ ભઈલા, હું જે જગ્યા પર છું
ત્યાં ખુશ છું. મારું સ્થાન અને મારું વેતન બંન્ને મને યોગ્ય લાગે છે. જીવનમાં શું
લઈને આવ્યા છીએ અને શું લઈને જવાના છીએ ? જે કાંઈ પણ મળ્યું છે એ મારી ક્ષમતા
કરતાં પણ ઘણું વધારે છે. હું તો ઈશ્વરનો પાડ માનું છું કે, મને આ સ્થાન પર
પહોંચાડ્યો છે.’
મિત્રએ ફરી આગ્રહપૂર્વક જણાવ્યું ‘દોસ્ત, તારામાં ક્ષમતા
છે. તારી પાસે આ દિશામાં કામ કરવાની શક્તિ છે. સંજોગો પણ સાનુકૂળ જણાય છે. પછી શા
માટે તું તારી જાતને બાંધીને બેસી રહ્યો છે ?’
પેલા મિત્રએ ફરી
પાછો ખોખારીને દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો, ‘આ ધન-દોલત કે સત્તા ક્યાં સાથે આવવાની
છે. જે મળ્યું છે એનો જ આનંદ છે...’ આવા લોકો એક વાયરસ જેવા છે. જંગલની ભયાનક આગ
જેવા છે. બને ત્યાં સુધી આવા લોકોથી હંમેશા છેટા રહેવું સારું. પ્રત્યેક વસ્તુની
અને ઘટનાનો એક ચોક્કસ સમય હોય છે. તમામ શક્તિને કામમાં ઓતપ્રોત કરીને આનંદ
મેળવવાનો હોય છે. શ્રેષ્ઠતમ સ્થિતિ સુધી પહોંચવાનું હોય. માત્ર કામ જ શું કામ, પરિવારમાં
પણ શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ પત્ની, શ્રેષ્ઠ પુત્ર કે પુત્રી બનીને રહે એ જ મસ્તીના
મહાસાગરમાં મહાલી શકે.
સામાન્ય રીતે ઘણાં લોકો એમ કહેતા હોય છે કે, હું ‘ગમે એટલી
મહેનત કરીશ, મને આનું પરિણામ તો નહીં જ મળે. હું જેની માટે આટલી બધી કુરબાની આપી
રહ્યો છું પણ એ મને સાચી રીતે નહીં જ સમજે...’ આવા ડાયલોગ મારીને આગળ વધવાનો પ્રયાસ
ન કરીને પલાયનવાદને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. મરતી વખતે નેપોલિયન બોનાપાટ જેવા
મહારથીનો જનાજો બે હાથ ખુલ્લા રાખીને નિકળ્યો હતો. આવું કહેવાવાળા કામચોર, આળસુ
અને થર્ડ કેટેગરીના લોકો હોય છે. એક વાત સમજી લેવી પડે કે, પતંગનો જન્મ જ આસમાનમાં
ઉડવા માટે થયો છે. પતંગનું ડેસ્ટીનેશન આકાશમાં ઉડવાનું હોય. એનો અંત તો કપાઈને કે
ફાટીને કચરાના ઢગલામાં જ છે, પણ કપાવાની કે કચરામાં પડવાની ચિંતા સાથે પતંગનો જન્મ
થતો નથી.
જે કોઈ પણ ક્ષેત્ર પસંદ કરીએ એ ક્ષેત્રમાં સૌથી ઉપર બેસવાની
તમન્ના રાખવી જોઈએ. ક્ષેત્રના શ્રેષ્ઠ માણસો સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. શિખર
પર બેઠેલા લોકો સાથે બેસવાથી મન અને હૃદય કેળવાય છે. મારે પણ આજે નહીં તો કાલે એક
દિવસ આ શિખર પર બેસવાનું છે એવા નક્કર વિચારોના મૂળીયા નંખાવા જોઇએ.. મારે પણ ખતમ
થવાનું છે અને બીજાએ પણ એક દિવસ ખતમ થવાનું છે. શા માટે ખોટી હાય-વોય કરવી ? એવી
માનસિકતાવાળા લોકોથી હંમેશા બચતા રહેવું જોઈએ. આવા લોકો, કેન્સર જેવા છે. ન પોતે
આગળ વધે, ન બીજાને આગળ વધવાની પ્રેરણા આપી શકે. વેપાર કરો તો સંબંધિત ક્ષેત્રના
શ્રેષ્ઠ વેપારી સાથે બેસવાનું રાખો. વ્યવસાય કરો કે નોકરી કરો કે પછી અભ્યાસ કરો,
શિખર પર બેસેલા વ્યક્તિ સાથે સંપર્ક રાખવાની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે.
જે લોકો એમ કહે કે, વધુ ધનદોલત લઈને શું કરવું છે ? આખરે તો
એક દિવસ ખાખમાં જ મળવાનું છે ને ? આવા લોકો અત્યંત ખતનાક આડાસર પેદા કરતાં હોય છે.
આવા લોકો આખા સમાજમાં નકારાત્મકતાનું નરક ફેલાવે છે. આવા લોકોને કહેવુ પડે કે ભાઇ,
તું મહેનત કરવાનુ ચાલુ રાખ. તુ જે વાધારે સમજે છે એવા તારા વધારાના રૂપિયા દાનમાં
આપવાનો વિકલ્પ છે તારી પાસે. માઈક્રોસોફ્ટ કંપનીના બીલ ગેટ્સે તેની સંપત્તિ દાનમાં
આપી પણ પુરુષાર્થ, મહેનત અને શ્રેષ્ઠતા સાઈડ પર ન મૂકી. વોરેન બફેટ, હિન્દુસ્તાનના
અજીમ પ્રેમજી, ફેસબુકવાળો તરવરીયો યુવાન માર્ક ઝુકરબર્ગ કેટ કેટલા મજબૂત દાખલાઓ છે
કે, જેમણે કામની ગતિને ઓછી ન કરી અને જરૂરતથી વધારે સંપત્તિ સમાજના ઉત્કર્ષ માટે દાનમાં
આપી અલગ તારવી છે.
વિચાર એ કરવાનો રહે કે, જેટલી યોગ્યતા અને ક્ષમતા છે અને જેટલી સફળતા મળવી
જોઇએ, તેટલી સફળતા મળી છે ખરી ? જો આ
પ્રશ્નનો જવાબ ‘હા’માં મળે છે, તો એ વ્યક્તિ માનસિક રીતે બિમાર છે. સફળતા માટે તો
આકાશ પણ ઓછું પડે. આ તો એવી વાત થઈ કે, ૧૦ કિલોમીટર દોડવાની તાકાત છે પણ ૨
કિલોમીટર દોડીને ઊભા રહી જવાય. પાછળ જોઈએ તો અડધા કિલોમીટર દોડીને હાંફી ગયેલો અને
ઊભો રહી ગયેલો વ્યક્તિ પણ છે. એના કરતાં તો બે કિલોમીટર દોડેલો વ્યક્તિ આગળ છે જ.
પાછળ ઉભેલા વ્યક્તિને જોઈને એનાથી તો આગળ છું એમ વિચારવુ જ હોનારત સર્જનારી અને એલાર્મિંગ
પરિસ્થિતિ છે. આ પછાડનારી માનસિકતા છે.
એમાંથી બહાર આવવું પડે. જે જન્મ્યો છે તેણે મરવાનું છે એ નક્કી છે પણ મરતાં પહેલાં
આસમાનમાં ઊડવાનુ છે. પોતાની જાતને પ્રશ્ન પૂછવો પડે કે, જે ક્ષેત્રમાં છીએ એ
ક્ષેત્રમાં શ્રેષ્ઠ બની શક્યા છીએ કે નહીં ? પૃથ્વી પર જન્મ શા માટે લીધો છે ?
ધરતી પર બોજ બનવા માટે જન્મ લીધો છે કે પછી ટાઈમ પાસ કરવા માટે સમયના વહેણની ઉપર
હલેસા મારીને વર્ષો પસાર કરી રહ્યાં છીએ...!
ત્રણ કક્ષાના લોકો હોય. એક માત્ર ટકી રહેવા જેટલું જ કામ
કરતાં હોય. જેને ‘સર્વાઈવલ ગ્રેડ’ના એટલે કે, સાચવીને ચાલવાવાળા લોકો કહેવાય. બીજા
એવા લોકો હોય કે, જે જરૂર જેટલી જ મહેનત કરે. થોડી પણ વધારે કે ઓછી મહેનત ન કરે.
આવા લોકો ‘પોઝીશન મેઈન્ટેઈનીંગ ગ્રેડ’ના એટલેકે પોતાનુ સ્થાન જાળવી રાખવાની
કક્ષાના હોય છે. અને ત્રીજા એવા લોકો હોય છે કે, જે આવશ્યકતા કરતાં અને સરેરાશ કામ
કરવાવાળા કરતાં ઘણાં આગળ હોય અને ઘણું વધારે કામ કરતાં હોય આવા લોકો ‘ટોપ
ગ્રેડ’માં એટલે કે અવ્વલ કક્ષામાં આવતા હોય છે.
મહાન બનેલા પાંચ-સાત વ્યક્તિઓની આત્મકથા વાંચો તો દરેક
આત્મકથાનું સારતત્વ એક સરખુ જ લાગશે. શ્રેષ્ઠતા ભણી પહોચવાની દોડના માર્ગમાં આવતી
મુશ્કેલીઓ લગભગ એક સરખી જણાશે. પારિવારિક તકલીફો, મિત્રોની મજાક, સાથીઓની ખેંચતાણ
વગેરે વગેરે પ્રશ્નો એક સમાન જ હોય. પણ સ્વરૂપ કદાચ જૂદા હોય. વ્યક્તિની ઉંચાઈ
આસપાસના લોકોની કક્ષા ઉપરથી નક્કી થતી હોય છે. પ્રત્યેક ઉંમરની એક અલગ મોજ હોય છે.
દરેક અવસ્થામાં અનુભવના નીચોડનો આનંદ અને કાર્ય કરવાનો તરવરાટ હોય છે. પ્રત્યેક
ઉમર અનુભવની અબજ રૂપિયાની ગલીમાંથી પસાર થતી હોય છે. મુસીબતો જીવનની સચ્ચાઈ છે.
અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનું બાળપણ ખૂબ જ ગરીબીમાં
વિત્યું. એવી જ રીતે ભારતના જાણીતા ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજની આર્થિક સ્થિતિ પણ
અત્યંત નબળી હતી. નેલ્સન મંડેલા, કર્નલ એન્ડર્સ, વોલ્ટ ડિઝની જેવા ઘણા સફળ લોકોએ
પોતાના જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ગરમ ચાની ઉપર જામેલી તોર જોઇ
છે ને ! તોરને ફૂંક મારો અને પછી મોજથી ચાનો ઘુંટડો ગળા નીચે ઉતારો. મુસીબતોનું પણ
એવું જ છે ચા પર જામેલી તોરને મારવામાં આવતી ફૂંકની જેમ મુસીબતોને ફૂંક મારો, એને દૂર
હડસેલો અને પછી સફળતાની ગરમા ગરમ ચાની ચૂસકી મારો...
ધબકાર :
લક્ષ્ય
પ્રાપ્ત કરવા માટે જરૂર છે, દમદાર સંકલ્પની. ઉડવા માટે પાંખો
કરતાં વધુ જરૂર હોય છે દ્રઢ સંકલ્પની.




No comments:
Post a Comment