પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 1 August 2017

દોડવા માટે મૂઠી વાળીને ડગલું માંડીએ તો ખરા...

દોડવા માટે મૂઠી વાળીને ડગલું માંડીએ તો ખરા...
                                                                   - પુલક ત્રિવેદી

 અમેરિકાના ઓહિયો સ્ટેટના મિલાન શહેરની વાત છે. વર્ષ ૧૮૪૭ના ફેબ્રુઆરી મહિનાની ૧૧મી તારીખે નેનસી મેથ્યુસ અને
સેમ્યુલ ઑગ્ડેનના ઘરે પારણું બંધાતું. માતા-પિતા ફુલ જેવા બાળકને પામી ઇશ્વરનો પાડ માનવા લાગ્યા. ધીરે ધીરે બાળક મોટું થવા લાગ્યું. શાળાએ જવા લાગ્યું. શાળામાં નેનસી-સેમ્યુલનો લાડકવાયો એની મસ્તીમાં જ રહેતો. શિક્ષકની કોઈ વાત પર ધ્યાન ન આપતો. એ સતત વિચારોમાં ખોવાયેલો રહેતો. ઉટપટાંગ કામ કરતો રહેતો. એક વાર એણે પક્ષીઓને કીડા ખાતા જોયાં. એણે અનુમાન લગાવ્યું કે કીડા ખાઈએ તો ઊડી શકાય. એટલે એણે થોડા કીડા વાટી પાણીમાં નાખી હલાવીને એના ભાઈબંધને એ પાણી પીવડાવી દીધુ. એને અખતરો કરવો હતો કે આ કીડાં ખાવાથી પક્ષીઓ ઊડી શકે છે તો મારો ભાઈબંધ ઊડી શકે છે કે કેમ ? એનો મિત્ર ઊડી તો ના શક્યો પણ બિમાર ચોક્કસ પડ્યો. પછી લોકોને એના કારનામાની ખબર પડી. પરિવારના લોકોએ એને ખૂબ ધીબ્યો. દિવસે દિવસે એના કારનામા ખૂબ વધવા લાગ્યા. એક દિવસ સ્કૂલમાંથી શિક્ષકે એક ચિઠ્ઠી આપીને એને કહ્યું કે, ‘ આ ચિઠ્ઠિ માત્ર તારી માતાને આપજે બીજા કોઈને આપતો નહીં. ‘શાળાએથી ઘેર પહોંચીને શિક્ષકે આપેલી ચિઠ્ઠી બાળકે માના હાથમાં મૂકી અને કહ્યું. ‘મમ્મી ટીચરે આ ચિઠ્ઠી તારા માટે આપી છે.’ માતાએ પરબિડીયામાંથી કાગળ કાઢીને વાંચ્યો. વાંચતાં વાંચતાં માની આંખોમાંથી દડદડ આસું વહેવા લાગ્યા. બાળકે કુતુહલવશ માને પૂછ્યું, ‘ મા, શું લખ્યું છે તેમાં ?’
આંસુ લૂછતાં માએ કહ્યું ‘ આમાં લખ્યું છે કે, તમારો દીકરો બહુ જ જિનીયસ છે. અમારી શાળામાં એને શિક્ષણ આપી શકે તેવા
શિક્ષકો નથી.



તમારા પુત્રના જેવા ઉત્તમ પ્રકારના દિમાગ માટે અમારી શાળા ખૂબ નાની અને વામણી છે. એટલે હવેથી એને સ્કૂલે
મોકલીને આ જિનીયસનો સમય ન બગડે તેનું ધ્યાન રાખશો. એને તમે ઘરે જ અભ્યાસ કરાવશો. ‘ નેનસી મૃત્યુ પામી ત્યાં સુધી એને ઘરેજ ભણાવ્યો. તેણે ૧૫ વર્ષની ઉંમરે ઘરમાં જ એક નાની પ્રયોગશાળા પણ બનાવી અને એમાં નાના મોટા પ્રયોગો એ કરતો રહેતો. રેલવેના ડબ્બામાં છાપા વેચતો અને એક બોગીમાં નાના-મોટા પ્રયોગો કરતો. એકવાર ડબ્બામાં એનાથી ફોસ્ફરસ પડી જતાં આગ લાગી. આગ તો બુઝાઈ ગઈ પણ ગાડીના ગાર્ડે ખેંચીને એના ડાબા ગાલ ઉપર તમાચો ઠોક્યો. પરિણામે એને કાનમાં ઓછું સંભળાવા લાગ્યું. આ બાળક તો ખુશ થઈ ગયો. ભલું થયું ભાગી ઝંઝાળ. બેકારની નિર્થરક વાતો હવે નહીં સંભળાય.
સમય જતાં આ બાળક દુનિયાનો મોટો વૈજ્ઞાનિક બન્યો. જેણે બાળપણમાં અનેક લોકોની થપ્પડો અને મહેણાં ટોણાંના અંધકારનો
સામનો કર્યો તે બાળકે આખી દુનિયાને રોશનીથી ચકાચોંધ કરતાં બલ્બની શોધ કરી દુનિયાભરમાં મહાન વૈજ્ઞાનિક સંશોધક થોમસ આલ્વા એડિસન તરીકે મશહૂર બન્યો. વિશ્વના પ્રસિદ્ધ મેગેઝીન ‘ લાઈફ ‘ દ્વારા છેલ્લા ૧૦૦૦ વર્ષના સૌથી મહત્ત્વના અને જિનીયસ ૧૦૦ લોકોની ૧૯૯૭માં પ્રસિધ્ધ કરાયેલી યાદીમાં સૌથી પહેલું સ્થાન એડિસનને આપવામાં આવ્યું. ૨૦૦૮માં એડિસનને ન્યુજર્સી હોલ ઓફ ફેઈમમાં સામેલ કરવામાં આવ્યા. ૨૦૧૦માં ટેકનિકલ ગ્રેમી એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૬૯માં એડિસનને ઓટોમોટિવ હોલ ઓફ ફેમમાં મૂકવામાં આવ્યા. આવા તો કેટલાય સન્માનોથી એડિસનને નવાજવામાં આવ્યા. વિશ્વને ૧૦૦૦ જેટલી વિવિધ માનવજીવનમાં ઉપયોગી એવી શોધખોળોની ભેટ એડિસને આપી. એડિસન કહેતાં કે, જે સંશોધન જીવનમાં ઉપયોગી નથી અને ‘સેલેબલ નથી’ એ સંશોધનનો અર્થ નથી. વિજળીના બલ્બ ઉપરાંત એડિસને ટેલિગ્રામ, માઈક્રોફોન, મુંગા ચલચિત્રને અવાજનો પ્રાણ આપવા જેવી અનેક ઉપયોગી શોધ એડિસનના ફાળે જાય છે. દુનિયા આખીને રોશનીથી જગમગાવનાર થોમસ આલ્વા એડિસન ૧૮ ઓકટોબર, ૧૯૩૧ના રોજ ૮૪ વર્ષની વયે મૃત્યુ પામ્યા. આ દિવસે આખા અમેરિકામાં લાઈટ્સ ઓફ રાખીને એડિસનને અંજલિ આપવામાં આવે છે. બાળપણમાં સંકી, પાગલ, એકનું એક કામ અનેકવાર કરવાવાળો માનસિક રીતે બિમાર તરીકે ઓળખાતો બાળક દુનિયા આખીમાં સૌથી બ્રિલીયન્ટ અને જિનીયસ વૈજ્ઞાનિક તરીકે ઓળખાયો. બાળપણથી જ રોજ રોજ હજારો વાર શીશીઓ ઊંધી છતી ગોઠવતાં એડિસને દુનિયા આખીને બલ્બની શોધ કરીને રોશન કરી. અનેક પ્રયાસોમાં જ સફળતાનો પ્રાણ છૂપાયેલો છે. મહાન વૈજ્ઞાનિકની કક્ષાનું સન્માન મળ્યા પછી એક દિવસ થોમસે અચાનક એની મમ્મીના કબાટમાં પડેલી એની યાદગીરી માટે સાચવેલી બેગ ખોલી તો એના કપડાં અને સામાનની સાથે એડિસનને એની ટીચરે આપેલી પેલી ચિઠ્ઠી જર્જરીત હાલતમાં દેખાઈ. એડિસને ફટાફટ એ ચિઠ્ઠી ખોલીને વાંચવાનું શરૂ કર્યં. એનું હૈયું ભરાઈ આવ્યું. આંખોમાંથી સડસડાટ આંસુની ધાર વહેવા લાગી. ચિઠ્ઠીમાં લખ્યું હતું ‘તમારા દીકરાની દિમાગની હાલત બિલકુલ બેકાર છે. એ દિમાગી રીતે બિમાર છે. એ શંકી પ્રકાનો વ્યક્તિ છે. અમે એને શાળામાં ભણાવી શકીએ એમ નથી. એને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે. બહેતર એ જ રહેશે કે તમે એને ઘરે જ રાખો. આ બાળકનું કોઈ ભવિષ્ય નથી.’ આ નોટ વાંચીને એણે એની ડાયરીમાં લખ્યું કે, ‘‘થોમસ આલ્વા એડિસન માનસિકરૂપે બિમાર અને સંકી વ્યક્તિ હતો, જેને એની માતાએ ‘જિનીયસ’ બનાવી દીધો....’’



કોઈ કામમાં પહેલીવારમાં સફળ થઈ જવાય અથવા ન પણ થવાય. એક જ પ્રયાસ કરીને નિષ્ફળ જઇએ તો કામ છોડી
દેવામાં આવે એ બરાબર નથી. લક્ષ સુધી પહોંચવા માટે વારંવાર હજારવાર પ્રયત્નો કરતા રહેવું પડે. પ્રયાસ અને રીયાઝ કરતાં રહેવું પડે. ગાયકને અવાજનો રોજ રોજ રીયાઝ કરતાં રહેવું પડે તો જ માયકલ ઝેકસન, જસ્ટીન બીબર, કિશોરકુમાર, લતા મંગેશકર જેવા જીનિયસ ગાયક બની શકાય. સંગીતકારને વાદ્ય ઉપર રોજ પ્રેકટીસ કરતાં રહેવું પડે તો જ ઝુબીન મહેતા, એ. આર. રહેમાન, આર.ડી. બર્મન, પંડિત જશરાજ, હરિપ્રસાદ ચોરસીયા, જેવા સંગીતજ્ઞ બની શકાય. ચિત્રકારને રોજ પેન્સિલના લીટા અને કલરના લસરકાની ધુન લાગેલી હોવી જોઇએ તો એ પાબ્લો પીકાસો, એમ.એફ હુસેન જેવી કક્ષાએ લઈ જઈ શકે.
પ્રત્યેક નિષ્ફળતા એક નવો માર્ગ આપે છે. પ્રત્યેક અસફળતા એક નવા પ્રયાસને આહવાન આપે છે. થોમસ આલ્વા અડિસન
૯૯૯ વાર નિષ્ફળ ગયા એમ કહેવા કરતાં થોમસ આલ્વા એડિસને ૯૯૯ નવા માર્ગો શોધ્યા. દુનિયાને ઉપયોગી ભાથું આપ્યું. જીવનના દરેક મહત્વના મૂલ્યો ચોપડીમાંથી ગોખીને નથી આવતાં. જીવનના અમૂલ્ય પરિમાણો અનુભવથી ખુલતા હોય છે. અનુભવનું અમૃત પ્રયાસોના પાતાળમાંથે પ્રગટે છે. આપણી સૌથી મોટી કમજોરી હાર માની લેવાની છે. આપણે નાસીપાસ થઇને મેદાન છોડી દેવાની વૃત્તીની બહાર આવવુ પડે. એક વધુ પ્રયાસ કરવામા ખોટું શું છે ? કદાચ ફરી એક વારના પ્રયત્નમાં જોરદાર સફળતાની ચાવી મળી જાય તો...! બસ, એકવાર વધુ કોશિષ કરવા જ્યાં બેઠા છીએ ત્યાંથી ઊભા તો થઈએ... દોડવા માટે મૂઠી વાળીને ડગલું માંડીએ તો ખરા... જ્યાંથી લોકો થાકી-હારીને કામ છોડી દે, ત્યાંથી જ પકડી લેતાં શીખવું પડે. કોઈકે થાકી-હારીને છોડેલી વાત પ્રયાસોના પ્રાણ પૂરીને આગળ વધારવી પડે. સફળતાનો આધાર કરવામાં આવેલા પ્રયાસો અને એની તત્પરતા ઉપર જ હોય છે.

ધબકાર –
પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રયાસ આ ત્રણ શબ્દો માણસનું જીવન બદલી નાખે અથવા બનાવી નાખે.



No comments:

Post a Comment