યુવાનોના પ્રભાવનો જયઘોષ કરતો
‘ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર – ૨૦૧૭’ : ‘યુથક્વેક’
-
પુલક ત્રિવેદી
યુવાનોની તાકાતને ઉજાગર કરતો શબ્દ ‘યુથક્વેક’. આ શબ્દ ૨૦૧૭માં વિશ્વમાં સૌથી વધુ
ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. કેટલીકવાર શબ્દો માન્યતાના આધારે જન્મતા હોય છે. જ્યારે નવો શબ્દ જન્મે છે ત્યારે તેના
પાયામાં સર્વસંમતિનું ગમ્મર વલોણું વલોવાતુ હોય છે. માન્યતાનો આધાર અને સૌકોઈની અનુમતિ ભાષાનુ
બારણું ધણધણાવે છે અને જ્યારે ભાષા અને સાહિત્ય વિશ્વનુ બારણું ખુલે ત્યારે નવા
શબ્દનો પ્રવેશ થાય છે. નવા શબ્દના પ્રવેશ સમયે સાહિત્યનું વિશ્વ આ શબ્દની આતુરતાપૂર્વક રાહ
જોતું હોય છે. ‘યુથ
ક્વેક’ શબ્દ
ભવિષ્યની આશા સાથે જોડાયેલો અદભુત શબ્દ છે.
‘યુથક્વેક’ શબ્દને ધ ઓક્સફોર્ડ ડિક્શનરીએ વર્ડ ઓફ
ધ યર ૨૦૧૭ તરીકે જાહેર કર્યો. ‘યુથક્વેક’ શબ્દ સમૂહમાં પહેલો શબ્દ ‘યુથ’ અને બીજો ‘ક્વેક’ એમ બે જોરદાર શબ્દોનો સમાવેશ થાય છે. ‘યુથ’ શબ્દ વિષેશ ધ્યાનાકર્ષક છે. જે પરંપરાઓના સથવારે નિર્ધારિત ચીલાઓ
ઉપર ચાલે એ વૃદ્ધ. યુવાની
તો વય, વિચાર
અને વર્તન એમ ત્રણ રીતેથી પરખાય. જો કે જ્યારે વય પ્રમાણે યુવાની મુકરર કરવી હોય
તો વિશ્વ સમસ્ત કહે છે કે, ૧૫થી ૩૫ વર્ષ વચ્ચેની વય ધરાવતો વ્યક્તિ યુવાન.
નવું જાણવાની, નવું સમજવાની અને નવું કાર્ય
નિર્ભયતાથી કરવાની તમન્નાવાળો હોય એ યુવાન. વર્ડ ઓફ ધ યર-૨૦૧૭ ‘યુથક્વેક’ શબ્દ સાંસ્કૃતિક, રાજનૈતિક કે સામાજિક બદલાવમાં યુવાનોએ
સર્જેલા જબરજસ્ત પ્રભાવના થયેલા
જયઘોષના સંદર્ભમાં પ્રયોજાયો છે. આ શબ્દ ગત વર્ષે બ્રિટનમાં યોજાયેલી ચૂંટણી
દરમિયાન ખુબ ચર્ચામાં રહ્યો. કોન્ઝર્વેટિવ પાર્ટીના ટેરેસા મેના સાત અઠવાડિયાના
સઘન ચૂંટણી પ્રચાર પછી જૂન તા. ૮, ૨૦૧૭ના રોજ યોજાયેલા મતદાનમાં યુવા મતદારોએ લેબર
પાર્ટીને મન મૂકીને થોકબંધ મતો સાથે ચૂંટી કાઢી. બ્રિટનનો ‘બ્રેગ્ઝિટ વોટ’ અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત
પછી ઉમ્મિદોથી ભરેલો ‘યુથક્વેક’ શબ્દ તાકાતથી ઉભરી આવ્યો. વિશ્વની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ ડિક્શનેરીના
પ્રેસીડેન્ટ કેસ્પર ગ્રાથવોલ છે. પ્રમાણો અને ભાષા સંબંધી આધારો સાથે ‘યુથ ક્વેક’ શબ્દ પસંદ કરવામાં આવ્યો છે. આજે દુનિયામાં અશાંતિના મસમોટા વમળો
સામે દુર્લભ રાજનીતિમાં નવી આશા અને નવા અરમાન સાથેની ઉજળી ભાત ઉપસાવતો ‘યુથ ક્વેક’ શબ્દ મનમાં વિશ્વાસ ભરે છે.
ઓસ્ટ્રેલિયામાં નવેમ્બરમાં જનમત સંગ્રહના
સંદર્ભમાં ‘યુથક્વેક’ શબ્દ મોટાપાયે લોકજીભે ચડ્યો. આ શબ્દને વિશ્વભરના યુવાનોએ
ખૂબ આવકાર્યો. ઓક્સફોર્ડ
ડિક્શનેરીના સર્વેક્ષણ મુજબ ૨૦૧૭માં વિવિધ ભાષણોમાં ‘યુથ ક્વેક’ શબ્દનો ઉપયોગ અનેક ગણો વધી ગયો હતો. આ શબ્દનો ૨૦૧૭માં વિશ્વના અખબારો, પુસ્તકો, બ્લોગ્સમાં પણ બેશુમાર ઉપયોગ થયો.
‘યુથક્વેક’ શબ્દનો સૌથી પહેલીવાર ૧૯૬૫માં જાણિતા મેગેઝીન
‘વોગ’માં ડાયના રીલૈંડે કર્યો. ડાયનાએ ફેશન, મ્યુઝિક અને જનતાના વ્યવહારમાં આવેલા
અચાનક બદલાવના સંદર્ભમાં ‘વોગ’ના જાન્યુઆરી-૧૯૬૫ના તંત્રીલેખમાં ‘યુથક્વેક’ શબ્દ પ્રયોજ્યો હતો.
‘યુથક્વેક’ શબ્દની સાથે બીજા આઠ શબ્દો રેસમાં હતાં.
જેમાં અત્યાંત્યિક જમણેરી વિચારધારાના સમર્થક એવા આતંકવાદી જૂથો બનાવી રાજકીય
વિરોધ કરવાવાળા માટે વપરાતો શબ્દ ‘એન્ટીફા’(Antifa) સૌથી આગળ હતો. આ ઉપરાંત પરંપરાગત અને રૂઢિચુસ્ત
દ્રષ્ટિકોણથી વિચારધારાથી ઘેરાયેલો અને પ્રગતિશીલ વિચારોથી અકળાયેલા વ્યક્તિ માટે
વપરાતો બ્રફ્લેક (Broflake)
શબ્દ, આઉટડોર એક્ટિવિટી માટે ઉપયોગી ડ્રેસ
સ્ટાઈલ માટે વપરાતો શબ્દ જોપકોર (Gopcore),
રાજકીય હેતુસર બ્લેકમેઈલ કરવા કે
જબરજસ્તીથી ગેરમાર્ગે દોરવા પ્રયોજાતો શબ્દ કોમપ્રોમેટ (Kompromat) પણ રેસમા રહ્યા. સાથે સાથે શરૂ શરૂમાં સોશ્યલ
મિડિયા ઉપર ખૂબ મોજ કરતો પણ પછી ટૂંક સમયમાં જ સોશ્યલ મિડીયાથી કંટાળેલો વ્યક્તિ માટે
વપરાતો શબ્દ મિલ્કશેક ડક (Milk shake duke),
એડવર્ટાઈઝીંગ અને સમાચાર દ્વારા પ્રસાર
કે ઉત્પાદનને બ્રાન્ડીંગ કરવા માટેની પ્રક્રિયા માટે વપરાતો શબ્દ ન્યુઝ જેકીંગ (News Jacking), ઝગમગતી
સપ્તરંગી ખાદ્ય સામગ્રી કે પીણા માટે વપરાતો શબ્દ યુનિકોર્ન (Unicorn) અને ગોરાઓ દ્વારા કરવામાં આવતી વંશીય
ટીપ્પણી માટેનો શબ્દપ્રયોગ વ્હાઈટ ફ્રજીલીટી (white fragility) શબ્દ પણ વર્ડ ઓફ ધ યર ૨૦૧૭ માટે રેસમા
હતા. ગત
વર્ષે ૨૦૧૬માં ‘પોસ્ટ
ટ્રુથ’ અને
૨૦૧૫માં ‘ફેઈસ
વીથ ટીઅર્સ ઓફ જોય’ – ‘ઈમોજી’
શબ્દને વર્ડ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું હતું. છેલ્લા એક વર્ષ દરમિયાન વિશ્વના લોકોએ જે શબ્દ
માટે સૌથી વધુ રસ દાખવ્યો હોય એવા શબ્દોને તારવીને એની ઉપર ગહન ચર્ચા થતી હોય છે. આખા વર્ષ દરમિયાન સ્વભાવ, મૂડ, શબ્દનો ઉપયોગ વગેરે પાસાને
ચકાસીને ‘વર્ડ ઓફ ધ યર’ નક્કી થતો હોય છે. જર્મની, રશિયા, યુક્રેઈન, પોર્ટુગલ, નોર્વે જેવા દેશોમાં પણ ‘વર્ડ ઓફ ધ યર’
જાહેર કરવામાં આવતા હોય છે.
યુવાનોની વિચારધારાને સામાજિક રાજકીય પ્રક્રીયા
સાથે જબરજસ્ત રીતે સાંકળી લેતો શબ્દ ‘યુથક્વેક’ ૨૦૧૭ દરમિયાન વિશ્વ સમસ્તની ભાષાઓ દ્વારા સાહિત્યમાં
હલચલ મચાવી ગયો. આમ
પણ કહેવાય છે ને કે યૌવન હંમેશા ખુશહાલ હોય છે કારણ કે, એનામાં ખુબસુરતી જોવાની
અદભુત ક્ષમતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિમાં ખુબસુરતી જોવાની ક્ષમતા હોય છે
તે વૃદ્ધ જ થતો નથી. યુવાની એક મજાનું સપનું છે. એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાથી પેદા થતું
પાગલપન છે. ચાણક્યએ
દુનિયાની બે સૌથી મોટી શક્તિઓમાં ‘યુવાની’ અને ‘નારીની સુન્દરતા’ને સ્થાન આપ્યુ છે. ઘરડો ઘરેડમાં ચાલતો હોય છે. યુવાન વિચારને અમલમાં મૂકી કાર્ય કરે
છે.
‘યુથક્વેક’ શબ્દ જ્યારે વિશ્વ સમસ્તમાં ખૂબ
ચર્ચાયો ત્યારે એડોલ્ફ હીટલરે કરેલી વાત યાદ આવી જાય. હિટલર આમ તો જુલ્મી
સરમુખત્યાર પણ એક તત્વચિંતક પણ ખરો. એણે કહ્યું હતું કે, ચરિત્રને ક્યારેય બગીચા જેવું ન
બનાવવું જોઈએ, જેમાં ગમે તે આવી લટાર મારીને ચાલ્યો જાય. યુવાનીમાં ચરિત્રને આકાશ જેવું બનાવવું
જોઈએ, જ્યાં સુધી પહોંચવા માટે સૌકોઈની પ્રબળ ઇચ્છા થાય અને ત્યાં પહોંચવા મથામણ
કરે. જ્યાં
યુવાની છે ત્યાં વિચારોનો વિસ્ફોટ છે અને અનિતી સામે નીતિમત્તાનું યુધ્ધ છે. યુવાની દુર્ગુણો સામે નિષ્ઠાથી અડગ ઉભો
છે. યુવાનીમાં
કાળની ચાલ બદલી નાખવાની તાકાત હોય. જોશ અને હોશનું ગજબનું સંતુલન જળવાતુ હોય એ
સાચી યુવાની. જેની
પાસે સમસ્યાઓનુ સમાધાન છે અને ઇતિહાસ રચવાની ક્ષમતા છે એ યુવાન છે. યુવાનીને વાતો કરવા કરતાં નક્કર કામમાં
રસ હોય છે. લક્ષ્ય
નિર્ધાર, આત્મવિશ્વાસ
અને સમર્પણની ત્રિવેણી યુવાનીની પહેચાન છે.
સ્વામી વિવેકાનંદે મદ્રાસ અને અત્યારના ચેન્નાઈમાં
યુવાનોને ટંકાર કરતા કહ્યું હતું કે, ‘યુવાનોની ક્ષમતા ઉપર મને અતુટ વિશ્વાસ છે. એમાંથી જ રાષ્ટ્ર નિર્માણના મજબૂત
સૈનિકો પેદા થવાના છે. યુવાનોના પરાક્રમોથી સમસ્ત વિશ્વ બદલાશે. મને સો ચરિત્ર્યવાન અને દ્રઢ મનોબળ
વાળા યુવાનો આપો. હું
રાષ્ટ્રની કાયાપલટ કરી નાખીશ.’ ‘યુથક્વેક’ શબ્દ યુવાનોને રાજકારણ પ્રત્યે ઉદાસિન
છે તે માન્યતાનો છેદ ઉડાડીને સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલી યુવાશક્તિનો પડઘો પાડે
છે.
ધબકાર :
’આજ યે દીવાર પરદો કી તરહ હીલને લગી,
શર્ત યે થી કી બુનિયાદ હીલની ચાહીએ, મેરે સીને મે નહીં તો તેરે સીનેમે સહી, હો કહી
ભી આગ, લેકીન યે આગ જલની ચાહીએ...’ – કવિ દુષ્યંત
No comments:
Post a Comment