કેટલાક
લોકો વિશ્વાસપૂર્વક દગો કરી જાય છે...!
વિશ્વાસ. સાડા ત્રણ અક્ષરના આ શબ્દમાં જબરી
શક્તિ છે. આ શબ્દને બોલતા માત્ર એક સેકન્ડ લાગે પણ
સાબિત કરતા કદાચ આખુ આયખું પણ નીકળી જાય. વિશ્વાસમાં એક એવી અનોખી તાકાત છે કે, જે વીરાન દુનિયામાં હરિયાળી ફેલાવી દે છે. વિશ્વાસ સ્વયં એક તેજપૂંજ છે. સવારના
પહોરમાં મનમાં ઉગેલુ વિશ્વાસનું એક નાનું અમથું કિરણ આખા દિવસનું ડાયમેન્શન બદલી
નાખે છે.
કોઈપણ કાર્યમાં જ્યા સુધી વિશ્વાસના તત્વનો
અભાવ હોય ત્યાં સુધી એ કાર્યમાં સત્વશીલતાના હોતી નથી. નાનું કે મોટું શક્ય કે
અશક્ય લાગતું કોઈપણ કાર્ય વિશ્વાસપૂર્વક ન કરવામાં આવે ત્યાં સુધી એ અસંભવ લાગતું
હોય છે. બે મિત્રોની વાત છે. એક મિત્રની એર કન્ડિશનર બનાવવાની કંપની હતી. કંપનીની
માર્કેટમાં ખુબ સરસ શાખ. બીજો મિત્ર એર કન્ડિશનરના સ્પેરપાર્ટ બનાવવાનું
નાનું-મોટું કામ કરી ગુજરાન ચલાવતો. શાળા અભ્યાસ પછી ઘણા સમયે બંને મિત્રો મળ્યા.
એર કન્ડિશનરની ફેક્ટરી ધરાવતા મિત્રને સ્પેરપાર્ટ બનાવતા મિત્રએ કહ્યું 'તારી કંપનીમાં મારા સ્પેરપાર્ટનો ઉપયોગ ન થઈ શકે ?' પેલા મિત્રએ કહ્યું, ' કેમ નહી. તારા સ્પેરપાર્ટનો ઉપયોગ મારી
કંપની કરશે. તને પણ ફાયદો થાય અને મને સારો માલ મળશે.' મિત્રના સ્પેરપાર્ટ હોવાથી વિશ્વાસપૂર્વક માલિકે કંપનીના ક્વોલિટી કન્ટ્રોલ
વિભાગને સ્પેરપાર્ટ ખરીદવા સુચના આપી દીધી.
થોડા સમયમાં ગ્રાહકોની ફરિયાદ વધવા લાગી.
માર્કેટમાં કંપનીની શાખ બગડવા લાગી. કંપનીની રિસર્ચ ટીમે આ અંગે તપાસ કરી તો ખબર
પડી કે, માલિકના મિત્રની કંપનીમાંથી આવેલા સ્પેરપાર્ટ યોગ્ય ન હતા. એના પરિણામે
કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું. પરિચિત વ્યક્તિ ઉપરના વિશ્વાસનુ આ પરિણામ
ભોગવવાનો વારો આવ્યો. જાણીતા લેખક અને તત્વચિંતક બો બેનેટનું આ સંદર્ભમાં સચોટ
તારતમ્ય છે. એ કહેતા કે, કોઈ એવી વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ જેનો
આધાર જુઠ્ઠાણાઓ પર હોય અને કોઈ એવી વ્યક્તિ સાથે ક્યારેય ખોટું ન બોલવું જોઈએ જેનો
તમારી ઉપર અતૂટ વિશ્વાસ હોય. જો ખોટું બોલવાનું આપણી પાસે સાચું કારણ હોય તો
તેનાથી વધુ સારું કારણ સાચું બોલવાનું હોઈ શકે. સાચી વાત રજૂ થશે તો વિશ્વાસનો
શ્વાસ કાયમ રહેશે.
કોઈના ઉપર વિશ્વાસ રાખવાનું કામ સૌથી સરળ છે.
તકલીફ તો ખોટું બોલીને અવિશ્વાસ કરનારને થતી હોય છે. વિશ્વાસ અને અવિશ્વાસના
દ્વંદ્વમાં એક વિચાર એવો પણ છે કે, જે વ્યક્તિને
તમે બરાબર જાણતા નથી અને એનો અનુભવ નથી એવા વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવાની વાત તમે જે
વસ્તુ ઉપયોગમાં લીધી જ નથી તેની તરફદારી કરીને બીજાને તેનો ઉપયોગ કરવાની ભલામણ
કરવા જેવી છે.
અવિશ્વાસ જીવનને કઠોર બનાવે છે. વિશ્વાસ
જીવનને જોખમભર્યું બનાવે છે. જોખમભર્યો વિશ્વાસ મહત્વના પદાર્થપાઠ શીખવી જીવનને
વધુ શાનદાર બનાવે છે. દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો અને કોઈપણ વ્યક્તિ ઉપર
વિશ્વાસ ન કરવો આ બે એક સરખી કમજોરી છે. એક દીકરીને પિતા ઉપર અત્યંત વિશ્વાસ.
દીકરી દરેક નાની મોટી વાતમાં પિતાનો અભિપ્રાય પ્રાપ્ત કરી વિશ્વાસપૂર્વક આગળ વધે.
આ દીકરીને યુવાનીમાં જેમ બધાને થાય એમ પ્રેમ થયો. પ્રેમ લગ્નમાં પરિણમ્યો. હવે
પિતાની દરેક વાતમાં દીકરીને સંશય થવા લાગ્યો. નાની-મોટી બધી વાતમાં એક ત્રીજા
પક્ષનો અભિપ્રાય ઉભો થતો ગયો. પછી તો દરેક વાતમાં દીકરી માટે એ ત્રીજા પક્ષની વાત
દમદાર લાગતી. ત્રીજા પક્ષનો વિશ્વાસ વધુ મજબૂત બનવા લાગ્યો. જર્મન ફિલોસોફર ફ્રીડ્રિક
નિત્ઝશેના મતે લોકોને તકલીફ એ નથી કે સામેવાળી વ્યક્તિ એની સાથે ખોટું બોલી છે.
તકલીફ તો ત્યાં છે કે, હવે એમની વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ બરકરાર
રહ્યો નથી.
કોઈને ખબર નથી કે, આગલી ક્ષણે શું બનવાનું છે પણ જીવન ઉપર અતૂટ ભરોસો છે. અને એટલે જ આગળ વધવાની
શક્તિ બરકરાર રહે છે. બસનો ડ્રાઈવર, રેલવેનો એન્જિન
ડ્રાઇવર કે વિમાનના પાયલોટ ઉપર વિશ્વાસ છે એટલે જ મુસાફરો નિશ્ચિંત બનીને મુસાફરી
કરી શકે છે. અમેરિકન મોટીવેશનલ રાઇટર અને સ્પીકર સ્ટીફન કોવે વિશ્વાસને જીવનનો
ગુંદર જેવો ચીપકુ પદાર્થ ગણાવે છે. વિશ્વાસ સંસારનું સૌથી અનિવાર્ય અંગ છે.
વિશ્વાસ સંબંધોને જોડતો મજબૂત સિદ્ધાંત છે.
પિતા નાના અમથા બાળકને હવામાં ઊંચે ઉછાળે
ત્યારે બાળક ડરનો માર્યો રડતો કે ફફડતો નથી એતો ખીલખીલાટ હસતો હોય છે. આની પાછળનું
કારણ પિતા પરનો વિશ્વાસ છે કે પિતા એને ચોક્કસ ઝીલી લેશે. જીવન ઈશ્વરે આપેલી મજાની
બક્ષિસ છે. બાળકની જેમ એની ઉપર ભરોસો રાખવો પડે. વિશ્વાસનો સત્ય સાથે જન્મ થાય છે
અને સત્ય સાથે જ મૃત્યુ થાય છે. કેટલાક લોકો ખૂબ વિશ્વાસપૂર્વક દગો કરી જાય છે.
દુનિયાનો કાનૂની ઈતિહાસ તપાસવામાં આવે અને સૌથી મોટા ગુનાઓનું પૃથક્કરણ કરાય તો
ખ્યાલ આવે કે આ બધા ગુનાઓના પાયામાં વિશ્વાસઘાત જ રહેલો છે.
એક કાલ્પનિક પણ અસરકારક કથા છે. જ્ઞાન, ધન અને વિશ્વાસ ત્રણ પાક્કા ભાઈબંધો. ત્રણેય વચ્ચે ખૂબ પ્રેમ. એક વખત એવો
આવ્યો કે ત્રણેયને અલગ થવું પડ્યું. પરંતુ અલગ થતાં
પહેલાં ત્રણેય મિત્રોએ એક બીજાને પૂછ્યું, ‘ હવે ફરી આપણે ક્યારે મળીશું. ‘ સૌથી
પહેલાં જ્ઞાને કહ્યું કે, ' હું મંદિર, મસ્જિદ, દેવળ અને વિદ્યાલયમાં
મળીશ. ' બીજા મિત્ર ધને કહ્યું કે, ' હું અમીરોની તિજોરીમાં મળીશ. ' પરંતુ વિશ્વાસ
ખામોશ ઉભો રહ્યો. બીજા બે મિત્રો ધન અને જ્ઞાને પૂછ્યું, ' ભાઈ તું કેમ આમ ચૂપચાપ છે ?
તું ક્યાં મળીશ ? ' ત્યારે વિશ્વાસે ભારે હૈયે અશ્રુ સાથે કહ્યું
કે, ' હું એકવાર જતો રહીશ પછી ક્યારેય નહીં મળું. ' વિશ્વાસ જાય એટલે શ્વાસ છોડી દે. મૃત્યુ પામે. પણ અવિશ્વાસ
જંગલના આગ જેવો હોય. ખૂબ ઝડપથી ફૂલેફાલે. જે દિવસે પોતાની જાત ઉપર વિશ્વાસ ન રહે
અને સંશય વધતો જાય ત્યારે સમજી લેવું પડે કે, જીવન અવળા
માર્ગે જવાની તૈયારી કરી રહ્યું છે.
ધબકાર
:
જ્યાં
સુધી વિશ્વાસનું સત્ય ચપ્પલ પહેરે ત્યાં સુધીમાં તો અવિશ્વાસનું જૂઠાણું અડધી
દુનિયાની સેર કરી લે છે.


No comments:
Post a Comment