પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 13 August 2018

શબ્દો વગર સમજાઈ જાય ત્યારે સંચાર કલાનું સ્થાન મેળવે છે


શબ્દો વગર સમજાઈ જાય ત્યારે સંચાર કલાનું સ્થાન મેળવે છે

જાણકારી અને પ્રસાર આ બે શબ્દોમાં હંમેશા ગોટાળાપંચક થયા કરે છે. આ બન્ને શબ્દોને અવાર નવાર  એકબીજા માટે ઉપયોગ થતો જોવા મળે છે. ખરેખર તો આ બંને શબ્દોના અર્થ, તાકાત અને સંદર્ભ બિલકુલ અલગ છે. જાણકારી એટલે અંગ્રેજીમાં ઇન્ફર્મેશન અને હિન્દીમાં સુચના. અને પ્રસાર એટલે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન અને અને હિન્દીમાં સંચાર. જાણીતા લેખક સિડની હેરિસ કહે છે કે, જાણકારી માહિતીથી ભરેલી હોય છે, જ્યારે પ્રસાર અલગ-અલગ માધ્યમોનો ઉપયોગ કરીને થાય છે. 
આજે વાત કરવી છે, કોમ્યુનિકેશનની. સંચારની શક્તિ અત્યંત નિરાળી છે. જેની પાસે પ્રસાર અને સંચારની શક્તિ છે એ હંમેશા જિંદગીની રેસમાં આગળ નીકળી જાય છે. ફૂલોના મનમોહક રંગો અને સુગંધ જીવનમા વગર શબ્દે ઉલ્લાસનો સંચાર કરે છે. કવિ ઉદયન ઠક્કરના શબ્દોમા પેલી મઝાની વાત સંચારના આહલાદને અભિવ્યક્ત કરે છે. ‘કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ? રંગબેરંગી પતંગિયાની ઊડાઊડને ક્યાં કોઇ ભાષાની જરૂર હોય છે. પણ અદભુત આનંદ કમ્યુનિકેટ કરે છે. જ્યાં સુધી કોઈ ચોક્કસ ભાષા અને શબ્દો ન હતા ત્યારે પણ સંચારની વ્યવસ્થા તો હતી જ. ચિત્રો અને સંજ્ઞાઓ દ્વારા વાત કોમ્યુનિકેટ થતી હતી. ચિંતક વોલ્ટ ડિઝની તો ત્યાં સુધી કહે છે કે, કોમ્યુનિકેશનની પરિભાષામાં ચિત્રો સૌથી અસરકારક માધ્યમ બનીને મોખરે બિરાજે છે. કહયાં વગર હાવભાવ અને અહેસાસથી જે વાત સમજાઇ જાય એ પણ ઉત્તમ કોમ્યુનિકેશન છે. 
વર્ષો પહેલા કેનેડાના એક નાનકડા પરાગણામા બનેલી ઘટના યાદ આવે છે. ડગ્લાસ નામનો એક વેપારી. એણે એક રીંછ પાળ્યું હતું. એને એ ખૂબ ચાહતો. એને ખવડાવતો. રોજ એની સાથે રમતો. એની દેખભાળ રાખતો. એક વખત વેપારના કામ માટે ડગ્લાસને બે-ત્રણ મહિના બીજા શહેરમાં જવાનું થયું. રીંછની દેખભાળ કરવાવાળું કોઈ ન હતું એટલે એના ઘર પાસે આવેલા એક પ્રાણી સંગ્રહાલયનો એણે સંપર્ક કર્યો. નિયમ અનુસાર રકમ ભરીને ડગ્લાસે રીંછને પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં મૂકીને એ નિરાંતે એના કામ માટે બીજા શહેરમાં ગયો. 
ત્રણ ચાર માસ પછી એના બિઝનેસનું કામ પૂરું થતા પાછો પોતાના ગામ આવવા માટે નીકળ્યો. ઘરે જતા પહેલા સીધો એ પ્રાણી સંગ્રહાલયમાં ગયો કે જ્યાં એણે એનુ વહાલુ રીંછ મૂક્યું હતું. રીંછના પાંજરા પાસે જઇને એણે સુરક્ષા ગાર્ડને કહ્યું, ‘મને આ પાંજરું ખોલી આપો. મારે મારા રીંછને મળવું છે. હું એને ઓળખું છું. આ મારૂ રીંછ છે.’ સુરક્ષા ગાર્ડ નવો હતો. એણે ડગ્લાસને પાંજરાનો દરવાજો ખોલી રીંછ પાસે જવા દીધો. ડગ્લાસ તો રીંછ પાસે જઈ એને પ્રેમથી ભેટ્યો. પછી રીંછના ગળે, પેટ ઉપર ખૂબ પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. રીંછ પણ ગેલમા આવી ગયું. ડગ્લાસ સાથે પ્રેમથી ખૂબ રમવા લાગ્યું. ગાર્ડ અને અન્ય લોકો પણ રીંછ અને ડગ્લાસને જોઈને રાજી થઈ ગયા. એટલામાં પ્રાણી સંગ્રહાલયનો મેનેજર દોડતો ડગ્લાસ પાસે આવીને એને પાંજરામાંથી બહાર બોલાવ્યો. મેનેજરે ગાર્ડને રીંછના પાંજરાનો દરવાજો બંધ કરવા સૂચના આપી. ડગ્લાસ સમજી ન શક્યો મેનેજર આમ કેમ કરે છે. આશ્ચર્યચકિત બનીને ડગ્લાસે મેનેજરને પૂછ્યું, 'કેમ તમે આમ કરો છો. હું તો મારા રીંછને મળતો હતો. તમે તો જાણો છો એ મારું પ્રિય રીંછ છે. હું જ એને અહી મૂકી ગયો હતો.' ત્યારે મેનેજરે વિનમ્રતાથી કહ્યું, 'તમે જે રીંછ મૂકી ગયા હતા તે મહિના દિવસમાં અસાધ્ય બીમારીને કારણે મૃત્યુ પામ્યુ હતું, આતો બીજું જંગલી રીંછ છે. તમે જેની સાથે મોજથી ગમ્મત કરતા હતા એ તમારું રિછ નથી.' ડગ્લાસના શરીરમાં એક મિનિટ માટે તો લખલખું પસાર થઇ ગયું. એના માથે વીજળી પડી હોય એવું એને લાગ્યું. 
જોકે આ આખી ઘટનામાં વગર બોલે અહેસાસ અને લાગણીસભર હાવભાવ અને પ્રેમનના અસરકારક કોમ્યુનિકેશનના કારણે તદ્દન અજાણ અને નવું હિંસક પ્રાણી રીંછ ડગ્લાસના વહાલનો પ્રતિસાદ આપતું રહયું. કોઇ પણ ભાષા કે કશું પણ બોલ્યા, કહયાં વગર થતાં કોમ્યુનિકેશનનું મજબૂત ઉદાહરણ.
સંચારની પરિભાષામાં જે વાત નથી કહેવાઇ પણ સામેની વ્યક્તિને એ સમજાઈ જાય એ સૌથી અસરકારક કોમ્યુનિકેશન કહેવાય. લાગણીસભર હાવભાવ સંચારના મજબૂત સાધનો છે. એવું જ સંગીતની બાબતમાં છે. સંગીત સંચારનું ઉત્તમ સાધન છે. સાયન્ટિફિકલી પુરવાર થયું છે કે, માનવી સહિત દરેક જીવના શરીર ઉપર સંગીત દ્વારા અસરકારક સંચારનો પ્રભાવ પડતો જોવા મળ્યો છે. 
સંચાર કૌશલ્ય એ કલા પણ છે અને વિજ્ઞાન પણ છે. વ્યક્તિગત કે સમૂહ માટે સંચાર કૌશલ્ય ઉપર નિષ્ણાતો સતત સંશોધન કરતા હોય છે એની પાછળનો મહત્વનો ઉદેશ અસરકારક રીતે નિર્ધારિત પરિણામ પ્રાપ્ત કરવાનો હોય છે. વિશ્વમાં જેટલા પણ મહાન નેતા કે પ્રભાવક ગુરૂઓ થઈ ગયા અને છે એમની અભિવ્યક્તિની કલા બહેતરીન હોય છે.
સારા કોમ્યુનિકેટર હંમેશા બીજાની વાતને ધ્યાનથી સાંભળતા હોય છે. પોતાની વાત કહેવાની ઉતાવળમાં કોમ્યુનિકેશનનું મૂળ હાર્દ જ માર્યુ જાય છે. એકવાર એક અખબારના તંત્રીએ અખબારની નીતિવિષયક બાબતને લાગતાં મહત્વના ફેરફારો માટે અખબાર સાથે સંકળાયેલા તમામ લોકોને એકત્રિત કરીને ત્રણ કલાક સુધી એમની વાતો સાંભળી. અને પછી છેલ્લે તંત્રીએ એમની વાત મૂકી. સૌ કોઈએ તંત્રીની વાતને એક અવાજે સ્વીકારી લીધી. 
સંચાર કલાની એક નોંધનીય ખાસિયત રહી છે કે, જ્યારે કોઈ વાત રજૂ થતી હોય ત્યારે વાત રજૂ કરનાર સામે આખ મિલાવી એની વાતમાં રસ હોવાનો રજુઆતકર્તાને અહેસાસ કરાવવો. આ બાબત સંસાર કલાનો પાયાનો સિદ્ધાંત છે. સ્માઇલિંગ ફેઈસ અને હકારાત્મક બોડી લેંગ્વેજ કમ્યુનિકેશન વધુ અસરકારક બનાવે છે. મુદ્દાસર અને ટૂંકમાં રજૂ કરાયેલી વાત બહુ ચોટદાર હોવાનું નોંધાયું છે. તસ્વીરો, ચિત્રો, હાવભાવ, શિલ્પ, અહેસાસ, મૌન, સંગીત, લખાણ વગેરે સંચારની દુનિયાના પ્રભાવક કમાન્ડરો કહેવાય છે.

ધબકાર :
એક સાચો શબ્દ પ્રભાવી હોઇ શકે, પણ કોઇ શબ્દ, યોગ્ય સમયે આપવામાં આવેલા અલ્પવિરામ જેટલો પ્રભાવી ક્યારેય નથી બની શકતો.






No comments:

Post a Comment