‘રોકેટ મેન’ ઇલોન મસ્કના રૂપમાં
દુનિયાની નવી ઉમ્મીદ
ઈલોન મસ્ક. એક એવું નામ છે કે,
જેણે પોતાની આગવી શૈલીથી બિઝનેસ વર્લ્ડને ૩૬૦ ડીગ્રીએ બદલી નાખીને નવી દિશા આપી. સ્કવાયર મેગેઝીને મસ્કને ૨૧મી સદીના વિશ્વના
ટોપ મોસ્ટ ૭૫ પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું છે. પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન મેગેઝીને પણ ઈલોન
મસ્કને વર્ષ ૨૦૧૩માં ‘બિઝનેસ પર્સન ઓફ ધ ઈયર’નો એવોર્ડ આપી નવાજ્યા હતા. આ વ્યક્તિમાં એવું તો શું છે કે, છેલ્લ એક દશકમાં જ વિશ્વભરના
ઉદ્યોગપતિઓ અને વ્યાપાર સાહસિકો માટે એ આઈકોનિક ઈમેજ બની ગયો. દુનિયા બદલી નાખવાની વાત તો દરેક કરતા
હોય પણ બહુ ઓછા લોકો ખરેખર દુનિયા બદલી શકતા હોય છે. ઇલોન એ પૈકીનો જણ છે. ભીડથી અલગ વિચારવાની મસ્કની શક્તિ
કાબિલે તારીફ છે. જ્યારે
ઠીકઠાક સફળ વ્યક્તિ સપ્તાહના ૩૮થી ૪૦ કલાક કામ કરી પોતાને સફળ સમજતા હોય છે ત્યારે મસ્ક જેવા વ્યક્તિ સપ્તાહના ૮૦
થી ૧૦૦ કલાક કામ કરીને જેટ સ્પીડે આગળ વધતા હોય છે.
દુનિયાનો સનાતન નિયમ છે કે, નિષ્ફળતાના ખોળામાં જ સફળતાનું બાળક ઉછરતું
હોય છે. જીવનમાં
જે હાર્યો નથી એને અસલી જીતનો સ્વાદ જ ખબર નથી. પછડાટ વગર આગળ વધવાની વાતમાં કોઇ દમ
હોતો નથી. ટીકા
અને નકારાત્મક અભિપ્રાયોથી ઘણા લોકો નાસીપાસ થઈ જતા હોય છે. ટીકાઓના કારણે હતાશ થઈ પોતાના લક્ષ્યથી
ભટકી જનારાઓની દુનિયામાં કમી નથી. મસ્કે એકવાર તેના સાથીઓને કહ્યું હતું કે, ટીકાઓ અને નકારાત્મક અભિપ્રાયોને
સોનાની જેમ સમજવાની વૃત્તિ કેળવો. અંતિમ લક્ષ્ય સુધી પહોંચતા પહેલા બધા નકારાત્મક
અભિપ્રાયો અને ટીકાઓનું એક પછી એક સમાધાન શોધી લેવું જોઈએ અને પછી જે અંતિમ સર્જન
થાય તે સર્વોતમ બની જતું હોય છે.
સામાન્ય રીતે શું કરવું છે અને કઈ દિશામાં
દોડવું છે,
એની જ મોટાભાગના લોકોને સ્પષ્ટતા નથી હોતી. પરિણામે આવા લોકો અડધી પડધી વાતને સફળતાનો આખો
લાડવો સમજી સંતોષ માની લેતા હોય છે. કોઈપણ ક્ષેત્રે પહેલા સંપૂર્ણ રીતે વૈચારિક
સ્પષ્ટતા હોય તે જરૂરી છે. પછી દુનિયા આખી ભલે એ વિચારનો વિરોધ કરે એની ફીકર કરવાની જરૂર જ નથી. મસ્ક કહે છે કે, સૌથી પહેલાં તો વ્યક્તિએ પોતાની જાત
સાથે સંવાદ કરતા શિખવું પડે. પહેલા પોતે સંપૂર્ણ રીતે કોઇ એક વિચાર સાથે
સંમત થાય તો જ પોતાની જાતને નવા વિચારને મૂર્તિમંત કરવા તૈયાર કરી શકાય. મસ્કની મંગળ ઉપર માનવ વસાહત બનાવવા
માટે રોકેટ લોંચીંગની વાતને શરૂ શરૂમાં વિશ્વના ટેકનોક્રેટ્સે હવાઇ કિલ્લા કહીને
ખુબ ખિલ્લી ઉડાવી હતી. આજે વિશ્વ ઇલોનના વિચારને સલામ મારે છે. આ છે વૈચારિક સ્પષ્ટતાની તાકાત. કોઈપણ વિચાર અમલમાં મૂકતા પહેલાં ધ્યેય
નક્કી કરી મનમાં પાક્કી ગાંઠ મારવી પડે. ઈલોન મસ્ક કૉલેજ કાળથી સતત વિચારતો કે, એક દિવસ
એવું કામ કરીને બતાવીશ કે દુનિયા બદલાઈ જશે. આજે દુનિયા આ બિઝનેસ ટાયફૂનને ‘રોકેટ મેન’
તરીકે નવાજે છે.
મસ્કનું જીવન પણ કોઇ ફેરી ટેલથી કમ નથી. એનુ બાળપણમાં અત્યંત કપરી પરિસ્થિતિ
વિત્યું.
ઈજનેર પિતા અને મોડેલ માતાનું સંતાન ઈલોન મસ્ક ૧૯૭૧ની ૨૮મી જૂને આફ્રિકાના
પ્રિટોરીયા શહેરમાં અવતર્યું ત્યારે કોને ખબર હતી કે, આ બાળક ભવિષ્યમાં રોકેટ મેનના રૂપમાં આધુનિક
દુનિયાની નવી ઉમ્મીદ બનીને ઉભરી આવવાનું છે. બાળપણથી જ ઈલોનને વાંચવાનો જબરો શોખ. ઈલોન દસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો
એવા પુસ્તકો વાંચી જતો જેને વાંચતા ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને
ફાંફા પડતા. વૈચારિક
મતભેદના કારણે ઈલોનના માતા-પિતાનું લગ્નજીવન તૂટી ગયું. માતા કેનેડા જતી રહી. ઇલોનના જિવનમાં આવેલો આ પહેલો ઝટકો
હતો.
હાઈસ્કૂલ શિક્ષણ બાદ આગળ અભ્યાસ માટે ઇલોન માતા
પાસે કેનેડા જતો રહ્યો. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી ઈલોને ફિઝિક્સમાં
પીએચડી થવા અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. પણ આ જિનિયસ બ્રેઈનને ખબર પડી ગઈ કે, આગામી યુગ ઇન્ટરનેટનો છે. માત્ર બે જ દિવસમાં પીએચડીના અભ્યાસને
ટાટા બાય બાય કરી એણે ભાઈ સાથે મળી ઓનલાઈન સોફ્ટવેર કંપની શરૂ કરી. કંપની સ્ટેબલ કરીને એણે આ કંપની વેચી
મારી. એમાથી
મળેલા ભાગમાંથી એણે એક વેબસાઈટ બનાવી અને એને એક મલ્ટી મિલિયોનીયર કંપનીને વેચી. એમાંથી એ ૧૬૫ મિલિયન ડોલર કમાયો. પણ મસ્કનો ઇરાદો જુદો જ હતો. એના તો દુનિયા બદલી નાખવાના મનસુબા હતા. મસ્કને તો મંગળના ગ્રહ ઉપર ધરતીવાસીઓ
માટે ઘરનું ઘર બનાવવુ હતું. સસ્ટેનેબલ એનર્જીનો ઉપયોગ કરીને ગ્લોબલ
વોર્મીંગ સાથે બાથ ભીડવી હતી. ટ્રાફિક મેનેજમેન્ટ માટે હાઈપર લીંકથી વિશ્વને
ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરવુ હતું. માનવજાતના કલ્યાણ માટેના આવા મેગા પ્રોજેક્ટ
ઉપર કામ કરવાની દિશામાં ઇલોનનુ મગજ સતત દોડતુ હતુ.
મસ્કનું દિમાગ જરા હટકે કેવી રીતે રીતે વિચારે
છે એનું એક સેમ્પલ એ છે કે, આપણે જાણીએ છીએ કે, સામાન્ય રીતે સેટેલાઈટ
અવકાશમાં તરતા મૂકતા રોકેટ ફરી પાછા ઉપયોગમાં નથી લઈ શકાતા. જ્યારે મસ્કના જીનીયસ માઇન્ડે ‘રીયુઝેબલ
રોકેટ’ બનાવવાનુ નક્કર કામ કર્યું છે. ફરી ઉપયોગમાં લઇ શકાય એવા મસ્કના રોકેટ આજે
વિશ્વની વાસ્તવિકતા છે.
કંઈક અલગ કરવા માટે આવા વ્યક્તિઓના હૃદયમાં
સદાય એક બાળક ધબકતું હોય છે. આવા લોકો બાળકની જેમ સતત પ્રશ્નો પૂછતા રહેતા
હોય છે. એક
સામાન્ય વ્યક્તિની અસામાન્ય બનવાની સફર ત્યારે જ શરૂ થઈ કહેવાય કે, જ્યારે એ
શોર્ટકટ અને આસાન રસ્તાઓ છોડી પરિશ્રમવાળા મુશ્કેલ માર્ગે ચાલવાનું પસંદ કરે. દરેક માણસ એમ જ વિચારે છે કે, હું ક્યારેય દુઃખી ન થાઉં પણ શું એ શક્ય
છે ? મુસિબતો
અને પ્રશ્નો પ્રતિપળ
માર્ગમાં મોઢું ફાડીને તમને ગળચવા ઊભા જ હોય છે. આની સામે બાથ ભીડવાની હોય છે. ઇલોન મસ્ક બનવા ‘સમથીંગ ડીફરન્ટ’ કરવુ
પડે. પરિશ્રમના
પ્રસવેદમાં નહાવુ પડે. તકલિફોમાં માર્ગ કાઢવા હમેશા તૈયાર રહેવુ પડે.
જે વ્યક્તિ સ્વયં મેદાનમાં કુદી પડે એ જીતવા
માટે પૂરી તાકાતથી મુકાબલો કરે છે. કોઇના ભરોસે વિશ્વાસ રાખીને બેસી ન રહેવાય. શસ્ત્રો લઈને મુઠ્ઠીઓ વાળીને રણમેદાનમાં
ઉતરી જવું પડે. યુદ્ધનાં
તમામ દાવપેચ આવડવા જોઈએ. મસ્ક જેવા સફળ બિઝનેસ ટાયફૂનની જેમ ટેલીફોન ઓપરેટરની માફક ફોન રીસીવ
કરવાથી માંડીને સ્ટાફ કિચનમાં ચા બનાવવા જેવી નાની નાની બાબતથી માંડીને ભીમકાય
મશીન ચલાવવાની તમામ કામગીરી આવડવી જોઈએ. ‘ક્યોં આસમા મેં સુરાખ (કાણું) નહી હો સકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો...’ દુષ્યંત કુમારજીની આ પંક્તિ દમદાર કરતા
સમજદાર લોકો માટે વધુ બંધ બેસતી છે.
ધબકાર :
પ્રત્યેક અક્ષરમાં મંત્ર હોય છે, દરેક
વનસ્પતિમાં ઔષધિના ગુણ હોય છે, બધી વ્યક્તિ કામની હોય છે માત્ર એનો યોગ્ય
કાર્યમાં ઉપયોગ કરનાર માણસ મળવાની જ વાર હોય છે.

No comments:
Post a Comment