પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 2 September 2019

‘ડેડી, હું સાદગીથી લગ્ન કરીશ અને એ નાણાથી ગરીબોનુ પેટ ઠારવા માગું છું’


ડેડી, હું સાદગીથી લગ્ન કરીશ અને એ નાણાથી ગરીબોનુ પેટ ઠારવા માગું છું

અમદાવાદના એક પોશ વિસ્તારમાં જયેશભાઈનું ઘર. ઈશ્વરકૃપાથી એમનો બિઝનેસ દિવસે ન વધે એટલો રાત્રે કુદકે ને ભુસકે વધતો જાય. પૈસે ટકે સંપન્ન જયેશભાઈનું ચૂસ્ત વૈષ્ણવ પરિવાર. પત્ની અને બે દીકરા સાથેના સુખી અને સમૃદ્ધ સંયુક્ત કુટુંબની આ કહાની છે. સમયનાં પવનમાં કેલેન્ડરના પાના ફરફરતા જતા હતા. દીકરાઓએ બાળપણની દહલીજ પાર કરી યુવાનીના ઉંબરે પગ મૂક્યો. જયેશભાઈનો મોટો દીકરો વિરાંગ હવે પોતાનો બિઝનેસ કરવા લાગ્યો હતો. એમબીએનો ઉચ્ચ અભ્યાસ કરીને પિતાના પગલે વિરાંગ મન દઈને બિઝનેસમાં રચ્યો પચ્યો રહેવા લાગ્યો.



યુવાનીમાં ચારેય દિશાઓ હસીન અને રંગીન લાગે. જીવનમાં ભરપુર આનંદ અને ઉલ્લાસ હોય. આકાશ આખુ હાથવગુ લાગે. વળી આર્થિક ક્ષમતા અને મોભાદાર પરિવારનું ટેગ હોય એટલે યુવાની ભવ્ય લાગવા લાગે. વિરાંગનું એક છોકરી સાથે મન મળી ગયું. પિતા જયેશભાઈને પુત્રની ખુશીને પોતાની ખુશી સમજી બન્નેના ધામધુમથી વિવાહ કરાવી આપવા રાજી થયા. શહેરના પ્રતિષ્ઠિત બિઝનેસમેનો, રાજદ્વારીઓ, સનદી અધિકારીઓને વિરાંગના લગ્નમાં નિમંત્રીને જયેશભાઇએ વિરાંગના લગ્ન ધામધુમથી કર્યા. જાનૈયાઓ બીએમડબલ્યુ, રોલ્સ રોયસ, ઔડી જેવી વૈભવશાળી કારમાં સવાર થઈ વિરાંગને પરણાવવા પહોંચ્યા હતા. મહેમાનો પાણી માગે તો બાસુદી અપાય અને ઇચ્છા થાય એ વાનગી હાજર કરાય. દમામ અને વૈભવની કોઇ સીમા ન હતી. વિરાંગની ઇચ્છા મુજબ લખલુટ ખર્ચે ધામધુમથી લગ્ન કરવામા આવ્યાં.
વિરાંગની ઇચ્છા હતી બેચલર પાર્ટી ઈટાલી રોમમાં થાય. પિતાએ વિરાંગની આ ઇચ્છા પણ પૂરી કરી. પુત્રની અપેક્ષાનુસાર પિતા જયેશભાઈએ વિરાંગના લગ્નની ભવ્યતામાં પૈસા ખર્ચવામાં પાછુ વાળીને જોયું ન હતું. બે વર્ષ પૂર્વે ૨૦૧૬માં યોજાયેલા વિરાંગના લગ્નમાં ગયેલાઓ હજુ આજે પણ એ વૈભવી અને દમામદાર લગ્નની સ્મૃતિઓ વાગોળતા હોય છે. આજે તો શુશીલ અને સંસ્કારી પુત્રવધૂ જયેશભાઈના ઘરમાં દૂધમાં સાકરની જેમ ભળી જઈને આનંદથી રહે છે.



વિરાંગના વિવાહના બરાબર ત્રણ વર્ષ બાદ જયેશભાઈના નાના દીકરા નિલને પરણાવવાનો વારો આવ્યો. ભાઈ વિરાંગના લગ્નનો જલસો એણે પણ માણ્યો હતો. પિતા જયેશભાઈએ નિલના લગ્ન માટે ડેકોરેશન, વેડીંગ ડેસ્ટીનેશન, ઘરેણાં, વ્યવહાર, કેટરીંગ વગેરે માટે ટોપ મોસ્ટ ઈવેન્ટ મેનેજરોને ઘરે બોલાવ્યા હતા. બધાની હાજરીમાં નિલે ખૂબ વિનમ્રતાથી પિતાને કહ્યું, ‘ ડેડી, મોટાભાઈના લગ્ન એમની અને તમારી ઇચ્છા મુજબ ધામધુમથી લખલૂટ ખર્ચે થયા. મારી ઇચ્છા આપણા સગાવહાલાની હાજરીમાં સાદા લગ્નમંડપમાં અગ્નિની સાક્ષીએ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આનંદપૂર્વક સાદગીથી લગ્ન કરવા છે. ‘ પિતા જયેશભાઈ આશ્ચર્યચકિત બની નિલની સામે જોતા રહ્યા. એક મિનિટ માટે તો જયેશભાઈ વિચારવા લાગ્યા કે નિલ મજાક કરે છે.  એમણે નિલને કહ્યું, ‘ ચલ, હવે મજાક બહુ થઇ, તારા ડિઝાઈનર ડ્રેસ અને વેડિંગ લોકેશનની ચોઈસ બોલ.
ત્યારે નિલે પિતાને દ્રઢતાપૂર્વક કહ્યું, ‘ડેડી, હું સિરિયસલી કહું છું. મારે સાદગીથી જ લગ્ન કરવા છે. તમે મારા લગ્ન માટે જે ખર્ચ કરવાનું વિચાર્યું છે એટલી રકમ આપણે અંધજન મંડળમાં આપીએ અને બે ટંક ભોજન ન મળી શકતું હોય એવા ગરીબોને ભોજન કરાવીને ખર્ચ કરીએ એવી મારી ઇચ્છા છે.’



પુત્રના આ વિચારો જોઈને જયેશભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. એમણે ઈવેન્ટ મેનેજરોને ચા-નાસ્તો કરાવી બે હાથ જોડી માફી માગી રવાના કર્યા. નિલની ઇચ્છા અનુસાર જયેશભાઈનું પરિવાર અંધજન મંડળમાં રોજ બપોરના નાસ્તો આપે છે. ભચાઉમાં જીવદયા પાંજરાપોળ, હોસ્પિટલ, માલધારીઓ માટે આવાસ જેવા કાર્યો પાછળ નાણાં ખર્ચી આ આખુ પરિવાર રોજ નિલનું લગ્ન હોય એમ આનંદ કરે છે.
એક જ પરિવારના બે ફરજનના જીવન જીવવાના અલગ અલગ દ્રષ્ટિકોણની આ સત્ય ઘટના છે. એકની સોચ વૈભવી ઠાઠમાઠની અને બીજાનો વિચાર સમાજના સૌ કોઈની સાથે મળી એમના દુઃખને સુખમાં બદલવાની. સામાન્ય રીતે એવી સમજ હોય છે કે ધનાઢ્ય પરિવારમાં ઉછરેલા સંતાનની શૈલી વૈભવી અને દમામદાર જ હોય. નિલની વિચારશરણીએ લોકોના માઈન્ડ સેટમાં ખીલો ઠોક્યો છે. નિલે એના હદયમાં ઉતરીને સંવાદ કર્યો છે. જે ભીતર ઉતરે છે એ તરી જાય છે. એણે એના આઉટ ઓફ બોક્સ એપ્રોચથી અલગ જ રાહ અપનાવ્યો છે. ૨૪-૨૫ વર્ષના આ યુવાન નિલને પોતાના વિચારો ઉપર વિશ્વાસ છે. જ્યારે વિચાર સુંદર હોય ત્યારે દુનિયા આખી રમણીય લાગે.
ભાઈની રાહ ઉપર ન ચાલીને અલગ જ માર્ગ કંડારવાની નિલની વાત હૃદયસ્પર્શી બની જાય છે. જરૂરી નથી કે વ્યક્તિની ઉંમર મોટી હોય જરૂરી તો એ છે કે વ્યક્તિની સોચ મોટી હોય. જીવનની પ્રત્યેક સવાર નવા આકાશ અને નવી શરતો સાથે આવે છે અને દરેક સાંજ અનુભવોનું ભાથું આપીને વિદાય થતી હોય છે. નિલ જેવા યુવાનો રોજ સાંજે અનુભવોમાંથી ઘડાઇ ટીપાઇને આભુષણ જેવા બનતા જાય છે. જયેશભાઈના પરિવારના બે પ્રસંગોની વાતમા બે પ્રકારની ભિન્ન વિચારધારા જોવા મળે છે. માનવીય સંવેદના અને અન્યના જીવનના કષ્ટને સમજી દુર કરવાની ભાવનાનુ તત્વ દેખાય છે. યુવાન નિલના વિચારો મૂળભૂત માનવીય વલણો અને મુલ્યો તપાસવા મજબૂર કરી મૂકે એવા છે. બધા માટે પ્રેમ અને સંવેદનાની સંસ્કૃતિ માત્ર આદર્શવાદી વાતો નથી હોતી. પ્રેમ સંસ્કૃતિને વિસ્તારવાના પ્રયત્નોના પાયામાં સાચી માનવીય સંવેદના હોય છે.

ધબકાર :
એક અમલ હજાર વાતો કરતા વધુ અસરકારક છે.




No comments:

Post a Comment