પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 10 February 2020

પુસ્તકીયા પ્રશ્નોત્તરી ખરી પણ એની સાથે આગળ વધવાનો માર્ગ બતાવે એ શિક્ષક


પુસ્તકીયા પ્રશ્નોત્તરી ખરી પણ એની સાથે આગળ વધવાનો માર્ગ બતાવે એ શિક્ષક

આચાર, વિચાર અને સંસ્કાર વ્યક્તિના મૂલ્યોને ઉજાગર કરતાં મહત્વના પાસાં છે. વળી આ ત્રણેય પાસા ઉપર ચાર બાબતો અસર કરતી હોય છે. પ્રથમ પૂર્વ જન્મના મળેલા સંસ્કારો. એના પછી આવે, માતા-પિતા પાસેથી પ્રાપ્ત થયેલું ભાથું. ત્રીજા ક્રમે મિત્રો તથા સમાજ આવે. છેલ્લે ચોથી પણ સૌથી અગત્યની બાબત છે શિક્ષણની. સમાજના વિકાસ અને પરિવર્તનની જો કોઈ મજબૂત ધરોહર હોય તો એ શિક્ષકો છે. આદિ અનાદિ કાળમાં શિક્ષકનું સ્થાન ‘ગુરુ’ તરીકે નવાજાતું. એના પાયામાં ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારને ‘ગુરુ’ના સ્થાને મૂકવામાં આવતા.



આજે ગુરુ શિક્ષક, ટીચર, માસ્તરના નામે ઓળખાય છે. એક ઉમદા શિક્ષક સાથે પસાર કરેલો એક દિવસ હૃદયપૂર્વક અભ્યાસ કરેલા એક હજાર દિવસથી વધુ મૂલ્યવાન હોય છે. સારો શિક્ષક આશા, આકાંક્ષા અને કલ્પનાને પ્રજ્વલિત કરીને કંઈક નવું શીખવા પ્રત્યે પ્રેમ વધારે છે. આચાર્ય દેવવ્રતને સમગ્ર દુનિયા ચાણક્યના નામથી જાણે છે. જાણીતી વાત છે કે, એક વાર મગધ રાજ્યમાં ધનનંદના દરબારમાં ચાણક્યનું અપમાન થતાં તેમણે ઢોર ચરાવતાં ચંદુને  સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બનાવી દુનિયાને બતાવી આપ્યું કે, શિક્ષકનું સામર્થ્ય શું હોય છે.
વિલિયમ ઓર્થર વર્ડ કહે છે કે, એક શિક્ષક પુસ્તકિયું જ્ઞાન આપી શકે છે. સારો શિક્ષક એને સમજાવી શકે છે, ઉત્તમ શિક્ષક એનો અમલ કરીને બતાવે છે, પરંતુ એક મહાન શિક્ષક વિદ્યાર્થીને પ્રેરણા આપીને ઉપર ઉઠાવે છે. શિક્ષક દરેક જગ્યાએ સન્માન પ્રાપ્ત કરે છે કારણ કે, એ સૌથી સાચો અને સારો મિત્ર હોય છે. વર્ષો પહેલાં એક સંન્નિષ્ઠ શિક્ષકની પાસેથી પ્રાપ્ત કરેલી શિક્ષાના બીજ સાવરકુંડલામાં હરિયાળું વૃક્ષ બનીને મહોરી ઊઠ્યા.
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની કહાની છે. ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને મૂળ શિક્ષક એવા શ્રી રતિલાલ બોરીસાગરના વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક અનોખો આરોગ્ય યજ્ઞ આરંભીને સેવાની સુવાસ ચોમેર ફેલાવી છે. કહેવું પડે કે, આ વિદ્યાર્થીઓએ એમના ગુરુ રતિલાલ બોરીસાગરનું નામ ઉજાળ્યું છે. અહીં આદરણીય મોરારિબાપુની નિશ્રામાં સાહિત્ય અને શિક્ષણના સમન્વય સમો વાર્ષિકોત્સવ યોજાયો. તેમાં શિષ્યોએ ગુરુ રતિલાલ બોરીસાગરના સન્માન સાથે સેવાનો સંકલ્પ દ્રઢીભુત બનાવ્યો. તમામ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે, એક એવું આરોગ્ય મંદિર બનાવીએ કે, જેમાં દર્દીનારાયણોની વિના મૂલ્યે સારવાર થાય અને ઉત્કૃષ્ટ સેવા આપી શકાય. જાન્યુઆરી ૨૦૧૫માં સાવરકુંડલામાં હોસ્પિટલનું લોકાર્પણ થયું. આમ જોવા જઇએ તો સાહિત્યકાર વૈચારિક પ્રક્રિયા અને શબ્દો વડે સમાજને શિક્ષિત કરવાનુ કાર્ય કરે છે. એટલે એ અર્થમાં જોઇએ તો સાહિત્યકાર એક શિક્ષક જ છે. ગુજરાતી ભાષાનુ સૌભાગ્ય છે કે, રતિલાલ બોરીસાગર સ્વરૂપે ઉચા ગજાના શિક્ષક અને ઉત્તમ સાહિત્યકારનો કોમ્બો તેને સહજ રીતે મળ્યો છે.
આ આરોગ્ય મંદિરમાં આવતાં દર્દીઓનું નિદાન, સારવાર, મેડિકલ ટેસ્ટ અને સાત્વિક ભોજનની સવલત નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં આંખો પહોળી થઈ જાય એટલાં પાંચ લાખથી વધુ દર્દીઓની આરોગ્ય મંદિરમાં નિઃશુલ્ક આરોગ્ય સેવા કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં જનરલ ઓપીડી, મેડિકલ સ્ટોર્સ, પેથોલોજી, ગાયનેક, ડાયાલિસિસ વિભાગ સાથે આરોગ્ય મંદિરે દર્દીનારાયણોની સેવાનો યજ્ઞ આરંભ્યો. એક વર્ષ બાદ ૨૦૧૬માં ફીઝીયોથેરેપી, હોલિસ્ટિક સેન્ટર અને પ્રસાદગૃહ સાથે આરોગ્ય મંદિરે તેની આરોગ્ય સેવાને વધુ પ્રબળ બનાવી. બે વર્ષ એટલે ૨૦૧૭માં પીડિયાટ્રિક વિભાગ, ડેન્ટલ વિભાગ અને ૨૦૧૮માં આઈસીયુ, રેડિયોલોજી વિભાગ, મોબાઈલ ક્લિનિક, ટેલી કન્સલ્ટિંગ અને સર્જિકલ વિભાગ સાથે બોરીસાગર સાહેબના વિદ્યાર્થીઓએ આરોગ્ય મંદિરની સેવાઓને વધુ વિકસાવી.
એક શિક્ષકની પ્રેરણા, શિક્ષણ અને સંસ્કારે વિદ્યાર્થીઓના કરેલા ઘડતરની આ એક અદભુત કહાની છે. બાળપણમાં માનસપટ પર પડેલી છાપ અમીટ અને કાયમી એટલા માટે બની જાય છે કે, બાળમાનસ અત્યંત નાજૂક હોય છે. એ સમયે મનમાં પડેલી એક વાત જીવનભરનું ભાથું બની જતી હોય છે. શિક્ષક રતિલાલ બોરીસાગર પાસેથી પ્રાપ્ત કરેલા સંસ્કારવારસાને તેમના વિદ્યાર્થીઓએ સેવાની સાધનામાં પલટાવીને સમાજને એક નવતર ચીલો ચાતરી આપ્યો છે. સપનાની શરૂઆત શિક્ષક સાથે થાય છે. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ આપી એને ખેંચીને, ધક્કો મારીને ઉપર લઈ જાય છે. જો દ્રોણાચાર્ય ન હોત તો કદાચ અર્જૂન ન હોત. એ જ પ્રમાણે જો રામકૃષ્ણ પરમહંસ ન હોત તો વિવેકાનંદ ક્યાંથી મળ્યા હોત ? જો આચરેકર ન હોત તો ક્રિકેટિંગ ગોડ સચિન તેંડુલકરનો પરિચય દુનિયાને ન થયો હોત.
જાણીતા શિલ્પકાર માઈકલ એન્જેલોની વાત છે. એક વખત એમને આરસની સરસ મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો. આરસપહાણ પથ્થનો ટૂકડો ખરીદવા માટે માઈકલ એન્જેલો પાસે પૂરતા પૈસા નહતાં. બજારમાંથી પસાર થતાં રસ્તામાં પડેલાં એક ગંદા અને ખરબચડાં આરસપહાણના પથ્થના ટૂકડા પર એમની નજર પડી. માઈકલ એન્જેલોએ એ પથ્થરનો ટૂકડો લઈને રોડની બાજુમાં આવેલી મારબલની દુકાનમાં જઈને એના માલિકને પૂછ્યું, ‘શું આ પથ્થર તમારો છે ? તમને આ પથ્થર ઉપયોગી છે ?’ દુકાનના માલિકે કહ્યું, ‘ના ભાઈ, આનો ઉપયોગ નથી એટલે જ તો મેં એને ફેંકી દીધો છે.’ માઈકલ એન્જેલોએ કહ્યું, ‘શું હું આ પત્થરનો ટૂકડો લઇ જઈ શકું.’ દુકાનના માલિક કહ્યું, ‘ચોક્કસ. મારે કશા કામનો નથી. તમે એને લઈ જઈ શકો છો. મારે એના પૈસા પણ નથી જોઈતા.’ માઈકલ એન્જેલો ખુશ થઇ ગયા. એ પથ્થરનો ટૂકડો ઘરે લઈ જઈને તેને સાફ કરીને એમાંથી મૂર્તિ ઘડવાનું શરું કર્યું. એમણે એ પથ્થરમાંથી જીસસ અને મધર મેરીની એક બીજાને વહાલથી ભેટતાં હોય એવું માતા-પુત્રનું સુંદર શિલ્પ કંડાર્યું. આ શિલ્પ દુનિયાની અમર કૃતિ બની ગઈ.
માઈકલ એન્જેલોને એક વખત પૂછવામાં આવ્યું કે, ‘તમે જીસસ અને મધર મેરીના આ શિલ્પને ઘડવા માટે આરસપહાણના આ પથ્થરને જ કેમ પસંદ કર્યો.’ ત્યારે માઈકલ એન્જેલેઓ જવાબ આપ્યો કે, ‘હું પથ્થરને ઘડવાનુ કામ જાણું છું. ગંદા અને રફ લાગતા પથ્થરના આત્માનો અવાજ મને બોલાવતો હતો. એટલે જ મેં આ પથ્થરને આવું સ્વરૂપ આપ્યું છે.’ શિક્ષક પણ એક મોટા ગજાનો શિલ્પકાર છે. ગમે તે વિદ્યાર્થીને શિક્ષક તરાશીને મહાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષક એક સડક જેવો હોય છે. સ્વયં તો ત્યાં જ ઉભો હોય છે પરંતુ બીજાને લક્ષ્ય સુધી પહોંચાડે છે.
એલેકઝાન્ડરે એના વિજયી પરચમનો શ્રેય આપતાં એક વાર કહ્યું હતું કે, એની સફળતાના પાયામાં જીવન જીવવા માટે એના માતા પિતાનો એ ઋણી છે. પણ સારું અને વિજયી જીવન જીવવા માટે એ એના શિક્ષકોનો હંમેશા ઋણી રહ્યો છે. એક સારો શિક્ષક પુસ્તકીયા પ્રશ્નના હલની સાથે આગળ વધવાનો માર્ગ નક્કી કરી આપે છે, એની ઉપર ચાલવા માટે વિદ્યાર્થીઓને વિકલ્પો આપે છે. એમાંથી એક વિકલ્પ પસંદ કરીને વિદ્યાર્થી તેના ઉજ્જવળ ભવિષ્યની ઇમારત બનાવે છે. એક ઇચ્છા કશું બદલી શકતી નથી. એક નિર્ણય જીવનમાં થોડો બદલાવ લાવે છે, પરંતુ એક નિશ્ચય બધું જ બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષક વિદ્યાર્થીના માનસપટ ઉપર નિશ્ચય કરવાનું આત્મબળ પેદા કરતો હોય છે.

ધબકાર :
બાળકના કુમળા માનસ ઉપર ઉપદેશ કરતાં ઉદાહરણની વધુ અસર થતી હોય છે.




No comments:

Post a Comment